સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૨

તમારો પ્રેમ વધતો રહે

તમારો પ્રેમ વધતો રહે

‘હું પ્રાર્થના કરતો રહું છું કે તમારો પ્રેમ હજુ વધતો ને વધતો જાય.’—ફિલિ. ૧:૯.

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

ઝલક *

૧. ફિલિપીઓનું મંડળ બનાવવા કોણે મદદ કરી?

ફિલિપી શહેર રોમન સત્તાના કબજામાં હતું. પ્રેરિત પાઊલ, સિલાસ, લુક અને તિમોથી ફિલિપીમાં આવ્યા. તેઓને ખબર પડી કે ઘણા લોકોને ખુશખબર જાણવામાં રસ છે. એ ચાર ભાઈઓએ મંડળ બનાવવા મદદ કરી. બધાં ભાઈ-બહેનો ભેગા મળવાં લાગ્યાં. તેઓ કદાચ લૂદિયાના ઘરે ભેગા મળતાં હતાં. લૂદિયા મહેમાનગતિ બતાવવા માટે જાણીતી હતી.—પ્રે.કા. ૧૬:૪૦.

૨. મંડળે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?

નવા મંડળ પર મુશ્કેલીઓ આવી. શેતાને અમુક લોકોને ઉશ્કેર્યા, એટલે તેઓ વફાદાર ભક્તોના સેવાકાર્યનો વિરોધ કરવા લાગ્યા. પાઊલ અને સિલાસની ધરપકડ થઈ. તેઓને લાકડીથી મારવામાં આવ્યા અને કેદખાનામાં નાખી દેવામાં આવ્યા. કેદમાંથી છૂટ્યા પછી તેઓ નવાં ભાઈ-બહેનો પાસે ગયા અને તેઓને ઉત્તેજન આપ્યું. પાઊલ, સિલાસ અને તિમોથી બીજે ગયા, લુક ત્યાં જ રહ્યા. નવાં ભાઈ-બહેનોએ શું કર્યું? યહોવાની શક્તિથી તેઓ ભક્તિમાં ઉત્સાહથી આગળ વધતાં ગયાં. (ફિલિ. ૨:૧૨) ચોક્કસ, પાઊલને તેઓ પર ગર્વ થતો હશે!

૩. ફિલિપીઓ ૧:૯-૧૧માં જણાવ્યા પ્રમાણે પાઊલે પ્રાર્થનામાં શું જણાવ્યું?

દસેક વર્ષ પછી, પાઊલે ફિલિપીઓના મંડળને પત્ર લખ્યો. એ પત્રથી જોવા મળે છે કે પાઊલ એ ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરતા હતા. તેમણે લખ્યું: “હું તમને મળવાની કેટલી ઝંખના રાખું છું, કેમ કે હું તમને ખ્રિસ્ત ઈસુ જેવો પ્રેમ કરું છું.” (ફિલિ. ૧:૮) પાઊલે લખ્યું કે એ ભાઈઓ માટે તે પ્રાર્થના કરે છે. તેમણે યહોવાને વિનંતી કરી કે, ભાઈ-બહેનોને પ્રેમમાં વધતા રહેવા, મહત્ત્વની વાતો પર ધ્યાન આપવા મદદ કરે; નિર્દોષ રહેવા, બીજાઓને ઠોકર ન ખવડાવવા અને નેક કામો કરતા રહેવા પણ સહાય કરે. પાઊલના એ સુંદર શબ્દોમાંથી આજે આપણે ઘણું શીખી શકીએ છીએ. ચાલો પાઊલે ફિલિપીઓને લખેલા પત્ર પર ધ્યાન આપીએ. (ફિલિપીઓ ૧:૯-૧૧ વાંચો.) પછી, તેમણે આપેલા મુદ્દાઓ જોઈશું અને એ કઈ રીતે લાગુ પાડી શકાય એની ચર્ચા કરીશું.

પ્રેમમાં વધો

૪. (ક) પહેલો યોહાન ૪:૯, ૧૦ પ્રમાણે, યહોવાએ આપણા માટે કઈ રીતે પ્રેમ બતાવ્યો છે? (ખ) આપણે ઈશ્વરને કેટલો પ્રેમ કરવો જોઈએ?

