સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્મરણપ્રસંગ ઈશ્વરભક્તોને એકતામાં લાવે છે

સ્મરણપ્રસંગ ઈશ્વરભક્તોને એકતામાં લાવે છે

“ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!”—ગીત. ૧૩૩:૧.

ગીતો: ૧૪૯, ૩૦

૧, ૨. કયો પ્રસંગ આપણને ૨૦૧૮માં અદ્ભુત રીતે એકતામાં લાવશે અને શા માટે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

દુનિયા ફરતે કરોડો લોકો માર્ચ ૩૧, ૨૦૧૮ના રોજ એક પ્રસંગમાં જશે. એ પ્રસંગ વર્ષમાં એક જ વાર આવે છે. સૂર્ય આથમ્યા પછી, યહોવાના સાક્ષીઓ અને બીજા ઘણા લોકો ઈસુના બલિદાનને યાદ કરવા માટે ભેગા થશે. દર વર્ષે, ઈસુના મરણનો સ્મરણપ્રસંગ લોકોને અદ્ભુત રીતે એકતામાં લાવે છે. પૃથ્વી પર એના જેવો બીજો કોઈ પ્રસંગ ભાગ્યે જ થતો હશે.

આખી દુનિયામાં કરોડો લોકોને આ ખાસ પ્રસંગમાં હાજર જોઈને યહોવા અને ઈસુ સાચે જ ઘણા ખુશ થશે. બાઇબલ જણાવે છે, “દરેક દેશ, કુળ, પ્રજા અને બોલીમાંથી કોઈ માણસ ગણી ન શકે, એટલું મોટું ટોળું હતું.” એ ટોળું પોકારતું હતું: “રાજ્યાસન પર બેઠેલા આપણા ઈશ્વર અને ઘેટા તરફથી ઉદ્ધાર મળે છે.” (પ્રકટી. ૭:૯, ૧૦) યહોવા અને ઈસુએ કરેલાં મહાન કામો માટે, તેઓને મહિમા આપવા ઘણા લોકો દર વર્ષે સ્મરણપ્રસંગમાં હાજર રહે છે, એ કેટલું રોમાંચક છે!

૩. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

આ લેખમાં આપણે આ ચાર સવાલોના જવાબ મેળવીશું: (૧) સ્મરણપ્રસંગથી ફાયદો મેળવવા હું કઈ રીતે પોતાને તૈયાર કરી શકું? (૨) સ્મરણપ્રસંગથી યહોવાના ભક્તોને કઈ રીતોએ સંપમાં રહેવા મદદ મળે છે? (૩) યહોવાના ભક્તોની વચ્ચે એકતા વધારવા હું શું કરી શકું? (૪) શું ક્યારેય પણ છેલ્લું સ્મરણપ્રસંગ હશે? એ ક્યારે હશે?

સ્મરણપ્રસંગની તૈયારી કરવી અને એમાં હાજર રહીને ફાયદો મેળવવો

૪. શા માટે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું આપણા માટે મહત્ત્વનું છે?

શા માટે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું, આપણા માટે મહત્ત્વનું છે? એનું એક કારણ છે કે સભાઓ યહોવાની ભક્તિનો ભાગ છે. વર્ષની સૌથી મહત્ત્વની સભામાં હાજર રહેવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા અને ઈસુ ચોક્કસ એની નોંધ લેશે. તેઓ એ પણ જોશે કે, ટાળી ન શકાય એવા સંજોગો સિવાય આપણે હંમેશાં સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ. સભાઓ ખૂબ જ મહત્ત્વની છે, એ આપણાં કાર્યોથી દેખાઈ આવવું જોઈએ. એમ કરીશું તો, ‘યાદીનું પુસ્તક’ કે ‘જીવનના પુસ્તકમાં’ આપણું નામ રાખવાનું યહોવાને વધુ એક કારણ મળશે. એ પુસ્તકમાં એવા બધા જ ભક્તોના નામ છે, જેઓને યહોવા હંમેશાંનું જીવન આપવા ચાહે છે.—માલા. ૩:૧૬; પ્રકટી. ૨૦:૧૫.

૫. સ્મરણપ્રસંગના થોડાં અઠવાડિયાં પહેલાં કઈ રીતે પારખી શકો કે “તમે શ્રદ્ધાથી જીવો છો”?

સ્મરણપ્રસંગના થોડા અઠવાડિયા પહેલાં આપણે શું કરી શકીએ? યહોવાને પ્રાર્થના કરવા અને તેમની સાથેનો સંબંધ કેટલો મજબૂત છે, એ વિશે વિચારવા સમય કાઢીએ. (૨ કોરીંથીઓ ૧૩:૫ વાંચો.) પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તોને કહ્યું, “તમે શ્રદ્ધાથી જીવો છો, એની પરખ કરતા રહો.” એવું કઈ રીતે કરી શકીએ? આપણે પોતાને પૂછી શકીએ: ‘શું હું ખરેખર માનું છું કે આ જ એકમાત્ર એવું સંગઠન છે, જેને યહોવાએ પોતાની ઇચ્છા પૂરી કરવા માટે પસંદ કર્યું છે? ખુશખબર ફેલાવવા અને લોકોને શીખવવા માટે શું હું મારાથી બનતું બધું જ કરું છું? શું મારાં કાર્યોથી દેખાય આવે છે કે આપણે છેલ્લા સમયમાં જીવીએ છીએ અને શેતાનની સત્તાનો અંત નજીક છે, એ વિશે મને પૂરી ખાતરી છે? મેં યહોવાની ભક્તિ શરૂ કરી ત્યારે યહોવા અને ઈસુમાં જેટલો ભરોસો હતો, શું એટલો આજે પણ છે?’ (માથ. ૨૪:૧૪; ૨ તિમો. ૩:૧; હિબ્રૂ. ૩:૧૪) તમે શ્રદ્ધાથી જીવો છો એની પરખ કરવા આ સવાલોના જવાબ તમને મદદ કરશે.

૬. (ક) હંમેશાંનું જીવન મેળવવાની એકમાત્ર રીત કઈ છે? (ખ) એક વડીલ સ્મરણપ્રસંગ માટે દર વર્ષે કઈ રીતે તૈયારી કરે છે અને તમે પણ કઈ રીતે એમ કરી શકો?

સ્મરણપ્રસંગ માટે તમે પોતાને કેવી રીતે તૈયાર કરી શકો? આ પ્રસંગનું મહત્ત્વ બતાવતા હોય એવા લેખો વાંચો અને મનન કરો. (યોહાન ૩:૧૬; ૧૭:૩ વાંચો.) હંમેશાંનું જીવન મેળવવાની એકમાત્ર રીત છે કે આપણે યહોવાને ઓળખીએ અને તેમના દીકરા ઈસુ પર શ્રદ્ધા રાખીએ. સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે એવી માહિતી શોધીને અભ્યાસ કરી શકીએ, જે આપણને યહોવા અને ઈસુની વધારે નજીક જવા મદદ કરે. એક ભાઈ જે ઘણા સમયથી વડીલ છે, તે પણ આ જ રીત વાપરે છે. તેમણે ઘણાં વર્ષોથી ચોકીબુરજના અમુક લેખો ભેગા કર્યા છે. એમાં સ્મરણપ્રસંગ વિશે તથા યહોવા અને ઈસુએ આપણા પર બતાવેલા પ્રેમ વિશે માહિતી આપેલી છે. સ્મરણપ્રસંગના અમુક અઠવાડિયા પહેલાં, ભાઈ આ લેખો ફરીથી વાંચે છે અને આ પ્રસંગના મહત્ત્વ વિશે ઊંડો વિચાર કરે છે. અમુક વાર નવા લેખો તે પોતાના સંગ્રહમાં ઉમેરે છે. તે સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન અને એના પર મનન કરે છે. આ વડીલ ભાઈ કહે છે કે આ બધી રીતો અજમાવવાથી તે દર વર્ષે નવી નવી વાતો શીખે છે. સૌથી મહત્ત્વનું તો, તેમના અભ્યાસને લીધે યહોવા અને ઈસુ માટેનો તેમનો પ્રેમ વધતો જાય છે. જો તમે પણ આવી રીતે અભ્યાસ કરશો તો, યહોવા અને ઈસુ માટેનો તમારો પ્રેમ વધતો ને વધતો જશે. ઉપરાંત, તેઓએ આપણા માટે જે કર્યું છે, એ માટેની કદર વધશે અને સ્મરણપ્રસંગથી તમે વધુ ફાયદો મેળવી શકો માટે મદદ મળશે.

