સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩

યહોવા ઈશ્વરની નજરે તમે કીમતી છો!

યહોવા ઈશ્વરની નજરે તમે કીમતી છો!

‘આપણે દુઃખી હતા ત્યારે તેમણે આપણું ધ્યાન રાખ્યું.’​—ગીત. ૧૩૬:૨૩, NW.

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

ઝલક *

૧-૨. યહોવાના સાક્ષીઓ કેવા સંજોગોનો સામનો કરે છે? એની તેઓ પર કેવી અસર પડી શકે?

ચાલો આ ત્રણ સંજોગોનો વિચાર કરીએ: એક યુવાન ભાઈને ખબર પડે છે કે તેમને એવી બીમારી થઈ છે, જેના લીધે તેમનું શરીર દિવસે ને દિવસે નબળું પડતું જશે; પચાસેક વર્ષના એક ભાઈ ખૂબ મહેનતુ છે પણ તેમની નોકરી જતી રહે છે. તે ઘણા પ્રયત્નો કરે છે તોપણ તેમને બીજી નોકરી મળતી નથી; એક વૃદ્ધ બહેન યહોવાની સેવામાં હવે પહેલાં જેટલું કરી શકતા નથી.

જો તમે પણ એવા સંજોગોનો સામનો કરતા હો, તો તમને કદાચ લાગે કે તમે હવે કોઈ કામના નથી. એવા સંજોગોના લીધે કદાચ તમારી ખુશી છીનવાઈ જાય, પોતાના વિશે યોગ્ય વલણ રાખવું અઘરું થઈ જાય અને બીજાઓ સાથે તમારો સંબંધ બગડી જાય.

૩. શેતાન અને આ દુનિયાના લોકો માણસોનાં જીવનને કેવું ગણે છે?

શેતાનના રંગે રંગાઈને દુનિયાના લોકો જીવનને કીમતી ગણતા નથી. શેતાનની નજરે માણસો સાવ નકામા છે. તેણે હવાને કહ્યું હતું કે ઈશ્વરની આજ્ઞા નહિ માને તો તે આઝાદ થઈ જશે. પણ શેતાન સારી રીતે જાણતો હતો કે એનું પરિણામ મરણ આવશે. શેતાને પહેલેથી જ વેપાર જગત, સરકારો અને ધર્મોને પોતાની મુઠ્ઠીમાં રાખ્યા છે. એટલે ઘણા વેપારીઓ, નેતાઓ અને ધર્મગુરુઓ પણ શેતાન જેવું વલણ રાખે, એમાં કોઈ નવાઈ નથી. તેઓને માણસોનાં જીવનની અને લાગણીઓની કંઈ જ પડી નથી.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવાના વિચારો અને શેતાનના વિચારો વચ્ચે તો આભ-જમીનનો ફરક છે. યહોવા ચાહે છે, આપણે એ વાત યાદ રાખીએ કે તે આપણને કીમતી ગણે છે. અઘરા સંજોગોમાં પોતાને નકામા ગણવા લાગીએ ત્યારે, યહોવા આપણને યોગ્ય દૃષ્ટિ રાખવા મદદ કરે છે. (ગીત. ૧૩૬:૨૩; રોમ. ૧૨:૩) આ લેખમાં જોઈશું કે યહોવા કઈ રીતે આપણને આવા સંજોગોમાં મદદ કરે છે: (૧) બીમાર હોઈએ, (૨) પૈસાની તંગી પડે અને (૩) વૃદ્ધ થઈએ ત્યારે લાગે કે યહોવાની સેવામાં આપણે કંઈ કરી શકતા નથી. ચાલો સૌથી પહેલા જોઈએ કે શા માટે ભરોસો રાખી શકીએ કે આપણે બધા યહોવાની નજરે કીમતી છીએ.

યહોવા આપણને કીમતી ગણે છે

૫. શા પરથી કહી શકાય કે યહોવાની નજરે મનુષ્યો ખૂબ કીમતી છે?

આપણે ધૂળના બનેલા છીએ તોપણ યહોવાની નજરે કીમતી છીએ. (ઉત. ૨:૭) શા માટે? ચાલો એનાં અમુક કારણો જોઈએ. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે તેમના જેવા ગુણો બતાવી શકીએ. (ઉત. ૧:૨૭) એટલે પૃથ્વીની બીજી બધી વસ્તુઓ કરતાં આપણે ઉત્તમ છીએ. યહોવાએ આપણને પૃથ્વી અને પ્રાણીઓની સંભાળ રાખવાનો અધિકાર પણ આપ્યો છે.—ગીત. ૮:૪-૮.

