સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૨

ગીત ૧૩ મારી આરાધના સાંભળી લે

યહોવા ચાહે છે કે બધા પસ્તાવો કરે

યહોવા ચાહે છે કે બધા પસ્તાવો કરે

“યહોવા . . . ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”૨ પિત. ૩:૯.

આપણે શું શીખીશું?

પસ્તાવો કરવાનો અર્થ શું થાય? આપણે બધાએ કેમ પસ્તાવો કરવાની જરૂર છે? યહોવાએ કઈ રીતે લોકોને પસ્તાવો કરવા મદદ કરી છે?

૧. પસ્તાવો કરનાર વ્યક્તિ શું કરે છે?

 કોઈ ખોટું કામ કરી બેસીએ ત્યારે પસ્તાવો કરવો ખૂબ જરૂરી છે. બાઇબલમાં લખ્યું છે કે પસ્તાવો કરનાર વ્યક્તિને પોતાનાં ખોટાં કામ માટે દિલથી અફસોસ થાય છે. તે એ કામ કરવાનું છોડી દે છે અને એ ફરી ન કરવાનો પાકો નિર્ણય લે છે.—બાઇબલ શબ્દસૂચિમાં “પસ્તાવો” જુઓ.

૨. શા માટે આપણે બધાએ પસ્તાવા વિશે શીખવાની જરૂર છે? (નહેમ્યા ૮:૯-૧૧)

આપણે બધાએ પસ્તાવા વિશે શીખવાની જરૂર છે. શા માટે? કારણ કે આપણે દરરોજ પાપ કરીએ છીએ. આદમ અને હવાના વંશજ હોવાને લીધે દરેકને વારસામાં પાપ અને મરણ મળ્યાં છે. (રોમ. ૩:૨૩; ૫:૧૨) એમાંથી કોઈ બાકાત નથી. અરે, જોરદાર શ્રદ્ધા બતાવનાર ઈશ્વરભક્તો માટે પણ પાપ સામે લડવું સહેલું ન હતું. જેમ કે, પ્રેરિત પાઉલ. (રોમ. ૭:૨૧-૨૪) પણ શું એનો અર્થ એવો થાય કે પાપ કરવાને લીધે આપણે હંમેશાં ઉદાસ રહેવું જોઈએ? ના, એવું નથી. યહોવા દયાળુ ઈશ્વર છે અને તે ચાહે છે કે આપણે ખુશ રહીએ. નહેમ્યાના સમયના યહૂદીઓનો વિચાર કરો. (નહેમ્યા ૮:૯-૧૧ વાંચો.) યહોવા ચાહતા ન હતા કે અગાઉ કરેલાં પાપને લીધે તેઓ દુઃખમાં ગરક થઈ જાય. તે ઇચ્છતા હતા કે તેઓ ખુશી ખુશી તેમની ભક્તિ કરે. યહોવા જાણે છે કે પસ્તાવો કરવાથી ખુશી મળે છે. એટલે તે એ વિશે આપણને શીખવે છે. જો પાપનો પસ્તાવો કરીશું, તો ભરોસો રાખી શકીશું કે આપણા દયાળુ પિતા આપણને માફ કરશે.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

ચાલો પસ્તાવા વિશે થોડું વધારે જોઈએ. આ લેખમાં ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: (૧) યહોવાએ ઇઝરાયેલીઓને પસ્તાવા વિશે શું શીખવ્યું? (૨) યહોવાએ કઈ રીતે લોકોને પસ્તાવો કરવા મદદ કરી? (૩) ઈસુએ પોતાના શિષ્યોને પસ્તાવા વિશે શું શીખવ્યું?

યહોવાએ ઇઝરાયેલીઓને પસ્તાવા વિશે શું શીખવ્યું?

૪. યહોવાએ ઇઝરાયેલીઓને પસ્તાવા વિશે શું શીખવ્યું?

જ્યારે યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા, ત્યારે તેઓએ એ નિયમો પાળવાનું વચન આપ્યું હતું. બદલામાં યહોવા તેઓનું રક્ષણ કરવાના હતા અને તેઓને આશીર્વાદ આપવાના હતા. યહોવાએ એ નિયમો વિશે ખાતરી આપતા કહ્યું હતું: “આજે હું તમને જે આજ્ઞાઓ આપું છું એ સમજવી તમારા માટે અઘરી નથી કે તમારી પહોંચની બહાર પણ નથી.” (પુન. ૩૦:૧૧, ૧૬) પણ જો ઇઝરાયેલીઓ એ આજ્ઞાઓ ન પાળતા અથવા બીજા દેવોની ભક્તિ કરતા, તો યહોવા તેઓનું રક્ષણ ન કરતા અને તેઓએ દુઃખ સહેવું પડતું. જો એવું થતું તોપણ તેઓ ઈશ્વરની કૃપા મેળવી શકતા હતા. તેઓ પોતાના ઈશ્વર યહોવા પાસે ‘પાછા ફરી’ શકતા હતા અને તેમની ‘આજ્ઞાઓ પાળી’ શકતા હતા. (પુન. ૩૦:૧-૩, ૧૭-૨૦) બીજા શબ્દોમાં, તેઓ પસ્તાવો કરી શકતા હતા. જો તેઓ એમ કરતા, તો યહોવા તેઓને પોતાની પાસે દોરી લાવતા અને ફરીથી આશીર્વાદ આપતા.

૫. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તેમણે પોતાની પ્રજાને તરછોડી દીધી ન હતી? (૨ રાજાઓ ૧૭:૧૩, ૧૪)

યહોવાએ પસંદ કરેલી પ્રજાએ વારેઘડીએ તેમની વિરુદ્ધ બળવો પોકાર્યો. તેઓએ મૂર્તિપૂજા કરી અને બીજાં અધમ કામો કર્યાં. પરિણામે તેઓએ ભોગવવું પડ્યું. પણ યહોવા પોતાની વંઠી ગયેલી પ્રજાને મદદ કરતા રહ્યા, જેથી તેઓ ફરીથી તેમની ભક્તિ કરે. તેમણે વારંવાર પ્રબોધકો મોકલીને તેઓને પસ્તાવો કરવાની અને પાછા ફરવાની અરજ કરી.—૨ રાજાઓ ૧૭:૧૩, ૧૪ વાંચો.

૬. યહોવાએ કઈ રીતે પોતાના પ્રબોધકો દ્વારા ઇઝરાયેલીઓને પસ્તાવાનું મહત્ત્વ સમજાવ્યું? (ચિત્ર પણ જુઓ.)

યહોવાએ ઇઝરાયેલીઓને ચેતવણી આપવા અને સુધારવા ઘણી વાર પોતાના પ્રબોધકો મોકલ્યા. દાખલા તરીકે, તેમણે યર્મિયા દ્વારા ઇઝરાયેલીઓને કહ્યું: “હે બળવાખોર ઇઝરાયેલ, પાછી ફર. હું તને ગુસ્સે થઈને જોઈશ નહિ, કેમ કે હું વફાદાર છું. . . . હું કાયમ ગુસ્સે રહીશ નહિ. તારો અપરાધ કબૂલ કર, કેમ કે તેં તારા ઈશ્વર યહોવા સામે બળવો કર્યો છે.” (યર્મિ. ૩:૧૨, ૧૩) યોએલ દ્વારા તેમણે કહ્યું: “પૂરા દિલથી મારી પાસે પાછા ફરો.” (યોએ. ૨:૧૨, ૧૩) યશાયા દ્વારા તેમણે જાહેર કર્યું: “તમે નાહી-ધોઈને શુદ્ધ થાઓ. મારી નજર સામેથી તમારાં દુષ્ટ કામો દૂર કરો. ખોટાં કામો બંધ કરો.” (યશા. ૧:૧૬-૧૯) હઝકિયેલ દ્વારા તેમણે આ સંદેશો આપ્યો: “શું કોઈ દુષ્ટ માણસના મોતથી મને ખુશી થાય છે? જરાય નહિ! હું તો એવું ચાહું છું કે તે પોતાના માર્ગોથી પાછો ફરે અને જીવતો રહે. મને કોઈના મોતથી જરાય ખુશી થતી નથી. એટલે પાપ કરવાનું છોડી દો અને જીવતા રહો.” (હઝકિ. ૧૮:૨૩, ૩૨) લોકો પોતાનાં પાપનો પસ્તાવો કરે છે, ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે. કારણ કે તે ચાહે છે કે તેઓ હંમેશ માટે જીવે. એટલે લોકો પસ્તાવો કરે એની યહોવા રાહ નથી જોતા, તે પહેલેથી તેઓને મદદ આપવા લાગે છે. ચાલો બીજા અમુક દાખલા જોઈએ.

યહોવાએ ઘણી વાર પ્રબોધકો મોકલીને પોતાની વંઠી ગયેલી પ્રજાને પસ્તાવો કરવા અરજ કરી (ફકરા ૬-૭ જુઓ)


૭. હોશિયા પ્રબોધક અને તેમની પત્નીના દાખલાથી યહોવાએ પોતાના લોકોને શું શીખવ્યું?

ચાલો જોઈએ કે યહોવાએ હોશિયા પ્રબોધક અને તેમની પત્ની ગોમેર દ્વારા પોતાના લોકોને શું શીખવ્યું. ગોમેરે વ્યભિચાર કર્યો અને તે બીજા માણસ પાસે જતી રહી. શું તેના માટે પસ્તાવો કરવો અશક્ય હતું? યહોવા તો દિલ વાંચી શકે છે. તેમણે હોશિયાને કહ્યું: “ઇઝરાયેલીઓ બીજા દેવો તરફ ફરે છે, . . . છતાં યહોવા તેઓને પ્રેમ કરે છે. એવી જ રીતે, તું ફરીથી જઈને એ સ્ત્રીને પ્રેમ કર, જે વ્યભિચાર કરે છે અને જેને બીજો માણસ ચાહે છે.” (હોશિ. ૩:૧; નીતિ. ૧૬:૨) ધ્યાન આપો કે હોશિયાની પત્ની હજી એ ગંભીર પાપ કરી રહી હતી. છતાં યહોવાએ હોશિયાને કહ્યું કે તેને માફ કરે અને પત્ની તરીકે પાછી લઈ આવે. a એવી જ રીતે, યહોવાએ કઠોર દિલના ઇઝરાયેલીઓને તરછોડી દીધા ન હતા. ભલે તેઓ દુષ્ટ કામો કરતા હતા, પણ યહોવા હજી તેઓને પ્રેમ કરતા હતા. તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા, જેથી તેઓને પસ્તાવો કરવા અને પોતાનામાં સુધારો કરવા મદદ કરી શકે. આ દાખલાથી શું શીખવા મળે છે? હૃદયના પારખનાર યહોવા એવી વ્યક્તિને પણ પસ્તાવો કરવા મદદ કરે છે, જે હજી પણ ગંભીર પાપ કરી રહી છે. (નીતિ. ૧૭:૩) ચાલો એ વિશે વધારે જોઈએ.

યહોવા કઈ રીતે પાપી લોકોને પસ્તાવો કરવા મદદ કરે છે?

૮. કાઈન પસ્તાવો કરે એ માટે યહોવાએ તેને કઈ રીતે મદદ કરી? (ઉત્પત્તિ ૪:૩-૭) (ચિત્ર પણ જુઓ.)

કાઈન આદમ અને હવાનો પ્રથમ દીકરો હતો. ખોટું કરવાનું વલણ તેને પોતાનાં માબાપ પાસેથી વારસામાં મળ્યું હતું. એ ઉપરાંત બાઇબલમાં તેના વિશે લખ્યું છે: “તેનાં પોતાનાં કાર્યો દુષ્ટ હતાં.” (૧ યોહા. ૩:૧૨) કદાચ એ જ કારણે યહોવાએ “કાઈનનો અને તેના અર્પણનો સ્વીકાર કર્યો નહિ.” પોતાનામાં ફેરફારો કરવાને બદલે “કાઈન ખૂબ ગુસ્સે ભરાયો અને તેનું મોં ઊતરી ગયું.” પછી યહોવાએ શું કર્યું? તેમણે કાઈન સાથે વાત કરી. (ઉત્પત્તિ ૪:૩-૭ વાંચો.) ધ્યાન આપો કે યહોવાએ પ્રેમથી કાઈનને સમજાવ્યું કે જો તે સારાં કામો કરશે, તો તેને આશીર્વાદ આપશે. યહોવાએ ચેતવણી પણ આપી કે તેનો ગુસ્સો તેને ખોટું કામ કરવા તરફ દોરી જઈ શકે છે. પણ દુઃખની વાત છે કે કાઈને યહોવાનું સાંભળ્યું નહિ. તે પસ્તાવો કરે એ માટે યહોવા તેને મદદ કરવા તૈયાર હતા. પણ તે એ મદદ સ્વીકારવા તૈયાર ન હતો. કાઈનના લીધે શું યહોવાએ એવું વિચારી લીધું કે હવે તે કોઈને પણ પસ્તાવો કરવા મદદ નહિ કરે? જરાય નહિ.

યહોવાએ ઘણી કોશિશ કરી કે કાઈન પસ્તાવો કરે. તેમણે કહ્યું કે જો તે સારાં કામ કરશે, તો તેને આશીર્વાદ મળશે (ફકરો ૮ જુઓ)


૯. યહોવાએ કઈ રીતે દાઉદને પસ્તાવો કરવા મદદ કરી?

યહોવાને રાજા દાઉદ ખૂબ વહાલા હતા. તેમણે દાઉદ વિશે કહ્યું: ‘તે મારું દિલ ખુશ કરે છે.’ (પ્રે.કા. ૧૩:૨૨) પણ દાઉદે અમુક ગંભીર પાપ કર્યાં. જેમ કે, વ્યભિચાર અને ખૂન. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે દાઉદને મોતની સજા થવી જોઈતી હતી. (લેવી. ૨૦:૧૦; ગણ. ૩૫:૩૧) છતાં યહોવા જાણે તેમને દયા બતાવવા વચ્ચે પડ્યા. b તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યા. ધ્યાન આપો કે દાઉદે હજી સુધી પોતાની ભૂલ સ્વીકારી ન હતી અને પસ્તાવો કર્યો ન હતો. નાથાને એક ઉદાહરણ વાપરીને દાઉદને એ સમજવા મદદ કરી કે તેમણે કેટલાં મોટાં પાપ કર્યાં હતાં. હવે દાઉદને સમજાયું કે તેમણે યહોવાને ઘણું દુઃખ પહોંચાડ્યું છે અને તેમણે પસ્તાવો કર્યો. (૨ શમુ. ૧૨:૧-૧૪) તેમણે એક સુંદર ગીત લખ્યું, જે બતાવે છે કે પોતાનાં ખોટાં કામો માટે તે કેટલા દિલગીર હતા. (ગીત. ૫૧, મથાળું) પાપ કરનાર લાખો લોકોને એ ગીતના શબ્દોથી દિલાસો મળ્યો છે અને પસ્તાવો કરવા મદદ મળી છે. કેટલી ખુશીની વાત છે કે યહોવાએ પ્રેમથી પોતાના વહાલા સેવક દાઉદને પસ્તાવો કરવા મદદ કરી!

૧૦. યહોવાની ધીરજ અને માફી વિશે જાણીને તમને કેવું લાગે છે?

૧૦ યહોવા દરેક પ્રકારના પાપને ધિક્કારે છે. (ગીત. ૫:૪, ૫) તે જાણે છે કે આપણે પાપી છીએ. તે આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે પાપ કરી બેસીએ ત્યારે, તે આપણને મદદ કરવા માંગે છે. ભલેને ગમે એટલાં મોટાં પાપ કર્યાં હોય, તે આપણને પસ્તાવો કરવા અને તેમની નજીક જવા મદદ કરે છે. એ જાણીને કેટલી રાહત મળે છે! યહોવાની ધીરજ અને માફી પર વિચાર કરીશું તો, તેમને વફાદાર રહેવાનું અને પાપ કરીએ ત્યારે તરત પસ્તાવો કરવાનું મન થશે. હવે ચાલો જોઈએ કે ઈસુએ પોતાના શિષ્યોને પસ્તાવા વિશે શું શીખવ્યું હતું.

ઈસુએ પોતાના શિષ્યોને પસ્તાવા વિશે શું શીખવ્યું?

૧૧-૧૨. યહોવા માફ કરવા તત્પર છે એ શીખવવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું? સમજાવો. (ચિત્ર જુઓ.)

૧૧ જ્યારે પૃથ્વી પર મસીહના આવવાનો સમય થયો, ત્યારે યહોવાએ બાપ્તિસ્મા આપનાર યોહાન દ્વારા પોતાના લોકોને પસ્તાવો કરવા અરજ કરી. પછીથી ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે પણ લોકોને શીખવ્યું કે પસ્તાવો કરવો કેમ જરૂરી છે.—માથ. ૩:૧, ૨; ૪:૧૭.

૧૨ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોને શીખવ્યું કે તેમના પિતા લોકોને માફ કરવા આતુર છે. એ મહત્ત્વની વાત સમજાવવા તેમણે ખોવાયેલા દીકરાનું ઉદાહરણ આપ્યું. એ દીકરો મન ફાવે તેમ જીવવા માંગતો હતો. એટલે તે ઘર છોડીને જતો રહ્યો અને ખરાબ કામો કરવા લાગ્યો. પણ અમુક સમય પછી “તેની અક્કલ ઠેકાણે આવી” અને તે ઘરે પાછો આવ્યો. તેના પિતાએ શું કર્યું? ઈસુએ કહ્યું: ‘હજુ તો એ દીકરો ઘણો દૂર હતો ત્યારે તેના પિતાએ તેને જોયો. પિતાનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું. તે દોડીને દીકરાને ભેટી પડ્યા અને પ્રેમથી ચુંબન કર્યું.’ દીકરાએ ધાર્યું ન હતું કે પિતા તેને માફ કરશે. તેણે પિતાને આમ પણ પૂછવાનું વિચાર્યું હતું, ‘શું હું ચાકર તરીકે તમારા ઘરમાં રહી શકું?’ પણ પિતાએ તો તરત તેને માફ કરી દીધો. તેમણે તેને “મારો આ દીકરો” કહીને બોલાવ્યો અને તેને ફરીથી કુટુંબનો ભાગ બનાવ્યો. પિતાએ કહ્યું: “તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.” (લૂક ૧૫:૧૧-૩૨) જ્યારે ઈસુ સ્વર્ગમાં હતા ત્યારે તેમણે ઘણી વાર જોયું હશે કે તેમના પિતા કરુણાથી ભરપૂર છે અને પસ્તાવો કરનાર વ્યક્તિને માફ કરવા તત્પર છે. ઈસુએ આપેલું ઉદાહરણ આપણા દિલને સ્પર્શી જાય છે. એનાથી શીખવા મળે છે કે આપણા પિતા યહોવાની દયાનો કોઈ પાર નથી.

ઈસુએ આપેલા ખોવાયેલા દીકરાના ઉદાહરણમાં જે પિતા વિશે જણાવ્યું છે, તે ઘરે પાછા આવેલા પોતાના દીકરાને મળવા દોડી જાય છે (ફકરા ૧૧-૧૨ જુઓ.)


૧૩-૧૪. પ્રેરિત પિતર પસ્તાવો કરવા વિશે શું શીખ્યા હતા? એ વિશે તેમણે બીજાઓને શું શીખવ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૩ ચાલો હવે પ્રેરિત પિતરનો દાખલો લઈએ. યહોવાની માફી વિશે તે ઈસુ પાસેથી એક મહત્ત્વની વાત શીખ્યા હતા. પિતરે ઘણી ભૂલો કરી હતી અને ઈસુએ ઉદાર દિલે તેમને માફ કર્યા હતા. જરા વિચારો, પિતરે ત્રણ વાર પોતાના માલિકને ઓળખવાની ના પાડી એ પછી તેમને કેવું લાગ્યું હશે. તેમનું દિલ તૂટી ગયું હશે. (માથ. ૨૬:૩૪, ૩૫, ૬૯-૭૫) પણ જીવતા થયા પછી ઈસુ પિતરને મળવા અને તેમની સાથે વાત કરવા ગયા. એ વખતે કદાચ પિતર એકલા હતા. (લૂક ૨૪:૩૩, ૩૪; ૧ કોરીં. ૧૫:૩-૫) ઈસુ જાણતા હતા કે પિતરને પસ્તાવો થતો હતો. એટલે તેમણે પિતરને પ્રેમથી ખાતરી કરાવી કે તેમણે તેમને માફ કરી દીધા છે.

૧૪ પિતર પોતાના અનુભવથી બીજાઓને પસ્તાવા અને માફી વિશે શીખવી શક્યા. પચાસમા દિવસના તહેવારના અમુક સમય પછી તેમણે યહૂદીઓના એક ટોળાને સમજાવ્યું કે તેઓએ મસીહને મારી નાખ્યા હતા. છતાં તેમણે પ્રેમથી તેઓને અરજ કરી: “તમે પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે. આમ યહોવા પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે.” (પ્રે.કા. ૩:૧૪, ૧૫, ૧૭, ૧૯) પિતરે શીખવ્યું કે એક પાપી વ્યક્તિ પાછી ફરીને બતાવે છે કે તેણે પસ્તાવો કર્યો છે. એનો અર્થ થાય કે તે પોતાના ખોટા વિચારો સુધારે છે, ખરાબ કામો કરવાનું બંધ કરે છે અને ઈશ્વર ખુશ થાય એવાં કામો કરવા લાગે છે. પ્રેરિત પિતરે એ પણ જણાવ્યું કે યહોવા વ્યક્તિને પૂરેપૂરી રીતે માફ કરે છે, જાણે તે પાપોને ભૂંસી નાખે છે, એનું નામનિશાન મિટાવી દે છે. દાયકાઓ પછી પિતરે ખ્રિસ્તીઓને ખાતરી અપાવતા કહ્યું: “યહોવા . . . તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) ભલે ગમે એટલાં મોટાં પાપ કર્યાં હોય, પણ પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા દિલથી માફ કરે છે. એ જાણીને મનની શાંતિ મળે છે!

પિતરને પસ્તાવો થતો હતો. એટલે ઈસુએ પિતરને પ્રેમથી ખાતરી કરાવી કે તેમણે તેમને માફ કરી દીધા છે (ફકરા ૧૩-૧૪ જુઓ)


૧૫-૧૬. (ક) પ્રેરિત પાઉલ માફી વિશે શું શીખ્યા હતા? (૧ તિમોથી ૧:૧૨-૧૫) (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૫ તાર્સસના શાઉલે ઘણાં ખરાબ કામો કર્યાં હતાં. તેમણે ખ્રિસ્તના વહાલા શિષ્યોની સખત સતાવણી કરી હતી. (પ્રે.કા. ૭:૫૮–૮:૩) મોટા ભાગના ખ્રિસ્તીઓને આશા જ ન હતી કે તે કદી બદલાશે. છતાં ઈસુ જાણતા હતા કે શાઉલ બદલાઈ શકે છે અને પસ્તાવો કરી શકે છે. તેમણે અને તેમના પિતાએ શાઉલમાં સારા ગુણો જોયા. ઈસુએ કહ્યું: “આ માણસને મેં પસંદ કર્યો છે.” (પ્રે.કા. ૯:૧૫) ઈસુએ એક ચમત્કાર પણ કર્યો, જેથી શાઉલને પસ્તાવો કરવા મદદ મળે. (પ્રે.કા. ૯:૧-૯, ૧૭-૨૦) શાઉલે પસ્તાવો કર્યો અને ખ્રિસ્તી બન્યા. પછીથી તે પ્રેરિત પાઉલ તરીકે ઓળખાયા. યહોવા અને ઈસુએ તેમને જે દયા અને કરુણા બતાવી એ માટે તેમણે ઘણી વાર તેઓનો આભાર માન્યો. (૧ તિમોથી ૧:૧૨-૧૫ વાંચો.) પાઉલે કહ્યું: “તું પસ્તાવો કરે એ માટે ઈશ્વર પ્રેમથી તને મદદ કરી રહ્યા છે.”—રોમ. ૨:૪.

૧૬ એકવાર પાઉલને જાણવા મળ્યું કે કોરીંથ મંડળના ભાઈઓએ એક વ્યભિચારી માણસને મંડળમાં રહેવા દીધો હતો. પાઉલે તેઓને શું કરવા કહ્યું? તેમણે જે કહ્યું એનાથી શીખી શકીશું કે યહોવા પોતાના સેવકોને શિસ્ત આપે ત્યારે, કઈ રીતે પ્રેમ બતાવે છે અને તેઓ પસ્તાવો કરે ત્યારે કઈ રીતે દયા બતાવે છે. એ પણ જોઈશું કે યહોવાની જેમ આપણે કઈ રીતે દયા બતાવી શકીએ. આવતા લેખમાં એ અહેવાલ વિશે વધારે જોઈશું.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

a એ કિસ્સો ખાસ હતો. આજે યહોવાની એવી માંગ નથી કે જો કોઈ લગ્‍નસાથી વ્યભિચાર કરે, તો નિર્દોષ સાથીએ લગ્‍નબંધનમાં જોડાયેલા જ રહેવું. યહોવાએ પોતાના દીકરા દ્વારા પ્રેમથી સમજાવ્યું હતું કે પતિ અથવા પત્ની ચાહે તો વ્યભિચાર કરનાર સાથીને છૂટાછેડા આપી શકે છે.—માથ. ૫:૩૨; ૧૯:૯.

b નવેમ્બર ૧, ૨૦૧૨, ચોકીબુરજ, પાન ૨૩-૨૫ પર આપેલા આ લેખના ફકરા ૩-૧૦ જુઓ: “યહોવા માફ કરે છે એનો તમારા માટે શું અર્થ રહેલો છે?”