સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ

બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ

“બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.”—યોહા. ૭:૨૪.

ગીતો: ૫૪, ૪૩

૧. યશાયાએ ઈસુ વિશે શું ભાખ્યું હતું અને એ આપણને ખાતરી રાખવા કઈ રીતે મદદ કરે છે?

ઈસુ ખ્રિસ્ત વિશેની યશાયાની ભવિષ્યવાણી આપણને ખાતરી અને આશા આપે છે. યશાયાએ ભાખ્યું હતું કે ઈસુ ‘પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી નિરાધારનો ઇન્સાફ કરશે.’ (યશા. ૧૧:૩, ૪) એ શબ્દો કઈ રીતે આપણને ખાતરી રાખવા મદદ કરે છે? આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં ચારે બાજુ પૂર્વગ્રહ જોવા મળે છે. લોકો જે જુએ છે, એ પ્રમાણે એકબીજાનો ન્યાય કરે છે. આપણને ખરેખર એક સંપૂર્ણ ન્યાયાધીશ, ઈસુની જરૂર છે, જે કદી આપણા દેખાવના આધારે ન્યાય કરશે નહિ.

૨. ઈસુએ આપણને કઈ આજ્ઞા આપી હતી, આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

દિવસમાં કેટલીય વાર આપણે બીજાઓ વિશે અભિપ્રાય બાંધીએ છીએ. આપણે ઈસુની જેમ સંપૂર્ણ નથી, એટલે આપણો અભિપ્રાય ખોટો હોઈ શકે છે. આપણી નજરે જે પડે છે, એના આધારે આપણે તરત વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધી લઈએ છીએ. જોકે, ઈસુએ આજ્ઞા આપી હતી: “બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો, પણ સાચી રીતે ન્યાય કરો.” (યોહા. ૭:૨૪) એટલે ઈસુ ચાહે છે કે, આપણે તેમના જેવા બનીએ અને બીજાઓનો ન્યાય તેઓનો દેખાવ જોઈને ન કરીએ. આ લેખમાં આપણા અભિપ્રાયને અસર કરતાં ત્રણ પાસાં જોઈશું: વ્યક્તિની જાતિ કે તેનો દેશ, વ્યક્તિની ધનસંપત્તિ અને વ્યક્તિની ઉંમર. આ દરેક પાસામાં, આપણે શીખીશું કે કઈ રીતે ઈસુની આજ્ઞા પાળવી જોઈએ અને શા માટે દેખાવને આધારે બીજાઓનો ન્યાય ન કરવો જોઈએ.

જાતિ કે દેશના આધારે અભિપ્રાય ન બાંધીએ

૩, ૪. (ક) કયા બનાવોને લીધે પીતરે બીજી જાતિના લોકો વિશે પોતાના વિચારો સુધાર્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) યહોવાએ પીતરને કઈ નવી સમજણ આપી?

કર્નેલિયસ કાઈસારીઆમાં રહેતા હતા અને તે યહુદી ન હતા. કલ્પના કરો કે, પીતરને કર્નેલિયસના ઘરે જવાનું કહેવામાં આવ્યું ત્યારે, તેમને કેવું લાગ્યું હશે! (પ્રે.કા. ૧૦:૧૭-૨૯) પીતરને બાળપણથી શીખવવામાં આવ્યું હતું કે બીજી પ્રજાના લોકો અશુદ્ધ છે. પરંતુ, એવું કંઈક થયું, જેનાથી તેમનો વિચાર બદલાયો. તેમને ઈશ્વર તરફથી દર્શન થયું. (પ્રે.કા. ૧૦:૯-૧૬) એ દર્શનમાં પીતરે જોયું કે એક ચાદર જેવા વાસણમાં અશુદ્ધ પ્રાણીઓ હતાં અને તેમણે સ્વર્ગમાંથી એ નીચે ઊતરતા જોયું. પછી તેમને એક અવાજ સંભળાયો, “પીતર, ઊભો થા અને મારીને ખા!” પણ, પીતરે ના પાડી. એવું ત્રણ વાર થયું, દર વખતે એ અવાજ કહેતો: “ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને અપવિત્ર કહીશ નહિ.” એ દર્શન પછી, પીતરને તરત સમજાયું નહિ કે એ અવાજ તેમને શું કહેવા માંગતો હતો. એ જ વખતે, કર્નેલિયસના માણસો આવ્યા અને પવિત્ર શક્તિએ પીતરને કર્નેલિયસના ઘરે જવાની પ્રેરણા આપી. તેથી, પીતર એ માણસો સાથે ગયા.

