શું તમે જાણો છો?
પ્રાચીન સમયના એક પથ્થર પર લખેલી વાતોથી કઈ રીતે ખબર પડે કે બાઇબલ ખરેખર સાચું છે?
યરૂશાલેમમાં બાઇબલ લેન્ડસ મ્યુઝિયમ છે, જેમાં એક પથ્થરનો ટૂકડો ઈસુના સમય કરતાં આશરે ૬૦૦-૭૦૦ વર્ષ જૂનો છે. એ ટૂકડો ઇઝરાયેલના હેબ્રોન પાસેની ગુફામાંથી લેવામાં આવ્યો હતો, જે એક કબર હતી. એના પર લખ્યું હતું: “કાગાવના દીકરા કાગાફ પર યાહવે શવિયોટનો શાપ આવે.” એ શબ્દોથી કઈ રીતે ખબર પડે કે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે? એ પથ્થર પર ઈશ્વરનું નામ યહોવા પ્રાચીન હિબ્રૂ અક્ષરોમાં લખવામાં આવ્યું છે. એનાથી ખબર પડે છે કે એ જમાનાના લોકો ઈશ્વરનું નામ યહોવા જાણતા હતા. વધુમાં તેઓ રોજબરોજના જીવનમાં એ નામનો ઉપયોગ કરતા હતા. એવી બીજી ઘણી ગુફાઓ હતી જેમાં આવું કંઈક લખવામાં આવ્યું હતું. એનાથી ખબર પડે છે કે જ્યારે લોકો એ ગુફાઓમાં છુપાતા કે મળતા ત્યારે દીવાલો પર ઈશ્વરનું નામ લખતા. સાથે સાથે પોતાનું નામ પણ લખતા જેમાં ઈશ્વરનું નામ સમાયેલું હોય.
યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાની ડોક્ટર રેચલ નબુલ્સીએ ગુફાઓના લખાણ વિશે આમ કહ્યું: ‘હિબ્રૂમાં ઈશ્વરનું નામ વારંવાર લખવામાં આવ્યું છે. એનાથી જોવા મળે છે કે યહોવા નામના ઈશ્વરનું ઇઝરાયેલ અને યહુદાના લોકોમાં ખૂબ મહત્ત્વ હતું.’ એ ડોક્ટરની વાતથી સાબિત થાય છે કે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે. બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવા મૂળ હિબ્રૂ ભાષામાં હજારો વખત જોવા મળે છે. અમુક લોકોના નામમાં પણ ઈશ્વરનું નામ સમાયેલું હતું.
પથ્થરના ટૂકડા પર લખેલા “યાહવે શવિયોટ” શબ્દોનો અર્થ “સૈન્યોના ઈશ્વર યહોવા” થાય છે. એનાથી ખબર પડે છે કે બાઇબલ સમયમાં લોકો ફક્ત ઈશ્વરનું નામ જ નહિ, “સૈન્યોના ઈશ્વર યહોવા” શબ્દોનો પણ વારંવાર ઉપયોગ કરતા હતા. બાઇબલમાં હિબ્રૂ શાસ્ત્રવચનોમાં “સૈન્યોના ઈશ્વર યહોવા” શબ્દો ૨૮૩ વખત આવ્યા છે. એ શબ્દો ખાસ યશાયા, યર્મિયા અને ઝખાર્યાના પુસ્તકોમાં જોવા મળે છે. એનાથી પણ સાબિત થાય છે કે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે.