જો જીવનસાથી પોર્નોગ્રાફી જુએ, તો હું શું કરું?
-
“મને એવું લાગ્યું કે જાણે મારા પતિએ ઘણી વાર વ્યભિચાર કર્યો હોય.”
-
“હું કોઈની સામે આંખો ઊંચી કરીને જોઈ શકતી ન હતી. મને થતું કે હું કદરૂપી અને નકામી છું.”
-
“હું એ વિશે કોઈની સાથે વાત કરી શકતી ન હતી. હું અંદરોઅંદર ઘૂંટાતી હતી.”
-
“એવું લાગતું હતું કે જાણે યહોવાને મારી કંઈ પડી ન હતી.”
એ શબ્દોથી ખબર પડે છે કે જ્યારે પતિ પોર્નોગ્રાફી a જુએ છે, ત્યારે પત્નીના દિલ પર શું વીતે છે. જો પતિ મહિનાઓ કે વર્ષોથી ચોરીછૂપે પોર્નોગ્રાફી જોતો હોય, તો પત્નીને લાગી શકે કે હવે તે પતિ પર ભરોસો નહિ કરી શકે. એક પત્નીએ કહ્યું: “મને તો વિશ્વાસ થતો નથી કે આ માણસ મારો પતિ છે? કોણ જાણે બીજી કેટલીય વાતો તેમણે મારાથી છુપાવી હશે.”
આ લેખ એવી પત્નીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જેનો પતિ પોર્નોગ્રાફી જુએ છે. b આ લેખમાં બાઇબલના ઘણા સિદ્ધાંતો આપ્યા છે. એનાથી પત્નીને દિલાસો મળશે અને ખાતરી થશે કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને મદદ કરવા માંગે છે. તેમ જ, તેને મનની શાંતિ મળશે અને તે યહોવાની નજીક રહી શકશે. c
નિર્દોષ સાથી શું કરી શકે?
તમે તમારા પતિના દરેક કામ પર નજર રાખી શકતા નથી. પણ અમુક પગલાં ભરી શકો છો, જેનાથી તમારું દુઃખ થોડું ઓછું થાય અને તમને મનની શાંતિ મળે. ચાલો અમુક વાતો પર ધ્યાન આપીએ.
પોતાને દોષ ન આપો. જો પતિ પોર્નોગ્રાફી જોતો હોય, તો પત્નીને કદાચ લાગે કે એ માટે પોતે જવાબદાર છે. એલીસને d લાગતું કે તે રૂપાળી નથી અને ખોટ તેનામાં જ છે. તે વિચારતી, ‘મારા પતિ મારા સિવાય બીજી સ્ત્રીઓને કેમ જુએ છે?’ અમુક પત્નીઓ પોતાને દોષ આપે છે, કેમ કે તેઓને લાગે છે કે તેઓના વર્તનને લીધે જ પરિસ્થિતિ વધારે વણસે છે. ડેનિયેલેબહેન કહે છે: “હું બહુ ખરાબ છું, આખો દિવસ તેમના પર ગુસ્સો કર્યા કરું છું અને મારા જ હાથે મારું ઘર તોડી રહી છું.”
યાકૂબ ૧:૧૪ કહે છે: “દરેક માણસ પોતાની ઇચ્છાઓથી લલચાય છે અને કસોટીમાં ફસાય છે.” (રોમ. ૧૪:૧૨; ફિલિ. ૨:૧૨) તમને દોષ આપવાને બદલે યહોવા તો એ વાતની કદર કરે છે કે તમે તેમને વફાદાર છો.—૨ કાળ. ૧૬:૯.
