સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩

ઈસુનાં આંસુઓમાંથી શીખવા જેવી વાતો

ઈસુનાં આંસુઓમાંથી શીખવા જેવી વાતો

“ઈસુ રડ્યા.”​—યોહા. ૧૧:૩૫.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

ઝલક *

૧-૩. કયા કારણોને લીધે આપણી આંખમાંથી આંસુ સરી પડે છે?

 છેલ્લે તમે ક્યારે રડ્યા હતા? અમુક વખતે આપણી આંખોમાંથી ખુશીનાં આંસુ છલકાય જાય છે. પણ મોટા ભાગે દુઃખના લીધે આપણી આંખો ભરાઈ આવે છે, ખાસ કરીને આપણું કોઈ વહાલું ગુજરી જાય ત્યારે. અમેરિકામાં રહેતાં લૉરલબહેન કહે છે, “મારી દીકરીને મરણમાં ગુમાવ્યા પછી હું બહુ દુઃખી હતી. અમુક વાર હું બસ રડ્યા જ કરતી. મને લાગતું કે હું એ દુઃખમાંથી ક્યારેય બહાર નહિ આવું.” *

બીજાં અમુક કારણોને લીધે પણ આપણી આંખમાંથી આંસુ સરી પડે છે. જાપાનમાં રહેતાં હિરોમીબહેન પાયોનિયર છે. તે કહે છે, “પ્રચારમાં લોકો ન સાંભળે ત્યારે ઘણી વાર મારું દિલ તૂટી જાય છે. હું યહોવાને રડી રડીને પ્રાર્થના કરું છું. હું તેમને અરજ કરું છું કે મને એવી વ્યક્તિ શોધવા મદદ કરે, જેને બાઇબલમાં રસ હોય.”

આપણામાંથી ઘણાને એ બહેનો જેવું લાગતું હશે. (૧ પિત. ૫:૯) આપણે બધા “ખુશીથી યહોવાની ભક્તિ” કરવા માંગીએ છીએ. પણ અમુક વખતે એમ કરવું અઘરું બને છે. આપણું કોઈ વહાલું ગુજરી ગયું હોય, આપણા પર નિરાશાનાં વાદળો ઘેરાઈ ગયાં હોય અથવા આપણી વફાદારીની કસોટી થતી હોય ત્યારે, આપણે દુઃખી થઈ જઈએ છીએ. (ગીત. ૬:૬; ૧૦૦:૨) એવું થાય ત્યારે શું કરી શકીએ?

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આપણે ઈસુના દાખલામાંથી ઘણું શીખી શકીએ. તે પણ અમુક સંજોગોમાં ‘રડી પડ્યા હતા.’ (યોહા. ૧૧:૩૫; લૂક ૧૯:૪૧; ૨૨:૪૪; હિબ્રૂ. ૫:૭) ચાલો અમુક બનાવો પર વિચાર કરીએ. એમાંથી આપણે ઈસુ અને તેમના પિતા યહોવા વિશે શીખીશું. આપણે એવા સંજોગોમાં હોઈએ ત્યારે શું કરી શકીએ એ પણ શીખીશું.

મિત્રો માટે રડ્યા

ઈસુની જેમ આપણે શોકમાં ડૂબેલા લોકોને સહારો આપીએ (ફકરા ૫-૯ જુઓ) *

૫. યોહાન ૧૧:૩૨-૩૬માંથી ઈસુ વિશે શું જાણવા મળે છે?

લાજરસ, મરિયમ અને માર્થા, ઈસુનાં પાકાં મિત્રો હતાં. તે તેઓને ખૂબ પ્રેમ કરતા હતા. પણ સાલ ૩૨ના શિયાળામાં લાજરસ બીમાર પડ્યો અને મરી ગયો. (યોહા. ૧૧:૩, ૧૪) ભાઈના મરણથી બંને બહેનો પર જાણે આભ તૂટી પડ્યું. મરિયમ અને માર્થાને મળવા ઈસુ બેથનિયા ગયા. ઈસુ આવી રહ્યા છે એ સાંભળીને માર્થા તેમને મળવા દોડી ગઈ. તેણે ઈસુને કહ્યું, “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.” (યોહા. ૧૧:૨૧) એ શબ્દો કહેતી વખતે તેનું કાળજું કપાઈ ગયું હશે. થોડીક વાર પછી ઈસુએ મરિયમ અને બીજાઓને રડતાં જોયાં. એ સમયે તે પોતાનાં આંસુઓ રોકી ન શક્યા અને ‘રડી પડ્યા.’—યોહાન ૧૧:૩૨-૩૬ વાંચો.

૬. લાજરસના મરણ પછી ઈસુ કેમ રડ્યા?

ઈસુ કેમ રડ્યા? ઇન્સાઈટ પુસ્તક જણાવે છે, “પોતાના મિત્ર લાજરસના મરણથી અને લાજરસની બહેનોને શોક મનાવતા જોઈને ઈસુએ ‘ઊંડો નિસાસો નાખ્યો અને તે રડી પડ્યા.’” * ઈસુના મનમાં એ વિચારો ચાલતા હશે કે બીમારીને લીધે લાજરસને કેટલી પીડા થઈ હશે. છેલ્લી ઘડીઓમાં તેમના ખાસ મિત્રની કેવી હાલત હશે એની ઈસુ કલ્પના કરતા હશે. એટલું જ નહિ મરિયમ અને માર્થાને રડતા જોઈને ઈસુની આંખો ભરાઈ આવી હશે. જો તમે પણ તમારા ખાસ મિત્રને કે સગાને મરણમાં ગુમાવ્યા હોય, તો તમે એ લાગણી ચોક્કસ અનુભવી હશે. ચાલો એ બનાવમાંથી ત્રણ બાબતો શીખીએ.

૭. ઈસુ પોતાના મિત્રો માટે રડ્યા એનાથી યહોવા વિશે શું શીખી શકીએ?

યહોવા આપણી લાગણી સમજે છે. ઈસુ ‘આબેહૂબ તેમના પિતા યહોવા જેવા છે.’ (હિબ્રૂ. ૧:૩) ઈસુ રડ્યા એનાથી જોઈ શકાય છે કે આપણું કોઈ ગુજરી જાય ત્યારે યહોવાને પણ ખૂબ દુઃખ થાય છે. (યોહા. ૧૪:૯) જો તમારું વહાલું ગુજરી ગયું હોય, તો ખાતરી રાખો કે યહોવા તમારું દુઃખ જાણે છે. એટલું જ નહિ તે તમારું દર્દ મહેસૂસ કરે છે. તે તમારા દિલના ઘા પર મલમ લગાવવા માંગે છે.—ગીત. ૩૪:૧૮; ૧૪૭:૩.

૮. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે આપણાં સગાં-વહાલાંને ઈસુ ફરી જીવતા કરશે?

ગુજરી ગયેલાં આપણાં સગાં-વહાલાંને ઈસુ ફરી જીવતા કરવા માંગે છે. ઈસુ રડ્યા એ પહેલાં તેમણે માર્થાને ખાતરી આપી, “તારો ભાઈ જીવતો થશે.” માર્થાએ ઈસુની વાત પર ભરોસો મૂક્યો. (યોહા. ૧૧:૨૩-૨૭) માર્થા વર્ષોથી યહોવાની ભક્તિ કરતી હતી. એટલે તે જાણતી હતી કે સદીઓ પહેલાં યહોવાના પ્રબોધકો, એલિયા અને એલિશાએ લોકોને ફરી જીવતા કર્યા હતા. (૧ રાજા. ૧૭:૧૭-૨૪; ૨ રાજા. ૪:૩૨-૩૭) તેણે કદાચ એ પણ સાંભળ્યું હોય કે ઈસુએ અમુક લોકોને ફરી જીવતા કર્યા છે. (લૂક ૭:૧૧-૧૫; ૮:૪૧, ૪૨, ૪૯-૫૬) માર્થાની જેમ આપણે ખાતરી રાખી શકીએ કે ગુજરી ગયેલાં સગાં-વહાલાંને આપણે ફરી ગળે લગાવી શકીશું. ઈસુએ પોતાના મિત્રોને દિલાસો આપ્યો ત્યારે તે રડી પડ્યા. એમાંથી શું શીખવા મળે છે? એ જ કે ઈસુ આપણાં સગાં-વહાલાંને ફરી જીવતા કરવા આતુર છે!

૯. ઈસુની જેમ આપણે કઈ રીતે શોકમાં ડૂબેલા લોકોને સહારો આપી શકીએ? દાખલો આપો.

શોકમાં ડૂબેલા લોકોને આપણે સહારો આપી શકીએ. ઈસુ ફક્ત માર્થા અને મરિયમ સાથે રડ્યા જ નહિ, તેઓને દિલાસો પણ આપ્યો. તેઓની વાત સાંભળી અને તેઓને હિંમત આપી. આપણે પણ એવું જ કરી શકીએ. ચાલો ઓસ્ટ્રેલિયામાં રહેતા ડેનભાઈનો દાખલો જોઈએ. તે એક વડીલ છે, તે કહે છે: “મારી પત્ની ગુજરી ગઈ ત્યારે મને સહારાની ખૂબ જ જરૂર હતી. ઘણા ભાઈઓ તેઓની પત્ની સાથે મને મળવા આવતા. તેઓ મારું ધ્યાનથી સાંભળતા. ભલે રાત હોય કે દિવસ તેઓ હંમેશાં મારા માટે સમય કાઢતા. હું તેઓ આગળ રડી શકતો. મને રડતા જોઈને તેઓને અજુગતું ન લાગતું. મારાથી ઘરનાં અમુક કામ ન થઈ શકે ત્યારે, તેઓ મને મદદ કરતા. તેઓ મારી કાર ધોવામાં, સામાન લાવી આપવામાં અને ખાવાનું બનાવામાં મને મદદ કરતા. તેઓ મારી સાથે વારંવાર પ્રાર્થના કરતા. તેઓ સાચે જ મારા પાકા દોસ્તો છે જેઓ ‘મુસીબતના સમયે ભાઈ બની ગયા.’”—નીતિ. ૧૭:૧૭.

લોકો માટે રડ્યા

૧૦. લૂક ૧૯:૩૬-૪૦માં કયા બનાવ વિશે જણાવ્યું છે?

૧૦ સાલ ૩૩, નીસાન ૯ના દિવસે ઈસુ યરૂશાલેમ આવ્યા. એ દિવસે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેઓ પોતાનાં કપડાં રસ્તા પર પાથરવા લાગ્યા. એક રાજાનું સ્વાગત કરતા હોય એમ તેઓએ ઈસુનું સ્વાગત કર્યું. એ સાચે જ ખુશીનો સમય હતો. (લૂક ૧૯:૩૬-૪૦ વાંચો.) એ પછી જે થયું એનાથી શિષ્યોને ચોક્કસ નવાઈ લાગી હશે. “ઈસુ શહેર પાસે આવ્યા. તેમણે શહેર પર નજર નાખી અને રડી પડ્યા.” તેમણે રડતાં રડતાં જણાવ્યું કે યરૂશાલેમના લોકો પર જલદી જ મોટી આફત આવવાની હતી.—લૂક ૧૯:૪૧-૪૪.

૧૧. ઈસુ યરૂશાલેમના લોકો માટે કેમ રડ્યા?

૧૧ ઈસુ જાણતા હતા કે ભલે લોકોએ તેમનું ખુશી ખુશી સ્વાગત કર્યું, પણ મોટા ભાગના યહૂદીઓ રાજ્યનો સંદેશો નહિ સ્વીકારે. એના લીધે જ યરૂશાલેમનો નાશ થશે અને જે યહૂદીઓ બચી જશે તેઓને ગુલામ બનાવવામાં આવશે. એ બધું વિચારીને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. (લૂક ૨૧:૨૦-૨૪) ઈસુએ જેવું કહ્યું હતું એવું જ થયું. મોટા ભાગના લોકોએ તેમનો સ્વીકાર ન કર્યો. આપણા વિસ્તારમાં પણ મોટા ભાગના લોકો ખુશખબર ન સાંભળે તો શું કરી શકીએ? ચાલો યરૂશાલેમના એ બનાવમાંથી ત્રણ બાબતો શીખીએ.

૧૨. ઈસુ લોકો માટે રડ્યા એનાથી યહોવા વિશે શું શીખી શકીએ?

૧૨ યહોવાને લોકોની ચિંતા છે. ઈસુ રડ્યા એ આપણને યાદ અપાવે છે કે યહોવાને પણ લોકોની ખૂબ ચિંતા છે. “તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) યહોવાની જેમ આપણને પણ લોકોની ચિંતા છે. એટલે તેઓને રાજ્યની ખુશખબર જણાવવા બનતું બધું જ કરીએ છીએ.—માથ. ૨૨:૩૯. *

ઈસુની જેમ આપણે લોકોને ફાવે એ સમયે મળીએ (ફકરા ૧૩-૧૪ જુઓ) *

૧૩-૧૪. (ક) ઈસુએ કઈ રીતે લોકોને કરુણા બતાવી? (ખ) આપણે કઈ રીતે એ ગુણ બતાવી શકીએ?

૧૩ ઈસુએ પ્રચારમાં ખૂબ મહેનત કરી. ઈસુ લોકોને પ્રેમ કરતા હતા. તેમને લોકો પર કરુણા આવતી, એટલે સંદેશો જણાવવાની એક પણ તક તેમણે જવા દીધી નહિ. (લૂક ૧૯:૪૭, ૪૮) અમુક વખતે ઈસુનો સંદેશો સાંભળવા એટલા બધા લોકો ભેગા થઈ જતા કે તેમને અને તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળતો. (માર્ક ૩:૨૦) તે રાતે પણ લોકોને શીખવવા તૈયાર હતા. એક માણસને રાતે ઈસુ પાસેથી શીખવું હતું ત્યારે પણ ઈસુએ તેને ખુશી ખુશી શીખવ્યું. (યોહા. ૩:૧, ૨) જેઓએ ઈસુનું સાંભળ્યું એમાંથી કંઈ બધા જ તેમના શિષ્યો બન્યા નહિ. પણ એ બધાને સંદેશો જણાવવામાં ઈસુએ કોઈ કસર બાકી રાખી નહિ. આજે આપણે પણ બધાને સંદેશો જણાવવા માંગીએ છીએ. (પ્રે.કા. ૧૦:૪૨) એ કામ પૂરું કરવા કદાચ આપણે પ્રચાર કરવાની રીતમાં થોડો ફેરફાર કરવો પડે.

૧૪ આપણે ફેરફાર કરવા તૈયાર રહીએ. જો આપણે સમયમાં ફેરફાર નહિ કરીએ, તો કદાચ એવા લોકોને નહિ મળી શકીએ જેઓને સંદેશો સાંભળવામાં રસ છે. મટીલ્ડાબહેન એક પાયોનિયર છે, તે કહે છે: “હું અને મારા પતિ અલગ અલગ સમયે લોકોને પ્રચાર કરીએ છીએ. વહેલી સવારે અમે વેપાર વિસ્તારમાં જઈએ છીએ. બપોરે મોટા ભાગના લોકો બહાર હોય છે ત્યારે ટ્રોલીથી પ્રચાર કરીએ છીએ. સાંજે અમે ઘરઘરનું પ્રચાર કરીએ છીએ. એ સમયે અમને ઘણા લોકો ઘરે મળે છે.” જો આપણા સમયે જ પ્રચાર કરતા રહીશું, તો વધારે લોકોને નહિ મળી શકીએ. એટલે જરૂરી છે કે આપણે સમયમાં ફેરફાર કરવા તૈયાર રહીએ, જેથી વધારે લોકો સુધી પહોંચી શકીએ. સાચે જ આપણી મહેનત જોઈને યહોવાને કેટલી ખુશી થશે!

યહોવાના નામ માટે રડ્યા

ઈસુની જેમ આપણે તણાવમાં હોઈએ ત્યારે યહોવાને અરજ કરીએ (ફકરા ૧૫-૧૭ જુઓ) *

૧૫. ઈસુના મરણની આગલી રાતે શું થયું હતું? (લૂક ૨૨:૩૯-૪૪)

૧૫ સાલ ૩૩, નીસાન ૧૪ની એ રાત હતી. ઈસુ ગેથશેમાને બાગમાં ગયા. તેમણે યહોવા આગળ પોતાનું દિલ રેડી દીધું. (લૂક ૨૨:૩૯-૪૪ વાંચો.) એ અઘરા સંજોગોમાં ‘તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને કાલાવાલા કર્યા.’ (હિબ્રૂ. ૫:૭) ઈસુએ પોતાના મરણની આગલી રાતે શાના માટે પ્રાર્થના કરી? તે યહોવાને વફાદાર રહેવા માંગતા હતા અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગતા હતા. એટલે તેમણે યહોવા પાસે હિંમત માંગી. યહોવાએ તેમની અરજ સાંભળી અને તેમની હિંમત વધારવા એક દૂતને મોકલ્યા.

૧૬. ઈસુ શા માટે તણાવમાં હતા?

૧૬ ઈસુ ઘણા તણાવમાં હતા. કેમ કે જલદી જ લોકો ઈશ્વરના નામની નિંદા કરવાનો તેમના પર જૂઠો આરોપ મૂકવાના હતા. એ વિચાર માત્રથી જ તેમની આંખમાં આંસુ આવી ગયાં. ઈસુનાં આંસુ પાછળ બીજું પણ એક કારણ હતું. તેમના માથે ભારે જવાબદારી હતી. તેમણે યહોવાને વફાદાર રહીને તેમના નામનો મહિમા કરવાનો હતો. જો આપણે પણ વફાદારીની કસોટી દરમિયાન તણાવનો સામનો કરતા હોઈએ તો શું કરી શકીએ? ચાલો ઈસુનાં આંસુઓમાંથી ત્રણ બાબતો શીખીએ.

૧૭. યહોવાએ ઈસુની પ્રાર્થનાનો જવાબ આપ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૭ યહોવા આપણી અરજો સાંભળે છે. યહોવાએ ઈસુની પ્રાર્થના સાંભળી. શા માટે? કારણ કે ઈસુ તેમને વફાદાર રહેવા માંગતા હતા અને તેમના નામનો મહિમા કરવા માંગતા હતા. જો આપણાં દિલમાં પણ એવી જ ઇચ્છા હશે અને યહોવાને મદદનો પોકાર કરીશું, તો તે જરૂર જવાબ આપશે.—ગીત. ૧૪૫:૧૮, ૧૯.

૧૮. ઈસુ આપણી લાગણીઓ સમજે છે એ કઈ રીતે કહી શકીએ?

૧૮ ઈસુ આપણી લાગણી સમજે છે. આપણે ચિંતામાં હોઈએ ત્યારે મિત્રના દિલાસાથી આપણાં દિલને ઠંડક મળે છે. એ મિત્ર આપણા જેવા સંજોગોમાંથી પસાર થયો છે, એટલે તે આપણી લાગણી સારી રીતે સમજી શકે છે. ઈસુ પણ એ મિત્ર જેવા છે. તે સમજે છે કે આપણે લાચાર હોઈએ ત્યારે મદદની જરૂર પડે છે. તે આપણી નબળાઈઓ જાણે છે અને આપણને “મદદની જરૂર હોય ત્યારે” એ પૂરી પાડે છે. (હિબ્રૂ. ૪:૧૫, ૧૬) ઈસુએ પોતે પણ ગેથશેમાને બાગમાં દૂતની મદદ લીધી હતી. આપણે પણ યહોવાની મદદ લેવા તૈયાર રહેવું જોઈએ. તે આપણને અલગ અલગ રીતે મદદ કરે છે. તે સાહિત્ય, વીડિયો, પ્રવચનો, વડીલો કે મંડળનાં ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે.

૧૯. વફાદારીની કસોટીમાં કઈ રીતે હિંમત વધારી શકાય? દાખલો આપો.

૧૯ યહોવા આપણને “શાંતિ” આપશે. વફાદારીની કસોટીમાં આપણને યહોવા કઈ રીતે હિંમત આપશે? આપણે પ્રાર્થના કરીશું તો ઈશ્વર આપણને એવી ‘શાંતિ આપશે, જે આપણી સમજશક્તિની બહાર છે.’ (ફિલિ. ૪:૬, ૭) ઈશ્વરની શાંતિ આપણાં મનને હળવું કરે છે અને વિચારોને કાબૂમાં રાખે છે. લોઈસબહેન સાથે એવું જ બન્યું. તે કહે છે: “ઘણી વાર મને એકલું એકલું લાગે છે. અમુક વાર મને એવું થાય છે કે યહોવા મને પ્રેમ કરતા નથી. પછી હું તરત યહોવા પાસે દોડી જાઉં છું. તેમની આગળ મારી બધી લાગણી ઠાલવી દઉં છું. પ્રાર્થના કરવાથી મારું મન શાંત થઈ જાય છે.” એ દાખલામાંથી જોઈ શકાય છે કે પ્રાર્થનાથી શાંતિ મળે છે.

૨૦. આ લેખમાંથી આપણે શું શીખ્યા?

૨૦ ઈસુનાં આંસુઓમાંથી આપણને ઘણું શીખવા મળ્યું. આપણને એ યાદ રાખવા મદદ મળે છે કે શોકમાં ડૂબેલા લોકોને સહારો આપીએ. આપણને ભરોસો મળે છે કે કોઈ સગું-વહાલું ગુજરી જાય ત્યારે યહોવા અને ઈસુ આપણી પડખે રહેશે. આપણને ઉત્તેજન મળે છે કે પ્રચાર અને શીખવવાનાં કામમાં કરુણા બતાવીએ, કારણ કે યહોવા અને ઈસુમાં પણ એ સુંદર ગુણ છે. આપણને દિલાસો મળે છે કે યહોવા અને તેમના વહાલા દીકરા આપણી લાગણી સમજે છે. તેઓ આપણી નબળાઈઓ જાણે છે અને આપણને ટકી રહેવા મદદ કરે છે. બહુ જલદી યહોવા આપણી “આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.” (પ્રકટી. ૨૧:૪) એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે આ લેખમાંથી જે શીખ્યા એ પ્રમાણે કરતા રહીએ.

ગીત ૨૧ દયાળુ બનીએ

^ બાઇબલમાં જણાવ્યું છે કે અમુક પ્રસંગે ઈસુનું દિલ એટલું ભરાઈ આવ્યું કે તે પોતાનાં આંસુઓ રોકી ન શક્યા. આ લેખમાં આપણે એ ત્રણ પ્રસંગોની ચર્ચા કરીશું જ્યારે ઈસુ રડ્યા હતા અને એ પણ જોઈશું કે એમાંથી આપણે શું શીખી શકીએ.

^ અમુક નામ બદલ્યાં છે.

^ માથ્થી ૨૨:૩૯માં “પડોશી” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ ફક્ત બાજુમાં રહેનાર નહિ, કોઈપણ વ્યક્તિ થઈ શકે જેને આપણે મળીએ છીએ.

^ ચિત્રની સમજ: ઈસુએ મરિયમ અને માર્થાને દિલાસો આપ્યો. આપણે પણ શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપી શકીએ.

^ ચિત્રની સમજ: ઈસુ નિકોદેમસને રાતે શીખવવા તૈયાર હતા. આપણે પણ લોકોને ફાવે એ સમયે શીખવીએ.

^ ચિત્રની સમજ: ઈસુ યહોવાને વફાદાર રહેવા માંગતા હતા, એટલે તેમણે પ્રાર્થનામાં હિંમત માંગી. આપણે પણ કસોટીમાં એવું જ કરીએ.