સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૨

ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ

ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ

‘તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલ!’—મીખા. ૬:૮.

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

ઝલક *

૧. યહોવાની નમ્રતા વિશે દાઊદે શું કહ્યું હતું?

યહોવા નમ્ર ઈશ્વર છે. એવું શા પરથી કહી શકાય? દાઊદે એકવાર કહ્યું હતું: ‘તમે તમારી તારણની ઢાલ મને આપી છે. તમારી અમી દૃષ્ટિએ [“નમ્રતા” NWT] મને મોટો કર્યો છે.’ (૨ શમૂ. ૨૨:૩૬; ગીત. ૧૮:૩૫) દાઊદે લખતી વખતે આ વાત યાદ કરી હશે, જ્યારે શમુએલ તેમના પિતાના ઘરે આવ્યા હતા. એ સમયે શમુએલ ઇઝરાયેલના નવા રાજાને અભિષેક કરવા આવ્યા હતા. આઠ ભાઈઓમાં દાઊદ સૌથી નાના હતા, તોપણ યહોવાએ શાઊલની જગ્યાએ તેમને રાજા તરીકે પસંદ કર્યા.—૧ શમૂ. ૧૬:૧, ૧૦-૧૩.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

ગીતશાસ્ત્ર ૧૧૩માં યહોવા વિશે જે લખ્યું છે, એવું જ દાઊદ માનતા હતા. એમાં લખ્યું છે: ‘આકાશમાં તથા પૃથ્વીમાં જે છે એ જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે અને ગરીબને ધનવાનો સાથે બેસાડે છે.’ (ગીત. ૧૧૩:૬-૮) આ લેખમાં સૌથી પહેલા જોઈશું કે યહોવા કઈ રીતે નમ્રતા બતાવે છે અને એમાંથી આપણે શું શીખી શકીએ. પછી જોઈશું કે નમ્રતા વિશે શાઊલ રાજા, દાનીયેલ પ્રબોધક અને ઈસુ પાસેથી શું શીખી શકીએ.

યહોવાના દાખલામાંથી શું શીખી શકીએ?

૩. યહોવા આપણી સાથે જે રીતે વર્તે છે એનાથી શું દેખાય આવે છે?

આપણે બધા માટીના માણસો હોવાથી ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. યહોવા આપણી સાથે જે રીતે વર્તે છે, એનાથી દેખાય આવે છે કે તે નમ્ર છે. તે આપણી ભક્તિ સ્વીકારે છે. એટલું જ નહિ, તે આપણને પોતાના “મિત્ર” ગણે છે. (ગીત. ૨૫:૧૪, IBSI) આપણે તેમના મિત્ર બની શકીએ માટે તેમણે એક માર્ગ ખોલ્યો છે. આપણાં પાપોની માફી માટે તેમણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. સાચે જ, યહોવા કેટલી દયા બતાવે છે!

૪. યહોવાએ આપણને શું આપ્યું છે અને શા માટે?

બીજી એક રીતે પણ યહોવાની નમ્રતા જોઈ શકાય છે. તેમણે માણસોને પોતાના જેવા બનાવ્યા છે. પોતાના નિર્ણયો લેવાની આપણને આઝાદી આપી છે. તે ચાહત તો એવી આઝાદી ન આપી હોત. પણ તેમણે એટલે આપી કે આપણે તેમની ભક્તિ દિલથી કરી શકીએ. તે ઇચ્છે છે કે આપણે તેમને પ્રેમ કરીએ. એટલું જ નહિ, એ વાત પણ સમજીએ કે તેમની આજ્ઞા પાળવાથી આપણું જ ભલું થશે. (પુન. ૧૦:૧૨; યશા. ૪૮:૧૭, ૧૮) યહોવા નમ્ર છે એ માટે આપણે કેટલા આભારી છીએ!

ચિત્રમાં બતાવ્યું છે કે સ્વર્ગમાં ઈસુ અને તેમની સાથે રાજ કરનારા અમુક અભિષિક્તો ઊભા છે. તેઓ ભેગા મળીને લાખો કરોડો સ્વર્ગદૂતોને જુએ છે. અમુક સ્વર્ગદૂતો પોતાની સોંપણી પૂરી કરવા પૃથ્વી પર જઈ રહ્યા છે. ચિત્રમાં બતાવેલા દરેકને યહોવાએ અધિકાર આપ્યો છે (ફકરો ૫ જુઓ)

૫. યહોવા આપણને નમ્ર બનવાનું કઈ રીતે શીખવે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

યહોવા ચાહે છે કે આપણે પણ નમ્ર બનીએ અને તેમની પાસેથી શીખીએ કે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ. આખા વિશ્વમાં સૌથી વધારે યહોવા પાસે બુદ્ધિ છે. તેમને કોઈનાં સલાહ-સૂચનોની જરૂર નથી, તોપણ તે બીજાઓ પાસેથી એ લે છે. વિશ્વનું સર્જન કરવામાં તેમણે ઈસુની મદદ લીધી. આમ તેમણે પોતાની સાથે કામ કરવા ઈસુને તક આપી. (નીતિ. ૮:૨૭-૩૦; કોલો. ૧:૧૫, ૧૬) યહોવા સર્વોચ્ચ ઈશ્વર છે, છતાં તે બીજાઓને અમુક અધિકાર આપે છે. જેમ કે, તેમણે ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા છે. વધુમાં, ઈસુ સાથે રાજ કરનાર ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને યહોવા અમુક અધિકાર આપશે. (લુક ૧૨:૩૨) યહોવાએ ઈસુને રાજા અને પ્રમુખ યાજક બનવાની તાલીમ આપી છે. (હિબ્રૂ. ૫:૮, ૯) ઈસુ સાથે જેઓ રાજ કરશે, તેઓને જવાબદારી પૂરી કરવા યહોવા તાલીમ આપી રહ્યા છે. પણ તેઓ એ કામ કઈ રીતે કરશે એ જોવા તે ચાંપતી નજર રાખતા નથી. યહોવાને ભરોસો છે કે તેઓ તેમની ઇચ્છા પ્રમાણે કરશે.—પ્રકટી. ૫:૧૦.

બીજાઓને શીખવીએ છીએ અને અમુક અધિકાર આપીએ છીએ ત્યારે આપણે યહોવાને પગલે ચાલીએ છીએ (ફકરો ૬-૭ જુઓ) *

૬-૭. કુટુંબના શિર, વડીલો અને માબાપો કઈ રીતે યહોવાના પગલે ચાલી શકે?

યહોવાને કોઈ મદદની જરૂર નથી. તે પોતાનું કામ જાતે કરી શકે છે. છતાં તે બીજાઓને અમુક અધિકાર આપે છે. જો યહોવા એવું કરતા હોય તો આપણે પણ કરવું જોઈએ, ખરું ને! જો તમે કુટુંબના શિર કે મંડળના વડીલ હો તો શું કરશો? યહોવાની જેમ બીજાઓને અધિકાર આપો. પછી તેઓ કામ કરે ત્યારે ઝીણી ઝીણી વાતમાં ટોક્યા ન કરો. જો યહોવાના પગલે ચાલશો તો તમારું કામ પણ થશે, તમે બીજાઓને તાલીમ આપી શકશો અને તેઓનો ભરોસો પણ વધશે. (યશા. ૪૧:૧૦) જેઓ પાસે અમુક અધિકાર છે તેઓ યહોવા પાસેથી બીજું શું શીખી શકે?

બાઇબલમાં જણાવ્યું છે, યહોવાને પોતાના દીકરાઓ એટલે કે સ્વર્ગદૂતોના વિચારો જાણવાનું ગમે છે. (૧ રાજા. ૨૨:૧૯-૨૨) માબાપો, તમે યહોવાના પગલે કઈ રીતે ચાલી શકો? અમુક કામ કઈ રીતે કરવા એ વિશે બાળકોના વિચારો જાણો. જો એ યોગ્ય હોય તો એ પ્રમાણે કરો.

૮. ઈબ્રાહીમ અને સારાહ સાથે યહોવા કઈ રીતે ધીરજથી વર્ત્યા?

યહોવા બીજી એક રીતે પણ નમ્રતા બતાવે છે. એ છે કે તે ધીરજ રાખે છે. યહોવાનો કોઈ નિર્ણય એક ઈશ્વરભક્ત સમજી ન શકે અને સવાલ કરે ત્યારે યહોવા ધીરજ બતાવે છે. દાખલા તરીકે, યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કરવાનું નક્કી કર્યું. ઈબ્રાહીમને એ વિશે ચિંતા થઈ ત્યારે તેમણે દિલની લાગણી યહોવાને જણાવી. યહોવાએ ધીરજથી તેમનું સાંભળ્યું. (ઉત. ૧૮:૨૨-૩૩) યાદ કરો, સારાહ સાથે યહોવા કઈ રીતે વર્ત્યા હતા. યહોવાએ વચન આપ્યું હતું કે સારાહને મોટી ઉંમરે દીકરો થશે. એ વાત સાંભળીને સારાહ હસી ત્યારે, યહોવાએ ખોટું લગાડ્યું નહિ કે ગુસ્સો કર્યો નહિ. (ઉત. ૧૮:૧૦-૧૪) યહોવા તો સારાહ સાથે માનથી વર્ત્યા.

૯. માબાપો અને વડીલો યહોવાના દાખલામાંથી શું શીખી શકે?

માબાપો અને વડીલો, તમે યહોવાના દાખલામાંથી શું શીખી શકો? બાળકો કે મંડળનાં અમુક ભાઈ-બહેનો તમારો નિર્ણય સમજી ન શકે અને સવાલ કરે ત્યારે તમે શું કરશો? શું તમે તેઓને સુધારવા બેસી જશો કે તેઓને સમજવાનો પ્રયત્ન કરશો? માબાપો અને વડીલો યહોવાના પગલે ચાલે છે ત્યારે, કુટુંબ અને મંડળને ફાયદો થાય છે. અત્યાર સુધી શીખ્યા કે આપણે યહોવાની જેમ કઈ રીતે નમ્ર બની શકીએ. હવે આપણે જોઈશું કે બાઇબલમાં આપેલા ઈશ્વરભક્તોના દાખલા પરથી કઈ રીતે નમ્ર બનવાનું શીખી શકીએ.

બીજાઓના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૦. યહોવા બીજાઓના દાખલામાંથી આપણને કઈ રીતે શીખવે છે?

૧૦ “મહાન શિક્ષક” યહોવાએ આપણને શીખવવા બાઇબલમાં અમુક અહેવાલો લખાવ્યા છે. (યશા. ૩૦:૨૦, ૨૧) એમાં અમુક ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ ઈશ્વરને પસંદ પડે એવા ગુણો કેળવ્યા હતા. બાઇબલમાં એવા લોકોના પણ દાખલા છે, જેઓએ એ ગુણો કેળવ્યા ન હતા. એના લીધે તેઓ સાથે જે થયું એમાંથી પણ આપણે શીખી શકીએ છીએ.—ગીત. ૩૭:૩૭; ૧ કોરીં. ૧૦:૧૧.

૧૧. આપણને શાઊલના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૧ ચાલો શાઊલ રાજાનો દાખલો જોઈએ. પહેલાં તે નમ્ર હતા. તે સારી રીતે જાણતા હતા કે પોતે કેટલું કરી શકે છે. જ્યારે એક મોટી જવાબદારી મળી, ત્યારે એને સ્વીકારવા તે અચકાતા હતા. (૧ શમૂ. ૯:૨૧; ૧૦:૨૦-૨૨) પણ રાજા બન્યા એના થોડા સમય પછી તે ઘમંડી બની ગયા. તે એવાં કામ કરવા લાગ્યા જે કરવાનો તેમને અધિકાર ન હતો. એકવાર, તેમણે બલિદાન ચઢાવવા શમુએલ પ્રબોધકની રાહ જોવાની હતી. શમુએલને મોડું થયું ત્યારે તે ધીરજ ગુમાવી બેઠા. અર્પણ ચઢાવવા યહોવા બીજી ગોઠવણ કરશે, એવો તેમણે ભરોસો રાખવાનો હતો. એને બદલે તેમણે પોતે બલિદાન ચઢાવી દીધું. એટલે તે યહોવાની કૃપા ગુમાવી બેઠા. એટલું જ નહિ, યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો. (૧ શમૂ. ૧૩:૮-૧૪) એમાંથી શીખવા મળે છે કે, જે કરવાનો આપણને અધિકાર ન હોય એ આપણે ન કરવું જોઈએ.

૧૨. દાનીયેલે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

૧૨ ચાલો હવે દાનીયેલ પ્રબોધકનો દાખલો જોઈએ, જે શાઊલથી અલગ હતા. તે જીવનભર નમ્ર રહ્યા અને તેમણે ક્યારેય પોતાની હદ ઓળંગી નહિ. તેમણે માર્ગદર્શન માટે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. એકવાર, તેમણે નબૂખાદનેસ્સારના સપનાનો અર્થ બતાવ્યો હતો. એ માટે તેમણે પોતે વાહવાહ ન લીધી. પણ તેમણે નમ્રતા બતાવી અને એનો મહિમા યહોવાને આપ્યો. (દાની. ૨:૨૬-૨૮) એમાંથી આપણને શું શીખવા મળે છે? જો આપણે સારું પ્રવચન આપતા હોઈએ કે પ્રચારમાં સારું કરતા હોઈએ, તો પોતાના મોઢે પોતે વખાણ ન કરીએ. પણ નમ્રતાથી સ્વીકારીએ કે એ બધું આપણે યહોવાની મદદથી કરી શકીએ છીએ. (ફિલિ. ૪:૧૩) એવું કરીને આપણે ઈસુના પગલે ચાલીએ છીએ.

૧૩. યોહાન ૫:૧૯, ૩૦માં આપેલા ઈસુના શબ્દોથી તેમના વિશે શું શીખવા મળે છે?

૧૩ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા હતા. તેમનામાં પાપનો છાંટોય ન હતો, તોપણ તે હંમેશાં યહોવા પર આધાર રાખતા હતા. (યોહાન ૫:૧૯, ૩૦ વાંચો.) તેમણે ક્યારેય પોતાના પિતાનો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો નહિ. ફિલિપીઓ ૨:૬માં જણાવ્યું છે કે ઈસુએ “સત્તા છીનવી લેવાનો, એટલે કે ઈશ્વર સમાન થવાનો વિચાર ન કર્યો.” એક દીકરા તરીકે ઈસુ હંમેશાં પોતાના પિતાને આધીન રહ્યા. તેમણે ક્યારેય પોતાની હદ ઓળંગી નહિ. તે પોતાના પિતાના અધિકારનો આદર કરતા હતા.

ઈસુએ પોતાની હદ ઓળંગી નહિ. તેમણે એવું કોઈ કામ ન કર્યું જે કરવાનો તેમને અધિકાર ન હતો (ફકરો ૧૪ જુઓ)

૧૪. યાકૂબ અને યોહાનની માતાને ઈસુએ કેવો જવાબ આપ્યો?

૧૪ એક વખતે યાકૂબ અને યોહાન પોતાની માતા સાથે ઈસુને મળવા આવ્યા. તેઓની માતાએ ઈસુને વિનંતી કરી કે ઈસુના રાજમાં તેના દીકરાઓને ખાસ લહાવો મળે. એ સમયે ઈસુએ શું કર્યું? ઈસુએ તરત કહ્યું, તેમની ડાબી કે જમણી બાજુ કોણ બેસશે, એ નક્કી કરવાનો હક ફક્ત યહોવાને છે. (માથ. ૨૦:૨૦-૨૩) ઈસુ નમ્ર હતા એટલે પોતાની હદ જાણતા હતા. તેમણે એવું કોઈ કામ ન કર્યું, જે કરવાનો તેમને અધિકાર ન હતો. (યોહા. ૧૨:૪૯) આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ?

નમ્રતા બતાવવામાં આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ? (ફકરો ૧૫-૧૭ જુઓ) *

૧૫-૧૬. પહેલો કોરીંથીઓ ૪:૬માં આપેલી સલાહ કઈ રીતે પાળી શકીએ?

૧૫ પહેલો કોરીંથીઓ ૪:૬માં જણાવ્યું છે: “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ.” આપણે એ સલાહ પાળીને ઈસુને પગલે ચાલી શકીએ છીએ. એટલે આપણી પાસે કોઈ સલાહ માંગે તો શું કરીશું? આપણે પોતાના વિચારો બીજાઓ પર થોપી ન બેસાડીએ. એટલું જ નહિ, આપણે વગર વિચારીએ ન બોલીએ. એના બદલે આપણે તેઓનું ધ્યાન બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યમાં આપેલી સલાહ તરફ દોરવું જોઈએ. આમ આપણે પોતાની હદમાં રહીશું. એમ કરીને બતાવીશું કે આપણે બધું જાણતા નથી. આપણે નમ્ર રહીને બતાવીએ છીએ કે યહોવાની સલાહ સૌથી ઉત્તમ છે.—પ્રકટી. ૧૫:૩, ૪.

૧૬ આપણે જોયું કે નમ્રતા બતાવીએ છીએ ત્યારે આપણે યહોવાને મહિમા આપીએ છીએ. હવે જોઈએ કે નમ્ર રહેવાથી આપણે કઈ રીતે ખુશી મેળવી શકીએ અને બીજાઓ સાથે સારો સંબંધ કેળવી શકીએ.

નમ્રતા બતાવવાથી કેવા ફાયદા થાય છે?

૧૭. નમ્રતા બતાવવાથી કઈ રીતે ખુશી મળે છે?

૧૭ નમ્રતા બતાવવાથી આપણને ખુશી મળે છે. કઈ રીતે? આપણે સમજીએ છીએ કે અમુક કામ કરવા એ આપણા હાથ બહારની વાત છે. એટલે કોઈ આપણી મદદ કરે ત્યારે આપણે તેનો આભાર માનીશું અને ખુશ રહીશું. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્તે રક્તપિત્ત થયેલા દસ માણસોને સાજા કર્યા. પણ એમાંથી ફક્ત એક માણસ પાછો આવીને તેમનો આભાર માને છે. તે નમ્ર હતો એટલે જાણતો હતો કે પોતાની જાતે સાજો થઈ શકે એમ નથી. તેણે એ માટે ઈશ્વરને મહિમા આપ્યો.—લુક ૧૭:૧૧-૧૯.

૧૮. શા માટે નમ્ર વ્યક્તિનું બીજાઓ સાથે સારું બને છે? (રોમનો ૧૨:૧૦)

૧૮ નમ્ર વ્યક્તિનું બીજાઓ સાથે સારું બને છે. તેઓ બીજાઓના પાકા મિત્રો બની શકે છે. તેઓ સ્વીકારે છે કે બીજાઓમાં સારા ગુણો હોય છે અને તેઓ બીજાઓ પર ભરોસો રાખે છે. બીજાઓને પોતાની સોંપણી સારી રીતે પૂરી કરતા જોઈને તેઓને ખુશી થાય છે. નમ્ર વ્યક્તિ તેઓના વખાણ કરતા અચકાતી નથી અને તેઓને માન આપે છે.—રોમનો ૧૨:૧૦ વાંચો.

૧૯. આપણે કેમ ઘમંડી ન બનવું જોઈએ?

૧૯ ઘમંડી લોકો સહેલાઈથી બીજાઓના વખાણ કરતા નથી. તેઓ ચાહે છે કે ફક્ત તેઓની જ વાહવાહ થાય. તેઓને લાગે છે કે પોતે જ સૌથી સારું કરે છે અને બીજાઓ સારું કરે તો એ તેઓથી જોવાતું નથી. એટલે તેઓ બીજાઓ સાથે હરીફાઈ કરે છે. તેઓ બીજાઓને તાલીમ આપતા નથી કે અધિકાર આપતા નથી. ઘમંડી વ્યક્તિને લાગે છે કે જો પોતે એ કામ કરશે, તો જ સારું થશે અને બીજાઓ એ સારી રીતે કરી નહિ શકે. એક ઘમંડી વ્યક્તિને હંમેશાં આગળ રહેવું ગમે છે. તે બીજાઓની અદેખાઈ કરે છે. (ગલા. ૫:૨૬) એવા લોકોના ભાગ્યે જ કોઈ મિત્રો હોય છે. જો લાગે કે આપણામાં ઘમંડ આવી રહ્યું છે તો શું કરીશું? ‘પોતાના વિચારોમાં ફેરફાર કરવા’ યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ. એમ કરીશું તો જ ઘમંડને જડમૂળથી ઉખાડી શકીશું.—રોમ. ૧૨:૨.

૨૦. આપણે શા માટે નમ્ર રહેવું જોઈએ?

૨૦ નમ્રતા બતાવવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! યહોવા પોતાના ભક્તો સાથે નમ્રતાથી વર્તે છે. આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. બાઇબલમાં આપેલા ઈશ્વરભક્તોના દાખલાને પણ આપણે અનુસરવું જોઈએ. તેઓ નમ્રતાથી ઈશ્વરની સાથે ચાલ્યા. યાદ રાખીએ કે માન મેળવવા માટે યહોવા જ હકદાર છે, એટલે તેમનો મહિમા કરીએ. (પ્રકટી. ૪:૧૧) જો એમ કરીશું તો આપણને યહોવા સાથે ચાલવાનો લહાવો મળશે. કારણ કે યહોવા નમ્ર વ્યક્તિઓને પ્રેમ કરે છે.

ગીત ૪૩ જાગતા રહીએ

^ ફકરો. 5 એક નમ્ર વ્યક્તિ બીજાઓ માટે દયા બતાવે છે. યહોવા પણ આપણા બધા માટે દયા બતાવે છે. એટલે કહી શકીએ કે યહોવા નમ્ર છે. આ લેખમાં આપણે યહોવાના દાખલા પરથી નમ્રતાના ગુણ વિશે શીખીશું. પછી આપણે શાઊલ રાજા, દાનીયેલ પ્રબોધક અને ઈસુ પાસેથી નમ્રતાના ગુણ વિશે શીખીશું.

^ ફકરો. 58 ચિત્રની સમજ: વડીલ સમય કાઢીને યુવાન ભાઈને મંડળના પ્રચાર વિસ્તારની દેખરેખ રાખવાનું શીખવે છે. પછી એ ભાઈ કામ કરે છે ત્યારે વડીલ વારે ઘડીએ જઈને તેમને ટોક ટોક કરતા નથી.

^ ફકરો. 62 ચિત્રની સમજ: એક બહેન વડીલને પૂછે છે કે ચર્ચમાં થનાર લગ્‍નમાં જવાય કે નહિ. વડીલ પોતાના વિચારો જણાવવાને બદલે બાઇબલના સિદ્ધાંતો બતાવે છે.