સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કેવા પ્રેમથી સાચી ખુશી મળે છે?

કેવા પ્રેમથી સાચી ખુશી મળે છે?

“જેઓનો ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.”—ગીત. ૧૪૪:૧૫.

ગીતો: ૨૮, ૨૫

૧. શાના પરથી કહી શકાય કે આપણે અજોડ સમયમાં જીવી રહ્યા છીએ?

આપણે માનવ ઇતિહાસના સૌથી અજોડ સમયમાં જીવી રહ્યા છીએ. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે યહોવા મોટું ટોળું ભેગું કરી રહ્યા છે, જેમાં ‘દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીના’ લોકો છે. તેઓ ૮૦ લાખ કરતાં વધુ લોકોથી બનેલી “બળવાન પ્રજા” છે અને તેઓ ખુશીથી “રાત-દિવસ તેમની [ઈશ્વરની] પવિત્ર સેવા કરે છે.” (પ્રકટી. ૭:૯, ૧૫; યશા. ૬૦:૨૨) તેઓ ઈશ્વરને અને સાથી ભાઈ-બહેનોને પ્રેમ કરે છે. ઇતિહાસમાં આટલા બધા લોકોએ ક્યારેય એવું કર્યું નહિ હોય.

૨. ઈશ્વરના મિત્ર નથી એવા લોકોમાં કેવો પ્રેમ જોવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

જોકે, બાઇબલે એ પણ ભાખ્યું હતું કે આપણા સમયમાં એવા લોકો હશે, જેઓ ઈશ્વરના મિત્ર નહિ હોય. તેમ જ, તેઓનો પ્રેમ સ્વાર્થી હશે. પ્રેરિત પાઊલે લખ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી અને ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા હશે.’ (૨ તિમો. ૩:૧-૪) એવો પ્રેમ ઈશ્વરના પ્રેમની વિરુદ્ધ છે. ભલે વ્યક્તિને લાગે કે સ્વાર્થી પ્રેમ તેને ખુશી આપશે, પણ એવું નથી. એને બદલે, એવા પ્રેમથી તો દુનિયામાં સ્વાર્થી વલણ ફેલાય છે, જેનાથી દરેકનું જીવન મુશ્કેલ બની જાય છે.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું? શા માટે?

પ્રેરિત પાઊલ જાણતા હતા કે સ્વાર્થી પ્રેમ પ્રચલિત થશે અને એવો પ્રેમ ઈશ્વરભક્તો માટે જોખમી હશે. તેથી, તેમણે એવો પ્રેમ બતાવનારા લોકોથી ‘દૂર રહેવાની’ ચેતવણી આપી હતી. (૨ તિમો. ૩:૫) પરંતુ, આપણે બધી બાબતોમાં તેઓની સંગત ટાળી શકતા નથી. ચારેબાજુ જોવા મળતા દુનિયાનાં વલણને આપણે કઈ રીતે ટાળી શકીએ? તેમ જ, પ્રેમના ઈશ્વર યહોવાને ખુશ કરવા આપણે શું કરી શકીએ? દુનિયામાં જોવા મળતા પ્રેમ વિશે ૨ તિમોથી ૩:૨-૪માં જણાવ્યું છે. ચાલો આપણે જોઈએ કે દુનિયાના પ્રેમ અને યહોવા ચાહે છે, એવા પ્રેમ વચ્ચે શો ફરક છે. પછી, વિચાર કરીએ અને જોઈએ કે કેવો પ્રેમ બતાવીને આપણે સાચી ખુશી અને સંતોષ મેળવી શકીએ છીએ.

ઈશ્વર માટે પ્રેમ કે પોતાના માટે?

૪. અમુક હદે પોતાને પ્રેમ કરવો શા માટે ખોટું નથી?

