સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૫

“એકબીજાને મક્કમ કરતા રહો”

“એકબીજાને મક્કમ કરતા રહો”

“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૧.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

૧. પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૧ પ્રમાણે આપણે કયું મહત્ત્વનું કામ કરીએ છીએ?

 શું તમે ક્યારેય પ્રાર્થનાઘરના બાંધકામમાં ભાગ લીધો છે? યાદ કરો, પ્રાર્થનાઘર બન્યા પછી તમે પહેલી વાર સભામાં ગયા ત્યારે તમને કેવું લાગ્યું? તમે ખુશીથી ઝૂમી ઊઠ્યા હશો. યહોવાનો ઘણો આભાર માન્યો હશે. સભામાં પહેલું ગીત ગાતાં ગાતાં તમારી આંખો ભરાઈ આવી હશે. તમે પ્રાર્થનાઘરની સાર-સંભાળ અને સમારકામમાં ભાગ લીધો હશે, એનાથી પણ તમને ઘણી ખુશી થઈ હશે. પ્રાર્થનાઘર વ્યવસ્થિત અને સુંદર દેખાય ત્યારે યહોવાને મહિમા મળે છે. પ્રાર્થનાઘરનું બાંધકામ અને સમારકામ એક મહત્ત્વનું કામ છે. જોકે એના કરતાં પણ બીજું એક કામ વધારે મહત્ત્વનું છે. એ છે, એકબીજાને ઉત્તેજન આપવું અને મક્કમ કરવા. એનાથી પણ યહોવાને મહિમા મળે છે. પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને એવું જ કરવાની સલાહ આપી હતી. એ ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧માં જોવા મળે છે, જે આ લેખની મુખ્ય કલમ છે.—વાંચો.

૨. આ લેખમાં શું શીખીશું?

પ્રેરિત પાઉલને ભાઈ-બહેનો માટે લાગણી હતી. એટલે તેમણે ભાઈ-બહેનોની હિંમત બંધાવી અને મક્કમ કર્યાં. આ લેખમાં શીખીશું કે પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરી જેથી તેઓ (૧) કસોટીઓ સહન કરી શક્યાં, (૨) બીજાઓ સાથે શાંતિ જાળવી શક્યાં અને (૩) શ્રદ્ધા મજબૂત કરી શક્યાં. એ પણ શીખીશું કે આપણે કઈ રીતે પાઉલના પગલે ચાલી શકીએ અને ભાઈ-બહેનોને મક્કમ કરી શકીએ.—૧ કોરીં. ૧૧:૧.

પાઉલે ભાઈ-બહેનોને કસોટીઓ સહેવા મદદ કરી

૩. પાઉલે કઈ રીતે યહોવાની ભક્તિમાં મન પરોવેલું રાખ્યું?

પાઉલ ભાઈ-બહેનોને દિલથી પ્રેમ કરતા હતા, તેઓ માટે હમદર્દી હતી. તે મુશ્કેલીઓ સહેતાં ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે સમજી શક્યા. કેમ કે તેમણે પોતે પણ ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી. એક સમયે પાઉલને પૈસાની તંગી પડી. પોતાનું અને સાથીઓનું ગુજરાન ચલાવવું અઘરું થઈ ગયું. (પ્રે.કા. ૨૦:૩૪) પાઉલને તંબુ બનાવતા આવડતું હતું. તે કોરીંથ આવ્યા ત્યારે આકુલા અને પ્રિસ્કિલા સાથે મળીને તંબુ બનાવવાનું કામ કરવા લાગ્યા. પણ પાઉલ “દરેક સાબ્બાથે” યહૂદી અને ગ્રીક લોકોને પ્રચાર કરતા. પછી સિલાસ અને તિમોથી ત્યાં આવ્યા ત્યારે, ‘પાઉલ વધારે ઉત્સાહથી સંદેશો ફેલાવવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૮:૨-૫) પાઉલ ઘણા મહેનતુ હતા. પોતાનું ગુજરાન ચલાવવા તેમણે કામ પણ કર્યું. જોકે યહોવાની ભક્તિ તેમના માટે સૌથી મહત્ત્વની હતી. તેમણે એમાં જ મન પરોવેલું રાખ્યું. એટલે તે ભાઈ-બહેનોને પણ એવું કરવાનું ઉત્તેજન આપી શક્યા. તેમણે તેઓને કહ્યું કે જીવનની ચિંતાઓમાં અને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવામાં ડૂબેલા ન રહે. એના બદલે “જે વધારે મહત્ત્વનું છે” એના પર મન લગાડે, યહોવાની ભક્તિમાં પૂરું ધ્યાન આપે.—ફિલિ. ૧:૧૦.

૪. પાઉલ અને તિમોથીએ કઈ રીતે ભાઈ-બહેનોને કસોટીઓ સહેવા મદદ કરી?

થેસ્સાલોનિકા મંડળ થોડા સમય પહેલાં જ શરૂ થયું હતું. પણ પછી ત્યાંનાં ભાઈ-બહેનોનો સખત વિરોધ થવા લાગ્યો. એક ટોળું પાઉલ અને સિલાસને પકડવા માંગતું હતું. પણ તેઓ મળ્યા નહિ ત્યારે એ ટોળાના લોકો ‘ભાઈઓમાંથી અમુકને શહેરના અધિકારીઓ પાસે ઘસડી ગયા. તેઓએ બૂમો પાડીને કહ્યું: “તેઓ સમ્રાટની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે.”’ (પ્રે.કા. ૧૭:૬, ૭) જરા વિચારો, આ બધું જોઈને ત્યાંનાં ભાઈ-બહેનો કેટલાં ડરી ગયાં હશે! પાઉલ ચાહતા ન હતા કે એના લીધે ભાઈ-બહેનો ભક્તિમાં ધીમાં પડી જાય. પાઉલ અને સિલાસ ત્યાં રોકાઈ શકતા ન હતા, એટલે તેઓએ એક ગોઠવણ કરી. પાઉલે થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને કહ્યું: ‘અમે આપણા ભાઈ તિમોથીને તમારી પાસે મોકલીએ છીએ કે તે તમારી શ્રદ્ધા મક્કમ કરવા તમને દૃઢ કરે અને તમને દિલાસો આપે, જેથી આ સતાવણીઓને લીધે કોઈ ડગે નહિ.’ (૧ થેસ્સા. ૩:૨, ૩) તિમોથીએ પોતાના શહેર લુસ્ત્રામાં કદાચ એવી જ કસોટીઓનો સામનો કર્યો હતો. તેમણે જોયું હશે કે પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોને મક્કમ કર્યાં હતાં. એટલે તિમોથીએ પણ થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને ભરોસો અપાવ્યો હશે કે યહોવા તેઓની મદદ કરશે અને બધું ઠીક થઈ જશે.—પ્રે.કા. ૧૪:૮, ૧૯-૨૨; હિબ્રૂ. ૧૨:૨.

૫. બ્રાયન્ટભાઈને એક વડીલે કઈ રીતે મદદ કરી? એનાથી તેમને કેવો ફાયદો થયો?

પાઉલે બીજી કઈ રીતે ભાઈ-બહેનોને મક્કમ કર્યાં? પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઇકોનિયા અને અંત્યોખ પાછા આવ્યા ત્યારે તેઓએ “દરેક મંડળમાં વડીલો નીમ્યા.” (પ્રે.કા. ૧૪:૨૧-૨૩) એ વડીલોએ મુશ્કેલ ઘડીમાં ચોક્કસ ભાઈ-બહેનોની હિંમત વધારી હશે. આજે પણ વડીલો એવું જ કરે છે. ચાલો બ્રાયન્ટભાઈનો દાખલો જોઈએ. તે કહે છે: “હું ૧૫ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. મમ્મીને બહિષ્કૃત કરવામાં આવ્યાં. હું સાવ એકલો પડી ગયો હતો. દુઃખી દુઃખી રહેતો હતો.” એ અઘરા સમયમાં બ્રાયન્ટભાઈને ક્યાંથી મદદ મળી? તે કહે છે: “મારા મંડળમાં એક વડીલ હતા. તેમનું નામ ટોની હતું. તે અવાર-નવાર મારી સાથે વાત કરતા, સભામાં અને બીજા સમયે પણ. તે મને ઈશ્વરભક્તોના દાખલા આપતા, જેઓ મુશ્કેલ ઘડીઓમાં ખુશ રહી શક્યા. તેમણે મને ગીતશાસ્ત્ર ૨૭:૧૦ બતાવી. તે મારી સાથે ઘણી વાર હિઝકિયા વિશે વાત કરતા. તે જણાવતા કે, હિઝકિયાના પિતા પણ યહોવાની ભક્તિ કરતા ન હતા. તોપણ તે યહોવાને વફાદાર રહ્યા.” ટોનીભાઈ સાથે વાત કરીને બ્રાયન્ટભાઈને ઘણો ફાયદો થયો. તે કહે છે: “ટોનીભાઈએ મને ઘણું ઉત્તેજન આપ્યું. એટલે હું આગળ જતાં પાયોનિયરીંગ કરી શક્યો.” વડીલો, મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરવા તૈયાર રહો. વિચારો કે “ઉત્તેજન આપતા શબ્દોથી” તમે કોની હિંમત બંધાવી શકો.—નીતિ. ૧૨:૨૫.

૬. પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોની હિંમત વધારી?

પાઉલે પહેલી સદીનાં ભાઈ-બહેનોને અગાઉના ઈશ્વરભક્તો વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે એ ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાએ મદદ કરી હતી. એ ભક્તો વિશે પાઉલે કહ્યું: “આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે.” (હિબ્રૂ. ૧૨:૧) પાઉલ જાણતા હતા કે ભાઈ-બહેનો એ ભક્તો વિશે વિચારશે તો તેઓને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા મદદ મળશે. તેઓ “જીવંત ઈશ્વરના શહેર” એટલે કે ઈશ્વરના રાજ્ય પર પૂરું ધ્યાન આપી શકશે. (હિબ્રૂ. ૧૨:૨૨) યહોવાએ ગિદિયોન, બારાક, દાઉદ, શમુએલ અને બીજા ઈશ્વરભક્તોને મદદ કરી હતી. તેઓ વિશે વાંચીએ છીએ ત્યારે આપણી પણ હિંમત વધે છે. (હિબ્રૂ. ૧૧:૩૨-૩૫) યહોવા આપણા સમયમાં પણ ભાઈ-બહેનોને મદદ કરે છે. તેઓના અનુભવો વાંચીને આપણને હિંમત મળે છે. યહોવાના સાક્ષીઓના મુખ્યમથકમાં ઘણા પત્રો આવે છે. એમાં ભાઈ-બહેનો જણાવે છે કે એ અનુભવો વાંચીને તેઓને કઈ રીતે મદદ મળી.

પાઉલે ભાઈ-બહેનોને શાંતિ જાળવવાનું શીખવ્યું

૭. રોમનો ૧૪:૧૯-૨૧માં પાઉલે આપેલી સલાહથી તમને શું શીખવા મળ્યું?

આપણી વાતો અને કામોથી મંડળમાં શાંતિ જળવાઈ છે ત્યારે, ભાઈ-બહેનો એ જોઈને મક્કમ થાય છે. કોઈ બાબતમાં બીજાઓના વિચારો આપણા કરતાં અલગ હોય શકે. પણ જો એ બાઇબલ સિદ્ધાંતો વિરુદ્ધ ન હોય તો પોતાની વાત પકડી રાખવી ન જોઈએ. ચાલો જોઈએ કે રોમના મંડળમાં શું થયું હતું. ત્યાં યહૂદી અને યહૂદી ન હોય એવા ખ્રિસ્તીઓ હતા. એ સમય સુધીમાં તો મૂસાનો નિયમ રદ થઈ ગયો હતો. એટલે કોઈ પણ ખોરાક અશુદ્ધ ગણાતો ન હતો. (માર્ક ૭:૧૯) અમુક યહૂદી ખ્રિસ્તીઓ બધું ખાતા હતા. પણ એ વાત અમુક યહૂદી ખ્રિસ્તીઓને ગળે ઊતરતી ન હતી. એનાથી મંડળમાં ભાગલા પડી ગયા હતા. પાઉલ જાણતા હતા કે મંડળમાં શાંતિ જાળવવી કેટલું મહત્ત્વનું છે. એટલે તેમણે ભાઈ-બહેનોને સલાહ આપી: ‘માંસ ખાવાથી કે દ્રાક્ષદારૂ પીવાથી કે બીજું કંઈ કરવાથી જો તમારો ભાઈ ઠોકર ખાતો હોય, તો સારું કહેવાશે કે તમે એમ ન કરો.’ (રોમનો ૧૪:૧૯-૨૧ વાંચો.) પાઉલ સમજાવવા માંગતા હતા કે જો ભાઈ-બહેનો ધ્યાન નહિ રાખે, તો બીજાઓને ઠોકર લાગી શકે. મંડળની એકતામાં તિરાડ પડી શકે. બીજાઓને ઠોકર ન લાગે એ માટે પાઉલ પોતાને પણ બદલવા તૈયાર હતા. (૧ કોરીં. ૯:૧૯-૨૨) આપણે પણ એવું જ કરવું જોઈએ. કોઈ બાબતમાં બીજાઓના વિચારો આપણા કરતાં અલગ હોય તો પોતાનો જ કક્કો ખરો ન કરવો જોઈએ. આમ એકબીજાને મક્કમ કરી શકીશું અને મંડળમાં શાંતિ જાળવી શકીશું.

૮. મંડળમાં મતભેદ થયો ત્યારે પાઉલે શાંતિ જાળવવા શું કર્યું?

પાઉલના સમયમાં અમુક વખતે મંડળમાં મોટા મોટા મુદ્દાઓ પર મતભેદ ઊભા થયા. પાઉલે કઈ રીતે શાંતિ જાળવી? અમુકને લાગતું હતું કે અગાઉ યહૂદી ન હતા એવા ખ્રિસ્તીઓએ પણ સુન્‍નત કરાવવી જોઈએ. તેઓ ચાહતા હતા કે એવું થવું જ જોઈએ. તેઓને ડર હતો કે સુન્‍નત નહિ કરાવે તો બહારના લોકો તેઓ પર સવાલ ઉઠાવશે. (ગલા. ૬:૧૨) પાઉલ તેઓ સાથે જરાય સહમત ન હતા. તેમને ખબર હતી કે તેઓ કારણ વગર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, સુન્‍નતની કોઈ જરૂર નથી. પણ પાઉલ નમ્ર હતા. તેમણે પોતાની વાત બીજાઓ પર થોપી ન બેસાડી. તેમણે યરૂશાલેમ જઈને પ્રેરિતો અને વડીલોની સલાહ લીધી. (પ્રે.કા. ૧૫:૧, ૨) આ રીતે બધાં ભાઈ-બહેનો વચ્ચે શાંતિ અને ખુશી જળવાઈ રહી.—પ્રે.કા. ૧૫:૩૦, ૩૧.

૯. મંડળમાં શાંતિ જાળવવા કઈ રીતે પાઉલના પગલે ચાલી શકીએ?

બની શકે કે આપણા મંડળમાં કોઈ મોટા વિષય પર મતભેદ ઊભો થાય. એ વખતે આપણે શું કરવું જોઈએ? પોતાના વિચારો બીજાઓ પર થોપી ન બેસાડીએ. આપણે આગેવાની લેતા ભાઈઓની સલાહ લઈએ. કેમ કે યહોવાએ મંડળની સંભાળ રાખવાની જવાબદારી તેઓને સોંપી છે. આપણે બાઇબલ આધારિત સાહિત્યમાં સંશોધન કરી શકીએ. સંગઠને આપેલાં માર્ગદર્શન પર ધ્યાન આપી શકીએ. આમ મંડળમાં શાંતિ જાળવી શકીશું.

૧૦. મંડળમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે માટે પાઉલે બીજું શું કર્યું?

૧૦ મંડળમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે માટે પાઉલે બીજું પણ કંઈક કર્યું. તેમણે ભાઈ-બહેનોની ખામીઓ ન જોઈ, પણ તેઓના સારા ગુણો પર ધ્યાન આપ્યું. જેમ કે પાઉલે રોમનાં ભાઈ-બહેનોને લખેલા પત્રમાં, છેલ્લે ઘણાં ભાઈ-બહેનોનાં નામ લઈને વખાણ કર્યા અથવા તેઓના સારા ગુણો વિશે જણાવ્યું. પાઉલની જેમ આપણે પણ ભાઈ-બહેનોના સારા ગુણો પર ધ્યાન આપીએ. મન મૂકીને તેઓના વખાણ કરીએ. એનાથી આપણી દોસ્તી પાકી થશે. મંડળમાં ચારે બાજુ પ્રેમની મહેક હશે.

૧૧. કોઈની સાથે અણબનાવ કે બોલાચાલી થાય તો શું કરવું જોઈએ?

૧૧ અમુક વાર અનુભવી ભાઈ-બહેનો વચ્ચે પણ અણબનાવ કે બોલાચાલી થઈ શકે. પાઉલ અને બાર્નાબાસ સારા મિત્રો હતા. પણ એક વખતે તેઓ વચ્ચે પણ બોલાચાલી થઈ ગઈ. પ્રચારકાર્યની એક મુસાફરીમાં બાર્નાબાસ માર્કને સાથે લઈ જવા માંગતા હતા. પણ પાઉલ એ વાતે સહમત ન હતા. એટલે પાઉલ અને બાર્નાબાસ વચ્ચે “મોટી તકરાર” થઈ. તેઓ અલગ થઈ ગયા અને પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા. (પ્રે.કા. ૧૫:૩૭-૩૯) એ ત્રણેય ભાઈઓને ખબર હતી કે મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહે એ બહુ મહત્ત્વનું છે. એટલે તેઓએ એકબીજાને દિલથી માફ કર્યા. પછીથી પાઉલે પત્રોમાં બાર્નાબાસ અને માર્ક વિશે સારી વાતો લખી. (૧ કોરીં. ૯:૬; કોલો. ૪:૧૦, ૧૧) બની શકે કે કોઈની સાથે આપણો અણબનાવ કે બોલાચાલી થઈ જાય. એ વખતે આપણે તેમને માફ કરીએ. તેમના સારા ગુણો પર ધ્યાન આપીએ. એનાથી આખું મંડળ શાંતિ અને એકતાના બંધનમાં જોડાય રહેશે.—એફે. ૪:૩.

પાઉલે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરી

૧૨. આપણાં ભાઈ-બહેનો પર કેવી મુશ્કેલીઓ આવે છે?

૧૨ ભાઈ-બહેનોને મક્કમ કરવાની બીજી રીત કઈ છે? યહોવા પર તેઓની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરીએ. આજે ઘણાં ભાઈ-બહેનોનાં સગાં અથવા તેઓની સાથે કામ કરતા લોકો કે પછી સાથે ભણતા લોકો તેઓની મજાક ઉડાવે છે. તેઓને ખરી-ખોટી સંભળાવે છે. અમુક ભાઈ-બહેનો મોટી બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. અમુકનાં દિલને ઠેસ પહોંચી છે એટલે તેઓ દુઃખી છે. કેટલાંક ભાઈ-બહેનો લાંબા સમયથી યહોવાની ભક્તિ કરે છે, વર્ષોથી અંતની રાહ જોઈ રહ્યાં છે. એ કારણોને લીધે કદાચ તેઓની શ્રદ્ધા નબળી પડી જાય. પહેલી સદીના ખ્રિસ્તીઓ પર પણ એના જેવી મુશ્કેલીઓ આવી હતી. પાઉલે તેઓની શ્રદ્ધા મજબૂત કરવા શું કર્યું?

પ્રેરિત પાઉલની જેમ આપણે કઈ રીતે બીજાઓને મક્કમ કરી શકીએ? (ફકરા ૧૩ જુઓ) *

૧૩. જે ભાઈ-બહેનોની મજાક ઉડાવવામાં આવતી હતી, તેઓની શ્રદ્ધા પાઉલે કઈ રીતે મજબૂત કરી?

૧૩ પાઉલે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા શાસ્ત્રનો ઉપયોગ કર્યો. અમુક યહૂદી ખ્રિસ્તીઓને સગાઓ કદાચ મહેણાં મારતા હશે, “આપણો ધર્મ તો કેટલો જૂનો છે. તો પછી ખ્રિસ્તી બનવાની શું જરૂર હતી!” સગાં-વહાલાંને શું જવાબ આપવો એ કદાચ ભાઈ-બહેનોને સમજાતું નહિ હોય. પણ પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાંથી તેઓની શ્રદ્ધા મજબૂત થઈ હશે. (હિબ્રૂ. ૧:૫, ૬; ૨:૨, ૩; ૯:૨૪, ૨૫) પાઉલે એ પત્રમાં સરસ કારણો આપીને સમજાવ્યું હતું. એ કારણોનો ઉપયોગ કરીને ભાઈ-બહેનો પોતાનાં સગાઓ સાથે સારી રીતે વાત કરી શક્યાં હશે. આજે પણ ઘણાં ભાઈ-બહેનોની મજાક ઉડાવવામાં આવે છે. તેઓને ખરી-ખોટી સંભળાવવામાં આવે છે. પાઉલની જેમ આપણે પણ ભાઈ-બહેનોને મદદ કરી શકીએ, જેથી તેઓ સાહિત્યનો ઉપયોગ કરીને બીજાઓને સમજાવી શકે. આજે આપણા ઘણા યુવાનોને કદાચ સ્કૂલમાં ચીડવવામાં આવતા હોય. કેમ કે તેઓ તહેવારો કે જન્મદિવસ ઉજવતા નથી. તેઓ કેમ એ નથી ઉજવતા એના વિશે બીજાઓને સમજાવવા આપણે તેઓને મદદ કરી શકીએ. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૪૪ની માહિતીને આધારે તેઓને મદદ કરી શકીએ.

પ્રેરિત પાઉલની જેમ આપણે કઈ રીતે બીજાઓને મક્કમ કરી શકીએ? (ફકરા ૧૪ જુઓ) *

૧૪. પાઉલ ખુશખબર ફેલાવવાનાં અને શીખવવાનાં કામમાં વ્યસ્ત હતા તોપણ તેમણે શું કર્યું?