જો પીતરે “બહારનો દેખાવ” કે પૂર્વગ્રહને આધારે નિર્ણય લીધો હોત, તો તે ક્યારેય કર્નેલિયસના ઘરે ગયા ન હોત. કારણ કે, યહુદીઓ બીજી જાતિના લોકોના ઘરે ક્યારેય જતા ન હતા. તો પછી પીતરે શાના આધારે નિર્ણય લીધો? તેમને થયેલા દર્શન અને પવિત્ર શક્તિના માર્ગદર્શનને લીધે તેમણે બીજી જાતિના લોકો માટેનો પૂર્વગ્રહ દૂર કર્યો. આમ, તેમણે પોતાના વિચારોમાં સુધારો કર્યો. કર્નેલિયસની વાત સાંભળ્યા પછી પીતરે કહ્યું: “હવે, હું ખરેખર સમજું છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. પરંતુ, દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.” (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) એ નવી સમજણ પીતર માટે ઘણી રોમાંચક હતી. બધા ઈશ્વરભક્તો પર એની અસર થવાની હતી. કઈ રીતે?

૫. (ક) યહોવા બધા ઈશ્વરભક્તોને શું સમજાવવા માંગે છે? (ખ) ભલે આપણે સત્ય જાણતા હોઈએ તોપણ આપણી અંદર કઈ બાબત જોવા મળી શકે?

યહોવા બધા ઈશ્વરભક્તોને સમજાવવા માંગતા હતા કે પોતે પક્ષપાત કરતા નથી. એ માટે તેમણે પીતરનો ઉપયોગ કર્યો હતો. યહોવા નાત-જાત, દેશ કે ભાષા જેવી બાબતોમાં ભેદભાવ કરતા નથી. આપણે ઈશ્વરનો ડર રાખીશું, જે ખરું છે એ કરીશું તો, તે આપણો સ્વીકાર કરશે. (ગલા. ૩:૨૬-૨૮; પ્રકટી. ૭:૯, ૧૦) પરંતુ, જો તમારો ઉછેર એવા દેશ કે કુટુંબમાં થયો હોય, જ્યાં પૂર્વગ્રહ રાખવો સામાન્ય બાબત છે, તો તમે શું કરશો? તમે કદાચ કહેશો કે તમે પક્ષપાત કરતા નથી. પણ શું એવું બની શકે તમારામાં હજુ પણ પૂર્વગ્રહની છાંટ રહી ગઈ હોય? પીતરે પણ બીજાઓને એ સમજવા મદદ કરી હતી કે ઈશ્વર પક્ષપાતી નથી, તેમ છતાં તેમનામાં પૂર્વગ્રહની અસર દેખાતી હતી. (ગલા. ૨:૧૧-૧૪) તો પછી આપણે કઈ રીતે ઈસુની આજ્ઞા પાળી શકીએ અને બીજાઓના દેખાવના આધારે તેઓનો ન્યાય કરવાનું ટાળી શકીએ?

૬. (ક) પૂર્વગ્રહની લાગણી જડમૂળથી ઉખેડવા શેનાથી મદદ મળી શકે? (ખ) એક જવાબદાર ભાઈના અહેવાલ પરથી તેમના વિશે શું જાણવા મળ્યું?

આપણામાં પૂર્વગ્રહની લાગણી છે કે નહિ એની તપાસ કઈ રીતે કરી શકીએ? આપણે બાઇબલમાંથી જે શીખીએ છીએ એની સાથે આપણા વલણને સરખાવવું જોઈએ. (ગીત. ૧૧૯:૧૦૫) આપણી અંદર પૂર્વગ્રહ છે કે નહિ, એ આપણે જાતે જોઈ શકતા નથી. એટલે, એ વિશે આપણા ખાસ મિત્રને પૂછી શકીએ. (ગલા. ૨:૧૧, ૧૪) એ લાગણી આપણી અંદર એટલી હદે વણાઈ ગઈ હોય કે આપણને ખ્યાલ પણ ન આવે કે આપણે પૂર્વગ્રહ રાખીએ છીએ. એવું જ કંઈક એક જવાબદાર ભાઈ સાથે થયું હતું. પૂરા સમયની સેવા કરતા એક મહેનતુ યુગલ વિશે તેમણે એક અહેવાલ લખ્યો હતો. પતિ એવી જાતિના હતા, જેને લોકો નીચી નજરે જોતા હતા. ભાઈએ એ પતિ વિશે ઘણી સારી બાબતો લખી હતી, પણ પછી લખ્યું: ‘ભલે તે ભાઈ [આ દેશના] છે, તેમની રીતભાત અને જીવનઢબથી બીજાઓને એ સમજવા મદદ મળે છે કે [એ જાતિની] વ્યક્તિ ગંદી જ હોય કે તેની જીવનઢબ પછાત હોય, એવું જરૂરી નથી. ભલે પછી, [એ જાતિના] મોટાભાગના લોકો એવા કેમ ન હોય.’ એમાંથી શું શીખવા મળે છે? આપણી પાસે યહોવાના સંગઠનમાં ઘણી જવાબદારી હોય શકે છે. પરંતુ, જો આપણી અંદર પૂર્વગ્રહની લાગણી હોય, તો એને દૂર કરવા નમ્રતાથી મદદ સ્વીકારવી જોઈએ. ઉપરાંત, બીજું શું કરી શકીએ?

૭. આપણે “દિલના દરવાજા ખુલ્લા મૂક્યા” છે, એ કઈ રીતે બતાવી શકીએ?

જો આપણે “દિલના દરવાજા ખુલ્લા મૂક્યા” હશે, તો આપણે પૂર્વગ્રહ રાખવાને બદલે પ્રેમ બતાવીશું. (૨ કોરીં. ૬:૧૧-૧૩) શું તમે તમારી નાત-જાત, દેશ કે ભાષાના લોકો સાથે જ હળો-મળો છો? જો એમ હોય તો બીજાઓ સાથે પણ હળવા-મળવાનો પ્રયત્ન કરો. તમે કદાચ બીજાં સમાજનાં ભાઈ-બહેનોને પોતાની સાથે સેવાકાર્યમાં જોડાવા આમંત્રણ આપી શકો. અથવા તમારા ઘરે જમવા કે ચા-નાસ્તો કરવા બોલાવી શકો. (પ્રે.કા. ૧૬:૧૪, ૧૫) સમય જતાં, તેઓ માટેનો પ્રેમ એટલો વધશે કે પૂર્વગ્રહ માટે તમારા દિલમાં કોઈ જગ્યા જ નહિ બચે. હવે ચાલો બીજું પાસું જોઈએ, જેમાં આપણે કદાચ ‘બહારના દેખાવના’ આધારે અભિપ્રાય બાંધી શકીએ છીએ.

ધનસંપત્તિ કે ગરીબીના આધારે અભિપ્રાય ન બાંધીએ

૮. ધનસંપત્તિ કે ગરીબીના આધારે અભિપ્રાય ન બાંધવા વિશે લેવીય ૧૯:૧૫ શું કહે છે?

વ્યક્તિ કેટલી ધનવાન કે ગરીબ છે, એની અસર આપણા વર્તન પર પડી શકે છે. પરંતુ, લેવીય ૧૯:૧૫માં લખ્યું છે: ‘ગરીબને દેખી તેનો પક્ષ ન લો, ને ધનવાનની તરફેણ ન કરો; પણ પોતાના પડોશીનો અદ્દલ ન્યાય કરો.’ વ્યક્તિની ધનસંપત્તિ કે ગરીબીને લીધે કઈ રીતે તેના માટેની આપણી દૃષ્ટિ બદલાઈ જઈ શકે?

