સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૪

યહોવાના મંડળમાં તમે કીમતી છો!

યહોવાના મંડળમાં તમે કીમતી છો!

“જેમ શરીર એક છે પણ અવયવો ઘણા છે અને શરીરના અવયવો અનેક હોવા છતાં શરીર એક જ છે, એવું જ ખ્રિસ્તનું શરીર પણ છે.” —૧ કોરીં. ૧૨:૧૨.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

૧. આપણને કેવો લહાવો મળ્યો છે?

યહોવાના મંડળનો ભાગ બનવાનો આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે! મંડળનાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે, આપણે સંપ અને શાંતિનો અનુભવ કરીએ છીએ. શું મંડળ માટે તમે કીમતી છો?

૨. પ્રેરિત પાઊલે પત્રોમાં કયા દાખલાનો ઉપયોગ કર્યો હતો?

એ વિશે આપણે એક દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ. પ્રેરિત પાઊલે ઈશ્વરની પ્રેરણાથી પત્રો લખ્યા, એમાં ઘણી વાર એ દાખલાનો ઉપયોગ કર્યો હતો. એ દરેક પત્રોમાં તેમણે મંડળને માનવ શરીર સાથે સરખાવ્યું હતું. તેમણે દરેક ભાઈ-બહેનને શરીરનાં અંગો સાથે સરખાવ્યા હતા.—રોમ. ૧૨:૪-૮; ૧ કોરીં. ૧૨:૧૨-૨૭; એફે. ૪:૧૬.

૩. આ લેખમાં આપણે કઈ ત્રણ મહત્ત્વની બાબતો વિશે શીખીશું?

યહોવાના મંડળમાં આપણે બધા કીમતી છીએ. આપણે બધા મંડળને મજબૂત કરી શકીએ છીએ. આપણે બધા અલગ અલગ ભાષા બોલીએ છીએ અને અલગ અલગ જાતિ કે સમાજમાંથી આવીએ છીએ. કદાચ આપણે ઓછું ભણેલા હોઈએ કે વધારે, અમીર હોઈએ કે ગરીબ પણ મંડળમાં આપણે બધા કીમતી છીએ. પાઊલે આપેલા દાખલામાંથી આપણે ત્રણ મહત્ત્વની બાબતો આ લેખમાં શીખીશું. પહેલી બાબત, મંડળમાં દરેક વ્યક્તિ શા માટે કીમતી છે? બીજી બાબત, આપણને લાગતું હોય કે મંડળમાં આપણે કંઈ કામના નથી તો શું કરવું જોઈએ? ત્રીજી બાબત, યહોવાએ સોંપેલા કામમાં આપણે કેમ મંડ્યા રહેવું જોઈએ?

યહોવાએ મંડળમાં દરેકને કામ સોંપ્યું છે

૪. રોમનો ૧૨:૪, ૫માંથી શું શીખવા મળે છે?

પાઊલે આપેલા દાખલામાંથી પહેલી બાબત શીખવા મળે છે કે યહોવાના કુટુંબમાં દરેક વ્યક્તિનું મહત્ત્વ છે. પાઊલે કહ્યું: “આપણા શરીરમાં ઘણા અવયવો છે, પણ બધાનાં કામ એકસરખાં હોતાં નથી, તેમ આપણે ઘણા હોવા છતાં, ખ્રિસ્ત સાથે એકતામાં એક શરીર છીએ અને આપણે એકબીજા સાથે જોડાયેલા અવયવો પણ છીએ.” (રોમ. ૧૨:૪, ૫) પાઊલ શું કહેવા માગતા હતા? મંડળમાં દરેક પાસે અલગ અલગ કામ છે, પણ યહોવા આપણને બધાને કીમતી ગણે છે.

મંડળમાં બધા પાસે અલગ અલગ કામ છે પણ બધા કીમતી છે (ફકરો ૫-૧૨ જુઓ) *

૫. યહોવાએ મંડળને કઈ “ભેટ” આપી છે?

