સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૩

દાનિયેલના દાખલામાંથી શીખીએ

દાનિયેલના દાખલામાંથી શીખીએ

“તું અતિ પ્રિય છે.”—દાનિ. ૯:૨૩.

ગીત ૧૩૭ હિંમતનું વરદાન દે

ઝલક a

૧. બાબેલોનના અધિકારીઓનું ધ્યાન કેમ પ્રબોધક દાનિયેલ પર ગયું હશે?

 બાબેલોનીઓ પ્રબોધક દાનિયેલને ગુલામ બનાવીને લઈ ગયા, ત્યારે તે યુવાન હતા. તેઓ તેમને પોતાના ઘર યરૂશાલેમથી ખૂબ દૂર બાબેલોન લઈ ગયા. ભલે દાનિયેલ યુવાન હતા, પણ બાબેલોનના અધિકારીઓનું ધ્યાન તેમના પર ગયું. તેઓએ તેમનો “બહારનો દેખાવ” જોયો, એટલે કે તેઓએ જોયું કે દાનિયેલ “ખોડખાંપણ વગરના અને દેખાવડા” હતા તેમજ ઉચ્ચ કુળના હતા. (૧ શમુ. ૧૬:૭) એટલે બાબેલોનીઓએ તેમને તાલીમ આપી, જેથી તે રાજાના મહેલમાં સેવા કરી શકે.—દાનિ. ૧:૩, ૪, ૬.

૨. યહોવાને દાનિયેલ વિશે કેવું લાગતું હતું? (હઝકિયેલ ૧૪:૧૪)

યહોવા દાનિયેલને પ્રેમ કરતા હતા. દાનિયેલ દેખાવડા હતા કે ઊંચી પદવી પર હતા એટલે નહિ, પણ તેમણે યહોવાને વફાદાર રહેવાનું પસંદ કર્યું હતું એટલે પ્રેમ કરતા હતા. હકીકતમાં જ્યારે યહોવાએ દાનિયેલ વિશે કહ્યું કે તે નૂહ અને અયૂબ જેવા છે, ત્યારે તે વીસેક વર્ષના જ હતા. આમ યહોવાએ યુવાન દાનિયેલને નૂહ અને અયૂબની જેમ નેક ગણ્યા, જેઓએ વર્ષો સુધી યહોવાની ભક્તિ વફાદારીથી કરી હતી. (ઉત. ૫:૩૨; ૬:૯, ૧૦; અયૂ. ૪૨:૧૬, ૧૭; હઝકિયેલ ૧૪:૧૪ વાંચો.) દાનિયેલ લાંબું જીવન જીવ્યા અને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પણ યહોવા હંમેશાં દાનિયેલને પ્રેમ કરતા રહ્યા.—દાનિ. ૧૦:૧૧, ૧૯.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે દાનિયેલના બે ગુણો વિશે જોઈશું, જેના લીધે તે યહોવાને પ્રિય હતા. સૌથી પહેલા આપણે જોઈશું કે કેવા સંજોગોમાં દાનિયેલે એ ગુણો બતાવ્યા. પછી જોઈશું કે દાનિયેલે કેવી રીતે એ ગુણો કેળવ્યા. છેલ્લે જોઈશું કે આપણે કેવી રીતે દાનિયેલના પગલે ચાલી શકીએ. આ લેખ ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે, પણ આપણે બધા લોકો દાનિયેલના દાખલામાંથી શીખી શકીએ છીએ.

દાનિયેલની જેમ હિંમતવાન બનીએ

૪. દાનિયેલે કેવી રીતે હિંમત બતાવી? એક દાખલો આપો.

