સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ

મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ

“ડેડી,” “પપ્પા,” “અંકલ.” આવા તો ઘણા સંબોધનો બેથેલના યુવાનો મારા માટે વાપરે છે. હવે ૮૯ વર્ષે, એવું બધું સાંભળવું ગમે છે. હું તો એને એક ઇનામ ગણું છું, જે મને ૭૨ વર્ષની પૂરા સમયની સેવા માટે યહોવા તરફથી મળ્યું છે. ઈશ્વરની સેવામાં થયેલા અનુભવોને આધારે હું યુવાનોને ખાતરીથી કહી શકું છું કે, ‘તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો. કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.’—૨ કાળ. ૧૫:૭.

મારું કુટુંબ

મારાં મમ્મી-પપ્પા યુક્રેઇનથી કેનેડા આવ્યાં હતાં. તેઓ મનિટોબા પ્રાંતના રોઝબર્ન નગરમાં ઠરીઠામ થયાં હતાં. અમે ૮ ભાઈઓ અને ૮ બહેનો હતાં. અમારામાંથી કોઈ જોડિયા ન હતા. મારો નંબર ચૌદમો હતો. મારા પિતાને બાઇબલ ગમતું, તે દર રવિવારે સવારે અમને બાઇબલમાંથી વાંચી સંભળાવતા. પણ ધર્મગુરુઓ વિશે તેમને લાગતું કે તેઓ તો લોકોને મદદ કરવાને બદલે તેઓ પાસેથી પૈસા પડાવે છે. એટલે તે ઘણી વાર મજાકમાં કહેતા, “મને ખબર નથી, પ્રચાર અને શિક્ષણ માટે ઈસુને કોણે પૈસા આપ્યા હતા?”

સમય જતાં, મારાં ચાર ભાઈ અને ચાર બહેનોએ પણ સત્ય સ્વીકાર્યું હતું. મારાં મોટાં બહેન રોઝ જીવ્યાં ત્યાં સુધી તેમણે પાયોનિયરીંગ કર્યું હતું. જીવનની છેલ્લી ઘડીઓમાં પણ તે દરેકને ઈશ્વરના વચન પર ધ્યાન આપવાનું ઉત્તેજન આપતાં અને કહેતાં, ‘હું તમને નવી દુનિયામાં જોવા ચાહું છું.’ મારા મોટા ભાઈ ટેડ, અગાઉ નર્ક વિશે પ્રચાર કરતા. દર રવિવારે તે રેડિયો પર પ્રવચન આપતા. તે શ્રોતાઓ આગળ એકની એક વાત રટ્યા કરતા અને ભારપૂર્વક કહેતા કે કદી ન હોલવાતી નર્કની આગમાં પાપીઓ હંમેશ માટે તડપશે. પછીથી, તેમને સત્ય મળ્યું અને તે યહોવાના વફાદાર અને ઉત્સાહી ભક્ત બન્યા.

પૂરા સમયની સેવા શરૂ કરી

જૂન ૧૯૪૪માં એક દિવસ હું સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે અમારા જમવાના ટેબલ પર એક પુસ્તિકા હતી, ધ કમિંગ વર્લ્ડ રીજનરેશન. * મેં પહેલું પાન વાંચ્યું, પછી બીજું, પછી તો એ પુસ્તિકા પતાવીને જ ઝંપ્યો. પુસ્તિકા વાંચી રહ્યો ત્યાં સુધીમાં તો મેં નિર્ણય લઈ લીધો હતો કે, મારે ઈસુની જેમ યહોવાની સેવા કરવી છે.

એ પુસ્તિકા અમારા ટેબલ પર ક્યાંથી આવી? મારા મોટા ભાઈ સ્ટીવે જણાવ્યું કે બે માણસો પુસ્તક અને પુસ્તિકાઓ વેચવા અમારા ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું, ‘મેં એટલે ખરીદી, કેમ કે એની કિંમત ફક્ત પાંચ સેન્ટ હતી.’ એ માણસો બીજા રવિવારે પાછા આવ્યા. તેઓએ જણાવ્યું, તેઓ યહોવાના સાક્ષીઓ છે અને લોકોના સવાલોના જવાબ બાઇબલમાંથી આપે છે. અમારાં માતા-પિતાએ બાઇબલને માન આપવાનું શીખવ્યું હતું, એટલે અમને તેઓની વાત ગમી. એ બે માણસોએ જણાવ્યું કે, વિનીપેગ નામના શહેરમાં થોડા જ સમયમાં યહોવાના સાક્ષીઓનું સંમેલન થવાનું છે. એ શહેરમાં મારી બહેન એલશે રહેતી હતી. મેં એ સંમેલનમાં જવાનું નક્કી કર્યું.

મારા ઘરથી વિનીપેગ ૩૨૦ કિલોમીટર દૂર હતું. હું સાયકલ લઈને નીકળ્યો, રસ્તામાં કેલવુડ નગરમાં રોકાયો, જ્યાં પેલા બે ભાઈઓ રહેતા હતા. હું સભામાં ગયો, મને ખ્યાલ આવ્યો કે મંડળ એટલે શું. મને એ પણ ખબર પડી કે પુરુષ, સ્ત્રી, બાળક બધાએ ઈસુની જેમ બાઇબલમાંથી શીખવવા ઘરેઘરે જવું જોઈએ.

વિનીપેગમાં મને મારા મોટા ભાઈ જેક મળ્યા, જે ઑન્ટેરીઓના ઉત્તર ભાગથી સંમેલન માટે આવ્યા હતા. સંમેલનના પહેલા દિવસે ભાઈએ જાહેર કર્યું કે, બાપ્તિસ્માની ગોઠવણ કરવામાં આવી છે. એ સંમેલનમાં મેં અને જેકે બાપ્તિસ્મા લેવાનું નક્કી કર્યું. બાપ્તિસ્મા પછી બને એટલું જલદી અમે પાયોનિયર બનવાનો નિર્ણય લીધો. જેક તો સંમેલન પછી તરત જ પાયોનિયર બની ગયા. પણ, હું તો હજુ ૧૬ વર્ષનો જ હતો, મારું ભણવાનું હજુ પત્યું ન હતું. એના પછીના વર્ષે હું પણ પાયોનિયર બન્યો.

જીવનમાં મળ્યા ઘણા બોધપાઠ

સ્ટેન નિકોલસન નામના ભાઈ સાથે મેં પાયોનિયર સેવા શરૂ કરી. અમે મનિટોબા પ્રાંતના સુરિસ નગરમાં હતા. મને શીખવા મળ્યું કે પાયોનિયરીંગનો માર્ગ લાગે એટલો સહેલો નથી. ધીમે ધીમે અમારા પૈસા ઓછા થઈ રહ્યા હતા પણ અમે પ્રચાર કરવાનું છોડ્યું નહિ. એક દિવસ, પ્રચાર કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે, ખીસ્સું અને પેટ બંને ખાલી હતા. ઘરે પહોંચ્યા તો દરવાજા પાસે ખોરાકની એક મોટી થેલી પડી હતી! આજની તારીખમાં પણ અમને ખબર નથી કે દરવાજે ખોરાક કોણ મૂકી ગયું હતું. એ સાંજે તો અમે રાજાની જેમ ખાધું. અમે હાથ ઢીલા પડવા દીધા નહિ, એનું કેટલું સરસ ઇનામ! અરે, એ મહિનાના અંતે તો હું એટલો જાડો થઈ ગયો કે, મારું વજન પહેલાં ક્યારેય એટલું વધ્યું ન હતું.