યહોવાએ માણસો માટે બતાવેલા પ્રેમની તોલે કંઈ ન આવી શકે! આપણને પાપમાંથી છોડાવવા યહોવાએ પોતાના દીકરાને પૃથ્વી પર મોકલ્યા. (૧ યોહાન ૪:૯, ૧૦ વાંચો.) ઈશ્વરે બતાવેલા પ્રેમને લીધે આપણે પણ તેમના માટે પ્રેમ બતાવવા પ્રેરાઈએ છીએ. (રોમ. ૫:૮) આપણે કેટલો પ્રેમ કરવો જોઈએ? એનો જવાબ આપણને ઈસુના શબ્દોમાંથી મળે છે: “તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર.” (માથ. ૨૨:૩૬, ૩૭) આપણે ચાહતા નથી કે આપણા દિલમાં યહોવા માટે થોડો ઘણો જ પ્રેમ હોય. એના બદલે, આપણે તો ચાહીએ છીએ કે એ પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય. પાઊલે ફિલિપીઓને જણાવ્યું કે, તેઓનો પ્રેમ “હજુ વધતો ને વધતો જાય.” ઈશ્વર માટેનો પ્રેમ વધતો રહે માટે શું કરવું જોઈએ?

૫. આપણો પ્રેમ કઈ રીતે વધતો ગયો?

ઈશ્વર માટે પ્રેમ બતાવવા શું કરવું જોઈએ? એ માટે ખૂબ જરૂરી છે કે પહેલા તેમને ઓળખીએ. બાઇબલ જણાવે છે: “જે કોઈ પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) પ્રેરિત પાઊલે જણાવ્યું કે, જો આપણે ‘સાચા જ્ઞાનથી અને પૂરી સમજણથી’ વધતા જઈશું, તો ઈશ્વર માટેનો પ્રેમ વધતો જશે. (ફિલિ. ૧:૯) બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, આપણે કદાચ તેમના ગુણો વિશે વધારે જાણતા ન હતા. તોપણ આપણે તેમના માટે પ્રેમ કેળવ્યો. જેમ જેમ યહોવા વિશે શીખતા ગયા, તેમ તેમ પ્રેમ પણ વધતો ગયો. એટલે જ, નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો અને મનન કરવું એ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે!—ફિલિ. ૨:૧૬.

૬. પહેલો યોહાન ૪:૧૧, ૨૦, ૨૧માંથી પ્રેમ વિશે શું શીખવા મળે છે?

ઈશ્વરે બતાવેલા પ્રેમથી આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરવા પ્રેરાઈએ છીએ. (૧ યોહાન ૪:૧૧, ૨૦, ૨૧ વાંચો.) આપણે કદાચ વિચારીશું, ભાઈ-બહેનોને પ્રેમ કરવો તો સહેલું છે. કેમ કે આપણે યહોવાના ભક્તો છીએ અને તેમના જેવા ગુણો કેળવવા ચાહીએ છીએ. આપણે ઈસુના દાખલાને અનુસરવા માંગીએ છીએ. ઈસુએ એટલો પ્રેમ બતાવ્યો કે આપણા માટે જીવ આપી દીધો. કેટલીક વાર એકબીજા માટે પ્રેમ બતાવવો અઘરું લાગે છે. ચાલો ફિલિપીના મંડળનો દાખલો જોઈએ.

૭. પાઊલે યુવદિયા અને સુન્તુખેને આપેલી સલાહમાંથી શું શીખવા મળે છે?

યુવદિયા અને સુન્તુખે ઉત્સાહી બહેનો હતી. તેઓએ પ્રેરિત પાઊલ સાથે “ખભેખભા મિલાવીને” કામ કર્યું હતું. પણ કદાચ તેઓ વચ્ચે કોઈ વાતને લીધે તકરાર થઈ. એના લીધે મિત્રતા તૂટી ગઈ. પાઊલે ફિલિપીઓને પત્ર લખ્યો, જેમાં તેમણે યુવદિયા અને સુન્તુખેનું નામ લઈને સલાહ આપી કે “તેઓ પ્રભુમાં એક મનની થાય.” (ફિલિ. ૪:૨, ૩) પાઊલને લાગ્યું કે આખા મંડળને એવી સલાહની જરૂર છે. તેમણે કહ્યું: “બધાં કામ કચકચ અને દલીલ કર્યા વગર કરો.” (ફિલિ. ૨:૧૪) પાઊલની સલાહ સાંભળીને એ બંને બહેનોને જ નહિ, પણ આખા મંડળને પ્રેમનું બંધન મજબૂત કરવા ઉત્તેજન મળ્યું હશે.