જો તમને પણ એવું લાગતું હોય તો યાદ રાખો, તમારા પતિનાં કામો માટે યહોવા તમને જવાબદાર ગણતા નથી.પત્નીને લાગી શકે કે તે સુંદર નથી અથવા તેનામાં કોઈ ખોટ છે, એટલે તેનો પતિ પોર્નોગ્રાફી જુએ છે. પણ એ વાત સાચી નથી. આ વિષયના નિષ્ણાતોનું કહેવું છે કે પોર્નોગ્રાફી જોવાથી પતિમાં સેક્સની એવી વાસના પેદા થાય છે, જેને કોઈ સ્ત્રી પૂરી કરી શકતી નથી.
વધારે પડતી ચિંતા ના કરો. કેથરીનબહેનના મગજમાં રાત-દિવસ એક જ વાત ચાલતી હતી કે તેમનો પતિ પોર્નોગ્રાફી જુએ છે. ફ્રાંસિસબહેને કહ્યું: “જો મને ખબર ન હોય કે મારા પતિ ક્યાં છે, તો હું હાંફળી-ફાંફળી થઈ જઉં છું. આખો દિવસ ચિંતામાં ડૂબેલી રહું છું.” અમુક પત્નીઓ એવાં ભાઈ-બહેનોની હાજરીમાં શરમ અનુભવે છે, જેઓ કદાચ જાણે છે કે તેઓના પતિ પોર્નોગ્રાફી જુએ છે. બીજી અમુક પત્નીઓને એકલું એકલું લાગે છે. કેમ કે તેઓને લાગે છે કે તેઓ પર જે વીતી રહ્યું છે, એ કોઈ સમજી શકતું નથી.
એવા વિચારો આવવા સ્વાભાવિક છે. પણ જો તમે આખો દિવસ એનો જ વિચાર કર્યા કરશો, તો ચિંતામાં ડૂબી જશો. એના બદલે, યહોવા સાથે સંબંધ મજબૂત કરવા પ્રયત્ન કરો. એનાથી તમને સંજોગોનો સામનો કરવા હિંમત મળશે.—ગીત. ૬૨:૨; એફે. ૬:૧૦.
તમે બાઇબલમાં આપેલા અમુક સ્ત્રીઓના દાખલા વાંચી શકો અને એના પર મનન કરી શકો. તેઓ ખૂબ પરેશાન હતી, પણ દિલાસો મેળવવા તેઓએ યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેઓના સંજોગો ન બદલ્યા, પણ તેઓને શાંતિ આપી. હાન્નાનો દાખલો લો. પોતાના સંજોગોને લીધે તેમનું “મન કડવાશથી ભરેલું” હતું. પણ “લાંબો સમય યહોવા આગળ પ્રાર્થના” કર્યા પછી, તેમણે શાંતિ અનુભવી. તે જાણતાં ન હતાં કે ભાવિમાં શું થશે, પણ તેમનું મન શાંત થઈ ગયું હતું.—૧ શમુ. ૧:૧૦, ૧૨, ૧૮, ફૂટનોટ; ૨ કોરીં. ૧:૩, ૪.
મંડળના વડીલો પાસે મદદ માંગો. તેઓ તમારા માટે ‘પવનમાં આશરા જેવા અને વાવાઝોડામાં આશરા જેવા’ હોય શકે છે. (યશા. ૩૨:૨, ફૂટનોટ) તેઓ કદાચ તમને કોઈ બહેન વિશે જણાવે, જેની આગળ તમે તમારું દિલ ખોલી શકો અને જે તમને દિલાસો આપી શકે.—નીતિ. ૧૭:૧૭.
શું તમે તમારા પતિને મદદ કરી શકો છો?
પોર્નોગ્રાફી જોવાની ગંદી આદત છોડવા શું તમે તમારા પતિને મદદ કરી શકો છો? કદાચ. બાઇબલમાં જણાવ્યું છે કે જો કોઈ મુશ્કેલીનો હલ લાવવાનો હોય અથવા કોઈ શક્તિશાળી દુશ્મન સામે લડવાનું હોય, તો “એક કરતાં બે ભલા.” (સભા. ૪:૯-૧૨) નિષ્ણાતોને જોવા મળ્યું છે કે જ્યારે પતિ-પત્ની સાથે મળીને કામ કરે છે, ત્યારે ઘણી વાર પતિ પોર્નોગ્રાફી જોવાની ગંદી આદત છોડી શકે છે અને પત્નીને તેમના પર ફરીથી ભરોસો કરવા મદદ મળી શકે છે.
