સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧

“યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ”

“યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ”

૨૦૨૨નું આપણું વાર્ષિક વચન: “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.”​—ગીત. ૩૪:૧૦.

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

ઝલક *

અઘરા સંજોગોમાં પણ દાઉદે અનુભવ્યું કે તેમને ‘સારી વસ્તુઓની તંગી પડી નહિ’ (ફકરા ૧-૩ જુઓ) *

૧. દાઉદ કેવા સંજોગોમાં હતા?

 દાઉદ પોતાનું જીવન બચાવવા નાસતા ફરતા હતા. ઇઝરાયેલના તાકતવર રાજા શાઉલ તેમને મારી નાખવા માંગતા હતા. દાઉદ એવા સંજોગોમાં ખાવાનું શોધવા નોબ શહેર ગયા. ત્યાં તેમણે અહીમેલેખ યાજક પાસે વધારે કંઈ નહિ, ફક્ત પાંચ રોટલીઓ માંગી. (૧ શમુ. ૨૧:૧, ૩) પછી દાઉદ અને તેમના માણસોએ એક ગુફામાં આશરો લીધો. (૧ શમુ. ૨૨:૧) પણ શાઉલ કેમ દાઉદને મારી નાખવા માંગતા હતા?

૨. શાઉલે કેવી ભૂલો કરી? (૧ શમુએલ ૨૩:૧૬, ૧૭)

દાઉદને ઘણા લોકો પસંદ કરતા હતા અને તેમના વખાણ કરતા હતા. તેમણે ઘણી લડાઈઓ પણ જીતી હતી. એટલે શાઉલને તેમની ઈર્ષા થતી હતી. શાઉલ જાણતા હતા કે તેમણે યહોવાની આજ્ઞાઓ પાળી નથી. એટલે યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો હતો અને તેમની જગ્યાએ દાઉદને રાજા તરીકે પસંદ કર્યા હતા. (૧ શમુએલ ૨૩:૧૬, ૧૭ વાંચો.) પણ શાઉલ હજુ ઇઝરાયેલના રાજા હતા. તેમની પાસે મોટી સેના હતી અને ઘણા લોકો તેમને સાથ આપતા હતા. એટલે દાઉદે પોતાનો જીવ બચાવવા નાસવું પડ્યું. જોકે યહોવાએ દાઉદને રાજા બનાવવાનું નક્કી કર્યું હતું. શું શાઉલે એવું વિચાર્યું હશે કે તે યહોવાને એમ કરવાથી રોકી શકશે? (યશા. ૫૫:૧૧) એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. પણ એક વાત તો ચોક્કસ હતી કે શાઉલ બહુ મોટી ભૂલ કરી રહ્યા હતા. જેઓ યહોવાની વિરુદ્ધ જાય છે તેઓ ક્યારેય સફળ થતા નથી!

૩. મુશ્કેલ સંજોગોમાં દાઉદ કઈ રીતે વર્ત્યા?

દાઉદ નમ્ર હતા. તેમણે ક્યારેય રાજા બનવાનાં સપનાં જોયાં ન હતાં. પણ યહોવાએ તેમને રાજા તરીકે પસંદ કર્યા હતા. (૧ શમુ. ૧૬:૧, ૧૨, ૧૩) શાઉલ દાઉદને પોતાનો કટ્ટર દુશ્મન માનતા હતા. પણ દાઉદે જે ખતરાઓનો સામનો કર્યો એ માટે તેમણે ક્યારેય યહોવાને દોષ આપ્યો નહિ. શાઉલથી નાસતા હતા ત્યારે, તેમની પાસે પૂરતો ખોરાક ન હતો અને તેમને ગુફામાં સંતાવું પડ્યું. એ વિશે પણ તેમણે ફરિયાદ કરી નહિ. એના બદલે ગુફામાં હતા ત્યારે, તેમણે એક સુંદર સ્તુતિગીત લખ્યું. આ વર્ષનું વાર્ષિક વચન એ ગીતમાંથી જ છે: “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.”—ગીત. ૩૪:૧૦.

૪. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું અને કેમ?

