શું તમે જાણો છો?
શું પ્રાચીન ઇઝરાયેલમાં રોજબરોજના જીવનમાં થતા ઝઘડા થાળે પાડવા મુસાના નિયમશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડવામાં આવતા હતા?
હા, કેટલીક વાર. ચાલો એનો એક દાખલો જોઈએ. પુનર્નિયમ ૨૪: ૧૪, ૧૫ જણાવે છે: “તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગળોમાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર . . . રખેને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.”
આશ્દોદ શહેર પાસેથી માટીની એક પાટી મળી આવી હતી. એના પર ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં કરવામાં આવેલી એક ફરિયાદ કોતરેલી હતી. એ ફરિયાદ કદાચ ખેતમજૂરે કરી હતી, જેના પર આરોપ હતો કે તે નક્કી કર્યા પ્રમાણેનું અનાજ આપી શક્યો નથી. તેના વતી લખવામાં આવેલી આ ફરિયાદમાં લખ્યું હતું કે, ‘તમારા સેવકે (ફરિયાદીએ) કાપણીને વખારમાં ભરવાનું કામ પતાવી દીધું હતું. એના અમુક દિવસો પછી, શોભાયનો દીકરો હોશાયાહુ આવ્યો હતો અને તમારા સેવકનો ઝભ્ભો લઈ ગયો. . . . મારી સાથે આકરા તાપમાં કાપણી કરી રહેલા મજૂરો પણ મેં જે કહ્યું એની સાક્ષી આપશે. . . . મેં જે કહ્યું એ એકદમ સાચું છે અને મારા પર લગાવેલા આરોપોમાં હું નિર્દોષ છું. . . . તેથી, જો રાજ્યપાલને લાગે કે મારો ઝભ્ભો પાછો અપાવવો એ તેમની ફરજમાં નથી, તોય મારા પર દયા રાખીને એ પાછો અપાવો. તમારો સેવક કપડાં વગરનો હોય તો, તમારે ચૂપ ન રહેવું જોઈએ.’
સિમોન શામા નામના ઇતિહાસકાર આ ફરિયાદ વિશે કહે છે, ‘આના પરથી ફક્ત એ જ જાણવા નથી મળતું કે મજૂર પોતાનો ઝભ્ભો લેવા કેટલો આતુર હતો. એ પણ જાણવા મળે છે કે ફરિયાદી બાઇબલના નિયમો જાણતો હતો. ખાસ કરીને, ગરીબ પર થતા અત્યાચાર માટે લેવીય અને પુનર્નિયમમાં આપેલા મનાઈ હુકમો પણ તે જાણતો હતો.’