હિંમતવાન લોકોને કદાચ ડર લાગે. પણ એ ડર તેઓને જે ખરું છે એ કરતા રોકી શકતો નથી. દાનિયેલ ખૂબ હિંમતવાન હતા. એવા બે બનાવો પર ધ્યાન આપો, જ્યારે દાનિયેલે હિંમત બતાવી હતી. પહેલો બનાવ કદાચ બાબેલોનીઓએ યરૂશાલેમનો નાશ કર્યો એના આશરે બે વર્ષ પછી બન્યો હતો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે એક ભયાનક સપનું જોયું. એમાં તેણે એક મોટી મૂર્તિ જોઈ. તેણે જ્ઞાની માણસોને તેનું સપનું અને એનો અર્થ જણાવવા કહ્યું. તેણે ધમકી આપી કે જો તેઓ એ નહિ જણાવે, તો તે તેઓને મારી નાખશે. એ જ્ઞાની માણસોમાં દાનિયેલ પણ હતા. (દાનિ. ૨:૩-૫) દાનિયેલે તરત જ પગલાં ભરવાનાં હતાં, કેમ કે ઘણા લોકોનું જીવન દાવ પર લાગેલું હતું. તેમણે “રાજા પાસે જઈને થોડો સમય માંગ્યો, જેથી તે સપનાનો અર્થ જણાવી શકે.” (દાનિ. ૨:૧૬) એનાથી ખબર પડે છે કે દાનિયેલ કેટલા હિંમતવાન હતા અને તેમને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા હતી. એવું કેમ કહી શકીએ? કેમ કે બાઇબલમાં એવું ક્યાંય લખ્યું નથી કે દાનિયેલે એ પહેલાં ક્યારેય કોઈ સપનાનો અર્થ જણાવ્યો હોય. દાનિયેલે પોતાના ત્રણ મિત્રો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને b પ્રાર્થના કરવા કહ્યું, જેથી “સ્વર્ગના ઈશ્વર તેઓને દયા બતાવે અને રહસ્ય જણાવે.” (દાનિ. ૨:૧૮) યહાવાએ તેઓની પ્રાર્થના સાંભળી. ઈશ્વરની મદદથી દાનિયેલ નબૂખાદનેસ્સારના સપનાનો અર્થ જણાવી શક્યા. આમ, દાનિયેલ અને તેમના મિત્રોનો જીવ બચી ગયો.

૫. દાનિયેલે કયા સંજોગોમાં ફરી હિંમત બતાવવાની હતી?

દાનિયેલે રાજાને મોટી મૂર્તિના સપનાનો અર્થ જણાવ્યો, એના થોડા સમય પછી ફરી એવું કંઈક બન્યું જ્યારે દાનિયેલે હિંમત બતાવવાની હતી. રાજા નબૂખાદનેસ્સારે બીજું એક બિહામણું સપનું જોયું. એ સપનામાં તેણે ઊંચું અને વિશાળ ઝાડ જોયું. દાનિયેલે હિંમતથી રાજાને તેના સપનાનો અર્થ જણાવ્યો. તેમણે રાજાને એ પણ જણાવ્યું કે રાજા ગાંડો થઈ જશે અને અમુક સમય સુધી રાજ નહિ કરી શકે. (દાનિ. ૪:૨૫) રાજા વિચારી શક્યો હોત કે દાનિયેલ તેનો દુશ્મન છે. તે તેમને મોતની સજા પણ ફટકારી શક્યો હોત. તોપણ દાનિયેલે હિંમત બતાવી અને રાજાને એ સંદેશો જણાવ્યો.

૬. હિંમત બતાવવા દાનિયેલને શાનાથી મદદ મળી હશે?

