સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

તમે બીજાઓને ‘દિલાસો આપી શકો છો’

તમે બીજાઓને ‘દિલાસો આપી શકો છો’

“ઈશ્વરના રાજ્ય માટે તેઓ મારી સાથે કામ કરનારાઓ છે અને તેઓએ મને ઘણો દિલાસો આપ્યો છે.”—કોલો. ૪:૧૧.

ગીત ૫૩ સંપીને રહીએ

ઝલક *

૧. યહોવાના ઘણા ભક્તો કેવા સંજોગોનો સામનો કરે છે?

આખી દુનિયામાં યહોવાના ઘણા ભક્તો અઘરા સંજોગો અને દુઃખ-તકલીફોનો સામનો કરે છે. તમારા મંડળમાં પણ એવાં ભાઈ-બહેનો હોય શકે. અમુક ભાઈ-બહેનો ગંભીર બીમારીનો સામનો કરે છે, જ્યારે કે બીજાં ભાઈ-બહેનો કોઈ સગાના મરણને લીધે શોકમાં છે. અમુકના કુટુંબમાંથી કે મિત્રોમાંથી કોઈએ યહોવાની ભક્તિ છોડી દીધી હોવાથી તેઓ દુઃખી છે. કેટલાંક ભાઈ-બહેનો કુદરતી આફતોનો ભોગ બન્યાં છે. એ બધાં ભાઈ-બહેનોને દિલાસાની ખૂબ જરૂર છે. આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?

૨. શા માટે પાઊલને અમુક વાર દિલાસાની જરૂર પડી?

પ્રેરિત પાઊલનો જીવ ઘણી વાર જોખમમાં આવી પડ્યો હતો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૮) વધુમાં, તેમના “શરીરમાં કાંટો” હતો. એટલે કે, તે કદાચ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હતા. (૨ કોરીં. ૧૨:૭) પાઊલ સાથે દેમાસ કામ કરતા હતા. પણ “દેમાસને આ દુનિયા પર પ્રેમ હોવાથી” તે પાઊલને છોડીને જતા રહ્યા. એ વખતે પાઊલ હતાશ થઈ ગયા. (૨ તિમો. ૪:૧૦) પાઊલ અભિષિક્ત હતા અને તેમનામાં ઘણી હિંમત હતી. તેમણે ઘણા લોકોને દિલથી મદદ કરી, પણ અમુક વાર એવો સમય આવ્યો કે તે પોતે નિરાશામાં ડૂબી ગયા હતા.—રોમ. ૯:૧, ૨.

૩. પાઊલને કોણે દિલાસો અને સહારો આપ્યો હતો?

પાઊલને જેની જરૂર હતી, એ દિલાસો અને સહારો તેમને મળ્યો. કઈ રીતે? યહોવાએ પોતાની પવિત્ર શક્તિ દ્વારા તેમને બળ પૂરું પાડ્યું. (૨ કોરીં. ૪:૭) યહોવાએ બીજા ઈશ્વરભક્તો દ્વારા પાઊલને દિલાસો આપ્યો. પાઊલે કહ્યું હતું કે અમુક સાથી ભાઈઓએ તેમને “ઘણો દિલાસો આપ્યો.” (કોલો. ૪:૧૧) એમાંથી અમુકનો તેમણે નામ લઈને ઉલ્લેખ કર્યો, જેમ કે અરિસ્તાર્ખસ, તુખિકસ અને માર્ક. તેઓએ પાઊલની હિંમત વધારી, જેથી તે તકલીફોનો સામનો કરી શક્યા. એ ભાઈઓમાં કઈ ખાસિયત હતી, જેના લીધે તેઓ દિલાસો આપી શક્યા? આપણે કઈ રીતે તેઓની જેમ બીજાઓને દિલાસો અને ઉત્તેજન આપી શકીએ?

અરિસ્તાર્ખસે વફાદારી બતાવી

અરિસ્તાર્ખસની જેમ આપણે “મુશ્કેલ સમયમાં” ભાઈ-બહેનોને વફાદાર રહીએ (ફકરા ૪-૫ જુઓ) *

૪. અરિસ્તાર્ખસે કઈ રીતે સાબિત કર્યું કે તે પાઊલના વફાદાર મિત્ર હતા?

અરિસ્તાર્ખસ થેસ્સાલોનિકા મંડળના હતા, જે મકદોનિયામાં આવેલું હતું. તેમણે પાઊલ સાથેની મિત્રતા વફાદારીથી નિભાવી હતી. પાઊલ પ્રચારની ત્રીજી મુસાફરી વખતે એફેસસ ગયા, એ અહેવાલમાં પહેલી વાર અરિસ્તાર્ખસ વિશે જણાવવામાં આવ્યું છે. તે પાઊલ સાથે હતા ત્યારે તેમને એક ટોળાએ પકડી લીધા. (પ્રે.કા. ૧૯:૨૯) પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. એ પછી પણ પોતાની સલામતીનો વિચાર કર્યા વગર તે પાઊલની સાથે ને સાથે રહ્યા. આમ, તેમણે વફાદારી નિભાવી. અમુક મહિના પછી દુશ્મનો ગ્રીસમાં પાઊલને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તોપણ તે પાઊલની પડખે ઊભા રહ્યા. (પ્રે.કા. ૨૦:૨-૪) આશરે સાલ ૫૮માં પાઊલને કેદી તરીકે રોમ મોકલવામાં આવ્યા ત્યારે, અરિસ્તાર્ખસ તેમની સાથે હતા. મુસાફરી દરમિયાન રસ્તામાં તેઓનું વહાણ પણ ભાંગી પડ્યું હતું. (પ્રે.કા. ૨૭:૧, ૨, ૪૧) એવું લાગે છે કે રોમ આવ્યા પછી અરિસ્તાર્ખસ થોડો સમય પાઊલ સાથે જેલમાં હતા. (કોલો. ૪:૧૦) પાઊલને તેમના એ વફાદાર મિત્રથી ચોક્કસ ઘણું ઉત્તેજન અને દિલાસો મળ્યાં હશે!

૫. નીતિવચનો ૧૭:૧૭માં જણાવ્યા પ્રમાણે આપણે કઈ રીતે વફાદાર મિત્ર બની શકીએ?

અરિસ્તાર્ખસની જેમ આપણે પણ ભાઈ-બહેનોના વફાદાર મિત્ર બની શકીએ છીએ. કઈ રીતે? ફક્ત સારા સંજોગોમાં જ નહિ, “મુશ્કેલ સમયમાં” પણ તેઓની પડખે રહીને. (નીતિવચનો ૧૭:૧૭ વાંચો. *) મુશ્કેલી જતી રહે પછી પણ ભાઈ-બહેનોને દિલાસાની જરૂર હોય છે. ચાલો ફ્રાન્સીસભાઈ * વિશે જોઈએ. તેમણે ત્રણ મહિનામાં જ કેન્સરના લીધે પોતાનાં માબાપને ગુમાવ્યાં. ભાઈ જણાવે છે: ‘અઘરી કસોટીઓને લીધે આપણે લાંબા સમય સુધી સહેવું પડે છે. મારાં માબાપ ગુજરી ગયાં એના ઘણા સમય પછી પણ મિત્રોએ મને સાથ આપ્યો. તેઓ જાણતા હતા કે હું પૂરી રીતે શોકમાંથી બહાર આવી શક્યો નથી. એ વફાદાર મિત્રોની હું ખૂબ કદર કરું છું.’

૬. જો આપણે પાકા મિત્ર હોઈશું તો શું કરીશું?

પાકા મિત્રો ભાઈ-બહેનોને મદદ કરવા પોતાનાં સમય-શક્તિ ખર્ચે છે. ચાલો પીટરભાઈનો દાખલો જોઈએ. તેમને ખબર પડી કે તેમને એવી બીમારી થઈ છે, જેના લીધે તેમની હાલત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જશે. તેમની પત્ની કેથરીન જણાવે છે: ‘મંડળનું એક યુગલ અમને દવાખાને લઈ ગયું, ત્યાં અમને પીટરની બીમારી વિશે જાણવા મળ્યું. તેઓએ એ જ ઘડીએ નક્કી કરી લીધું કે એ અઘરા સંજોગોમાં તેઓ અમને સાથ આપશે. અમને જ્યારે પણ તેઓની જરૂર પડી, ત્યારે તેઓએ મદદ કરી.’ સાચે જ, અઘરા સંજોગોમાં પાકા મિત્રોનો સાથ હોય તો કેટલો દિલાસો મળે!

તુખિકસ પર પાઊલને ભરોસો હતો

તુખિકસની જેમ આપણે તકલીફોનો સામનો કરી રહેલાં ભાઈ-બહેનો સાથે મિત્રતા નિભાવીએ (ફકરા ૭-૯ જુઓ) *

૭-૮. તુખિકસે કઈ રીતે મિત્રતા નિભાવી?

તુખિકસ રોમના આસિયા પ્રાંતના હતા. તે પાઊલ સાથે કામ કરનારા હતા અને પાઊલને તેમના પર ખૂબ ભરોસો હતો. (પ્રે.કા. ૨૦:૪) આશરે સાલ ૫૫માં પાઊલ યહુદામાં રહેતાં ભાઈ-બહેનો માટે દાન ભેગું કરી રહ્યા હતા. એ મહત્ત્વના કામમાં મદદ કરવા કદાચ પાઊલે તુખિકસને પસંદ કર્યા હશે. (૨ કોરીં. ૮:૧૮-૨૦) રોમમાં પાઊલને પહેલી વાર કેદ કરવામાં આવ્યા ત્યારે, તુખિકસે પાઊલ વતી મંડળોને સંદેશો પહોંચાડવાનું કામ કર્યું. પાઊલના ઉત્તેજન આપતા પત્રો અને સંદેશા તુખિકસે આસિયાનાં ઘણાં મંડળો સુધી પહોંચાડ્યા.—કોલો. ૪:૭-૯.

તુખિકસ હંમેશાં પાઊલના પાકા મિત્ર રહ્યા, જેમના પર પાઊલને ખૂબ ભરોસો હતો. (તિત. ૩:૧૨) પણ એ વખતનાં બધાં ભાઈ-બહેનો તુખિકસ જેવાં ન હતાં. આશરે સાલ ૬૫માં પાઊલ બીજી વાર કેદમાં હતા. એ વખતે તેમણે લખ્યું કે આસિયાના ભાઈઓ તેમની સાથે હળવા-મળવા માંગતા નથી. એ ભાઈઓને કદાચ વિરોધીઓનો ડર હતો એટલે એવું કરતા હતા. (૨ તિમો. ૧:૧૫) પણ પાઊલને તુખિકસ પર પૂરો ભરોસો હોવાથી તેમને બીજું એક કામ સોંપ્યું. (૨ તિમો. ૪:૧૨) તુખિકસ જેવા સારા મિત્ર મેળવીને પાઊલ ખૂબ ખુશ હતા.

૯. આપણે કઈ રીતે તુખિકસના પગલે ચાલી શકીએ?

તુખિકસની જેમ આપણે પણ ભાઈ-બહેનોના એવા મિત્ર બની શકીએ, જેના પર તેઓ ભરોસો મૂકી શકે. જેમ કે, આપણે ફક્ત તેમની મદદ કરવાનું વચન જ ન આપીએ, પણ સાચે તેમની મદદ કરીએ. (માથ. ૫:૩૭; લુક ૧૬:૧૦) ભાઈ-બહેનોને ખબર પડે કે તકલીફોમાં તેઓ આપણા પર ભરોસો મૂકી શકે છે ત્યારે, તેઓનાં દિલને રાહત મળે છે! એક બહેન જણાવે છે કે, ‘આપણને એવી ચિંતા થતી નથી કે જે ભાઈ કે બહેને મદદ કરવાનું વચન આપ્યું છે, તે છેલ્લી ઘડીએ ફરી જશે.’

૧૦. નીતિવચનો ૧૮:૨૪ પ્રમાણે કસોટીઓ કે નિરાશાનો સામનો કરનારને કોની પાસેથી દિલાસો મળી શકે?

૧૦ કસોટીમાં હોઈએ કે નિરાશ હોઈએ ત્યારે, કોઈ પાકા મિત્ર સાથે વાત કરવાથી મન હળવું થાય છે, દિલાસો મળે છે. (નીતિવચનો ૧૮:૨૪ વાંચો.) બીજયભાઈના દીકરાને બહિષ્કૃત કરવામાં આવ્યો ત્યારે તે નિરાશાની ખાઈમાં ધકેલાઈ ગયા. તેમણે કહ્યું, ‘કોઈ પાકા મિત્ર સાથે હું વાત કરવા માંગતો હતો, તેને મારી લાગણીઓ જણાવવા માંગતો હતો.’ ચાલો કાર્લોસભાઈનો વિચાર કરીએ. તેમણે કોઈ ભૂલ કરી હોવાથી મંડળમાં તેમની પાસેથી જવાબદારીઓ લઈ લેવામાં આવી. તે જણાવે છે કે તેમને એવા લોકો સાથે વાત કરવી હતી, જેઓ ધીરજથી તેમનું સાંભળે, તેમની લાગણીઓ સમજે અને તેમને ખોટા ન સમજી લે. કાર્લોસભાઈને વડીલો સાથે વાત કરીને ઘણો દિલાસો મળ્યો. તે જાણતા હતા કે વડીલો તેમની વાત બીજા કોઈને જણાવશે નહિ. એનાથી કાર્લોસભાઈના દિલને ઠંડક મળી. આમ, વડીલોની મદદથી તે અઘરા સંજોગોમાંથી બહાર આવી શક્યા!

૧૧. આપણે સારા મિત્ર કેવી રીતે બની શકીએ?

૧૧ કોઈ આપણા પર ભરોસો મૂકી શકે એવા મિત્ર બનવા ધીરજની જરૂર હોય છે. ઝેનાબેનના પતિ તેમને છોડીને જતા રહ્યા. એ વખતે પાકા મિત્રોને લાગણીઓ જણાવવાથી ઝેનાબેનને ઘણો દિલાસો મળ્યો. એ મિત્રો વિશે તે જણાવે છે: ‘હું એકની એક વાત વારંવાર કહેતી તોપણ તેઓ ધીરજથી મારી વાત સાંભળતા.’ આપણે પણ સારા સાંભળનાર બનીશું તો સારા મિત્ર બની શકીશું.

માર્ક બીજાઓને મદદ કરવા તૈયાર રહેતા

માર્કે પાઊલને મદદ કરી એટલે પાઊલને ટકી રહેવા મદદ મળી. આપણે પણ ભાઈ-બહેનોને તકલીફોમાં મદદ કરીએ (ફકરા ૧૨-૧૪ જુઓ) *

૧૨. માર્ક કોણ હતા? તે કઈ રીતે બીજાઓને મદદ કરવા તૈયાર રહેતા?

૧૨ ઈસુના શિષ્ય બનતા પહેલાં માર્ક યહુદી હતા અને યરૂશાલેમમાં રહેતા હતા. તે એક જાણીતા મિશનરી બાર્નાબાસના સગા હતા. (કોલો. ૪:૧૦) લાગે છે કે માર્કનું કુટુંબ પૈસેટકે સુખી હતું. પણ તેમણે ક્યારેય પૈસા અને બીજી ચીજ-વસ્તુઓને જીવનમાં પ્રથમ સ્થાન ન આપ્યું. તે હંમેશાં બીજાઓને ખુશી-ખુશી મદદ કરતા. તેમણે અલગ અલગ સમયે પ્રેરિત પાઊલ અને પ્રેરિત પીતર સાથે કામ કર્યું હતું. તેઓ પોતાની જવાબદારી સારી રીતે પૂરી કરી શકે માટે માર્કે તેઓ માટે રહેવાની, ખાવા-પીવાની અને બીજી ગોઠવણો કરી હોય શકે. (પ્રે.કા. ૧૩:૨-૫; ૧ પીત. ૫:૧૩) માર્ક અને બીજા ભાઈઓ વિશે પાઊલે કહ્યું હતું કે ‘ઈશ્વરના રાજ્ય માટે તેઓ મારી સાથે કામ કરનારાઓ છે’ અને તેઓએ મને “હિંમત આપી છે.”—કોલો. ૪:૧૦, ૧૧, ફૂટનોટ.

૧૩. શા પરથી કહી શકાય કે માર્કે બતાવેલી વફાદારી માટે પાઊલ આભારી હતા?

૧૩ માર્ક અને પાઊલ પાકા મિત્રો બન્યા હતા. આશરે સાલ ૬૫માં પાઊલ છેલ્લી વાર રોમમાં કેદ હતા. એ વખતે તેમણે તિમોથીને બીજો પત્ર લખ્યો હતો. એમાં તેમણે તિમોથીને રોમ આવવા કહ્યું હતું અને માર્કને પણ પોતાની સાથે લેતા આવવાનું કહ્યું હતું. (૨ તિમો. ૪:૧૧) માર્કે પાઊલને વફાદારીથી સાથ આપ્યો માટે પાઊલ તેમના આભારી હતા. એટલે પાઊલ ચાહતા હતા કે સૌથી મહત્ત્વના સમયમાં માર્ક તેમની સાથે હોય. માર્કે અલગ અલગ રીતે પાઊલને મદદ કરી હતી. જેમ કે, તેમના ખાવા-પીવાની ગોઠવણ કરી અને લખવા માટે જરૂરી ચીજ-વસ્તુઓ લાવી આપી. માર્ક તરફથી મળેલાં ઉત્તેજન અને સાથ-સહકારને લીધે પાઊલ પોતાના મરણ પહેલાંના અઘરા દિવસો સહન કરી શક્યા.

૧૪-૧૫. બીજાઓને મદદ કરવા વિશે માથ્થી ૭:૧૨માંથી શું શીખવા મળે છે?

૧૪ માથ્થી ૭:૧૨ વાંચો. અઘરા સંજોગોમાં કોઈ મદદ કરે ત્યારે, આપણે તેમના કેટલા આભારી હોઈએ છીએ! રાયનભાઈનો વિચાર કરો. તેમના પિતા એક અકસ્માતમાં ગુજરી ગયા. રાયનભાઈ જણાવે છે: ‘તકલીફમાં હોઈએ ત્યારે રોજબરોજનાં કામો કરવાં પણ અઘરું લાગે. એવા સમયે કોઈ મદદ કરે તો ઘણું સારું લાગે, પછી ભલેને એ નાનકડી મદદ કેમ ન હોય!’

૧૫ જો આપણે ધ્યાન આપીએ કે બીજાઓને શાની જરૂર છે, તો જુદી જુદી રીતે તેઓને મદદ કરી શકીશું. અગાઉ આપણે પીટરભાઈ અને કેથરીનબેન વિશે જોઈ ગયા. તેઓએ ઘણી વાર ડૉક્ટર પાસે જવું પડતું પણ ઉંમરને લીધે બંનેમાંથી કોઈ ગાડી ચલાવી શકતા ન હતા. જે યુગલે મદદ કરવાનું વચન આપ્યું હતું, તેઓએ પૂરો સાથ આપ્યો. બહેને પીટરભાઈ અને કેથરીનબેનને ડૉક્ટર પાસે લઈ જવા ભાઈ-બહેનોની ગોઠવણ કરી. એ મદદ મેળવીને પીટરભાઈ અને કેથરીનબેનને કેવું લાગ્યું? કેથરીનબેન જણાવે છે: ‘અમને એવું લાગ્યું કે જાણે એક ભારે બોજો ઓછો થઈ ગયો.’ એ અનુભવથી શીખવા મળે છે કે નાની નાની મદદ કરીને પણ આપણે બીજાઓને દિલાસો આપી શકીએ છીએ.

૧૬. દિલાસો આપવા વિશે માર્કના દાખલા પરથી શું શીખવા મળે છે?

૧૬ ચાલો પ્રથમ સદીના માર્ક વિશે ફરીથી જોઈએ. યહોવાની ભક્તિમાં તેમની પાસે ઘણી મહત્ત્વની જવાબદારીઓ હતી. એમાંની એક જવાબદારી હતી, તેમણે એક ખુશખબરનું પુસ્તક લખવાનું હતું. માર્ક કામમાં ઘણા વ્યસ્ત રહેતા તોપણ તેમણે પાઊલને દિલાસો આપવા સમય કાઢ્યો. પાઊલે પણ અચકાયા વગર તેમની પાસે મદદ માંગી. માર્કની જેમ આજે ભાઈ-બહેનો પણ એકબીજાને દિલાસો આપે છે. ચાલો એન્જેલાબેનનો દાખલો જોઈએ. તેમના કુટુંબના એક સભ્યનું ખૂન થઈ ગયું. તેમના માથે જાણે આભ તૂટી પડ્યું. તે જણાવે છે: ‘ભાઈ-બહેનો દિલથી આપણી મદદ કરવા ચાહે છે, એ જોઈને તેઓ સાથે વાત કરવું સહેલું થઈ જાય છે. તેઓ મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે.’ આપણે આ સવાલ પર વિચાર કરી શકીએ: “શું ભાઈ-બહેનોને લાગે છે કે હું બીજાઓને દિલાસો આપવા તૈયાર રહું છું?”

બીજાઓને દિલાસો આપવાનો પાકો નિર્ણય લઈએ

૧૭. બીજો કોરીંથીઓ ૧:૩, ૪ પર મનન કરવાથી આપણને કયું ઉત્તેજન મળે છે?

૧૭ એવાં ઘણાં ભાઈ-બહેનો હશે, જેઓને દિલાસાની જરૂર છે. તેઓને કઈ રીતે દિલાસો આપી શકીએ? જ્યારે આપણને દિલાસાની જરૂર હતી, ત્યારે બીજાઓએ એવા શબ્દો કહ્યા હશે જેનાથી આપણને ઉત્તેજન મળ્યું. એવા જ શબ્દો વાપરીને આપણે બીજાઓને દિલાસો આપી શકીએ. નીનોબેનનાં નાની ગુજરી ગયાં. એ બહેન જણાવે છે: ‘જો આપણે મદદ કરવા તૈયાર હોઈશું, તો યહોવા આપણો ઉપયોગ કરીને બીજાઓને દિલાસો આપી શકશે.’ (૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.) અગાઉ આપણે ફ્રાન્સીસભાઈ વિશે જોયું. તે જણાવે છે: ‘બીજો કોરીંથીઓ ૧:૪માં લખેલા શબ્દો એકદમ સાચા છે. જે વાતોથી આપણને દિલાસો મળ્યો હોય, એનાથી આપણે બીજાઓને દિલાસો આપી શકીએ.’

૧૮. (ક) બીજાઓને દિલાસો આપવામાં શા માટે અમુક લોકો અચકાય છે? (ખ) આપણે કઈ રીતે બીજાઓને સારી રીતે દિલાસો આપી શકીએ? દાખલો આપો.

૧૮ અમુક વાર આપણે બીજાઓને દિલાસો આપતા અચકાઈએ છીએ. બની શકે કે કોઈ બહુ દુઃખી હોય અને તેઓને શું કહેવું કે કરવું એ આપણને ન સૂઝે. એ સમજવા ચાલો પોલભાઈ વિશે જોઈએ. તેમના પિતા ગુજરી ગયા ત્યારે અમુક ભાઈ-બહેનો તેમને દિલાસો આપવા આવ્યાં હતાં. ભાઈ જણાવે છે: ‘મને દિલાસો આપવો તેઓ માટે અઘરું હતું. મને શું કહેવું એ તેઓને સમજાતું ન હતું. તેમ છતાં તેઓ મને દિલાસો અને સહારો આપવા માંગતાં હતાં. એ માટે હું તેઓની ખૂબ કદર કરું છું.’ બીજો એક દાખલો લઈએ. એક ખતરનાક ભૂકંપ આવ્યો એના પછી ટીજોનભાઈએ જણાવ્યું: ‘ભાઈ-બહેનોએ મને કેટલાય મૅસેજ કર્યા. તેઓએ એમાં શું લખ્યું હતું એ મને યાદ નથી. પણ મને એક વાતની ખાતરી છે કે તેઓને મારી ચિંતા હતી અને તેઓ જાણવા માંગતા હતા કે હું સલામત છું કે નહિ.’ જ્યારે બીજાઓને અહેસાસ થશે કે આપણને તેઓની ચિંતા છે ત્યારે તેઓને દિલાસો મળશે.

૧૯. તમે શા માટે બીજાઓને દિલાસો આપવાનો પાકો નિર્ણય લીધો છે?

૧૯ શેતાનની દુનિયાનો અંત નજીક આવતો જાય તેમ સંજોગો વધારે ને વધારે ખરાબ થતા જશે. જીવન ઘણું અઘરું થઈ જશે. (૨ તિમો. ૩:૧૩) આપણે પાપી છીએ એટલે આપણાથી ભૂલો થશે અને તકલીફો પણ આવશે. એટલે આપણને દિલાસાની જરૂર પડતી રહેશે. પ્રેરિત પાઊલને તેમના સાથી ભાઈઓએ દિલાસો આપ્યો હતો. એના લીધે પાઊલ જીવનની છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહી શક્યા. તો પછી ચાલો આપણે અરિસ્તાર્ખસની જેમ વફાદાર મિત્ર બનીએ, તુખિકસ જેવા ભરોસાપાત્ર સાથી બનીએ અને માર્કની જેમ બીજાઓને મદદ કરવા તૈયાર રહીએ. આમ, ભાઈ-બહેનો પૂરા દિલથી યહોવાની સેવા કરી શકશે.—૧ થેસ્સા. ૩:૨, ૩.

^ ફકરો. 5 પ્રેરિત પાઊલે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એ અઘરા સંજોગોમાં સાથી ભાઈઓએ પાઊલને ઘણો દિલાસો આપ્યો હતો. ચાલો જોઈએ કે એ ભાઈઓમાં કઈ ખાસિયત હતી, જેના લીધે તેઓ દિલાસો આપી શક્યા. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે તેઓની જેમ બીજાઓને દિલાસો આપી શકીએ.

^ ફકરો. 5 નીતિવચનો ૧૭:૧૭ (NW): મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને મુશ્કેલ સમયમાં તે ભાઈ બની જાય છે.

^ ફકરો. 5 આ લેખમાં અમુક નામો બદલવામાં આવ્યાં છે.

ગીત ૨૮ એક નવું ગીત

^ ફકરો. 57 ચિત્રની સમજ: વહાણ ભાંગી ગયું ત્યારે અરિસ્તાર્ખસ અને પાઊલ એકબીજાની પડખે રહ્યા.

^ ફકરો. 59 ચિત્રની સમજ: પાઊલે તુખિકસ દ્વારા મંડળોને પત્રો મોકલ્યા કારણ કે પાઊલને તેમના પર ભરોસો હતો.

^ ફકરો. 61 ચિત્રની સમજ: માર્કે પાઊલને ઘણી રીતોએ મદદ કરી.