૬. યહોવા પાપી માણસોને કીમતી ગણે છે એની કઈ સાબિતી છે?

આદમે પાપ કર્યું હોવા છતાં યહોવા આપણને કીમતી ગણે છે. એટલા કીમતી કે આપણને પાપમાંથી આઝાદ કરવા તેમણે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપી દીધું. (૧ યોહા. ૪:૯, ૧૦) આદમના પાપને લીધે ગુજરી ગયેલા ‘સારા અને ખરાબ’ લોકોને યહોવા સજીવન કરશે. (પ્રે.કા. ૨૪:૧૫) બાઇબલમાં જણાવ્યું છે કે આપણે યહોવા માટે કીમતી છીએ, પછી ભલે આપણે બીમાર, ગરીબ કે વૃદ્ધ હોઈએ.—પ્રે.કા. ૧૦:૩૪, ૩૫.

૭. યહોવા માટે આપણે કીમતી છીએ એની બીજી કઈ સાબિતી છે?

યહોવા આપણને કીમતી ગણે છે, એની બીજી ઘણી સાબિતી છે. તે આપણને તેમની પાસે દોરી લાવ્યા. ખુશખબર પ્રત્યે આપણે જે વલણ બતાવ્યું, એના પર તેમણે ધ્યાન આપ્યું. (યોહા. ૬:૪૪) જેમ જેમ આપણે તેમની નજીક જવા લાગ્યા, તેમ તેમ તે પણ આપણી નજીક આવવા લાગ્યા. (યાકૂ. ૪:૮) આપણને શીખવવા યહોવા સમય-શક્તિ ખર્ચે છે. એમ કરીને તે આપણને કીમતી ગણે છે. કારણ કે તે સારી રીતે જાણે છે કે આપણે કેવા છીએ અને ભાવિમાં કેવા બની શકીએ છીએ. જરૂર પડે ત્યારે યહોવા આપણને સુધારે છે, કારણ કે તે આપણને પ્રેમ કરે છે. (નીતિ. ૩:૧૧, ૧૨) સાચે જ, યહોવા આપણને કેટલા કીમતી ગણે છે!

૮. ગીતશાસ્ત્ર ૧૮:૨૭-૨૯ના શબ્દો યોગ્ય વલણ રાખવા કઈ રીતે મદદ કરી શકે?

અમુક લોકો માનતા કે દાઊદ રાજા કંઈ જ કામના નથી. પણ દાઊદ જાણતા હતા કે યહોવા તેમને પ્રેમ કરે છે અને તેમનો સાથ ક્યારેય નહિ છોડે. એના લીધે તે મુશ્કેલ સંજોગોમાં પણ યોગ્ય વલણ રાખી શક્યા. (૨ શમૂ. ૧૬:૫-૭) આપણે પણ નિરાશા કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાંથી બહાર આવવા અને યોગ્ય વલણ રાખવા યહોવા આપણને મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૮:૨૭-૨૯ વાંચો.) યહોવા હંમેશાં આપણી પડખે રહે છે. એટલે પૂરા દિલથી તેમની સેવા કરતા રહેવા આપણને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહિ. (રોમ. ૮:૩૧) ચાલો ત્રણ સંજોગોનો વિચાર કરીએ, જેમાં એક વાત ખાસ યાદ રાખવાની જરૂર છે. એ જ કે, યહોવા આપણને પ્રેમ કરે છે અને કીમતી ગણે છે.

જ્યારે આપણે બીમાર હોઈએ

બીમારીના લીધે કદાચ નિરાશ થઈ જઈએ, પણ બાઇબલ વાંચવાથી આપણે એવી લાગણીઓ પર કાબૂ મેળવી શકીએ (ફકરા ૯-૧૨ જુઓ)

૯. બીમારીને લીધે આપણા પર કેવી અસર પડી શકે?

આપણી લાગણીઓ પર બીમારીની ઊંડી અસર પડી શકે છે. આપણને લાગે કે આપણે કંઈ જ કામના નથી. નાનાં નાનાં કામો માટે બીજાઓ પર આધાર રાખવો પડે ત્યારે આપણને શરમ આવે છે. બીજાઓને આપણી બીમારી વિશે ખબર હોય કે ન હોય પણ આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોવાથી નિરાશ થઈ જઈએ. આવા અઘરા સંજોગોમાં યહોવા આપણને ઉત્તેજન આપે છે. કઈ રીતે?

૧૦. બીમાર હોઈએ ત્યારે નીતિવચનો ૧૨:૨૫ના શબ્દોથી કઈ રીતે મદદ મળે છે?

૧૦ આપણે બીમાર હોઈએ ત્યારે ‘માયાળુ શબ્દોથી’ ઉત્તેજન મળે છે. (નીતિવચનો ૧૨:૨૫ વાંચો.) યહોવાએ એવા જ શબ્દો બાઇબલમાં લખાવ્યા છે. એનાથી ઉત્તેજન મળે છે કે, ભલે બીમાર હોઈએ તોપણ યહોવા આપણને અનમોલ ગણે છે. (ગીત. ૩૧:૧૯; ૪૧:૩) બીમારીમાં આપણે નિરાશાની લાગણીઓમાં ઘેરાય જઈએ છીએ. એટલે આપણે વારંવાર બાઇબલ વાંચતા રહેવું જોઈએ.

૧૧. કઈ રીતે એક ભાઈએ યહોવાની મદદનો હાથ અનુભવ્યો?

૧૧ ચાલો હોરહેભાઈનો અનુભવ જોઈએ. યુવાનીમાં જ તેમને એવી બીમારી થઈ, જે દિવસે ને દિવસે વધી રહી હતી. એનાથી તે પોતાને નકામા ગણવા લાગ્યા. તે કહે છે: ‘બીમારીના લીધે મારા મનમાં અલગ અલગ લાગણીઓ થવા લાગી. લોકો મને જોતા ત્યારે મને ઘણી શરમ આવતી. મારી આવી હાલત થઈ જશે, એવું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું. મારી હાલત વધારે બગડવા લાગી ત્યારે વિચારવા લાગ્યો કે મારું શું થશે. હું સાવ ભાંગી પડ્યો. મદદ માટે મેં યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કર્યા.’ યહોવાએ કઈ રીતે તેમને મદદ કરી? તે જણાવે છે: “હું કોઈ પણ વસ્તુ પર લાંબો સમય ધ્યાન આપી શકતો ન હતો. એટલે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી મેં થોડું થોડું વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું છે કે યહોવા પોતાના ભક્તોની કેટલી સંભાળ રાખે છે. મેં દરરોજ એ કલમો વાંચી, વારંવાર વાંચી. એનાથી મને ઘણો દિલાસો મળ્યો. સમય જતાં લોકોએ જોયું કે હું ખુશ રહેવા લાગ્યો છું. લોકોએ એમ પણ કહ્યું કે મને ખુશ જોઈને તેઓને ઉત્તેજન મળ્યું છે. એ સાંભળીને મને લાગ્યું કે યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તેમણે મને પોતાના વિશે યોગ્ય વલણ રાખવા મદદ કરી. બીમાર હોવા છતાં યહોવા મને કેવો ગણે છે, એના પર હવે હું ધ્યાન આપું છું.”

૧૨. બીમારીનો સામનો કરતી વખતે યહોવાની મદદ કઈ રીતે લઈ શકીએ?

૧૨ જો તમે કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હો તો ખાતરી રાખો કે યહોવા તમારી તકલીફો સમજે છે. યહોવાને કાલાવાલા કરો, જેથી સંજોગો સમજવા તમને મદદ કરે. પછી બાઇબલમાંથી દિલાસો મળે એવી કલમો વાંચો, જે યહોવાએ લખાવી છે. એ કલમો પર ધ્યાન આપો, જેમાં જણાવ્યું છે કે યહોવા પોતાના ભક્તોને કીમતી ગણે છે. એમ કરવાથી તમે જોઈ શકશો કે જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓ પર તે પ્રેમ વરસાવે છે.—ગીત. ૮૪:૧૧.

જ્યારે પૈસાની તંગી પડે

નોકરી મેળવવી મુશ્કેલ હોય ત્યારે, યાદ રાખવું જોઈએ કે યહોવા આપણી સંભાળ રાખવાનું વચન આપે છે (ફકરા ૧૩-૧૫ જુઓ)

૧૩. કુટુંબના શિર નોકરી ગુમાવે ત્યારે તેમને કેવું લાગી શકે?

૧૩ દરેક કુટુંબનું શિર પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માંગે છે. પણ ધારો કે, એક ભાઈની વગર વાંકે નોકરી છૂટી જાય છે. બીજી નોકરી શોધવા તે ખૂબ મહેનત કરે છે પણ એ મળતી નથી. એવા સમયે તે પોતાને કદાચ નકામા ગણવા લાગે. યહોવાનાં વચનો પર ધ્યાન આપવાથી તેમને કઈ રીતે મદદ મળી શકે?

૧૪. કયા કારણોને લીધે યહોવા પોતાનાં વચનો પૂરાં કરશે?

૧૪ યહોવા હંમેશાં પોતાનાં વચનો પાળે છે. (યહો. ૨૧:૪૫; ૨૩:૧૪) એના ઘણાં કારણો છે. પહેલું કારણ, તે પોતાના નામ કે શાખને લીધે એમ કરે છે. યહોવાએ વચન આપ્યું છે કે તે પોતાના વફાદાર ભક્તોની સંભાળ રાખશે. તે વચન આપીને ફરી જતા નથી. (ગીત. ૩૧:૧-૩) બીજું કારણ, આપણે યહોવાના કુટુંબનો ભાગ છીએ. યહોવા જાણે છે કે જો તે આપણી સંભાળ નહિ રાખે તો આપણે નિરાશ અને દુઃખી થઈ જઈશું. યહોવા વચન આપે છે કે તે આપણને જીવન જીવવા અને તેમની ભક્તિ કરતા રહેવા જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડશે. એ વચન પૂરું કરવાથી તેમને કોઈ પણ રોકી શકશે નહિ.—માથ. ૬:૩૦-૩૩; ૨૪:૪૫.

૧૫. (ક) પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? (ખ) ગીતશાસ્ત્ર ૩૭:૧૮, ૧૯થી આપણને કઈ ખાતરી મળે છે?

૧૫ યહોવા શા માટે પોતાનાં વચનો પૂરાં કરે છે એ આપણે યાદ રાખવું જોઈએ. યહોવા મદદ કરશે એવી ખાતરી હશે તો પૈસાની તંગી ઊભી થાય ત્યારે, આપણે તેમના પર પૂરો આધાર રાખી શકીશું. ચાલો પહેલી સદીના ખ્રિસ્તીઓનો દાખલો જોઈએ. જ્યારે યરૂશાલેમના મંડળ પર સતાવણી આવી, ત્યારે ‘પ્રેરિતો સિવાય બધા શિષ્યો વિખેરાઈ ગયા.’ (પ્રે.કા. ૮:૧) જરા વિચારો, ભાઈ-બહેનોએ પોતાનું ઘર અને વેપાર-ધંધો છોડીને જવું પડ્યું હતું. પણ યહોવાએ તેઓને છોડી દીધા ન હતા. તેઓએ પણ પોતાની ખુશી જાળવી રાખી. (પ્રે.કા. ૮:૪; હિબ્રૂ. ૧૩:૫, ૬; યાકૂ. ૧:૨, ૩) યહોવાએ એ વફાદાર ખ્રિસ્તીઓની સંભાળ રાખી. તે આપણી પણ સંભાળ રાખશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૮, ૧૯ વાંચો.‏

જ્યારે આપણે વૃદ્ધ થઈએ

વૃદ્ધ થઈએ ત્યારે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ, એનાથી ખાતરી મળશે કે યહોવાની નજરે આપણે અને આપણી ભક્તિ કીમતી છે (ફકરા ૧૬-૧૮ જુઓ)

૧૬. શાના લીધે લાગે કે યહોવાની નજરે હવે આપણી ભક્તિ કંઈ કામની નથી?

૧૬ ઉંમર વધતી જાય તેમ આપણને લાગે કે હવે યહોવાની સેવામાં વધારે નહિ કરી શકીએ. દાઊદ રાજા વૃદ્ધ થયા ત્યારે તેમને પણ એવું લાગ્યું હશે. (ગીત. ૭૧:૯) તો સવાલ થાય કે એવા સંજોગોમાં યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે?

૧૭. ઝીરીબેનના અનુભવમાંથી શું શીખવા મળે છે?

૧૭ ચાલો ઝીરીબેનનો અનુભવ જોઈએ. પ્રાર્થનાઘરમાં એક ખાસ સભા રાખવામાં આવી હતી. એ સભા, ભક્તિ માટે વપરાતી જગ્યાની દેખરેખ રાખવા વિશે હતી. ઝીરીબેનને પણ બોલાવવામાં આવ્યાં હતાં પરંતુ તેમને જવાની ઇચ્છા ન હતી. તે કહે છે: ‘હું વિધવા છું અને મારી ઉંમર થઈ ગઈ છે. આ કામ માટે મારી પાસે કોઈ ખાસ આવડત નથી. એટલે લાગતું કે યહોવા માટે હું કંઈ કામની નથી.’ સભાની આગલી રાતે તેમણે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું દિલ ઠાલવ્યું. બીજે દિવસે તે પ્રાર્થનાઘરમાં ગયાં ત્યારે પણ તેમને લાગતું હતું કે તે કોઈ કામનાં નથી. એ સભામાં એક પ્રવચનમાં ભાઈએ કહ્યું કે યહોવા પાસેથી શીખવાની ઇચ્છા હોવી એ સૌથી મોટી આવડત છે. ઝીરીબેન કહે છે: ‘મેં વિચાર્યું, “એ આવડત તો મારી પાસે છે!” યહોવા મારી પ્રાર્થનાઓનો જવાબ આપી રહ્યા છે. એ વિચારીને હું રડવા લાગી. યહોવા જાણે મને કહી રહ્યા હતા કે મારી પાસે હજુ પણ તેમને આપવા માટે કંઈક છે. તે મને શીખવવા તૈયાર છે.’ એ સમય વિશે બહેન જણાવે છે: ‘સભામાં ગઈ ત્યારે હું ગભરાયેલી અને નિરાશ હતી. પણ સભા પછી મારામાં હિંમત આવી. મને અહેસાસ થયો કે હું યહોવા માટે કીમતી છું.’

૧૮. બાઇબલમાંથી કઈ રીતે ખાતરી મળે છે કે વૃદ્ધ થઈએ તોપણ યહોવા આપણને કીમતી ગણે છે?

૧૮ આપણી ઉંમર થઈ જાય તોપણ યહોવાની સેવામાં આપણે કામ આવી શકીએ છીએ. (ગીત. ૯૨:૧૨-૧૫) ઈસુએ શીખવ્યું હતું, ભલે આપણને લાગે કે યહોવાની સેવામાં જે કરીએ છીએ એ મહત્ત્વનું નથી, પણ યહોવા એને કીમતી ગણે છે. (લુક ૨૧:૨-૪) એટલે આપણે જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ. જેમ કે, યહોવા વિશે બીજાઓને જણાવીએ, ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ અને યહોવાને વફાદાર રહેવા બીજાઓને ઉત્તેજન આપીએ. યહોવા આપણને તેમના સાથી કામદારો ગણે છે. આપણી આવડતને લીધે નહિ, પણ આપણે તેમની આજ્ઞા માનવા તૈયાર છીએ એટલે તે એમ કરે છે.—૧ કોરીં. ૩:૫-૯.

૧૯. રોમનો ૮:૩૮, ૩૯થી આપણને કઈ ખાતરી મળે છે?

૧૯ કેટલી ખુશીની વાત કહેવાય કે, આપણે એવા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, જે પોતાના લોકોને કીમતી ગણે છે. યહોવાએ આપણને તેમની ઇચ્છા પૂરી કરવા બનાવ્યા છે. તેમની સેવા કરવાથી આપણને જીવનમાં સાચી ખુશી મળે છે. (પ્રકટી. ૪:૧૧) ભલે આ દુનિયા આપણને નકામા ગણે, પણ યહોવા ક્યારેય એવું વિચારતા નથી. (હિબ્રૂ. ૧૧:૧૬, ૩૮) બીમારી, પૈસાની તંગી કે વૃદ્ધ હોવાને લીધે નિરાશ થઈ જઈએ ત્યારે યાદ રાખીએ કે, કોઈ પણ બાબત આપણને યહોવાના પ્રેમથી અલગ કરી શકશે નહિ.—રોમનો ૮:૩૮, ૩૯ વાંચો.

^ ફકરો. 5 શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કંઈ કામના નથી? આ લેખથી તમને જાણવા મળશે કે યહોવા તમને કેટલા કીમતી ગણે છે. એમાં જોઈશું કે જીવનમાં ભલે ગમે એ થાય તમે કઈ રીતે પોતાના વિશે યોગ્ય વલણ રાખી શકો.

ગીત ૫૧ યહોવાનું સોનેરી રાજ