અભ્યાસ લેખ ૩૫
ધીરજ બતાવતા રહીએ
“ધીરજ પહેરી લો.”—કોલો. ૩:૧૨.
ગીત ૩૫ યહોવાની ધીરજ
ઝલક a
૧. આપણને કેમ ધીરજ બતાવતા લોકો ગમે છે?
આપણને દરેકને ધીરજ બતાવતા લોકો ગમે છે. એવું કેમ? કેમ કે આપણા મનમાં એવા લોકો માટે માન ઊપજે છે, જેઓ કંટાળ્યા વગર કશાની રાહ જુએ છે. જ્યારે આપણાથી ભૂલ થઈ જાય અને બીજાઓ ધીરજ બતાવે, ત્યારે આપણને એ ગમે છે. આપણે બાઇબલમાંથી શીખતા હતા ત્યારે કદાચ બાઇબલની કોઈ વાત સમજવા, એને સ્વીકારવા અથવા જીવનમાં લાગુ પાડવા આપણને સમય લાગ્યો હતો. તોપણ આપણને શીખવનાર ભાઈ કે બહેને ધીરજ બતાવી, એ માટે આપણે તેમના આભારી છીએ. સૌથી મહત્ત્વનું, આપણે યહોવાના આભારી છીએ, કેમ કે તે આપણી સાથે ધીરજથી વર્તે છે.—રોમ. ૨:૪.
૨. કેવા સંજોગોમાં ધીરજ બતાવી અઘરું લાગી શકે?
૨ બીજાઓ ધીરજ બતાવે એ આપણને ગમે છે, પણ પોતે એમ કરવું હંમેશાં સહેલું ન લાગે. દાખલા તરીકે, જ્યારે ટ્રાફિકમાં ફસાયા હોઈએ અને ઉપરથી મોડું થતું હોય, ત્યારે કદાચ આપણે અધીરા થઈ જઈએ. કોઈ આપણને ચીડવે તો કદાચ પિત્તો ગુમાવી બેસીએ. અમુક વાર તો યહોવાએ વચન આપેલી નવી દુનિયાની રાહ જોવી અઘરું લાગે. શું તમે વધારે ધીરજ બતાવવા માંગો છો? આ લેખમાં આપણે જોઈશું કે ધીરજ બતાવવાનો અર્થ શું થાય અને એ બતાવવી કેમ જરૂરી છે. પછી જોઈશું કે ધીરજ બતાવવા શાનાથી મદદ મળી શકે છે.
ધીરજ બતાવવાનો અર્થ શું થાય?
૩. કોઈ ગુસ્સો અપાવે ત્યારે ધીરજ બતાવનાર વ્યક્તિ શું કરે છે?
૩ ચાલો, ધીરજ બતાવવાની ચાર રીતો પર ચર્ચા કરીએ. પહેલી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ જલદી ગુસ્સે થતી નથી. જ્યારે બીજાઓ તેને ગુસ્સો અપાવે છે, ત્યારે તે શાંત રહે છે અને બદલો વાળતી નથી. એટલું જ નહિ, તણાવમાં હોય ત્યારે તે બીજાઓ સાથે ખરાબ રીતે વર્તતી નથી. બાઇબલમાં યહોવા વિશે લખ્યું છે કે તે “દયા અને કરુણા બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર” છે. (નિર્ગ. ૩૪:૬) બાઇબલમાં આ પહેલી એવી જગ્યા છે, જ્યાં ‘જલદી ગુસ્સે ન થવા’ વિશે જણાવ્યું છે.
૪. ધીરજ બતાવનાર વ્યક્તિએ જ્યારે રાહ જોવી પડે છે, ત્યારે તે શું કરે છે?
૪ બીજી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ શાંતિથી રાહ જોઈ શકે છે. જો કોઈ કામ ધારેલા સમયે ન થાય અને એ વધારે સમય લઈ લે, તો તે ઊંચી-નીચી થઈ જતી નથી અથવા અકળાઈ ઊઠતી નથી. (માથ. ૧૮:૨૬, ૨૭) ઘણા સંજોગોમાં શાંતિથી રાહ જોવાની જરૂર પડે છે. જેમ કે, કોઈ વાત કરતું હોય ત્યારે, ધ્યાનથી સાંભળવું જોઈએ અને વચ્ચે વચ્ચે તેમને ટોકવા ના જોઈએ. (અયૂ. ૩૬:૨) જ્યારે બાઇબલ વિદ્યાર્થીને બાઇબલનું કોઈ શિક્ષણ સમજવા અથવા ખરાબ આદત છોડવા મદદ કરતા હોઈએ, ત્યારે પણ આપણે ધીરજ બતાવવાની જરૂર પડે.
૫. ધીરજ બતાવવાની બીજી એક રીત કઈ છે?
૫ ત્રીજી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ ઉતાવળે કામ કરતી નથી. ખરું કે, અમુક કામ જલદી પતાવવાનાં હોય છે. પણ જ્યારે ધીરજ બતાવનાર વ્યક્તિએ કોઈ જરૂરી કામ કરવાનું હોય છે, ત્યારે તે એને શરૂ કરવામાં અને પૂરું કરવામાં ઉતાવળ કરતી નથી. એના બદલે, તે પહેલા થોડો સમય કાઢીને યોજના બનાવે છે કે કઈ રીતે એ કામ પૂરું કરશે. પછી એ કામ માટે તે પૂરતો સમય ફાળવે છે.
૬. ધીરજ બતાવનાર વ્યક્તિ મુશ્કેલીઓ દરમિયાન શું કરે છે?
૬ ચોથી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ રોદણાં રડ્યા વગર મુશ્કેલીઓ સહન કરે છે. આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે અને આપણને કેવું લાગે છે, એ વિશે પોતાના દોસ્તને જણાવવામાં કંઈ ખોટું નથી. જોકે, ધીરજ બતાવનાર વ્યક્તિ પોતાના જીવનની સારી વાતો પર પણ ધ્યાન આપશે. તેમ જ, તે મુશ્કેલીઓમાં પણ ખુશીથી યહોવાની ભક્તિ કરવાનો પ્રયત્ન કરશે. (કોલો. ૧:૧૧) યહોવાના સેવકોએ એ બધી રીતોએ ધીરજ બતાવવી જોઈએ. પણ ધીરજ બતાવવી કેમ જરૂરી છે? ચાલો અમુક કારણો પર ધ્યાન આપીએ.
ધીરજ બતાવવી કેમ જરૂરી છે?
૭. યાકૂબ ૫:૭, ૮ પ્રમાણે, ધીરજ બતાવવી કેમ ખૂબ જરૂરી છે? (ચિત્ર પણ જુઓ.)
૭ ધીરજ બતાવવાથી જ આપણો ઉદ્ધાર થશે. પહેલાંના સમયના વફાદાર ઈશ્વરભક્તોએ ઈશ્વરનાં વચનો પૂરાં થવાની ધીરજથી રાહ જોઈ. (હિબ્રૂ. ૬:૧૧, ૧૨) એવી જ રીતે, આપણે પણ ધીરજ બતાવવાની છે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એક ખેડૂત જેવા છીએ. (યાકૂબ ૫:૭, ૮ વાંચો.) એક ખેડૂત બી વાવવા અને એને પાણી પાવા સખત મહેનત કરે છે. પણ તે જાણતો નથી કે બી ક્યારે ઊગશે, કેમ કે તેને ખબર નથી હોતી કે ક્યારે સૂરજનો પ્રકાશ નીકળશે અથવા ક્યારે વરસાદ પડશે. એટલે તે ધીરજ રાખે છે. તેને પૂરો ભરોસો હોય છે કે તેને મહેનતનાં ફળ જરૂર મળશે. એવી જ રીતે, આજે આપણે પણ “જાણતા નથી કે આપણા માલિક કયા દિવસે આવે છે,” તોપણ આપણે ભક્તિનાં કામોમાં લાગુ રહીએ છીએ. (માથ. ૨૪:૪૨) આપણે ધીરજ બતાવીએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે યહોવા યોગ્ય સમયે પોતાનું દરેક વચન જરૂર પૂરું કરશે. જો ધીરજ ગુમાવી બેસીશું, તો કદાચ રાહ જોવી અઘરું થઈ જશે અને ધીમે ધીમે યહોવાથી દૂર જવા લાગીશું. બની શકે કે આપણે એવી વસ્તુઓ ભેગી કરવા લાગી જઈએ, જેનાથી કદાચ બસ ઘડીભર ખુશી મળે છે. પણ જો ધીરજ બતાવીશું, તો અંત સુધી ટકી શકીશું અને આપણો ઉદ્ધાર થશે.—મીખા. ૭:૭; માથ. ૨૪:૧૩.