દાનિયેલે આખું જીવન હિંમત બતાવી. એમ કરવા તેમને શાનાથી મદદ મળી હશે? દાનિયેલનાં માતા-પિતાએ ચોક્કસ તેમના માટે સારો દાખલો બેસાડ્યો હશે અને તે તેઓ પાસેથી નાનપણમાં ઘણું શીખ્યા હશે. એમાં કોઈ શંકા નથી કે યહોવાએ ઇઝરાયેલી માતા-પિતાને આપેલી આજ્ઞાઓ તેઓએ પાળી હશે અને પોતાના દીકરાને ઈશ્વરના નિયમો શીખવ્યા હશે. (પુન. ૬:૬-૯) દાનિયેલ ફક્ત દસ આજ્ઞાઓ જ નહિ, નિયમશાસ્ત્રની નાની નાની વાતો પણ જાણતા હતા. દાખલા તરીકે, તે જાણતા હતા કે ઇઝરાયેલીઓ શું ખાઈ શકે અને શું નહિ. c (લેવી. ૧૧:૪-૮; દાનિ. ૧:૮, ૧૧-૧૩) તે એ પણ જાણતા હતા કે પ્રાચીન સમયમાં ઈશ્વરના લોકો સાથે કેવા બનાવો બન્યા હતા અને યહોવાનું કહ્યું ન કરવાને લીધે તેઓએ કેવાં પરિણામો ભોગવ્યાં હતાં. (દાનિ. ૯:૧૦, ૧૧) એટલું જ નહિ, તેમના જીવનમાં પણ એવા બનાવો બન્યા હતા, જેનાથી તેમને પાકી ખાતરી થઈ ગઈ કે યહોવા અને તેમના શક્તિશાળી દૂતો તેમને હંમેશાં મદદ કરશે.—દાનિ. ૨:૧૯-૨૪; ૧૦:૧૨, ૧૮, ૧૯.

દાનિયેલે શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પ્રાર્થના કરી અને યહોવા પર ભરોસો રાખ્યો, એટલે તે હિંમત બતાવી શક્યા (ફકરો ૭ જુઓ)

૭. હિંમત બતાવવા દાનિયેલને બીજા શાનાથી મદદ મળી? (ચિત્ર પણ જુઓ.)

દાનિયેલે ઈશ્વરના પ્રબોધકોએ લખેલી વાતોનો પણ અભ્યાસ કર્યો. જેમ કે, યર્મિયાની ભવિષ્યવાણીઓ. એના લીધે, સમય જતાં તે સમજી ગયા કે યહૂદીઓને બહુ જ જલદી બાબેલોનની લાંબી ગુલામીમાંથી આઝાદ કરવામાં આવશે. (દાનિ. ૯:૨) તેમણે જોયું કે બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે. એનાથી તેમનો યહોવા પરનો ભરોસો વધારે મજબૂત થયો. અને જેને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હોય, તેનામાં કેટલી ગજબની હિંમત હોય છે! (રોમનો ૮:૩૧, ૩૨, ૩૭-૩૯ સરખાવો.) સૌથી મહત્ત્વનું, દાનિયેલ સ્વર્ગમાંના પોતાના પિતાને વારંવાર પ્રાર્થના કરતા હતા. (દાનિ. ૬:૧૦) તેમણે યહોવા આગળ પોતાનાં પાપ કબૂલ કર્યાં અને પોતાનું દિલ તેમની આગળ ઠાલવ્યું. તેમણે ઈશ્વર પાસે મદદ પણ માંગી. (દાનિ. ૯:૪, ૫, ૧૯) તે આપણા જેવા જ સામાન્ય માણસ હતા. તે કંઈ જન્મથી હિંમતવાન ન હતા. પણ શાસ્ત્રના અભ્યાસથી, પ્રાર્થના કરવાથી અને યહોવા પર ભરોસો રાખવાથી તે હિંમતનો ગુણ કેળવી શક્યા.

૮. આપણે કેવી રીતે હિંમતવાન બની શકીએ?

આપણે કઈ રીતે હિંમતવાન બની શકીએ? મમ્મી-પપ્પા કદાચ આપણને હિંમત બતાવવાનું ઉત્તેજન આપે, પણ તેઓ વારસામાં હિંમત આપી શકતા નથી. આપણે પોતે હિંમતવાન બનવું પડશે. હિંમતવાન બનવું એ એક નવી આવડત શીખવા જેવું છે. કોઈ આવડત શીખવાની એક રીત છે, શીખવનારનાં કામ ધ્યાનથી જોવાં અને પછી તે કરે એવું જ કરવાનો પ્રયત્ન કરવો. એવી જ રીતે, હિંમતવાન બનવા જરૂરી છે કે બીજાઓને ધ્યાનથી જોઈએ કે તેઓ કઈ રીતે હિંમત બતાવે છે અને પછી તેઓનો દાખલો અનુસરીએ. તો આપણે દાનિયેલ પાસેથી શું શીખ્યા? તેમની જેમ આપણે શાસ્ત્રની વાતો સારી રીતે સમજવાની જરૂર છે. યહોવા સાથે ગાઢ સંબંધ બાંધીએ અને એ માટે વારંવાર અને દિલ ખોલીને તેમને પ્રાર્થના કરીએ. યહોવા પર ભરોસો રાખીએ કે તે હંમેશાં આપણી પડખે રહેશે. પછી જ્યારે પણ આપણી શ્રદ્ધાની કસોટી થશે, ત્યારે આપણે હિંમત બતાવી શકીશું.