શા માટે ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ? (ફકરો ૮ જુઓ) *

૮. ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો ક્યારે અઘરું લાગી શકે? આપણને શાનાથી મદદ મળી શકે?

અમુક વાર ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો બહુ અઘરું લાગી શકે. આપણે પણ કદાચ યુવદિયા અને સુન્તુખેની જેમ બીજાઓના વાંક-ગુના શોધવા લાગીએ છીએ. આપણે જાણીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. જો આપણે બીજાઓના વાંક-ગુના શોધ્યા કરીશું, તો તેઓ માટેનો પ્રેમ ઠંડો પડી જશે. દાખલા તરીકે, પ્રાર્થનાઘરની સફાઈ કરતી વખતે એક ભાઈ મદદ કરવાનું ભૂલી જાય તો, કદાચ આપણે ચિડાઈ જઈએ. જો આપણે એ ભાઈની બધી ભૂલો ગણવા બેસી જઈશું, તો આપણા મનમાં એ ભાઈ માટે કડવાશ પેદા થઈ શકે. તેમના માટેનો આપણો પ્રેમ ઓછો થઈ જશે. જો તમને પણ કોઈ ભાઈ કે બહેન વિશે એવું લાગતું હોય, તો આ હકીકત યાદ રાખો: યહોવા તમારી અને એ ભાઈ કે બહેનની બધી ભૂલો વિશે જાણે છે. તેમ છતાં યહોવા આપણને બધાને પ્રેમ કરે છે. એટલે આપણે પણ યહોવાની જેમ પ્રેમ બતાવવો જોઈએ. ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ. તેઓને પ્રેમ બતાવવા સખત મહેનત કરીએ છીએ ત્યારે, આપણી એકતા વધુ મજબૂત થાય છે.—ફિલિ. ૨:૧, ૨.

“જે વધારે મહત્ત્વનું છે”

૯. મહત્ત્વની બાબતોમાં શાનો સમાવેશ થાય છે?

પાઊલ પવિત્ર શક્તિની મદદથી ફિલિપીનાં ભાઈ-બહેનોને કહી શક્યા: ‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.’ (ફિલિ. ૧:૧૦) આપણે પણ એ સલાહ પાળવી જોઈએ. મહત્ત્વની બાબતોમાં આનો સમાવેશ થાય છે: યહોવાના નામને મહિમા આપવો, તેમણે આપેલાં વચનો પર ભરોસો રાખવો અને આપણા મંડળમાં એકતા અને શાંતિ જાળવવી. (માથ. ૬:૯, ૧૦; યોહા. ૧૩:૩૫) એ બાબતો જીવનમાં પ્રથમ રાખીશું તો, દેખાઈ આવશે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ.

૧૦. યહોવા આપણને નિર્દોષ ગણે માટે શું કરવું જોઈએ?

૧૦ પાઊલે એમ પણ કહ્યું હતું કે આપણે “નિર્દોષ” રહેવું જોઈએ. એનો અર્થ એમ નથી કે આપણે ક્યારેય ભૂલો કરીશું નહિ. યહોવા એકેય ભૂલ કરતા નથી એટલે તે નિર્દોષ છે. આપણે ક્યારેય તેમના જેવા બની શકતા નથી. પણ જો પ્રેમ વધારવા બનતું બધું કરીશું અને મહત્ત્વની બાબતો પારખી લઈશું, તો યહોવા આપણને નિર્દોષ ગણશે. પ્રેમ બતાવવાની એક રીત છે: બીજાઓને ઠોકર ન લાગે એ માટે આપણાથી બનતું બધું કરીએ.