૯. સુલેમાને કયું કડવું સત્ય લખ્યું હતું, એમાંથી આપણને શું શીખવા મળે છે?

સુલેમાન આ કડવું સત્ય લખવા પ્રેરાયા હતા: “ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.” (નીતિ. ૧૪:૨૦) આ કહેવત આપણને શું શીખવે છે? જો ધ્યાન નહિ રાખીએ, તો આપણે પણ કદાચ ફક્ત ધનવાન ભાઈ-બહેનોને મિત્રો બનાવવા ચાહીશું, ગરીબ ભાઈ-બહેનોને નહિ. ધનસંપત્તિને આધારે વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધવો શા માટે જોખમી છે?

૧૦. યાકૂબે ઈશ્વરભક્તોને શાના વિશે ચેતવ્યા હતા?

૧૦ જો આપણે ધનસંપત્તિ કે ગરીબીને આધારે ભાઈ-બહેનો સાથે ભેદભાવ રાખીશું, તો મંડળમાં ભાગલા પડી જઈ શકે છે. પહેલી સદીના અમુક મંડળોમાં એવું જ બન્યું હતું અને યાકૂબે એ વિશે ઈશ્વરભક્તોને ચેતવ્યા હતા. (યાકૂબ ૨:૧-૪ વાંચો.) મંડળમાં ક્યારેય ભાગલા પડવા દેવા ન જોઈએ. તો પછી, વ્યક્તિની પાસે જે કંઈ છે એના આધારે અભિપ્રાય બાંધવાનું આપણે કઈ રીતે ટાળી શકીએ?

૧૧. શું માલમિલકત વ્યક્તિના યહોવા સાથેના સંબંધને અસર કરે છે? સમજાવો.

૧૧ આપણે ભાઈ-બહેનોને યહોવાની નજરે જોવા જોઈએ. વ્યક્તિ ગરીબ હોય કે ધનવાન, એના આધારે યહોવા એને અનમોલ ગણતા નથી. આપણી પાસે કેટલી ધનસંપત્તિ છે, એની અસર યહોવા સાથેના આપણા સંબંધ પર પડતી નથી. ખરું કે, ઈસુએ કહ્યું હતું: “ધનવાન માણસ માટે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું બહુ અઘરું થઈ પડશે.” પરંતુ, તેમણે એવું કહ્યું ન હતું કે એ અશક્ય હશે. (માથ. ૧૯:૨૩) ઈસુએ એમ પણ કહ્યું હતું: “ગરીબો, તમે સુખી છો, કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.” (લુક ૬:૨૦) પણ એનો અર્થ એવો નથી કે બધા ગરીબો ઈસુનું સાંભળશે અને ખાસ આશીર્વાદ મેળવશે. એવા ઘણા ગરીબો હતા જે ઈસુના પગલે ચાલ્યા નહિ. હકીકત એ છે, વ્યક્તિની માલમિલકતથી યહોવા સાથેના તેના સંબંધને અસર થતી નથી.

૧૨. ધનવાન અને ગરીબ લોકો વિશે બાઇબલ શું શીખવે છે?

૧૨ આજે અમુક ભાઈ-બહેનો ધનવાન છે તો અમુક ગરીબ. પરંતુ, તેઓ બધા યહોવાને પ્રેમ કરે છે અને પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે. બાઇબલ ધનવાનોને જણાવે છે કે તેઓ “પોતાની આશા ધનદોલત પર ન મૂકે, જે આજે છે અને કાલે નથી. પણ, તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે.” (૧ તિમોથી ૬:૧૭-૧૯ વાંચો.) ધનવાન હોય કે ગરીબ, દરેક ઈશ્વરભક્તોને બાઇબલ ચેતવણી આપે છે કે પૈસાનો મોહ રાખવો જોખમી છે. (૧ તિમો. ૬:૯, ૧૦) આપણે યહોવાની નજરે ભાઈ-બહેનોને જોઈશું તો, તેઓ પાસે શું છે અને શું નથી એના આધારે અભિપ્રાય બાંધીશું નહિ. હવે આપણે જોઈશું કે ઉંમરના આધારે કોઈના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ કે નહિ.

