સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૪

નવી સોંપણીમાં પોતાને ઢાળીએ

નવી સોંપણીમાં પોતાને ઢાળીએ

“ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.”—હિબ્રૂ. ૬:૧૦.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

ઝલક *

૧-૩. કયા કારણોને લીધે પૂરા સમયના સેવકોએ પોતાની સોંપણી છોડવી પડી શકે?

રોબર્ટ અને મેરી યાદ કરે છે: “૨૧ વર્ષ મિશનરી સેવા કર્યા પછી અમારાં માબાપને અમારી મદદની જરૂર પડી. અમે ખુશી ખુશી તેઓની સંભાળ રાખવાં તૈયાર હતાં. અમારી સોંપણીની જગ્યા અમારું ઘર બની ગયું હતું, એ છોડતા અમને ખૂબ દુઃખ થતું હતું.”

વિલિયમ અને ટેરી જણાવે છે: “અમને ખબર પડી કે તબિયતને લીધે સોંપણી પૂરી નહિ કરી શકીએ ત્યારે, અમારી આંખમાંથી આંસુ સરી પડ્યા. બીજા દેશની સોંપણી અમારે છોડવી ન હતી, પણ એ છોડવી પડી.”

એલેક્સ જણાવે છે: “હું જ્યાં સેવા આપતો હતો, એ શાખા કચેરી બંધ કરાવવાની વિરોધીઓ કોશિશ કરી રહ્યા હતા. એ વિશે અમને ખબર તો હતી, પણ ખરેખર જ્યારે એવું થયું ત્યારે અમને આંચકો લાગ્યો. અમારે બેથેલ છોડવું પડ્યું.”

૪. આ લેખમાં કેવા સવાલોના જવાબ મેળવીશું?

બેથેલ કુટુંબનાં હજારો સભ્યોને અને બીજા કેટલાકને નવી સોંપણી મળી હતી. * મનગમતી સોંપણી છોડવી એ વફાદાર ભાઈ-બહેનો માટે સહેલું ન હતું. એ ફેરફારનો સામનો કરવા તેઓને ક્યાંથી મદદ મળી શકે? તમે કઈ રીતે મદદ કરી શકો? આ સવાલોના જવાબથી આપણને જીવનમાં મોટા મોટા ફેરફારો સ્વીકારવા મદદ મળશે.

ફેરફારનો સામનો કરવો

પૂરા સમયના સેવકોને પોતાની સોંપણી છોડવી શા માટે અઘરું લાગી શકે? (ફકરો ૫ જુઓ) *

૫. સોંપણી બદલાય ત્યારે આપણને કેવું લાગે છે?

બેથેલમાં હોઈએ કે પછી પૂરા સમયની બીજી કોઈ સેવા કરતા હોઈએ, ત્યાંના લોકો આપણને ગમતા હોય છે. અરે, એ જગ્યા પણ આપણને પસંદ હોય છે. કોઈ કારણને લીધે એ સોંપણી છોડવી પડે તો આપણું કાળજું કપાઈ જાય છે. આપણે એ ભાઈ-બહેનોને યાદ કરીએ છીએ, તેઓની ચિંતા કરીએ છીએ. ખાસ કરીને સતાવણી દરમિયાન સોંપણી છોડવી પડે ત્યારે. (માથ. ૧૦:૨૩; ૨ કોરીં. ૧૧:૨૮, ૨૯) નવી સોંપણી મળે કે પછી આપણા વતનમાં પાછા જવું પડે, આપણને એ સમાજમાં ગોઠવાતા તકલીફ પડે છે. રોબર્ટ અને મેરી કહે છે, “અમારો પોતાનો સમાજ અમને અજાણ્યો લાગતો. પોતાની ભાષામાં પ્રચાર કરવું પણ અઘરું લાગતું. બીજા દેશમાં લાંબો સમય સેવા આપી હોવાથી, પોતાના જ દેશમાં અમે વિદેશી હોઈએ એવું લાગતું.” સોંપણીમાં ફેરફાર થવાને લીધે કેટલાકને પૈસેટકે તકલીફ પડે છે. તેઓને પોતાનું ભાવિ ધૂંધળું લાગે છે. એ વિચારોમાં ડૂબી જવાથી તેઓ કદાચ નિરાશ થઈ જાય. એવા સમયે ક્યાંથી મદદ મળી શકે?

આપણે યહોવાની નજીક જઈએ અને તેમના પર ભરોસો રાખીએ એ ખૂબ જરૂરી છે (ફકરા ૬-૭ જુઓ) *

૬. યહોવાની પાસે રહેવા શું કરવું જોઈએ?

યહોવાની પાસે રહો. (યાકૂ. ૪:૮) એ માટે શું કરવું જોઈએ? ભરોસો રાખીએ કે તે “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીત. ૬૫:૨) ગીતશાસ્ત્ર ૬૨:૮ જણાવે છે, ‘તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો.’ “આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે” યહોવા આપી શકે છે. (એફે. ૩:૨૦) આપણે પ્રાર્થનામાં માંગીએ, ફક્ત એટલું જ યહોવા આપતા નથી. યહોવા તો આપણી કલ્પના બહારની બાબતો કરીને આપણને મુશ્કેલીઓના વમળમાંથી બહાર કાઢી શકે છે.

૭. (ક) યહોવાની નજીક રહેવા ક્યાંથી મદદ મળશે? (ખ) વફાદારીથી યહોવાની ભક્તિ કરીશું તો હિબ્રૂઓ ૬:૧૦-૧૨ પ્રમાણે કેવું પરિણામ આવશે?

યહોવાની નજીક રહેવા દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને મનન કરવું જોઈએ. અગાઉ મિશનરી તરીકે સેવા આપનાર ભાઈ કહે છે: ‘પોતાની સોંપણી દરમિયાન કરતા હતા, એ જ રીતે કુટુંબ તરીકેની ભક્તિ અને સભાની તૈયારી નિયમિત કરતા રહો.’ નવા મંડળમાં ખુશખબર ફેલાવવાના કામમાં બનતી બધી મહેનત કરો. વફાદારીથી યહોવાની ભક્તિ કરનારને યહોવા યાદ રાખે છે, ભલેને પછી એ વ્યક્તિ અગાઉ જેટલું ન કરી શકે.—હિબ્રૂઓ ૬:૧૦-૧૨ વાંચો.

૮. પહેલો યોહાન ૨:૧૫-૧૭ના શબ્દો જીવન સાદું રાખવા કઈ રીતે મદદ કરે છે?

જીવન સાદું રાખો. ધ્યાન રાખજો કે આ દુનિયાની ચિંતાઓ તમને “દબાવી” ન દે. એની અસર યહોવાની ભક્તિ પર થઈ શકે. (માથ. ૧૩:૨૨) યહોવાને ભજતા ન હોય, એવાં મિત્રો અને સગાઓ આપણને ઘણી સલાહ આપે છે. તેઓ કહે છે, જિંદગી સારી રીતે જીવવા તમારે વધારે પૈસા કમાવવા જઈએ. એવા લોકોની સલાહ પર ધ્યાન આપશો નહિ. (૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) યહોવામાં ભરોસો રાખો. તેમણે વચન આપ્યું છે કે, તે “ખરા સમયે” આપણી જરૂરિયાતો પૂરી કરશે. તે આપણને શ્રદ્ધા દૃઢ કરવા, મન શાંત રાખવા અને આપણી જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે.—હિબ્રૂ. ૪:૧૬; ૧૩:૫, ૬.

૯. દેવું ટાળવા નીતિવચનો ૨૨:૩, ૭માંથી કઈ મદદ મળે છે? તમે યોગ્ય નિર્ણય લેવા શું કરી શકો?

બને ત્યાં સુધી દેવું કરશો નહિ. (નીતિવચનો ૨૨:૩, વાંચો.) નવી જગ્યાએ જવાને લીધે ઘણો ખર્ચો આવી શકે. એટલે કદાચ બીજાઓ પાસેથી ઉધાર લેવું પડી શકે. જે વસ્તુઓની જરૂર ન હોય, એને દેવું કરીને ખરીદશો નહિ. કદાચ બીમાર સગાની સંભાળ રાખતી વખતે આપણે લાગણીઓના વહેણમાં તણાઈ જઈએ. એવા સમયે કેટલું ઉધાર લેવું, એ વિશે યોગ્ય નિર્ણય લેવો અઘરું હોય છે. એવા સંજોગોમાં યાદ રાખો કે, “પ્રાર્થના અને વિનંતી” તમને યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે. યહોવા તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે અને તમને શાંતિ આપશે. એ શાંતિ “તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.” તમે મન શાંત રાખીને નિર્ણય લઈ શકશો.—ફિલિ. ૪:૬, ૭; ૧ પીત. ૫:૭.

૧૦. આપણે કઈ રીતે નવા મિત્રો બનાવી શકીએ?

૧૦ મિત્રો અને સગાઓ સાથે સારો સંબંધ કેળવો. સારા મિત્રોને તમારી લાગણીઓ અને અનુભવ વિશે જણાવો. ખાસ તો એવા મિત્રોને, જેઓએ તમારા જેવી ખુશી અને મુશ્કેલીઓનો અનુભવ કર્યો હોય. એમ કરવાથી તમારું દિલ હળવું થશે. (સભા. ૪:૯, ૧૦) તમારી જૂની સોંપણી દરમિયાન તમે મિત્રો બનાવ્યા હતા, તેઓ હજુ તમારા મિત્રો છે. તમારે નવી સોંપણીમાં પણ નવા મિત્રો બનાવવાના છે. યાદ રાખો, મિત્ર મેળવવો હોય તો પોતે મિત્ર બનવું પડે! તમે કઈ રીતે નવા મિત્રો બનાવી શકો? યહોવાની સેવામાં તમારા અનુભવ વિશે બીજાઓને જણાવો. એનાથી તેઓ જોઈ શકશે કે યહોવાની સેવાથી તમને કેટલી ખુશી મળી છે. પૂરા સમયની સેવા માટેનો તમારો પ્રેમ કદાચ મંડળમાં અમુકને ન સમજાય. પણ, બીજાઓ કદાચ તમારા વિશે વધુ જાણવા માંગે અને તમારા પાકા મિત્ર બને. પણ આ વાતનું ધ્યાન રાખજો કે, યહોવાની સેવામાં તમે જે કર્યું છે, એ વિશે બડાઈ ન હાંકશો. ખોટી લાગણીઓ વિશે પણ વાત કરવાનું ટાળો.

૧૧. તમે કઈ રીતે લગ્‍નજીવનમાં ખુશી જાળવી શકો?

૧૧ તમારા જીવનસાથીની તબિયત સારી રહેતી ન હોય, એટલે તમારે સોંપણી છોડવી પડી શકે. એવા સંજોગોમાં તમારા જીવનસાથીને દોષ આપશો નહિ. જો તમારી તબિયત સારી રહેતી ન હોય, તો પોતાને દોષ ન આપશો. એમ ન વિચારશો કે તમારા લીધે જીવનસાથીએ પણ સોંપણી છોડવી પડી. યાદ રાખો, તમે બંને “એક શરીર” છો. તમે યહોવા આગળ વચન આપ્યું હતું કે, ગમે તેવા સંજોગો આવે તમે એકબીજાનું ધ્યાન રાખશો. (માથ. ૧૯:૫, ૬) કદાચ તમને બાળક થવાનું હોય, જેના વિશે તમે વિચાર્યું પણ ન હતું. એટલે તમારે સોંપણી છોડવી પડી શકે. બાળકને અહેસાસ કરાવો કે, તમારી જૂની સોંપણી નહિ, પણ તે તમારા માટે મહત્ત્વનું છે. બાળકને લાગવું જોઈએ કે, તમે તેને ઈશ્વર તરફથી ‘ભેટ’ ગણો છો. (ગીત. ૧૨૭:૩-૫) સોંપણી દરમિયાન થયેલા સુંદર અનુભવો વિશે બાળકને જણાવતા રહો. એમ કરવાથી તમારા બાળકને પણ તમારી જેમ યહોવાની સેવામાં આગળ વધવા ઉત્તેજન મળશે.

બીજાઓ તરફથી મદદ

૧૨. (ક) પૂરા સમયના સેવકો સોંપણી ચાલુ રાખી શકે, એ માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ? (ખ) આપણે તેઓને નવી સોંપણીમાં કેવી મદદ આપી શકીએ?

૧૨ ખુશીની વાત છે કે, ઘણાં મંડળો અને ભાઈ-બહેનો પૂરા સમયના સેવકોને મદદ કરે છે. એનાથી તેઓ પોતાની સોંપણી ચાલુ રાખી શકે છે. ભાઈ-બહેનો ઉત્તેજન આપે છે, પૈસા કે વસ્તુઓ પૂરી પાડે છે અને કુટુંબના સભ્યોની દેખભાળ રાખે છે. (ગલા. ૬:૨) નવી સોંપણી મળવાને લીધે પૂરા સમયના સેવક તમારા મંડળમાં આવે ત્યારે શું? એમ ન વિચારશો કે તેમની જૂની સોંપણી તે બરાબર કરતા નહિ હોય અથવા તેમણે કંઈ ખોટું કર્યું હશે. * એના બદલે, નવી સોંપણીમાં તેઓને મદદ કરો. દિલથી આવકારો. ભલે તબિયતને લીધે તેઓ વધારે કરી શકતા ન હોય, પણ યહોવાની સેવામાં તેઓએ કરેલાં કામોની પ્રશંસા કરો. તેઓના મિત્ર બનો. તેઓનાં જ્ઞાન, તાલીમ અને અનુભવમાંથી શીખો.

૧૩. નવી સોંપણી મળી હોય તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૩ જેઓને નવી સોંપણી મળી છે, તેઓને તમારી મદદની જરૂર પડી શકે. સૌથી પહેલાં તો ઘર અને નોકરી શોધવા, આવવા-જવા અને બીજી જીવન-જરૂરી બાબતો માટે તેઓને મદદની જરૂર પડી શકે. તેઓને રોજબરોજનાં કામોમાં મદદ આપી શકાય, જેમ કે ટૅક્સ ભરવો, વીમો લેવો, વગેરે. સૌથી મહત્ત્વનું તો એ કે તેઓને તમારી દયાની નહિ, પણ લાગણીની જરૂર છે. પોતાની કે કુટુંબના સભ્યની તબિયતને લીધે તેઓ હેરાન-પરેશાન થતા હોય. સગાં-વહાલાંના મરણને લીધે તેઓ દુઃખી હોય. * અગાઉની સોંપણીમાં જે મિત્રો હતા, તેઓની યાદ સતાવતી હોય. એ વિશે ભલે તેઓ કંઈ કહે નહિ, પણ મનમાં દુઃખી થતા હોય. એવી લાગણીઓમાંથી બહાર આવતા તેઓને સમય લાગી શકે.

૧૪. ભાઈ-બહેનોએ કઈ રીતે એક બહેનને નવી સોંપણીમાં મદદ કરી?

૧૪ તમારા સાથ-સહકાર અને દાખલાથી તેઓ ધીમે-ધીમે પોતાને ઢાળી શકશે. ચાલો એક બહેન વિશે જોઈએ. તેમણે ઘણાં વર્ષો બીજા દેશમાં સેવા આપી છે. તે કહે છે: ‘મારી જૂની સોંપણીમાં હું દરરોજ બાઇબલ અભ્યાસ ચલાવતી. પણ નવી સોંપણીમાં બાઇબલમાંથી કલમ બતાવવી કે વીડિયો બતાવવો પણ મને અઘરું લાગતું. પણ ત્યાંનાં ભાઈ-બહેનો મને તેઓની ફરી મુલાકાતો અને બાઇબલ અભ્યાસમાં લઈ જતા. તેઓ ઘણા ઉત્સાહી હતા અને હિંમતથી બાઇબલ અભ્યાસ ચલાવતા. એ જોઈને મને સારું વલણ રાખવા મદદ મળી. નવા પ્રચાર વિસ્તારમાં વાતચીત કઈ રીતે શરૂ કરવી, એ પણ હું શીખી. એનાથી હું યહોવાની સેવામાં ખુશી મેળવી શકી.’

બનતું બધું કરતા રહો!

પોતાના દેશમાં ખુશખબર ફેલાવવા અલગ અલગ રીતો શોધો (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. નવી સોંપણીમાં તમે કઈ રીતે સફળ થઈ શકો?

૧૫ તમે નવી સોંપણીમાં સફળ થઈ શકો છો. એવું વિચારશો નહિ કે જૂની સોંપણીમાં તમે બરાબર કર્યું ન હતું અથવા હવે તમે મહત્ત્વના નથી. યહોવા તમને જે રીતે મદદ કરી રહ્યા છે, એનો વિચાર કરો અને ખુશખબર ફેલાવતા રહો. પહેલી સદીના વફાદાર ખ્રિસ્તીઓના પગલે ચાલો. તેઓ જ્યાં ગયા ત્યાં “ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરતા ગયા.” (પ્રે.કા. ૮:૧,) ખુશખબર ફેલાવવા તમે જે મહેનત કરો છો એનાં સારાં પરિણામો આવી શકે છે. અમુક પાયોનિયરો સાથે એવું જ થયું. તેઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે, તેઓ બાજુના દેશમાં જતા રહ્યા. એ દેશમાં પણ તેઓની ભાષા બોલતાં ભાઈ-બહેનોની ઘણી જરૂર હતી. થોડા જ મહિનામાં એ ભાષાનાં ઘણાં નવાં ગ્રૂપ શરૂ થયાં.

૧૬. નવી સોંપણીમાં તમે કઈ રીતે ખુશ રહી શકો?

૧૬ ‘યહોવાનો આનંદ તે જ તમારું બળ છે.’ (નહે. ૮:૧૦) બની શકે કે, આપણને સોંપણી બહુ ગમતી હોય. પણ યાદ રાખીએ કે સૌથી વધારે ખુશી તો યહોવા સાથેના ગાઢ સંબંધથી મળે છે. એટલે હંમેશાં યહોવાની આજ્ઞા પાળીએ. સમજણ, માર્ગદર્શન અને મદદ માટે યહોવા પર આધાર રાખીએ. યાદ રાખો કે લોકોને મદદ કરવા તમે બનતું બધું કરતા હતા, એટલે તમને તમારી જૂની સોંપણી ગમતી હતી. હમણાંની સોંપણીમાં તમારું દિલ રેડી દો. યહોવાની મદદથી તમને એ સોંપણી ગમવા લાગશે.—સભા. ૭:૧૦.

૧૭. હાલની સોંપણી વિશે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૭ યાદ રાખીએ કે આપણે યુગોના યુગો યહોવાની સેવા કરતા રહેવાનું છે. સોંપણી તો ગમે ત્યારે બદલાય શકે. નવી દુનિયામાં આપણને બધાને નવી સોંપણી મળશે. લેખની શરૂઆતમાં એલેક્સ વિશે આપણે જોઈ ગયા. તે જણાવે છે કે તેમની સોંપણી બદલાઈ, એનાથી ભાવિમાં આવનાર ફેરફારો માટે તે તૈયાર થઈ શક્યા છે. એલેક્સ કહે છે: ‘યહોવા અને નવી દુનિયામાં મને ભરોસો હતો, પણ ભરોસામાં ખામી હતી. પણ હવે હું યહોવાની ઘણો નજીક છું અને માનું છું કે નવી દુનિયા બહુ જલદી જ આવવાની છે.’ (પ્રે.કા. ૨:૨૫) ભલે આપણને કોઈ પણ સોંપણી મળે, હંમેશાં યહોવાના માર્ગે ચાલતા રહીએ. યહોવા આપણો સાથ ક્યારેય છોડશે નહિ. તેમની સેવામાં આપણે જે કંઈ કરીએ, તે આપણને ખુશ રહેવા પૂરી મદદ કરશે.—યશા. ૪૧:૧૩.

ગીત ૫૩ સંપીને રહીએ

^ ફકરો. 5 કેટલીક વાર, પૂરા સમયની સેવા કરનાર ભાઈ-બહેનોએ કદાચ પોતાની સોંપણી છોડવી પડે અથવા તેઓને નવી સોંપણી મળે. આ લેખમાં આપણે જોઈશું: એવા સંજોગોમાં તેઓ પર કેવી મુશ્કેલીઓ આવી શકે; કેવી બાબતોથી તેઓને નવા સંજોગોમાં મદદ મળી શકે; બીજાઓ કેવી રીતે ઉત્તેજન અને મદદ આપી શકે; સંજોગો બદલાય ત્યારે કયા સિદ્ધાંતોથી મદદ મળી શકે.

^ ફકરો. 4 એવી જ રીતે, અમુક ઉંમર પછી જવાબદાર ભાઈઓએ પોતાની જવાબદારી યુવાન ભાઈઓને સોંપી છે. સપ્ટેમ્બર ૨૦૧૮ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે.” ઑક્ટોબર ૨૦૧૮ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સંજોગો બદલાય તોપણ મનની શાંતિ જાળવી રાખો.”

^ ફકરો. 12 પૂરા સમયના સેવક અગાઉ જ્યાં સેવા આપતા હોય, તે મંડળના વડીલોએ બને એટલું જલદી પરિચય પત્ર મોકલી આપવો જોઈએ. એનાથી તેઓ પાયોનિયર, વડીલ કે સહાયક સેવક તરીકેનું કામ ચાલુ રાખી શકશે.

^ ફકરો. 13 સજાગ બનો! નં. ૩ ૨૦૧૮ “શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન” જુઓ.

^ ફકરો. 57 ચિત્રની સમજ: એક મિશનરી યુગલે સોંપણી છોડવી પડી છે. મંડળનાં ભાઈ-બહેનોને છોડીને જતી વખતે બધાની આંખમાં આંસુ છે.

^ ફકરો. 59 ચિત્રની સમજ: એ યુગલ પાછા પોતાના વતનમાં આવે છે. પૂરા દિલથી યહોવાને પ્રાર્થના કરે છે, જેથી તકલીફોનો સામનો કરી શકે.

^ ફકરો. 61 ચિત્રની સમજ: યહોવાની મદદથી તેઓ ફરીથી પૂરા સમયની સેવામાં જોડાય છે. મિશનરી તરીકે તેઓ બીજી ભાષા શીખ્યા હતા, એ તેઓને નવા મંડળમાં કામ આવે છે. તેઓ બીજા દેશમાંથી આવેલા લોકોને ખુશખબર જણાવે છે.