આજે ઘણા ઈશ્વરભક્તો પાસે અમુક વખતે પૂરતો ખોરાક કે જીવન-જરૂરી વસ્તુઓ હોતી નથી. * ખાસ કરીને મહામારી દરમિયાન ઘણાએ એવું અનુભવ્યું હશે. બહુ જલદી આપણે ‘મોટી વિપત્તિમાંથી’ પસાર થઈશું. એ સમયે આપણે કદાચ વધારે કપરા સંજોગોનો સામનો કરવો પડે. (માથ. ૨૪:૨૧) એટલે ચાલો આ લેખમાં આપણે ચાર સવાલોના જવાબ જોઈએ: કયા અર્થમાં દાઉદને ‘સારી વસ્તુઓની તંગી પડી નહિ’? આપણી પાસે જે છે એમાં કેમ સંતોષ માનવો જોઈએ? આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણી સંભાળ રાખશે? આપણે કઈ રીતે ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર થઈ શકીએ?

“મને કશાની ખોટ પડશે નહિ”

૫-૬. ઈશ્વરભક્તોને “સારી વસ્તુઓની તંગી પડશે નહિ” એ સમજવા ગીતશાસ્ત્ર ૨૩માંથી કઈ રીતે મદદ મળે છે?

જ્યારે દાઉદે કહ્યું કે ઈશ્વરભક્તોને “સારી વસ્તુઓની તંગી પડશે નહિ” ત્યારે તે શું કહેવા માંગતા હતા? ચાલો એ સમજવા ગીતશાસ્ત્ર અધ્યાય ૨૩ પર વિચાર કરીએ. એ ગીતમાં દાઉદે એવું જ કંઈક લખ્યું છે. (ગીતશાસ્ત્ર ૨૩:૧-૬ વાંચો.) ગીતશાસ્ત્ર ૨૩ની શરૂઆતમાં દાઉદે લખ્યું, “યહોવા મારા પાળક છે. મને કશાની ખોટ પડશે નહિ.” એ ગીતમાં આગળ તેમણે લખ્યું કે કઈ વાત તેમના માટે સૌથી મહત્ત્વની હતી. તેમણે જણાવ્યું કે યહોવાને પોતાના ઘેટાંપાળક માનવાથી તેમને ઘણા આશીર્વાદ મળ્યા હતા. યહોવાએ તેમને ‘ખરા માર્ગે દોર્યા.’ સમય સારો હોય કે ખરાબ યહોવાએ કદી તેમનો સાથ છોડ્યો નહિ. દાઉદે સ્વીકાર્યું કે યહોવાનાં “લીલાંછમ ઘાસમાં” તેમનું જીવન સહેલું ન હતું. તે જાણતા હતા કે અમુક વાર તેમણે “ઘોર અંધારી ખીણમાં” ચાલવું પડશે, એટલે કે નિરાશાનો સામનો કરવો પડશે. અરે, દુશ્મનો પણ પાછળ પડી શકે. યહોવા તેમના ઘેટાંપાળક હોવાથી દાઉદને ‘કશાનો ડર ન હતો.’

યહોવા સાથે સંબંધ મજબૂત રાખવા દાઉદ પાસે બધું જ હતું. ખુશ રહેવા તેમને વધારે ચીજ-વસ્તુઓની જરૂર ન હતી. યહોવાએ દાઉદને જે કંઈ આપ્યું એમાં તેમણે સંતોષ માન્યો. યહોવા તેમને આશીર્વાદ આપતા હતા અને તેમનું રક્ષણ કરતા હતા, એ જ વાત દાઉદ માટે સૌથી વધારે કીમતી હતી. એનાથી ખબર પડે છે કે કયા અર્થમાં દાઉદને ‘સારી વસ્તુઓની તંગી પડી નહિ.’

૭. લૂક ૨૧:૨૦-૨૪ પ્રમાણે પહેલી સદીના ખ્રિસ્તીઓએ કયા મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો?

દાઉદના શબ્દોથી શું શીખવા મળે છે? એ જ કે માલ-મિલકત આપણા માટે સૌથી મહત્ત્વની ન હોવી જોઈએ. આપણી પાસે માલ-મિલકત હોય તો એનો આનંદ માણવો કંઈ ખોટું નથી. પણ આખો દિવસ આપણે એમાં જ રચ્યાપચ્યા રહેવું ન જોઈએ. યહૂદિયામાં રહેતા પહેલી સદીના ખ્રિસ્તીઓ એ વાત સારી રીતે સમજતા હતા. (લૂક ૨૧:૨૦-૨૪ વાંચો.) ઈસુએ તેઓને એક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે એવો સમય આવશે કે જ્યારે યરૂશાલેમ શહેર “સૈન્યોથી ઘેરાયેલું” હશે. એવું થાય ત્યારે તેઓએ ‘પહાડો પર નાસી જવાનું હતું.’ જો તેઓ નાસી જાય તો જ તેઓનું જીવન બચી શકતું હતું. પણ એ માટે તેઓએ ઘણી વસ્તુઓ જતી કરવાની હતી. થોડાં વર્ષો પહેલાં ચોકીબુરજમાં આમ જણાવ્યું હતું, ‘તેઓએ પોતાના ઘરો છોડી દીધા, અને એમાંની પોતાની માલિકીની વસ્તુઓ પણ ભેગી કરી નહિ. યહોવાહ પર રક્ષણ અને સહકાર માટે વિશ્વાસ રાખીને, તેઓએ યહોવાહની ઉપાસનાને બીજી મહત્ત્વની બાબત કરતા આગળ મૂકી.’