૮. ધીરજનો ગુણ કઈ રીતે બીજાઓ સાથે સંબંધ જાળવી રાખવા મદદ કરે છે? (કોલોસીઓ ૩:૧૨, ૧૩)
૮ બીજાઓ સાથેનો સંબંધ જાળવી રાખવા ધીરજનો ગુણ મદદ કરે છે. જો આપણામાં ધીરજ હશે, તો આપણે બીજાઓની વાત ધ્યાનથી સાંભળીશું. (યાકૂ. ૧:૧૯) ધીરજને લીધે આપણી શાંતિ પણ અકબંધ રહે છે. તણાવમાં કે ચિંતામાં હોઈશું ત્યારે આપણે વિચાર્યા વગર કંઈ કરીશું નહિ અને એલફેલ બોલીશું નહિ. કોઈ ઠેસ પહોંચાડે ત્યારે જલદી ઊકળી ઊઠીશું નહિ. ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે ‘એકબીજાનું સહન કરીશું અને એકબીજાને દિલથી માફ કરીશું.’—કોલોસીઓ ૩:૧૨, ૧૩ વાંચો.
૯. ધીરજનો ગુણ કઈ રીતે સારા નિર્ણયો લેવા મદદ કરે છે? (નીતિવચનો ૨૧:૫)
૯ ધીરજનો ગુણ સારા નિર્ણયો લેવા પણ મદદ કરી શકે છે. આપણે વિચાર્યા વગર કે ઉતાવળે કોઈ પગલું નહિ ભરીએ. એને બદલે, થોડો સમય લઈને સંશોધન કરીશું અને વિચારીશું કે શું કરવું સારું રહેશે. (નીતિવચનો ૨૧:૫ વાંચો.) દાખલા તરીકે, જો આપણે નોકરી શોધતા હોઈએ, તો કદાચ થાય કે જે નોકરી મળે એ સ્વીકારી લઈએ, પછી ભલેને પ્રચાર અને સભાઓ માટે સમય જ ન બચે. પણ જો આપણામાં ધીરજ હશે, તો થોડો સમય કાઢીને વિચારીશું કે નોકરી માટે કેટલું દૂર જવું પડશે, એમાં કેટલો સમય આપવો પડશે તેમજ એનાથી કુટુંબ અને યહોવા સાથેના સંબંધ પર કેવી અસર પડશે. જો ધીરજ રાખીશું, તો એવો કોઈ નિર્ણય નહિ લઈએ, જેનાથી પસ્તાવાનો વારો આવે.
આપણે કઈ રીતે વધારે ધીરજ બતાવી શકીએ?
૧૦. ધીરજનો ગુણ કેળવવા અને એને પોતાનો સ્વભાવ બનાવવા એક વ્યક્તિ શું કરી શકે?