૧૧. બીજાઓને ઠોકર ન લાગે એનું શા માટે ધ્યાન રાખવું જોઈએ?

૧૧ બીજાઓને ઠોકર ન ખવડાવો, એ સલાહ એક ચેતવણી છે. કઈ રીતે આપણાથી બીજાઓને ઠોકર લાગી શકે? મનોરંજન, કપડાં અને નોકરી વિશે આપણે જે પસંદગી કરીએ, એનાથી બીજાઓને ઠોકર લાગી શકે છે. આપણી પસંદગી કદાચ ખોટી ન હોય, પણ બની શકે કે બીજાઓને એનાથી ઠોકર લાગે. એ તો એક ગંભીર બાબત કહેવાય! ઈસુએ કહ્યું હતું, બીજાઓને ઠોકર ખવડાવવા કરતાં તો વધારે સારું કે, આપણા ગળે ઘંટીનો મોટો પથ્થર લટકાવીને દરિયામાં ડુબાડી દેવામાં આવે.—માથ. ૧૮:૬.

૧૨. પાયોનિયર યુગલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ચાલો એક પાયોનિયર યુગલનો દાખલો જોઈએ. તેઓએ ઈસુની સલાહ સારી રીતે લાગુ પાડી હતી. એક પતિ-પત્નીએ થોડા સમય પહેલાં જ બાપ્તિસ્મા લીધું હતું. તેઓનાં કુટુંબમાં અમુક બાબતો ચલાવી લેવામાં આવતી નહિ. પતિ-પત્ની માનતાં હતાં કે ઈશ્વરભક્તોએ ફિલ્મો ન જોવી જોઈએ, એવી ફિલ્મો પણ નહિ જેમાં કંઈ ખોટું ન હોય. તેઓને જાણવા મળ્યું કે પાયોનિયર યુગલ ફિલ્મ જોવા ગયું હતું. એ સાંભળીને તેઓ નારાજ થઈ ગયાં. એટલે પાયોનિયર યુગલે એક નિર્ણય લીધો. એ પતિ-પત્ની પોતાનું અંતઃકરણ કેળવે અને ખરું-ખોટું પારખતા શીખે ત્યાં સુધી પાયોનિયર યુગલે ફિલ્મ જોઈ નહિ. (હિબ્રૂ. ૫:૧૪) આમ, પાયોનિયર યુગલે ફક્ત શબ્દોથી જ નહિ, પણ કામોથી પણ સાચો પ્રેમ બતાવ્યો.—રોમ. ૧૪:૧૯-૨૧; ૧ યોહા. ૩:૧૮.

૧૩. ભાઈ કે બહેનને કઈ રીતે આપણાથી ઠોકર લાગી શકે?

૧૩ બીજી એક રીતે પણ ભાઈ-બહેનોને આપણા લીધે ઠોકર લાગી શકે. આપણા કોઈ કામને લીધે કદાચ તેઓ પાપ કરી બેસે. કઈ રીતે? આ સંજોગનો વિચાર કરો. એક બાઇબલ વિદ્યાર્થીએ ઘણા પ્રયત્નો કરીને દારૂની લત છોડી. તેણે દારૂ ન પીવાનો નિર્ણય લીધો. તેણે જીવનમાં ઘણા ફેરફારો કર્યા અને બાપ્તિસ્મા લીધું. થોડા સમય પછી એક ભાઈ તેને પોતાના ઘરે પાર્ટીમાં બોલાવે છે. દારૂ કાઢીને તેમને કહે છે: ‘હવે તો તમે ઈશ્વરભક્ત છો. તમારા પર યહોવાની પવિત્ર શક્તિ છે. એના નવ ગુણોમાંથી એક છે, સંયમ. જો તમે સંયમ રાખી શકતા હો, તો લો, થોડો દારૂ પીઓ.’ જરા વિચારો કે, જો નવા ભાઈ એ વાત માની લે, તો કેવું પરિણામ આવી શકે. તે કદાચ પાછા દારૂની લતે ચઢી જઈ શકે.

૧૪. ફિલિપીઓ ૧:૧૦ની સલાહ લાગુ પાડવા સભામાંથી કઈ રીતે મદદ મળે છે?

૧૪ ફિલિપીઓ ૧:૧૦ની સલાહને ઘણી રીતોએ લાગુ પાડવા સભામાંથી આપણને શીખવા મળે છે. પહેલી રીત, સભામાં જે ચર્ચા થાય એનાથી જોવા મળે છે કે, યહોવાના વિચારો સૌથી મહત્ત્વના છે. બીજી રીત, શીખેલી વાતો લાગુ પાડીને આપણે નિર્દોષ રહી શકીએ છીએ. ત્રીજી રીત, આપણને “પ્રેમ અને સારાં કામો” કરવાનું ઉત્તેજન મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) ભાઈ-બહેનોથી ઉત્તેજન મળે ત્યારે યહોવા અને ભાઈ-બહેનો માટે આપણા દિલમાં પ્રેમ વધતો જાય છે. એ પ્રેમને લીધે આપણે બીજાઓને ઠોકર ન લાગે માટે બનતું બધું કરવા પ્રેરાઈએ છીએ.

“વધારે ને વધારે નેક કામો” કરતા રહીએ

૧૫. ‘વધારે ને વધારે નેક કામો કરવાનો’ શું અર્થ થાય?

૧૫ પાઊલે ફિલિપીઓને વિનંતી કરી કે તેઓ ‘વધારે ને વધારે નેક કામો કરે.’ (ફિલિ. ૧:૧૧) એ ‘નેક કામોમાં’ યહોવા માટેનો પ્રેમ અને તેમના લોકો માટેનો પ્રેમ આવી જાય છે. એમાં બીજાઓને ઈસુ વિશે અને પોતાની આશા વિશે જણાવવાનો પણ સમાવેશ થાય છે. ચાલો ફિલિપીઓ ૨:૧૫માં આપેલું બીજું એક વાક્ય જોઈએ. એ છે, “દુનિયામાં જ્યોતિઓની જેમ તેઓ વચ્ચે પ્રકાશો.” એનાથી આપણને ઈસુના શબ્દો યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે શિષ્યો “દુનિયાનું અજવાળું” છે. (માથ. ૫:૧૪-૧૬) ઈસુએ આજ્ઞા આપી હતી, “શિષ્યો બનાવો.” તેમણે કહ્યું હતું કે, ‘પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’ (માથ. ૨૮:૧૮-૨૦; પ્રે.કા. ૧:૮) એ મહત્ત્વનું કામ કરવા તનતોડ મહેનત કરીએ છીએ ત્યારે, આપણે “નેક કામો” કરીએ છીએ.

પાઊલ રોમમાં નજરકેદ હતા ત્યારે તેમણે ફિલિપી મંડળને પત્ર લખ્યો. તેમને મળવા આવતા લોકોને અને સૈનિકોને તેમણે ખુશખબર જણાવી (ફકરો ૧૬ જુઓ)

૧૬. અઘરા સંજોગોમાં પણ કઈ રીતે આપણે પ્રકાશ ફેલાવી શકીએ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૬ ભલે સંજોગો ગમે એ હોય, આપણે જ્યોતિઓની જેમ પ્રકાશ ફેલાવી શકીએ છીએ. ખુશખબર ફેલાવતી વખતે અમુક વાર આપણને લાગે કે, આ તો એક પડકાર છે. પણ એ પડકાર ખુશખબર ફેલાવવાની તક બની શકે છે. પાઊલનો વિચાર કરીએ. તેમણે ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે તે રોમમાં નજરકેદ હતા. તોપણ તેમણે ખુશખબર ફેલાવવાનું છોડ્યું નહિ. તેમણે સૈનિકોને અને મળવા આવનાર લોકોને સંદેશો જણાવ્યો. એવા સંજોગોમાં પાઊલ પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવતા રહ્યા. એનાથી ભાઈ-બહેનોને ઉત્તેજન અને હિંમત મળ્યાં. તેઓ ‘ઈશ્વરનો સંદેશો ગભરાયા વગર જણાવી’ શક્યાં.—ફિલિપીઓ ૧:૧૨-૧૪ વાંચો; ૪:૨૨.

