સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૧

ગીત ૨ યહોવા તારો આભાર

માણસોને પાપ અને મરણમાંથી બચાવવા યહોવાએ શું કર્યું છે?

માણસોને પાપ અને મરણમાંથી બચાવવા યહોવાએ શું કર્યું છે?

“ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો.”યોહા. ૩:૧૬.

આપણે શું શીખીશું?

આપણે પાપ સામે લડાઈ લડી શકીએ એ માટે યહોવાએ શું કર્યું છે? આપણામાંથી પાપ દૂર થાય અને આપણે હંમેશ માટે જીવી શકીએ એ માટે યહોવાએ શું કર્યું?

૧-૨. (ક) પાપ એટલે શું? એની સામેની લડાઈમાં આપણે કઈ રીતે જીતી શકીએ છીએ? (“શબ્દોની સમજ” પણ જુઓ.) (ખ) આ લેખમાં અને ચોકીબુરજના આ અંકના બીજા લેખોમાં શાની ચર્ચા કરીશું? (આ અંકમાં છેલ્લે આપેલો આ લેખ પણ જુઓ: “વાચકો માટે નોંધ”)

 શું તમારે જાણવું છે કે યહોવા ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે? એ સવાલનો જવાબ જાણવાની એક રીત છે: તમને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાએ શું કર્યું છે, એનો અભ્યાસ કરો. પાપ a એક ખતરનાક દુશ્મન છે. તમે પોતાનાં બાવડાંના જોરે એની સામે લડી નથી શકતા. આપણે બધા જ લોકો દરરોજ પાપ કરીએ છીએ અને પાપને લીધે આપણું મરણ થાય છે. (રોમ. ૫:૧૨) પણ એક સારા સમાચાર છે. યહોવાની મદદથી આપણે પાપને હરાવી શકીએ છીએ. હકીકતમાં, આપણી જીત એકદમ પાકી છે.

આશરે ૬,૦૦૦ વર્ષોથી યહોવા ઈશ્વર માણસોને મદદ કરતા આવ્યા છે. એ માટે કે તેઓ પાપી હોવા છતાં તેમની સાથે સારો સંબંધ બાંધી શકે. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. મનુષ્યોને બનાવ્યા એ સમયથી જ તેમણે તેઓને પ્રેમ કર્યો છે. એટલે પાપ સામેની લડાઈમાં તેઓને મદદ કરવા તે એટલી હદે ગયા છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. ઈશ્વર જાણે છે કે પાપનું પરિણામ મરણ છે અને તે નથી ચાહતા કે આપણું મરણ થાય. તે તો ચાહે છે કે આપણે હંમેશ માટે જીવીએ. (રોમ. ૬:૨૩) તમારા માટે પણ તેમની એ જ ઇચ્છા છે. આ લેખમાં ત્રણ સવાલોની ચર્ચા કરીશું: (૧) પાપી માણસોને યહોવાએ કઈ આશા આપી? (૨) બાઇબલ સમયના પાપી માણસોએ યહોવાની કૃપા મેળવવા શું કર્યું? (૩) માણસોને પાપમાંથી છોડાવવા ઈસુએ શું કર્યું?

પાપી માણસોને યહોવાએ કઈ આશા આપી?

૩. આપણાં પ્રથમ માબાપ કઈ રીતે પાપી બન્યાં?

જ્યારે યહોવાએ પ્રથમ પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં, ત્યારે તે ચાહતા હતા કે તેઓ ખુશ રહે. તેમણે તેઓને સુંદર ઘર અને લગ્‍નની ભેટ આપી. એક સરસ મજાનું કામ પણ આપ્યું. તેઓએ આખી પૃથ્વીને પોતાનાં બાળકોથી ભરવાની હતી અને એને એદન બાગ જેવી સુંદર બનાવવાની હતી. તેમણે તેઓને ફક્ત એક સાદી આજ્ઞા આપી. તેમણે ચેતવણી પણ આપી કે જો તેઓ જાણીજોઈને એ આજ્ઞા તોડશે, તો તેઓનું મરણ થશે. પછી શું થયું એ આપણે સારી રીતે જાણીએ છીએ. એક દુષ્ટ દૂતે આદમ-હવાને ઈશ્વરની આજ્ઞા તોડવા લલચાવ્યાં. એ દૂતને ન ઈશ્વર માટે પ્રેમ હતો, ન માણસો માટે. દુઃખની વાત છે કે આદમ અને હવા એ દૂતની વાતોમાં આવી ગયાં. તેઓએ પોતાના પ્રેમાળ પિતા પર ભરોસો ન મૂક્યો. તેમની આજ્ઞા પાળવાને બદલે તેઓએ પાપ કર્યું. આપણે જાણીએ છીએ તેમ યહોવાના શબ્દો સાચા પડ્યા. પાપ કર્યું એ જ દિવસથી તેઓએ એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. તેઓ ઘરડાં થયાં અને આખરે તેઓનું મરણ થયું.—ઉત. ૧:૨૮, ૨૯; ૨:૮, ૯, ૧૬-૧૮; ૩:૧-૬, ૧૭-૧૯, ૨૪; ૫:૫.

૪. યહોવા કેમ પાપને ધિક્કારે છે? તે કેમ આપણને પાપ સામેની લડાઈ લડવા મદદ કરે છે? (રોમનો ૮:૨૦, ૨૧)

યહોવાએ એ અહેવાલ આપણા ભલા માટે લખાવી દીધો છે. એનાથી એ સમજવા મદદ મળે છે કે યહોવા કેમ પાપને આટલું ધિક્કારે છે. પાપ આપણને યહોવા પિતાથી દૂર લઈ જાય છે અને એનું પરિણામ મરણ છે. (યશા. ૫૯:૨) શેતાનને યહોવા અને માણસો માટે જરાય પ્રેમ નથી. એટલે તેણે આદમ-હવાને પાપ કરવા લલચાવ્યાં અને આજે પણ તે માણસોને પાપ કરવા લલચાવી રહ્યો છે. કદાચ તેણે વિચાર્યું હશે કે એદન બાગમાં તેને મોટી જીત મળી છે. પણ તે ભૂલી ગયો કે યહોવા કેટલા પ્રેમાળ છે. યહોવાએ આદમ-હવાના વંશજો માટેનો પોતાનો હેતુ કદી બદલ્યો નથી. તે મનુષ્યોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તેમણે તરત જ તેઓને એક આશા આપી. (રોમનો ૮:૨૦, ૨૧ વાંચો.) યહોવા જાણતા હતા કે આદમ-હવાના અમુક વંશજો તેમને પ્રેમ કરશે અને પાપ સામેની લડાઈ લડવા તેમની પાસે મદદ માંગશે. એક પિતા અને સર્જનહાર તરીકે તે તેઓ માટે એક માર્ગ ખોલવાના હતા, જેથી તેઓને પાપથી આઝાદી મળે અને તેઓ યહોવાની નજીક જાય. એ બધું શક્ય બનાવવા યહોવા શું કરવાના હતા?

૫. યહોવાએ પાપી માણસ માટે આશાની પહેલી ઝલક ક્યારે આપી? ઉત્પત્તિ ૩:૧૫માં શું ભાખ્યું હતું?

ઉત્પત્તિ ૩:૧૫ વાંચો. જ્યારે યહોવાએ શેતાનને સજા ફરમાવી, ત્યારે આશાની પહેલી ઝલક આપી. યહોવાએ ભાખ્યું હતું કે એક વંશજ માણસજાતને પાપથી છોડાવશે. એ વંશજ સમય જતાં શેતાનને કચડી નાખવાનો હતો અને એદન બાગમાં શેતાને ઊભી કરેલી બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો. (૧ યોહા. ૩:૮) પણ એ પહેલાં શેતાન એ વંશજની એડીએ ડંખ મારવાનો હતો, એટલે કે તેને મારી નાખવાનો હતો. એનાથી યહોવાને એટલું ભારે દુઃખ પહોંચવાનું હતું, જે આપણી સમજની બહાર છે. પણ યહોવા અને એ વંશજ રાજીખુશીથી એ દુઃખ સહેવા તૈયાર હતા. કેમ કે આખરે તો એના લીધે જ અગણિત માણસો પાપ અને મરણથી આઝાદ થવાના હતા.