થોડા મહિનાઓ પછી, સુરિસની ઉત્તરે આશરે ૨૪૦ કિલોમીટર દૂર આવેલા ગિલબર્ટ પ્લેઇન્સ નામના નગરમાં અમને સોંપણી મળી. એ દિવસોમાં, દરેક મંડળમાં સ્ટેજ પર મોટો ચાર્ટ રાખવામાં આવતો, જેમાં મહિના દરમિયાન થતી મંડળની પ્રચાર પ્રવૃત્તિઓ લખવામાં આવતી. એક મહિને એ પ્રવૃત્તિઓ થોડી ઘટી ગઈ હતી, એટલે મેં પ્રવચનમાં ભાઈ-બહેનોને ભાર દઈને જણાવ્યું કે તેઓએ વધારે મહેનત કરવાની જરૂર છે. સભા પછી એક વૃદ્ધ પાયોનિયર બહેન મારી પાસે આવ્યાં, જેમના પતિ સત્યમાં ન હતા. બહેનની આંખમાં આંસુ હતા અને તે બોલ્યાં, ‘મેં પ્રયત્ન કર્યો હતો પણ હું વધારે કરી ન શકી.’ એ સાંભળીને મારી આંખો પણ ભીની થઈ ગઈ અને મેં બહેનની માફી માંગી.

મારી જેમ ઘણા ઉત્સાહી યુવાનો પણ ભૂલો કરે છે અને પછી નિરાશ થઈ જાય છે. પરંતુ, હું અનુભવથી શીખ્યો કે, એવા સમયે પોતાના હાથ ઢીલા પડવા દેવા ન જોઈએ, પણ એમાંથી બોધપાઠ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. એમ કરવાથી બીજા આશીર્વાદો મળશે.

ક્વિબેકની લડાઈ

૨૧ વર્ષની ઉંમરે મને એક મોટો લહાવો મળ્યો હતો! ગિલયડ શાળાના ૧૪મા વર્ગમાં જવાનો મને મોકો મળ્યો, હું ફેબ્રુઆરી ૧૯૫૦માં સ્નાતક થયો. અમારા ગિલયડ વર્ગના ચોથા ભાગનાં ભાઈ-બહેનોને એકસરખી સોંપણી મળી હતી. અમને કેનેડાના ફ્રેંચ બોલતા ક્વિબેક પ્રાંતમાં મોકલવામાં આવ્યાં હતાં. એ વિસ્તારમાં યહોવાના સાક્ષીઓની આકરી સતાવણી થતી હતી. સોનાની ખાણવાળા વિસ્તારના વેલદૂર નગરમાં મને સોંપણી મળી હતી. એક દિવસ, વાલ-સેનવિલે નામના નજીકના ગામડામાં અમે બધાં ભાઈ-બહેનો પ્રચાર માટે ગયાં હતાં. સ્થાનિક પાદરીએ ધમકી આપી કે જો અમે તરત જ ગામ છોડીને જતા નહિ રહીએ, તો અમારા હાથ-પગ તોડી નાખશે. તેની ધમકીને લીધે અમારે કોર્ટમાં કેસ કરવો પડ્યો, જેમાં હું ફરિયાદી બન્યો હતો. છેવટે, કોર્ટે પાદરીને દંડ ફટકાર્યો. *

એ કેસ અને બીજા એવા કેસ પણ ‘ક્વિબેકની લડાઈ’ તરીકે ઓળખાયા. ક્વિબેક પ્રાંત ૩૦૦થી પણ વધારે વર્ષોથી રોમન કેથલિક ચર્ચના કાબૂ હેઠળ હતો. પાદરીઓ અને તેઓને સાથ આપનારા રાજકીય આગેવાનોએ યહોવાના સાક્ષીઓની સતાવણી કરી હતી. એ કપરો સમય હતો અને આપણી સંખ્યા પણ ઓછી હતી. છતાં અમે અમારા હાથ ઢીલા પડવા દીધા નહિ. ક્વિબેકના નમ્ર રહેવાસીઓ અમારું સાંભળતા હતા. મેં એવી ઘણી વ્યક્તિઓ સાથે અભ્યાસ કર્યો, જેઓએ પછીથી સત્ય સ્વીકાર્યું. મેં એક એવા કુટુંબ સાથે પણ અભ્યાસ કર્યો, જેના દસેદસ સભ્યો પછીથી યહોવાની ભક્તિ કરવા લાગ્યા. તેમણે બતાવેલી હિંમતને લીધે બીજાઓને પણ કેથલિક ચર્ચ છોડવાની પ્રેરણા મળી. અમે પ્રચાર ચાલુ રાખ્યો અને છેવટે અમે લડાઈ જીતી ગયા!

ભાઈઓને તેઓની ભાષામાં તાલીમ આપી

૧૯૫૬માં મને હૈતીમાં સોંપણી મળી. મોટા ભાગના નવા મિશનરીઓને ફ્રેંચ શીખવામાં ઘણી તકલીફ પડતી, તોપણ લોકો સાંભળતા. સ્ટેનલી બોગેસ નામના મિશનરી કહે છે, ‘અમે સારી રીતે પોતાને વ્યક્ત કરી શકીએ, એ માટે લોકો બનતી બધી મદદ કરતા હતા.’ મારા માટે એક ફાયદો એ હતો કે, હું ક્વિબેકમાં હતો ત્યારે ફ્રેંચ શીખ્યો હતો. પણ અમને બહુ જલદી ખબર પડી કે, મોટાં ભાગનાં સ્થાનિક ભાઈ-બહેનો તો ફક્ત હૈતિયન ક્રિઓલ બોલે છે. જો મિશનરીઓએ અસરકારક રીતે સેવાકાર્ય કરવું હોય, તો તેઓએ સ્થાનિક ભાષા શીખવી પડે. અમે એવું જ કર્યું અને એનાં સારાં પરિણામો પણ આવ્યાં.

ભાઈઓને વધારે મદદ કરવા, નિયામક જૂથ તરફથી અમને હૈતિયન ક્રિઓલમાં ચોકીબુરજ અને બીજાં સાહિત્ય ભાષાંતર કરવાની પરવાનગી મળી. સભાઓમાં હાજરી કૂદકે ને ભૂસકે વધવા લાગી. ૧૯૫૦માં હૈતીમાં ફક્ત ૯૯ પ્રકાશકો હતા, પણ ૧૯૬૦ સુધીમાં તો ૮૦૦થી વધારે પ્રકાશકો થઈ ગયા હતા! એ સમયે મને બેથેલમાં સોંપણી મળી. ૧૯૬૧માં મને રાજ્ય સેવા શાળામાં શીખવવાનો મોકો મળ્યો હતો. ૪૦ જેટલા વડીલો અને ખાસ પાયોનિયરોને અમે તાલીમ આપી હતી. જાન્યુઆરી ૧૯૬૨ના સંમેલનમાં અમે સ્થાનિક ભાઈઓને સેવાકાર્યમાં વધુ કરવા ઉત્તેજન આપ્યું હતું. એમાંથી કેટલાક પછીથી ખાસ પાયોનિયર તરીકે નિયુક્ત થયા હતા. એ સમયસરનું હતું, કેમ કે બહુ જલદી વિરોધનો વંટોળ ઊભો થવાનો હતો.