સ્મરણપ્રસંગથી એકતા જાળવવા મદદ મળે છે

૭. (ક) પ્રભુના સાંજના ભોજન વખતે ઈસુએ શાના વિશે પ્રાર્થના કરી?(ખ) શું બતાવે છે કે યહોવાએ ઈસુની પ્રાર્થનાનો જવાબ આપ્યો?

પ્રભુના સાંજના ભોજન વખતે, ઈસુએ ખાસ પ્રાર્થના કરી હતી. તેમણે પોતાની અને તેમના પિતા વચ્ચેના અજોડ સંપ વિશે પ્રાર્થના કરી. તેમના બધા શિષ્યો એવી જ રીતે સંપીને રહે, એ વિશે પણ ઈસુએ પ્રાર્થનામાં જણાવ્યું. (યોહાન ૧૭:૨૦, ૨૧ વાંચો.) ચોક્કસપણે, યહોવાએ તેમના વહાલા દીકરાની આ પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. બીજી કોઈ પણ સભાઓ કરતાં સ્મરણપ્રસંગ અજોડ છે. કેમ કે, યહોવાના સાક્ષીઓ એકતામાં છે, એની એ સાબિતી આપે છે. એ પ્રસંગે, દુનિયા ફરતે અલગ અલગ દેશના અને રંગના કરોડો લોકો ભેગા મળે છે. તેઓ હાજર રહીને શું સાબિત કરે છે? એ જ કે યહોવાએ તેમના દીકરાને આપણા માટે મોકલ્યા હતા, એવો તેમને ભરોસો છે. અમુક જગ્યાઓએ એ ઘણું અજુગતું લાગે છે કે, અલગ અલગ જાતિના લોકો ધાર્મિક પ્રસંગ માટે એક જગ્યાએ ભેગા મળે. ઘણા લોકોને એ યોગ્ય લાગતું નથી. પણ, યહોવા અને ઈસુને એવું લાગતું નથી, તેઓને તો સ્મરણપ્રસંગે જોવા મળતી આપણી એકતા ઘણી ગમે છે.

૮. હઝકીએલને યહોવાએ કયો સંદેશો આપ્યો હતો?

યહોવાના ભક્તો તરીકે, આપણને નવાઈ નથી લાગતી કે આપણે આટલી અજોડ રીતે એકતામાં છીએ. એના વિશે યહોવાએ હઝકીએલને આપેલા સંદેશામાં જણાવ્યું હતું. તેમણે હઝકીએલને બે લાકડીઓ લેવા કહ્યું હતું, એક લાકડી ‘યહુદાહ માટે’ અને બીજી ‘યુસફ માટે.’ પછી, તેમણે બંને લાકડીઓ ભેગી કરવા કહ્યું, જેથી એ એક લાકડી બને. (હઝકીએલ ૩૭:૧૫-૧૭ વાંચો.) જુલાઈ ૨૦૧૬, ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” લેખમાં સમજાવ્યું હતું: “પ્રબોધક હઝકીએલ દ્વારા યહોવાએ ભાખ્યું હતું કે, તેમના લોકો વચનના દેશમાં પાછા આવશે અને એક રાષ્ટ્ર તરીકે ફરીથી એકતામાં આવશે. એ ભવિષ્યવાણીમાં એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ઈશ્વરની ભક્તિ કરતા લોકો એક પ્રજા તરીકે એકતામાં આવશે.”

૯. હઝકીએલની ભવિષ્યવાણી પ્રમાણે, કઈ રીતે દર વર્ષે સ્મરણપ્રસંગમાં આપણે એકતા જોઈ શકીએ છીએ?

વર્ષ ૧૯૧૯થી યહોવાએ અભિષિક્તોને ફરીથી ભેગા કર્યા અને તેઓને એકતામાં લાવ્યા. તેઓ ‘યહુદાહ માટેની’ લાકડી જેવા હતા. પછી, પૃથ્વી પર હંમેશના જીવનની આશા રાખનારા વધુ ને વધુ લોકો અભિષિક્તોને ટેકો આપવા લાગ્યા. તેઓ પૃથ્વી પરના જીવનની આશા રાખે છે અને ‘યુસફ માટેની’ લાકડી જેવા છે. યહોવાએ વચન આપ્યું હતું કે તે આ બંને લાકડીને ભેગી કરશે અને તેમના હાથમાં ‘એક લાકડી કરશે.’ (હઝકી. ૩૭:૧૯) યહોવાએ અભિષિક્તોને અને ‘બીજા ઘેટાંને’ “એક ટોળું” બનાવ્યું છે. (યોહા. ૧૦:૧૬; ઝખા. ૮:૨૩) આજે તેઓ બંને એકતામાં રહે છે અને ભેગા મળીને યહોવાની ભક્તિ કરે છે. તેઓના એક જ રાજા છે, ઈસુ ખ્રિસ્ત. તેમને હઝકીએલની ભવિષ્યવાણીમાં ઈશ્વરના “સેવક દાઊદ” કહેવામાં આવ્યા છે. (હઝકી. ૩૭:૨૪, ૨૫) દર વર્ષે, સ્મરણપ્રસંગમાં ઈસુના મરણને યાદ કરવા ભેગા મળીએ છીએ ત્યારે, હઝકીએલની ભવિષ્યવાણી પ્રમાણે આ બંને ટોળાં વચ્ચે એકતા જોઈ શકીએ છીએ. પરંતુ, યહોવાના લોકો વચ્ચેની એકતા જાળવવા અને એને વધારવા આપણે દરેક શું કરી શકીએ?

એકતામાં વધારો કરવા આપણે દરેક શું કરી શકીએ?

૧૦. આપણે કઈ રીતે યહોવાના ભક્તોની એકતામાં વધારો કરી શકીએ?

૧૦ યહોવાના ભક્તોની એકતામાં વધારો કરવાની પહેલી રીત કઈ છે? નમ્ર બનવા તનતોડ મહેનત કરીએ. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે શિષ્યોને જણાવ્યું હતું કે તેઓએ નમ્ર બનવું જોઈએ. (માથ. ૨૩:૧૨) દુનિયાના લોકો મોટા ભાગે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે. પણ, જો આપણે નમ્ર હોઈશું, તો મંડળમાં આગેવાની લેતા ભાઈઓને આદર આપીશું અને તેઓનાં સલાહ-સૂચન પાળીશું. જો એમ કરીશું, તો જ મંડળની એકતા જળવાશે. સૌથી મહત્ત્વનું, જો આપણે નમ્ર રહીશું તો યહોવા ખુશ થશે. કારણ કે, તે “અભિમાની લોકોનો વિરોધ કરે છે પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.”—૧ પીત. ૫:૫.

૧૧. સ્મરણપ્રસંગે વપરાતાં રોટલી અને દ્રાક્ષદારૂ પર મનન કરવાથી કઈ રીતે એકતામાં વધારો કરવા મદદ મળે છે?

૧૧ એકતામાં વધારો કરવાની બીજી રીત કઈ છે? સ્મરણપ્રસંગે વપરાતાં રોટલી અને દ્રાક્ષદારૂનો ખરેખર શો અર્થ થાય, એના પર મનન કરીએ. સ્મરણપ્રસંગ પહેલાં અને ખાસ એ રાત્રે આપણે એના પર મનન કરવું જોઈએ. (૧ કોરીં. ૧૧:૨૩-૨૫) બેખમીર રોટલી ઈસુના સંપૂર્ણ શરીરને રજૂ કરે છે, જેનું તેમણે બલિદાન આપ્યું હતું. લાલ દ્રાક્ષદારૂ તેમના લોહીને રજૂ કરે છે. પરંતુ, એ હકીકત જાણવી જ પૂરતું નથી. આપણે યાદ રાખવું જોઈએ કે ઈસુએ આપેલા બલિદાન પાછળ બે વ્યક્તિઓનો લોકો માટેનો પ્રેમ દેખાય આવે છે. યહોવાએ આપણા માટે પોતાનો દીકરો આપી દીધો અને દીકરાએ ખુશીથી આપણા માટે પોતાનું જીવન આપી દીધું. એવો નિઃસ્વાર્થ પ્રેમ આજ સુધી કોઈએ બતાવ્યો નથી. તેઓના પ્રેમ વિશે વિચારીશું ત્યારે, આપણે પણ તેઓને પ્રેમ કરવા પ્રેરાઈશું. યહોવા માટે આપણને દરેકને પ્રેમ હોવાથી એકબીજા સાથે એકતાના બંધનમાં જોડાઈએ છીએ અને સંપ વધુ મજબૂત થાય છે.

બીજાઓને માફી આપીએ છીએ ત્યારે, આપણે એકતામાં વધારો કરીએ છીએ (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૨. રાજા અને ચાકરોની વાર્તાથી કઈ રીતે ઈસુએ સાફ બતાવ્યું કે યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ?

૧૨ એકતામાં વધારો કરવાની ત્રીજી રીત કઈ છે? દિલથી બીજાઓને માફ કરીએ. યહોવાએ ઈસુના બલિદાનને આધારે આપણાં પાપોની માફી આપી છે. બીજાઓને માફ કરીને આપણે બતાવીએ છીએ કે આપણે યહોવાના કેટલા આભારી છીએ! માફ કરવું કેટલું મહત્ત્વનું છે, એ બતાવવા ઈસુએ એક રાજા અને તેમના ચાકરોની વાર્તા કહી હતી. માથ્થી ૧૮:૨૩-૩૪ વાંચો અને પોતાને પૂછો: “ઈસુએ જે શીખવ્યું હતું, એ લાગુ પાડવા શું હું તૈયાર છું? ભાઈ-બહેનો પ્રત્યે શું હું ધીરજ બતાવું છું અને તેઓના સંજોગોને સમજુ છું? જેઓએ મારું દિલ દુભાવ્યું છે, શું તેઓને માફ કરવા હું તૈયાર છું?” ખરું કે અમુક ભૂલો ઘણી ગંભીર હોય છે. અને અપૂર્ણ હોવાથી અમુક ભૂલોને માફ કરવી આપણા માટે ઘણું અઘરું હોય છે. પણ, ઈસુની વાર્તાથી શીખવા મળે છે કે યહોવા આપણી પાસે શું ચાહે છે. (માથ્થી ૧૮:૩૫ વાંચો.) ઈસુએ સાફ જણાવ્યું છે કે જો માફ કરવાનું કારણ હોય અને આપણે ભાઈ-બહેનોને માફ નહિ કરીએ, તો યહોવા પણ આપણને માફ નહિ કરે. એ ઘણી ગંભીર વાત છે. આપણી અનમોલ એકતાને સાચવવા અને જાળવવા ઈસુએ શીખવ્યું હતું તેમ બીજાઓને આપણે માફ કરવા જોઈએ.

૧૩. બીજાઓ સાથે શાંતિ જાળવીને કઈ રીતે આપણે એકતામાં વધારો કરી શકીએ?

૧૩ બીજાઓને માફ કરીએ છીએ ત્યારે, આપણે ભાઈ-બહેનો સાથે સુલેહ-શાંતિ જાળવીએ છીએ. પ્રેરિત પાઊલે કહ્યું હતું કે એકબીજા સાથે સંપ અને શાંતિ જાળવવા આપણે મહેનત કરતા રહેવું જોઈએ. (એફે. ૪:૩) તેથી, સ્મરણપ્રસંગ વખતે અને ખાસ એ રાત્રે વિચારવું જોઈએ કે શાંતિ જાળવવા આપણે બીજાઓ સાથે કઈ રીતે વર્તીએ છીએ. આપણે આ સવાલો પર વિચાર કરીએ: “શું મારા મિત્રો એ જાણે છે કે મને માઠું લગાડનાર લોકો પર હું ગુસ્સે થતો નથી? શું લોકો જોઈ શકે છે કે હું સંપ અને શાંતિ જાળવવા મહેનત કરું છું?” આ સવાલો ઘણા મહત્ત્વના છે, જેના પર આપણે દરેકે વિચાર કરવો જોઈએ.

૧૪. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ‘એકબીજાનું સહન કરીએ’ છીએ?