૧૪ પાઉલે ઉત્તેજન આપ્યું કે ભાઈ-બહેનો “સારાં કામો” કરીને એકબીજાને પ્રેમ બતાવે. (હિબ્રૂ. ૧૦:૨૪) પાઉલે પોતાના શબ્દોની સાથે સાથે કામોથી પણ ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરી. દાખલા તરીકે, એક વખતે યહૂદિયામાં દુકાળ પડ્યો. પાઉલે ત્યાં રાહતનો સામાન પહોંચાડીને ભાઈ-બહેનોને મદદ કરી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) પાઉલ ખુશખબર ફેલાવવાનાં અને શીખવવાનાં કામમાં ઘણા વ્યસ્ત હતા. તોપણ જે ભાઈ-બહેનોને જરૂર હતી, તેઓને મદદ કરવા તે હંમેશાં આગળ આવતા. (ગલા. ૨:૧૦) આમ તેમણે ભાઈ-બહેનોનો ભરોસો મક્કમ કર્યો કે યહોવા હંમેશાં તેઓની સંભાળ રાખશે. આજે આપણે પણ રાહતકામમાં ભાગ લઈએ છીએ. પોતાની આવડત અને સમય-શક્તિનો ઉપયોગ કરીએ છીએ. એમ કરીને આપણે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરીએ છીએ. દુનિયા ફરતે ચાલી રહેલાં કામ માટે દાન આપીને અને બીજી અનેક રીતે આપણે ભાઈ-બહેનોની મદદ કરીએ છીએ. એનાથી તેઓને ભરોસો અપાવીએ છીએ કે યહોવા તેઓનો સાથ કદી નહિ છોડે.

પ્રેરિત પાઉલની જેમ આપણે કઈ રીતે બીજાઓને મક્કમ કરી શકીએ? (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫-૧૬. જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ છે, તેઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૫ જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ હતી તેઓને પાઉલે ઉત્તેજન આપ્યું. પાઉલે એવું ન વિચાર્યું કે એ ભાઈ-બહેનોનું કંઈ નહિ થાય. એના બદલે તેમણે તેઓ સાથે પ્રેમ અને કોમળતાથી વાત કરી. (હિબ્રૂ. ૬:૯; ૧૦:૩૯) તેમણે હિબ્રૂઓને પત્ર લખ્યો ત્યારે એમાં સલાહ આપતી વખતે ઘણી વાર “આપણે” શબ્દનો ઉપયોગ કર્યો. તે કહેવા માંગતા હતા કે એ સલાહ જેટલી ભાઈ-બહેનોને લાગુ પડે છે, એટલી જ તેમને પણ લાગુ પડે છે. (હિબ્રૂ. ૨:૧, ૩) આમ તેમણે ભાઈ-બહેનોને નીચાં ન ગણ્યાં. પાઉલની જેમ આપણે પણ એવાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ, જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ છે. તેઓ સાથે સમય વિતાવીએ, વાત કરીએ. એમ કરીને આપણે તેઓને પ્રેમ બતાવીએ છીએ. તેઓ સાથે કઈ રીતે વાત કરીએ છીએ, એના પર પણ ધ્યાન આપીએ. આપણે પ્રેમ અને કોમળતાથી વાત કરીશું તો ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત થશે.

૧૬ પાઉલે ભાઈ-બહેનોને ભરોસો અપાવ્યો કે તેઓએ યહોવા માટે જે કર્યું છે એ બધું યહોવાને યાદ છે. જે મહેનત કરી છે, જે સારાં કામો કર્યાં છે, એ યહોવા ક્યારેય નહિ ભૂલે. (હિબ્રૂ. ૧૦:૩૨-૩૪) આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેનની શ્રદ્ધા નબળી પડી ગઈ છે તો શું કરી શકીએ? આપણે તેમને આવું કંઈક પૂછી શકીએ: “યહોવા વિશે શીખતી વખતે કઈ વાત તમારા દિલને સ્પર્શી ગઈ? તમે કઈ રીતે યહોવાના સાક્ષી બન્યા?” મુશ્કેલીમાં યહોવાએ તેમને મદદ કરી હોય એવો કોઈ કિસ્સો જણાવવાનું પણ કહી શકીએ. તેમને ભરોસો અપાવીએ કે યહોવા માટે તેમણે જે કંઈ કર્યું છે, એ બધું યહોવાને યાદ છે. તે ક્યારેય તેમનો સાથ નહિ છોડે. (હિબ્રૂ. ૬:૧૦; ૧૩:૫, ૬) આવી વાતચીતથી તેમની શ્રદ્ધા મજબૂત થઈ શકે છે. યહોવાની ભક્તિ માટે તેમનો જોશ ફરી જાગી શકે છે.

