સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

ઈસુના નાના ભાઈ પાસેથી શીખીએ

ઈસુના નાના ભાઈ પાસેથી શીખીએ

“યાકૂબ, ઈશ્વરનો દાસ અને આપણા માલિક ઈસુ ખ્રિસ્તનો દાસ.”​—યાકૂ. ૧:૧.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ઝલક *

૧. યાકૂબનું કુટુંબ કેવું હતું?

 યાકૂબ ઈસુના ભાઈ હતા. * તેમના કુટુંબનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. તેમનાં માતા-પિતા યૂસફ અને મરિયમ યહોવાને ખૂબ જ પ્રેમ કરતા હતાં અને પૂરાં દિલથી તેમની ભક્તિ કરતા હતાં. યાકૂબ પાસે બીજો પણ એક લહાવો હતો. તેમના મોટા ભાઈ વચન પ્રમાણેના મસીહ બનવાના હતા. ખરેખર યાકૂબનો ઉછેર કેટલા સરસ કુટુંબમાં થયો હતો!

યાકૂબ બાળપણથી ઈસુ સાથે રહ્યા એટલે તે ઈસુને સારી રીતે ઓળખતા હતા (ફકરો ૨ જુઓ)

૨. યાકૂબ પાસે કઈ તક હતી?

યાકૂબ પોતાના મોટા ભાઈ પાસેથી ઘણું શીખી શકતા હતા. (માથ. ૧૩:૫૫) તેમની પાસે કઈ તક હતી? દાખલા તરીકે, ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે તેમની પાસે શાસ્ત્રનું સારું જ્ઞાન હતું. તેમની સમજણ જોઈને યરૂશાલેમના ધર્મગુરુઓને નવાઈ લાગી હતી. (લૂક ૨:૪૬, ૪૭) યાકૂબે કદાચ ઈસુ સાથે સુથારી કામ કર્યું હતું. જો એમ હોય તો તે ઈસુને સારી રીતે ઓળખતા હશે. ભાઈ નાથાન નૉર ઘણી વખત કહેતા, “તમે કોઈ વ્યક્તિ સાથે કામ કરો તો તેને સારી રીતે ઓળખી શકો છો.” * યાકૂબે એ પણ જોયું હશે કે “ઈસુની સમજણ વધતી ગઈ. તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.” (લૂક ૨:૫૨) આપણને લાગે કે યાકૂબ તરત ઈસુના શિષ્ય બની ગયા હશે, પણ એવું કંઈ બન્યું નહિ.

૩. ઈસુના સેવાકાર્ય દરમિયાન શું યાકૂબ તેમના શિષ્ય બન્યા? સમજાવો.

ઈસુના સેવાકાર્ય દરમિયાન યાકૂબ તેમના શિષ્ય બન્યા નહિ. (યોહા. ૭:૩-૫) કદાચ યાકૂબ એ સગાઓમાં હતા, જેઓએ ઈસુ માટે કહ્યું કે “તેનું મગજ ફરી ગયું છે.” (માર્ક ૩:૨૧) બાઇબલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે ઈસુના મરણ વખતે યાકૂબ તેમની મા મરિયમ સાથે હતા.—યોહા. ૧૯:૨૫-૨૭.

૪. આ લેખમાં આપણે શું શીખીશું?

પછીથી યાકૂબે ઈસુમાં શ્રદ્ધા મૂકી. તે ખ્રિસ્તી મંડળમાં એક સારા વડીલ બન્યા. આ લેખમાં આપણે યાકૂબ પાસેથી બે બાબતો શીખીશું: (૧) આપણે કેમ નમ્ર રહેવું જોઈએ? (૨) આપણે કઈ રીતે સારા શિક્ષક બની શકીએ?

યાકૂબની જેમ નમ્ર રહીએ

યાકૂબને ઈસુ દેખાયા ત્યારે તેમણે નમ્રતાથી સ્વીકાર્યું કે ઈસુ જ મસીહ છે, એ પછી તે ઈસુના વફાદાર શિષ્ય બન્યા (ફકરા ૫-૭ જુઓ)

૫. ઈસુને મળ્યા પછી યાકૂબે શું કર્યું?