બાઇબલ સમયના પાપી માણસોએ યહોવાની કૃપા મેળવવા શું કર્યું?

૬. હાબેલ, નૂહ અને બીજા વફાદાર ઈશ્વરભક્તોએ યહોવાની નજીક જવા શું કર્યું?

ધીરે ધીરે યહોવાએ વધારે સ્પષ્ટ કર્યું કે પાપી માણસો કઈ રીતે તેમની નજીક આવી શકે છે. હાબેલ આદમ-હવાનો બીજો દીકરો હતો. એદન બાગમાં બળવો થયો એ પછી યહોવામાં શ્રદ્ધા મૂકનાર તે પહેલો માણસ હતો. તે યહોવાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેમને ખુશ કરવા માંગતો હતો. તે તેમની નજીક જવા માંગતો હતો. એટલે તેણે એક અર્પણ ચઢાવ્યું. હાબેલ ઘેટાંપાળક હતો. તે પોતાનાં ટોળાંમાંથી ઘેટાંનાં અમુક બચ્ચાં લાવ્યો અને યહોવા આગળ તેઓનું અર્પણ ચઢાવ્યું. બદલામાં યહોવાએ શું કર્યું? તેમણે “હાબેલનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો.” (ઉત. ૪:૪) યહોવાએ એવી જ રીતે બીજા લોકોનાં અર્પણનો પણ સ્વીકાર કર્યો, જેઓ તેમને પ્રેમ કરતા હતા અને તેમના પર શ્રદ્ધા રાખતા હતા. જેમ કે, નૂહ. (ઉત. ૮:૨૦, ૨૧) એ અર્પણો સ્વીકારીને યહોવાએ બતાવી આપ્યું કે પાપી માણસો તેમની કૃપા મેળવી શકતા હતા અને તેમની નજીક જઈ શકતા હતા. b

૭. ઇબ્રાહિમ રાજીખુશીથી પોતાના વહાલા દીકરાનું બલિદાન ચઢાવવા તૈયાર હતા. એમાંથી આપણે શું શીખી શકીએ?

હવે ચાલો ઇબ્રાહિમ વિશે જોઈએ. તેમની શ્રદ્ધા અજોડ હતી. યહોવાએ તેમને એક બહુ જ અઘરું કામ સોંપ્યું. તેમણે પોતાના દીકરા ઇસહાકનું બલિદાન ચઢાવવાનું હતું. શું તમે એ બાપની વેદનાનો વિચાર કરી શકો છો, જેણે પોતાના દીકરાનો જીવ લેવાનો છે? એવું કરવું તો દૂરની વાત, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમ છતાં ઇબ્રાહિમ યહોવાની આજ્ઞા પાળવા તૈયાર હતા. તે પોતાના દીકરાનો જીવ લેવાના જ હતા, પણ છેલ્લી ઘડીએ ઈશ્વરે તેમને રોકી દીધા. એ દાખલાથી શું શીખવા મળે છે? એ જ કે આગળ જતાં યહોવા વફાદાર લોકો માટે રાજીખુશીથી પોતાના સૌથી વહાલા દીકરાનું બલિદાન ચઢાવવાના હતા. શું તમે એ જોઈ શકો છો કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે?—ઉત. ૨૨:૧-૧૮.

