સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫

સભામાં હંમેશાં હાજર રહીએ

સભામાં હંમેશાં હાજર રહીએ

“પ્રભુના આવતા સુધી તમે તેમનું મરણ જાહેર કરો.”—૧ કોરીં. ૧૧:૨૬.

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

ઝલક *

૧-૨. (ક) સ્મરણપ્રસંગમાં આવનાર લોકો વિશે યહોવાને કેવું લાગે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે કયા સવાલની ચર્ચા કરીશું?

પ્રભુના સાંજના ભોજન વખતે દુનિયા ફરતે લગભગ બે કરોડ લોકો ભેગા થાય છે. જરા વિચારો, એ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે. તે લોકોની સંખ્યા પર નહિ, પણ એકેએક વ્યક્તિ પર ધ્યાન આપે છે. જેમ કે, અમુક લોકો સતાવણીઓ છતાં દર વર્ષે હાજર રહે છે. બીજા અમુક લોકો સભાઓમાં નિયમિત આવતા નથી, પણ આ પ્રસંગને મહત્ત્વનો ગણતા હોવાથી એમાં જરૂર આવે છે. યહોવા એવા લોકોને પણ ધ્યાન આપે છે, જેઓ આ પ્રસંગે પહેલી વાર આવે છે. તેઓને જાણવું હોય છે કે ત્યાં શું થાય છે.

સ્મરણપ્રસંગે આટલા બધા લોકોને જોઈને યહોવા ચોક્કસ ખુશ થતા હશે. (લુક ૨૨:૧૯) યહોવા માટે એ મહત્ત્વનું નથી કે કેટલા લોકો આવ્યા છે. તેમના માટે તો એ મહત્ત્વનું છે કે તેઓ કયા કારણથી આવ્યા છે. જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓ માટે યહોવાએ દર અઠવાડિયે સભાઓની ગોઠવણ કરી છે. આ લેખમાં આપણે મહત્ત્વના સવાલની ચર્ચા કરીશું: શા માટે આપણે ફક્ત સ્મરણપ્રસંગમાં જ નહિ, પણ બીજી બધી સભાઓમાં પણ હાજર રહેવું જોઈએ?

દુનિયા ફરતે પ્રભુના સાંજના ભોજનમાં લાખો લોકોનો આવકાર કરવામાં આવે છે (ફકરો ૧-૨ જુઓ) *

નમ્રતાના ગુણને લીધે આપણે સભામાં જવા પ્રેરાઈએ છીએ

૩-૪. (ક) આપણે શા માટે સભામાં જઈએ છીએ? (ખ) આપણે સભામાં હાજર રહીએ છીએ એનાથી શું દેખાય આવે છે? (ગ) ૧ કોરીંથીઓ ૧૧:૨૩-૨૬ પ્રમાણે આપણે શા માટે સ્મરણપ્રસંગમાં અચૂક જવું જોઈએ?

સભાઓ ભક્તિનો એક ભાગ છે. એટલે આપણે સભામાં જઈએ છીએ. સભામાં યહોવા આપણને શીખવે છે. ઘમંડી લોકોને લાગે છે કે તેઓને બધું આવડે છે, તેઓએ કંઈ શીખવાની જરૂર નથી. (૩ યોહા. ૯) પણ આપણે તો યહોવા અને તેમના સંગઠન પાસેથી શીખવા હંમેશાં તૈયાર રહીએ છીએ.—યશા. ૩૦:૨૦; યોહા. ૬:૪૫.

