સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૩

સજીવન થવાની આશામાં ઈશ્વરનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ દેખાય આવે છે

સજીવન થવાની આશામાં ઈશ્વરનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ દેખાય આવે છે

“લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—પ્રે.કા. ૨૪:૧૫.

ગીત ૧૨ અમર જીવનનું વચન

ઝલક *

૧. યહોવાએ શા માટે સૃષ્ટિ બનાવી?

એક સમયે આખા વિશ્વમાં યહોવા સિવાય બીજું કોઈ જ ન હતું. પણ તેમને ક્યારેય એકલું-એકલું લાગ્યું નહિ. તેમને કોઈની જરૂર ન હતી. યહોવા ચાહતા હતા કે બીજાઓને પણ જીવન મળે અને તેઓ સુખી થાય. એટલે પ્રેમથી પ્રેરાઈને તેમણે સૃષ્ટિ બનાવી.—ગીત. ૩૬:૯; ૧ યોહા. ૪:૧૯.

૨. યહોવાએ બનાવેલી બધી વસ્તુઓ જોઈને ઈસુ અને સ્વર્ગદૂતોને કેવું લાગ્યું?

યહોવાએ સૌથી પહેલા તેમના દીકરા ઈસુને બનાવ્યા. પછી તેમણે ઈસુ સાથે મળીને ‘બીજું બધું બનાવ્યું.’ તેમણે લાખો સ્વર્ગદૂતોને પણ બનાવ્યા. (કોલો. ૧:૧૬) ઈસુને પિતા સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે તેમને ઘણી ખુશી થઈ. (નીતિ. ૮:૩૦) ઈસુએ કુશળ કારીગરની જેમ યહોવા સાથે મળીને આકાશ અને ધરતી પરની બધી વસ્તુઓ બનાવી. જ્યારે યહોવા ધરતી બનાવી રહ્યા હતા, ત્યારે સ્વર્ગદૂતોએ ખુશીથી તેમનો જયજયકાર કર્યો. યહોવાએ બીજી બધી વસ્તુઓ બનાવી અને ખાસ તો માણસોને બનાવ્યા ત્યારે પણ સ્વર્ગદૂતોએ જયજયકાર કર્યો. (અયૂ. ૩૮:૭; નીતિ. ૮:૩૧) તેમણે બનાવેલી બધી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે યહોવાનાં પ્રેમ અને બુદ્ધિનો કોઈ પાર નથી!—ગીત. ૧૦૪:૨૪; રોમ. ૧:૨૦.

૩. પહેલો કોરીંથીઓ ૧૫:૨૧, ૨૨ પ્રમાણે યહોવાએ પોતાના દીકરાના બલિદાનની ગોઠવણ કેમ કરી?

યહોવા ઇચ્છતા હતા કે સુંદર બાગ જેવી પૃથ્વી પર માણસો હંમેશ માટે જીવે. આદમ અને હવાએ પાપ કર્યું, એટલે બધા માણસો પર પાપ અને મરણ ઊતરી આવ્યું. (રોમ. ૫:૧૨) એ સમયે યહોવાએ શું કર્યું? તેમણે તરત જ બતાવ્યું કે એ મુશ્કેલી કઈ રીતે દૂર કરશે. (ઉત. ૩:૧૫) આદમ-હવાનાં બાળકોને પાપ અને મરણમાંથી છોડાવવાં યહોવાએ પોતાના દીકરાના બલિદાનની ગોઠવણ કરી. એનાથી દરેક વ્યક્તિને તક મળી કે તે યહોવાની ભક્તિ કરી શકે અને હંમેશ માટેનું જીવન મેળવી શકે.—યોહા. ૩:૧૬; રોમ. ૬:૨૩; ૧ કોરીંથીઓ ૧૫:૨૧, ૨૨ વાંચો.