આપણને થાય કે મંડળમાં જેઓ પાસે જવાબદારી છે ફક્ત તેઓ જ મહત્ત્વના છે. (૧ થેસ્સા. ૫:૧૨; હિબ્રૂ. ૧૩:૧૭) ખરું કે યહોવાએ ખ્રિસ્ત દ્વારા મંડળમાં “માણસો ભેટ તરીકે” આપ્યા છે. (એફે. ૪:૮) એમાં નિયામક જૂથના સભ્યો, નિયામક જૂથના મદદનીશો, શાખા સમિતિના સભ્યો, સરકીટ નિરીક્ષકો, ફિલ્ડ ઇન્સ્ટ્રક્ટર, મંડળના વડીલો અને સહાયક સેવકો આવી જાય છે. એ બધા ભાઈઓને પવિત્ર શક્તિથી પસંદ કરવામાં આવે છે. તેઓ યહોવાનાં કીમતી ઘેટાંની દેખરેખ રાખે છે અને મંડળને મજબૂત કરે છે.—૧ પીત. ૫:૨, ૩.

૬. પહેલો થેસ્સાલોનિકીઓ ૨:૬-૮ પ્રમાણે આગેવાની લેનાર ભાઈઓ શું કરે છે?

એ ભાઈઓને પવિત્ર શક્તિથી પસંદ કરવામાં આવે છે, જેથી મંડળમાં તેઓ અલગ અલગ જવાબદારીઓ નિભાવી શકે. જેમ કે, હાથ અને પગ કામ કરે છે ત્યારે આખા શરીરને ફાયદો થાય છે. એવી જ રીતે, એ ભાઈઓ કામ કરે છે ત્યારે આખા મંડળને ફાયદો થાય છે. તેઓ બીજાઓ પાસેથી વાહવાહ મેળવવા ચાહતા નથી. પણ તેઓ તો ભાઈ-બહેનોની હિંમત વધારવા અને શ્રદ્ધા મજબૂત કરવા તનતોડ મહેનત કરે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૨:૬-૮ વાંચો.) એ ભાઈઓ પોતાના કરતાં બીજાઓની વધારે ચિંતા કરે છે. એવા ભાઈઓ માટે આપણે યહોવાના કેટલા આભારી છે!

૭. પૂરા સમયના સેવકોને કેવો ફાયદો થાય છે?

મંડળમાં અમુક ભાઈ-બહેનો મિશનરીઓ, ખાસ પાયોનિયરો કે નિયમિત પાયોનિયરો છે. દુનિયા ફરતે એવાં ઘણાં ભાઈ-બહેનો છે, જેઓ પૂરા સમયની સેવા આપે છે. તેઓએ ઘણા લોકોને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરી છે. ભલે તેઓ અમીર નથી, પણ યહોવાએ તેઓ પર આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો છે. (માર્ક ૧૦:૨૯, ૩૦) કેટલી ખુશીની વાત છે કે આપણા મંડળમાં એવાં ભાઈ-બહેનો છે. તેઓ આપણને ખૂબ વહાલા છે.

૮. શા માટે ખુશખબર ફેલાવનાર દરેક પ્રકાશક યહોવા માટે કીમતી છે?

ખરું કે આગેવાની લેનાર ભાઈઓ અને પૂરા સમયના સેવકો ખૂબ મહેનત કરે છે. પણ શું મંડળમાં ફક્ત તેઓ જ મહત્ત્વના છે? ના, જરાય નહિ! ખુશખબર ફેલાવનાર દરેક પ્રકાશક યહોવા અને મંડળ માટે કીમતી છે. (રોમ. ૧૦:૧૫; ૧ કોરીં. ૩:૬-૯) કારણ કે મંડળનું મુખ્ય કામ લોકોને ખ્રિસ્તના શિષ્યો બનાવવાનું છે. (માથ. ૨૮:૧૯, ૨૦; ૧ તિમો. ૨:૪) બાપ્તિસ્મા પામેલા કે ન પામેલા બધા પ્રકાશકો ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં પ્રથમ સ્થાને રાખે છે.—માથ. ૨૪:૧૪.