ખરું કે, તમારા પતિ પોર્નોગ્રાફીની આદત છોડી શકશે કે નહિ, એનો ઘણોખરો આધાર તેમના પોતાના પર છે. શું તે પોતે એ આદત છોડવા માંગે છે? શું એ માટે તે સખત મહેનત કરવા તૈયાર છે? શું હિંમત માટે તેમણે યહોવાને કાલાવાલા કર્યા છે? શું તેમણે વડીલો પાસે મદદ માંગી છે? (૨ કોરીં. ૪:૭; યાકૂ. ૫:૧૪, ૧૫) શું તેમણે એવી કોઈ યોજના બનાવી છે, જેથી તે પોર્નોગ્રાફી જોવાના વિચારને ટાળી શકે? જેમ કે, શું તેમણે ફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટરના વપરાશ માટે કોઈ હદ ઠરાવી છે? શું તે એવા સંજોગો ટાળે છે, જેમાં પોર્નોગ્રાફી જોવાની લાલચ જાગી શકે? (નીતિ. ૨૭:૧૨) શું તે તમારી મદદ સ્વીકારવા અને તમને બધું સાચેસાચું કહી દેવા તૈયાર છે? જો એમ હોય, તો તમે કદાચ તમારા પતિને મદદ કરી શકો છો.
તમે કઈ રીતે એમ કરી શકો? ફેલીસિયાના દાખલા પર ધ્યાન આપો. તેમના પતિ ઈથનને બાળપણથી જ પોર્નોગ્રાફી જોવાની આદત હતી. ફેલીસિયા પોતાના પતિ સાથે ધીરજથી વર્તે છે અને હંમેશાં તેમની વાત સાંભળવા તૈયાર હોય છે. એટલે જ્યારે પણ તેમના પતિને પોર્નોગ્રાફી જોવાની ઇચ્છા જાગે છે, ત્યારે તે સહેલાઈથી ફેલીસિયા સાથે વાત કરી શકે છે. ઈથન કહે છે: “હું મારી પત્ની સાથે ખુલ્લા દિલે વાત કરું છું, તેનાથી કંઈ છુપાવતો નથી. લાલચ જાગે એવા સંજોગો ટાળવા તે મને ખૂબ પ્રેમથી મદદ કરે છે અને સમયે સમયે એ વિશે વાત કરે છે. હું ક્યારે ઇન્ટરનેટ જોઉં છું અને કેટલું જોઉં છું એ વિશે સાવધ રહેવા પણ તે મને મદદ કરે છે.” એ સાચી વાત છે કે પોતાના પતિની પોર્નોગ્રાફી જોવાની આદતથી ફેલીસિયાને ઘણું દુઃખ પહોંચે છે. પણ તે કહે છે: ‘મારા ગુસ્સા અને દુઃખથી તેમને એ ગંદી આદત છોડવા મદદ મળતી નથી. પહેલા અમે ચર્ચા કરીએ છીએ કે તે કયા પડકારોનો સામનો કરી રહ્યા છે. પછી હું તેમને જણાવું છું કે મને કેટલી ઠેસ પહોંચે છે. પછી તે પોર્નોગ્રાફી જોવાનું ટાળવા અને મારો ભરોસો ફરી જીતવા તૈયાર હોય છે.’