આપણે સભામાં જઈએ છીએ એ બતાવે છે કે આપણે નમ્ર છીએ અને શીખવા માટે તૈયાર છીએ. ફરજના લીધે નહિ, પણ ઈસુની આજ્ઞા પાળવા આપણે સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ. ઈસુએ આજ્ઞા આપી હતી: “મારી યાદમાં આ કરતા રહો.” (૧ કોરીંથીઓ ૧૧:૨૩-૨૬ વાંચો.) એ સભાથી ભાવિ માટેની આપણી આશા મજબૂત થાય છે. એ સભા આપણને યાદ અપાવે છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. યહોવા જાણે છે કે ઉત્તેજન મેળવવા અને શ્રદ્ધા મજબૂત કરવા આપણે વર્ષમાં ફક્ત એક જ વાર ભેગા મળીએ એ પૂરતું નથી. એટલે યહોવાએ દર અઠવાડિયે આપણા માટે સભાઓની ગોઠવણ કરી છે. તે ચાહે છે કે દરેક સભાઓમાં આપણે જઈએ. આપણામાં નમ્રતા હોવાથી આપણે યહોવાનું કહેવું માનીએ છીએ. આપણે દર અઠવાડિયે સભાની તૈયારી કરવા અને એમાં હાજર રહેવા ઘણા કલાકો વિતાવીએ છીએ.

૫. નમ્ર લોકોને યહોવાનું આમંત્રણ મળે છે ત્યારે તેઓ શું કરે છે?

યહોવા લોકોને પોતાની પાસે આવવાનું અને શીખવાનું આમંત્રણ આપે છે. દર વર્ષે હજારો નમ્ર વ્યક્તિઓ એ આમંત્રણ સ્વીકારે છે. (યશા. ૫૦:૪) તેઓને પહેલી વાર સ્મરણપ્રસંગમાં આવીને ખુશી થાય છે. પછી, તેઓ બીજી સભાઓમાં પણ આવવા લાગે છે. (ઝખા. ૮:૨૦-૨૩) આપણને તેઓ સાથે મળીને યહોવાનું માર્ગદર્શન લેવાનું અને તેમની પાસેથી શીખવાનું ગમે છે. કેમ કે યહોવા આપણા “સહાયકારી તથા છોડાવનાર” છે. (ગીત. ૪૦:૧૭) આપણને બધાને યહોવા અને તેમના વહાલા દીકરા ઈસુ પાસેથી શીખવાનું આમંત્રણ મળ્યું છે. એના કરતાં વધારે ખુશી આપણને બીજે ક્યાંયથી મળી ન શકે!—માથ. ૧૭:૫; ૧૮:૨૦; ૨૮:૨૦.

૬. નમ્ર હોવાને લીધે એક માણસને કેવી મદદ મળી?

આપણે દર વર્ષે શક્ય એટલા લોકોને સ્મરણપ્રસંગમાં આવવાનું આમંત્રણ આપીએ છીએ. આમંત્રણ સ્વીકારવાથી નમ્ર લોકોને ફાયદો થયો છે. ચાલો એક દાખલો જોઈએ. અમુક વર્ષો પહેલાં એક માણસને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવામાં આવી. પત્રિકા આપનાર ભાઈને એ માણસે કહ્યું કે તે નહિ આવી શકે. પણ સ્મરણપ્રસંગની સાંજે એ માણસ પ્રાર્થનાઘરમાં આવ્યો. એ જોઈને આપણા ભાઈને ઘણી નવાઈ લાગી. આપણાં ભાઈ-બહેનોએ એ માણસ સાથે પ્રેમથી વાત કરી. એ તેના દિલને એટલું સ્પર્શી ગયું કે તેણે બીજી સભાઓમાં આવવાનું પણ શરૂ કરી દીધું. અરે, આખા વર્ષમાં તે ત્રણ જ સભા ચૂકી ગયો હતો. બધી સભાઓમાં જવાનું તેને ક્યાંથી ઉત્તેજન મળ્યું? તે નમ્ર હોવાથી પોતાના વિચારો બદલવા તૈયાર હતો. પત્રિકા આપનાર ભાઈએ તેના વિશે જણાવ્યું: ‘એ માણસ બહુ નમ્ર છે.’ ચોક્કસ, યહોવા એ માણસને પોતાની પાસે દોરી લાવ્યા હતા. તેણે હવે ઈશ્વરને પોતાનું જીવન સમર્પણ કર્યું છે.—૨ શમૂ. ૨૨:૨૮; યોહા. ૬:૪૪.

