સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩

તમારાં હૃદયનું રક્ષણ કરો!

તમારાં હૃદયનું રક્ષણ કરો!

‘તારા હૃદયની સંભાળ રાખવા પૂરી મહેનત કર.’—નીતિ. ૪:૨૩.

ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ

ઝલક *

૧-૩. (ક) યહોવા શા માટે સુલેમાન પર પ્રેમ રાખતા હતા અને સુલેમાનને કેવા આશીર્વાદ મળ્યા? (ખ) આ લેખમાં કયા સવાલોના જવાબ મળશે?

સુલેમાન યુવાન હતા ત્યારે ઇઝરાયેલના રાજા બન્યા. તેમણે રાજ કરવાનું હજુ તો શરૂ જ કર્યું હતું, એ સમયે યહોવા તેમના સપનામાં આવ્યા અને પૂછ્યું: “માંગ, હું તને શું આપું?” સુલેમાને કહ્યું: ‘હું તો કેવળ નાનું બાળક છું અને મને અનુભવ નથી. તમારા લોકનો ન્યાય કરવા માટે તમારા સેવકને જ્ઞાની હૃદય આપો.’ (૧ રાજા. ૩:૫-૧૦) સુલેમાને કેટલી નમ્રતાથી ‘જ્ઞાની હૃદય’ માંગ્યું! એટલે જ યહોવા સુલેમાન પર પ્રેમ રાખતા હતા! (૨ શમૂ. ૧૨:૨૪) યહોવા સુલેમાનના જવાબથી એટલા ખુશ થયા કે તેમણે સુલેમાનને ‘જ્ઞાની અને સમજુ હૃદય’ આપ્યું.—૧ રાજા. ૩:૧૨.

સુલેમાન વફાદાર રહ્યા ત્યાં સુધી તેમને ઘણા આશીર્વાદ મળ્યા. “ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામને” માટે મંદિર બાંધવાનો તેમને મોકો મળ્યો. (૧ રાજા. ૮:૨૦) ઈશ્વર પાસેથી મળેલા જ્ઞાનને લીધે તે ઘણા પ્રખ્યાત હતા. ઈશ્વરની પ્રેરણાથી તેમણે કહેલી વાતો બાઇબલના ત્રણ પુસ્તકોમાં નોંધેલી છે. ચાલો એમાંના એકની ચર્ચા કરીએ, એ છે નીતિવચનોનું પુસ્તક.

નીતિવચનોમાં ઘણી વખત હૃદય શબ્દ વપરાયો છે. દાખલા તરીકે, નીતિવચનો ૪:૨૩ કહે છે: ‘તારા હૃદયની સૌથી વધારે સંભાળ રાખ.’ આ કલમમાં ‘હૃદય’ શાને રજૂ કરે છે? આ લેખમાં આપણે એના વિશે વધારે જોઈશું. આપણે આ બે સવાલોના જવાબ પણ મેળવીશું: શેતાન કઈ રીતે આપણું હૃદય ભ્રષ્ટ કરી શકે? હૃદયનું રક્ષણ કરવા આપણે શું કરવું જોઈએ? ઈશ્વરને વફાદાર રહેવા માટે આ સવાલોના જવાબ મેળવવા ખૂબ જરૂરી છે.

“હૃદય” એટલે શું?

૪-૫. (ક) નીતિવચનો ૪:૨૩માં વપરાયેલા “હૃદય” શબ્દનો શો અર્થ થાય? (ખ) શરીર વિશેના દાખલામાંથી શું શીખવા મળે છે?

નીતિવચનો ૪:૨૩માં “હૃદય” શબ્દ વપરાયો છે. એ આપણાં વિચારો, લાગણીઓ, ધ્યેયો અને ઇચ્છાઓને રજૂ કરે છે. એટલે કે આપણે બહારથી કેવા છીએ એને નહિ, પણ અંદરથી કેવા છીએ એને રજૂ કરે છે.

એ સમજવા ચાલો આપણા શરીરનો વિચાર કરીએ. શરીરની તંદુરસ્તી માટે આપણે સારો ખોરાક લેવો જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. એ જ રીતે આપણા વિચારોની સંભાળ રાખવા બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્ય વાંચવા જોઈએ. તેમ જ, યહોવામાં શ્રદ્ધા બતાવતા રહેવું જોઈએ. એ માટે શીખેલી વાતો લાગુ પાડવી જોઈએ અને આપણી શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવું જોઈએ. (રોમ. ૧૦:૮-૧૦; યાકૂ. ૨:૨૬) આપણું શરીર કદાચ બહારથી સારું દેખાતું હોય. એટલે લાગે કે આપણે તંદુરસ્ત છીએ, પણ શરીરની અંદર ઘણી બીમારીઓ હોય. એવી જ રીતે યહોવાની સેવામાં આપણે જે કરીએ છીએ, એનાથી લાગે કે આપણી શ્રદ્ધા મજબૂત છે. પણ હૃદયમાં ખોટી ઇચ્છાઓ વધી રહી હોય. (૧ કોરીં. ૧૦:૧૨; યાકૂ. ૧:૧૪, ૧૫) યાદ રાખીએ, શેતાન આપણા વિચારો ભ્રષ્ટ કરવા ટાંપીને બેઠો છે. એ માટે તે શાનો સહારો લે છે? આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ?

હૃદયના વિચારો ભ્રષ્ટ કરવા શેતાન કઈ રીતો વાપરે છે?

૬. શેતાન શું ચાહે છે અને એ માટે તે શું કરે છે?

શેતાનનો ઇરાદો છે કે આપણે તેના જેવા બનીએ. તે ચાહે છે કે, આપણે તેની જેમ યહોવાનાં ધોરણો તરફ આંખ આડા કાન કરીએ. તેના જેવા સ્વાર્થી અને બંડખોર બનીએ. એટલે તે અલગ અલગ રીતો વાપરે છે. દાખલા તરીકે, તેણે દુનિયાના લોકોના વિચારો ભ્રષ્ટ કરી નાખ્યા છે. તે આપણા વિચારો ભ્રષ્ટ કરવા દુનિયાના લોકોનો સહારો લે છે. (૧ યોહા. ૫:૧૯) આપણે જાણીએ છીએ કે ખરાબ સંગતને લીધે આપણાં વિચારો અને કાર્યો ‘ભ્રષ્ટ’ થાય છે, ‘બગડે’ છે. શેતાન ઇચ્છે છે કે આપણે એવા લોકો સાથે વધારે સમય પસાર કરીએ. (૧ કોરીં. ૧૫:૩૩) રાજા સુલેમાનના કિસ્સામાં એવું જ થયું. બીજા દેવોને ભજતી સ્ત્રીઓ સાથે તેમણે લગ્‍ન કર્યાં. તેઓના લીધે ધીમે ધીમે ‘સુલેમાનનું હૃદય’ ઈશ્વરથી દૂર થઈ ગયું.—૧ રાજા. ૧૧:૩.

શેતાનના વિચારોથી આપણું હૃદય ભ્રષ્ટ ન થાય માટે શું કરવું જોઈએ? (ફકરો ૭ જુઓ) *

૭. શેતાન પોતાના વિચારો ફેલાવવા બીજા શાનો ઉપયોગ કરે છે અને આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?

શેતાન પોતાના વિચારો ફેલાવવા ફિલ્મો અને ટીવીનો ઉપયોગ કરે છે. તેને ખબર છે કે વાર્તાને સહારે તે આપણાં દિલ સુધી પહોંચી શકે છે. આપણી વિચારવાની રીત, આપણી લાગણીઓ અને આપણાં કામ પર એની અસર પડે છે. ઈસુએ શીખવવા માટે વાર્તાનો ઉપયોગ કર્યો હતો. જેમ કે, ભલા સમરૂનીની વાર્તા, ખોવાયેલા દીકરાની વાર્તા. (માથ. ૧૩:૩૪; લુક ૧૦:૨૯-૩૭; ૧૫:૧૧-૩૨) શેતાને દુનિયાના લોકોના વિચારો બગાડ્યા છે. એ લોકો પણ વાર્તાની મદદથી આપણા વિચારો બગાડી શકે છે. તેથી, આપણે યોગ્ય પસંદગી કરવી જોઈએ. એવાં ટીવી કાર્યક્રમો અને ફિલ્મો પણ હોય છે, જેનાથી મજા આવે, કંઈક જાણવા મળે. એનાથી આપણા વિચારો ભ્રષ્ટ થતા નથી. પણ, આપણે સાવચેત રહેવું જોઈએ. પસંદગી કરતી વખતે વિચારો, ‘શું આ ફિલ્મ કે ટીવી કાર્યક્રમ મને એમ શીખવે છે કે પોતાની ઇચ્છા પૂરી કરવામાં કંઈ ખોટું નથી?’ (ગલા. ૫:૧૯-૨૧; એફે. ૨:૧-૩) તમને ખબર પડે કે એ કાર્યક્રમમાં શેતાનના વિચારો છે તો તમે શું કરશો? જેમ ચેપી રોગથી દૂર રહો છો, તેમ એવા કાર્યક્રમથી પણ દૂર રહો!

૮. બાળકોના હૃદયનું રક્ષણ કરવા માતાપિતાએ શું કરવું જોઈએ?

માતાપિતાઓ, બાળકોના હૃદયનું રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. બાળકોના હૃદયને ભ્રષ્ટ કરવા શેતાન અલગ અલગ પેંતરા અજમાવી રહ્યો છે. તમારાં બાળકોને બીમારીઓથી દૂર રાખવા તમે બનતું બધું કરો છો, ખરું ને! તમે ઘર ચોખ્ખું રાખો છો. તમને કે બાળકોને બીમાર કરે, એવી વસ્તુઓ તમે ફેંકી દો છો. એવી જ રીતે, શેતાનના વિચારો રજૂ કરે એવી ફિલ્મો, ટીવી કાર્યક્રમ, ગેમ્સ કે વેબસાઇટથી તમારાં બાળકોને દૂર રાખો. બાળકોને યહોવાની નજીક જવા મદદ કરવાની જવાબદારી તમારી છે. (નીતિ. ૧:૮; એફે. ૬:૧,) બાઇબલનાં ધોરણોને આધારે પોતાના કુટુંબ માટે નિયમો બનાવતા અચકાશો નહિ. નાનાં બાળકોને જણાવો કે શું જોઈ શકાય અને શું ન જોઈ શકાય. એની પાછળનું કારણ પણ સમજાવો. (માથ. ૫:૩૭) બાળકો મોટાં થાય તેમ તેઓને યહોવાનાં ધોરણો પ્રમાણે સાચું-ખોટું પારખતા શીખવો. (હિબ્રૂ. ૫:૧૪) યાદ રાખો, તમે જે કહો છો એના કરતાં તમે જે કરો છો એના પર બાળકો વધારે ધ્યાન આપે છે અને શીખે છે.—પુન. ૬:૬, ૭; રોમ. ૨:૨૧.

૯. શેતાન કયો વિચાર ફેલાવે છે અને શા માટે એ ખતરનાક કહેવાય?

શેતાન ચાહે છે કે આપણે યહોવાના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર ભરોસો રાખીએ. (કોલો. ૨:૮) એવો જ એક વિચાર છે, ધનવાન બનવું. શેતાન તમારાં મનમાં ઠસાવવા માંગે છે કે જીવનમાં પૈસા છે તો બધું છે. એવું વિચારનાર લોકો ભલે ધનવાન બને કે ન બને પણ તેઓનું જીવન ખતરામાં છે. શા માટે? કારણ કે તેઓ પૈસા કમાવવામાં એટલા ડૂબી જાય છે કે પોતાની તબિયત, કુટુંબ અને યહોવા સાથેના સંબંધની તેઓને કંઈ જ પડી હોતી નથી. (૧ તિમો. ૬:૧૦) આપણે કેટલા ખુશ છીએ કે, પૈસા વિશે યોગ્ય વલણ રાખવા પિતા યહોવા આપણને મદદ કરે છે!—સભા. ૭:૧૨; લુક ૧૨:૧૫.

આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ?

જૂના જમાનાના ચોકીદાર અને દરવાનની જેમ સાવચેત રહીએ, હૃદયમાં ખોટા વિચારો પેસી ન જાય માટે તરત પગલાં ભરીએ (ફકરા ૧૦-૧૧ જુઓ) *

૧૦-૧૧. (ક) પોતાનું રક્ષણ કરવા આપણે શું કરવું જોઈએ? (ખ) જૂના જમાનામાં ચોકીદાર શું કરતો અને આપણું અંતઃકરણ કઈ રીતે ચોકીદારની જેમ કામ કરે છે?

૧૦ હૃદયનું રક્ષણ કરવું હોય તો જોખમ પારખતા શીખવું જોઈએ અને તરત પગલાં ભરવાં જોઈએ. એને ચોકીદારના કામ સાથે સરખાવી શકાય. જૂના જમાનામાં ચોકીદાર શહેરના કોટ પર ઊભો રહેતો હતો. જો તેને કંઈ જોખમ દેખાય તો તે તરત દરવાનને (શહેરના દરવાજાના સિપાઈને) ચેતવણી આપતો. ચાલો એ ઉદાહરણમાંથી શીખીએ કે, શેતાનના વિચારો સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ.

૧૧ એ સમયમાં ચોકીદાર અને દરવાનનું કામ એકબીજા સાથે સંકળાયેલું હતું. (૨ શમૂ. ૧૮:૨૪-૨૬) શહેરની સલામતી ચોકીદાર અને દરવાનના હાથમાં હતી. દુશ્મનો નજીક આવે એ પહેલાં તેઓ શહેરના દરવાજા બંધ કરી દેતા. એનાથી શહેરનું રક્ષણ થતું. (નહે. ૭:૧-૩) જો આપણી પાસે બાઇબલ પ્રમાણે કેળવાયેલું અંતઃકરણ * હશે, તો એ ચોકીદારની જેમ કામ કરશે. શેતાન આપણાં હૃદય પર એટલે કે આપણાં વિચારો, લાગણીઓ, ધ્યેયો અને ઇચ્છાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ ચેતવણી આપશે. જ્યારે આપણું અંતઃકરણ જોખમ વિશે ચેતવે, ત્યારે આપણે દરવાનની જેમ એના પર ધ્યાન આપવું જોઈએ. એ જોખમથી બચવા આપણે પગલાં ભરવાં જોઈએ.

૧૨-૧૩. આપણી સામે કેવી લાલચ આવી શકે? એવા સમયે આપણે શું કરવું જોઈએ?

૧૨ શેતાનના વિચારોથી હૃદયનું રક્ષણ કરવા વિશે એક દાખલો જોઈએ. યહોવાએ શીખવ્યું છે કે, ‘વ્યભિચાર અને દરેક પ્રકારની અશુદ્ધતા વિશે આપણી વચ્ચે વાત પણ ન થવી જોઈએ.’ (એફે. ૫:૩) શાળામાં કે કામ પર બીજા લોકો એવા ગંદા વિષય પર વાત શરૂ કરે ત્યારે આપણે શું કરીશું? આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓથી’ દૂર રહેવું જોઈએ. (તિત. ૨:૧૨) કદાચ અંતઃકરણ ચોકીદારની જેમ ચેતવણી પણ આપે. (રોમ. ૨:૧૫) શું આપણે એ સાંભળીશું? કદાચ આપણે લોકોની વાત સાંભળવા કે પછી તેઓએ મોકલેલા ગંદાં ચિત્રો જોવા લલચાઈ શકીએ. પણ, યાદ રાખીએ કે એ જ સમય છે, શહેરના દરવાજા બંધ કરવાનો એટલે કે જોખમ ટાળવાનો. આપણે કદાચ એ વિષય ટાળીને બીજા વિષય પર વાત કરીએ અથવા ત્યાંથી જતા રહીએ.

૧૩ ખરાબ વિચાર કે ખરાબ કામ કરવા મિત્રો લલચાવે ત્યારે, એ ટાળવા આપણને હિંમતની જરૂર પડે છે. ખાતરી રાખીએ કે એવી લાલચ ટાળવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ એની યહોવા નોંધ લે છે. શેતાનના વિચારોથી દૂર રહેવા જે હિંમત અને સમજદારી જોઈએ, એ યહોવા ચોક્કસ પૂરી પાડશે. (૨ કાળ. ૧૬:૯; યશા. ૪૦:૨૯; યાકૂ. ૧:૫) પોતાના હૃદયનું રક્ષણ કરવા આપણે બીજું શું કરવું જોઈએ?

સાવચેત રહો

૧૪-૧૫. (ક) આપણાં હૃદયના દરવાજા ખોલવા શું કરવું જોઈએ અને કઈ રીતે એમ કરી શકીએ? (ખ) બાઇબલ વાંચનથી વધારે ફાયદો મેળવવા નીતિવચનો ૪:૨૦-૨૨માંથી કઈ મદદ મળે છે? (“ કઈ રીતે મનન કરવું જોઈએ?” બૉક્સ જુઓ.)

૧૪ ફક્ત ખરાબ વિચારો ટાળવા જ પૂરતું નથી. આપણે સારા વિચારો કેળવવા જોઈએ. ચાલો ફરીથી કોટવાળા શહેરનો વિચાર કરીએ. જો દરવાન શહેરના દરવાજા બંધ કરે, તો જ શહેરનું દુશ્મનોથી રક્ષણ થતું. પરંતુ અમુક સમયે દરવાન દરવાજા ખોલતો, જેથી શહેરમાં ખોરાક અને બીજી જરૂરી ચીજવસ્તુઓ આવી શકે. જો દરવાન ક્યારેય દરવાજા ન ખોલે, તો શહેરના લોકો ભૂખે મરે. આપણે પણ યહોવાના વિચારોમાંથી શીખવા પોતાના હૃદયના દરવાજા ખોલવા જોઈએ.

૧૫ બાઇબલમાં યહોવાના વિચારો છે. જ્યારે પણ આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણું મન ઘડાય છે. એનાથી આપણાં વિચારો, લાગણીઓ અને કાર્યો બદલાય છે. બાઇબલ વાંચનમાંથી વધારે ફાયદો મેળવવા શું કરવું જોઈએ? એ માટે પ્રાર્થના કરવી જોઈએ. એક બહેન કહે છે: ‘બાઇબલ વાંચતા પહેલાં, હું યહોવાને પ્રાર્થના કરું છું. તેમને કહું છું કે બાઇબલમાં જે “આશ્ચર્યકારક વાતો” છે, એ સમજવા મને મદદ કરો.’ (ગીત. ૧૧૯:૧૮) વાંચ્યા પછી મનન કરવું પણ જરૂરી છે. પ્રાર્થના, વાંચન અને મનન કરવાથી બાઇબલના વિચારો આપણાં “હૃદયમાં” ઊંડે સુધી પહોંચે છે. આમ, આપણને યહોવાના વિચારો ગમવા લાગે છે.—નીતિવચનો ૪:૨૦-૨૨ વાંચો; ગીત. ૧૧૯:૯૭.

૧૬. JW બ્રૉડકાસ્ટિંગ જોવાથી કેવી મદદ મળે છે?

૧૬ યહોવા આપણા વિચારોને ઘડવા બીજી રીતોથી પણ મદદ કરે છે. JW બ્રૉડકાસ્ટિંગ પરના વીડિયોથી આપણને મદદ મળે છે. એક યુગલે કહ્યું: ‘દર મહિનાનો કાર્યક્રમ તો અમારી પ્રાર્થનાનો જવાબ હોય છે! એકલું એકલું લાગતું હોય કે દુઃખમાં હોઈએ ત્યારે, એ કાર્યક્રમ જોઈને અમારી હિંમત અને ઉત્સાહ વધે છે. બ્રૉડકાસ્ટિંગનાં ગીતો તો અમારા ઘરમાં ચાલતા જ હોય છે. રાંધતી વખતે, સફાઈ કરતી વખતે કે ચા પીતી વખતે અમે ગીતો સાંભળીએ છીએ.’ આપણાં દિલનું રક્ષણ કરવા એ વીડિયોથી મદદ મળે છે. એનાથી યહોવા જેવા વિચારો કેળવવા અને શેતાનના વિચારોથી દૂર રહેવા મદદ મળે છે.

૧૭-૧૮. (ક) ૧ રાજાઓ ૮:૬૧માં જણાવ્યા પ્રમાણે, જે ખરું છે એ કરવાથી કેવો ફાયદો થાય છે? (ખ) હિઝકિયા રાજાના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે? (ગ) આપણે કઈ કઈ બાબતો વિશે પ્રાર્થના કરી શકીએ?

૧૭ જે ખરું છે એ કરવાથી ફાયદો થાય છે. એ જોઈને આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. (યાકૂ. ૧:૨, ૩) યહોવા આપણને પોતાનાં બાળકો ગણવામાં ગર્વ અનુભવે છે, એ જાણીને આપણી ખુશી સમાતી નથી. તેમને ખુશ કરવાની આપણી ઇચ્છા વધે છે. (નીતિ. ૨૭:૧૧) દરેક કસોટી આપણા માટે એક તક છે. એનાથી સાબિત કરી શકીએ છીએ કે, પ્રેમાળ પિતાની ભક્તિ આપણે અધૂરા મનથી કરતા નથી. (ગીત. ૧૧૯:૧૧૩) આપણે બતાવીએ છીએ કે, યહોવાને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ. તેમની આજ્ઞા પાળવાની અને ઇચ્છા પૂરી કરવાની આપણે દિલમાં ગાંઠ વાળી છે.—૧ રાજાઓ ૮:૬૧ વાંચો.

૧૮ આપણે પાપી હોવાથી ભૂલો તો થવાની જ છે. એવા સમયે હિઝકિયા રાજાના દાખલાને યાદ કરીએ. તેમણે ભૂલો તો કરી પણ પછીથી પસ્તાવો કર્યો. તે યહોવા પાસે પાછા આવ્યા અને ‘પૂરા હૃદયથી’ ભક્તિ કરવા લાગ્યા. (યશા. ૩૮:૩-૬; ૨ કાળ. ૨૯:૧, ૨; ૩૨:૨૫, ૨૬) શેતાન આપણા વિચારો ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, એનાથી પોતાનું રક્ષણ કરીએ. ‘જ્ઞાની હૃદય’ મળે, એ માટે પ્રાર્થના કરીએ. (૧ રાજા. ૩:૯; ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪ વાંચો.) જો હૃદયનું રક્ષણ કરીશું તો યહોવાને વફાદાર રહી શકીશું.

ગીત ૩૨ અડગ રહીએ

^ ફકરો. 5 આપણે યહોવાને વફાદાર રહીશું કે પછી શેતાનના ફાંદામાં ફસાઈ જઈશું? એનો આધાર સતાવણી કેટલી આકરી છે એના પર નહિ, પણ આપણે કઈ રીતે પોતાના હૃદયની સંભાળ રાખીએ છીએ એના પર છે. “હૃદય” એટલે શું? શેતાન કઈ રીતે આપણું હૃદય ભ્રષ્ટ કરી શકે? આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ? આ લેખમાં એના જવાબ મળશે.

^ ફકરો. 11 શબ્દોની સમજ: યહોવાએ આપણને એક આવડત આપી છે જેને બાઇબલ અંતઃકરણ કહે છે. (રોમ. ૨:૧૫; ૯:૧) એની મદદથી આપણે પોતાનાં વિચારો, લાગણીઓ અને કાર્યો તપાસીને ખરું-ખોટું પારખી શકીએ છીએ. બાઇબલમાં આપેલાં યહોવાનાં ધોરણોને આધારે આપણાં વાણી-વર્તન અને વિચારો ખરાં છે કે ખોટાં એ નક્કી કરવું જોઈએ. એમ કરવામાં આવે તો જ એને બાઇબલ પ્રમાણે કેળવાયેલું અંતઃકરણ કહેવાય.

^ ફકરો. 56 ચિત્રની સમજ: એક પ્રકાશક ટીવી જોઈ રહ્યા છે, ગંદું દૃશ્ય આવે છે. તેમણે નક્કી કરવાનું છે કે શું કરવું.

^ ફકરો. 58 ચિત્રની સમજ: જૂના જમાનામાં દુશ્મનોને આવતા જોઈને ચોકીદાર દરવાનોને ચેતવણી આપતો. તેઓ તરત જ દરવાજા બંધ કરતા.