સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જેમની પાસે બધું છે, તેમને શા માટે આપવું જોઈએ?

જેમની પાસે બધું છે, તેમને શા માટે આપવું જોઈએ?

‘હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.’—૧ કાળ. ૨૯:૧૩.

ગીતો: ૧, ૪૮

૧, ૨. યહોવા કઈ રીતે ઉદારતા બતાવે છે?

યહોવા ઉદાર ઈશ્વર છે. આપણી પાસે જે કંઈ છે, એ તેમણે આપ્યું છે. પૃથ્વીની બધી જ અનમોલ વસ્તુઓના તે માલિક છે. ઈશ્વર એ વસ્તુઓનો એવી રીતે ઉપયોગ કરે છે, જેથી આપણે સહેલાઈથી જીવન જીવી શકીએ. (ગીત. ૧૦૪:૧૩-૧૫; હાગ્ગા. ૨:૮) બાઇબલમાંથી આપણે શીખીએ છીએ કે યહોવાએ અમુક વખતે ચમત્કારિક રીતે અનમોલ વસ્તુઓ તેમના લોકોને પૂરી પાડી હતી.

દાખલા તરીકે, અરણ્યમાં ૪૦ વર્ષ સુધી યહોવાએ ઇઝરાયેલ રાષ્ટ્રને માન્ના અને પાણી પૂરાં પાડ્યાં હતાં. (નિર્ગ. ૧૬:૩૫) પરિણામે, તેઓને કશાની ખોટ પડી નહોતી. (નહે. ૯:૨૦, ૨૧) પછીથી, યહોવાએ પ્રબોધક એલીશાને ચમત્કાર કરવાની શક્તિ આપી, જેથી એક વફાદાર વિધવા પાસેના તેલમાં વધારો થાય. ઈશ્વર તરફથી મળેલી આ ભેટથી તે તેનું દેવું ચૂકવી શકી અને બાકી રહેલા પૈસાથી તે પોતાનું અને પોતાના દીકરાઓનું ગુજરાન ચલાવી શકી. (૨ રાજા. ૪:૧-૭) પછીથી, ઈસુએ યહોવાની મદદથી ચમત્કારિક રીતે લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. અરે, જરૂર પડી ત્યારે ચમત્કારથી પૈસા પણ આપ્યા હતા.—માથ. ૧૫:૩૫-૩૮; ૧૭:૨૭.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવા પોતાની સૃષ્ટિને ટકાવી રાખવા તે ચાહે એ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તોપણ, તે પોતાના ભક્તોને ઉત્તેજન આપે છે કે તેમના સંગઠનને ટેકો આપવા તેઓ પોતાનાથી બનતું બધું જ કરે. (નિર્ગ. ૩૬:૩-૭; નીતિવચનો ૩:૯ વાંચો.) શા માટે યહોવા ચાહે છે કે આપણી મૂલ્યવાન વસ્તુઓનો ઉપયોગ તેમની સેવામાં કરીએ? બાઇબલ સમયમાં, યહોવાના ભક્તોએ કઈ રીતે તેમના કામને ટેકો આપ્યો? યહોવાનું સંગઠન આજે કઈ રીતે દાનનો ઉપયોગ કરે છે? આપણે આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીશું.

આપણે શા માટે યહોવાને દાન આપીએ છીએ?

૪. આપણે યહોવાના કામને ટેકો આપીએ છીએ ત્યારે શું બતાવીએ છીએ?

યહોવા માટે પ્રેમ અને કદર હોવાથી આપણે દાન આપીએ છીએ. યહોવાએ આપણા માટે જે કર્યું છે, એ વિશે વિચારવાથી આપણું દિલ ખુશીથી ઊભરાય જાય છે. મંદિરના બાંધકામ વખતે જે સામગ્રીની જરૂર પડશે એ વિશે દાઊદે ઉત્તેજન આપતા શબ્દો કહ્યા હતા. આપણે પણ તેમના સુંદર વિચાર સાથે સહમત થઈશું. તેમણે જણાવ્યું હતું કે, યહોવા તરફથી આપણને બધી વસ્તુઓ મળે છે અને એમાંથી જ આપણે યહોવાને પાછું આપીએ છીએ.—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧-૧૪ વાંચો.