યાકૂબ ક્યારે ઈસુના શિષ્ય બન્યા? ઈસુને ફરી જીવતા કરવામાં આવ્યા “ત્યાર બાદ, તે યાકૂબને દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા.” (૧ કોરીં. ૧૫:૭) ઈસુને મળ્યા પછી યાકૂબનું જીવન બદલાઈ ગયું, તે ઈસુના શિષ્ય બન્યા. પ્રેરિતો યરૂશાલેમમાં પવિત્ર શક્તિ મેળવવા ઉપરના ઓરડામાં ભેગા થયા હતા ત્યારે, યાકૂબ પણ ત્યાં હાજર હતા. (પ્રે.કા. ૧:૧૩, ૧૪) પછી યાકૂબને નિયામક જૂથના સભ્ય બનવાનો લહાવો મળ્યો. (પ્રે.કા. ૧૫:૬, ૧૩-૨૨; ગલા. ૨:૯) સાલ ૬૨ના અમુક સમય પહેલાં પવિત્ર શક્તિની પ્રેરણાથી તેમણે અભિષિક્તોને પત્ર લખ્યો. એ પત્રથી આપણને બધાને મદદ મળે છે, પછી ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર જીવવાની. (યાકૂ. ૧:૧) પહેલી સદીના ઇતિહાસકાર જોસેફસે યાકૂબના મરણ વિશે કંઈક લખ્યું હતું. તેમણે જણાવ્યું કે યાકૂબને યહૂદી પ્રમુખ યાજક અનાન્યાએ મારી નંખાવ્યા, જે અન્‍નાસનો દીકરો હતો. યાકૂબ જીવનની છેલ્લી ઘડીઓ સુધી યહોવાને વફાદાર રહ્યા.

૬. યાકૂબ અને એ સમયના ધર્મગુરુઓમાં શું ફરક હતો?

યાકૂબ નમ્ર હતા. એવું આપણે કેમ કહી શકીએ? યાકૂબ અને એ સમયના ધર્મગુરુઓમાં આભ-જમીનનો ફરક હતો. યાકૂબને પુરાવા મળ્યા કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે ત્યારે તેમણે નમ્રતાથી ઈસુનો સ્વીકાર કર્યો. ધર્મગુરુઓને એ વાતના પુરાવા મળ્યા તોપણ તેઓએ ઈસુ પર જરાય ભરોસો કર્યો નહિ. દાખલા તરીકે, યરૂશાલેમના મુખ્ય યાજકોને ખબર હતી કે ઈસુએ લાજરસને મરણમાંથી જીવતો કર્યો હતો. પણ તેઓએ એ વાત ન સ્વીકારી કે ઈશ્વરે જ ઈસુને મોકલ્યા હતા. અરે, તેઓ તો ઈસુ અને લાજરસ બંનેને મારી નાખવા માંગતા હતા. (યોહા. ૧૧:૫૩; ૧૨:૯-૧૧) પછી ઈસુ ફરીથી જીવતા થયા ત્યારે એ બનાવ છુપાવવા તેઓએ કાવતરું ઘડ્યું. (માથ. ૨૮:૧૧-૧૫) એ ધર્મગુરુઓ એટલા ઘમંડી હતા કે તેઓએ મસીહને નકારી કાઢ્યા.

૭. આપણે કેમ ઘમંડી ન બનવું જોઈએ?

આપણે શું શીખી શકીએ? ઘમંડી ન બનીએ અને યહોવા પાસેથી શીખવા તૈયાર રહીએ. કોઈ બીમારીને લીધે કદાચ હૃદયની નળીઓ કઠણ થઈ જાય અને હૃદયને કામ કરવું અઘરું પડે. એવી જ રીતે ઘમંડને લીધે કદાચ આપણું મન કઠણ થઈ જાય અને યહોવાની આજ્ઞાઓ પાળવી આપણા માટે અઘરું પડે. ફરોશીઓ સાથે એવું જ કંઈક થયું હતું. તેઓએ પોતાનું દિલ કઠણ કરી દીધું હતું. એટલે સામે પુરાવા હોવા છતાં તેઓ સ્વીકારી ન શક્યા કે ઈસુ પર ઈશ્વરની પવિત્ર શક્તિ હતી અને તે જ ઈશ્વરના દીકરા હતા. (યોહા. ૧૨:૩૭-૪૦) ઘમંડના કારણે તેઓએ હંમેશ માટેનું જીવન ગુમાવી દીધું. (માથ. ૨૩:૧૩, ૩૩) સાચે જ, એ કેટલું જરૂરી છે કે આપણે બાઇબલ અને પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહીએ. પોતાના સ્વભાવ અને વિચારોમાં ફેરફાર કરતા રહીએ. (યાકૂ. ૩:૧૭) યાકૂબ નમ્ર હતા એટલે તે યહોવા પાસેથી શીખવા તૈયાર હતા. એ ગુણને લીધે તે બીજાઓને પણ સારી રીતે શીખવી શક્યા.

યાકૂબની જેમ સારા શિક્ષક બનીએ

૮. આપણે કઈ રીતે સારા શિક્ષક બની શકીએ?

યાકૂબ બહુ ભણેલા-ગણેલા ન હતા. એ સમયના ધર્મગુરુઓ યાકૂબને “અભણ અને સામાન્ય” માણસ ગણતા હતા, જેમ તેઓ પ્રેરિત પિતર અને યોહાનને ગણતા હતા. (પ્રે.કા. ૪:૧૩) જોકે યાકૂબ સારા શિક્ષક હતા, એ તેમના પત્રથી દેખાઈ આવે છે. યાકૂબની જેમ આપણે પણ બહુ ભણેલા-ગણેલા ન હોઈએ. પણ પવિત્ર શક્તિની મદદ અને સંગઠન તરફથી મળતી તાલીમથી આપણે સારા શિક્ષક બની શકીએ છીએ. ચાલો જોઈએ કે યાકૂબે કઈ રીતે શીખવ્યું હતું.

૯. યાકૂબની શીખવવાની રીત કેવી હતી? સમજાવો.

યાકૂબે સાદા શબ્દોમાં અને સમજાય એ રીતે શીખવ્યું. એટલે લોકો સમજી શક્યા કે તેઓએ શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ. દાખલા તરીકે, યાકૂબે સાદા શબ્દોમાં શીખવ્યું કે ઈશ્વરભક્તોએ અન્યાય સહેવા તૈયાર રહેવું જોઈએ અને સામે બદલો ન લેવો જોઈએ. તેમણે લખ્યું, “સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી કહીએ છીએ. અયૂબે જે સહન કર્યું એ તમે સાંભળ્યું છે અને યહોવાએ તેમને જે બદલો આપ્યો એ પણ તમે જાણો છો. યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” (યાકૂ. ૫:૧૧) ધ્યાન આપો, યાકૂબે જે શીખવ્યું એ શાસ્ત્રમાંથી હતું. તેમણે શીખવ્યું કે જેઓ અયૂબની જેમ યહોવાને વફાદાર રહે છે, તેઓને તે હંમેશાં આશીર્વાદ આપે છે. યાકૂબે સાદા શબ્દો વાપર્યા અને સમજાય એ રીતે શીખવ્યું. આમ તેમણે લોકોનું ધ્યાન પોતાના તરફ નહિ પણ યહોવા તરફ દોર્યું.

૧૦. આપણે યાકૂબની જેમ કઈ રીતે શીખવી શકીએ?

૧૦ આપણે શું શીખી શકીએ? આપણો સંદેશો સાદા શબ્દોમાં અને બાઇબલમાંથી હોય. બીજાઓને શીખવીએ ત્યારે આપણે કેટલું જાણીએ છીએ એનો દેખાડો ન કરીએ. એના બદલે તેઓનું ધ્યાન એ વાત પર દોરીએ કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે અને તે આપણી કેટલી કાળજી રાખે છે. (રોમ. ૧૧:૩૩) આપણે તેઓને જે કંઈ શીખવીએ એ બાઇબલમાંથી શીખવીએ. દાખલા તરીકે, આપણે બાઇબલ વિદ્યાર્થીઓને એવું ન કહીએ કે આપણે તેઓની જગ્યાએ હોત તો શું કર્યું હોત. એના બદલે આપણે તેઓને બાઇબલમાંથી નિર્ણય લેવા મદદ કરીએ. તેઓને બાઇબલના દાખલામાંથી શીખવીએ. તેઓને એ જોવા મદદ કરીએ કે એ વિશે યહોવા કેવું વિચારે છે. આમ તેઓ આપણને નહિ, પણ યહોવાને ખુશ કરવા નિર્ણય લેશે.

૧૧. (ક) અમુક ભાઈ-બહેનોમાં કઈ નબળાઈ હતી? (ખ) યાકૂબે કઈ સલાહ આપી? (યાકૂબ ૫:૧૩-૧૫)

૧૧ યાકૂબ બીજાઓના સંજોગો સમજતા હતા. તેમણે લખેલા પત્રથી દેખાઈ આવે છે કે યાકૂબ સાથી ભાઈ-બહેનોની નબળાઈઓ સારી રીતે જાણતા હતા. તેઓએ શું કરવું જોઈએ એ માટે યાકૂબે તેઓને સાફ શબ્દોમાં સલાહ આપી. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો સલાહ પાળવામાં આનાકાની કરતા હતાં. (યાકૂ. ૧:૨૨) બીજાં કેટલાંક અમીર-ગરીબમાં ભેદભાવ રાખતાં હતાં. (યાકૂ. ૨:૧-૩) બીજાં અમુકને પોતાની જીભ પર કાબૂ રાખવો અઘરું લાગતું હતું. (યાકૂ. ૩:૮-૧૦) તેઓ માટે એ મોટી નબળાઈઓ હતી. પણ યાકૂબે આશા છોડી દીધી નહિ. તેમણે એવું વિચાર્યું નહિ કે તેઓ ક્યારેય બદલાશે નહિ. તેમણે પ્રેમથી પણ સીધેસીધી તેઓને સલાહ આપી. યાકૂબે તેઓને વડીલો પાસે મદદ લેવાનું પણ ઉત્તેજન આપ્યું.​—યાકૂબ ૫:૧૩-૧૫ વાંચો.

૧૨. વિદ્યાર્થીના સંજોગો સમજીને આપણે શું કરવું જોઈએ?

૧૨ આપણે શું શીખી શકીએ? બીજાઓના સંજોગો સમજીએ અને આશા ન છોડીએ. આપણે જેઓ સાથે અભ્યાસ કરતા હોઈએ તેઓને બાઇબલમાંથી શીખેલી વાતો લાગુ પાડવી કદાચ અઘરું લાગે. (યાકૂ. ૪:૧-૪) તેઓને ખરાબ આદતો છોડવા અને સારા ગુણો કેળવવા સમય લાગી શકે. યાકૂબની જેમ આપણે હિંમતથી જણાવવું જોઈએ કે તેઓએ કેવા ફેરફાર કરવાની જરૂર છે. પણ આપણે આશા ન છોડીએ અને એવું ન વિચારીએ કે તેઓ ક્યારેય સુધરશે નહિ. ભરોસો રાખીએ કે જો વિદ્યાર્થી નમ્ર હશે તો યહોવા તેને પોતાની તરફ દોરશે અને ફેરફાર કરવા તેને બળ આપશે.​—યાકૂ. ૪:૧૦.

૧૩. યાકૂબે શું કહ્યું અને એનાથી શું જાણવા મળે છે? (યાકૂબ ૩:૨)

૧૩ યાકૂબે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણ્યા. તે ઈસુના ભાઈ હતા અને તેમની પાસે મોટી મોટી જવાબદારીઓ હતી. પણ તેમણે પોતાને મહત્ત્વ આપ્યું નહિ. તેમણે તો બીજાં ભાઈ-બહેનોને, “મારા વહાલા ભાઈઓ” કહ્યાં. (યાકૂ. ૧:૧૬, ૧૯; ૨:૫) તેમણે ક્યારેય એવું ન લાગવા દીધું કે તે ભૂલો નથી કરતા. એના બદલે તેમણે કહ્યું, “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.”​—યાકૂબ ૩:૨ વાંચો.

૧૪. આપણી ભૂલો વિશે વાત કરતા કેમ અચકાવું ન જોઈએ?

૧૪ આપણે શું શીખી શકીએ? યાદ રાખીએ કે આપણે બધા પાપી છીએ. આપણે બાઇબલ વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતા છીએ એવું ન વિચારીએ. વિદ્યાર્થીને એવું લાગવા ન દઈએ કે આપણે ક્યારેય ભૂલો કરતા નથી. નહિતર તેને થશે, ‘હું તો ક્યારેય ભૂલો કર્યા વગર ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહિ શકું.’ તે કદાચ નિરાશ થઈ જશે. આપણે તેઓ સાથે દિલ ખોલીને વાત કરીએ. તેઓને જણાવીએ કે અમુક વખતે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી આપણા માટે પણ અઘરી હતી. એવા સમયે યહોવાએ આપણને કઈ રીતે મદદ કરી એ પણ જણાવીએ. એનાથી વિદ્યાર્થી જોઈ શકશે કે તે પણ યહોવાની ભક્તિ કરી શકે છે.

યાકૂબે સાદા અને દિલને સ્પર્શી જાય એવા દાખલા વાપર્યા (ફકરા ૧૫-૧૬ જુઓ) *

૧૫. યાકૂબે કેવા દાખલા વાપર્યા? (યાકૂબ ૩:૨-૬, ૧૦-૧૨)

૧૫ યાકૂબે દિલને સ્પર્શે એવા દાખલા વાપર્યા. એ માટે તેમને પવિત્ર શક્તિએ મદદ કરી હતી. દાખલા વાપરવા વિશે તે પોતાના ભાઈ ઈસુ પાસેથી પણ ઘણું શીખ્યા હશે. યાકૂબે પત્રમાં સાદા દાખલા વાપર્યા છે. એટલે લોકો સમજી શકે છે કે તેઓએ શું કરવાનું છે.—યાકૂબ ૩:૨-૬, ૧૦-૧૨ વાંચો.

૧૬. આપણે કેમ સારા દાખલા વાપરવા જોઈએ?

૧૬ આપણે શું શીખી શકીએ? સારા દાખલા વાપરીએ. સારા અને સમજાય એવા દાખલા વાપરીએ છીએ ત્યારે, આપણે જે શીખવીએ છીએ એનું લોકોનાં મનમાં ચિત્ર ઊભું થાય છે. એનાથી લોકોને બાઇબલનું મહત્ત્વનું શિક્ષણ યાદ રાખવા મદદ મળે છે. ઈસુ એવા દાખલા વાપરવામાં કુશળ હતા. તેમની જેમ યાકૂબે પણ સારા દાખલા વાપર્યા. ચાલો યાકૂબે વાપરેલા એક દાખલા પર વિચાર કરીએ.

૧૭. યાકૂબ ૧:૨૨-૨૫માં આપેલો દાખલો કેમ યોગ્ય છે?

૧૭ યાકૂબ લોકોને ખાસ મુદ્દો શીખવવા માંગતા હતા. એ જ કે શાસ્ત્રમાંથી ફાયદો લેવા એને ફક્ત વાંચવું જ પૂરતું નથી, એ પ્રમાણે કરવું પણ જોઈએ. એ સમજાવવા યાકૂબે અરીસાનો દાખલો વાપર્યો. (યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.) એ સમયે લોકો અરીસો વાપરતા હતા. એ દાખલાથી યાકૂબે સમજાવ્યું, જો કોઈ માણસ અરીસામાં જુએ કે તેના ચહેરા પર કંઈક છે, પણ એને સુધારે નહિ તો એ મૂર્ખામી કહેવાય. એવી જ રીતે બાઇબલ વાંચતી વખતે જોવા મળે કે આપણા સ્વભાવમાં ક્યાંક સુધારો કરવાની જરૂર છે, પણ હાથ પર હાથ ધરીને બેસી રહીશું તો બાઇબલ વાંચવું નકામું ગણાય.

૧૮. દાખલો વાપરતી વખતે કઈ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

૧૮ દાખલો વાપરતી વખતે આપણે યાકૂબની જેમ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ: (૧) જે શીખવવા માંગીએ છીએ એને બંધબેસતો દાખલો વાપરીએ. (૨) લોકો જાણતા હોય એવો દાખલો વાપરીએ. (૩) દાખલામાંથી સાફ સમજાવું જોઈએ કે લોકોએ શું કરવાનું છે. યોગ્ય દાખલા શોધવા આપણને અઘરું લાગે તો આપણે વૉચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્સની મદદ લઈ શકીએ. એમાં “ઉદાહરણો” વિષય નીચે ઘણા દાખલા આપ્યા છે. યાદ રાખીએ કે દાખલા લાઉડ સ્પીકર જેવું કામ કરે છે. લાઉડ સ્પીકરથી આપણો અવાજ મોટો સંભળાય છે. એવી જ રીતે દાખલાથી આપણે મુખ્ય મુદ્દો ચમકાવી શકીએ છીએ. પણ ધ્યાન રાખીએ કે આપણે વધુ પડતા દાખલા ન વાપરીએ. વધુ પડતા દાખલાથી તો લોકો ગૂંચવાઈ જશે. આપણે શીખવવાની કળામાં સુધારો કરવા માંગીએ છીએ. એનું કારણ એ નથી કે આપણે લોકોનું ધ્યાન પોતાની તરફ દોરવા માંગીએ છીએ. પણ આપણે ચાહીએ છીએ કે લોકો યહોવાના કુટુંબનો ભાગ બને.

૧૯. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ?

૧૯ યાકૂબને પોતાના ભાઈ ઈસુ સાથે રહેવાનો લહાવો મળ્યો હતો. આપણને એવો લહાવો મળ્યો નથી. પણ આપણને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનો મોકો મળ્યો છે. કઈ રીતે બતાવી શકીએ કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ? આપણે તેઓ સાથે હળીએ-મળીએ, તેઓ પાસેથી શીખીએ અને તેઓ સાથે મળીને ખુશખબર ફેલાવવાનું તેમજ શીખવવાનું કામ કરીએ. આપણાં સ્વભાવ, વાણી-વર્તન અને શીખવવાની રીતમાં યાકૂબના પગલે ચાલીએ. એમ કરીને આપણે યહોવાને મહિમા આપી શકીશું અને નમ્ર દિલના લોકોને પ્રેમાળ પિતા યહોવાની નજીક જવા મદદ કરી શકીશું.

ગીત ૩૫ યહોવાની ધીરજ

^ યાકૂબ ઈસુના નાના ભાઈ હતા. તેઓનો ઉછેર એક જ ઘરમાં થયો હતો. એટલે તે ઈશ્વરના દીકરા ઈસુને બીજાઓ કરતાં સારી રીતે ઓળખતા હતા. યાકૂબ પહેલી સદીના મંડળમાં આગેવાની લેતા ભાઈઓમાંના એક હતા. આ લેખમાં આપણે તેમના જીવનમાંથી અને તેમણે જે રીતે શીખવ્યું એમાંથી શીખીશું.

^ યાકૂબ ઈસુના સાવકા ભાઈ હતા અને તેમણે જ યાકૂબનો પત્ર લખ્યો હતો.

^ નાથાન નૉર નિયામક જૂથના સભ્ય હતા. ૧૯૭૭માં તેમણે પૃથ્વી પરનું જીવન પૂરું કર્યું.

^ ચિત્રની સમજ: યાકૂબે આગનો દાખલો આપીને સમજાવ્યું કે જીભ પર કાબૂ નહિ રાખીએ તો કેવું નુકસાન થઈ શકે. એ સમજાય એવો દાખલો હતો.