“એકબીજાને ઉત્તેજન આપતા રહો”

૧૭. આપણે શું કરતા રહેવું જોઈએ?

૧૭ બાંધકામ કરનાર વ્યક્તિ પોતાની આવડત નિખારવા મહેનત કરતી રહે છે. એવી જ રીતે આપણે પણ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા અને મક્કમ કરવા મહેનત કરતા રહીએ. કસોટીઓ સહેતાં ભાઈ-બહેનોને આપણે મદદ કરીએ. તેઓને એવા ભક્તો વિશે જણાવી શકીએ, જેઓ મુશ્કેલીઓમાં યહોવાને વફાદાર રહ્યા. આપણે દિલ ખોલીને ભાઈ-બહેનોના વખાણ કરીએ. પોતાનો કક્કો ખરો કરવાને બદલે બીજાઓનું સાંભળીએ. જો કોઈની સાથે અણબનાવ કે બોલાચાલી થાય તો તેમને માફ કરીએ. એનાથી મંડળમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે. આપણે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરવા તેઓ સાથે બાઇબલ અને સાહિત્યમાંથી વાતચીત કરીએ. તેઓને જરૂર હોય ત્યારે મદદ કરીએ. જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ હોય તેઓને ઉત્તેજન આપીએ અને જોશ વધારીએ.

૧૮. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?

૧૮ બાંધકામમાં ભાગ લઈને ભાઈ-બહેનોને ઘણી ખુશી મળે છે. એવી જ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપીને અને તેઓને મક્કમ કરીને આપણને સારું લાગે છે, ઘણી ખુશી મળે છે. ભલે એક બિલ્ડિંગ કે મકાન કેટલું પણ મજબૂત હોય, એક સમયે એ જર્જરિત થઈ જાય અને કદાચ ધસી પડે. પણ ભાઈ-બહેનોને મક્કમ કરતા રહીશું, શ્રદ્ધામાં મજબૂત કરતા રહીશું તો તેઓને યુગોના યુગો સુધી ફાયદો થશે! તો ચાલો આપણે ‘એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને એકબીજાને મક્કમ કરતા રહીએ.’—૧ થેસ્સા. ૫:૧૧.

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

^ આ દુનિયામાં એક એક દિવસ કાઢવો બહુ અઘરું થઈ ગયું છે. આજે ભાઈ-બહેનો ઘણી મુશ્કેલીઓ અને કસોટીઓનો સામનો કરે છે. આપણે તેઓને ઉત્તેજન આપતા રહીશું તો તેઓ એ કસોટીઓનો સામનો કરી શકશે. આ લેખમાં જોઈશું કે પ્રેરિત પાઉલે કઈ રીતે ભાઈ-બહેનોને મક્કમ કર્યાં. એ પણ જોઈશું કે તેમની પાસેથી આપણે શું શીખી શકીએ.

^ ચિત્રની સમજ: એક પિતા પોતાની દીકરી સાથે વાત કરે છે. તે ક્રિસમસ ઊજવતી નથી એ વિશે બીજાઓને સમજાવવા, પિતા આપણાં સાહિત્યમાંથી તેને મદદ કરે છે.

^ ચિત્રની સમજ: એક પતિ-પત્ની રાહતકામમાં ભાગ લેવા પોતાના ઘરેથી દૂર બીજી જગ્યાએ ગયાં છે.

^ ચિત્રની સમજ: એક વડીલ એવા ભાઈને મળવા ગયા છે જેમની શ્રદ્ધા નબળી પડી ગઈ છે. તે એ ભાઈને પાયોનિયર સેવા શાળાના ફોટા બતાવે છે. તેઓ વર્ષો પહેલાં એ શાળામાં સાથે ગયા હતા. ભાઈને ફરીથી યહોવાની ભક્તિ પૂરા જોશથી કરવાની ઇચ્છા થાય છે. થોડા સમય પછી તે મંડળમાં પાછા આવે છે.