એવી વાતચીતથી પતિને પોર્નોગ્રાફીની આદત છોડવા મદદ મળી શકે છે. એટલું જ નહિ, પત્ની પણ પોતાના પતિ પર ફરીથી ભરોસો મૂકી શકે છે. જ્યારે એક પતિ ખુલ્લા દિલે પોતાની પત્નીને જણાવે છે કે તેની કઈ કમજોરીઓ છે, તે ક્યાં જાય છે અને શું કરે છે, ત્યારે પત્ની માટે પતિ પર ભરોસો કરવો સહેલો બની જાય છે. કેમ કે તેનો પતિ તેનાથી કંઈ સંતાડતો નથી.
શું તમને લાગે છે કે તમે પણ એ જ રીતે તમારા પતિને મદદ કરી શકો છો? જો એમ હોય, તો તમારા પતિ સાથે મળીને આ લેખ વાંચો અને એના પર ચર્ચા કરો. તમારા પતિનો ધ્યેય પોર્નોગ્રાફીની આદત છોડવાનો અને તમે તેમના પર ફરી ભરોસો મૂકી શકો એવાં પગલાં ભરવાનો હોવો જોઈએ. તમે આ મુશ્કેલી વિશે પતિ સાથે વાત કરવા માંગો છો, એ માટે પતિએ ગુસ્સે ભરાવું ના જોઈએ. પણ એ સમજવું જોઈએ કે તેમની આદતથી તમને કેટલું દુઃખ પહોંચે છે. તમારો ધ્યેય પતિને આ આદતમાંથી બહાર આવવા પૂરેપૂરો ટેકો આપવાનો અને તમારો ભરોસો જીતવા તેમને એક તક આપવાનો હોવો જોઈએ. તમારે બંનેએ એ સમજવું પડશે કે લોકો કેમ પોર્નોગ્રાફીની જાળમાં ફસાય છે અને એ મુશ્કેલીનો ઉકેલ કઈ રીતે લાવી શકાય છે. e
જો તમને ડર હોય કે પતિ સાથે એ વિશે વાત કરતી વખતે ગરમાગરમી થઈ જશે, તો તમે શું કરી શકો? તમે મંડળના કોઈ વડીલને કહી શકો કે તમે પતિ સાથે એ વિશે ચર્ચા કરવાના હો ત્યારે તે ત્યાં હાજર રહે અને તમને માર્ગદર્શન આપે. યાદ રાખો કે તમારા પતિ પોર્નોગ્રાફી જોવાની આદત છોડી દે એ પછી પણ, તેમના પર ફરીથી ભરોસો મૂકવામાં સમય લાગી શકે છે. એટલે હિંમત હારશો નહિ! જો તમારા પતિ સંબંધ સુધારવા જરા જેટલું પણ કંઈક કરે, તો એના પર ધ્યાન આપો. સમય સમયનું કામ કરશે, પણ તમે ધીરજ રાખો અને આશા રાખો કે એક દિવસે તમારા બંનેનો સંબંધ ફરીથી મજબૂત થશે.—જો પતિ આ આદત ન છોડે તો શું?