૪. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

યહોવાએ વચન આપ્યું હતું કે ગુજરી ગયેલાઓને તે ફરી જીવતા કરશે. પણ એ વિશે આપણા મનમાં ઘણા સવાલો થાય છે? જેમ કે, ગુજરી ગયેલાઓને કઈ રીતે જીવતા કરવામાં આવશે? આપણા સગા-વહાલાઓને ઉઠાડવામાં આવશે ત્યારે, શું આપણે તેઓને ઓળખી શકીશું? તેઓ પાછા ઊઠશે ત્યારે, આપણને કેવી ખુશી થશે? એ આશા પર વિચાર કરવાથી આપણને યહોવાનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ વિશે શું શીખવા મળે છે? ચાલો એ દરેક સવાલ પર ચર્ચા કરીએ.

લોકોને કઈ રીતે ફરી જીવતા કરવામાં આવશે?

૫. ગુજરી ગયેલાઓને શું એકસાથે જીવતા કરવામાં આવશે?

યહોવા પોતાના દીકરા દ્વારા ગુજરી ગયેલા લાખો લોકોને ફરી જીવતા કરશે. પણ શું તેઓને એકસાથે જીવતા કરવામાં આવશે? કદાચ નહિ. જો એમ થાય તો અચાનક વસ્તી વધી જવાથી પૃથ્વી પર અંધાધૂંધી ફેલાઈ જશે. પણ યહોવા તો વ્યવસ્થામાં કામ કરે છે, જેથી શાંતિ જળવાય. (૧ કોરીં. ૧૪:૩૩) યહોવાએ ઈસુ સાથે મળીને પૃથ્વી બનાવી ત્યારે તેમણે એક પછી એક વસ્તુઓ બનાવી હતી. હજાર વર્ષના રાજમાં ઈસુ પણ ધીરજ અને બુદ્ધિથી કામ કરશે. આર્માગેદનમાંથી બચેલા લોકોને તે માર્ગદર્શન આપશે, જેથી ગુજરી ગયેલાઓ પાછા ઊઠે ત્યારે બધું તૈયાર હોય. એટલે કે તેઓ માટે રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા હોય.

આર્માગેદનમાંથી બચી ગયેલાઓ એવા લોકોને ઈશ્વરના રાજ્ય વિશે અને તેમના ધોરણો વિશે શીખવશે, જેઓ પાછા ઊઠ્યા છે (ફકરો ૬ જુઓ) *

૬. પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ પ્રમાણે જેઓને ઉઠાડવામાં આવશે તેઓમાં મોટા ભાગના લોકો કેવા હશે?

આર્માગેદનમાંથી બચી ગયેલા લોકો માટે નવી દુનિયામાં એક મહત્ત્વનું કામ હશે. જેઓ પાછા ઊઠ્યા છે, તેઓને ઈશ્વરના રાજ્ય વિશે અને તેમનાં ધોરણો વિશે આપણે શીખવવું પડશે. શા માટે? કારણ કે જેઓને ઉઠાડવામાં આવશે તેઓમાં મોટા ભાગના લોકો “ખરાબ” હશે. (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ વાંચો.) તેઓએ ખ્રિસ્તના બલિદાનમાંથી ફાયદો લેવા અને હંમેશ માટેનું જીવન મેળવવા પોતાની કાયાપલટ કરવી પડશે. એ લાખો લોકોને યહોવા વિશે કશું જ ખબર નહિ હોય. જરા વિચારો તેઓને શીખવવા માટે આપણે કેટલી મહેનત કરવી પડશે! પણ તેઓને કઈ રીતે શીખવવામાં આવશે? આજે જે રીતે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે, શું એ રીતે તેઓને અલગ અલગ શીખવવામાં આવશે? તેઓને શીખવ્યા પછી શું તેઓ મંડળનો ભાગ બનશે? શું તેઓ બીજાઓને શીખવશે, જેઓને પછીથી ઉઠાડવામાં આવશે? એ આપણે જાણતા નથી. પણ આપણે એટલું તો જાણીએ છીએ કે ખ્રિસ્તના હજાર વર્ષના રાજને અંતે “પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશા. ૧૧:૯) ખરેખર, હજાર વર્ષ દરમિયાન આપણી પાસે ઘણું કામ હશે. અને એ આપણે ખુશી ખુશી કરીશું.‵

૭. જેઓને ઉઠાડવામાં આવશે તેઓની કમજોરી શા માટે યહોવાના લોકો સમજી શકશે?