૨૩ જાન્યુઆરી, ૧૯૬૨માં સંમેલન પછી તરત જ શાખા કચેરીમાંથી એન્ડ્રયૂ ડામિકો નામના મિશનરીની અને મારી ધરપકડ કરવામાં આવી. જાન્યુઆરી ૮, ૧૯૬૨ના ફ્રેંચ સજાગ બનો!નો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. એ સજાગ બનો!માં ફ્રેંચ છાપાઓનો અહેવાલ હતો, જે જણાવતો હતો કે હૈતીમાં વુડુ વિધિ (ભૂત-પિશાચની વિધિ) કરવામાં આવે છે. અમુક લોકોને એ ગમ્યું નહિ, તેઓને લાગ્યું કે અમે એ લેખ હૈતીની શાખામાં લખ્યો હતો. અમુક અઠવાડિયા પછી મિશનરીઓનો દેશનિકાલ કરવામાં આવ્યો. * પણ, સ્થાનિક ભાઈઓને તાલીમ મળી હોવાથી તેઓએ સરસ રીતે કામ આગળ ધપાવ્યું. તેઓએ બતાવેલી ધીરજ અને તેઓની પ્રગતિથી તેઓ આજે ઘણા ખુશ છે. તેઓના આનંદમાં હું પણ સહભાગી થાઉં છું. હવે, હૈતિયન ક્રિઓલમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ પણ પ્રાપ્ય છે. એ દિવસોમાં તો અમારા માટે એ એક સપનું જ હતું!

મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં મદદ આપી

હૈતીમાં સેવા આપ્યા પછી, મને મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં મિશનરી તરીકેની સોંપણી મળી. પછીથી, મને પ્રવાસી નિરીક્ષક અને સમય જતાં, શાખા નિરીક્ષક તરીકે સેવા આપવાનો મોકો મળ્યો.

એ દિવસોમાં અમુક પ્રાર્થનાઘરો સાવ સાદાં હતાં. એટલે, હું ઝાડીઓમાંથી સાંઠા ભેગા કરવાનું અને છત બનાવવાનું શીખ્યો. હું એમ કરવા મથામણ કરતો ત્યારે, ત્યાંથી પસાર થનારાઓ એ જોઈને નવાઈ પામતા. પણ, એનાથી પ્રાર્થનાઘરના બાંધકામ અને સમારકામમાં ભાગ લેવાનું ભાઈઓને ઉત્તેજન મળ્યું. ચર્ચોની છત પતરાંની હતી એટલે ધર્મગુરુઓ અમારી હાંસી ઉડાવતા. પણ અમે તો નિરાશ થયા વગર સાંઠાની છતવાળા પ્રાર્થનાઘરો બનાવતા હતા. પાટનગર બાન્ગુઈએ ભારે વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. એમાં ચર્ચના પતરાં ઊડીને છેક રસ્તે પહોંચી ગયાં હતાં. પણ અમારી સાંઠા-સળીઓની છત તો ત્યાંની ત્યાં જ હતી. એનાથી તો અમારી મશ્કરી કરનારાઓના મોં સિવાઈ ગયા. ફક્ત પાંચ જ મહિનામાં અમે રાજ્યના કામની દેખરેખ રાખવા નવી શાખા કચેરી બાંધી અને મિશનરી ઘર બાંધ્યું. *

ઉત્સાહી સાથીનો સાથ, લગ્ન જીવનની શરૂઆત

અમારા લગ્નના દિવસે

૧૯૭૬માં મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં રાજ્યના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એટલે, બાજુના દેશ ચાડના પાટનગર, ન’ડજામેનામાં મને સોંપણી મળી. ખુશીની વાત એ હતી કે ત્યાં હું હેપી નામની એક બહેનને મળ્યો. તે ખાસ પાયોનિયર હતી, એ મૂળ કેમેરૂન દેશની હતી. ૧ એપ્રિલ, ૧૯૭૮ના રોજ અમે લગ્ન કર્યાં. એ મહિને જ, ત્યાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને સેંકડો લોકોની જેમ અમે પણ દેશના દક્ષિણ ભાગમાં નાસી છૂટ્યાં. વિગ્રહ પૂરો થયા પછી, અમે પાછાં આવ્યાં. અમને ખબર પડી કે, અમારું ઘર તો હવે હથિયારધારી જૂથનું મથક બની ગયું છે. એટલે, ફક્ત સાહિત્ય જ નહિ પણ મારી પત્નીનો લગ્નનો ડ્રેસ અને લગ્નની ભેટો પણ અમારે હાથ લાગ્યા નહિ. પણ, અમે અમારાં હાથ ઢીલા પડવા દીધાં નહિ. ભલે વસ્તુઓ ન હતી, પણ એકબીજાનો સાથ તો હતો. સેવાકાર્યને આગળ ધપાવવામાં અમે મન પરોવ્યું.