૯. હિંમત બતાવવાથી કેવા ફાયદા થાય છે?

હિંમત બતાવવાથી ઘણા ફાયદા થાય છે. બૅન નામના યુવાનના દાખલા પર ધ્યાન આપો. તે જર્મનીની એક સ્કૂલમાં ભણતો હતો, જ્યાંના વિદ્યાર્થીઓ ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા. તેઓને લાગતું હતું કે બાઇબલમાં લખેલી વિશ્વના સર્જનની વાતો સાચી નથી. એક વખત બૅનને બધાની સામે ઊભા રહીને એ જણાવવાનો મોકો મળ્યો કે તે કેમ માને છે કે ફૂલછોડ, પ્રાણીઓ અને માણસોને કોઈકે બનાવ્યા છે. તેણે હિંમત બતાવી અને દરેકને પોતાની માન્યતા વિશે જણાવ્યું. એનું શું પરિણામ આવ્યું? બૅન કહે છે: “શિક્ષકે મારી વાત બહુ ધ્યાનથી સાંભળી. મારી વાત રજૂ કરવા મેં જે લેખ વાપર્યો હતો એની તેમણે ઘણી કૉપી બનાવી અને ક્લાસના દરેક વિદ્યાર્થીને એક એક કૉપી આપી.” બૅનના ક્લાસના વિદ્યાર્થીઓને કેવું લાગ્યું? બૅન કહે છે: “ઘણા વિદ્યાર્થીઓએ મારી વાત ધ્યાનથી સાંભળી. તેઓએ મને જણાવ્યું કે તેઓ મારો આદર કરે છે.” બૅનના અનુભવથી ખબર પડે છે કે મોટા ભાગે લોકો હિંમત બતાવનારને આદર આપે છે. હિંમતવાન લોકો બીજાઓને પણ યહોવા વિશે શીખવા મદદ કરી શકે છે. તો ચાલો આપણે દરેક જણ હિંમતવાન બનવા પૂરો પ્રયત્ન કરીએ.

દાનિયેલની જેમ વફાદાર રહીએ

૧૦. વફાદારી એટલે શું?

૧૦ બાઇબલમાં ઘણી વાર “વફાદારી” કે “અતૂટ પ્રેમ” શબ્દ વપરાયો છે. મોટા ભાગે એ શબ્દ ઈશ્વર પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે એ બતાવવા વપરાયો છે. એ જ શબ્દ ઈશ્વરના લોકો વચ્ચેનો પ્રેમ બતાવવા પણ વપરાયો છે. (૨ શમુ. ૯:૬, ૭) યહોવા ચાહે છે કે આપણે પણ વફાદારી બતાવીએ. સમય વીતતો જાય તેમ, આપણી વફાદારી મજબૂત થઈ શકે છે. ચાલો જોઈએ કે એ વાત દાનિયેલના કિસ્સામાં કેવી રીતે સાચી સાબિત થઈ.

યહોવા દાનિયેલની વફાદારીથી ખુશ હતા, એટલે તેમણે દૂત મોકલીને તેમને સિંહોનાં મોંમાંથી બચાવ્યા (ફકરો ૧૧ જુઓ)

