સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૪

“અનુભવ કરો” કે યહોવા કેટલા સારા છે!

“અનુભવ કરો” કે યહોવા કેટલા સારા છે!

“અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે! ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.”—ગીત. ૩૪:૮.

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

ઝલક *

૧-૨. ગીતશાસ્ત્ર ૩૪:૮ પ્રમાણે યહોવા કેટલા સારા છે એ જાણવા આપણે શું કરવું જોઈએ?

ધારો કે કોઈ તમને જમવા માટે બોલાવે છે. તે તમારી આગળ એક વાનગી મૂકે છે, જે તમે પહેલાં ક્યારેય ખાધી નથી. એ વાનગી કેવી છે એ જાણવા તમે એને જોશો કે એની સુગંધ લેશો. કદાચ તમે એ વ્યક્તિને પૂછશો કે એ વાનગી કઈ રીતે બનાવી છે, એનો સ્વાદ કેવો છે. પણ એ વાનગી તમને ભાવશે કે નહિ એ તો પોતે ચાખશો ત્યારે જ ખબર પડશે.

એવી જ રીતે બાઇબલ અને બીજાં સાહિત્યમાંથી આપણે યહોવાની ભલાઈ વિશે થોડું ઘણું જાણી શકીએ છીએ. આપણે બીજાઓના અનુભવથી પણ એ જોઈ શકીએ છીએ. પણ યહોવા કેટલા સારા છે એ વિશે વધુ જાણવા આપણે પોતે એનો “અનુભવ” કરવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૪:૮ વાંચો.) કઈ રીતે? ધારો કે આપણે પૂરા સમયની સેવા કરવા માંગીએ છીએ. એ માટે આપણું જીવન સાદુ બનાવવું પડશે. આપણે ઈસુએ આપેલા વચન વિશે ઘણી વાર વાંચ્યું હશે, પણ પોતાના જીવનમાં એ અનુભવ્યું નહિ હોય. તેમણે કહ્યું હતું કે જેઓ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખે છે તેઓને યહોવા જરૂરી બધું પૂરું પાડે છે. (માથ. ૬:૩૩) આપણે ઈસુના એ વચન પર ભરોસો રાખવો જોઈએ. આપણે સાદું જીવન જીવવું જોઈએ અને ખર્ચા ઘટાડવા જોઈએ. આપણે કદાચ નોકરી બદલી શકીએ જેથી ઈશ્વરભક્તિમાં પૂરું ધ્યાન આપી શકીએ. એમ કરતા જઈશું તેમ પોતે જોઈ શકીશું કે યહોવા જરૂરી બધું પૂરું પાડે છે. આમ પોતે “અનુભવ” કરી શકીશું કે યહોવા કેટલા સારા છે!

૩. ગીતશાસ્ત્ર ૧૬:૧, ૨ પ્રમાણે યહોવા ખાસ કોનું ભલું કરે છે?

યહોવા “બધાનું ભલું” કરે છે, જેઓ તેમને નથી ઓળખતા તેઓનું પણ. (ગીત. ૧૪૫:૯; માથ. ૫:૪૫) યહોવા ખાસ એવા લોકોને આશીર્વાદ આપે છે, જેઓ તેમને પ્રેમ કરે છે અને પૂરા મનથી તેમની ભક્તિ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૬:૧, ૨ વાંચો.) ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે આપણું ભલું કર્યું છે.

૪. જેઓ યહોવાની નજીક જાય છે તેઓ માટે યહોવા કઈ રીતે ભલાઈ બતાવે છે?

યહોવા આપણને બાઇબલમાંથી શીખવે છે. આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણું જીવન સુખી થાય છે. દાખલા તરીકે, એક વ્યક્તિ યહોવા વિશે શીખે અને તેમને પ્રેમ કરવા લાગે ત્યારે યહોવા તેને ખોટી આદતો અને ખરાબ વિચારો દૂર કરવા મદદ કરે છે. (કોલો. ૧:૨૧) પછી તે સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે ત્યારે તે યહોવાની ભલાઈનો વધારે અનુભવ કરી શકે છે. તે યહોવાની નજીક જઈ શકે છે અને યહોવા તેને શુદ્ધ મન આપે છે.—૧ પિત. ૩:૨૧.

૫. પ્રચારકામમાં યહોવા કઈ રીતે આપણું ભલું કરે છે?

પ્રચારકામમાં પણ યહોવા આપણું ભલું કરે છે. દાખલા તરીકે આપણો સ્વભાવ શરમાળ હોય શકે. સાક્ષી બનતા પહેલાં આપણે સપનામાંય વિચાર્યું નહિ હોય કે કોઈ અજાણ્યાના ઘરે જઈને બાઇબલનો સંદેશો જણાવીશું. પણ આજે યહોવાની મદદથી આપણે પ્રચારકામ કરીએ છીએ અને એમાં બહુ મજા પણ આવે છે. યહોવા બીજી રીતોએ પણ આપણી મદદ કરે છે. કોઈ વ્યક્તિ ગુસ્સાથી વાત કરે ત્યારે યહોવા આપણને શાંત રહેવા મદદ કરે છે. કોઈને આપણા સંદેશા વિશે વધુ જાણવું હોય ત્યારે યહોવા આપણને યોગ્ય કલમો યાદ કરવા પણ મદદ કરે છે. લોકો ન સાંભળે તોપણ એવા વિસ્તારમાં પ્રચાર કરતા રહેવા યહોવા આપણને શક્તિ આપે છે.—યર્મિ. ૨૦:૭-૯.

૬. યહોવા બીજી કઈ રીતે આપણું ભલું કરે છે?

બીજી એક રીતે પણ યહોવા આપણું ભલું કરે છે. તે આપણને પ્રચાર કરવાનું શીખવે છે. (યોહા. ૬:૪૫) અઠવાડિયા દરમિયાન થતી સભામાં “વાતચીતની એક રીત” વિભાગ હોય છે. એમાં અલગ અલગ સૂચનો આપવામાં આવે છે, જેનાથી આપણને પ્રચારમાં સારી રીતે વાત કરવા મદદ મળે છે. શરૂઆતમાં એ સૂચનો વાપરતા કદાચ અચકાઈએ, પણ એને વાપરીએ છીએ ત્યારે લોકો આપણી વાત સારી રીતે સાંભળે છે. સભાઓ અને સંમેલનોમાં આપણને પ્રચારની નવી રીતો વાપરવાનું ઉત્તેજન આપવામાં આવે છે. કદાચ આપણને કોચલામાંથી બહાર આવવું ન ગમે એટલે કે જૂની રીતો છોડવી ન ગમે. પણ એમ કરીએ છીએ ત્યારે યહોવા આશીર્વાદો આપે છે, પછી ભલે ને આપણા સંજોગો ગમે એ હોય. ચાલો જોઈએ કે નવી રીતો વાપરવા કેવાં પગલાં ભરવાં જોઈએ અને એમ કરીશું તો યહોવા કેવા આશીર્વાદો આપે છે.

યહોવા પર ભરોસો રાખનારને તે આશીર્વાદો આપે છે

૭. યહોવાની સેવામાં વધુ કરવાથી કેવા આશીર્વાદો મળે છે?

યહોવા સાથે આપણો સંબંધ મજબૂત થાય છે. ચાલો સેમ્યુઅલભાઈનો * દાખલો જોઈએ, જે એક વડીલ છે. તે અને તેમના પત્ની કોલંબિયામાં રહે છે. તેઓ પોતાના મંડળમાં પાયોનિયર સેવા કરી રહ્યાં હતાં. તેઓ એવા મંડળમાં જવા માંગતા હતાં જ્યાં પ્રચારકોની વધુ જરૂર હોય. એ પ્રમાણે કરવા તેઓએ ઘણું જતું કરવાનું હતું. ભાઈ કહે છે, “અમે માથ્થી ૬:૩૩ની સલાહ લાગુ પાડી અને ખોટા ખર્ચ કરવાનું બંધ કર્યું. પણ ઘર છોડવું અમારાં માટે અઘરું હતું, કારણ કે અમે એને અમારી પસંદ પ્રમાણે બનાવ્યું હતું. એના હપ્તા પણ ભરાઈ ગયા હતા.” તેઓ નવી જગ્યાએ રહેવા ગયા ત્યારે પહેલાં કરતાં ઓછા પૈસામાં તેઓનું ગુજરાન ચાલવા લાગ્યું. ભાઈ કહે છે, “યહોવાએ અમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો અને અમને નિર્ણય લેવા મદદ કરી હતી. અમે પોતે યહોવાનો પ્રેમ અનુભવી શક્યા.” શું તમે પણ એ ભાઈની જેમ યહોવાની સેવામાં વધુ કરી શકો? જો એમ કરશો તો યહોવા સાથેનો સંબંધ મજબૂત થશે અને તે તમારી સંભાળ રાખશે.—ગીત. ૧૮:૨૫.

૮. ઈવાનભાઈ અને વિક્ટોરિયાબહેનને કેવા આશીર્વાદ મળ્યા?

આપણને યહોવાની સેવામાં ખુશી મળે છે. ઈવાનભાઈ અને વિક્ટોરિયાબહેનના દાખલા પર ધ્યાન આપીએ. તેઓ કિર્ગિઝસ્તાનમાં પાયોનિયર સેવા કરે છે. તેઓએ પોતાનું જીવન સાદું રાખ્યું છે, જેથી બાંધકામ જેવા સંગઠનનાં બીજાં કામોમાં મદદ કરી શકે. ઈવાનભાઈ કહે છે, “અમને જે કંઈ કામ મળતું એ પૂરું મન લગાવીને કરતા. દિવસના અંતે બહુ થાકી જતાં પણ અમને ખુશી હતી કે અમારાં સમય-શક્તિ રાજ્યના કામમાં વાપરી રહ્યાં છીએ. એ સમય દરમિયાન અમે ઘણા નવા દોસ્તો બનાવ્યા અને અમને ઘણા સારા અનુભવ થયા, જે ભૂલ્યા ભૂલાય નહિ એવા છે.”—માર્ક ૧૦:૨૯, ૩૦.

૯. (ક) મુશ્કેલ સંજોગોમાં પણ એક બહેને શું કર્યું? (ખ) તેમને કેવા આશીર્વાદ મળ્યા?

મુશ્કેલ સંજોગો હોવા છતાં યહોવાની સેવા કરવાથી ખુશી મળે છે. દાખલા તરીકે, મીરાબહેન મોટી ઉંમરનાં છે. તે વિધવા છે અને પશ્ચિમ આફ્રિકામાં રહે છે. તેમણે ડૉક્ટર તરીકે રિટાયર્ડ થયાં પછી પાયોનિયર સેવા શરૂ કરી. તેમને વાની બીમારી હોવાથી ચાલવામાં તકલીફ હતી. એટલે તે ઘર-ઘરના પ્રચારકાર્યમાં ભાગ્યે જ એક કલાક કરી શકતા. તે ટેબલ કે ટ્રૉલી દ્વારા વધારે પ્રચાર કરતા. તેમની પાસે ઘણી ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ છે. તેઓમાંથી અમુક સાથે તો તે ફોન પર વાત કરે છે. મીરાબહેન તબિયત સારી ન હોવા છતાં શા માટે યહોવાની સેવા કરે છે? એનો જવાબ આપતા તે કહે છે, “મને યહોવા અને ઈસુ માટે ખૂબ પ્રેમ છે. હું યહોવાને વારંવાર પ્રાર્થના કરું છું કે પાયોનિયર સેવામાં લાગુ રહેવા મને શક્તિ આપે.”—માથ. ૨૨:૩૬, ૩૭.

૧૦. પહેલો પિતર ૫:૧૦ પ્રમાણે જેઓ યહોવાની સેવામાં વધુ કરે છે તેઓને કેવો ફાયદો થાય છે?