આશરે બે વર્ષ પછી, મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં આપણા કામ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. અમે પાછા એ દેશમાં આવ્યા અને મેં પ્રવાસી નિરીક્ષક તરીકેનું કામ કર્યું. એક વાન અમારું ઘર બન્યું. એ વાનમાં વાળી શકાય એવો પલંગ, ૨૦૦ લિટર પાણીની ટાંકી, નાનકડું ફ્રિજ અને ગેસની સગડી હતાં. મુસાફરી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. એક મુસાફરી દરમિયાન તો પોલીસના ૧૧૭ ચેક પોઈન્ટ પર અમારે ગાડી ઊભી રાખવી પડી હતી.

તાપમાન મોટા ભાગે ૫૦ ડિગ્રી જેટલું થઈ જતું. કેટલીક વાર સંમેલનમાં બાપ્તિસ્મા માટે પાણી શોધવામાં ઘણી તકલીફ પડતી. ભાઈઓ સુકાયેલી નદીના કિનારે ખાડો ખોદતા, એમાંથી થોડું થોડું કરીને પૂરતું પાણી ભેગું કરતા, પછી પીપડામાં બાપ્તિસ્મા આપતા.

આફ્રિકાના બીજા દેશોમાં પણ રાજ્યનું કામ કર્યું

૧૯૮૦માં અમને નાઇજીરિયા મોકલવામાં આવ્યાં. નવી શાખાના બાંધકામની તૈયારીમાં અમે અઢી વર્ષ મદદ કરી હતી. ભાઈઓએ બે માળનું ગોડાઉન ખરીદ્યું હતું. એની છત અને દીવાલોને છૂટા પાડીને નવી જગ્યાએ લગાડવાના હતા. એક સવારે એ બધું છૂટું પાડવા હું પણ ઊંચાઈ પર ચઢ્યો હતો. બપોર થઈ ત્યારે, હું જે રીતે ચઢ્યો હતો, એ રીતે પાછો નીચે ઊતરવા લાગ્યો. પણ, છૂટું પાડવાનું કામ ચાલતું હોવાને લીધે હવે બધું બદલાઈ ગયું હતું. હું ઊતરી રહ્યો હતો અને મને ખ્યાલ આવ્યો કે મારા પગ નીચે તો કંઈ નથી. હું સીધો નીચે પડ્યો. મારી હાલત ગંભીર લાગતી હતી પણ એક્સ-રે અને તપાસ પછી ડોક્ટરે મારી પત્નીને કહ્યું, ‘ચિંતા ન કરશો. સ્નાયુમાં ઇજા પહોંચી છે, એકાદ અઠવાડિયામાં તો સારું થઈ જશે.’

“જાહેર વાહનમાં,” સંમેલનમાં જતી વખતે

૧૯૮૬માં અમે કોટ ડી આઈવોર ગયાં, ત્યાં મને પ્રવાસી નિરીક્ષક તરીકેની સોંપણી મળી હતી. એ કામ માટે અમારે બાજુના દેશ બર્કિના ફાસો પણ જવું પડતું. એ દિવસોમાં મેં વિચાર્યું ન હતું કે બર્કિના ફાસો થોડા સમય માટે અમારું ઘર બની જશે.

‘અમારું ઘર’ વાન પાસે, પ્રવાસી નિરીક્ષક હતો ત્યારે

૧૯૫૬માં મેં કેનેડા છોડ્યું હતું, ૪૭ વર્ષ પછી ૨૦૦૩માં હું પાછો કેનેડા બેથેલ આવ્યો, અને આ વખતે મારી પત્ની હેપી પણ મારી સાથે હતી. આમ તો અમે કેનેડાના નાગરિકો ગણાઈએ, પણ અમને લાગે છે કે અમે તો આફ્રિકાના છીએ.