૯. આપણે શા માટે બહેનોને કીમતી ગણીએ છીએ?

યહોવાએ મંડળમાં બહેનોને પણ મહત્ત્વનું કામ આપ્યું છે. અમુક બહેનોએ લગ્‍ન કર્યાં છે, અમુક કુંવારાં છે, અમુક વિધવા છે અને અમુકને બાળકો છે. તેઓ વફાદારીથી યહોવાની ભક્તિ કરે છે. બાઇબલમાં ઘણી વાર એવી બહેનો વિશે જણાવ્યું છે, જેઓ યહોવાને ખૂબ વહાલી હતી. તેઓએ સમજી-વિચારીને અને ઉત્સાહથી કામ કર્યું હતું. તેઓએ શ્રદ્ધા, હિંમત અને ઉદારતા બતાવી હતી. તેઓએ ઘણાં સારાં કામ કર્યાં હતા. (લુક ૮:૨, ૩; પ્રે.કા. ૧૬:૧૪, ૧૫; રોમ. ૧૬:૩, ૬; ફિલિ. ૪:૩; હિબ્રૂ. ૧૧:૧૧, ૩૧, ૩૫) આપણા મંડળમાં પણ એવી બહેનો છે, જેઓમાં એવા ગુણો છે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!

૧૦. આપણે શા માટે મોટી ઉંમરનાં ભાઈ-બહેનોને કીમતી ગણીએ છીએ?

૧૦ આપણા મંડળમાં ઘણાં ભાઈ-બહેનો છે, જેઓ મોટી ઉંમરનાં છે. આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમુકે તો યહોવાની સેવામાં આખું જીવન વિતાવી દીધું છે. બીજા અમુક હાલમાં જ સત્ય શીખ્યા છે. વધતી જતી ઉંમરને લીધે તેઓની તબિયત નરમ-ગરમ રહે છે. એટલે તેઓ મંડળમાં અને ખુશખબર ફેલાવવાના કામમાં ચાહે એટલું કરી શકતા નથી. છતાં, તેઓ પોતાનાથી બનતું બધું કરે છે. તેઓ બીજાઓને ઉત્તેજન આપે છે અને તાલીમ આપે છે. તેઓના અનુભવમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવા અને આપણી નજરે તેઓ કીમતી રત્ન જેવાં છે.—નીતિ. ૧૬:૩૧.

૧૧-૧૨. મંડળના યુવાનોથી તમને કઈ રીતે ઉત્તેજન મળ્યું છે?

૧૧ ચાલો યુવાન ભાઈ-બહેનોનો વિચાર કરીએ. આ દુષ્ટ દુનિયામાં મોટા થયા હોવાથી તેઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુનિયાના ખોટાં વિચારો પ્રમાણે ચાલવા તેઓને ઘણું દબાણ કરવામાં આવે છે. (૧ યોહા. ૫:૧૯) યુવાનો સભાઓમાં જવાબ આપે છે, પ્રચારમાં ભાગ લે છે અને હિંમતથી પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવે છે. એ જોઈને આપણને ઘણી ખુશી થાય છે. યુવાનો, તમે મંડળ માટે ઘણા કીમતી છો.—ગીત. ૮:૨.

૧૨ અમુક ભાઈ-બહેનોને લાગે કે મંડળમાં તેઓ કંઈ કામનાં નથી. પણ મંડળમાં દરેક વ્યક્તિ મહત્ત્વની છે, એવું વિચારવા ક્યાંથી મદદ મળી શકે? ચાલો એ વિશે જોઈએ.

તમે મંડળ માટે કીમતી છો

૧૩-૧૪. અમુક શા માટે એવું વિચારે છે કે તેઓ મંડળમાં કંઈ કામનાં નથી?

૧૩ ચાલો પાઊલે આપેલા દાખલામાંથી બીજી બાબત શીખીએ. આપણામાંથી ઘણાને એ માનવું અઘરું લાગે છે કે તેઓ મંડળ માટે કીમતી છે. પાઊલે લખ્યું હતું, “જો પગ કહે, ‘હું હાથ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,’ તો એનાથી કંઈ એ શરીરનો ભાગ મટી જતો નથી. અને જો કાન કહે, ‘હું આંખ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,’ તો એનાથી કંઈ એ શરીરનો ભાગ મટી જતો નથી.” (૧ કોરીં. ૧૨:૧૫, ૧૬) પાઊલ શું કહેવા માંગતા હતા?

૧૪ કદાચ બીજાઓ પાસે તમારા કરતાં વધારે આવડત હશે. અમુક બીજાઓને સારી રીતે શીખવે છે અથવા સારી ગોઠવણ કરે છે કે પછી મંડળની સારી દેખરેખ રાખે છે. કદાચ તમને થાય કે તમે તેઓ જેટલું કરી શકતા નથી. એ બતાવે છે કે તમે નમ્ર છો. (ફિલિ. ૨:૩) પણ જો તમે ફક્ત તેઓની આવડત પર ધ્યાન આપશો, તો નિરાશ થઈ જશો. પાઊલે કહ્યું તેમ એવું વિચારવા લાગશો કે તમે મંડળમાં કંઈ કામના નથી. એવા વિચારોથી દૂર રહેવા તમે શું કરી શકો?

૧૫. પહેલો કોરીંથીઓ ૧૨:૪-૧૧ પ્રમાણે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૫ ચાલો આનો વિચાર કરીએ: યહોવાએ પ્રથમ સદીના અમુક ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિથી કેટલીક ભેટ આપી હતી. પણ એ ભેટ એકસરખી ન હતી. (૧ કોરીંથીઓ ૧૨:૪-૧૧ વાંચો.) યહોવાએ બધાને અલગ અલગ આવડત આપી હતી. છતાં દરેક તેમની નજરે કીમતી હતા. આજે આપણને પવિત્ર શક્તિથી એવી ભેટ મળતી નથી. પણ આપણામાંથી અમુક પાસે ખાસ આવડતો છે. આપણે બધા યહોવાની નજરે કીમતી છીએ.

૧૬. આપણે પાઊલની કઈ સલાહ યાદ રાખવી જોઈએ?

૧૬ બીજાઓ સાથે પોતાને ન સરખાવીએ. એને બદલે પાઊલની આ સલાહ યાદ રાખીએ: “દરેક પોતાનાં કાર્યોની તપાસ કરે અને આમ તેને પોતાના માટે આનંદ કરવાનું કારણ મળશે. તેણે પોતાનાં કાર્યોની સરખામણી બીજાઓ સાથે ન કરવી.”—ગલા. ૬:૪.

૧૭. પાઊલની સલાહ પાળવાથી કેવા ફાયદા થશે?

૧૭ પાઊલની સલાહ પાળીશું અને પોતાના વિશે વિચારીશું તો કેવા ફાયદા થશે? એમ કરવાથી જોઈ શકીશું કે આપણી પાસે પણ એવી આવડતો છે, જે બીજાઓ પાસે નથી. દાખલા તરીકે, એક વડીલ સારું પ્રવચન આપી શકતા ન હોય, પણ શિષ્ય બનાવવાનું કામ સારી રીતે કરતા હોય. અથવા તે બીજાઓની જેમ મંડળની એટલી દેખરેખ રાખી શકતા ન હોય, પણ બીજાં ભાઈ-બહેનોની સાથે પ્રેમથી વર્તતા હોય. એટલે ભાઈ-બહેનો તેમની પાસેથી બાઇબલમાંથી સલાહ લેવા આવતા હોય. અથવા કે તે મહેમાનગતિ બતાવવા માટે જાણીતા હોય. (હિબ્રૂ. ૧૩:૨, ૧૬) જ્યારે આપણે પોતાની આવડત જોઈ શકીશું, ત્યારે આપણને સારું લાગશે અને મંડળ માટે કામ કરી શકીશું. પછી આપણે બીજાઓની આવડત જોઈને તેઓની ઈર્ષા કરીશું નહિ.

૧૮. આપણે પોતાની આવડત નિખારવા શું કરવું જોઈએ?

૧૮ મંડળમાં આપણી પાસે ભલે ગમે એ કામ હોય, પણ આપણે બધા યહોવાની સેવામાં સુધારો કરતા રહીએ અને પોતાની આવડત નિખારતા રહીએ. એ માટે યહોવા પોતાના સંગઠન દ્વારા આપણને શીખવી રહ્યા છે. દાખલા તરીકે, પ્રચારમાં વધુ કુશળ બનવા અઠવાડિયા દરમિયાન થતી સભામાં શીખવવામાં આવે છે. એ સભામાંથી તમે જે શીખો છો શું એને લાગુ પાડો છો?

૧૯. રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા તમે શું કરી શકો?

૧૯ રાજ્ય પ્રચારકો માટે શાળા એક સારી ગોઠવણ છે, જેના દ્વારા યહોવા સારી તાલીમ આપી રહ્યા છે. એ શાળા એવાં ભાઈ-બહેનો માટે છે, જેઓ પૂરા સમયની સેવા કરી રહ્યાં છે અને જેઓની ઉંમર ૨૩થી ૬૫ વર્ષની વચ્ચે છે. તમને થાય કે ‘હું તો એમાં જઈ શકું એમ નથી?’ તમે શા માટે એમાં જઈ શકતા નથી એના પર વિચારવાને બદલે એવું વિચારો કે તમે શા માટે એમાં જવા માંગો છો. એમાં જવા તમારે શું કરવું પડશે એની યોજના બનાવો. યહોવાની મદદ અને તમારી મહેનત રંગ લાવશે. તમને જે અઘરું લાગતું હતું એ સહેલું થઈ જશે.

મંડળને મજબૂત કરવા પોતાની આવડતોનો ઉપયોગ કરો

૨૦. રોમનો ૧૨:૬-૮માંથી આપણને શું શીખવા મળે છે?

૨૦ પાઊલે આપેલા દાખલામાંથી ત્રીજી બાબત આપણને શીખવા મળે છે, જે રોમનો ૧૨:૬-૮માં (વાંચો.) આપી છે. એ કલમોમાં પણ પાઊલે ફરી જણાવ્યું કે મંડળની દરેક વ્યક્તિ પાસે અલગ અલગ આવડત છે. પછી પાઊલે એ વાત પર ધ્યાન દોર્યું કે આપણને મળેલી આવડતથી મંડળને મજબૂત કરવું જોઈએ.

૨૧-૨૨. રોબર્ટભાઈ અને ફિલિસભાઈના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૨૧ ચાલો આપણે રોબર્ટભાઈના દાખલાનો વિચાર કરીએ. તે બીજા દેશમાં સેવા આપી રહ્યા હતા. પછી પોતાના વતનમાં આવેલી બેથેલમાં સેવા આપવાનું તેમને કહેવામાં આવ્યું. તેમને લાગ્યું કે તેમનાથી કોઈ ભૂલ થઈ હશે, એટલે તેમને બેથેલ મોકલવામાં આવ્યા છે. ભાઈઓએ તેમને જણાવ્યું કે એવું કંઈ નથી તોપણ તેમને ભરોસો થયો નહિ. તે કહે છે, ‘ઘણાં મહિનાઓ સુધી હું નિરાશાના વાદળોથી ઘેરાયેલો રહ્યો. મને લાગતું કે બીજા દેશમાં સોંપણી પૂરી કરવામાં હું કાચો પડ્યો. અમુક વાર મને બેથેલ છોડી દેવાનું મન થતું.’ પછી એક વડીલે તેમને મદદ કરી. વડીલે જણાવ્યું કે અગાઉની સોંપણીમાં યહોવાએ જે શીખવ્યું છે એ નવી સોંપણીમાં કામ આવે છે. રોબર્ટભાઈને સમજાયું કે અગાઉની સોંપણી પર વિચાર કરવાને બદલે હમણાં જે સોંપણી મળી છે, એના પર ધ્યાન આપવું જોઈએ.