૮. પહેલી સદીના ખ્રિસ્તીઓ પાસેથી આપણને કઈ જરૂરી વાત શીખવા મળે છે?

યહૂદિયામાં રહેતા પહેલી સદીના ખ્રિસ્તીઓ પાસેથી આપણને કઈ જરૂરી વાત શીખવા મળે છે? અગાઉ જોઈ ગયા એ ચોકીબુરજમાં આગળ જણાવ્યું હતું, ‘આપણા પર પણ એવી જ કસોટીઓ આવી શકે છે જેમાં પરખ થાય કે આપણા માટે શું વધારે મહત્ત્વનું છે. માલ-મિલકત કે પછી યહોવા પાસેથી મળતો ઉદ્ધાર. આપણા માટે નાસી જવાનો અર્થ થાય કે આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ઘણી વસ્તુઓ જતી કરવી પડશે. પહેલી સદીના ખ્રિસ્તીઓ યહૂદિયા છોડીને નાસી ગયા, તેઓની જેમ આપણે પણ બધું જ કરવા તૈયાર રહેવું જોઈએ.’ *

૯. પાઉલની સલાહમાંથી શું શીખવા મળે છે?

એ ખ્રિસ્તીઓએ બધું જ પાછળ છોડી દીધું. તેઓએ બીજી જગ્યાએ જઈને નવી શરૂઆત કરી. જરા વિચારો, તેઓ માટે એમ કરવું કેટલું અઘરું હશે. તેઓએ શ્રદ્ધા રાખવાની હતી કે યહોવા તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. તેઓને ક્યાંથી મદદ મળી? યરૂશાલેમને સૈન્યથી ઘેરી લેવામાં આવ્યું એનાં પાંચ વર્ષ પહેલાં પ્રેરિત પાઉલે હિબ્રૂઓને પત્રમાં સમયસરની સલાહ આપી. તેમણે કહ્યું, “જીવનમાં પૈસાનો મોહ ન રાખો. તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો, કેમ કે ઈશ્વરે કહ્યું છે: ‘હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.’ એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: ‘યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?’” (હિબ્રૂ. ૧૩:૫, ૬) જે લોકોએ પાઉલની એ સલાહ પાળી તેઓ માટે નવી જગ્યાએ થોડી વસ્તુઓમાં ગુજરાન ચલાવવું સહેલું બન્યું હશે. તેઓને ભરોસો હતો કે યહોવા તેઓને જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. પાઉલના એ શબ્દોથી આપણને પણ ખાતરી મળે છે કે યહોવા આપણી સંભાળ રાખશે.

“આપણે સંતોષ માનીએ”

૧૦. પાઉલની ખુશીનું શું “રહસ્ય” હતું?

૧૦ પાઉલે તિમોથીને એવી જ સલાહ આપી. પાઉલે લખ્યું, “તેથી, જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.” (૧ તિમો. ૬:૮) એ સલાહ આપણને પણ લાગુ પડે છે. પણ શું એનો એવો અર્થ થાય કે આપણે સ્વાદિષ્ટ પકવાન ન ખાઈ શકીએ, સારા ઘરમાં ન રહી શકીએ કે નવાં નવાં કપડાં ન ખરીદી શકીએ? ના, એનો એવો અર્થ થતો નથી. પાઉલ કહી રહ્યા હતા કે આપણી પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીએ. (ફિલિ. ૪:૧૨) પાઉલની ખુશીનું એ જ “રહસ્ય” હતું. યહોવા સાથેનો આપણો સંબંધ સૌથી મૂલ્યવાન છે, એની સામે દુનિયાની બધી ચીજવસ્તુઓ ઝાંખી પડી જાય છે.—હબા. ૩:૧૭, ૧૮.

ઇઝરાયેલીઓ ૪૦ વર્ષો વેરાન પ્રદેશમાં હતા ત્યારે તેઓને ‘કશાની ખોટ પડી નહિ.’ આપણી પાસે જે છે એમાં શું આપણે સંતોષ માનીએ છીએ? (ફકરો ૧૧ જુઓ) *

૧૧. મૂસાએ ઇઝરાયેલીઓને જે કહ્યું એમાંથી શું શીખી શકીએ?