૧૦ વધારે ધીરજ બતાવવા પ્રાર્થના કરીએ. ધીરજ પવિત્ર શક્તિના ગુણનો એક ભાગ છે. (ગલા. ૫:૨૨, ૨૩) એટલે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગી શકીએ અને ધીરજનો ગુણ કેળવવા યહોવા પાસે મદદ માંગી શકીએ. જો કોઈ સંજોગમાં ધીરજ બતાવવી અઘરું લાગે, તો પવિત્ર શક્તિ ‘માંગતા રહીએ,’ જેથી ધીરજ રાખી શકીએ. (લૂક ૧૧:૯, ૧૩) આપણે એવી પણ વિનંતી કરી શકીએ કે યહોવા સંજોગોને તેમની નજરે જોવા મદદ કરે. એ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ધીરજ બતાવવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો ધીરજ બતાવવા પ્રાર્થના અને પ્રયત્ન કરતા રહીશું, તો યહોવા આપણને ધીરજવાન બનવા મદદ કરશે. પછી એ ગુણ આપણા સ્વભાવમાં વણાઈ જશે.
૧૧-૧૨. યહોવાએ કઈ રીતે ધીરજ બતાવી છે?
૧૧ બાઇબલમાં આપેલા દાખલાઓ પર મનન કરીએ. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું છે, જેઓએ ધીરજ બતાવી હતી. તેઓના અહેવાલો પર મનન કરીને શીખી શકીશું કે કેવા અલગ અલગ સંજોગોમાં આપણે ધીરજ બતાવી શકીએ છીએ. ચાલો અમુક ઈશ્વરભક્તો વિશે જોઈએ. પણ એ પહેલાં યહોવાનો વિચાર કરીએ, જેમણે ધીરજ બતાવવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે.
૧૨ એદન બાગમાં શેતાને યહોવાનું નામ બદનામ કર્યું. તેણે આરોપ મૂક્યો કે યહોવા સારા રાજા નથી અને માણસોને પ્રેમ કરતા નથી. યહોવા એ જ ઘડીએ શેતાનનો નાશ કરી શકતા હતા. પણ યહોવાએ સંયમ રાખ્યો અને ધીરજ બતાવી. કેમ કે તે જાણતા હતા કે તેમનું રાજ સૌથી સારું છે એ સાબિત થવામાં સમય લાગશે. પણ એ સાબિત થાય ત્યાં સુધી યહોવા પોતાના નામ પર લાગેલું કલંક પણ સહી રહ્યા છે. ધીરજનો કેટલો સુંદર દાખલો! બીજા એક કારણને લીધે પણ યહોવા ધીરજ બતાવે છે. તેમની ઇચ્છા છે કે વધારે ને વધારે લોકોને હંમેશ માટે જીવવાનો મોકો મળે. (૨ પિત. ૩:૯, ૧૫) પરિણામે, લાખો લોકો યહોવાને ઓળખી શક્યા છે. એટલે ધ્યાન આપીએ કે યહોવાની ધીરજથી કેટલો બધો ફાયદો થઈ રહ્યો છે. જો એમ કરીશું, તો યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે ત્યાં સુધી ધીરજ બતાવવી આપણા માટે સહેલું થઈ જશે.
૧૩. ધીરજ બતાવવામાં ઈસુ કઈ રીતે એકદમ તેમના પિતા જેવા છે? (ચિત્ર પણ જુઓ.)
૧૩ ધીરજ બતાવવામાં ઈસુ એકદમ તેમના પિતા જેવા છે. પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ ઘણી વાર ધીરજ બતાવી. પણ તેમના માટે દરેક સમયે ધીરજ બતાવવી સહેલું નહિ રહ્યું હોય, ખાસ કરીને ઢોંગી શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથેના વ્યવહારમાં. (યોહા. ૮:૨૫-૨૭) તોપણ ઈસુ પોતાના પિતાની જેમ જલદી ગુસ્સે થતા ન હતા. જ્યારે તેમને બદનામ કરવામાં આવ્યા અને ઉશ્કેરવામાં આવ્યા, ત્યારે તેમણે બદલો ન લીધો. (૧ પિત. ૨:૨૩) મુશ્કેલીઓ આવી ત્યારે તેમણે કચકચ ન કરી, પણ બધું ધીરજથી સહન કર્યું. એટલે આપણને કહેવામાં આવ્યું છે કે ‘ઈસુ પર પૂરું ધ્યાન આપીએ, જેમણે પાપીઓનાં કડવા વેણ સહન કર્યાં.’ (હિબ્રૂ. ૧૨:૨, ૩) યહોવાની મદદથી આપણે પણ ધીરજ રાખી શકીએ છીએ, પછી ભલેને આપણી સામે ગમે એવી મુશ્કેલી આવે.
૧૪. ઇબ્રાહિમે બતાવેલી ધીરજમાંથી આપણે શું શીખી શકીએ? (હિબ્રૂઓ ૬:૧૫) (ચિત્ર પણ જુઓ.)
૧૪ ઘણાં ભાઈ-બહેનો લાંબા સમયથી અંતની રાહ જુએ છે. પણ હવે તેઓને લાગે છે કે તેઓના જીવતેજીવ અંત નહિ આવે. એવું લાગે ત્યારે ધીરજ રાખવા શાનાથી મદદ મળી શકે? ઇબ્રાહિમના દાખલા પર વિચાર કરો. તે ૭૫ વર્ષના હતા અને તેમને કોઈ બાળક ન હતું ત્યારે યહોવાએ તેમને વચન આપ્યું હતું: “હું તને મહાન પ્રજા બનાવીશ.” (ઉત. ૧૨:૧-૪) શું ઇબ્રાહિમે એ વચન પૂરું થતા જોયું? ના, પૂરેપૂરી રીતે નહિ. યુફ્રેટિસ નદી પાર કર્યા પછી તેમણે ૨૫ વર્ષ રાહ જોઈ. એ પછી યહોવાએ એક ચમત્કાર કર્યો અને ઇબ્રાહિમના દીકરા ઇસહાકનો જન્મ થયો. પછી એના ૬૦ વર્ષ બાદ તેમના બે પૌત્ર એસાવ અને યાકૂબનો જન્મ થયો. (હિબ્રૂઓ ૬:૧૫ વાંચો.) પણ ઇબ્રાહિમે ક્યારેય પોતાના વંશજોને મહાન પ્રજા બનતા અને વચન આપેલા દેશનો વારસો મેળવતા ન જોયા. જોકે, એ વફાદાર માણસની પોતાના સર્જનહાર સાથેની મિત્રતામાં જરાય ઓટ ન આવી. એ તો મજબૂત ને મજબૂત થતી ગઈ. (યાકૂ. ૨:૨૩) જરા વિચારો, જ્યારે ઇબ્રાહિમને જીવતા કરવામાં આવશે, ત્યારે તેમને એ જાણીને કેટલી ખુશી થશે કે તેમની શ્રદ્ધા અને ધીરજને લીધે દરેક પ્રજાને આશીર્વાદો મળ્યા! (ઉત. ૨૨:૧૮) એમાંથી આપણે શું શીખી શકીએ? બની શકે કે આપણે હમણાં જ યહોવાનું દરેક વચન પૂરું થતા ન જોઈએ. તોપણ જો ઇબ્રાહિમની જેમ ધીરજ બતાવીશું, તો ખાતરી રાખી શકીશું કે યહોવા આજે આપણને ઇનામ આપશે અને નવી દુનિયામાં એનાથી પણ વધારે આશીર્વાદો આપશે.—માર્ક ૧૦:૨૯, ૩૦.
૧૫. આપણે શાના વિશે અભ્યાસ કરી શકીએ?