૧૦ યહોવા આપણને અલગ અલગ કામ શીખવે છે. કેનીભાઈનો દાખલો જોઈએ. તે મોરિશિયસમાં પાયોનિયર સેવા કરે છે. સત્ય શીખ્યા પછી તેમણે યુનિવર્સિટીનું ભણતર છોડી દીધું અને બાપ્તિસ્મા લીધું. એના થોડા સમય પછી તે પૂરા સમયની સેવા કરવા લાગ્યા. તે કહે છે, “હું પ્રબોધક યશાયા જેવો બનવાનો પ્રયત્ન કરું છું. જેમણે કહ્યું હતું: ‘હું જઈશ! મને મોકલો!’” (યશા. ૬:૮) કેનીભાઈએ ઘણી વાર બાંધકામ વિભાગમાં સેવા આપી છે. તેમણે આપણાં સાહિત્યનું પોતાની ભાષામાં અનુવાદ કરવા મદદ કરી છે. તે કહે છે, “મને કોઈ કામ સોંપવામાં આવતું તો એ પણ શીખવવામાં આવતું કે એને કઈ રીતે કરવું.” કેનીભાઈ કામની સાથે બીજું ઘણું શીખ્યા. તે કહે છે, “હું શીખ્યો કે મારાથી કયું કામ થશે અને કયું નહિ. તેમ જ યહોવાના સારા સેવક બનવા મારે કયા ગુણો કેળવવાની જરૂર છે.” (૧ પિતર ૫:૧૦ વાંચો.) કેનીભાઈની જેમ શું તમે પણ યહોવા પાસેથી શીખવા માંગો છો? જો એમ હોય તો પોતાના સંજોગોની તપાસ કરો અને યહોવાની સેવામાં વધુ કરવા પ્રયત્ન કરો.

એક યુગલ વધારે જરૂર હોય એવા વિસ્તારમાં પ્રચાર કરે છે; એક યુવાન બહેન પ્રાર્થનાઘરના બાંધકામમાં મદદ કરે છે; એક વૃદ્ધ યુગલ ફોન પર પ્રચાર કરે છે. તેઓ બધાને પ્રચારકામથી ખુશી મળે છે (ફકરો ૧૧ જુઓ)

૧૧. દક્ષિણ કોરિયાના બહેનો શું શીખ્યાં અને એનું શું પરિણામ આવ્યું? (પહેલાં પાનનું ચિત્ર જુઓ.)

૧૧ લાંબા સમયથી યહોવાની ભક્તિ કરતા ભાઈ-બહેનોએ પણ પ્રચારકામમાં નવી રીતો વાપરતા શીખવું જોઈએ. ચાલો જોઈએ, દક્ષિણ કોરિયાનાં અમુક ભાઈ-બહેનોએ કોવિડ-૧૯ મહામારીમાં શું કર્યું. ત્યાંના મંડળના એક વડીલ કહે છે, “ઘણાં ભાઈ-બહેનોની તબિયત સારી ન હોવાથી પ્રચારમાં વધુ કરી શકતા ન હતાં. પણ હવે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રચારમાં ભાગ લઈ રહ્યાં છે. ત્રણ બહેનો જેઓ ૮૦ કરતાં વધુ ઉંમરનાં છે, તેઓ કમ્પ્યુટર ચલાવતા શીખ્યાં. હવે તેઓ રોજ પ્રચાર કરી શકે છે.” (ગીત. ૯૨:૧૪, ૧૫) શું તમે યહોવાની ભક્તિમાં વધુ કરવા ચાહો છો? શું તમે યહોવાની ભલાઈનો અનુભવ કરવા ચાહો છો? ચાલો જોઈએ કે એવું કરવા તમે શું કરી શકો.

યહોવાની સેવામાં બનતું બધું કરવા શું કરી શકીએ?

૧૨. યહોવાએ કયું વચન આપ્યું છે?

૧૨ યહોવા પર ભરોસો રાખીએ. યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમના પર ભરોસો રાખે છે અને તેમની સેવામાં બનતું બધું કરે છે તેઓને ઘણા આશીર્વાદો આપશે. (માલા. ૩:૧૦) કોલંબિયામાં રહેતાં ફેબિયોલાબહેનનો દાખલો જોઈએ. તેમનાં ત્રણ બાળકો છે. તે બાપ્તિસ્મા પછી પાયોનિયર સેવા કરવા માંગતા હતાં, પણ કરી શક્યાં નહિ. કારણ કે તેમના પગાર પર કુટુંબનું ગુજરાન ચાલતું હતું. જ્યારે તે રિટાયર્ડ થયાં ત્યારે તેમણે યહોવાને આજીજી કરી કે તે પાયોનિયર સેવા કરવા માંગે છે. તે કહે છે, “મોટા ભાગે પેન્શન તરત જ શરૂ થતું નથી. પણ મને એક જ મહિનામાં પેન્શન મળવાનું શરૂ થઈ ગયું. એ મારા માટે એક ચમત્કાર હતો.” બે મહિના પછી બહેને પાયોનિયર સેવા શરૂ કરી. આજે તેમની ઉંમર સિત્તેર કરતાં વધુ છે. તે વીસ વર્ષથી પાયોનિયર સેવા કરે છે. તેમણે ઘણા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કર્યો, એમાંથી આઠ લોકોએ બાપ્તિસ્મા લીધું. બહેન કહે છે, “મારી તબિયત હવે સારી રહેતી નથી. એટલે દરરોજ હું યહોવાને પ્રાર્થના કરું છું કે પાયોનિયર સેવા કરતા રહેવા તે મને શક્તિ આપે.”

ઇબ્રાહિમ અને સારાહ, યાકૂબ તેમજ યાજકોએ કઈ રીતે બતાવ્યું કે તેઓને યહોવા પર ભરોસો હતો? (ફકરો ૧૩ જુઓ)

૧૩-૧૪. તમે કોની પાસેથી યહોવા પર ભરોસો રાખવાનું શીખી શકો?

૧૩ જેઓએ યહોવા પર ભરોસો કર્યો તેઓ પાસેથી શીખીએ. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ યહોવાની સેવામાં બહુ મહેનત કરી હતી. ઘણા કિસ્સામાં તેઓએ પહેલા પગલું ભર્યું અને પછી યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. દાખલા તરીકે ઇબ્રાહિમે પહેલા પોતાનું ઘર છોડ્યું પછી યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (હિબ્રૂ. ૧૧:૮) યાકૂબે પહેલા સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી પછી યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. (ઉત. ૩૨:૨૪-૩૦) યાજકોએ બંને કાંઠે છલકાતી યર્દન નદીમાં પગ મૂક્યો પછી ઇઝરાયેલીઓ એને પાર કરીને વચનના દેશમાં પહોંચી શક્યા.—યહો. ૩:૧૪-૧૬.

૧૪ આપણે એવાં ભાઈ-બહેનો પાસેથી શીખી શકીએ જેઓ યહોવા પર ભરોસો રાખીને તેમની સેવામાં વધુ કરી રહ્યાં છે. પૅટનભાઈ અને તેમની પત્ની ડાયનાબહેનનો દાખલો લઈએ. તેઓએ એવાં ભાઈ-બહેનોના અનુભવો વાંચ્યા જેઓ બીજે જઈને સેવા કરી રહ્યાં છે. એમાંનાં અમુક ભાઈ-બહેનોના અનુભવ “તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધાં” શૃંખલામાં આપવામાં આવ્યા છે. * પૅટનભાઈ કહે છે, “એ અનુભવો વાંચતા ત્યારે અમને લાગતું કે કોઈને ટેસ્ટી ખાવાનું ખાતા જોઈ રહ્યાં છીએ. અમે જેટલું વધારે જોતાં એટલું વધારે અમને થતું કે ‘અનુભવ કરીએ અને જોઈએ કે યહોવા કેટલા સારા છે!’” થોડા સમય પછી પૅટનભાઈ અને ડાયનાબહેન એવી જગ્યાએ સેવા આપવાં ગયાં જ્યાં વધુ જરૂર હતી. શું તમે એ શૃંખલા વાંચી છે? શું તમે jw.org પર દૂર-દરાઝ કે ઈલાકો મેં પ્રચાર—ઑસ્ટ્રેલિયા અને વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવી વીડિયો જોયા છે? એનાથી તમને યહોવાની સેવામાં વધુ કરવા ઉત્તેજન મળશે.

૧૫. આપણે કેવા લોકો સાથે હળવું-મળવું જોઈએ?

૧૫ સારા લોકો સાથે હળીએ-મળીએ. ચાલો ફકરા એકમાં આપેલા દાખલાને યાદ કરીએ. જેઓ નવી વાનગીની મજા માણે છે, તેઓ સાથે રહીશું તો આપણને પણ એ ચાખવાનું મન થશે. એવી જ રીતે જેઓ યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખે છે, તેઓ સાથે રહીશું તો આપણને પણ એવું કરવાનું ઉત્તેજન મળશે. કેન્ટભાઈ અને વેરોનિકાબહેન સાથે પણ એવું જ થયું. કેન્ટ કહે છે, “અમારા દોસ્તો અને સગાંવહાલાઓએ અમને યહોવાની સેવામાં વધુ કરવાનું ઉત્તેજન આપ્યું. તેઓ સાથે રહેવાથી કંઈક નવું કરવાની અમને હિંમત મળી.” આજે કેન્ટ અને વેરોનિકા સર્બિયામાં ખાસ પાયોનિયર તરીકે સેવા કરે છે.

૧૬. યહોવાની સેવામાં જતું કરવા કેમ તૈયાર રહેવું જોઈએ? (લૂક ૧૨:૧૬-૨૧)

૧૬ યહોવા માટે જતું કરીએ. એનો અર્થ એ નથી કે યહોવાને ખુશ કરવા આપણે બધું જ જતું કરવું પડશે. (સભા. ૫:૧૯, ૨૦) જો આપણે યહોવાની સેવામાં જતું કરવાના ડરથી વધુ નહિ કરીએ તો શું થશે? આપણે ઈસુના દાખલામાં બતાવેલા માણસ જેવા બનીશું, જેણે સારી વસ્તુઓ તો ભેગી કરી પણ ઈશ્વરને ભૂલી ગયો. (લૂક ૧૨:૧૬-૨૧ વાંચો.) ફ્રાંસના ક્રિસ્ટીયાનભાઈ કહે છે, “હું કુટુંબ અને યહોવા માટે વધુ સમય આપી શકતો ન હતો.” એટલે ભાઈએ અને તેમની પત્નીએ પાયોનિયર સેવા કરવાનું નક્કી કર્યું. તેઓએ નોકરી છોડી અને ગુજરાન ચલાવવા સાફ-સફાઈનું કામ શરૂ કર્યું. તેઓ ઓછા પૈસામાં ઘર ચલાવવાનું શીખ્યાં. શું યહોવાની સેવામાં જતું કરવાથી તેઓ ખુશ રહી શક્યાં? ભાઈ જણાવે છે, “અમે બંને ખૂબ ખુશ છીએ કે પ્રચારમાં વધુ કરી શકીએ છીએ. અમારી પાસે ઘણી ફરી મુલાકાત છે. અમારા વિદ્યાર્થીઓ યહોવા વિશે શીખે છે ત્યારે અમારું દિલ ખુશીથી ઊભરાય જાય છે.”

૧૭. એક બહેને પ્રચારની નવી રીત વાપરવા શું કર્યું?

૧૭ પ્રચારમાં નવી રીતો અજમાવીએ. (પ્રે.કા. ૧૭:૧૬, ૧૭; ૨૦:૨૦, ૨૧) શર્લીબહેન અમેરિકામાં રહે છે. તે એક પાયોનિયર છે. કોવિડ-૧૯ મહામારીના સમય દરમિયાન તેમણે પ્રચારની રીતમાં ફેરફાર કરવા પડ્યા. શરૂઆતમાં તે ફોન પર સાક્ષી આપતા અચકાતાં હતાં. પણ સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે તે ફોન પર સાક્ષી આપવાનું શીખ્યાં. એ પછી તે એમાં વધારે ભાગ લેવા લાગ્યાં. બહેન કહે છે, “શરૂઆતમાં મને ડર લાગતો, પણ હવે મજા આવે છે. ઘરઘરના પ્રચાર કરતાં ફોન પર હું વધારે લોકોને સાક્ષી આપી શકી છું.”

૧૮. મુશ્કેલી આવે ત્યારે શું કરી શકીએ?

૧૮ યોજના બનાવીએ અને પગલાં ભરીએ. આપણી સામે મુશ્કેલી આવે ત્યારે પ્રાર્થનામાં યહોવા પાસે સમજ-શક્તિ માંગીએ. એમ કરીશું તો એ મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકીશું. (નીતિ. ૩:૨૧) સોનિયાબહેન પાયોનિયર છે. તે યુરોપમાં રોમાની ભાષાના ગ્રૂપમાં સેવા આપે છે. તે કહે છે, “હું યોજના બનાવું ત્યારે એને લખી લઉં છું. પછી એ કાગળ એવી જગ્યાએ મૂકું છું જ્યાં હું આવતાં-જતાં જોઈ શકું. મારા ટેબલ પર એક ચિત્ર છે જેમાં બે રસ્તા બતાવ્યા છે. જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે હું એ ચિત્રને જોઉં છું. પછી વિચારું છું કે કયા નિર્ણયથી હું મંજિલે પહોંચી શકીશ.” સોનિયાબહેન પર મુશ્કેલી આવે ત્યારે તે નિરાશ થતાં નથી પણ હિંમત રાખે છે. તે કહે છે કે “આપણે એ મુશ્કેલીને મંજિલને આડે આવતી દીવાલ તરીકે જોઈશું કે મંજિલ તરફ લઈ જતાં પુલ તરીકે જોઈશું, એ આપણા પર છે.”

૧૯. આપણે શું કરવાનો નિર્ણય લેવો જોઈએ?

૧૯ યહોવા આપણને ઘણા આશીર્વાદ આપે છે. એ માટે આપણે તેમનો આભાર માનીએ અને તેમનો મહિમા કરીએ. (હિબ્રૂ. ૧૩:૧૫) તેમની સેવામાં વધુ કરવા આપણે નવી નવી રીતો શોધવી જોઈએ. એમ કરીશું તો યહોવા આપણને વધુ આશીર્વાદ આપશે. તો ચાલો આપણે દરરોજ ‘અનુભવ કરીને જોઈએ કે યહોવા કેટલા સારા છે!’ પછી આપણે પણ ઈસુની જેમ કહી શકીશું કે “મને મોકલનારની ઇચ્છા પૂરી કરવી અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.”—યોહા. ૪:૩૪.

ગીત ૧ યહોવાના ગુણો

^ ફકરો. 5 યહોવા ઈશ્વર બધાને સારી સારી વસ્તુઓ આપે છે, દુષ્ટોને પણ. ખાસ તો તે પોતાના ભક્તોનું ભલુ કરવાનું ચૂકતા નથી. આ લેખમાં જોઈશું કે યહોવા પોતાના ભક્તો પર કઈ રીતે ભલાઈ બતાવે છે. એ પણ જોઈશું કે જે લોકો યહોવાની સેવામાં વધારે કરે છે તેમને તે કેવા આશીર્વાદો આપે છે.

^ ફકરો. 7 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 14 ચોકીબુરજની એ શૃંખલા હવે jw.org પર પ્રાપ્ય છે. અમારા વિશે > યહોવાના સાક્ષીઓના અનુભવો > તેઓએ ખુશીથી સેવા કરી વિભાગમાં જાઓ.