અભ્યાસ લેખ ૩૨
યુવાનો, યહોવાની ભક્તિમાં આગળ વધતા રહો
‘સર્વ વાતોમાં પ્રેમથી પ્રેરાઈને વધતા જઈએ.’—એફે. ૪:૧૫.
ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ
ઝલક *
૧. ઘણા યુવાનોએ શું કર્યું છે?
દર વર્ષે ૧૩થી ૧૯ વર્ષના હજારો યુવાનો બાપ્તિસ્મા લે છે. શું તમે બાપ્તિસ્મા લીધું છે? જો એમ હોય તો તમારા એ નિર્ણયથી ભાઈ-બહેનો અને યહોવા ખૂબ ખુશ છે. (નીતિ. ૨૭:૧૧) યાદ કરો, તમે અત્યાર સુધી કેટલી મહેનત કરી છે. તમે કદાચ અનેક વર્ષો સુધી બાઇબલનો સરસ અભ્યાસ કર્યો. તમને ખાતરી થઈ કે યહોવાએ જ બાઇબલ લખાવ્યું છે. સૌથી મહત્ત્વનું તો, તમે યહોવાને ઓળખવા લાગ્યા. તેમને પ્રેમ કરવા લાગ્યા. તેમના માટે તમારો પ્રેમ વધતો ગયો. એટલે તમે સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું અને યહોવાના ભક્ત બન્યા. તમને જોઈને અમને બહુ ગર્વ થાય છે!
૨. આ લેખમાં આપણે શું જોઈશું?
૨ બાપ્તિસ્મા પહેલાં તમારી સામે ઘણી મુશ્કેલીઓ આવી હશે. એ સમયે યહોવાને વફાદાર રહેવું અઘરું લાગ્યું હશે. પણ તમે મોટા થતા જશો તેમ તમારી આગળ વધારે મુશ્કેલીઓ આવતી જશે. શેતાન ચાહે છે કે તમે યહોવાને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું છોડી દો. (એફે. ૪:૧૪) જોજો, એવું થવા ન દેતા. તમે યહોવાને સમર્પણ કર્યું ત્યારે એક વચન આપ્યું હતું. એ હતું કે તમે તેમને હંમેશાં વફાદાર રહેશો. એ વચન નિભાવવા તમે શું કરી શકો? તમે ‘પ્રગતિ કરતા રહેજો,’ ભક્તિમાં આગળ વધતા રહેજો. (હિબ્રૂ. ૬:૧) ચાલો જોઈએ કે તમે એવું કઈ રીતે કરી શકો.
આગળ વધતા રહેવા તમે શું કરી શકો?
૩. બાપ્તિસ્મા પછી આપણે બધાએ શું કરતા રહેવાનું છે?
૩ પ્રેરિત પાઉલે એફેસસનાં ભાઈ-બહેનોને એક સરસ સલાહ આપી હતી. બાપ્તિસ્મા પછી આપણે બધાએ એ સલાહ પાળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે એ ભાઈ-બહેનો ‘પૂરેપૂરી વૃદ્ધિ પામે,’ એટલે કે પરિપક્વ બને. (એફે. ૪:૧૩) તે કહેવા માંગતા હતા કે તેઓ ભક્તિમાં આગળ વધતાં રહે. એ સમજાવવા પાઉલે બાળકનો દાખલો આપ્યો. બાળકના જન્મથી મમ્મી-પપ્પા ખૂબ હરખાય છે. પણ જો એ બાળક મોટું જ ન થાય તો? તેણે એક દિવસે તો “બાળકની જેમ વર્તવાનું” છોડીને મોટા થવું પડશે. (૧ કોરીં. ૧૩:૧૧) એવી જ રીતે બાપ્તિસ્મા પછી આપણે અટકી જવાનું નથી, પણ ભક્તિમાં આગળ વધતા રહેવાનું છે. કઈ રીતે? ચાલો અમુક સૂચનો જોઈએ.