૫. બાઇબલ કઈ રીતે બતાવે છે કે ખુશીથી આપવું એ આપણી ભક્તિનો સૌથી મહત્ત્વનો ભાગ છે?

દાન આપવું એ આપણી ભક્તિનો એક ભાગ છે. પ્રેરિત યોહાને જોયેલા દર્શનમાં તેમણે યહોવાના ભક્તોને સ્વર્ગમાં આમ કહેતા સાંભળ્યા: “હે યહોવા અમારા ઈશ્વર, મહિમા, માન અને અધિકાર મેળવવાને તમે જ યોગ્ય છો, કેમ કે તમે બધી વસ્તુઓ ઉત્પન્ન કરી અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવી અને ઉત્પન્ન થઈ.” (પ્રકટી. ૪:૧૧) સાચે જ, યહોવા માન અને મહિમા મેળવવાના હકદાર છે. તેથી, આપણે તેમને સૌથી ઉત્તમ આપવા ચાહીએ છીએ. મુસા દ્વારા યહોવાએ વર્ષમાં ત્રણ પર્વો ઊજવવાની ઇઝરાયેલના લોકોને આજ્ઞા આપી હતી. એ પર્વોમાં યહોવાની ભક્તિના ભાગરૂપે તેઓએ કંઈક આપવાનું પણ હતું. લોકોને કહેવામાં આવ્યું હતું કે “તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.” (પુન. ૧૬:૧૬) આજે પણ ખુશીથી આપવું એ આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. આમ, બતાવીએ છીએ કે આપણે યહોવાના સંગઠનની કદર કરીએ છીએ અને ટેકો આપીએ છીએ.

૬. દાન આપવું કેમ આપણા માટે સારું કહેવાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણે ફક્ત ભેટ સ્વીકારનાર જ નહિ, પણ ઉદારતાથી આપનાર પણ બનવું જોઈએ. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫ વાંચો.) એક બાળકનો વિચાર કરો. તેને મમ્મી-પપ્પા પાસેથી થોડી ખિસ્સાખર્ચી મળે છે અને એમાંના થોડા પૈસાથી તે તેઓ માટે ભેટ ખરીદે છે. તેની આ ભેટથી તેઓને કેવું લાગશે? અથવા, એક યુવાન પાયોનિયરનો વિચાર કરો. તે પોતાનાં મમ્મી-પપ્પા સાથે રહે છે. મમ્મી-પપ્પાને ઘરનું ભાડું ચૂકવવા કે ખોરાક ખરીદવા મદદ મળે એ માટે તે થોડા પૈસા આપે છે. જોકે, મમ્મી-પપ્પા તેની પાસેથી એની અપેક્ષા રાખતા નથી પણ, તેઓ એ ભેટ તરીકે સ્વીકારે છે. શા માટે? કારણ કે, મમ્મી-પપ્પાએ તેના માટે જે કર્યું છે, એની કદર કરવા એ યુવાન પૈસા આપે છે. એવી જ રીતે, આપણે પોતાની મૂલ્યવાન વસ્તુઓમાંથી યહોવાને આપવું જોઈએ અને યહોવા જાણે છે કે એ આપણા ભલા માટે છે.

અગાઉના ઈશ્વરભક્તોએ કઈ રીતે દાન આપ્યું હતું?

૭, ૮. (ક) ખાસ કામ માટે દાન આપીને ઈશ્વરભક્તોએ કેવો દાખલો બેસાડ્યો છે? (ખ) યહોવાના કામને ટેકો આપવા દાન આપીને ઈશ્વરભક્તોએ કેવો દાખલો બેસાડ્યો છે?

બાઇબલમાંથી આપણને શીખવા મળે છે કે યહોવાના કામ માટે ઈશ્વરભક્તો દાન આપતા હતા. અમુક વાર કોઈ ખાસ કામ માટે તેઓ દાન આપતા હતા. દાખલા તરીકે, મુસાએ ઇઝરાયેલીઓને મુલાકાતમંડપના બાંધકામ માટે દાન આપવા ઉત્તેજન આપ્યું હતું. પછીથી, રાજા દાઊદે પણ મંદિર બાંધવા એવું જ કર્યું હતું. (નિર્ગ. ૩૫:૫; ૧ કાળ. ૨૯:૫-૯) રાજા યહોઆશના રાજ દરમિયાન, લોકોએ આપેલા દાનમાંથી યાજકોએ મંદિરનું સમારકામ કરાવ્યું હતું. (૨ રાજા. ૧૨:૪, ૫) પહેલી સદીમાં, ઈશ્વરભક્તોને ખબર પડી કે યહુદિયામાં દુકાળ પડ્યો છે અને ભાઈ-બહેનોને મદદની જરૂર છે. તરત જ, તેઓ દરેકે પોતાનાથી બની શકે એટલી રાહત ભાઈ-બહેનોને મોકલવાનું નક્કી કર્યું.—પ્રે.કા. ૧૧:૨૭-૩૦.

યહોવાના લોકો ઈશ્વરના કામમાં આગેવાની લેતા ભાઈઓને પણ પૈસેટકે મદદ કરે છે. દાખલા તરીકે, મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે લેવીઓને બીજા કુળોની જેમ વારસો મળતો ન હતો. તેથી, બાકીના ઇઝરાયેલીઓએ પોતાની ઊપજનો દસમો ભાગ લેવીઓને આપવાનો હતો. એટલે, લેવીઓ મુલાકાતમંડપમાં પૂરું ધ્યાન આપીને કામ કરી શકતા હતા. (ગણ. ૧૮:૨૧) એવી જ રીતે, અમુક ઉદાર સ્ત્રીઓએ ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરી હતી.—લુક ૮:૧-૩.

૯. અગાઉના સમયમાં દાન ક્યાંથી આવતાં હતાં?

એ બધાં દાન ક્યાંથી આવતાં હતાં? ઇઝરાયેલીઓએ મુલાકાતમંડપ બાંધવા માટે જે કીમતી વસ્તુઓ આપી હતી, એ કદાચ તેઓ ઇજિપ્તમાંથી લાવ્યા હતા. (નિર્ગ. ૩:૨૧, ૨૨; ૩૫:૨૨-૨૪) પહેલી સદીમાં, અમુકે ખેતર અને ઘર જેવી મિલકત વેચીને પ્રેરિતોને પૈસા આપ્યા હતા. એ પૈસામાંથી જરૂર હોય એવાં ભાઈ-બહેનોને પ્રેરિતોએ મદદ કરી હતી. (પ્રે.કા. ૪:૩૪, ૩૫) બીજા અમુક નિયમિત રીતે કેટલાક પૈસા અલગ રાખતા હતા, જેથી ઈશ્વરના કામને ટેકો આપી શકે. (૧ કોરીં. ૧૬:૨) ગરીબ હોય કે ધનવાન, દરેકે પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું હતું.—લુક ૨૧:૧-૪.

આજે આપણે કઈ રીતે દાન આપીએ છીએ?

૧૦, ૧૧. (ક) બાઇબલ સમયના ઉદાર ભક્તોને આપણે કઈ રીતે અનુસરી શકીએ? (ખ) રાજ્યના કામને ટેકો આપવા વિશે તમને કેવું લાગે છે?

૧૦ આજે આપણને પણ કોઈ ખાસ કામ માટે દાન આપવાનું કહેવામાં આવી શકે. કદાચ નવા પ્રાર્થનાઘર માટે કે પછી પ્રાર્થનાઘરના સમારકામ માટે તમારું મંડળ યોજના બનાવી રહ્યું હોય. બની શકે કે તમારી શાખા કચેરીનું સમારકામ કરવાનું હોય. આપણે કદાચ સંમેલનનો ખર્ચો પહોંચી વળવા મદદ કરવા ચાહતા હોઈએ. બીજી જગ્યાના ભાઈ-બહેનોને કુદરતી આફતના સમયે મદદ પહોંચાડવાની હોય. મિશનરીઓ, ખાસ પાયોનિયરો, સરકીટ નિરીક્ષકો અને મુખ્યમથક કે દુનિયા ફરતેની શાખા કચેરીમાં કામ કરતા ભાઈ-બહેનોને આપણાં દાનથી મદદ કરવામાં આવે છે. દુનિયા ફરતે સંમેલનગૃહ અને પ્રાર્થનાઘર બાંધવા તમારું મંડળ નિયમિત રીતે દાન મોકલતું હશે.

૧૧ આ છેલ્લા દિવસોમાં યહોવાનું સંગઠન ઘણું કામ કરી રહ્યું છે, એને ટેકો આપવા આપણે શક્ય એટલી મદદ કરી શકીએ છીએ. પ્રાર્થનાઘરની દાનપેટીમાં કે પછી jw.org પર ઓનલાઇન દાન આપીએ છીએ ત્યારે, આપણે બીજાઓને એની જાણ થવા દેતા નથી. જો આપણને એવું લાગે કે આપણું દાન સાવ નજીવું છે, તો શું યાદ રાખીશું? એ જ કે, સંગઠનને મળતા મોટાભાગના દાન મોટી રકમના નહિ, પણ નાની રકમના હોય છે. અરે, આપણાં ગરીબ ભાઈ-બહેનો પણ મકદોનિયાનાં ભાઈ-બહેનોનાં દાખલાને અનુસરે છે. મકદોનિયાનાં ભાઈ-બહેનો “ઘણા ગરીબ” હતાં. છતાં, તેઓએ દાન આપવાની તક મળે માટે કાલાવાલા કર્યાં અને પછી ઉદારતાથી દાન આપ્યું.—૨ કોરીં. ૮:૧-૪.

૧૨. કઈ રીતે આપણું સંગઠન દાનનો સૌથી સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે?

૧૨ દાનના ઉપયોગ વિશે નિયામક જૂથ વિશ્વાસુ અને સમજુ રીતે વર્તે છે. (માથ. ૨૪:૪૫) નિયામક જૂથના સભ્યો સારા નિર્ણયો લેવા પ્રાર્થના કરે છે. પૈસા કેવી રીતે વાપરવા એ વિશે તેઓ સમજી-વિચારીને યોજના બનાવે છે. (લુક ૧૪:૨૮) બાઇબલ સમયમાં દાનની દેખરેખ રાખનાર વફાદાર ભાઈઓ ખાતરી કરતા કે એનો ઉપયોગ ફક્ત યહોવાની ભક્તિ માટે જ થાય. દાખલા તરીકે, એઝરા યરૂશાલેમ આવ્યા ત્યારે તેમની સાથે ઇરાનના રાજાએ કીમતી દાન મોકલ્યું હતું. એ દાનની કિંમત આજના ૬ અબજ રૂપિયાથી પણ વધારે હતી. એમાં સોનું, ચાંદી અને બીજો ઘણો ખજાનો હતો. એઝરાની દૃષ્ટિમાં એ દાન યહોવા માટે ભેટ હતું. એટલે એનું રક્ષણ કરવા તેમણે મહત્ત્વનાં સૂચનો આપ્યાં હતાં, કારણ કે જોખમી પ્રદેશોમાંથી તેમણે પસાર થવાનું હતું. (એઝ. ૮:૨૪-૩૪) ઘણાં વર્ષો પછી, પ્રેરિત પાઊલે યહુદિયાના ગરીબ ભાઈઓને મદદ કરવા માટે પૈસા ભેગા કર્યાં. તેમણે ખાતરી કરી કે, દાનની દેખરેખ રાખનાર ભાઈઓ “ફક્ત યહોવાની નજરમાં જ નહિ, માણસની નજરમાં પણ દરેક વાતમાં ઇમાનદાર” હોય. (૨ કોરીંથીઓ ૮:૧૮-૨૧ વાંચો.) આજે આપણું સંગઠન એઝરા અને પાઊલનું અનુકરણ કરે છે અને દાનનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે.

૧૩. શા માટે સંગઠને હાલમાં અમુક ફેરફારો કર્યા છે?

૧૩ કદાચ એક કુટુંબની આવક કરતાં ખર્ચા વધારે હોય. એવા કિસ્સામાં, તેઓ ખર્ચા ઓછા કરશે અને જીવન સાદું બનાવશે, જેથી તેઓ યહોવાની સેવામાં વધુ કરી શકે. આ વાત યહોવાના સંગઠનને પણ લાગુ પડે છે. હાલમાં આપણા સંગઠને ઘણા નવા પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને અમુક વાર, દાનમાં મળતા પૈસા કરતાં ખર્ચા વધારે થયા છે. એટલે, કુટુંબની જેમ જ આપણું સંગઠન પણ પૈસાની બચત કરવાનો અને આપણા કામને સાદું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એનો હેતુ એ છે કે, ઉદારતાથી આપેલાં તમારાં દાનનો સૌથી સારો ઉપયોગ થઈ શકે.

તમારાં દાનથી થતા ફાયદાઓ

તમારાં દાનોથી દુનિયા ફરતે થઈ રહેલા આપણા કામને ટેકો મળે છે (ફકરા ૧૪-૧૬ જુઓ)

૧૪-૧૬. (ક) તમારા દાનનો કેવી રીતે ઉપયોગ થાય છે? (ખ) સંગઠનની ગોઠવણથી તમને કેવી મદદ મળી છે?

૧૪ વર્ષોથી જેઓ સત્યમાં છે, તેઓ કહે છે કે પહેલાં કરતાં આજે સંગઠન વધુ ભેટ આપી રહ્યું છે. અત્યારે આપણી પાસે jw.org અને JW બ્રૉડકાસ્ટિંગ છે. હવે, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. ૨૦૧૪-૨૦૧૫માં “ઈશ્વરના રાજ્યને પ્રથમ શોધીએ!” ત્રણ દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનની ગોઠવણ કરવામાં આવી હતી. દુનિયા ફરતે ૧૪ શહેરોમાં મોટાં મોટાં સ્ટેડિયમમાં એ સંમેલન યોજાયું હતું. ત્યાં હાજર દરેકની ખુશી સમાતી ન હતી.

૧૫ યહોવાના સંગઠને આપેલી ભેટ માટે ઘણા લોકોએ કદર કરી છે. દાખલા તરીકે, એશિયામાં સેવા આપતું એક યુગલ જણાવે છે: ‘અમારી સોંપણી એક નાના શહેરમાં છે. એટલે, ક્યારેક અમે એકલતા અનુભવીએ છીએ અને સહેલાઈથી ભૂલી જઈએ છીએ કે, યહોવાનું કામ કેટલા મોટા પાયે ચાલી રહ્યું છે. પણ, જ્યારે JW બ્રૉડકાસ્ટિંગ પર અલગ અલગ પ્રોગ્રામ જોઈએ છીએ, ત્યારે અમને મદદ મળે છે. એનાથી અમને યાદ આવે છે કે, દુનિયાભરનાં ભાઈ-બહેનો અમારી સાથે છે અને અમે એ ભાઈચારાનો ભાગ છીએ. સ્થાનિક મંડળનાં ભાઈ-બહેનોને પણ JW બ્રૉડકાસ્ટિંગ જોઈને ઘણો આનંદ થાય છે. તેઓ ઘણી વાર અમને જણાવે છે કે, આ પ્રોગ્રામ જોવાને લીધે તેઓ પોતાને નિયામક જૂથની વધારે નજીક ગણે છે. યહોવાના સંગઠનનો ભાગ હોવાનો, આજે તેઓ ગર્વ અનુભવે છે.’

૧૬ તાજેતરમાં, દુનિયા ફરતે લગભગ ૨,૫૦૦ જેટલા પ્રાર્થનાઘર બાંધવામાં આવ્યા છે અથવા એનું સમારકામ કરવામાં આવ્યું છે. હોન્ડુરાસના એક મંડળનાં ભાઈ-બહેનોએ જણાવ્યું કે તેઓનું સપનું હતું કે પોતાનું પ્રાર્થનાઘર હોય. હવે, એ સપનું સાચું પડ્યું છે. તેઓએ લખ્યું: ‘અમે સાચે જ ઘણી ખુશી અનુભવીએ છીએ કે અમે યહોવાના કુટુંબનો ભાગ છીએ. અમે દુનિયાભરના આપણા સુંદર ભાઈચારાનો આનંદ માણીએ છીએ.’ અમુકને પોતાની ભાષામાં બાઇબલ અને બીજાં સાહિત્ય મળ્યાં છે. તો કેટલાકને, ભાઈ-બહેનોએ કુદરતી આફતોના સમયે મદદ કરી છે. ઘણાએ પોતાના વિસ્તારમાં જાહેર પ્રચારકાર્યના સારાં પરિણામો જોયા છે. તેઓ બધા હોન્ડુરાસનાં ભાઈ-બહેનો જેવી જ ખુશી અનુભવે છે અને કદર બતાવે છે.

૧૭. આપણે કઈ રીતે જાણી શકીએ કે આજે યહોવા પોતાના સંગઠનને મદદ કરી રહ્યા છે?

૧૭ દુનિયાના ઘણા લોકો સમજી નથી શકતા કે, આપણું કામ ફક્ત રાજીખુશીથી આપેલાં દાનોથી કેવી રીતે ચાલે છે. એક મોટી કંપનીના મૅનેજરે આપણા છાપકામ વિભાગની મુલાકાત લીધી. તેમને ઘણી નવાઈ લાગી કે બધું જ કામ સ્વયંસેવકો અને રાજીખુશીથી આપેલાં દાનોથી ચાલે છે. તેમ જ, દાન ઉઘરાવવા કોઈ મોટા કાર્યક્રમો યોજવામાં આવતા નથી. તેમણે કહ્યું કે આ રીતે કામ કરવું અશક્ય છે. એ વાત સાચી છે! અમે જાણીએ છીએ કે, ફક્ત યહોવાની મદદથી જ આ કામ શક્ય બન્યું છે.—અયૂ. ૪૨:૨.

યહોવાને પાછું આપવાથી મળતા આશીર્વાદો

૧૮. (ક) રાજ્યના કામને ટેકો આપીએ છીએ ત્યારે, કયા આશીર્વાદો મેળવીએ છીએ? (ખ) આપણે કઈ રીતે બાળકોને અને નવા લોકોને એમ કરવાનું શીખવી શકીએ?

૧૮ અદ્ભુત કામને ટેકો આપવાની યહોવાએ આપણને તક આપી છે. આમ, તેમણે આપણને સન્માન આપ્યું છે. યહોવાએ ખાતરી આપી છે કે રાજ્યના કામને ટેકો આપનાર પર તે ચોક્કસ આશીર્વાદ વરસાવશે. (માલા. ૩:૧૦) યહોવા વચન આપે છે કે આપણે ઉદારતાથી આપીશું તો, સફળ થઈશું. (નીતિવચનો ૧૧:૨૪, ૨૫ વાંચો.) યહોવા કહે છે કે બીજાઓને મદદ કરવાથી ખુશી મળે છે, કેમ કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) આપણાં વાણી-વર્તનથી બાળકોને અને સત્યમાં નવાં છે, તેઓને શીખવી શકીએ છીએ. આમ, તેઓ પણ આ કામને ટેકો આપવાનું શીખશે અને ઘણા આશીર્વાદોનો આનંદ માણશે.

૧૯. આ લેખમાંથી તમને કઈ રીતે ઉત્તેજન મળ્યું છે?

૧૯ આપણી પાસે જે કંઈ છે, એ બધું યહોવા તરફથી જ છે. જ્યારે આપણે એમાંથી તેમને પાછું આપીએ છીએ, ત્યારે આપણે તેમને પ્રેમ બતાવીએ છીએ. તેમ જ, તેમણે આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવીએ છીએ. (૧ કાળ. ૨૯:૧૭) ઇઝરાયેલીઓએ મંદિરના બાંધકામ માટે દાન આપ્યું ત્યારે, ‘તેઓએ રાજીખુશીથી એ અર્પણ આપ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી યહોવાને અર્પણ કર્યાં હતાં.’ (૧ કાળ. ૨૯:૯) ચાલો, યહોવાએ આપણને જે આપ્યું છે, એ તેમને પાછું આપીને આનંદ અને સંતોષ મેળવતા રહીએ.