બર્કિના ફાસોમાં અભ્યાસ ચલાવતી વખતે

૨૦૦૭માં હું ૭૯ વર્ષનો હતો ત્યારે, મને પાછા આફ્રિકા જવાનો મોકો મળ્યો! અમને બર્કિના ફાસો મોકલવામાં આવ્યાં, જ્યાં દેશ સમિતિના સભ્ય તરીકે મારે સેવા આપવાની હતી. એ કચેરીને પછીથી ભાષાંતર કેન્દ્રમાં બદલી નાખવામાં આવી અને બેનિન શાખાની દેખરેખ હેઠળ મૂકવામાં આવી. ઑગસ્ટ ૨૦૧૩માં અમને બેનિન બેથેલમાં મોકલવામાં આવ્યાં.

મારી પત્ની હેપી સાથે, બેનિન શાખામાં સેવા આપતી વખતે

મારાથી હવે પહેલાં જેટલું થતું નથી, છતાં સેવાકાર્ય માટેનો મારો પ્રેમ ઓછો થયો નથી. છેલ્લા ત્રણ વર્ષમાં, મારા બે બાઇબલ વિદ્યાર્થી, ગેડિયોન અને ફ્રેઝહીસને બાપ્તિસ્મા લેતા જોવાનો મને આનંદ મળ્યો છે. તેઓનો અભ્યાસ ચલાવવામાં મને વડીલોએ અને મારી પત્નીએ ઘણી મદદ કરી હતી. એ બંને ભાઈઓ હવે ઉત્સાહથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે.

સમય જતાં, મને અને મારી પત્નીને દક્ષિણ આફ્રિકાની શાખામાં મોકલવામાં આવ્યાં. અહીં બેથેલ કુટુંબ મારી તબિયતની દેખરેખ રાખે છે. આમ, મને આફ્રિકાના સાત દેશોમાં સેવા આપવાની તક મળી છે. ઑક્ટોબર ૨૦૧૭માં અમને અનેરો લહાવો મળ્યો. અમને વૉરવિક, ન્યૂ યૉર્કમાંના જગત મુખ્યમથકના સમર્પણમાં હાજર રહેવાનો મોકો મળ્યો. એ પ્રસંગ ભૂલાય નહિ એવો હતો!

૧૯૯૪ યરબુકના પાન ૨૫૫માં જણાવ્યું છે: “વર્ષોથી સેવા કરી રહેલાં ભાઈ-બહેનોને અમે કહેવા માંગીએ છીએ: ‘બળવાન થાઓ અને તમારા હાથ ઢીલા પડવા ન દો, તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.’—૨ કાળ. ૧૫:૭.” હું અને હેપી એ સલાહને યાદ રાખીએ છીએ અને બીજાઓને પણ ઉત્તેજન આપીએ છીએ.

^ ફકરો. 9 ૧૯૪૪માં આ પુસ્તિકા યહોવાના સાક્ષીઓએ બહાર પાડી હતી. જે હવે છાપવામાં નથી આવતી.

^ ફકરો. 18 નવેમ્બર ૮ ૧૯૫૩ સજાગ બનો! (અંગ્રેજી), પાન ૩-૫ ઉપર આપેલો આ લેખ જુઓ: “ક્વિબેક પ્રિસ્ટ કન્વીક્ટેડ ફોર ઍટેક ઓન જેહોવાઝ વીટનેસીસ.”

^ ફકરો. 23 ૧૯૯૪ની યરબુકમાં પાન ૧૪૮-૧૫૦ પર એ વિશે માહિતી આપવામાં આવી છે.

^ ફકરો. 26 મે ૮ ૧૯૬૬ સજાગ બનો! (અંગ્રેજી), પાન ૨૭ ઉપર આપેલો આ લેખ જુઓ: “બિલ્ડિંગ ઓન અ સોલિડ ફાઉન્ડેશન.”