૮. નિયમશાસ્ત્ર પ્રમાણે જે બલિદાનો ચઢાવવાનાં હતાં, એ શાને રજૂ કરતા હતાં? (લેવીય ૪:૨૭-૨૯; ૧૭:૧૧)

સદીઓ પછી યહોવાએ ઇઝરાયેલી પ્રજાને નિયમશાસ્ત્ર આપ્યું. એમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાનાં પાપોની માફી મેળવવા ઘણાં બલિદાનો ચઢાવવાનાં હતાં. (લેવીય ૪:૨૭-૨૯; ૧૭:૧૧ વાંચો.) એ બલિદાનો એક ચઢિયાતા બલિદાનને રજૂ કરતા હતા, જેનાથી માણસજાતમાંથી કાયમ માટે પાપ દૂર થવાનું હતું. યહોવાએ પોતાના પ્રબોધકોને એ વચન આપેલા વંશજ વિશે લખવા કહ્યું. તેઓએ સમજાવ્યું કે ઈશ્વરના જિગરનો ટુકડો દુઃખો વેઠશે અને મરણનું દુઃખ સહેશે. તે એ ઘેટા જેવો હતો, જેનું બલિદાન ચઢાવવાનું હતું. (યશા. ૫૩:૧-૧૨) આનો વિચાર કરો: યહોવાએ ગોઠવણ કરી કે પોતાના વહાલસોયા દીકરાનું બલિદાન ચઢાવવામાં આવે, જેથી માણસજાતને, હા તમને પાપ અને મરણમાંથી આઝાદ કરી શકાય!

માણસોને પાપમાંથી છોડાવવા ઈસુએ શું કર્યું?

૯. બાપ્તિસ્મા આપનાર યોહાને ઈસુ વિશે શું કહ્યું? (હિબ્રૂઓ ૯:૨૨; ૧૦:૧-૪, ૧૨)

સાલ ૨૯માં બાપ્તિસ્મા આપનાર યોહાને નાઝરેથના ઈસુને જોઈને કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું, જે દુનિયાનું પાપ દૂર કરે છે!” (યોહા. ૧:૨૯) એ શબ્દો બતાવતા હતા કે ઈસુ વચન આપેલા વંશજ હતા. તે પોતાનો જીવ આપવાના હતા. હવે માણસો માટે પાપ પર જીત મેળવવાની આશા વધારે ઝગમગવા લાગી હતી.—હિબ્રૂઓ ૯:૨૨; ૧૦:૧-૪, ૧૨ વાંચો.

૧૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે ‘પાપીઓને બોલાવવા આવ્યા’ હતા?

૧૦ ઈસુએ ખાસ કરીને એવા લોકો પર ધ્યાન આપ્યું, જેઓ પાપના ભાર નીચે કચડાયેલા હતા. તેમણે તેઓને પોતાના શિષ્યો બનવા બોલાવ્યા. ઈસુ જાણતા હતા કે માણસજાતની બધી મુશ્કેલીઓનું મૂળ પાપ છે. એટલે તેમણે એવાં સ્ત્રી-પુરુષોને મદદ કરી, જેઓને લોકો પાપી ગણતા હતા. તેમણે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.” વધુમાં તેમણે કહ્યું: “હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” (માથ. ૯:૧૨, ૧૩) ઈસુએ જે કહ્યું એ કર્યું પણ ખરું! જ્યારે એક સ્ત્રીએ પોતાનાં આંસુથી ઈસુના પગ ધોયા, ત્યારે તેમણે તેની સાથે પ્રેમથી વાત કરી અને તેનાં પાપ માફ કર્યાં. (લૂક ૭:૩૭-૫૦) ઈસુ જાણતા હતા કે સમરૂની સ્ત્રી વ્યભિચારી જીવન જીવતી હતી. તેમ છતાં તેમણે તેને મહત્ત્વની વાતો શીખવી. (યોહા. ૪:૭, ૧૭-૧૯, ૨૫, ૨૬) પાપનું પરિણામ મરણ છે અને યહોવાએ મરણને કાઢી નાખવાની શક્તિ ઈસુને આપી છે. એવું શાના આધારે કહી શકીએ? ઈસુએ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને મરણમાંથી જીવતા કરીને એ સાબિત કરી આપ્યું.—માથ. ૧૧:૫.