હજાર વર્ષ દરમિયાન પૃથ્વી પરનાં યહોવાનાં બધાં બાળકોએ તેમની કૃપા મેળવવા પોતાનાં જીવનમાં ફેરફાર કરવો પડશે. એમ કરવાથી તેઓ એવા લોકોની કમજોરી સારી રીતે સમજી શકશે, જેઓને ઉઠાડવામાં આવશે. એ લોકો તેઓને ખોટાં વિચારો અને ઇચ્છાઓથી દૂર રહેવા અને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા મદદ કરી શકશે. (૧ પીત. ૩:૮) જેઓને ઉઠાડવામાં આવશે તેઓ જોઈ શકશે કે યહોવાના લોકો નમ્ર છે. એટલું જ નહિ તેઓ એ પણ જોશે કે યહોવાના લોકો ‘પોતાના ઉદ્ધાર માટે મહેનત કરે છે.’—ફિલિ. ૨:૧૨.

શું તેઓને આપણે ઓળખી શકીશું?

૮. સગા-વહાલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે શું આપણે તેઓને ઓળખી શકીશું?

સગા-વહાલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે, શું આપણે તેઓને ઓળખી શકીશું? હા. એવું માનવાના આપણી પાસે ઘણાં કારણો છે. દાખલા તરીકે, અગાઉ યહોવાએ જેઓને મરણમાંથી ઉઠાડ્યા હતા તેઓનો દેખાવ, બોલચાલ અને વિચારવાની રીત એવી જ હતી જેવી પહેલાં હતી. એટલે લાગે છે કે ભાવિમાં પણ યહોવા ગુજરી ગયેલાઓને એવી જ રીતે ઉઠાડશે. યાદ કરો, ઈસુએ કહ્યું હતું કે ગુજરી ગયેલાઓ ઊંઘે છે. એટલે તેઓને સજીવન કરવા એ તો જાણે ઊંઘમાંથી જગાડવા જેવું છે. (માથ. ૯:૧૮, ૨૪; યોહા. ૧૧:૧૧-૧૩) એક વ્યક્તિ ઊંઘમાંથી ઊઠે ત્યારે, એવી જ દેખાય છે જેવી તે પહેલાં દેખાતી હોય છે. તેની વાત કરવાની રીત બદલાતી નથી. તેની યાદશક્તિ પણ એવી જ રહે છે. ચાલો લાજરસનો અહેવાલ તપાસીએ. તેમના મરણને ચાર દિવસ થઈ ગયા હતા અને તેમનું શરીર સડવા લાગ્યું હતું. પણ ઈસુએ તેમને જીવતા કર્યા ત્યારે તેમની બહેનોએ તેમને તરત જ ઓળખી લીધા. લાજરસે પણ પોતાની બહેનોને ઓળખી લીધી હશે.—યોહા. ૧૧:૩૮-૪૪; ૧૨:૧, ૨.

૯. શા માટે સજીવન થયેલા લોકોમાં પાપની અમુક અસર હશે?

યહોવાએ વચન આપ્યું છે, નવી દુનિયામાં કોઈ નહિ કહે કે “હું માંદો છું.” (યશા. ૩૩:૨૪; રોમ. ૬:૭) એટલે ગુજરી ગયેલાઓને ઉઠાડવામાં આવશે ત્યારે તેઓનું શરીર તંદુરસ્ત હશે, પણ તેઓમાં પાપની અમુક અસર હશે. જો એમ ન હોય તો તેઓના કુટુંબના સભ્યો તેઓને ઓળખી શકશે નહિ. એવું લાગે છે કે હજાર વર્ષના રાજ દરમિયાન બધા માણસોમાંથી ધીરે ધીરે પાપની અસર દૂર કરવામાં આવશે. હજાર વર્ષના અંતે ઈસુ પોતાના પિતાના હાથમાં એ રાજ્ય પાછું સોંપી દેશે. એ રાજ્ય ત્યાં સુધી પોતાનું કામ પૂરું કરી દેશે. પછી કોઈનામાં પાપનો છાંટોય નહિ રહે.—૧ કોરીં. ૧૫:૨૪-૨૮; પ્રકટી. ૨૦:૧-૩.