જો તમારા પતિ આ આદત છોડ્યા પછી પણ ફરી પોર્નોગ્રાફી જુએ, તો શું? શું એનો અર્થ એવો થાય કે તેમને જરાય પસ્તાવો નથી અને તે ક્યારેય બદલાશે નહિ? એવું જરૂરી નથી. ખાસ કરીને, જો વ્યક્તિને પોર્નોગ્રાફીની લત લાગી ગઈ હોય, તો કદાચ જીવનભર તેણે એ આદત સામે લડતા રહેવું પડે. એવું પણ બની શકે કે એ આદત છોડ્યાને વર્ષો પછી પણ તે ફરી પોર્નોગ્રાફી જોવા લાગે. એવું ન થાય એ માટે તે શું કરી શકે? તેમણે પોતાની સાથે વધારે કડક બનવું પડશે. આ આદત છોડવા તેમણે ઇન્ટરનેટના વપરાશ અને લાલચ આવે એવા સંજોગો ટાળવા જે પગલાં ભર્યાં હતાં, એમાં વધારો કરવો પડે. જો એવું લાગતું હોય કે આદત છૂટી ગઈ છે, તો કદાચ એ પછી પણ તેમણે પોતાની સાથે એટલું જ કડક બનવું પડશે. (નીતિ. ૨૮:૧૪; માથ. ૫:૨૯; ૧ કોરીં. ૧૦:૧૨) તેમણે “મનના વિચારોને” નવા કરતા રહેવું પડશે. તેમ જ, ‘ખરાબ કામોને ધિક્કારવાનું’ શીખવું પડશે, જેમાં પોર્નોગ્રાફી અને હસ્તમૈથુન જેવાં બીજાં ગંદાં કામનો સમાવેશ થાય છે. (એફે. ૪:૨૩; ગીત. ૯૭:૧૦; રોમ. ૧૨:૯) શું તે આ બધું કરવા તૈયાર છે? જો એમ હોય, તો કદાચ એક દિવસે તે આ આદતને પૂરેપૂરી રીતે છોડી શકશે. f
જો તમારા પતિ બદલવા જ માંગતા ન હોય, તો શું? સમજી શકાય કે અમુક વાર તમે નિરાશ થઈ જાઓ, ગુસ્સો આવે અને લાગે કે કોઈએ દગો કર્યો છે. પણ તમારી ચિંતાઓ યહોવા પર નાખી દો. એનાથી તમને મનની શાંતિ મળશે. (૧ પિત. ૫:૭) બાઇબલનો અભ્યાસ, પ્રાર્થના અને મનન કરવાનું છોડશો નહિ. એનાથી તમે યહોવાની વધારે નજીક જશો. ખાતરી રાખો કે જો તમે એ પગલાં ભરશો, તો યહોવા પણ તમારી નજીક આવશે. યશાયા ૫૭:૧૫માં લખ્યું છે કે યહોવા “કચડાયેલા અને નિરાશ લોકો” સાથે રહે છે અને તેઓને પોતાની ખુશી ફરી મેળવવા મદદ કરે છે. એટલે યહોવાની સેવામાં લાગુ રહો. વડીલો પાસે મદદ માંગો. આશા રાખો કે એક દિવસે તમારા પતિને પોતાના કામ પર પસ્તાવો થશે અને તે પોતાનામાં જરૂર સુધારો કરશે.—રોમ. ૨:૪; ૨ પિત. ૩:૯.
a “પોર્નોગ્રાફી” શબ્દ એવી માહિતીને બતાવે છે, જે જોનારની, વાંચનારની કે સાંભળનારની જાતીય વાસનાને ભડકાવે છે. એમાં ચિત્રો, ઑડિયો અને લેખિત સાહિત્યનો પણ સમાવેશ થાય છે.
b આ લેખ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જાણે પતિ પોર્નોગ્રાફી જોતો હોય. પણ એમાં એવા ઘણા સિદ્ધાંતો છે, જેનાથી એવા પતિને મદદ મળશે જેની પત્ની પોર્નોગ્રાફી જોતી હોય.
d અમુક નામ બદલ્યાં છે.
e jw.org અને આપણાં સાહિત્યમાં એ વિશે સરસ માહિતી આપી છે. દાખલા તરીકે, jw.org/hi પર આપેલો લેખ, “પોર્નોગ્રાફી સે તબાહ હો સકતી હૈ શાદીશુદા ઝિંદગી” અને jw.org/gu પર આપેલો લેખ, “પોર્નોગ્રાફી—મજા કે સજા?” અને ચોકીબુરજ, જુલાઈ ૧, ૨૦૧૪ પાન ૯-૧૧ પર આપેલો લેખ “તમે લાલચનો સામનો કરી શકો છો!” જુઓ.
f પોર્નોગ્રાફી જોવાની લત લાગી શકે છે. એટલે અમુક પતિ-પત્નીઓએ વડીલોની સલાહ લેવાની સાથે સાથે ડૉક્ટરની પણ સલાહ લેવાનો નિર્ણય લીધો છે.