૭. સભાઓમાં શીખવાથી અને બાઇબલ વાંચવાથી આપણને નમ્ર બનવા કઈ રીતે મદદ મળે છે?

સભાઓમાં જે શીખીએ અને બાઇબલમાંથી જે વાંચીએ, એનાથી આપણને નમ્ર બનવા મદદ મળે છે. સ્મરણપ્રસંગ નજીક આવે તેમ, સભાઓમાં ઈસુ વિશે ઘણું શીખવા મળે છે. આપણા માટે પોતાનો જીવ આપીને તેમણે જે નમ્રતા બતાવી, એના વિશે પણ શીખવા મળે છે. સ્મરણપ્રસંગના અમુક દિવસો પહેલાં આપણને ઈસુ વિશેના અહેવાલો વાંચવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એ અહેવાલો ઈસુના મરણ વખતે અને તે સજીવન થયા એ વખતે થયેલી ઘટનાઓ વિશે જણાવે છે. સભાઓમાં શીખવાથી અને એ બાઇબલ અહેવાલો વાંચવાથી ઈસુએ આપેલા બલિદાન માટે આપણી કદર વધે છે. તેમના જેવો નમ્ર સ્વભાવ કેળવવાનું આપણને મન થાય છે, એમ કરવા આપણે પ્રેરાઈએ છીએ. અઘરા સંજોગોમાં પણ યહોવાની ઇચ્છા પૂરી કરવાનો પાકો નિર્ણય લઈ શકીએ છીએ.—લુક ૨૨:૪૧, ૪૨.

હિંમતના ગુણને લીધે આપણે સભામાં જવા પ્રેરાઈએ છીએ

૮. ઈસુએ કઈ રીતે હિંમત બતાવી?

હિંમત બતાવવામાં આપણે ઈસુના દાખલાને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. મરણના થોડા દિવસો પહેલાં તેમણે બતાવેલી હિંમતનો વિચાર કરો. તેમને ખબર હતી કે દુશ્મનો તેમની મજાક ઉડાવશે, તેમને માર મારશે અને તેમનો જીવ લઈ લેશે. (માથ. ૨૦:૧૭-૧૯) તેમ છતાં, આપણા માટે પોતાનો જીવ આપતા તે અચકાયા નહિ. ગેથશેમાને નામની જગ્યાએ તેમણે પ્રેરિતોને કહ્યું: “ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર નજીક આવી પહોંચ્યો છે.” (માથ. ૨૬:૩૬, ૪૬) હથિયારો લઈને એક ટોળું તેમને પકડવા આવી પહોંચ્યું. એ વખતે ઈસુ આગળ આવ્યા અને પોતાની ઓળખ આપી. તેમણે સૈનિકોને કહ્યું કે પ્રેરિતોને જવા દો. (યોહા. ૧૮:૩-૮) ઈસુએ કેવી જોરદાર હિંમત બતાવી! આજે અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો હિંમત બતાવવામાં ઈસુને અનુસરી રહ્યા છે. કઈ રીતે?

સભામાં જવા તમે જે હિંમત બતાવો છો, એનાથી બીજાઓને હિંમત મળે છે (ફકરો ૯ જુઓ) *

૯. (ક) નિયમિત રીતે સભામાં જવું શા માટે હિંમત માંગી લે છે? (ખ) શ્રદ્ધાને લીધે જેલમાં છે એવાં ભાઈ-બહેનોને કઈ રીતે આપણા દાખલાથી ઉત્તેજન મળી શકે?

અઘરા સંજોગો હોય ત્યારે નિયમિત રીતે સભામાં જવું હિંમત માંગી લે છે. દુઃખ, નિરાશા કે શારીરિક તકલીફો હોવા છતાં આપણાં અમુક ભાઈ-બહેનો સભાઓમાં હાજર રહે છે. કુટુંબ તરફથી કે સરકારી અધિકારીઓ તરફથી સખત વિરોધ હોવા છતાં કેટલાંક ભાઈ-બહેનો પૂરી હિંમતથી સભામાં જાય છે. શ્રદ્ધાને લીધે જેલમાં છે એવાં ભાઈ-બહેનોને આપણા દાખલાથી ઘણી મદદ મળતી હશે. કઈ રીતે? (હિબ્રૂ. ૧૩:૩) સતાવણીઓમાં પણ આપણે યહોવાની ભક્તિ કરવાનું છોડતા નથી. એ જાણીને તેઓને પણ શ્રદ્ધા, હિંમત અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહેવાનું ઉત્તેજન મળે છે. પ્રેરિત પાઊલ સાથે પણ એવું જ થયું હતું. તે રોમમાં કેદ હતા ત્યારે તેમને ઘણી વાર ખબર મળતી કે ભાઈઓ વફાદારીથી ઈશ્વરની ભક્તિ કરી રહ્યા છે. એ જાણીને તેમને ઘણી ખુશી થતી. (ફિલિ. ૧:૩-૫, ૧૨-૧૪) પાઊલે હિબ્રૂઓને પત્ર લખ્યો હતો. એ પત્ર તેમણે કદાચ કેદમાંથી છૂટ્યા એના થોડા સમય પહેલાં કે કેદમાંથી છૂટ્યા પછી લખ્યો હોઈ શકે. એ પત્રમાં તેમણે વફાદાર ઈશ્વરભક્તોને વિનંતી કરી કે, તેઓ “ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા” રહે અને ભેગા થવાનું ક્યારેય પડતું ન મૂકે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૧.

૧૦-૧૧. (ક) આપણે સ્મરણપ્રસંગ માટે કોને આમંત્રણ આપવું જોઈએ? (ખ) આમંત્રણ આપવા વિશે એફેસીઓ ૧:૭માં શું જણાવ્યું છે?

૧૦ સગાઓને, સાથે કામ કરનારાઓને અને પડોશીઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ ત્યારે, આપણે હિંમત બતાવીએ છીએ. આપણે શા માટે તેઓને આમંત્રણ આપીએ છીએ? યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એ માટે કદર બતાવવા આપણે એમ કરીએ છીએ. તેઓ પણ ઈસુના બલિદાનથી યહોવાની “અપાર કૃપા” મેળવી શકે માટે આપણે તેઓને મદદ કરવા માંગીએ છીએ.—એફેસીઓ ૧:૭ વાંચો; પ્રકટી. ૨૨:૧૭.

૧૧ ભાઈ-બહેનો સાથે ભેગા મળીને આપણે હિંમત બતાવીએ છીએ ત્યારે, બીજો પણ એક અનમોલ ગુણ બતાવીએ છીએ. એ ગુણ બતાવવામાં ઈશ્વર અને તેમના દીકરાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

પ્રેમના ગુણને લીધે આપણે સભામાં જવા પ્રેરાઈએ છીએ

૧૨. (ક) સભાથી કઈ રીતે યહોવા અને ઈસુ માટેનો આપણો પ્રેમ વધતો જાય છે? (ખ) ઈસુને પગલે ચાલવા વિશે બીજો કોરીંથીઓ ૫:૧૪, ૧૫માંથી કેવું ઉત્તેજન મળે છે?

૧૨ યહોવા અને ઈસુને પ્રેમ કરતા હોવાથી આપણે સભામાં જઈએ છીએ. સભામાં જે શીખીએ છીએ એનાથી આપણને ફાયદો થાય છે. યહોવા અને ઈસુ માટેનો આપણો પ્રેમ વધતો જાય છે. તેઓએ આપણા માટે જે કર્યું છે, એ સભામાં વારંવાર યાદ અપાવવામાં આવે છે. (રોમ. ૫:૮) સ્મરણપ્રસંગથી યાદ રાખવા મદદ મળે છે કે તેઓ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. અરે, તેઓ એવા લોકોને પણ પ્રેમ કરે છે, જેઓ ઈસુના બલિદાનનું મહત્ત્વ સમજતા નથી. આપણે યહોવા અને ઈસુના ઘણા આભારી છીએ. એટલે દરરોજ ઈસુને પગલે ચાલવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. (૨ કોરીંથીઓ ૫:૧૪, ૧૫ વાંચો.) યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી છે. એ માટે યહોવાની સ્તુતિ કરવા આપણે દિલથી પ્રેરાઈએ છીએ. તેમની સ્તુતિ કરવાની એક રીત છે, સભાઓમાં સારા જવાબો આપીએ.

૧૩. આપણે કઈ રીતે યહોવા અને ઈસુ માટે પ્રેમ બતાવી શકીએ? સમજાવો.

૧૩ આપણે યહોવા અને ઈસુ માટે કંઈ પણ જતું કરવા તૈયાર હોવા જોઈએ. એનાથી બતાવીએ છીએ કે આપણે તેઓને કેટલો પ્રેમ કરીએ છીએ. સભામાં જવા આપણે ઘણી બાબતો જતી કરીએ છીએ. ઘણા મંડળોમાં અઠવાડિયા દરમિયાન થતી સભા સાંજે હોય છે. એ વખતે અમુક ભાઈ-બહેનો થાકીને લોથપોથ થઈ ગયા હોય છે. બીજી સભા અઠવાડિયાના અંતે હોય છે, જ્યારે મોટા ભાગના લોકો આરામ કરતા હોય છે. આવા સંજોગો હોવા છતાં આપણે બધી સભામાં જઈએ છીએ ત્યારે, શું યહોવા એ જુએ છે? હા, ચોક્કસ! સભામાં જવા આપણે જે મહેનત કરીએ છીએ, એ યહોવાના ધ્યાન બહાર જતું નથી. યહોવા આપણી મહેનતની ખૂબ કદર કરે છે.—માર્ક ૧૨:૪૧-૪૪.

૧૪. સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવામાં ઈસુએ કઈ રીતે સુંદર દાખલો બેસાડ્યો?

૧૪ ઈસુએ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવીને આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. તે એકેએક દિવસ પોતાના માટે નહિ, પણ શિષ્યો માટે જીવ્યા. એટલું જ નહિ, તે શિષ્યો માટે જીવ આપવા પણ તૈયાર હતા. દાખલા તરીકે, ઈસુ થાકેલા કે ચિંતામાં હોય ત્યારે પણ તે શિષ્યોને મળતા, તેઓને શીખવતા. (લુક ૨૨:૩૯-૪૬) બીજાઓ પાસેથી કંઈક લેવા નહિ, પણ બીજાઓને કંઈક આપવા તે હંમેશાં તૈયાર રહેતા. (માથ. ૨૦:૨૮) જો યહોવા અને ભાઈ-બહેનો માટે આપણા દિલમાં ઊંડો પ્રેમ હશે, તો સ્મરણપ્રસંગ અને સભાઓમાં જવા આપણે બનતું બધું કરીશું.

૧૫. આપણે કોને કોને મદદ કરવા ચાહીએ છીએ?

૧૫ દુનિયા ફરતે આપણાં ભાઈ-બહેનોમાં એકતા જોવા મળે છે. આપણે એનો ભાગ છીએ. આપણે નવા લોકોને આપણી સાથે જોડાવાનું આમંત્રણ આપવા ચાહીએ છીએ. એ માટે વધુ સમય આપવા આપણે તૈયાર છીએ. ‘આપણાં અમુક ભાઈ-બહેનો’ ભક્તિમાં ઠંડાં પડી ગયાં છે, તેઓને પણ આપણે ખાસ મદદ કરવા માંગીએ છીએ. (ગલા. ૬:૧૦) તેઓને સભામાં આવવાનું, ખાસ કરીને સ્મરણપ્રસંગમાં આવવાનું ઉત્તેજન આપીને આપણે તેઓને પ્રેમ બતાવીએ છીએ. આપણા પ્રેમાળ પિતા અને ઘેટાંપાળક યહોવા પાસે તેઓ પાછા ફરે છે ત્યારે, યહોવા અને ઈસુ ઘણા ખુશ થાય છે. એ સમયે આપણે પણ ઘણા ખુશ થઈએ છીએ.—માથ. ૧૮:૧૪.

૧૬. (ક) આપણે કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ? સભાઓથી આપણને કેવી મદદ મળશે? (ખ) યોહાન ૩:૧૬ના ઈસુના શબ્દો સ્મરણપ્રસંગના અઠવાડિયાઓમાં કેમ યાદ કરવા જોઈએ?

૧૬ એપ્રિલ ૧૯, ૨૦૧૯ શુક્રવાર સાંજે સ્મરણપ્રસંગ છે. આવનાર અઠવાડિયાઓમાં બને એટલા વધારે લોકોને એનું આમંત્રણ આપીએ. (“ બધાને આમંત્રણ આપીએ” બૉક્સ જુઓ.) યહોવાએ આપણા માટે સભાઓની ગોઠવણ કરી છે. આવનાર આખું વર્ષ આપણે એકબીજાને નિયમિત રીતે સભામાં આવવાનું ઉત્તેજન આપતા રહીએ. આ દુનિયાનો અંત નજીક આવતો જાય તેમ, સભાઓમાંથી આપણને નમ્ર, હિંમતવાન અને પ્રેમાળ બનવા મદદ મળશે. (૧ થેસ્સા. ૫:૮-૧૧) યહોવા અને ઈસુએ આપણને ઘણો પ્રેમ બતાવ્યો છે. ચાલો પૂરા દિલથી આપણે પણ તેઓને પ્રેમ બતાવતા રહીએ.—યોહાન ૩:૧૬ વાંચો.

ગીત ૪૩ જાગતા રહીએ

^ ફકરો. 5 એપ્રિલ ૧૯, ૨૦૧૯ શુક્રવારે સાંજે વર્ષની સૌથી મહત્ત્વની સભા થશે. એ છે, ખ્રિસ્તનો સ્મરણપ્રસંગ. શાનાથી પ્રેરાઈને આપણે એ સભામાં જઈએ છીએ? આપણે યહોવાને ખુશ કરવા માંગીએ છીએ, એટલે એ સભામાં હાજર રહીએ છીએ. આ લેખમાં આપણે જોઈશું કે સ્મરણપ્રસંગમાં અને દર અઠવાડિયે થતી સભામાં હાજર રહેવું આપણા માટે કેમ મહત્ત્વનું છે.

^ ફકરો. 50 પહેલા પાનનું ચિત્ર: દુનિયા ફરતે પ્રભુના સાંજના ભોજનમાં લાખો લોકોનો આવકાર કરવામાં આવે છે

^ ફકરો. 52 ચિત્રની સમજ: એક ભાઈ શ્રદ્ધાને લીધે જેલમાં છે. ઘરેથી આવેલા પત્રથી તેમને ઉત્તેજન મળે છે. કુટુંબના સભ્યો તેમને ભૂલી ગયા નથી એટલે તે ખુશ છે. તેમના વિસ્તારમાં રાજકારણને લગતા ઝઘડા હોવા છતાં તેમનું કુટુંબ યહોવાને વફાદાર છે, એ જાણીને તેમને ઘણો આનંદ થાય છે.