આપણને કેવી ખુશી મળશે?

૧૦. સગા-વહાલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે આપણને કેવું લાગશે?

૧૦ જરા વિચારો, આપણા સગા-વહાલાઓને જીવતા કરવામાં આવશે ત્યારે આપણને કેટલી ખુશી થશે! આપણી આંખમાંથી ખુશીના આંસુ સરી પડશે કે આપણે ખુશીથી ઝૂમી ઊઠીશું. અરે, આપણે તો યહોવાનો જયજયકાર કરવા લાગીશું. યહોવા અને ઈસુએ આપણા માટે કેટલી સરસ ગોઠવણ કરી છે. એટલે એક વાત તો પાકી છે, યહોવા અને ઈસુ માટે આપણું દિલ કદરથી ઊભરાય જશે.

૧૧. યોહાન ૫:૨૮, ૨૯ પ્રમાણે જેઓ યહોવાની આજ્ઞા પાળશે તેઓનું શું થશે?

૧૧ જેઓને જીવતા કરવામાં આવશે, તેઓ ધીરે ધીરે પોતાનો જૂનો સ્વભાવ બદલશે. યહોવાની આજ્ઞા પાળવા તેઓ પોતાનામાં ફેરફારો કરશે. જરા વિચારો, એવું કરવાથી તેઓને કેટલી ખુશી મળશે! એવા લોકોને બાગ જેવી નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન મળશે. પણ બધું જાણવા છતાં જેઓ પોતાનામાં ફેરફારો નહિ કરે અને નવી દુનિયાની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે શું યહોવા તેઓને ચલાવી લેશે? ના. જરાય નહિ.—યશા. ૬૫:૨૦; યોહાન ૫:૨૮, ૨૯ વાંચો.

૧૨. ઈશ્વરભક્તોને કેવા આશીર્વાદો મળશે?

૧૨ ઈશ્વરના રાજમાં તેમના બધા ભક્તો નીતિવચનો ૧૦:૨૨ના શબ્દો સાચા પડતા જોશે. એમાં લખ્યું છે, ‘યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને એની સાથે કોઈ દુઃખ હોતું નથી.’ એટલે સમય જતાં તેઓ યહોવાની પવિત્ર શક્તિથી ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવી શકશે. તેઓમાંથી ધીરે ધીરે બધી ખામીઓ નીકળી જશે. (યોહા. ૧૩:૧૫-૧૭; એફે. ૪:૨૩, ૨૪) દિવસે ને દિવસે તેઓ તંદુરસ્ત થતા જશે અને તેઓ મજબૂત થઈ જશે. એ જીવન કેટલું સરસ હશે! (અયૂ. ૩૩:૨૫) સજીવન થવાની આશા પર મનન કરવાથી આજે આપણને કેવી મદદ મળે છે? ચાલો એ વિશે જોઈએ.

યહોવાના પ્રેમ વિશે શું શીખવા મળે છે?

૧૩. (ક) ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૪માંથી આપણને શું જાણવા મળે છે? (ખ) યહોવા ગુજરી ગયેલાઓને કઈ રીતે ઉઠાડશે?