૪. ભક્તિમાં આગળ વધતા રહેવા કયો ગુણ મદદ કરશે? સમજાવો. (ફિલિપીઓ ૧:૯)
૪ યહોવાને વધારે ને વધારે પ્રેમ કરો. એવું નથી કે તમે યહોવાને પ્રેમ નથી કરતા. પણ તમે તેમના માટેનો પ્રેમ હજુ વધારી શકો છો. પ્રેરિત પાઉલ ચાહતા હતા કે ફિલિપીનાં ભાઈ-બહેનોનો યહોવા માટેનો પ્રેમ “વધતો ને વધતો જાય.” એ ગુણ કેળવવાની એક રીત ફિલિપીઓ ૧:૯માં આપી છે. (વાંચો.) એ છે કે ‘સાચું જ્ઞાન અને પૂરી સમજણ’ મેળવીએ. યહોવાને વધારે ઓળખતા જઈશું તેમ તેમને વધારે પ્રેમ કરી શકીશું. આપણે જોઈ શકીશું કે તેમનામાં સારા સારા ગુણો છે. તેમની કામ કરવાની રીત અદ્ભુત છે. આપણને પણ એવાં કામ કરવાનું મન થશે, જેનાથી યહોવા ખુશ થાય છે. આપણે ધ્યાન રાખીશું કે તેમને દુઃખી ન કરીએ. હંમેશાં પહેલા એ વિચારીશું કે યહોવાને શું ગમે છે. પછી એમ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું.
૫-૬. યહોવા માટેનો પ્રેમ વધારતા રહેવા શું કરી શકીએ? સમજાવો.
૫ યહોવાને પ્રેમ કરતા રહેવા તેમને સારી રીતે ઓળખવા ખૂબ જરૂરી છે. એમ કરવાની એક રીત છે, તેમના દીકરા ઈસુને ઓળખીએ. (હિબ્રૂ. ૧:૩) આપણે ખુશખબરનાં ચાર પુસ્તકો વાંચી શકીએ: માથ્થી, માર્ક, લૂક, યોહાન. જો તમને રોજ બાઇબલ વાંચવાની આદત ન હોય, તો એ પુસ્તકોથી શરૂઆત કરી શકો. આ રીતે રોજ બાઇબલ વાંચવાની આદત પાડી શકો. ઈસુ વિશે વાંચો ત્યારે તેમના સુંદર ગુણો પર ધ્યાન આપો. તે લોકો સાથે કઈ રીતે વર્તતા હતા એના પર ધ્યાન આપો. લોકો ઈસુ પાસે અચકાયા વગર જતા. અરે, બાળકો પણ તેમની પાસે દોડી આવતા અને ઈસુ તેઓને પ્રેમથી ભેટી પડતા. (માર્ક ૧૦:૧૩-૧૬) ઈસુના શિષ્યો પણ ડર્યા વગર, દિલ ખોલીને તેમની સાથે વાત કરી શકતા. (માથ. ૧૬:૨૨) ઈસુ કેમ એવા હતા? કેમ કે તે આબેહૂબ તેમના પિતા યહોવા જેવા હતા. આપણે પણ યહોવા પાસે અચકાયા વગર જઈ શકીએ છીએ. તેમની સાથે દિલની બધી વાત શૅર કરી શકીએ છીએ. ક્યારેય એવું ન ધારી લઈએ કે ‘હું કંઈક કહીશ તો યહોવા મારા વિશે શું વિચારશે?’ યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. તે આપણી સંભાળ રાખે છે.—૧ પિત. ૫:૭.
૬ ઈસુ લોકોનું દુઃખ જોઈને દુઃખી થતા હતા. તે તેઓને મદદ કરવા માંગતા હતા. એ વિશે માથ્થીના પુસ્તકમાં લખ્યું છે: “લોકોનાં ટોળાં જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ હેરાન થયેલા અને નિરાધાર હતા.” (માથ. ૯:૩૬) યહોવાને લોકો વિશે કેવું લાગે છે? ઈસુએ જણાવ્યું: “મારા સ્વર્ગમાંના પિતાને જરાય પસંદ નથી કે આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય.” (માથ. ૧૮:૧૪) એ સાંભળીને આપણને બહુ સારું લાગે છે, હેને! આપણે ઈસુને સારી રીતે ઓળખતા જઈશું તેમ યહોવા માટેનો પ્રેમ વધતો જશે.