૧૧. દાનિયેલ વૃદ્ધ હતા ત્યારે કઈ રીતે તેમની વફાદારીની પરખ થઈ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૧ દાનિયેલના જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા, જ્યારે તેમણે બતાવવાનું હતું કે તે યહોવાને વફાદાર રહેશે કે નહિ. પણ જ્યારે તેમની ઉંમર ૯૦ વર્ષ કરતાં વધારે હતી, ત્યારે એક બહુ મોટી મુશ્કેલી આવી. એ સમય સુધીમાં માદીઓ અને ઈરાનીઓએ બાબેલોન જીતી લીધું હતું અને ત્યાં રાજા દાર્યાવેશ રાજ કરતો હતો. રાજદરબારના અધિકારીઓને દાનિયેલ દીઠાય ગમતા ન હતા. તેઓ દાનિયેલના ઈશ્વરને પણ માન આપતા ન હતા. એટલે તેઓએ દાનિયેલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. તેઓએ રાજા દ્વારા એક ફરમાન બહાર પડાવ્યું. એનાથી પરખ થવાની હતી કે દાનિયેલ પોતાના ઈશ્વરને વફાદાર રહેશે કે રાજાને. રાજા પ્રત્યેની વફાદારી બતાવવા અને સજાથી બચવા દાનિયેલે ૩૦ દિવસ સુધી યહોવાની ભક્તિ બંધ કરી દેવાની હતી. પણ દાનિયેલે જરાય તડજોડ ન કરી. એનું શું પરિણામ આવ્યું? તેમને સિંહોના બીલમાં ફેંકી દેવામાં આવ્યા. પણ યહોવા દાનિયેલની વફાદારીથી ખુશ હતા, એટલે તેમણે તેમને સિંહોનાં મોંમાંથી બચાવ્યા. (દાનિ. ૬:૧૨-૧૫, ૨૦-૨૨) આપણે કઈ રીતે દાનિયેલની જેમ યહોવાને વફાદાર રહી શકીએ?

૧૨. દાનિયેલ કઈ રીતે દરેક સંજોગમાં યહોવાને વફાદાર રહી શક્યા?

૧૨ આગળ જોઈ ગયા તેમ, પ્રેમનો ગુણ જ આપણને વફાદાર રહેવા મદદ કરે છે. દાનિયેલ યહોવાને વફાદાર રહ્યા, કેમ કે તે પોતાના સ્વર્ગમાંના પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે એ પ્રેમ કઈ રીતે કેળવી શક્યા? એમાં કોઈ શંકા નથી કે દાનિયેલે યહોવાના ગુણો વિશે અને તે એ ગુણો કઈ રીતે બતાવે છે એ વિશે વિચારવા સમય કાઢ્યો હતો. (દાનિ. ૯:૪) તેમણે એનો પણ વિચાર કર્યો કે યહોવાએ તેમના માટે અને પોતાના લોકો માટે કેટલું બધું કર્યું છે અને એ માટે યહોવાનો પુષ્કળ આભાર માન્યો.—દાનિ. ૨:૨૦-૨૩; ૯:૧૫, ૧૬.

જો દાનિયેલની જેમ યહોવા માટેના પ્રેમમાં વધતા જઈશું, તો દરેક સંજોગમાં તેમને વફાદાર રહી શકીશું (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) કેવા સંજોગોમાં આપણા યુવાનો માટે યહોવાને વફાદાર રહેવું અઘરું થઈ જાય છે? દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.) (ખ) વીડિયોમાં જણાવ્યું છે તેમ, જો કોઈ તમને પૂછે કે શું યહોવાના સાક્ષીઓ સજાતીય સંબંધ રાખતા લોકોને ટેકો આપે છે, તો તમે શું કહેશો?

૧૩ દાનિયેલની જેમ આપણા યુવાનો પણ એવા લોકોથી ઘેરાયેલા છે, જેઓને યહોવાની અને તેમનાં ધોરણોની જરાય દરકાર નથી. તેઓને કદાચ એવા લોકો ન ગમે, જેઓની માન્યતા કે વિચારો તેઓ કરતાં અલગ હોય. અમુક લોકો આપણા યુવાનોને કદાચ એટલા હેરાન કરે છે કે તેઓ માટે યહોવાને વફાદાર રહેવું અઘરું થઈ જાય. ચાલો જોઈએ કે ઑસ્ટ્રેલિયામાં રહેતા ગ્રેઆમ નામના યુવાન સાથે શું બન્યું. સ્કૂલમાં હતો ત્યારે તેની સામે એક મુશ્કેલી આવી. તેની શિક્ષિકાએ ક્લાસના દરેક વિદ્યાર્થીને પૂછ્યું: “જો તમારો દોસ્ત તમને કહે કે તે છોકરાઓથી આકર્ષાય છે, તો તમે શું કરશો?” પછી શિક્ષિકાએ કહ્યું કે જે વિદ્યાર્થીઓને લાગે છે કે સજાતીય સંબંધ રાખવામાં કંઈ ખોટું નથી તેઓ એક બાજુ ઊભા રહે અને જેઓને લાગે છે કે એ ખોટું છે તેઓ બીજી બાજુ ઊભા રહે. ગ્રેઆમ કહે છે: “મારા અને બીજા એક સાક્ષી છોકરા સિવાય ક્લાસના બધા વિદ્યાર્થીઓ એક બાજુ જઈને ઊભા રહી ગયા. તેઓને લાગતું હતું કે સજાતીય સંબંધ બાંધવામાં કંઈ ખોટું નથી.” પછી પરિસ્થિતિ વધારે બગડી અને ગ્રેઆમ માટે યહોવાને વફાદાર રહેવું વધારે અઘરું થઈ ગયું. તે કહે છે: “એક કલાકના એ પીરિયડ દરમિયાન ક્લાસના બધા વિદ્યાર્થીઓએ, અરે શિક્ષિકાએ પણ મહેણાં માર્યાં અને અમારું અપમાન કર્યું. મેં ખૂબ જ પ્રેમથી અને પૂરા આદરથી તેઓને મારી માન્યતા સમજાવવાની કોશિશ કરી, પણ તેઓએ મારી એક ન સાંભળી.” એ સમયે ગ્રેઆમને કેવું લાગ્યું? તે કહે છે: “તેઓએ મારું અપમાન કર્યું, એ મને જરાય ન ગમ્યું. પણ હું ખૂબ જ ખુશ હતો, કેમ કે હું યહોવાને વફાદાર રહ્યો અને તેઓને મારી માન્યતા જણાવી શક્યો.” d

૧૪. દરેક સંજોગમાં યહોવાને વફાદાર રહેવાની એક રીત કઈ છે?

૧૪ જો દાનિયેલની જેમ યહોવા માટેના પ્રેમમાં વધતા જઈશું, તો દરેક સંજોગમાં તેમને વફાદાર રહી શકીશું. યહોવાના ગુણો વિશે શીખીએ છીએ ત્યારે તેમના માટેનો પ્રેમ વધે છે. દાખલા તરીકે, આપણે યહોવાએ રચેલી સૃષ્ટિનો અભ્યાસ કરી શકીએ. (રોમ. ૧:૨૦) શું તમે ચાહો છો કે યહોવા માટેનો તમારો પ્રેમ અને આદર વધે? તો તમે “આનો રચનાર કોણ?” શૃંખલામાં આપેલા નાના નાના લેખો વાંચી શકો અથવા વીડિયો જોઈ શકો. તમે વોઝ લાઈફ ક્રિએટેડ? અને જીવન કી શુરૂઆત, પાંચ સવાલ—જવાબ પાના ઝરૂરી મોટી પુસ્તિકાઓ પણ વાંચી શકો. ધ્યાન આપો કે આ સાહિત્ય વિશે ડેન્માર્કમાં રહેતી યુવાન બહેન એસ્ટર શું કહે છે: “આ સાહિત્યમાં એટલી જોરદાર દલીલો કરીને માહિતી સમજાવવામાં આવી છે કે હું શું કહું! એ પુસ્તિકાઓમાં એ નથી જણાવ્યું કે તમારે શામાં માનવું જોઈએ અને શામાં નહિ. એમાં ફક્ત હકીકત બતાવવામાં આવી છે અને તમે પોતે નક્કી કરી શકો કે તમે શામાં માનશો.” બૅન જેના વિશે અગાઉ જોઈ ગયા, તે કહે છે: “એ લેખો અને મોટી પુસ્તિકાઓ વાંચીને મારી શ્રદ્ધા વધારે મજબૂત થઈ. મને પાકી ખાતરી થઈ ગઈ કે ઈશ્વરે જ જીવનની શરૂઆત કરી છે.” એ લેખો અને મોટી પુસ્તિકાઓ વાંચીને તમે પણ બાઇબલની આ વાત સાથે સહમત થશો: “હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.”—પ્રકટી. ૪:૧૧. e

૧૫. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની બીજી રીત કઈ છે?

૧૫ યહોવા માટે પોતાનો પ્રેમ વધારવાની બીજી રીત છે, તેમના દીકરા ઈસુના જીવનમાં બનેલી ઘટનાઓનો અભ્યાસ કરવો. જર્મનીમાં રહેતી યુવાન બહેન સમીરાએ એવું જ કર્યું. તે કહે છે: “ઈસુને ઓળખવાથી હું યહોવાને વધારે સારી રીતે ઓળખી શકી.” નાનપણમાં સમીરાને એ સમજવું અઘરું લાગતું હતું કે યહોવામાં લાગણીઓ છે, તે તેને પ્રેમ કરે છે અને તેના દોસ્ત બની શકે છે. પણ ઈસુની લાગણીઓ તે સારી રીતે સમજતી હતી. સમીરા આગળ કહે છે: “ઈસુ મળતાવડા સ્વભાવના હતા અને તે બાળકોને ખૂબ પ્રેમ કરતા, એટલે મને ઈસુ બહુ જ ગમતા.” તે જેટલું વધારે ઈસુને ઓળખવા લાગી, એટલું વધારે યહોવાને ઓળખી શકી અને તેમને પ્રેમ કરવા લાગી. સમીરા કહે છે: “ધીરે ધીરે હું સમજવા લાગી કે ઈસુ એકદમ તેમના પિતા જેવું જ કરે છે. તેઓ બંને એક જેવા જ છે. હું સમજી ગઈ કે યહોવાએ ઈસુને પૃથ્વી પર મોકલ્યા, એનું એક કારણ એ હતું કે તેમના દ્વારા લોકો યહોવાને સારી રીતે ઓળખી શકે.” (યોહા. ૧૪:૯) શું તમે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા માંગો છો? તો ઈસુને વધારે ઓળખવા બનતું બધું કરો. જો એવું કરશો, તો તમે યહોવા માટેનો પ્રેમ વધારી શકશો અને તેમને વફાદાર રહી શકશો.

૧૬. વફાદાર રહેવાથી કેવા ફાયદા થાય છે? (ગીતશાસ્ત્ર ૧૮:૨૫; મીખાહ ૬:૮)

૧૬ જો બીજાઓને વફાદાર રહીશું, તો મોટા ભાગે તેઓ આપણને વફાદાર રહેશે અને તેઓની સાથે આપણી દોસ્તી હંમેશાં ટકી રહેશે. (રૂથ ૧:૧૪-૧૭) વધુમાં, જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓને મનની શાંતિ અને જીવનમાં સંતોષ મળે છે. શા માટે? કેમ કે યહોવાએ વચન આપ્યું છે કે, જેઓ તેમને વફાદાર રહે છે તેઓને તે વફાદાર રહેશે. (ગીતશાસ્ત્ર ૧૮:૨૫; મીખાહ ૬:૮ વાંચો.) જરા વિચારો, આખા વિશ્વને બનાવનાર મહાન ઈશ્વર આપણા જેવા મામૂલી માણસો સાથે દોસ્તી કરવા માંગે છે. એ તો કેટલી ગજબની વાત કહેવાય! જ્યારે યહોવા સાથેની આપણી દોસ્તી પાકી હોય છે, ત્યારે કોઈ મુશ્કેલી, કોઈ વિરોધી કે પછી મરણ પણ દોસ્તીના એ મજબૂત બંધનને તોડી શકતું નથી. (દાનિ. ૧૨:૧૩; લૂક ૨૦:૩૭, ૩૮; રોમ. ૮:૩૮, ૩૯) એટલે કેટલું જરૂરી છે કે આપણે દરેક જણ દાનિયેલ જેવા બનીએ અને યહોવાને હંમેશાં વફાદાર રહીએ!