ઉંમરના આધારે અભિપ્રાય ન બાંધીએ

૧૩. વૃદ્ધોને આદર આપવા વિશે બાઇબલ શું શીખવે છે?

૧૩ બાઇબલ ઘણી વાર જણાવે છે કે આપણે વૃદ્ધ લોકોનો આદર કરવો જોઈએ. લેવીય ૧૯:૩૨માં લખ્યું છે: “તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ.” નીતિવચનો ૧૬:૩૧ કહે છે: “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” પાઊલે તિમોથીને કહ્યું કે વૃદ્ધ પુરુષોની ટીકા કરવાને બદલે તેઓને પિતા ગણે. (૧ તિમો. ૫:૧, ૨) તિમોથી પાસે વૃદ્ધ ભાઈઓ પર અમુક અધિકાર હતો, તોપણ તેમણે હંમેશાં તેઓ સાથે પ્રેમાળ અને આદરપૂર્વક રીતે વર્તવાનું હતું.

૧૪. આપણાથી ઉંમરમાં મોટા હોય તેઓને સુધારો કરવા ક્યારે મદદ કરવાની જરૂર પડી શકે?

૧૪ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ જાણીજોઈને પાપ કરે કે યહોવાને પસંદ ન હોય એવા વિચારો ફેલાવે ત્યારે શું? જાણીજોઈને પાપ કરનારને યહોવા માફ કરતા નથી, પછી ભલે તે વ્યક્તિ વૃદ્ધ અને આદરપાત્ર હોય. યશાયા ૬૫:૨૦માં આપેલા આ સિદ્ધાંત પર ધ્યાન આપો: “પાપી સો વરસની વયનો છતાં શાપિત થશે.” હઝકીએલને થયેલા દર્શનમાં પણ એવો જ સિદ્ધાંત જોવા મળે છે. (હઝકી. ૯:૫-૭) સૌથી મહત્ત્વનું છે કે આપણે વયોવૃદ્ધ પુરુષને એટલે કે યહોવાને આદર આપવો જોઈએ. (દાની. ૭:૯, ૧૦, ૧૩, ૧૪) યહોવા પ્રત્યે આદર હશે તો, આપણે હિંમતથી વ્યક્તિને સુધારો કરવા મદદ કરી શકીશું, ભલે પછી તેની ઉંમર ગમે તેટલી હોય.—ગલા. ૬:૧.

શું તમે યુવાન ભાઈઓને માન આપો છો? (ફકરો ૧૫ જુઓ)

૧૫. યુવાન ભાઈઓને આદર આપવા વિશે આપણે પ્રેરિત પાઊલ પાસેથી શું શીખી શકીએ?

૧૫ યુવાન ભાઈ વિશે શું? શું તે આદર મેળવવાને લાયક નથી? ના, એમ નથી. પાઊલે તિમોથીને લખ્યું હતું: “તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં વફાદાર લોકો માટે સારું ઉદાહરણ બેસાડજે.” (૧ તિમો. ૪:૧૨) પાઊલે આ લખ્યું ત્યારે તિમોથી કદાચ ત્રીસ વર્ષના હતા, તેમ છતાં પાઊલે તેમને મહત્ત્વની જવાબદારીઓ સોંપી હતી. એમાંથી શું શીખવા મળે છે? આપણે ભાઈઓની ઉંમરના આધારે તેઓ વિશે અભિપ્રાય ન બાંધવો જોઈએ. જરા વિચારો, ૩૩ વર્ષની ઉંમર સુધીમાં ઈસુએ કેટલાંય મહત્ત્વનાં કામ કરી દીધાં હતાં!

૧૬, ૧૭. (ક) સહાયક સેવક કે વડીલ બનવા માટેની લાયકાત તપાસતી વખતે વડીલોએ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? (ખ) પોતાના વિચારો કે સ્થાનિક રીતભાત કઈ રીતે આપણને બાઇબલની વિરુદ્ધ લઈ જઈ શકે?