ખુશખબર ફેલાવવાની એકેએક તક ઝડપી લઈએ (ફકરો ૧૭ જુઓ) *

૧૭. અઘરા સંજોગોમાં પણ અમુક ભાઈ-બહેનો કઈ રીતે ખુશખબર ફેલાવે છે?

૧૭ આપણાં ઘણાં ભાઈ-બહેનો પાઊલ જેવી જ હિંમત બતાવે છે. તેઓ એવા દેશોમાં રહે છે, જ્યાં જાહેરમાં કે ઘરે-ઘરે સેવાકાર્ય કરી શકાતું નથી. એટલે તેઓ ખુશખબર ફેલાવવા બીજી રીતો અપનાવે છે. (માથ. ૧૦:૧૬-૨૦) એમાંના એક દેશમાં દરેક પ્રકાશક પાસે પોતાનો પ્રચાર “વિસ્તાર” હતો. એમાં તેઓનાં સગાં-વહાલાં, પડોશીઓ, સાથે ભણનારા, સાથે કામ કરનારા અને ઓળખીતાઓનો સમાવેશ થતો હતો. સરકીટ નિરીક્ષકે જણાવ્યું કે, દરેક પ્રકાશકે પોતાનો પ્રચાર “વિસ્તાર” પૂરો કરવો જોઈએ. બે વર્ષમાં ત્યાં મંડળોની સંખ્યા વધી ગઈ. કદાચ આપણે પોતાના દેશમાં છૂટથી સેવાકાર્ય કરી શકતા હોઈએ. તોપણ, એ ભાઈ-બહેનોના દાખલામાંથી આપણે એક મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. એ છે, ખુશખબર ફેલાવવા આપણે બનતું બધું કરવું જોઈએ. એમ કરીશું તો અઘરા સંજોગોમાં પણ યહોવા આપણને પ્રચાર કરવાની શક્તિ આપશે.—ફિલિ. ૨:૧૩.

૧૮. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ?

૧૮ આપણે ખૂબ મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ. તો ચાલો પાઊલે ફિલિપીઓને લખેલા પત્રની સલાહ પાળવાની આપણે મનમાં ગાંઠ વાળીએ. આપણે આવી બાબતો કરવી જોઈએ: જે વધારે મહત્ત્વનું છે એ પારખીએ; નિર્દોષ રહીએ; બીજાઓને ઠોકર ન ખવડાવીએ; વધારે ને વધારે નેક કામો કરીએ. એમ કરીશું તો આપણો પ્રેમ વધતો જશે અને આપણા પ્રેમાળ પિતા યહોવાને મહિમા મળશે.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

^ ફકરો. 5 ભાઈ-બહેનો માટે પ્રેમ વધતો રહે, એની અત્યારે સૌથી વધારે જરૂર છે. ફિલિપીઓના પત્રથી જાણવા મળે છે કે મુશ્કેલીઓ હોય કે ન હોય, પ્રેમ વધતો રહે માટે શું કરવું જોઈએ.

^ ફકરો. 54 ચિત્રની સમજ: પ્રાર્થનાઘરની સફાઈ વખતે જૉભાઈ સાફ-સફાઈ છોડીને એક ભાઈ અને તેમના દીકરા સાથે વાત કરી રહ્યા છે. એ જોઈને માઇકભાઈ ચિડાઈ જાય છે, જેમના હાથમાં વેક્યુમ ક્લીનર છે. તે વિચારે છે, ‘જૉભાઈ વાતોના વડા કરવાને બદલે કામ કરે તો કેવું સારું!’ પછીથી, માઇકભાઈ જુએ છે કે જૉભાઈ વૃદ્ધ બહેનને મદદ કરી રહ્યા છે. એનાથી માઇકભાઈને જૉભાઈના સારા ગુણો તરફ ધ્યાન આપવા મદદ મળે છે.

^ ફકરો. 58 ચિત્રની સમજ: એક દેશમાં આપણા કામ પર અમુક નિયંત્રણ છે. ત્યાં એક ભાઈ તેમના ઓળખીતાને સાવચેતીથી ખુશખબર જણાવે છે. પછીથી, એ ભાઈ નોકરી પર સાથે કામ કરનાર વ્યક્તિને રિસેસમાં ખુશખબર જણાવે છે.