૭. અનુભવી ભાઈ-બહેનો સાથે સમય વિતાવવાથી શું ફાયદો થશે?
૭ યહોવાને દિલથી પ્રેમ કરવા અને ભક્તિમાં આગળ વધવા તમે બીજું શું કરી શકો? મંડળનાં અનુભવી ભાઈ-બહેનો સાથે સમય વિતાવો. તેઓને સારી રીતે ઓળખો. ધ્યાન આપો કે તેઓ કેટલાં ખુશ છે. યહોવાની ભક્તિ કરવાનો તેઓએ નિર્ણય લીધો છે, એનો તેઓને જરાય અફસોસ નથી. યહોવાની સેવામાં તેઓને ઘણા સારા અનુભવો થયા હશે. એ વિશે તેઓને પૂછો. તમારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, તો તેઓની સલાહ લઈ શકો. બાઇબલમાં લખ્યું છે: “ઘણા સલાહકાર હોય તો સફળતા મળે છે.”—નીતિ. ૧૧:૧૪.
૮. તમને બાઇબલની વાતો પર શંકા થાય તો તમે શું કરી શકો?
૮ શંકા દૂર કરવા પ્રયત્ન કરો. બીજા ફકરામાં જોઈ ગયા કે શેતાન શું ચાહે છે. એ જ કે તમારી શ્રદ્ધા નબળી પડી જાય. તમે યહોવાથી દૂર થઈ જાઓ. તે અલગ અલગ પેંતરા અજમાવે છે. બાઇબલની વાતો સાચી છે કે નહિ એ વિશે તે કદાચ તમારાં મનમાં શંકાનાં બી રોપે. ચાલો જોઈએ કે તે શું કરી શકે. બાઇબલમાં જણાવ્યું છે કે બધું ઈશ્વરે બનાવ્યું છે. પણ કદાચ અમુક લોકો તમને ભરોસો અપાવવાની કોશિશ કરે કે બધું આપોઆપ આવી ગયું છે, કોઈ ઈશ્વર નથી. તમે નાના હતા ત્યારે એ વિશે વધારે વિચાર્યું નહિ હોય. પણ હવે કદાચ સ્કૂલમાં તમને એ વિશે શીખવવામાં આવે. ટીચર પણ એ રીતે શીખવે કે તમને થાય, ‘ટીચર જે કહે છે, એ તો સાચું લાગે છે.’ પણ શું ટીચરે એવા કોઈ પુરાવા તપાસ્યા છે જેનાથી ખબર પડે કે કોઈ સર્જનહાર છે? નીતિવચનો ૧૮:૧૭માં લખ્યું છે: “અદાલતમાં જે માણસ પહેલો બોલે છે, તે સાચો લાગે છે, પણ જ્યારે બીજો આવીને સવાલો પૂછે છે, ત્યારે હકીકત બહાર આવે છે.” એટલે તમને સ્કૂલમાં જે કંઈ શીખવવામાં આવે, એને બસ આંખ બંધ કરીને માની ન લેતા. એના પુરાવા તપાસજો. બાઇબલમાં અને સાહિત્યમાં એ વિશે સંશોધન કરજો. તમે એવાં ભાઈ-બહેનો સાથે વાત કરી શકો, જેઓ પહેલાં એવું માનતાં હતાં કે બધું આપોઆપ આવી ગયું. * તમે તેઓને આ સવાલ પૂછી શકો, “તમને કઈ રીતે ખાતરી થઈ કે એક પ્રેમાળ ઈશ્વર છે, જેમણે બધું જ બનાવ્યું છે?” એનાથી તમને પુરાવા મળશે કે સાચે જ એક સર્જનહાર છે.