૧૪ એકતામાં વધારો કરવાની ચોથી રીત કઈ છે? પ્રેમ બતાવવામાં યહોવાને અનુસરીએ. (૧ યોહા. ૪:૮) આપણે ક્યારેય એવું નહિ કહીએ કે, “ભાઈ-બહેનોને હું પ્રેમ તો કરું છું, પણ જરૂરી નથી કે તેઓ મને ગમતા હોય.” જો આપણે એવું વિચારીશું તો આપણે પાઊલની આ સલાહ પાળતા નથી: “પ્રેમથી એકબીજાનું સહન કરો.” (એફે. ૪:૨) નોંધ લો, પાઊલે એવું કહ્યું ન હતું કે આપણે ફક્ત ‘એકબીજાનું સહન કરીએ.’ પણ કહ્યું હતું કે આપણે ‘પ્રેમથી એકબીજાનું સહન કરીએ.’ એ બે વાક્ય વચ્ચે ફરક જોવા મળે છે. આપણા મંડળમાં અલગ અલગ જાતિનાં ભાઈ-બહેનો છે અને યહોવા દરેકને પોતાની પાસે દોરી લાવ્યા છે. (યોહા. ૬:૪૪) યહોવાએ દરેકમાં સારી બાબતો જોઈ હશે એટલે તે તેઓને પ્રેમ કરે છે. જો ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ મેળવવાને લાયક હોય, તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે આપણા પ્રેમ માટે તેઓ લાયક નથી? યહોવાએ આપણને પ્રેમ બતાવવાની આજ્ઞા આપી છે. તેથી, પ્રેમ બતાવવા આપણે હંમેશાં આતુર રહેવું જોઈએ.—૧ યોહા. ૪:૨૦, ૨૧.

છેલ્લું સ્મરણપ્રસંગ—ક્યારે?

૧૫. આપણને કઈ રીતે ખબર પડશે કે આ છેલ્લું સ્મરણપ્રસંગ છે?

૧૫ એક દિવસે, આપણે છેલ્લી વાર સ્મરણપ્રસંગ ઊજવીશું. આપણને એ કઈ રીતે ખબર પડશે? પાઊલે અભિષિક્ત ઈશ્વરભક્તોને જણાવ્યું હતું કે, દર વર્ષે ઈસુના મરણને યાદ કરીને તેઓ ‘પ્રભુના આવતા સુધી તેમનું મરણ જાહેર કરે.’ (૧ કોરીં. ૧૧:૨૬) ઈસુએ અંતના સમયની નિશાની આપી ત્યારે, તેમણે પોતાના ‘આવવા’ વિશે પણ કહ્યું હતું. મહાન વિપત્તિ વિશે જણાવતી વખતે તેમણે કહ્યું હતું: “આકાશમાં માણસના દીકરાની નિશાની દેખાશે અને પૃથ્વી પરનાં બધાં કુળો શોકમાં છાતી કૂટશે અને તેઓ માણસના દીકરાને સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતો જોશે. તે પોતાના દૂતોને રણશિંગડાના મોટા અવાજ સાથે મોકલશે અને તેઓ આકાશોના એક છેડાથી તે બીજા છેડા સુધી, ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.” (માથ. ૨૪:૨૯-૩૧) ઈસુ “પસંદ કરાયેલાને ભેગા કરશે” એટલે કે, અભિષિક્તોને પૃથ્વી પરથી સ્વર્ગમાં લઈ જશે. એ ઘટના મહાન વિપત્તિ શરૂ થયા પછી અને આર્માગેદન યુદ્ધ પહેલાં થશે. એ યુદ્ધમાં ઈસુ પોતાના ૧,૪૪,૦૦૦ સાથીઓ સાથે પૃથ્વી પરના રાજાઓ સામે લડશે અને જીત મેળવશે. (પ્રકટી. ૧૭:૧૨-૧૪) આમ, ઈસુ અભિષિક્તોને લેવા ‘આવશે’ એ પહેલાં આપણે છેલ્લું સ્મરણપ્રસંગ ઊજવીશું.

૧૬. તમે શા માટે આ વર્ષે સ્મરણપ્રસંગમાં હાજર રહેવાનો પાકો નિર્ણય કર્યો છે?

૧૬ આપણે પાકો નિર્ણય કરીએ કે માર્ચ ૩૧, ૨૦૧૮ના રોજ સ્મરણપ્રસંગમાં ચોક્કસ હાજરી આપીશું. યહોવા પાસે માંગીએ કે, તેમના ભક્તો તરીકે એકતામાં રહેવા આપણને બનતું બધું જ કરવા મદદ આપે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧ વાંચો.) એક દિવસે આપણે છેલ્લી વાર સ્મરણપ્રસંગમાં જઈશું. એ દિવસ આવે ત્યાં સુધી સ્મરણપ્રસંગમાં આપણી વચ્ચે અજોડ એકતા છે, એ બતાવતા રહીએ. એ આપણા માટે ઘણી જ મૂલ્યવાન છે!