૧૫ બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ ધીરજ બતાવી હતી. (યાકૂ. ૫:૧૦) સારું રહેશે કે આપણે એ દાખલાઓનો અભ્યાસ કરીએ. b જેમ કે, દાઉદ વિશે અભ્યાસ કરી શકીએ. તેમનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો ત્યારે તે ઘણા નાના હતા. પણ રાજા બનવા માટે તેમણે ઘણાં વર્ષો રાહ જોવી પડી. શિમયોન અને હાન્નાએ મસીહને જોવા વર્ષો સુધી રાહ જોઈ અને એ દરમિયાન તેઓ બંને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યાં. (લૂક ૨:૨૫, ૩૬-૩૮) એ અહેવાલો વાંચતી વખતે આ સવાલોનો વિચાર કરો: ‘એ ઈશ્વરભક્ત કેમ ધીરજ બતાવી શક્યા? ધીરજ બતાવવાને લીધે તેમને કેવા ફાયદા થયા? હું કેવી રીતે તેમના પગલે ચાલી શકું?’ તમે એવા લોકોના પણ અહેવાલ વાંચી શકો જેઓએ ધીરજ બતાવી ન હતી. (૧ શમુ. ૧૩:૮-૧૪) તેઓ વિશે અભ્યાસ કરતી વખતે વિચારી શકો: ‘તેઓ કેમ ધીરજ બતાવી ન શક્યા? એના લીધે તેઓએ કેવાં પરિણામો ભોગવવાં પડ્યાં?’
૧૬. ધીરજ બતાવવાના અમુક ફાયદા કયા છે?
૧૬ વિચારો કે ધીરજ બતાવવાથી કેવા ફાયદા થાય છે. ધીરજ બતાવીએ છીએ ત્યારે વધારે ખુશ અને શાંત રહીએ છીએ. આપણી તંદુરસ્તી સારી રહે છે અને કારણ વગરનો તણાવ રહેતો નથી. ધીરજ રાખીએ છીએ ત્યારે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. મંડળમાં એકતાનું બંધન વધારે મજબૂત થાય છે. કોઈ આપણને ચીડવે ત્યારે આપણે જલદી ગુસ્સે થઈ જતા નથી અને રાઈનો પહાડ બનતો નથી. (ગીત. ૩૭:૮, ફૂટનોટ; નીતિ. ૧૪:૨૯) સૌથી મહત્ત્વનું તો, ધીરજ રાખવાથી આપણે પિતા યહોવા જેવા બનીએ છીએ અને તેમની વધારે નજીક જઈએ છીએ.
૧૭. આપણે શું કરવાનો પાકો નિર્ણય લેવો જોઈએ?
૧૭ સાચે જ, ધીરજ કેટલો સુંદર ગુણ છે અને એનાથી કેટલા બધા ફાયદા થાય છે! ધીરજ બતાવવી હંમેશાં સહેલું નથી હોતું, પણ યહોવાની મદદથી આપણે એ ગુણ વધારે કેળવી શકીએ છીએ. ધીરજથી નવી દુનિયાની રાહ જોઈએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ કે “જેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે, તેઓ પર તેમની રહેમનજર છે.” (ગીત. ૩૩:૧૮) તો ચાલો પાકો નિર્ણય લઈએ કે હંમેશાં ધીરજ પહેરી રાખીશું.
ગીત ૬ અમારી પ્રાર્થના
a આજે શેતાનની દુનિયામાં મોટા ભાગના લોકો ધીરજ બતાવતા નથી. પણ બાઇબલમાં લખ્યું છે કે આપણે ધીરજ પહેરી લેવાની છે. આ લેખમાં જોઈશું કે એ ગુણ કેમ મહત્ત્વનો છે અને આપણે કઈ રીતે વધારે ધીરજ બતાવી શકીએ.
b ધીરજ રાખવા વિશે બાઇબલમાં ઘણા અહેવાલો છે. એ વિશે વધારે જાણવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “લાગણીઓ, ગુણો અને વર્તન” વિષય નીચે આપેલું ગૌણમથાળું “ધીરજ” જુઓ.