૧૩ અગાઉ જોઈ ગયા તેમ, યહોવા જેઓને ઉઠાડશે ત્યારે તેઓની યાદશક્તિ અને તેઓનો સ્વભાવ પહેલાં જેવાં જ હશે. એનાથી ખબર પડે છે કે યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે! તે આપણા વિશે બધું જાણે છે. જેમ કે, આપણાં વિચારો, વાણી-વર્તન અને લાગણીઓ. જો આપણે મરી જઈએ તો યહોવા આપણને આજે જેવા છીએ એવા જ ઉઠાડશે. એ તો તેમના ડાબા હાથનો ખેલ છે. આપણી યાદશક્તિ અને સ્વભાવ પહેલાં જેવા જ હશે. દાઊદ રાજાને ખબર હતી કે યહોવા પોતાના દરેક ભક્તોને સારી રીતે ઓળખે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૪ વાંચો.) યહોવા આપણને સારી રીતે ઓળખે છે એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે.

૧૪. આપણને કઈ વાતથી દિલાસો મળે છે?

૧૪ યહોવા આપણને સારી રીતે ઓળખે છે અને આપણી કાળજી રાખે છે. એટલે આપણે જરાય ચિંતા ન કરવી જોઈએ. તે આપણને બધાને ખૂબ જ કીમતી ગણે છે. નાનપણથી લઈને અત્યાર સુધી આપણા જીવનમાં જે જે બન્યું છે એ બધું યહોવા જાણે છે. એ વાતથી આપણને કેટલો દિલાસો મળે છે. આપણે ક્યારેય એવું ન વિચારીએ કે આપણે એકલા છીએ. યહોવા હંમેશાં આપણી પડખે રહે છે. આપણને જરૂર હોય ત્યારે તે મદદનો હાથ આપે છે.—૨ કાળ. ૧૬:૯.

યહોવાની બુદ્ધિ વિશે શું શીખવા મળે છે?

૧૫. સજીવન થવાની આશામાંથી કઈ રીતે યહોવાની બુદ્ધિ દેખાય આવે છે?

૧૫ મરણનો ડર માણસ પાસેથી કંઈ પણ કરાવી શકે છે. દુનિયાના લોકો એ વાતનો ફાયદો ઉઠાવે છે. તેઓ લોકોને મોતનો ડર બતાવીને બીજાઓ સાથે દગો કરવા દબાણ કરે છે. તેઓને ખોટું કામ કરવા મજબૂર કરે છે. યહોવાના લોકો મરણથી ડરતા નથી. આપણે જાણીએ છીએ કે ભલે દુશ્મનો આપણને મારી નાખે, પણ યહોવા આપણને ઉઠાડશે. (પ્રકટી. ૨:૧૦) આપણને પૂરો ભરોસો છે કે દુશ્મનો ભલે ગમે એટલા ધમપછાડા કરે, પણ તેઓ આપણને યહોવાથી દૂર કરી શકશે નહિ. (રોમ. ૮:૩૫-૩૯) મરણમાંથી ઉઠાડવાની આશા આપીને યહોવાએ આપણા મનમાંથી મરણની બીક કાઢી નાખી છે. તેમણે એ બધું સમજી-વિચારીને કર્યું છે. તેમની બુદ્ધિના તોલે તો કોઈ ન આવે. શેતાન મરણના ડરને હથિયાર તરીકે વાપરે છે. પણ સજીવન થવાની આશા આપણને હિંમત આપે છે. એટલે ભલે ગમે એ થાય આપણે યહોવાને વફાદાર રહીએ છીએ.

શું મારા નિર્ણયોથી દેખાય આવે છે કે યહોવા મારી જરૂરિયાતો પૂરી કરશે એવો મને ભરોસો છે? (ફકરો ૧૬ જુઓ) *

૧૬. આપણે પોતાને કયા સવાલો પૂછવા જોઈએ અને શા માટે?

