સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪

સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ

સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ

‘આ મારા શરીરને રજૂ કરે છે. આ મારા “કરારના લોહી”ને રજૂ કરે છે.’—માથ. ૨૬:૨૬-૨૮.

ગીત ૧૪ કદી દુઃખના કાંટા નહિ ખૂંચે

ઝલક *

૧-૨. (ક) શા માટે સ્મરણપ્રસંગ ઊજવવાની રીત સાદી છે? (ખ) ઈસુના કયા ગુણો વિશે આપણે શીખીશું?

દર વર્ષે ઊજવાતા ઈસુના મરણના સ્મરણપ્રસંગ વિશે તમે શું જાણો છો? એ વિશે અમુક બાબતો તમે ચોક્કસ જાણતા હશો. એ પ્રસંગ સાદી રીતે ઊજવવામાં આવે છે. છતાં એ ખૂબ મહત્ત્વનો પ્રસંગ છે. આપણને કદાચ સવાલ થાય, ‘શા માટે એ સાદગીથી ઊજવવામાં આવે છે?’

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે સત્ય વિશે મહત્ત્વની વાતો શીખવી હતી. તેમની શીખવવાની રીત સાદી, સરળ અને સમજાય એવી હતી. ઈસુ પોતાની શીખવવાની રીત માટે જાણીતા હતા. (માથ. ૭:૨૮, ૨૯) ઈસુએ તેમના મરણની યાદગીરી * માટે એક પ્રસંગ ઊજવવાનું કહ્યું હતું. તેમની શીખવવાની રીતની જેમ જ એ પ્રસંગ પણ સાદો હતો. ચાલો એ મહત્ત્વના પ્રસંગ વિશે અમુક બાબતો જોઈએ. આપણે ઈસુનાં કાર્યો અને વાતો વિશે પણ જોઈશું. આપણે શીખીશું કે ઈસુએ નમ્રતા, હિંમત અને પ્રેમ જેવા ગુણો બતાવ્યા હતા. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે એવા ગુણો કેળવી શકીએ.

ઈસુએ નમ્રતા બતાવી

સ્મરણપ્રસંગના પ્રતીકો યાદ અપાવે છે કે ઈસુએ પોતાનું જીવન આપણા માટે આપ્યું છે અને તે સ્વર્ગમાંથી રાજ કરી રહ્યા છે (ફકરા ૩-૫ જુઓ)

૩. માથ્થી ૨૬:૨૬-૨૮ પ્રમાણે ઈસુએ ઉજવેલો પ્રસંગ કેવો હતો? રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?

એ પ્રસંગની શરૂઆત ઈસુએ પોતાના ૧૧ શિષ્યો સાથે કરી હતી. પાસ્ખાના ભોજનમાંથી જે વધ્યું હતું એનો ઉપયોગ કરીને તેમણે આ પ્રસંગ સાદગીથી ઊજવ્યો. (માથ્થી ૨૬:૨૬-૨૮ વાંચો.) પાસ્ખાના ભોજન માટે ખમીર વગરની રોટલી અને દ્રાક્ષદારૂ વપરાતાં હતાં. ઈસુએ એ જ વસ્તુઓનો ઉપયોગ આ પ્રસંગમાં કર્યો. ઈસુએ પોતાના પ્રેરિતોને જણાવ્યું કે, રોટલી અને દ્રાક્ષદારૂ તેમનાં શરીર અને લોહીને રજૂ કરે છે. થોડા જ સમયમાં ઈસુ શિષ્યો માટે પોતાનો જીવ આપી દેવાના હતા. આટલો મહત્ત્વનો પ્રસંગ સાદી રીતે ઉજવવામાં આવી રહ્યો છે, એની પ્રેરિતોને નવાઈ લાગી નહિ હોય. શા માટે?

૪. ઈસુએ માર્થાને જે સલાહ આપી, એ પરથી આપણને સ્મરણપ્રસંગ વિશે શું શીખવા મળે છે?

ઈસુના સેવાકાર્યના ત્રીજા વર્ષે એક ઘટના બની હતી. લાજરસ, માર્થા અને મરિયમને મળવા ઈસુ તેઓના ઘરે ગયા હતા. ઈસુ તેઓને શીખવી રહ્યા હતા. પણ માર્થાનું ધ્યાન બીજે ક્યાંક હતું. ઈસુ માટે ઘણી બધી વાનગીઓ બનાવવામાં તે વ્યસ્ત હતી. ઈસુએ એ વિશે માર્થાને ટકોર કરી. તેમણે જણાવ્યું કે ઘણી બધી વાનગીઓની જરૂર નથી. (લુક ૧૦:૪૦-૪૨) એ સલાહ ઈસુએ મરણના થોડા કલાકો પહેલાં પોતે લાગુ પાડી હતી. પોતાના શિષ્યો સાથેનું ભોજન તેમણે સાદું રાખ્યું હતું. એનાથી આપણને ઈસુ વિશે શું શીખવા મળે છે?

૫. સ્મરણપ્રસંગ સાદગીથી ઊજવવામાં આવે છે, એનાથી ઈસુ વિશે શું શીખવા મળે છે? એ વાત ફિલિપીઓ ૨:૫-૮ના શબ્દો સાથે કઈ રીતે મેળ ખાય છે?

ઈસુનાં કાર્યો અને વાતોમાં નમ્રતાનો ગુણ સાફ દેખાઈ આવતો હતો. પોતાના મરણની આગલી રાતે તેમણે નમ્રતાનો અજોડ દાખલો બેસાડ્યો હતો. (માથ. ૧૧:૨૯) તે જાણતા હતા કે તેમનું બલિદાન અજોડ હશે. માણસજાતના ઇતિહાસમાં એવું બલિદાન બીજા કોઈએ આપ્યું નથી. તેમને એ પણ ખબર હતી કે, યહોવા તેમને ફરીથી જીવતા કરશે અને સ્વર્ગમાં રાજા બનાવશે. છતાં, તેમના મરણની યાદગીરીમાં ભવ્ય કે મોટો પ્રસંગ ઊજવવાનું તેમણે કહ્યું ન હતું. તે મહિમા મેળવવા ચાહતા ન હતા. એના બદલે, તેમણે શિષ્યોને જણાવ્યું કે દર વર્ષે સાદગીથી એ પ્રસંગ ઉજવવો. (યોહા. ૧૩:૧૫; ૧ કોરીં. ૧૧:૨૩-૨૫) એનાથી જોવા મળે છે કે ઈસુમાં જરાય ઘમંડ ન હતું. આપણા સ્વર્ગમાંના રાજા નમ્ર છે, એ જાણીને આપણને કેટલી ખુશી થાય છે!—ફિલિપીઓ ૨:૫-૮ વાંચો.

૬. મુશ્કેલીઓમાં આપણે કઈ રીતે ઈસુની જેમ નમ્રતા બતાવી શકીએ?

આપણે કઈ રીતે ઈસુની જેમ નમ્રતા બતાવી શકીએ? હંમેશાં પોતાનો નહિ, બીજાઓનો પણ વિચાર કરીએ. (ફિલિ. ૨:૩, ૪) ચાલો ઈસુના મરણની આગલી રાત વિશે ફરીથી જોઈએ. ઈસુ જાણતા હતા કે થોડા સમયમાં તે દુઃખ સહીને મરણ પામવાના છે. પણ તેમને પોતાના વફાદાર પ્રેરિતોની ઘણી ચિંતા હતી. તેથી, તેમણે જીવનની છેલ્લી રાત પોતાના પ્રેરિતોને સૂચનો, ઉત્તેજન અને આશ્વાસન આપવામાં વિતાવી. (યોહા. ૧૪:૨૫-૩૧) ઈસુએ પોતાનો નહિ, પણ બીજાઓનો વિચાર કર્યો. આપણા માટે નમ્રતાનું કેટલું સરસ ઉદાહરણ!

ઈસુએ હિંમત બતાવી

૭. ઈસુએ મરણની આગલી રાતે કઈ રીતે હિંમતનું ઉદાહરણ બેસાડ્યું?

એ ભોજન પછી ઈસુએ ઘણી હિંમત બતાવી. કઈ રીતે? ઈસુ તેમના પિતાની ઇચ્છા પૂરી કરવા જઈ રહ્યા હતા. તે જાણતા હતા કે, એમ કરવાથી તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ લાગશે અને મરણની સજા થશે. (માથ. ૨૬:૬૫, ૬૬; લુક ૨૨:૪૧, ૪૨) ઈસુ મરણ સુધી ઈશ્વરને વફાદાર રહ્યા. આમ, તેમણે યહોવાના નામને મહિમા આપ્યો, યહોવા જ વિશ્વના માલિક છે, એ વાતને ટેકો આપ્યો અને પસ્તાવો કરનાર માણસો માટે હંમેશાં જીવવાનો રસ્તો ખોલ્યો. એ સમયે ઈસુએ પોતાના શિષ્યોને આવનાર મુશ્કેલીઓ માટે તૈયાર કર્યા.

૮. (ક) ઈસુએ વફાદાર શિષ્યોને કઈ સલાહ આપી? (ખ) શિષ્યોએ કઈ રીતે ઈસુની જેમ હિંમત બતાવી?

ઈસુએ પોતાની ચિંતા પર નહિ, પણ પ્રેરિતોને શાની જરૂર છે, એના પર ધ્યાન આપ્યું. આમ તેમણે હિંમત બતાવી. યહુદાને બહાર મોકલ્યા પછી તેમણે એ પ્રસંગ શરૂ કર્યો. એ પ્રસંગ અભિષિક્તોને યાદ અપાવતો હતો કે, ઈસુના લોહીથી અને નવા કરારનો ભાગ બનવાથી કેવા ફાયદા થશે. (૧ કોરીં. ૧૦:૧૬, ૧૭) અંત સુધી વફાદાર રહેવા અને ઈસુ સાથે સ્વર્ગમાં રાજા બનવા શિષ્યોએ શું કરવાનું હતું? તેઓએ ઈસુની સલાહ પાળવાની હતી. ઈસુએ તેઓને જણાવ્યું કે, તે અને યહોવા તેઓ પાસેથી શું ઇચ્છે છે. (યોહા. ૧૫:૧૨-૧૫) ભાવિમાં કેવી મુશ્કેલીઓ આવશે એ વિશે ઈસુએ પ્રેરિતોને કહ્યું. પછી, પોતાને અનુસરવાનું જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું, “હિંમત રાખજો!” (યોહા. ૧૬:૧-૪ક, ૩૩) વર્ષો પછી પણ શિષ્યો ઈસુની જેમ બીજાઓ માટે જતું કરતા હતા અને હિંમત બતાવતા હતા. ભલે તેઓએ ઘણું સહન કરવું પડ્યું, પરંતુ તેઓ મોટી મોટી મુશ્કેલીઓમાં પણ એકબીજાની પડખે રહ્યા.—હિબ્રૂ. ૧૦:૩૩, ૩૪.

૯. તમે ઈસુની જેમ કઈ રીતે હિંમત બતાવી શકો?

આજે આપણે ઈસુના પગલે ચાલીને હિંમત બતાવીએ છીએ. શ્રદ્ધાને લીધે જેઓની સતાવણી થઈ છે, એવાં ભાઈ-બહેનોની મદદ કરવા આપણને હિંમતની જરૂર પડે છે. બની શકે કે આપણાં ભાઈ-બહેનો પર ખોટા આરોપો મૂકવામાં આવે અને તેઓને જેલમાં નાખવામાં આવે. એ સમયે તેઓને મદદ કરવા આપણાથી જે કંઈ થઈ શકે, એ કરવું જોઈએ. (ફિલિ. ૧:૧૪; હિબ્રૂ. ૧૩:૧૯) પ્રચાર કરવા માટે પણ ‘હિંમતની’ જરૂર પડે છે. (પ્રે.કા. ૧૪:૩) ઈસુની જેમ આપણે પણ ખુશખબર ફેલાવવાનો પાકો નિર્ણય લીધો છે, ભલે પછી લોકો વિરોધ કરે કે સતાવણી કરે. પણ અમુક વાર આપણે હિંમત હારી જઈએ છીએ. એવા સમયે આપણે શું કરી શકીએ?

૧૦. સ્મરણપ્રસંગ નજીક આવે તેમ આપણે શું કરવું જોઈએ? શા માટે?

૧૦ ખ્રિસ્તના બલિદાનથી આપણને આશા મળી છે. એના પર મનન કરીને આપણે હિંમત વધારી શકીએ છીએ. (યોહા. ૩:૧૬; એફે. ૧:૭) સ્મરણપ્રસંગ નજીક આવે તેમ, આપણી પાસે તક છે કે ઈસુના બલિદાન માટે કદર વધારીએ. એ સમયે સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરીએ. ઈસુના મરણ વખતે થયેલા પ્રસંગો વિશે મનન કરીએ અને પ્રાર્થના કરીએ. એનાથી આપણે સ્મરણપ્રસંગ વખતે પ્રતીકોના મહત્ત્વ વિશે અને ઈસુના અજોડ બલિદાન વિશે વધારે સમજી શકીશું. ઈસુ અને યહોવાએ આપણા માટે જે કર્યું છે એની પણ કદર કરીએ. એનાથી આપણને અને આપણાં સગાં-વહાલાંને કેવો ફાયદો થાય છે, એ સમજીએ. એમ કરીએ છીએ ત્યારે ભાવિની આશા મજબૂત થાય છે અને અંત સુધી હિંમત બતાવવા મદદ મળે છે.—હિબ્રૂ. ૧૨:૩.

૧૧-૧૨. આપણે સ્મરણપ્રસંગ વિશે શું જોઈ ગયા?

૧૧ આપણે જોઈ ગયા કે સ્મરણપ્રસંગ ઈસુના બલિદાનની યાદ અપાવે છે. એટલું જ નહિ, નમ્રતા અને હિંમત જેવા ઈસુના સારા ગુણોની પણ યાદ અપાવે છે. આપણે કેટલા ખુશ છીએ કે ઈસુ એવા ગુણો સ્વર્ગમાં પણ બતાવી રહ્યા છે. પ્રમુખ યાજક તરીકે ઈસુ સ્વર્ગમાં આપણા વતી ઈશ્વરને વિનંતી કરે છે. (હિબ્રૂ. ૭:૨૪, ૨૫) ઈસુએ જે રીતે કહ્યું હતું એ રીતે આપણે તેમના મરણને યાદ કરીએ છીએ. આમ, આપણે દિલથી કદર બતાવીએ છીએ. (લુક ૨૨:૧૯, ૨૦) આપણે નીસાન ૧૪ના રોજ એ પ્રસંગ ઊજવીશું. એ દિવસ વર્ષનો સૌથી મહત્ત્વનો દિવસ છે.

૧૨ સ્મરણપ્રસંગ સાદગીથી ઊજવવામાં આવે છે, એમાંથી આપણને ઈસુનો બીજો એક ગુણ પણ શીખવા મળે છે. એ ગુણને લીધે તે આપણા માટે જીવન આપવા તૈયાર થયા હતા. તે પૃથ્વી પર હતા ત્યારે, એ ગુણને લીધે પ્રખ્યાત હતા. એ કયો ગુણ હતો?

ઈસુએ પ્રેમ બતાવ્યો

૧૩. યહોવા અને ઈસુએ બતાવેલા પ્રેમ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? એ પ્રેમથી કોને ફાયદો થાય છે?

૧૩ યહોવાએ આપણા માટે જે કંઈ કર્યું છે, એમાં આપણા માટેનો તેમનો પ્રેમ જોવા મળે છે. ઈસુએ પણ એવો જ પ્રેમ બતાવ્યો. (યોહાન ૧૫:૯; ૧ યોહાન ૪:૮-૧૦ વાંચો.) ઈસુના દિલમાં માણસો માટે કરુણા હતી, એટલે તેમણે પોતાનું જીવન આપી દીધું. ભલે આપણે અભિષિક્ત હોઈએ કે પછી ‘બીજાં ઘેટાંનો’ ભાગ હોઈએ, આપણે યહોવા અને ઈસુના પ્રેમથી ફાયદો મેળવી શકીએ છીએ. (યોહા. ૧૦:૧૬; ૧ યોહા. ૨:૨) સ્મરણપ્રસંગમાં વપરાતા પ્રતીકોનો વિચાર કરો. એનાથી સમજવા મદદ મળે છે કે ઈસુને પોતાના શિષ્યો માટે પ્રેમ હતો. તે પોતાના શિષ્યોની ચિંતા કરતા હતા. ચાલો એ વિશે વધારે જોઈએ.

ઈસુએ સાદગીથી એ પ્રસંગ ઉજવવાની શરૂઆત કરી, જેના લીધે સદીઓ સુધી અને અલગ અલગ સંજોગોમાં પણ એમ કરવું શક્ય બન્યું છે (ફકરા ૧૪-૧૬ જુઓ) *

૧૪. ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યો માટે પ્રેમ બતાવ્યો?

૧૪ ઈસુએ પોતાના અભિષિક્ત શિષ્યો માટે પ્રેમ બતાવ્યો. તેમણે મોટી મોટી વિધિઓ ન કરી, પણ એક સાદું ભોજન રાખ્યું. અભિષિક્ત શિષ્યોએ પણ દર વર્ષે એ પ્રસંગ ઊજવવાનો હતો. આગળ જતાં, કેદ જેવા અઘરા સંજોગોમાં પણ તેઓએ એ પ્રસંગ ઊજવવાનો હતો. (પ્રકટી. ૨:૧૦) શું તેઓ ઈસુની આજ્ઞા પ્રમાણે કરી શક્યા? હા, ચોક્કસ!

૧૫-૧૬. કેટલાક લોકોએ કેવા અઘરા સંજોગોમાં સ્મરણપ્રસંગ ઊજવ્યો હતો?

૧૫ પહેલી સદીથી લઈને આજ સુધી, સાચા ભક્તોએ ઈસુના મરણની યાદમાં એ પ્રસંગ ઊજવ્યો છે. કેટલીક વાર અઘરા સંજોગો હોવા છતાં, એ પ્રસંગ યોગ્ય રીતે ઉજવવા તેઓએ બનતો બધો પ્રયત્ન કર્યો છે. ચાલો એના કેટલાક દાખલા જોઈએ. ભાઈ હેરોલ્ડ કિંગને ચીનની જેલમાં એકાંતવાસમાં પૂરવામાં આવ્યા હતા. એટલે તેમણે સ્મરણપ્રસંગ માટે ખાસ રીત અજમાવી. જે કંઈ મળ્યું, એનાથી તેમણે ખાનગીમાં પ્રતીકો બનાવ્યા. એકદમ ચીવટથી તેમણે સ્મરણપ્રસંગની તારીખની ગણતરી કરી. એ પ્રસંગ આવ્યો ત્યારે તેમણે કોટડીમાં ગીતો ગાયાં, પ્રાર્થના કરી અને જાતે ટોક આપી.

૧૬ બીજો એક દાખલો જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલીક બહેનો જુલમી છાવણીમાં હતી. તેઓએ સ્મરણપ્રસંગ ઉજવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. પણ, એની રીત અને તૈયારી એકદમ સાદી હોવાથી તેઓ એ ઉજવી શકી હતી. તેઓએ જણાવ્યું: ‘અમે નાનું ટેબલ ગોઠવ્યું અને એની ફરતે ઊભા રહ્યા. એના પર સફેદ કપડું હતું અને એના ઉપર પ્રતીકો હતા. અમે મીણબત્તી સળગાવી હતી. જો લાઇટ કરી હોત તો પકડાઈ ગયા હોત. અમારામાં જે કંઈ શક્તિ છે, એ ઈશ્વરના નામ માટે વપરાય એવી અમે પ્રાર્થના કરી.’ શ્રદ્ધાનું કેટલું જોરદાર ઉદાહરણ! સ્મરણપ્રસંગની રીત સાદી હોવાને લીધે મુશ્કેલ સંજોગોમાં પણ આપણે એ ઉજવી શકીએ છીએ. એ માટે આપણે ઈસુના કેટલા આભારી છીએ!

૧૭. આપણે પોતાને કયા સવાલો પૂછવા જોઈએ?

૧૭ સ્મરણપ્રસંગ નજીક આવે તેમ પોતાને આ સવાલો પૂછો: ‘પ્રેમ બતાવવામાં હું કઈ રીતે ઈસુના દાખલાને અનુસરી શકું? શું હું બીજા ભક્તોની જરૂરિયાતો પર ધ્યાન આપું છે કે પછી ફક્ત પોતાની જ જરૂરિયાતો પર ધ્યાન આપું છું? શું હું ભાઈ-બહેનો પાસેથી વધારે પડતી અપેક્ષા રાખું છું કે પછી હું તેઓની નબળાઈઓ સમજું છું?’ ચાલો આપણે ઈસુને પગલે ચાલતા રહીએ અને ભાઈ-બહેનોના “સુખ-દુઃખના સાથી” બનીએ.—૧ પીત. ૩:૮.

આ બોધપાઠ હંમેશાં યાદ રાખો

૧૮-૧૯. (ક) આપણને કેવો ભરોસો છે? (ખ) તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે?

૧૮ ઈસુના મરણનો સ્મરણપ્રસંગ કંઈ હંમેશ માટે ઉજવવામાં આવશે નહિ. મોટી વિપત્તિ દરમિયાન ઈસુ ‘આવશે’ ત્યારે, તે પોતાના ‘પસંદ કરાયેલાઓને’ સ્વર્ગમાં લઈ જશે. પછી, સ્મરણપ્રસંગ ઉજવવામાં આવશે નહિ.—૧ કોરીં. ૧૧:૨૬; માથ. ૨૪:૩૧.

૧૯ એક સમયે સ્મરણપ્રસંગ ઊજવવાનું બંધ થશે. તોપણ આપણને પૂરો ભરોસો છે કે યહોવાના લોકો ઈસુના બલિદાનને ક્યારેય ભૂલશે નહિ. એ પ્રસંગથી ઈસુએ નમ્રતા, હિંમત અને પ્રેમનો સુંદર દાખલો બેસાડ્યો છે! હમણાં જેઓ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે, તેઓ એ સમયે બીજાઓને એના વિશે જણાવશે. એ પ્રસંગમાંથી ફાયદો મેળવવા પાકો નિર્ણય લઈએ કે આપણે ઈસુની જેમ નમ્રતા, હિંમત અને પ્રેમ બતાવીશું. એમ કરીને પાકી ખાતરી રાખી શકીએ કે યહોવા ઈશ્વર આપણને ઇનામ આપશે.—૨ પીત. ૧:૧૦, ૧૧.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

^ ફકરો. 5 બહુ જલદી જ ઈસુના મરણનો સ્મરણપ્રસંગ આવવાનો છે. ઈસુની નમ્રતા, હિંમત અને પ્રેમ વિશે આ સાદા પ્રસંગમાંથી શીખવા મળશે. આ લેખમાં જોઈશું કે તેમણે બતાવેલા કીમતી ગુણો આપણે કેવી રીતે કેળવી શકીએ.

^ ફકરો. 2 શબ્દોની સમજ: યાદગીરી એટલે કોઈ પ્રસંગ કે વ્યક્તિને યાદ કરવા અને માન આપવા કંઈક ખાસ કરવું.

^ ફકરો. 56 ચિત્રની સમજ: પહેલી સદીના મંડળમાં; ૧૯મી સદીના અંત ભાગમાં; નાઝી જુલમી છાવણીમાં; આજના સમયમાં દક્ષિણ અમેરિકાના પ્રાર્થનાઘરમાં વફાદાર ભક્તો સ્મરણપ્રસંગ ઊજવી રહ્યા છે.