૯. મેલીસ્સા પાસેથી તમે શું શીખી શકો?
૯ ચાલો મેલીસ્સાનો દાખલો જોઈએ. * તેના મનમાં સવાલ હતો કે ‘બધું આપોઆપ આવી ગયું કે કોઈએ એને બનાવ્યું છે?’ તેણે સંશોધન કર્યું. પછી તેની શંકા દૂર થઈ. તે કહે છે: “સ્કૂલમાં ટીચર ઉત્ક્રાંતિ વિશે એવી રીતે શીખવે છે કે એકદમ સાચું લાગે. શરૂ શરૂમાં મારે કંઈ સંશોધન ન’તું કરવું. કેમ કે મને ડર હતો કે ઈશ્વરે બધું બનાવ્યું છે એવા પુરાવા નહિ મળે તો? પણ યહોવા એવું નથી ચાહતા કે આપણે આમ જ કોઈ પણ વાત માની લઈએ. તે ચાહે છે કે આપણે પુરાવા તપાસીએ. એટલે મેં ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? પુસ્તક વાંચ્યું. વોઝ લાઈફ ક્રિએટેડ? અને ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ મોટી પુસ્તિકાઓ પણ વાંચી. એનાથી મારી બધી શંકા દૂર થઈ ગઈ. કાશ મેં પહેલાં એ બધું વાંચ્યું હોત!”
૧૦-૧૧. તમે કઈ રીતે ખોટાં કામોથી દૂર રહી શકો? (૧ થેસ્સાલોનિકીઓ ૪:૩, ૪)
૧૦ ખોટાં કામોથી દૂર રહો. તરુણોની ઉંમર વધતી જાય છે તેમ તેઓમાં જાતીય ઇચ્છાઓ પણ વધતી જાય છે. દુનિયાના લોકો કહે છે કે લગ્ન પહેલાં સેક્સ માણવું કંઈ ખોટું નથી. તેઓ કદાચ તમને પણ એવું કરવાનું કહે. શેતાન એવું જ ચાહે છે કે તમારી ઇચ્છાઓ તમારા પર હાવી થઈ જાય અને તમે ખોટું પગલું ભરો. પણ તમે કઈ રીતે ખોટાં કામોથી દૂર રહી શકો? (૧ થેસ્સાલોનિકીઓ ૪:૩, ૪ વાંચો.) યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. તમારાં મનમાં જે ચાલી રહ્યું છે એ બધું તેમને કહી દો. તમારી ઇચ્છાઓ કાબૂમાં રાખવા તેમને કાલાવાલા કરો. (માથ. ૬:૧૩) એવું ન વિચારો કે તે તમને સજા કરશે. તે તો તમને મદદ કરવા માંગે છે. યહોવા તમારા દોસ્ત છે, દુશ્મન નહિ. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) બાઇબલ વાંચવાથી પણ તમને ઘણી મદદ મળશે. મેલીસ્સાને પણ ખોટા વિચારો કાબૂમાં રાખવા અઘરું લાગતું હતું. તે કહે છે: “રોજ બાઇબલ વાંચવાથી મને ઘણો ફાયદો થયો. મને એ યાદ રાખવા મદદ મળી કે મેં યહોવાને મારું જીવન સમર્પણ કર્યું છે અને મારે યહોવાને ખુશ કરવા છે.”—ગીત. ૧૧૯:૯.
૧૧ એવું ના વિચારતા કે મુશ્કેલીઓનો હલ તમારે જાતે જ લાવવાનો છે. તમે મમ્મી-પપ્પા સાથે વાત કરી શકો. તેઓ સાથે આવા વિષયો પર વાત કરવી તમને કદાચ અઘરું લાગે. પણ તેઓ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. મેલીસ્સા કહે છે: “મેં યહોવા પાસે હિંમત માંગી. પછી મેં પપ્પાને મારા મનના બધા વિચારો જણાવ્યા. તેમની સાથે વાત કરીને મારું મન હળવું થઈ ગયું. હું જાણતી’તી કે યહોવાને પણ મારા પર ગર્વ થતો હશે.”
૧૨. તમે કઈ રીતે સારા નિર્ણય લઈ શકો?
૧૨ બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લો. તમે નાના હતા ત્યારે મમ્મી-પપ્પા કહેતાં કે તમારે શું કરવું જોઈએ. પણ મોટા થતા જશો તેમ તમારે જાતે નિર્ણય લેવા પડશે. જોકે તમને જીવનનો એટલો અનુભવ નથી. તો પછી તમે કઈ રીતે સારા નિર્ણય લઈ શકો, જેથી યહોવા સાથેની તમારી દોસ્તી ન તૂટે? (નીતિ. ૨૨:૩) કૅલી જણાવે છે, નિયમો હશે તો જ સારા નિર્ણયો લઈ શકીશું એવું નથી. તે કહે છે: “હું સમજી ગઈ કે સારા નિર્ણયો લેવા મારે દર વખતે એને લગતા નિયમો શોધવા ન બેસી જવું જોઈએ. પણ વિચારવું જોઈએ કે બાઇબલમાં કયા સિદ્ધાંતો આપ્યા છે.” તમે બાઇબલ વાંચો ત્યારે આ સવાલોનો વિચાર કરજો: ‘આ કલમોમાંથી મને યહોવાના વિચારો વિશે શું જાણવા મળ્યું? એમાં એવા કયા સિદ્ધાંત છે, જેને યાદ રાખવાથી હું સારા નિર્ણયો લઈ શકું? એ સિદ્ધાંતો પાળવાથી મને શું ફાયદો થશે?’ (ગીત. ૧૯:૭; યશા. ૪૮:૧૭, ૧૮) તમે બાઇબલ વાંચો ત્યારે થોડું અટકો, એમાં આપેલા સિદ્ધાંતો પર વિચાર કરો. પછી સારા નિર્ણય લેવા તમારા માટે સહેલું થઈ જશે અને યહોવાને ખુશ કરી શકશો. એક વાર સિદ્ધાંત સમજી જશો પછી દર વખતે તમારે કોઈ નિયમ શોધવાની જરૂર નહિ પડે. તમને ખબર હશે કે યહોવા શું વિચારે છે. એટલે તમે સારા નિર્ણય લઈ શકશો.
૧૩. સારા દોસ્તોની આપણા પર કેવી અસર પડે છે? (નીતિવચનો ૧૩:૨૦)
૧૩ યહોવાના દોસ્તો સાથે દોસ્તી કરો. જેવો સંગ તેવો રંગ. ફકરા ૭માં જોઈ ગયા તેમ, અનુભવી ભાઈ-બહેનો સાથે દોસ્તી કરશો તો યહોવાની ભક્તિમાં આગળ વધી શકશો. (નીતિવચનો ૧૩:૨૦ વાંચો.) સારાહને એક સમયે યહોવાની ભક્તિમાં પહેલાં જેટલી મજા ન’તી આવતી. તેને ક્યાંથી મદદ મળી? તે કહે છે: “મને ખરા સમયે સારા દોસ્તો મળ્યા. મારી એક બહેનપણી દર અઠવાડિયે મારી સાથે ચોકીબુરજની તૈયારી કરતી. બીજી એક બહેનપણીએ મને સભામાં જવાબ આપવા મદદ કરી. મારા દોસ્તોને લીધે હું બાઇબલનો ઊંડો અભ્યાસ અને સારી રીતે પ્રાર્થના કરવા લાગી. યહોવા સાથે મારી દોસ્તી પાકી થઈ. તેમની ભક્તિમાં મને મજા આવવા લાગી.”
૧૪. જુલિયન કઈ રીતે સારા દોસ્તો બનાવી શક્યો?
૧૪ તમે કઈ રીતે સારા દોસ્તો બનાવી શકો? જુલિયન એક વડીલ છે. તે કહે છે: “હું નાનો હતો ત્યારે અલગ અલગ ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જતો. તેઓની સાથે મારી સારી એવી દોસ્તી થઈ ગઈ. તેઓનો જોશ ગજબનો હતો! તેઓ સાથે મને પણ પ્રચારમાં મજા આવવા લાગી. મેં નક્કી કર્યું કે હું મોટો થઈને પૂરા સમયની સેવા કરીશ. પહેલાં હું મારી ઉંમરના હોય તેઓ સાથે જ દોસ્તી કરતો. પણ મને ખબર પડી કે મોટા લોકો પણ મારા સારા દોસ્ત બની શકે છે. પછી હું બેથેલ આવ્યો. અહીંયા પણ મને સારા દોસ્તો મળ્યા. તેઓ પાસેથી હું મનોરંજનની પસંદગી વધારે સમજી-વિચારીને કરવાનું શીખ્યો. એનાથી યહોવા સાથે મારી દોસ્તી વધારે પાકી થઈ.”
૧૫. પાઉલે તિમોથીને કઈ ચેતવણી આપી? (૨ તિમોથી ૨:૨૦-૨૨)
૧૫ આપણે એવા દોસ્ત બનાવવા માંગીએ છીએ, જેઓનો યહોવા સાથે પાકો સંબંધ હોય. એટલે મંડળમાં પણ સમજી-વિચારીને દોસ્તો પસંદ કરવા જોઈએ. પહેલી સદીના મંડળમાં એવા અમુક લોકો હતા, જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો હતો. તેઓ બસ નામ પૂરતી જ ભક્તિ કરતા. એટલે પાઉલે તિમોથીને એવા લોકોથી દૂર રહેવાની ચેતવણી આપી. (૨ તિમોથી ૨:૨૦-૨૨ વાંચો.) યહોવા સાથેનો તમારો સંબંધ બહુ કીમતી છે. તમે યહોવા સાથે પાકી દોસ્તી કરવા ખૂબ મહેનત કરી છે. એટલે એવા કોઈની સાથે દોસ્તી ન કરી બેસતા, જેના લીધે એ સંબંધ નબળો પડી જાય. યહોવા અને તમારી વચ્ચે કોઈને આવવા ન દેતા!—ગીત. ૨૬:૪.
ધ્યેય રાખો, ભક્તિમાં આગળ વધતા રહો
૧૬. તમે કેવા ધ્યેય રાખી શકો?
૧૬ ધ્યેય રાખો. તમે એવા ધ્યેય રાખજો જેનાથી તમારી શ્રદ્ધા વધે અને તમે ભક્તિમાં આગળ વધી શકો. (એફે. ૩:૧૬) જેમ કે, તમે રોજ બાઇબલ વાંચવાની અને નિયમિત ઊંડો અભ્યાસ કરવાની આદત પાડી શકો. (ગીત. ૧:૨, ૩) તમે દિલથી પ્રાર્થના કરવાનો ધ્યેય રાખી શકો. અવાર-નવાર પ્રાર્થના કરવાની કોશિશ કરી શકો. તમે કેવું મનોરંજન પસંદ કરો છો, કેવી બાબતોમાં તમારો સમય જાય છે એના પર વધારે ધ્યાન આપી શકો. (એફે. ૫:૧૫, ૧૬) તમે ભક્તિમાં આગળ વધવા ખૂબ મહેનત કરો છો. તમને જોઈને યહોવાનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે!
૧૭. બીજાઓને મદદ કરવાથી તમને કેવા ફાયદા થશે?
૧૭ તમે બીજાઓને મદદ કરીને પણ ભક્તિમાં આગળ વધી શકો છો. ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) તમે હમણાં યુવાન છો. તમારાં સમય-શક્તિ બીજાઓ માટે ખર્ચશો તો તમને ઘણી ખુશી મળશે. જેમ કે, તમે વૃદ્ધ અને બીમાર ભાઈ-બહેનોને મદદ કરવાનો ધ્યેય રાખી શકો. તેઓને બજારથી કંઈ જોઈતું હોય તો એ લાવી આપી શકો. તેઓને કોમ્પ્યુટર કે ફોન વાપરવાનું શીખવી શકો. યુવાન ભાઈઓ સહાયક સેવક બનવાનો ધ્યેય રાખી શકે. કેમ કે એનાથી તેઓ મંડળનાં ભાઈ-બહેનોને વધારે મદદ કરી શકશે. (ફિલિ. ૨:૪) તમે ખુશખબર ફેલાવીને બીજા લોકોને મદદ કરી શકો. (માથ. ૯:૩૬, ૩૭) બની શકે તો પૂરા સમયની સેવા કરવાનો પણ ધ્યેય રાખી શકો.
૧૮. ભક્તિમાં આગળ વધવા પૂરા સમયની સેવા કઈ રીતે મદદ કરી શકે?
૧૮ પૂરા સમયની સેવા કરવાથી તમને યહોવાની સેવામાં વધારે કરવાની તક મળશે. તમે યહોવાની વધારે નજીક જઈ શકશો. તમે ભક્તિમાં આગળ વધી શકશો. પાયોનિયરીંગ કરવાથી તમને રાજ્ય પ્રચારકો માટે શાળામાં જવાનો, બેથેલ કે બાંધકામ વિભાગમાં સેવા આપવાનો લહાવો મળી શકે. ૨૧ વર્ષની કૅથલીન પાયોનિયર છે. તે કહે છે: “બાપ્તિસ્મા પછી હું અનુભવી ભાઈ-બહેનો સાથે પ્રચારમાં વધારે સમય વિતાવવા લાગી. એનાથી યહોવા સાથે મારી દોસ્તી પાકી થઈ. તેઓને જોઈને મને પણ મન થયું કે હું બાઇબલનો ઊંડો અભ્યાસ કરું અને બીજાઓને સારી રીતે શીખવું.”
૧૯. ભક્તિમાં આગળ વધતા જશો તેમ તમને કેવા આશીર્વાદ મળશે?
૧૯ યહોવા સાથે તમારો સંબંધ મજબૂત થતો જશે અને તમે ભક્તિમાં આગળ વધતા જશો તેમ યહોવા તમારા પર આશીર્વાદો વરસાવશે. તમને કેવા આશીર્વાદ મળશે? યુવાનીનો તમારો કીમતી સમય દુનિયામાં બરબાદ થવાને બદલે સારા કામમાં વપરાશે. (૧ યોહા. ૨:૧૭) તમે ખોટા નિર્ણયો લેવાથી બચી જશો અને તમને કોઈ વાતનો અફસોસ નહિ હોય. તમે સારા નિર્ણય લઈ શકશો અને ખુશ રહેશો. (નીતિ. ૧૬:૩) તમારો સારો દાખલો જોઈને મંડળનાં ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળશે. (૧ તિમો. ૪:૧૨) સૌથી મહત્ત્વનું તો, તમને એ વાતની ખુશી હશે કે યહોવા સાથે તમારો મજબૂત સંબંધ છે અને તમે તેમનાં વહાલાં બાળકો છો.—નીતિ. ૨૩:૧૫, ૧૬.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
^ યુવાનો અને ખાસ કરીને તરુણો બાપ્તિસ્મા લે છે ત્યારે યહોવાના બધા ભક્તોનું દિલ આનંદથી છલકાઈ જાય છે. પણ બાપ્તિસ્મા તો પહેલું પગથિયું છે. તેઓએ ભક્તિમાં આગળ વધતા રહેવું જોઈએ. એનાથી તેઓને અને આખા મંડળને ફાયદો થાય છે. આ લેખમાં શીખીશું કે બાપ્તિસ્માને થોડો જ સમય થયો હોય, એવા યુવાનો ભક્તિમાં આગળ વધવા શું કરી શકે.
^ jw.org/gu પર આ વિભાગ પણ જુઓ: “જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો.”
^ અમુક નામ બદલ્યાં છે.