૨૨ ફિલિસ એપીસ્કોપો સાથે પણ એવું કંઈ બન્યું હતું. તે અને તેમના પત્ની ૧૯૫૬માં ગિલયડ શાળામાં ગયાં હતાં. તેઓએ બોલિવિયામાં સરકીટ કામ કર્યું હતું. ૧૯૬૪માં તેઓને દીકરો થયો. ભાઈ જણાવે છે: ‘એ સોંપણી અમારી મનગમતી હતી, જેને છોડવી અમારા માટે ઘણું અઘરું હતું. એનો વિચાર કરવામાં મેં એક વર્ષ વેડફી નાખ્યું. પછી યહોવાની મદદથી મારા વિચારોમાં સુધારો કર્યો અને દીકરાનો ઉછેર કરવામાં લાગી ગયો.’ શું તમારી સાથે પણ રોબર્ટભાઈ અને ફિલિસભાઈ જેવું બન્યું છે? પહેલા જે સોંપણી હતી એને યાદ કરીને શું તમે નિરાશ થઈ ગયા છો? એમ હોય તો તમારું ધ્યાન એ વાત પર લગાડો કે હમણાં તમે યહોવાની સેવામાં અને ભાઈઓની મદદ કરવામાં શું કરી શકો? યહોવાની સેવામાં લાગુ રહો અને બીજાઓને મદદ કરવામાં પોતાની આવડતોનો ઉપયોગ કરો. એમ કરશો તો મંડળને મજબૂત કરવામાં તમને ખુશી થશે.

૨૩. (ક) આપણે શાના વિશે વિચારવું જોઈએ? (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૩ યહોવાની નજરમાં આપણે બધા કીમતી છીએ. તે ચાહે છે કે આપણે તેમના કુટુંબનો ભાગ છીએ એવું માનીએ. ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા આપણે શું કરી શકીએ, એનો વિચાર કરીએ. પછી એ પ્રમાણે પગલાં ભરીએ. એમ કરીશું તો આપણને ક્યારેય એવું નહિ લાગે કે આપણે કંઈ કામના નથી. પણ હવે સવાલ થાય કે મંડળનાં ભાઈ-બહેનો વિશે આપણે કેવું વિચારીએ છીએ? શું આપણે બીજાઓને માન આપીએ છીએ? એ વિશે આપણે આવતા લેખમાં જોઈશું.

ગીત ૧૬ ઈશ્વરના રાજ્યમાં આશરો લો

^ ફકરો. 5 આપણે બધા ચાહીએ છીએ કે યહોવા આપણને કીમતી ગણે. પણ અમુક વાર લાગે કે આપણે કોઈ કામના નથી. આ લેખથી આપણને એ જોવા મદદ મળશે કે મંડળમાં એકેએક વ્યક્તિ કીમતી છે.

^ ફકરો. 61 ચિત્રની સમજ પાન: ત્રણે ચિત્રોમાં બતાવ્યું છે કે સભા શરૂ થતા પહેલા, સભામાં અને સભા પછી શું થઈ રહ્યું છે. ચિત્ર ૧: એક વડીલ સભામાં આવેલી નવી વ્યક્તિનો આવકાર કરી રહ્યા છે, એક યુવાન ભાઈ સ્ટેજ પર માઈક ગોઠવી રહ્યા છે, એક બહેન મોટી ઉંમરનાં બહેન સાથે વાત કરી રહ્યાં છે. ચિત્ર ૨: દરેક ઉંમરનાં ભાઈ-બહેનોએ ચોકીબુરજ અભ્યાસ દરમિયાન જવાબ આપવા હાથ ઊંચો કર્યો છે. ચિત્ર ૩: એક ભાઈ અને તેમની પત્ની પ્રાર્થનાઘરની સાફસફાઈ કરી રહ્યાં છે. એક બહેન પોતાની દીકરીને દાનપેટીમાં દાન નાખવા મદદ કરી રહ્યાં છે. એક યુવાન ભાઈ સાહિત્ય મૂકવાની જગ્યાને સાફ કરી રહ્યા છે. એક ભાઈ મોટી ઉંમરનાં બહેનને ઉત્તેજન આપી રહ્યાં છે.