સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોહાન બાપ્તિસ્મા આપનાર—ખુશી જાળવવા માટેનો દાખલો

યોહાન બાપ્તિસ્મા આપનાર—ખુશી જાળવવા માટેનો દાખલો

મંડળમાં એવી કઈ સોંપણી છે, જે હમણાં તમારી પાસે નથી પણ તમે એ મેળવવા ચાહો છો? કદાચ એ સોંપણી બીજા કોઈની પાસે હોય અથવા કદાચ એ સોંપણી કે લહાવો પહેલાં તમારી પાસે હતો. ઉંમર, બગડતી તબિયત, પૈસાની તકલીફ અથવા કુટુંબની જવાબદારીને લીધે તમે પહેલાં જેટલું કરી શકતા ન હો. સંગઠનમાં થયેલા ફેરફારોને લીધે કદાચ તમારે સોંપણી છોડવી પડે, જે લાંબા સમયથી તમારી પાસે હોય. કારણ ભલે ગમે એ હોય, પણ તમને એવું થાય કે યહોવાની ભક્તિમાં તમે જેટલું કરવા માંગો છો એટલું કરી શકતા નથી. બની શકે કે એવા સંજોગોમાં નિરાશાના વાદળો તમને ઘેરી વળે. નિરાશા, કડવાશ કે ગુસ્સાને મનમાંથી કાઢી નાખવા શાનાથી મદદ મળી શકે? તમે કઈ રીતે ખુશી જાળવી શકો?

ખુશ રહેવા યોહાન બાપ્તિસ્મા આપનારના દાખલામાંથી આપણે મહત્ત્વની બાબતો શીખી શકીએ. તેમને યહોવાની સેવામાં ઘણા સુંદર લહાવા મળ્યા હતા. એ લહાવાઓ વિશે તો તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. તેમણે ધાર્યું ન હતું કે જેટલો સમય પ્રચાર કર્યો, એના કરતાં પણ વધારે સમય જેલમાં રહેવું પડશે. તેમ છતાં યોહાન હંમેશાં ખુશ રહ્યા. મરણ સુધી તેમણે એ ખુશી જાળવી રાખી. તેમને ક્યાંથી મદદ મળી? જીવનમાં નિરાશાની પળો આવે ત્યારે, આપણે કઈ રીતે ખુશી જાળવી રાખી શકીએ?

ખુશી આપે એવી સોંપણી

યહોવાએ યોહાનને એક કામ સોંપ્યું હતું. એ હતું, મસીહના આવવા વિશે લોકોને જણાવવું. એ કામ યોહાને ઈ.સ. ૨૯ની વસંત ઋતુમાં શરૂ કર્યું. તે કહેતા હતા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ. ૩:૨; લુક ૧:૧૨-૧૭) યોહાનની વાત ઘણા લોકોએ સાંભળી. દૂર દૂરથી લોકોનાં ટોળેટોળાં તેમનો સંદેશો સાંભળવા આવતા. ઘણા લોકોએ પસ્તાવો કર્યો અને બાપ્તિસ્મા લીધું. એ જમાનાના ધર્મગુરુઓ પોતાને વધારે પડતા નેક ગણતા હતા. યોહાને તેઓને ચેતવણી આપી કે જો તેઓ પોતાનું વલણ નહિ બદલે, તો તેઓનો ન્યાય કરવામાં આવશે. (માથ. ૩:૫-૧૨) ઈ.સ. ૨૯ની પાનખર ઋતુમાં યોહાને તેમના સેવાકાર્યનું સૌથી મહત્ત્વનું કામ કર્યું. તેમણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું. એ પછી ઈસુને પગલે ચાલવાનું યોહાને લોકોને કહ્યું. એ મસીહ વિશે પહેલેથી જણાવવામાં આવ્યું હતું.—યોહા. ૧:૩૨-૩૭.

યોહાનને મળેલી ખાસ સોંપણી વિશે ઈસુએ કહ્યું હતું: “સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન બાપ્તિસ્મા આપનારથી મહાન બીજું કોઈ થયું નથી.” (માથ. ૧૧:૧૧) યોહાનને મળેલા આશીર્વાદોથી તે ઘણા ખુશ હતા. યોહાનની જેમ આજે ઘણા લોકો પાસે ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદો છે. ચાલો ટેરીભાઈનો દાખલો જોઈએ. તેમણે અને તેમની પત્ની સાન્ડ્રાએ ૫૦થી પણ વધારે વર્ષો પૂરા સમયની સેવામાં વિતાવ્યાં હતાં. ટેરીભાઈએ જણાવ્યું: ‘મારી પાસે ઘણા સુંદર લહાવાઓ હતા. મેં પાયોનિયર, બેથેલના સભ્ય, ખાસ પાયોનિયર, સરકીટ નિરીક્ષક અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા આપી છે. હાલમાં હું ખાસ પાયોનિયર તરીકે સેવા આપું છું.’ ભક્તિમાં મળેલા લહાવાઓથી ઘણી ખુશી મળે છે. પણ આપણે યોહાનના દાખલામાંથી શીખીશું કે સંજોગો બદલાય ત્યારે ખુશી જાળવી રાખવી મહેનત માંગી લે છે.

યહોવા તરફથી મળેલી સોંપણીની કદર કરો

યોહાન ખુશ રહી શક્યા કારણ કે તેમને મળેલા લહાવાઓની તે કદર કરતા હતા. આનો વિચાર કરો. ઈસુના બાપ્તિસ્મા પછી યોહાનનું સેવાકાર્ય ઓછું થવા લાગ્યું, જ્યારે કે ઈસુનું સેવાકાર્ય વધ્યું. એ જોઈને યોહાનના શિષ્યોને ચિંતા થઈ. તેઓએ યોહાનને કહ્યું: “જુઓ, તે બાપ્તિસ્મા આપે છે અને બધા તેની પાસે જાય છે.” (યોહા. ૩:૨૬) યોહાને તેઓને કહ્યું: “જેની પાસે કન્યા છે, એ વરરાજા છે. પરંતુ, વરરાજાનો મિત્ર પાસે ઊભો રહીને વરરાજાની વાણી સાંભળે છે ત્યારે ઘણો ખુશ થાય છે. એ જ રીતે, મારો આનંદ પણ સંપૂર્ણ થયો છે.” (યોહા. ૩:૨૯) યોહાને પોતાની સોંપણીને ઈસુની સોંપણી સાથે સરખાવી નહિ. તેમણે એવું ન વિચાર્યું કે ઈસુનું કામ સૌથી મહત્ત્વનું હોવાથી મારું કામ હવે નકામું થઈ ગયું છે. યોહાને તો ખુશી જાળવી રાખી. કારણ કે ‘વરરાજાના મિત્ર’ બનવાનો તેમને લહાવો મળ્યો હતો, જેની તે ખૂબ કદર કરતા હતા.

યોહાનનું કામ સહેલું ન હતું. પણ તેમના વલણને લીધે તે ખુશ રહી શક્યા. આનો વિચાર કરો. યોહાન જન્મથી જ નાઝારી હતા. એટલે તે દ્રાક્ષદારૂ પીતા ન હતા. (લુક ૧:૧૫) યોહાન સાદું જીવન જીવતા હતા. એ વિશે ઈસુએ કહ્યું: “યોહાન ખાતો-પીતો આવ્યો નથી.” ઈસુ અને તેમના શિષ્યોને નાઝારીઓના નિયમો લાગુ પડતા ન હતા. તેઓ બીજા લોકોની જેમ સામાન્ય જીવન જીવતા હતા. (માથ. ૧૧:૧૮, ૧૯) યોહાને કોઈ ચમત્કાર કર્યો ન હતો. પણ તેમને ખબર હતી કે ઈસુના શિષ્યો પાસે ચમત્કાર કરવાની શક્તિ હતી. અરે, એમાંના અમુક શિષ્યો તો અગાઉ યોહાનના શિષ્યો હતા. (માથ. ૧૦:૧; યોહા. ૧૦:૪૧) પોતાની પાસે ચમત્કાર કરવાની શક્તિ નથી, એ વિશે જ યોહાને વિચાર્યા ન કર્યું. પણ યહોવાએ સોંપેલા કામ પર તેમણે પૂરું ધ્યાન લગાડ્યું.

યહોવાની સેવામાં હમણાં આપણી પાસે જે સોંપણી છે, એને કીમતી ખજાના જેવી ગણીએ. એમ કરીશું તો આપણે ખુશ રહી શકીશું. અગાઉ ટેરીભાઈ વિશે આપણે જોયું. તે કહે છે: ‘મને મળેલી સોંપણી પર મેં પૂરું ધ્યાન લગાડ્યું.’ તેમણે પૂરા સમયની સેવા કરી. વીતેલી કાલ પર નજર નાખતા તે કહે છે: ‘મને કોઈ જાતનો પસ્તાવો નથી. બસ, સુંદર યાદો છે.’

“ઈશ્વરના સાથી કામદારો” હોવું એક મોટો લહાવો છે. એટલે યહોવાની સેવામાં મળેલી સોંપણી કે જવાબદારી ખાસ છે. એના પર વિચાર કરીશું તો યહોવાની સેવામાં વધુ ખુશી મેળવી શકીશું. (૧ કોરીં. ૩:૯) કોઈ કીમતી વસ્તુને ચમકાવીએ તો એની સુંદરતા જળવાય છે. એવી જ રીતે યહોવાની સેવામાં મળેલાં કામોનો વિચાર કરવાથી આપણી ખુશી જળવાય છે. યહોવાની સેવામાં આપણે જે જતું કર્યું છે, એની સરખામણી બીજાઓએ જે જતું કર્યું છે, એની સાથે ન કરીએ. ક્યારેય એવું ન વિચારીએ કે યહોવાએ બીજાઓને જે કામ આપ્યું છે, એ આપણને મળેલા કામ કરતાં વધારે મહત્ત્વનું છે. યહોવાની સેવામાં મળેલા કામને ઓછું ન આંકીએ, એને મહત્ત્વનું ગણીએ.—ગલા. ૬:૪.

યહોવાની નજરે જે મહત્ત્વનું છે એના પર પૂરું ધ્યાન લગાડીએ

યોહાન જાણતા હશે કે તેમનું સેવાકાર્ય થોડા જ સમયમાં પૂરું થઈ જશે. પણ તેમને એ ખબર નહિ હોય કે તેમનું સેવાકાર્ય આટલું જલદી પૂરું થઈ જશે. (યોહા. ૩:૩૦) ઈસુના બાપ્તિસ્માને છએક મહિના થયા હતા ત્યારે, ઈ.સ. ૩૦માં હેરોદ રાજાએ યોહાનને જેલમાં નાખી દીધા. તોપણ યોહાન સાક્ષી આપતા રહ્યા. (માર્ક ૬:૧૭-૨૦) આ બધા ફેરફારોમાં પણ ખુશી જાળવી રાખવા તેમને ક્યાંથી મદદ મળી? યહોવાની નજરે જે મહત્ત્વનું હતું, એના પર તેમણે પૂરું ધ્યાન લગાડ્યું.

જેલમાં યોહાનને સમાચાર મળ્યા કે ઈસુનું સેવાકાર્ય વધી રહ્યું છે. (માથ. ૧૧:૨; લુક ૭:૧૮) યોહાનને ખાતરી હતી કે ઈસુ જ મસીહ છે. પણ તેમણે વિચાર્યું હશે કે ઈસુ વિશે અગાઉ જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી, એ બધી ઈસુ કઈ રીતે પૂરી કરશે? યોહાન જાણતા હતા કે ઈસુ રાજા બનશે. એટલે કદાચ તેમણે વિચાર્યું હશે કે ઈસુ જલદી રાજા બને તો સારું. તેમણે એવું પણ વિચાર્યું હશે કે ઈસુ તેમને જેલમાંથી છોડાવશે કે કેમ. ઈસુ કેવાં કામો કરશે એ વિશે યોહાનને વધારે જાણવું હતું. એટલે તેમણે બે શિષ્યોને ઈસુ પાસે મોકલીને પૂછાવ્યું: “જે આવનાર છે, તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” (લુક ૭:૧૯) શિષ્યો પાછા આવ્યા અને તેઓએ જણાવ્યું કે ઈસુ ચમત્કાર કરીને લોકોને સાજા કરે છે. એ બધું યોહાને ધ્યાનથી સાંભળ્યું હશે. ઈસુએ યોહાન માટે આ સંદેશો મોકલાવ્યો હતો: “આંધળા હવે જુએ છે, લંગડા ચાલે છે, રક્તપિત્તિયાને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળે છે, મરણ પામેલા પાછા ઉઠાડાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.”—લુક ૭:૨૦-૨૨.

એ સમાચાર સાંભળીને યોહાનને ચોક્કસ ઘણું ઉત્તેજન મળ્યું હશે. એનાથી યોહાનને ખબર પડી કે ઈસુ ભવિષ્યવાણીઓ પૂરી કરી રહ્યા છે. ઈસુએ યોહાનને જેલમાંથી છોડાવ્યા નહિ. યોહાન જાણતા હતા કે ઈસુનું સેવાકાર્ય ખૂબ મહત્ત્વનું છે. યોહાનના સંજોગો અઘરા હતા તોપણ ખુશ રહેવાનું તેમની પાસે કારણ હતું.

દુનિયાભરમાં ચાલતા પ્રચારકાર્ય પર ધ્યાન આપવાથી આપણે ખુશી જાળવી શકીશું

યોહાનની જેમ આપણે પણ યહોવાની ભક્તિમાં પૂરું ધ્યાન આપવું જોઈએ. એમ કરવાથી આપણે આનંદ અને ધીરજથી તકલીફોને સહન કરી શકીશું. (કોલો. ૧:૯-૧૧) એ માટે આપણે બાઇબલ વાંચીએ, એના પર મનન કરીએ. એનાથી આપણને ખબર પડશે કે યહોવા માટે આપણે જે કંઈ કરીએ એ ઘણું મહત્ત્વનું છે. (૧ કોરીં. ૧૫:૫૮) સાન્ડ્રાબેન જણાવે છે: ‘રોજ બાઇબલનો અધ્યાય વાંચવાથી હું યહોવાની નજીક જઈ શકી છું. એનાથી હું પોતાના વિશે નહિ, પણ યહોવા વિશે વધારે વિચારું છું.’ ભાઈ-બહેનો યહોવાની સેવામાં જે મહેનત કરે છે, એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આમ, આપણે ફક્ત પોતાના વિશે જ વિચાર્યા નહિ કરીએ. યહોવાનાં કામો પર ધ્યાન લગાડી શકીશું. સાન્ડ્રા જણાવે છે: ‘JW બ્રૉડકાસ્ટિંગમાં દર મહિને આવતા કાર્યક્રમોથી અમે સંગઠનની વધુ નજીક જઈ શક્યા છીએ. એનાથી સોંપણીમાં ખુશી જાળવી રાખવા અમને મદદ મળી.’

યોહાન બાપ્તિસ્મા આપનારનું સેવાકાર્ય થોડા જ સમય માટેનું હતું. પણ તેમનામાં “એલિયા જેવી શક્તિ અને તાકાત” હતી. એલિયાની જેમ તે પણ “આપણા જેવા જ માણસ” હતા. (લુક ૧:૧૭; યાકૂ. ૫:૧૭) તો ચાલો આપણે તેમની જેમ કદર બતાવીએ અને યહોવાની સેવામાં પૂરું ધ્યાન આપીએ. પછી ભલે આપણા જીવનમાં ગમે એ થાય, આપણે ખુશી ખુશી યહોવાની સેવા કરી શકીશું.