૧૬ યહોવાના દુશ્મનો તમને મારી નાખવાની ધમકી આપે તો શું કરશો? યહોવા તમને ઉઠાડશે શું એવો ભરોસો તમે રાખશો? એવા સમયે તમે યહોવા પર ભરોસો રાખશો કે નહિ એ કઈ રીતે ખબર પડે? એટલે પોતાને પૂછો: “હું દરરોજ નાના-મોટા નિર્ણયો લઉં છું શું એનાથી સાબિત થાય છે કે હું યહોવા પર ભરોસો રાખું છું?” (લુક ૧૬:૧૦) આપણે આ સવાલનો પણ વિચાર કરવો જોઈએ: “શું મારા જીવનથી દેખાય આવે છે કે હું યહોવાના રાજ્યને પ્રથમ રાખું છું અને ભરોસો રાખું છું કે તે મારી જરૂરિયાતો પૂરી કરશે?” (માથ. ૬:૩૧-૩૩) જો આપણે આજે યહોવા પર ભરોસો રાખીશું, તો ભાવિમાં આવનાર દરેક મુશ્કેલીનો સામનો કરી શકીશું.—નીતિ. ૩:૫, ૬.

યહોવાની ધીરજ વિશે શું શીખવા મળે છે?

૧૭. (ક) શા પરથી કહી શકાય કે યહોવા ધીરજથી કામ લે છે? (ખ) યહોવા ધીરજથી બતાવે છે એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૭ યહોવાએ આ દુષ્ટ દુનિયાનો નાશ કરવાનો દિવસ અને ઘડી નક્કી કરી દીધાં છે. (માથ. ૨૪:૩૬) યહોવા અંત લાવવા ઉતાવળ કરતા નથી, પણ તે ધીરજ રાખે છે. ગુજરી ગયેલાઓને મરણમાંથી ઉઠાડવા તે તરસી રહ્યા છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) પણ તે નક્કી કરેલા સમયની રાહ જોઈ રહ્યા છે. (યોહા. ૫:૨૮) આપણે યહોવાનો આભાર માનવો જોઈએ કે તે ધીરજથી કામ લે છે. એના લીધે ઘણા લોકોને ‘પસ્તાવો કરવાની તક મળી છે,’ જેમાં આપણે પણ છીએ. (૨ પીત. ૩:૯) યહોવા ઇચ્છે છે કે વધારે ને વધારે લોકો હંમેશ માટેનું જીવન મેળવે. યહોવા ધીરજથી કામ લે છે એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? આપણે પણ યહોવાની જેમ ધીરજ રાખીએ. આપણે એવા લોકોને શોધીએ, ‘જેઓનું હૃદય હંમેશ માટેનું જીવન આપતા સત્ય તરફ ઢળેલું છે.’ (પ્રે.કા. ૧૩:૪૮) આપણી જેમ તેઓને પણ યહોવાએ બતાવેલી ધીરજથી ફાયદો થશે.

૧૮. આપણે કેમ બીજાઓ સાથે ધીરજથી વર્તવું જોઈએ?

૧૮ યહોવા જાણે છે કે હજાર વર્ષના અંતે આપણામાંથી પાપ પૂરી રીતે દૂર થશે. એટલે ત્યાં સુધી યહોવા ધીરજ રાખશે અને આપણી ભૂલોને માફ કરતા રહેશે. આપણે પણ યહોવાની જેમ ધીરજ રાખીએ. બીજાઓ ભૂલ કરે તો માફ કરીએ. આપણે તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. એક બહેને એવું જ કર્યું. તેમના પતિ કોઈ કોઈ વાર નિરાશાની લાગણીમાં ડૂબી જતા હતા. પછી તેમના પતિએ સભાઓમાં જવાનું બંધ કરી દીધું. બહેન કહે છે, ‘એ સમય મારા માટે ખૂબ અઘરો હતો. મારા જીવનમાં ઊથલપાથલ મચી ગઈ. અમે જે કંઈ સપના જોયા હતા એ અધૂરા રહી ગયા.’ તેમણે ધીરજ ગુમાવી નહિ, પણ પોતાના પતિને સાથ આપતાં રહ્યાં. તે હિંમત હાર્યાં નહિ, પણ યહોવા પર ભરોસો રાખ્યો. યહોવાની જેમ તેમણે પતિના સારા ગુણો પર ધ્યાન આપ્યું. તે કહે છે, ‘મારા પતિમાં ઘણા સારા ગુણો છે અને તે નિરાશામાંથી બહાર આવવા ખૂબ મહેનત કરી રહ્યા છે.’ આ દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? જે કુટુંબના સભ્યો અને મંડળનાં ભાઈ-બહેનો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, તેઓ સાથે ધીરજથી વર્તીએ.

૧૯. એ સમય આવે ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ?

૧૯ પૃથ્વીને બનાવવામાં આવી ત્યારે ઈસુ અને સ્વર્ગદૂતો ખૂબ ખુશ થયા હતા. જરા વિચારો, ભાવિમાં આખી પૃથ્વી પર એકેય માણસમાં પાપનો છાંટોય નહિ હોય. એટલું જ નહિ, તેઓ યહોવાને પ્રેમ કરતા હશે અને તેમની ભક્તિ કરતા હશે. એ બધું જોઈને ઈસુ અને સ્વર્ગદૂતોને કેટલી વધારે ખુશી થશે! જેઓને ખ્રિસ્ત સાથે રાજ કરવા પૃથ્વી પરથી લેવામાં આવ્યા છે, તેઓના કામથી બધા માણસોને ફાયદો થવાનો છે. અભિષિક્તોને એ બધું જોઈને કેટલી ખુશી થશે! (પ્રકટી. ૪:૪, ૯-૧૧; ૫:૯, ૧૦) એ સમયે કોઈ બીમારી, દુઃખ-તકલીફ કે મરણ નહિ હોય. આપણાં દુઃખનાં આંસુ ખુશીનાં આંસુમાં ફેરવાઈ જશે. જીવન જીવવાની કેટલી મજા આવશે! (પ્રકટી. ૨૧:૪) એ સમય આવે ત્યાં સુધી પિતા યહોવા જેવા ગુણો બતાવીએ. આપણે પ્રેમ, બુદ્ધિ અને ધીરજ જેવાં ગુણો કેળવવા મહેનત કરીએ. એમ કરીશું તો ભલે ગમે એવી મુશ્કેલીઓ આવે, આપણે ખુશ રહી શકીશું. (યાકૂ. ૧:૨-૪) યહોવાએ વચન આપ્યું છે કે “લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રે.કા. ૨૪:૧૫) એ માટે આપણે યહોવાના કેટલા આભારી છે!

ગીત ૧ યહોવાના ગુણો

^ ફકરો. 5 યહોવા પિતા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમની પાસે અપાર બુદ્ધિ છે અને તે દયાના સાગર છે. એ ગુણો તેમણે બનાવેલી સૃષ્ટિમાં દેખાય આવે છે. લોકોને મરણમાંથી ઉઠાડવાનું તેમણે જે વચન આપ્યું છે, એમાં પણ એ ગુણો દેખાય આવે છે. લોકોને મરણમાંથી ફરી ઉઠાડવા વિશે આપણા મનમાં ઘણા સવાલો હશે, એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું. એમાંથી યહોવાનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ વિશે શું શીખવા મળે છે એ પણ જોઈશું.

^ ફકરો. 59 ચિત્રની સમજ: નવી દુનિયામાં અમેરિકાના આદિવાસીને ઉઠાડવામાં આવ્યો છે, જે વર્ષો પહેલાં મરણ પામ્યો હતો. આર્માગેદનમાંથી બચેલા એક ભાઈ એ આદિવાસીને શીખવી રહ્યા છે કે ખ્રિસ્તના બલિદાનમાંથી ફાયદો લેવા શું કરવું જોઈએ?

^ ફકરો. 61 ચિત્રની સમજ: એક ભાઈ પોતાના બોસને જણાવે છે કે અઠવાડિયાના અમુક દિવસે તે ઓવરટાઈમ કરી શકશે નહિ. કારણ કે એ દિવસે તેમણે યહોવાની ભક્તિને લગતાં કામ કરવાના હોય છે. પણ જો બીજા કોઈ દિવસે ઑફિસમાં કામ હશે તો તે ઓવરટાઈમ કરશે.