૧૧. પાપી માણસો કેમ ઈસુ પાસે ખેંચાઈ આવતા હતા?

૧૧ હવે આપણે સમજી શકીએ છીએ કે દુષ્ટ લોકો કેમ ઈસુ પાસે ખેંચાઈ આવતા હતા. ઈસુ તેઓની લાગણીઓ સમજતા હતા. તેમણે તેઓને કરુણા બતાવી. તેઓ અચકાયા વગર ઈસુ સાથે વાત કરી શકતા હતા. (લૂક ૧૫:૧, ૨) તેઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, એ માટે ઈસુએ તેઓના વખાણ કર્યા અને તેઓ સાથે પ્રેમથી વર્ત્યા. (લૂક ૧૯:૧-૧૦) ઈસુ ખૂબ જ દયાળુ હતા. એનાથી આપણે સમજી શકીએ છીએ કે તેમના પિતા યહોવા કેટલા દયાળુ છે. (યોહા. ૧૪:૯) પોતાનાં વાણી-વર્તનથી ઈસુએ બતાવી આપ્યું કે દયા અને કરુણાથી ભરપૂર પિતા યહોવા લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. તે પાપ સામેની આ લડાઈ પર જીત મેળવવા દરેકને મદદ પણ કરવા માંગે છે. ઈસુએ પાપી માણસોને મદદ કરી, જેથી તેઓ પોતાના જીવનમાં સુધારો કરે અને તેમના શિષ્યો બને.—લૂક ૫:૨૭, ૨૮.

૧૨. ઈસુએ પોતાના મરણ વિશે શું શીખવ્યું હતું?

૧૨ ઈસુ જાણતા હતા કે તેમણે પોતાના જીવનનું બલિદાન આપવાનું હતું. અમુક વાર તેમણે શિષ્યોને જણાવ્યું હતું કે તેમને દગો આપવામાં આવશે અને વધસ્તંભે જડીને મારી નાખવામાં આવશે. (માથ. ૧૭:૨૨; ૨૦:૧૮, ૧૯) તે જાણતા હતા કે તેમના બલિદાનથી દુનિયાનું પાપ દૂર થશે, જેમ બાપ્તિસ્મા આપનાર યોહાને કહ્યું હતું અને પ્રબોધકોએ ભાખ્યું હતું. ઈસુએ એ પણ શીખવ્યું કે તેમના મરણ પછી તે ‘દરેક પ્રકારના માણસોને પોતાની તરફ ખેંચશે.’ (યોહા. ૧૨:૩૨) પાપી માણસો ઈસુમાં શ્રદ્ધા મૂકીને અને તેમના પગલે ચાલીને યહોવાને ખુશ કરી શકતા હતા. જો તેઓએ એવું કર્યું હોત, તો “પાપથી આઝાદ” થયા હોત. (રોમ. ૬:૧૪, ૧૮, ૨૨; યોહા. ૮:૩૨) ઈસુ એ વાત સારી રીતે જાણતા હતા. એટલે તે રાજીખુશીથી અને હિંમતથી મરણની આકરી વેદના સહેવા તૈયાર હતા, જેથી લોકોને બચાવી શકે.—યોહા. ૧૦:૧૭, ૧૮.

૧૩. ઈસુનું મરણ કઈ રીતે થયું? તેમનું મરણ આપણને યહોવા ઈશ્વર વિશે શું શીખવે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ ઈસુના એક ખાસ મિત્રએ તેમને દગો આપ્યો. પછી દુશ્મનોએ તેમની ધરપકડ કરી, તેમનું અપમાન કર્યું, તેમની નિંદા કરી અને તેમના પર એ ગુનાના આરોપો મૂક્યા, જે તેમણે કદી કર્યા જ ન હતા. ત્યાર બાદ, સૈનિકોએ તેમને ખીલાથી વધસ્તંભે જડી દીધા, જેથી તેમને મારી નાખી શકે. ઈસુએ વફાદારીથી એ બધાં દુઃખ અને પીડા સહન કર્યાં. પણ હજી કોઈક હતું, જેને ઈસુ કરતાં પણ વધારે દુઃખ થયું હતું. એ હતા, યહોવા ઈશ્વર. તેમની પાસે એટલી બધી શક્તિ છે કે તે એ બધું થતા રોકી શક્યા હોત, જેથી તેમના દીકરાએ દુઃખો સહેવાં ન પડતાં. પણ તેમણે એવું ન કર્યું. શા માટે? શાના લીધે એક પ્રેમાળ પિતા એ રીતે વર્ત્યા? પ્રેમને લીધે. ઈસુએ કહ્યું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.”—યોહા. ૩:૧૬.

આપણને પાપ અને મરણથી આઝાદ કરવા યહોવાએ પોતાના સૌથી વહાલા દીકરાને મરવા દીધો. યહોવાએ જે દુઃખ વેઠ્યું એની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા (ફકરો ૧૩ જુઓ)


૧૪. ઈસુના બલિદાનથી કઈ સાબિતી મળે છે?

૧૪ ઈસુનું બલિદાન, એ સૌથી મોટી સાબિતી છે કે યહોવા આદમ-હવાના વંશજોને, હા, તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાએ કોઈ કસર બાકી ન રાખી, પોતાનો સૌથી વહાલો દીકરો આપી દીધો અને કલ્પના પણ ન કરી શકાય એવી કારમી વેદના સહી. (૧ યોહા. ૪:૯, ૧૦) પાપ સામેની આ લડાઈ લડવા અને એના પર જીત મેળવવા યહોવા આપણને દરેકને મદદ કરવા માંગે છે.

૧૫. ઈસુના બલિદાનમાંથી ફાયદો મેળવવા શું કરવાની જરૂર છે?

૧૫ યહોવાએ પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું, એ તેમણે આપેલી સૌથી મોટી ભેટ છે. એ ભેટના લીધે જ આપણા માટે પાપોની માફી મેળવવી શક્ય બન્યું છે. પણ યહોવા પાસેથી માફી મેળવવા આપણે પણ કંઈક કરવાની જરૂર છે. આપણે શું કરવાની જરૂર છે? બાપ્તિસ્મા આપનાર યોહાને અને પછીથી ઈસુ ખ્રિસ્તે એનો જવાબ આપતા કહ્યું: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ. ૩:૧, ૨; ૪:૧૭) એટલે જો યહોવાની નજીક જવા માંગતા હોઈએ અને પાપોની માફી મેળવવા માંગતા હોઈએ, તો પસ્તાવો કરવો ખૂબ જ જરૂરી છે. પણ પસ્તાવો કરવાનો અર્થ શું થાય? એનાથી કઈ રીતે પાપ સામે લડવા અને યહોવાને ખુશ કરવા મદદ મળે છે? આવતા લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

a શબ્દોની સમજ: બાઇબલમાં “પાપ” શબ્દ આ બે બાબતોને રજૂ કરી શકે છે: (૧) કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તેમજ યહોવાનાં ખરાં-ખોટાં ધોરણો પ્રમાણે જીવતી નથી. (૨) આદમ પાસેથી વારસામાં મળેલું પાપ, જેના લીધે આપણામાં ખોટા વિચારો અને ખોટી ઇચ્છાઓ જાગી શકે છે. વારસામાં મળેલા પાપના લીધે જ બધા લોકોનું મરણ થાય છે.

b જૂના જમાનામાં યહોવાએ પોતાના વફાદાર ભક્તોનાં બલિદાનો સ્વીકાર્યાં, કેમ કે તે જાણતા હતા કે ભાવિમાં ઈસુ ખ્રિસ્ત પોતાના જીવનનું બલિદાન આપશે અને બધા માણસોને પૂરી રીતે પાપ અને મરણથી આઝાદ કરશે.—રોમ. ૩:૨૫.