૧૬ અમુક સમાજમાં યુવાનોને માનની નજરે જોવામાં આવતા નથી. પરિણામે, સહાયક સેવક કે વડીલ તરીકેની જવાબદારી માટે અમુક વડીલો યુવાન ભાઈઓની ભલામણ કરતા નથી, ભલે પછી તેઓ એ માટે લાયક કેમ ન હોય. જોકે, બાઇબલમાં એવું ક્યાંય લખવામાં આવ્યું નથી કે, સહાયક સેવક કે વડીલ બનવા અમુક ઉંમરના હોવું જરૂરી છે. (૧ તિમો. ૩:૧-૧૦, ૧૨, ૧૩; તિત. ૧:૫-૯) જો વડીલ પોતાની સંસ્કૃતિની અસર હેઠળ એના વિશે કોઈ નિયમ બનાવે, તો તે બાઇબલનાં ધોરણો લાગુ પાડતા નથી. વડીલોએ પોતાના મંતવ્ય કે સ્થાનિક રિવાજોને આધારે નહિ, પણ બાઇબલનાં ધોરણોને આધારે યુવાનો વિશે અભિપ્રાય બાંધવો જોઈએ.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

૧૭ સહાયક સેવકો કે વડીલોની ભલામણ કરતી વખતે વડીલો બાઇબલનાં ધોરણો નહિ પાળે તો શું થશે? લાયકાત ધરાવતા ભાઈઓને પ્રગતિ કરવાની તક નહિ મળે. એક મંડળમાં એક સહાયક સેવક ઘણી મહત્ત્વની જવાબદારીઓ ઉપાડી રહ્યા હતા. વડીલ બનવા માટેની બાઇબલની લાયકાતો એ સહાયક સેવકમાં છે, એ વિશે વડીલો સહમત હતા. પરંતુ, અમુક વૃદ્ધ વડીલોને લાગ્યું કે તે દેખાવે ખૂબ નાના લાગે છે, તે વડીલ જેવા દેખાશે નહિ. એટલે તેઓએ ભલામણ કરી નહિ. દુઃખની વાત કહેવાય, એ ભાઈની નિમણૂક કરવામાં ન આવી અને એ પણ તેમના દેખાવના કારણે. દુનિયામાં ઘણી જગ્યાએ લોકોની વિચારસરણી આવી જ છે. પરંતુ, સૌથી મહત્ત્વનું એ છે કે આપણે પોતાના પર કે સ્થાનિક રીતભાત પર નહિ, પણ બાઇબલ પર આધાર રાખીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે ઈસુની આજ્ઞા પાળીએ છીએ અને દેખાવના આધારે બીજાઓ વિશે અભિપ્રાય બાંધતા નથી.

અભિપ્રાય બાંધતી વખતે સચ્ચાઈથી વર્તીએ

૧૮, ૧૯. યહોવાની જેમ ભાઈ-બહેનો પ્રત્યે પૂર્વગ્રહ ન રાખવા શાનાથી મદદ મળશે?

૧૮ આપણે અપૂર્ણ હોવા છતાં યહોવાનું અનુકરણ કરી શકીએ છીએ. આપણે પૂર્વગ્રહ ન રાખવાનું શીખી શકીએ છીએ. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫) આપણે હંમેશાં બાઇબલનાં ધોરણો પર ધ્યાન આપવું જોઈએ. જો આપણે એ લાગુ પાડીશું, તો ઈસુની આ આજ્ઞા પાળી શકીશું: “બહારનો દેખાવ જોઈને ન્યાય કરવાનું બંધ કરો.”—યોહા. ૭:૨૪.

૧૯ આપણા રાજા ઈસુ ખ્રિસ્ત જલદી જ બધા લોકોનો ન્યાય કરવાના છે. તે કોઈના દેખાવને આધારે નહિ, પણ ઈશ્વરનાં ખરાં ધોરણોને આધારે ન્યાય કરશે. (યશા. ૧૧:૩, ૪) એ સમયની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ!