અભ્યાસ લેખ ૩૬
જરૂરી બોજો ઊંચકો, બાકીનો ફેંકી દો
“ચાલો, દરેક પ્રકારના બોજાને . . . નાખી દઈએ. ચાલો, ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.”—હિબ્રૂ. ૧૨:૧.
ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ
ઝલક a
૧. હિબ્રૂઓ ૧૨:૧ પ્રમાણે જીવનની દોડ પૂરી કરવા આપણે શું કરવું જોઈએ?
બાઇબલમાં ખ્રિસ્તીઓનાં જીવનની સરખામણી એક દોડ સાથે કરવામાં આવી છે. એ દોડ પૂરી કરનારને ઇનામમાં હંમેશ માટેનું જીવન મળશે. (૨ તિમો. ૪:૭, ૮) આપણે એ દોડમાં દોડતા રહેવા સખત મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને હમણાં એમ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે એ દોડ પૂરી થવાની છે અને આપણે અંતિમ રેખાની ખૂબ જ નજીક છીએ. પ્રેરિત પાઉલે જીવનની દોડ સફળતાથી પૂરી કરી હતી. તેમણે જણાવ્યું કે એ દોડમાં જીતવા આપણને શાનાથી મદદ મળશે. તેમણે કહ્યું હતું: ‘દરેક પ્રકારના બોજાને નાખી દઈએ અને ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.’—હિબ્રૂઓ ૧૨:૧ વાંચો.
૨. દરેક પ્રકારના બોજાને નાખી દઈએ, એનો અર્થ શું થાય?
૨ પાઉલે કહ્યું હતું: ‘દરેક પ્રકારના બોજાને નાખી દેવાની’ જરૂર છે. શું તે એવું કહેવા માંગતા હતા કે ખ્રિસ્તીઓએ કોઈ બોજો ઊંચકવો ન જોઈએ? ના, તેમના કહેવાનો અર્થ એવો ન હતો. તે તો કહેવા માંગતા હતા કે આપણે દરેક પ્રકારના નકામા બોજાને નાખી દેવો જોઈએ. એવો નકામો બોજો આપણને ધીમા પાડી શકે છે અને થકવી નાખી શકે છે. એટલે ધ્યાન આપવાની જરૂર છે કે ક્યાંક આપણે એવો બોજો ઊંચકીને દોડતા ન હોઈએ! જો એમ હોય, તો એ નકામો બોજો નાખી દેવા આપણે તરત પગલાં ભરવાની જરૂર છે. જોકે, અમુક એવો બોજો છે જે આપણે દરેકે ઊંચકવાની જરૂર છે, નહિતર આપણે દોડમાંથી બહાર ફેંકાઈ શકીએ છીએ. (૨ તિમો. ૨:૫) એ બોજો કયો છે?
૩. (ક) ગલાતીઓ ૬:૫ પ્રમાણે આપણે કયો બોજો ઊંચકવો જોઈએ? (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું અને કેમ?
૩ ગલાતીઓ ૬:૫ વાંચો. આ કલમમાં પાઉલે જણાવ્યું કે આપણે કયો બોજો ઊંચકવાની જરૂર છે. તેમણે લખ્યું: “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.” અહીં પાઉલ એવી જવાબદારીઓ વિશે જણાવી રહ્યા છે, જે યહોવા ચાહે છે કે તેમનો દરેક સેવક જાતે ઊંચકે. કોઈ બીજું તેના માટે એમ કરી શકતું નથી. આ લેખમાં જોઈશું કે કયો બોજો આપણે જાતે ઊંચકવાનો છે અને કઈ રીતે એમ કરી શકીએ. એ પણ જોઈશું કે આપણે કદાચ કયો નકામો બોજો ઊંચકતા હોય શકીએ અને કઈ રીતે એને ફેંકી શકીએ. જો પોતાનો બોજો જાતે ઊંચકીશું અને નકામો બોજો ફેંકી દઈશું, તો જીવનની દોડ પૂરી કરવા મદદ મળશે.
આપણે ઊંચકવાનો છે એ બોજો
૪. સમર્પણનું વચન કેમ ભારે બોજો નથી? (ચિત્ર પણ જુઓ.)
૪ સમર્પણનું વચન. યહોવાને પોતાનું જીવન સમર્પિત કરતી વખતે આપણે વચન આપ્યું હતું કે ફક્ત તેમની જ ભક્તિ કરીશું અને તેમની ઇચ્છા પૂરી કરીશું. ખરું કે, સમર્પણના વચન પ્રમાણે જીવવું એક મોટી જવાબદારી છે, પણ એ ભારે બોજો નથી. કેમ કે યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે તેમની ઇચ્છા પૂરી કરીએ. (પ્રકટી. ૪:૧૧) તેમણે આપણામાં એ ઇચ્છા મૂકી છે કે આપણે તેમને ઓળખીએ અને તેમની ભક્તિ કરીએ. તેમણે આપણને તેમના જેવા બનાવ્યા છે, એટલે કે આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. પરિણામે, આપણે તેમની નજીક જઈ શકીએ છીએ અને તેમની ઇચ્છા પૂરી કરવામાં આપણને ખુશી મળે છે. (ગીત. ૪૦:૮) એટલું જ નહિ, ઈશ્વરની ઇચ્છા પૂરી કરીએ છીએ અને તેમના દીકરાના પગલે ચાલીએ છીએ ત્યારે, આપણને “તાજગી” મળે છે.—માથ. ૧૧:૨૮-૩૦.
૫. સમર્પણનું વચન નિભાવવા તમને શાનાથી મદદ મળશે? (૧ યોહાન ૫:૩)
૫ તમે કઈ રીતે એ બોજો ઊંચકી શકો? બે વાત તમારી મદદ કરશે. એક, યહોવા માટેના પ્રેમમાં વધતા જાઓ. એવું કઈ રીતે કરી શકો? વિચારો કે યહોવાએ તમારા માટે શું કર્યું છે અને આગળ જતાં તે તમને કયા આશીર્વાદો આપવાના છે. તમે જેટલો વધારે ઈશ્વરને પ્રેમ કરશો, એટલી જ વધારે તેમની આજ્ઞાઓ પાળવી તમારા માટે સહેલું થઈ જશે. યહોવાની આજ્ઞાઓ તમને ભારે બોજા જેવી નહિ લાગે, જે તમે ઊંચકી ન શકો. (૧ યોહાન ૫:૩ વાંચો.) બીજી, ઈસુના પગલે ચાલો. તે યહોવાની ઇચ્છા પૂરી કરી શક્યા, કેમ કે તેમણે મદદ માટે યહોવાને પ્રાર્થના કરી અને પોતાનું પૂરું ધ્યાન પોતાને મળનાર ઇનામ પર લગાવ્યું. (હિબ્રૂ. ૫:૭; ૧૨:૨) ઈસુની જેમ તમે પણ હિંમત માટે યહોવાને પ્રાર્થના કરો અને હંમેશ માટેના જીવનની આશા પર પોતાનું મન લગાડો. જો તમે યહોવા માટેના પ્રેમમાં વધતા જશો અને તેમના દીકરા ઈસુના પગલે ચાલશો, તો સમર્પણનું વચન નિભાવી શકશો.
૬. આપણે કેમ કુટુંબની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૬ કુટુંબની જવાબદારીઓ. જીવનની દોડમાં દોડતા રહેવા જરૂરી છે કે આપણે સૌથી વધારે પ્રેમ યહોવા અને ઈસુને કરીએ, કુટુંબીજનો કરતાં પણ વધારે પ્રેમ કરીએ. (માથ. ૧૦:૩૭) જોકે, એનો અર્થ એ નથી કે આપણે કુટુંબની જવાબદારીઓથી હાથ ઊંચા કરી દઈએ, જાણે એ યહોવા અને ઈસુને ખુશ કરવામાં આડે આવતી હોય. એને બદલે તેઓને ખુશ કરવા જરૂરી છે કે આપણે પોતાની જવાબદારીઓ નિભાવીએ. (૧ તિમો. ૫:૪, ૮) એમ કરવાથી વધારે ખુશ રહી શકીશું. યહોવા જાણે છે કે જ્યારે કુટુંબમાં દરેક જણ પોતાની જવાબદારી નિભાવે છે, ત્યારે કુટુંબ ખુશખુશાલ બને છે. જેમ કે, જ્યારે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે અને માન આપે છે, જ્યારે મમ્મી-પપ્પા બાળકોને પ્રેમ કરે છે અને તાલીમ આપે છે તેમજ જ્યારે બાળકો મમ્મી-પપ્પાનું કહ્યું કરે છે, ત્યારે કુટુંબમાં ખુશીઓ આવે છે.—એફે. ૫:૩૩; ૬:૧, ૪.
૭. તમે કઈ રીતે કુટુંબમાં તમારી જવાબદારી નિભાવી શકો?
૭ તમે કઈ રીતે એ બોજો ઊંચકી શકો? ભરોસો રાખો કે બાઇબલમાં પતિ-પત્ની, મમ્મી-પપ્પા અને બાળકો માટે જે સરસ સલાહ આપવામાં આવી છે, એ પાળવાથી હંમેશાં ભલું થાય છે. (નીતિ. ૨૪:૩, ૪) આજે મોટા ભાગના લોકો પોતાને જે ઠીક લાગે એ કરે છે અથવા આજુબાજુના લોકો જે કરતા હોય એ કરે છે. અથવા તેઓ મોટા મોટા સલાહકારોની વાત માને છે. પણ તેઓનું આંધળું અનુકરણ કરવાને બદલે બાઇબલની સલાહ માનો. બાઇબલ આધારિત સાહિત્યનો ઉપયોગ કરો. એમાં સરસ રીતે સમજાવવામાં આવે છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા. દાખલા તરીકે, “કુટુંબ માટે મદદ” શૃંખલાનો વિચાર કરો. આજે યુગલો, મમ્મી-પપ્પા અને યુવાનો જે મુશ્કેલીઓનો સામનો કરે છે, એના વિશે એ શૃંખલામાં સરસ માહિતી આપવામાં આવી છે. b બાઇબલની સલાહ પાળવાનો પાકો નિર્ણય લો, પછી ભલેને કુટુંબીજનો એમ કરતા ન હોય. જો એમ કરશો, તો તમારા કુટુંબને ફાયદો થશે અને તમને યહોવાના આશીર્વાદો મળશે.—૧ પિત. ૩:૧, ૨.
૮. આપણા નિર્ણયોની આપણા પર કેવી અસર થઈ શકે છે?
૮ પોતાના નિર્ણયોની જવાબદારી પોતે લેવી. યહોવાએ આપણને નિર્ણયો લેવાની આઝાદી આપી છે. તે ચાહે છે કે આપણે સારા નિર્ણયો લઈએ અને ખુશ રહીએ. પણ જો આપણે કોઈ ખોટો નિર્ણય લઈએ, તો તે આપણને એનાં ખરાબ પરિણામોથી બચાવતા નથી. (ગલા. ૬:૭, ૮) એટલે જ્યારે ખોટા નિર્ણયો લઈએ છીએ, વગર વિચાર્યે કંઈ બોલી બેસીએ છીએ અને ઉતાવળે કોઈ પગલું ભરી બેસીએ છીએ, ત્યારે એનાં પરિણામોની જવાબદારી પોતાના માથે લઈએ છીએ. બની શકે કે આપણે જે કર્યું હોય એના માટે કદાચ આપણું અંતઃકરણ ડંખે. પણ પોતાના નિર્ણયો માટે પોતે જવાબદાર છીએ એ વાતનો અહેસાસ હોવો ખૂબ જરૂરી છે. કેમ કે એનાથી આપણને ભૂલો કબૂલ કરવા, એને સુધારવા અને ફરી એવી ભૂલ ન થાય માટે કોશિશ કરવા મદદ મળશે. એ પગલાં ભરવાથી આપણે જીવનની દોડમાં દોડતા રહી શકીશું.
૯. જો તમે કોઈ ખોટો નિર્ણય લીધો હોય, તો શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૯ તમે કઈ રીતે એ બોજો ઊંચકી શકો? જો તમે કોઈ ખોટો નિર્ણય લીધો હોય, તો શું કરી શકો? સ્વીકારો કે તમે ભૂતકાળ બદલી શકતા નથી. એ સમજાવવા બેસી ન જાઓ કે તમે કેમ સાચા છો. પોતાને દોષ ન આપો અથવા દોષનો ટોપલો બીજા પર ન ઢોળો. એમ કરવામાં તો સમય અને શક્તિ બરબાદ થશે. એને બદલે, તમારી ભૂલો સ્વીકારો અને સંજોગો સુધારવા હમણાં જે કરી શકતા હો એ કરો. જો તમે કોઈ ભૂલ માટે પોતાને દોષિત ગણતા હો, તો યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો, તમારી ભૂલ સ્વીકારો અને માફી માંગો. (ગીત. ૨૫:૧૧; ૫૧:૩, ૪) જો તમારાથી કોઈને ઠેસ પહોંચી હોય, તો તેની માફી માંગો. જરૂર પડ્યે, વડીલો પાસે મદદ માંગો. (યાકૂ. ૫:૧૪, ૧૫) તમારી ભૂલોમાંથી શીખો અને એવી ભૂલ ફરી ન થાય એ માટે પ્રયત્ન કરો. જો તમે એમ કરશો, તો ખાતરી રાખી શકશો કે યહોવા તમને દયા બતાવશે અને જરૂરી સહાય પૂરી પાડશે.—ગીત. ૧૦૩:૮-૧૩.
આપણે ‘નાખી દેવાનો’ છે એ ભારે બોજો
૧૦. વધારે પડતી અપેક્ષાઓ કઈ રીતે ભારે બોજા જેવી છે? (ગલાતીઓ ૬:૪)
૧૦ વધારે પડતી અપેક્ષાઓ રાખવી. જો પોતાની સરખામણી બીજાઓ સાથે કરીશું, તો પોતાની પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવા લાગીશું અને એ આપણા માટે ભારે બોજો બની શકે છે. (ગલાતીઓ ૬:૪ વાંચો.) જો આપણે હંમેશાં પોતાને બીજાઓ સાથે સરખાવીશું, તો તેઓની અદેખાઈ કરવા લાગીશું અને હરીફાઈ કરવા લાગી જઈશું. (ગલા. ૫:૨૬) એ તો જાણે બીજાનો મહેલ જોઈને પોતાનું ઝૂંપડું તોડવા જેવું થશે અને સરવાળે તો નુકસાન જ હાથ લાગશે. બાઇબલમાં લખ્યું છે, “અપેક્ષા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે.” (નીતિ. ૧૩:૧૨, ફૂટનોટ) હવે જો એવી અપેક્ષાઓ રાખીશું, જે કદી પૂરી જ કરી શકવાના ન હોઈએ, તો વિચારો કે આપણે કેટલા નિરાશ થઈ જઈશું! એમ કરવામાં તો શક્તિ હણાઈ જશે અને જીવનની દોડમાં ધીમા પડી જઈશું.—નીતિ. ૨૪:૧૦.
૧૧. વધારે પડતી અપેક્ષાઓ ન રાખવા શાનાથી મદદ મળશે?
૧૧ તમે કઈ રીતે એ ભારે બોજો નાખી દઈ શકો? યહોવા તમારી પાસેથી એવી અપેક્ષા નથી રાખતા કે તમે તેમને એવું કંઈક આપો જે તમારી પાસે નથી. (૨ કોરીં. ૮:૧૨) એટલે તમે પણ પોતાની પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખો. ભરોસો રાખો કે યહોવા કદી પણ તમારી સરખામણી બીજાઓ સાથે કરતા નથી. (માથ. ૨૫:૨૦-૨૩) તે જુએ છે કે તમે કઈ રીતે પૂરા જીવથી તેમની ભક્તિ કરો છો, તમે કેટલા વફાદાર છો અને તમે કઈ રીતે ધીરજથી બધું સહન કરો છો અને એ તેમને મન ખૂબ જ કીમતી છે. તમારી મર્યાદા પારખો અને સ્વીકારો કે ઉંમર, તબિયત અને સંજોગોને લીધે તમે કદાચ પહેલાં જેટલું નહિ કરી શકો. જો ઉંમર કે તબિયતને લીધે તમે કોઈ જવાબદારી નિભાવી શકતા ન હો, તો બાર્ઝિલ્લાય જેવા બનો અને ભાઈઓને જણાવો કે તમે એ જવાબદારી ઉપાડી નહિ શકો. (૨ શમુ. ૧૯:૩૫, ૩૬) મૂસાની જેમ બીજાઓની મદદ સ્વીકારો અને યોગ્ય હોય તો અમુક જવાબદારીઓ બીજાને સોંપો. (નિર્ગ. ૧૮:૨૧, ૨૨) જો તમે પોતાની મર્યાદા પારખશો, તો પોતાની પાસેથી એવી અપેક્ષાઓ નહિ રાખો, જે તમને થકવી નાખે અને જીવનની દોડમાંથી બહાર ફેંકી દે.
૧૨. શું બીજાઓના ખોટા નિર્ણયો માટે આપણે પોતાને જવાબદાર ગણવા જોઈએ? સમજાવો.
૧૨ બીજાઓના ખોટા નિર્ણયો માટે પોતાને જવાબદાર ગણવા. આપણે બીજાઓ માટે નિર્ણય લઈ શકતા નથી. તેઓ કોઈ ખોટો નિર્ણય લે છે ત્યારે, એનાં ખરાબ પરિણામોથી આપણે તેઓને હંમેશાં બચાવી શકતા નથી. દાખલા તરીકે, બની શકીએ કે કોઈ બાળક યહોવાની ભક્તિ છોડી દેવાનું નક્કી કરે. એ નિર્ણયથી માબાપને જે દુઃખ પહોંચે છે, એ શબ્દોમાં વર્ણવી શકાતું નથી. જોકે, જે માબાપ બાળકના ખોટા નિર્ણય માટે પોતાને જવાબદાર ગણે છે, તેઓ જાણે ભારે બોજો ઊંચકીને દોડી રહ્યાં છે. યહોવા નથી ચાહતા કે તેઓ એ ભારે બોજો ઊંચકે.—રોમ. ૧૪:૧૨.
૧૩. જો બાળક કોઈ ખોટો નિર્ણય લે, તો મમ્મી-પપ્પા શું કરી શકે?
૧૩ તમે કઈ રીતે એ ભારે બોજો નાખી દઈ શકો? યાદ રાખો કે યહોવાએ આપણને બધાને નિર્ણયો લેવાની આઝાદી આપી છે. કોઈ વ્યક્તિ તેમની ભક્તિ કરશે કે નહિ એ તેમણે તેના હાથમાં છોડ્યું છે. મમ્મી-પપ્પા, યહોવા જાણે છે કે તમે ભૂલભરેલાં છો અને બાળકના ઉછેરમાં તમારાથી અમુક ભૂલો થઈ શકે છે. પણ તે ચાહે છે કે બાળકના ઉછેરમાં તમે પોતાનાથી બનતું બધું કરો. તમારા બાળકના નિર્ણય માટે તે પોતે જવાબદાર છે, તમે નહિ. (નીતિ. ૨૦:૧૧) તોપણ બની શકે કે જો માબાપ તરીકે તમારાથી કોઈ ભૂલ થઈ હોય, તો તમે એ વિશે વિચારી વિચારીને પોતાને દોષ આપતા હો. એમ હોય તો યહોવા આગળ પોતાની લાગણીઓ રેડી દો અને તેમની પાસે માફી માંગો. તે જાણે છે કે તમે વીતેલા સમયમાં પાછા જઈને એને બદલી નથી શકતા. એ જ સમયે, તે એ પણ ચાહે છે કે તમે બાળકને તેના ખોટા નિર્ણયના પરિણામથી બચાવો નહિ. દરેક વ્યક્તિ જે વાવે છે, એ જ લણે છે. એ પણ યાદ રાખો કે જો તમારું બાળક યહોવા પાસે પાછા આવવા જરા જેટલો પણ પ્રયત્ન કરશે, તો યહોવા ખુશી ખુશી તેનો આવકાર કરશે.—લૂક ૧૫:૧૮-૨૦.
૧૪. પોતાને વધારે પડતા દોષિત ગણવા એ કેમ ભારે બોજા જેવું છે?
૧૪ પોતાને વધારે પડતા દોષિત ગણવા. કોઈ પાપ થઈ જાય ત્યારે પોતાને દોષિત ગણીએ, એમાં કંઈ ખોટું નથી. જોકે, યહોવા ચાહતા નથી કે તમે પોતાને દોષ આપ્યા કરો. એ તો જાણે ભારે બોજો ઉપાડી રાખવા જેવું છે. આપણે એ ભારે બોજાને નાખી દેવો જોઈએ. જો આપણે પોતાનું પાપ સ્વીકાર્યું હોય, એનો પસ્તાવો કર્યો હોય અને ફરી એવું પાપ ન કરવા જરૂરી પગલાં ભર્યાં હોય, તો ખાતરી રાખી શકીએ કે યહોવાએ આપણને માફ કરી દીધા છે. (પ્રે.કા. ૩:૧૯) યહોવા ચાહતા નથી કે એ પગલાં ભર્યાં પછી પણ આપણે પોતાને દોષિત ગણીએ. તે જાણે છે કે એનાથી તો આપણને જ નુકસાન થશે. (ગીત. ૩૧:૧૦) જો નિરાશામાં ડૂબી જઈશું, તો હિંમત હારી બેસીશું અને જીવનની દોડમાં આગળ નહિ વધી શકીએ.—૨ કોરીં. ૨:૭.
૧૫. પોતાને વધારે પડતા દોષિત ન ગણવા શેનાથી મદદ મળશે? (૧ યોહાન ૩:૧૯, ૨૦) (ચિત્ર પણ જુઓ.)
૧૫ તમે કઈ રીતે એ ભારે બોજો નાખી દઈ શકો? જ્યારે પોતાની ભૂલને લીધે તમે પોતાને વધારે પડતા દોષિત ગણો, ત્યારે યાદ રાખો કે યહોવા પૂરા “દિલથી” માફ કરે છે. (ગીત. ૧૩૦:૪) સાચા દિલથી પસ્તાવો કરનારને માફ કરતી વખતે તે વચન આપે છે: “હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.” (યર્મિ. ૩૧:૩૪) એનો અર્થ થાય કે જો યહોવા એક વાર માફ કરી દે છે, તો તે આપણાં પાપ ભૂલી જાય છે, એને ફરી યાદ કરતા નથી. એટલે જો તમારે ભૂલનું પરિણામ ભોગવવું પડે, તો એવું ન વિચારતા કે યહોવાએ તમને માફ કર્યા નથી. જો મંડળમાં તમારે અમુક લહાવાઓ ગુમાવવા પડે, તો ઉદાસ થશો નહિ. યહોવા તમારી ભૂલો વિશે વિચારતા રહેતા નથી અને તમારે પણ એવું કરવું ન જોઈએ.—૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો.
જીતવા માટે દોડો
૧૬. જીવનની દોડમાં દોડતા રહેવા આપણે શું પારખવાની જરૂર છે?
૧૬ આપણે જીવનની દોડમાં ‘એ રીતે દોડવાનું છે, જેથી ઇનામ જીતી શકીએ.’ (૧ કોરીં. ૯:૨૪) એ માટે એ પારખવાની જરૂર છે કે આપણે કયો બોજો ઊંચકવાનો છે અને કયો ભારે બોજો નાખી દેવાનો છે. આ લેખમાં આપણે એવા જ અમુક બોજા અને ભારે બોજા વિશે જોયું. જોકે, હજી પણ એવો બીજો ભારે બોજો હોય શકે છે, જે કદાચ આપણે ઊંચકીને ફરતા હોઈએ. ઈસુએ કહ્યું હતું કે “વધારે પડતું ખાવા-પીવાથી અને જીવનની ચિંતાઓના બોજથી તમારાં હૃદયો દબાઈ” શકે છે. (લૂક ૨૧:૩૪) એ અને બીજી કલમોની મદદથી પારખી શકીશું કે જીવનની દોડમાં દોડતા રહેવા આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે.
૧૭. આપણે જીવનની દોડમાં જીતીશું એવી ખાતરી કેમ રાખી શકીએ?
૧૭ આપણે ખાતરી રાખી શકીએ કે જીવનની દોડમાં જીત મેળવીશું. કેમ કે યહોવા આપણને જરૂરી તાકાત આપશે. (યશા. ૪૦:૨૯-૩૧) એટલે ધીમા પડશો નહિ. પ્રેરિત પાઉલના પગલે ચાલો, જેમણે પોતાની આગળ રાખેલું ઇનામ મેળવવા સખત મહેનત કરી હતી. (ફિલિ. ૩:૧૩, ૧૪) જીવનની દોડમાં તમારે પોતે દોડવું પડશે. તમારા વતી બીજું કોઈ દોડી નહિ શકે. પણ યહોવાની મદદથી તમે એ દોડ પૂરી કરી શકશો. (ગીત. ૬૮:૧૯) યહોવા તમને જરૂરી બોજો ઊંચકવા અને નકામો બોજો નાખી દેવા મદદ કરશે. જો યહોવા તમારી પડખે હોય, તો તમે ધીરજથી દોડતા રહી શકશો અને જીત મેળવી શકશો!
ગીત ૪૫ આગળ ચાલો
a આ લેખ આપણને જીવનની દોડમાં સારી રીતે દોડતા રહેવા મદદ કરશે. પણ આપણે અમુક બોજો ઊંચકવાની જરૂર છે. જેમ કે, સમર્પણનું વચન નિભાવવાનું છે, કુટુંબની જવાબદારીઓ પૂરી કરવાની છે અને પોતાના નિર્ણયોની જવાબદારી ઉપાડવાની છે. પણ બની શકે કે આપણે નકામો બોજો લઈને દોડતા હોઈએ, જે આપણને ધીમા પાડી શકે. આપણે એ ભારે બોજો ઉતારીને ફેંકી દેવાની જરૂર છે. આ લેખમાં જોઈશું કે એ ભારે બોજો કયો છે.
b તમે “કુટુંબ માટે મદદ” શૃંખલામાં આપેલા લેખ jw.org/gu પર જોઈ શકો છો. જેમ કે, પતિ-પત્ની માટે: “મતભેદોને કઈ રીતે હાથ ધરવા” અને “લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?”; મમ્મી-પપ્પા માટે: “બાળકોને સંયમ રાખતા શીખવીએ” અને “તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું”; અને યુવાનો માટે: “લાલચનો સામનો કઈ રીતે કરશો?” અને “એકલતાનો સામનો કઈ રીતે કરવો?”