દાનિયેલ પાસેથી શીખતા રહીએ

૧૭-૧૮. આવતા લેખમાં આપણે શું શીખીશું?

૧૭ આ લેખમાં આપણે દાનિયેલના ફક્ત બે ગુણો પર ચર્ચા કરી. પણ આપણે તેમની પાસેથી બીજું પણ ઘણું શીખી શકીએ છીએ. જેમ કે, યહોવાએ દાનિયેલને ઘણાં દર્શનો અને સપનાઓ બતાવ્યાં. એટલું જ નહિ, તેમણે દાનિયેલને ભવિષ્યવાણીઓનો અર્થ સમજાવવાની કાબેલિયત પણ આપી. એમાંની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે. જોકે, અમુક ભવિષ્યવાણીઓમાં ભાવિમાં બનનારી ઘટનાઓ વિશે જણાવ્યું છે, જેની અસર પૃથ્વી પર રહેનાર દરેક માનવીને થવાની છે.

૧૮ આવતા લેખમાં આપણે દાનિયેલે નોંધેલી બે ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરીશું. એ સમજવાથી આપણને બધાને સારા નિર્ણયો લેવા મદદ મળશે, પછી ભલે આપણે વૃદ્ધ હોઈએ કે યુવાન. એ ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાથી આપણી હિંમત વધશે અને યહોવા માટેની આપણી વફાદારી વધારે મજબૂત થશે. આમ, એ બનાવો માટે તૈયાર રહી શકીશું, જે બહુ જ જલદી બનવાના છે.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

a આજે યહોવાની ભક્તિ કરતા યુવાનો સામે ઘણી વાર એવા સંજોગો આવે છે, જ્યારે તેઓને હિંમત બતાવવી અને યહોવાને વફાદાર રહેવું મુશ્કેલ લાગી શકે છે. તેઓ માને છે કે ઈશ્વરે બધું બનાવ્યું છે, એટલે કદાચ સાથે ભણતા વિદ્યાર્થીઓ તેઓની મજાક ઉડાવે. અથવા તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે અને તેમનાં ધોરણો પ્રમાણે જીવે છે, એટલે બીજા વિદ્યાર્થીઓ કદાચ તેઓને એવો અહેસાસ કરાવે કે તેઓ મૂર્ખ છે. પણ આ લેખમાં આપણે જોઈશું કે જેઓ પ્રબોધક દાનિયેલને પગલે ચાલે છે તેમજ હિંમત અને વફાદારીથી યહોવાની ભક્તિ કરે છે, તેઓ સાચે જ બુદ્ધિશાળી છે.

b તેઓનાં એ નામ બાબેલોનીઓએ પાડ્યાં હતાં.

c દાનિયેલે કદાચ ત્રણ કારણોને લીધે બાબેલોનના લોકોનો ખોરાક ખાવાની ના પાડી હતી: (૧) એ કદાચ એવા પ્રાણીઓનું માંસ હતું, જે ખાવાની મૂસાના નિયમશાસ્ત્રમાં ના પાડી હતી. (પુન. ૧૪:૭, ૮) (૨) કદાચ એ પ્રાણીઓનું લોહી બરાબર રીતે વહેવડાવવામાં આવતું ન હતું. (લેવી. ૧૭:૧૦-૧૨) (૩) જૂઠા દેવોના ભક્તો પહેલા પોતાના દેવો આગળ પ્રાણીઓનો બલિ ચઢાવતા. એટલે એ માંસ ખાવાને જૂઠા દેવોની ભક્તિ કરવા બરાબર ગણવામાં આવતું.—લેવીય ૭:૧૫ અને ૧ કોરીંથીઓ ૧૦:૧૮, ૨૧, ૨૨ સરખાવો.

d jw.org/gu પર આ વીડિયો જુઓ: સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે.

e યહોવા માટેના પ્રેમમાં વધતા જવા તમે યહોવા કે કરીબ આઓ પુસ્તકનો પણ અભ્યાસ કરી શકો છો. એની મદદથી તમે યહોવાના ગુણો અને સ્વભાવ વિશે વધારે જાણી શકશો.