પાઊલે લખ્યું હતું કે “લોકો સ્વાર્થી” એટલે કે પોતાને જ પ્રેમ કરનારા હશે. શું પોતાને પ્રેમ કરવો એ ખોટું છે? ના, આપણે દરેક પોતાને પ્રેમ કરીએ છીએ અને એ જરૂરી પણ છે. કારણ કે યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે. ઈસુએ કહ્યું હતું: “તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.” (માર્ક ૧૨:૩૧) હકીકતમાં, જો પોતાને પ્રેમ કરતા હોઈશું, તો જ બીજાઓને પ્રેમ કરી શકીશું. બાઇબલ પણ કહે છે: “પતિઓએ પોતાના શરીરની જેમ પોતાની પત્નીઓને પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે પોતાને પ્રેમ કરે છે. કેમ કે કોઈ માણસ કદી પોતાના શરીરનો ધિક્કાર કરતો નથી, પણ એનું પાલનપોષણ કરીને પ્રેમથી સંભાળ રાખે છે.” (એફે. ૫:૨૮, ૨૯) તેથી, પોતાને અમુક હદે પ્રેમ કરવો ખોટું નથી.

૫. પોતાને વધુ પડતો પ્રેમ કરનાર વ્યક્તિ કેવી હશે?

બીજો તિમોથી ૩:૨માં જણાવ્યા પ્રમાણે લોકો સ્વાર્થી હશે. એવા સ્વાર્થી પ્રેમથી નુકસાન થાય છે. પોતાને વધુ પડતો પ્રેમ કરનાર વ્યક્તિ ફક્ત પોતાનો જ વિચાર કરે છે. (રોમનો ૧૨:૩ વાંચો.) બીજા કોઈની સંભાળ રાખવાને બદલે, તે ફક્ત પોતાની જ સંભાળ રાખે છે. કંઈ ખોટું થાય ત્યારે, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દોષનો ટોપલો તે બીજા પર ઢોળી દે છે. બાઇબલ વિશે લખાયેલું એક પુસ્તક એવી વ્યક્તિને પીઠ પર કાંટાવાળા પ્રાણી (શેળો કે હેજહોગ) સાથે સરખાવે છે. પુસ્તક આગળ જણાવે છે કે, એ પ્રાણી પોતાના શરીરને વાળીને ગોળ દડા જેવો આકાર ધારણ કરી લે છે, જેથી પોતાની રુંવાટીથી એને ગરમી મળે, પણ બીજાઓને ફક્ત કાંટા દેખાય. આવી સ્વાર્થી વ્યક્તિને ક્યારેય સાચી ખુશી મળતી નથી.

૬. ઈશ્વરને પ્રેમ કરવાથી કેવાં સારાં પરિણામો આવે છે?

બાઇબલના અમુક વિદ્વાનો માને છે કે, સ્વાર્થમાંથી બીજા ખરાબ ગુણો પેદા થતા હોવાથી પાઊલે એ ગુણનો સૌથી પહેલાં ઉલ્લેખ કર્યો. એની વિરુદ્ધ, ઈશ્વર માટે પ્રેમ બતાવનાર વ્યક્તિમાં સારા ગુણો પેદા થાય છે. બાઇબલ જણાવે છે કે એવા પ્રેમ સાથે આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, નમ્રતા અને સંયમ જેવા ગુણો જોડાયેલા છે. (ગલા. ૫:૨૨, ૨૩) ગીતકર્તાએ લખ્યું હતું: “જેઓનો ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.” (ગીત. ૧૪૪:૧૫) યહોવા આનંદી ઈશ્વર છે અને તેમના લોકો પણ આનંદી છે. સ્વાર્થી લોકો પોતાને વધુ પડતો પ્રેમ કરે છે અને બીજાઓ પાસેથી વસ્તુઓ મેળવવાનું જ વિચારે છે. એનાથી તદ્દન વિરુદ્ધ, યહોવાના ભક્તો બીજાઓના ભલા માટે કામ કરે છે, એનાથી ખુશી મેળવે છે.—પ્રે.કા. ૨૦:૩૫.

કઈ રીતે ફક્ત પોતાને પ્રેમ કરવાનું ટાળી શકીએ? (ફકરા ૭ જુઓ)

૭. ઈશ્વર માટેનો પ્રેમ તપાસવા આપણને કયા સવાલો મદદ કરશે?

આપણે કઈ રીતે જાણી શકીએ કે ઈશ્વર માટેના પ્રેમ કરતાં પોતાના માટેનો પ્રેમ વધી ગયો છે? ફિલિપીઓ ૨:૩, ૪માં આપેલી આ સલાહ પર ધ્યાન આપીએ: “અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો. તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.” આપણે પોતાને પૂછી શકીએ: “શું હું એ સલાહ પ્રમાણે જીવું છું? શું હું ખરેખર ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાની કોશિશ કરું છું? શું હું મંડળમાં અને પ્રચાર વિસ્તારમાં બીજાઓને મદદ કરવાની તક શોધું છું?” બીજાઓ માટે પોતાનાં સમય-શક્તિ વાપરવાં હંમેશાં સહેલું હોતું નથી. એ માટે કદાચ આપણે વધુ મહેનત કરવી પડે અને આપણને ગમતી અમુક બાબતો જતી કરવી પડે. પણ, વિશ્વના સર્જનહારની આપણા પર કૃપા છે, એ જાણીને જે ખુશી મળે છે એવી બીજા કશાથી મળતી નથી!

૮. ઈશ્વરને પ્રેમ કરતા હોવાથી અમુક ઈશ્વરભક્તોએ શું કર્યું છે?

અમુક ઈશ્વરભક્તોએ એવી કારકિર્દી છોડી દીધી છે, જેનાથી તેઓ ધનવાન બની શક્યા હોત. તેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમની પૂરેપૂરી સેવા કરવા ચાહે છે, એટલે તેઓએ એમ કર્યું છે. દાખલા તરીકે, બહેન એરિકા એક ડૉક્ટર છે, પણ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે તેણે પાયોનિયર બનવાનું પસંદ કર્યું. એટલે, તેને અને તેના પતિને ઘણા દેશોમાં સેવા આપવાની તક મળી છે. તે જણાવે છે: ‘પરદેશમાં સેવા આપવાથી અમને અનેક સારા અનુભવો થયા છે, ઘણા લોકો સાથે મિત્રતા થઈ છે અને જીવનમાં અઢળક આશીર્વાદો મળ્યા છે.’ એરિકા હજુ પણ ડૉક્ટર તરીકે કામ કરે છે. પણ, પોતાનો મોટાભાગનો સમય તે બીજાઓને યહોવા વિશે શીખવવા અને ભાઈ-બહેનોને મદદ કરવા વાપરે છે. તે જણાવે છે કે એનાથી તેને ‘મનની ખુશી અને સંતોષ મળ્યાં’ છે.

પૃથ્વી પર ધનદોલત ભેગી કરવી કે સ્વર્ગમાં?

૯. શા માટે પૈસાનો પ્રેમી સુખી થશે નહિ?

પાઊલે લખ્યું હતું કે આપણા સમયમાં લોકો “પૈસાના પ્રેમી” હશે. અમુક વર્ષો પહેલાં, આયર્લૅન્ડમાં પાયોનિયરે એક માણસ સાથે ઈશ્વર વિશે વાત કરી હતી. એ માણસે પોતાનું પાકીટ ખોલ્યું અને પૈસા બતાવીને કહ્યું: ‘પૈસો મારો પરમેશ્વર છે.’ ઘણા લોકો ભલે એ સ્વીકારે નહિ, પણ એવું જ વિચારે છે. તેઓ પૈસાને અને પૈસાથી ખરીદી શકાતી વસ્તુઓને પ્રેમ કરે છે. પણ, બાઇબલ ચેતવે છે: ‘રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર પોતાની આવકથી સંતોષ પામશે નહિ.’ (સભા. ૫:૧૦) પૈસાનો મોહ રાખનાર વ્યક્તિને કદી સંતોષ થતો નથી. તેનું આખું જીવન પૈસા ભેગા કરવામાં જ જતું કહે છે. એટલે, તેને ‘ઘણાં દુઃખો’ સહેવાં પડે છે.—૧ તિમો. ૬:૯, ૧૦.

૧૦. ગરીબી અને ધનસંપત્તિ વિશે બાઇબલમાં શું જણાવવામાં આવ્યું છે?

૧૦ ખરું કે આપણને બધાને પૈસાની જરૂર પડે છે. એ આપણને અમુક હદે રક્ષણ આપે છે. (સભા. ૭:૧૨) પરંતુ, જો આપણી પાસે જરૂર પૂરતા જ પૈસા હોય, તો શું આપણે ખુશ રહી શકીએ? હા, ચોક્કસ. (સભાશિક્ષક ૫:૧૨ વાંચો.) યાકેહના પુત્ર આગૂરે પ્રાર્થના કરી હતી કે, ‘મને ગરીબી ન આપો, તેમ જ ધનસંપત્તિ પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કરો.’ સમજી શકાય કે રાજા સુલેમાનને શા માટે ગરીબી નહોતી જોઈતી. તેમણે કહ્યું કે તે ચોરી કરવાની લાલચમાં ફસાવા માંગતા નથી, કેમ કે એમ કરવાથી ઈશ્વરની નિંદા થાય છે. પણ, તે શા માટે ધનવાન બનવા માંગતા ન હતા? તેમણે લખ્યું, ‘રખેને હું છલકાઈ જાઉં, અને તમારો ઇન્કાર કરીને કહું, કે યહોવા કોણ છે?’ (નીતિ. ૩૦:૮, ૯) ચોક્કસ, તમે એવા લોકોને ઓળખતા હશો, જેઓ ઈશ્વર પર ભરોસો રાખવાને બદલે ધનસંપત્તિ પર ભરોસો રાખે છે.

૧૧. ધનદોલત વિશે ઈસુએ શું કહ્યું હતું?

૧૧ જે વ્યક્તિ પૈસાને પ્રેમ કરે છે, તે ઈશ્વરને ખુશ કરી શકતી નથી. ઈસુએ કહ્યું, “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.” તેમણે એ પણ જણાવ્યું કે, “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો, કેમ કે ત્યાં એને જીવડાં અને કાટ ખાઈ જાય છે અને ચોર ચોરી જાય છે. એને બદલે, તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો, જ્યાં જીવડાં કે કાટ એને ખાઈ જતા નથી અને ચોર ચોરી જતા નથી.”—માથ. ૬:૧૯, ૨૦, ૨૪.

૧૨. સાદું જીવન જીવવાથી કઈ રીતે ઈશ્વરની સેવા કરવામાં મદદ મળી શકે? દાખલો આપો.

૧૨ યહોવાના ઘણા ભક્તો સાદું જીવન જીવવાની કોશિશ કરે છે. તેઓને લાગે છે કે એમ કરવાથી તેઓ યહોવાની સેવામાં વધુ સમય આપી શકે છે અને એનાથી તેઓને ખુશી મળે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેતા ભાઈ જેકે પોતાનું મોટું ઘર અને વેપાર વેચી દીધો, જેથી તે પોતાની પત્ની સાથે પાયોનિયરીંગ કરી શકે. તે જણાવે છે: ‘પોતાનું સુંદર ઘર અને ગામની મિલકત વેચવાં સહેલું ન હતું.’ વેપારની સમસ્યાઓને લીધે ભાઈ વર્ષોથી ચિંતામાં ડૂબેલા રહેતા હતા. તે કહે છે: ‘મારી પત્ની નિયમિત પાયોનિયર હોવાથી હંમેશાં ખુશ રહેતી હતી. તે કહેતી: “મારા બોસ તો સૌથી મોટા બોસ છે!” હવે તો હું પણ પાયોનિયર છું અને અમે બંને એક જ બોસ માટે કામ કરીએ છીએ, એ છે યહોવા.’

કઈ રીતે પૈસાને પ્રેમ કરવાનું ટાળી શકીએ? (ફકરા ૧૩ જુઓ)

૧૩. પૈસા વિશે યોગ્ય દૃષ્ટિ રાખવા આપણને ક્યાંથી મદદ મળશે?

૧૩ પૈસા વિશે યોગ્ય દૃષ્ટિ રાખવા, આપણે પ્રમાણિક રીતે પોતાને પૂછવું જોઈએ: “પૈસા વિશે બાઇબલ જે કહે છે એ શું મારા જીવનમાં દેખાય આવે છે? શું પૈસા કમાવવા એ મારા માટે સૌથી મહત્ત્વનું છે? શું હું યહોવા અને તેમના લોકો સાથેની મિત્રતા કરતાં ધનદોલતની વધારે ચિંતા કરું છું? શું હું ખરેખર માનું છું કે યહોવા મારી જરૂરિયાતો પૂરી કરશે?” આપણે ખાતરી રાખી શકીએ કે જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓને તે ક્યારેય નિરાશ કરતા નથી!—માથ. ૬:૩૩.

યહોવા માટે પ્રેમ કે મોજશોખ માટે?

૧૪. મોજશોખ વિશે યોગ્ય દૃષ્ટિ કઈ છે?

૧૪ બાઇબલમાં અગાઉથી જણાવ્યા પ્રમાણે, આજે ઘણા લોકો “મોજશોખને પ્રેમ કરનારા” છે. ખરું કે, પોતાના વિશે અને પૈસા વિશે યોગ્ય દૃષ્ટિ રાખવી ખોટું નથી. આપણે એ પણ જાણીએ છીએ, યોગ્ય પ્રમાણમાં જીવનનો આનંદ માણવો પણ ખોટું નથી. અમુક લોકોને લાગે છે કે આપણે બિલકુલ મોજશોખ ન કરવો જોઈએ. પરંતુ, યહોવા એવું ક્યારેય ચાહતા નથી. બાઇબલ ઈશ્વરના વફાદાર ભક્તોને ઉત્તેજન આપે છે કે, “તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી.”—સભા. ૯:૭.

૧૫. “મોજશોખને પ્રેમ” કરવાનો શો અર્થ થાય?

૧૫ બીજો તિમોથી ૩:૪ એવા લોકો વિશે જણાવે છે કે જેઓને મોજશોખ માટે પ્રેમ છે અને તેઓએ યહોવાને છોડી દીધા છે. નોંધ લો, કલમ એમ નથી જણાવતી કે લોકો ઈશ્વર કરતાં મોજશોખને વધારે પ્રેમ કરતા હશે. કારણ કે જો એમ હોય તો તેઓને ઈશ્વર માટે થોડો ઘણો પ્રેમ છે. પણ, કલમ સાફ જણાવે છે કે “ઈશ્વરને પ્રેમ કરવાને બદલે તેઓ મોજશોખને પ્રેમ કરે છે.” એક વિદ્વાને લખ્યું હતું કે આ કલમ “જણાવતી નથી કે તેઓ ઈશ્વરને પણ થોડો ઘણો પ્રેમ કરતા હશે. એ તો કહે છે કે, તેઓ ઈશ્વરને બિલકુલ પ્રેમ કરતા નહિ હોય.” મોજશોખને પ્રેમ કરનારા લોકો માટે આ એક ગંભીર ચેતવણી છે. એવા લોકો માટે બાઇબલ કહે છે કે “મોજશોખને લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે.”—લુક ૮:૧૪.

૧૬, ૧૭. મોજશોખ વિશે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો છે?

૧૬ ઈસુએ મોજશોખ પ્રત્યે યોગ્ય દૃષ્ટિ રાખી હતી. તે “લગ્નની મિજબાની” અને ‘મોટી મિજબાનીમાં’ ગયા હતા. (યોહા. ૨:૧-૧૦; લુક ૫:૨૯) લગ્નપ્રસંગમાં, દ્રાક્ષદારૂ ખૂટી ગયો ત્યારે, ઈસુએ ચમત્કાર કરીને પાણીમાંથી દ્રાક્ષદારૂ બનાવ્યો હતો. બીજા એક પ્રસંગે, ખાવા-પીવા વિશે લોકોએ ઈસુની ટીકા કરી ત્યારે, તેમણે સાફ જણાવ્યું કે લોકો એ વિશે યોગ્ય દૃષ્ટિ રાખતા નથી.—લુક ૭:૩૩-૩૬.

૧૭ છતાં, ઈસુએ મોજશોખને જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું ન હતું. તેમણે યહોવાને જીવનમાં પ્રથમ રાખ્યા અને બીજાઓને મદદ કરવા પોતાનાથી બનતું બધું કર્યું. માણસજાતને બચાવવા તે પીડાદાયક મોતને વહાલું ગણવા પણ તૈયાર હતા. જેઓ ઈસુને પગલે ચાલવા માંગતા હતા, તેઓને ઈસુએ કહ્યું હતું: “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો. તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે; તેઓએ તમારી અગાઉ પ્રબોધકોની પણ આ રીતે સતાવણી કરી હતી.”—માથ. ૫:૧૧, ૧૨.

કઈ રીતે મોજશોખને પ્રેમ કરવાનું ટાળી શકીએ? (ફકરા ૧૮ જુઓ)

૧૮. મોજશોખ માટે આપણને કેટલો પ્રેમ છે, એ તપાસવા ક્યાંથી મદદ મળી શકે?

૧૮ મોજશોખ માટે આપણને કેટલો પ્રેમ છે, એ તપાસવા ક્યાંથી મદદ મળી શકે? આપણે પોતાને પૂછી શકીએ: “શું હું સભા અને સેવાકાર્ય કરતાં મનોરંજનને વધારે મહત્ત્વ આપું છું? ઈશ્વરની ભક્તિ કરવા શું હું અમુક બાબતો જતી કરવા તૈયાર છું? મનોરંજનની પસંદગી કરતી વખતે શું હું વિચારું છું કે મારી પસંદગી વિશે યહોવાને કેવું લાગશે?” આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ. તેથી, આપણે કાળજીપૂર્વક એવી બાબતો ટાળીશું, જે વિશે આપણે જાણીએ છીએ કે એ ખોટી છે. એટલું જ નહિ, એવી બાબતો પણ ટાળીશું, જેના વિશે આપણને લાગે છે કે કદાચ યહોવાને એ નહિ ગમે.—માથ્થી ૨૨:૩૭, ૩૮ વાંચો.

કઈ રીતે ખુશ રહી શકીએ?

૧૯. કેવા લોકો સાચી ખુશી મેળવી શકશે નહિ?

૧૯ શેતાનની દુનિયાને લીધે મનુષ્યોને આશરે ૬,૦૦૦ વર્ષોથી સહેવું પડ્યું છે. આ છેલ્લા દિવસોમાં પૃથ્વી એવા લોકોથી ભરેલી છે, જેઓનું ધ્યાન પોતાના સ્વાર્થ, પૈસા અને મોજશોખ પર છે. તેઓ ફક્ત પોતાને શું જોઈએ છે, એનો જ વિચાર કરે છે અને જીવનમાં ફક્ત પોતાની ઇચ્છાને જ પ્રથમ સ્થાન આપે છે. પરંતુ, એવા લોકો સાચી ખુશી મેળવી શકતા નથી. એને બદલે બાઇબલ કહે છે: “જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.”—ગીત. ૧૪૬:૫.

૨૦. ઈશ્વર માટેના પ્રેમથી તમને કેવી ખુશી મળી છે?

૨૦ યહોવાના ભક્તોનો યહોવા માટેનો પ્રેમ વધતો ને વધતો જાય છે. દર વર્ષે, બીજા ઘણા લોકો યહોવા વિશે શીખે છે અને તેમને પ્રેમ કરે છે. એ સાબિત કરે છે કે ઈશ્વરનું રાજ ચાલી રહ્યું છે. એ એવા આશીર્વાદો વરસાવશે, જેની આપણે કલ્પના પણ નહિ કરી હોય! યહોવાને પ્રેમ કરનારા લોકો હંમેશાંની ખુશી મેળવશે! આવતા લેખમાં જોઈશું કે સ્વાર્થને લીધે કેવા ખરાબ ગુણો પેદા થાય છે. તેમ જ, જોઈશું કે એનાથી વિરુદ્ધ યહોવાના ભક્તો કયા સારા ગુણો બતાવે છે.