૧૧ આપણને શાની જરૂર છે એ વિશે યહોવાના વિચારો આપણાથી અલગ હોય શકે છે. ધ્યાન આપો કે ૪૦ વર્ષોથી વેરાન પ્રદેશમાં ભટકતા ઇઝરાયેલીઓને મૂસાએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાએ તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપ્યો છે. આ વિશાળ વેરાન પ્રદેશમાં તમે ચાલીને જે મુસાફરી કરી છે, એને તે સારી રીતે જાણે છે. આ ૪૦ વર્ષો દરમિયાન યહોવા તમારા ઈશ્વર તમારી સાથે હતા અને તમને કશાની ખોટ પડી નથી.” (પુન. ૨:૭) એ ૪૦ વર્ષોમાં યહોવાએ ઇઝરાયેલીઓને ખાવા માટે માન્‍ના આપ્યું. તેઓ જે કપડાં પહેરીને ઇજિપ્તમાંથી નીકળ્યા હતા, એ જૂનાં થઈને ફાટી ગયાં નહિ. (પુન. ૮:૩, ૪) અમુક ઇઝરાયેલીઓને લાગ્યું હશે કે તેઓ પાસે જે છે એ પૂરતું નથી. પણ મૂસાએ ઇઝરાયેલીઓને યાદ અપાવ્યું કે તેઓ પાસે જીવન-જરૂરી બધી વસ્તુઓ હતી. આપણા વિશે શું? આપણે જીવનમાં સંતોષ રાખવાનું શીખીએ. યહોવા આપણને જે કંઈ નાની-મોટી વસ્તુ આપે એની કદર કરીએ અને આભાર માનીએ. એને યહોવા તરફથી મળતો આશીર્વાદ ગણીએ. એમ કરીશું તો યહોવા ખુશ થશે.

ભરોસો રાખીએ કે યહોવા આપણી સંભાળ રાખશે

૧૨. કઈ રીતે કહી શકાય કે દાઉદે પોતાના પર નહિ પણ યહોવા પર ભરોસો રાખ્યો?

૧૨ યહોવા વફાદાર છે. તે પોતાના ભક્તોનો સાથ કદી છોડતા નથી. તે તેઓની સંભાળ રાખે છે. દાઉદ એ વાત સારી રીતે જાણતા હતા. દાઉદે ગીતશાસ્ત્રનો અધ્યાય ૩૪ લખ્યો ત્યારે તેમનું જીવન જોખમમાં હતું. જોકે તેમને પૂરી શ્રદ્ધા હતી કે ‘યહોવાના દૂતે’ તેમની “આસપાસ” છાવણી નાખી છે. (ગીત. ૩૪:૭) દાઉદે કદાચ યહોવાના દૂતને એક સૈનિક સાથે સરખાવ્યો. એવો સૈનિક જે છાવણીની ચોકી કરે છે અને દુશ્મનો હુમલો ન કરે એનું ધ્યાન રાખે છે. દાઉદ સારા લડવૈયા હતા અને યહોવાએ વચન આપ્યું હતું કે તે રાજા બનશે. પણ તેમણે પોતાની આવડત પર ભરોસો ન રાખ્યો. તેમણે એવું ન વિચાર્યું કે તે ગોફણથી કે તલવારથી પોતાના દુશ્મનોનો સફાયો કરી નાખશે. (૧ શમુ. ૧૬:૧૩; ૨૪:૧૨) દાઉદે તો યહોવા પર ભરોસો રાખ્યો. તેમને ખાતરી હતી કે ‘યહોવાનો ડર રાખતા લોકોને દૂત બચાવશે.’ ખરું કે, આજે આપણે એવી આશા રાખતા નથી કે યહોવા કોઈ ચમત્કાર કરીને આપણો બચાવ કરશે. પણ આપણને પૂરો ભરોસો છે કે જો આપણો જીવ જાય, તોપણ યહોવા આપણને ભાવિમાં હંમેશ માટેનું જીવન આપશે.

મોટી વિપત્તિ વખતે, માગોગના ગોગના સૈનિકો કદાચ ઘરમાં ઘૂસીને આપણા પર હુમલો કરે. પણ આપણે ભરોસો રાખી શકીએ કે ઈસુ અને દૂતો બધું જોતા હશે અને આપણો બચાવ જરૂર કરશે (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) માગોગનો ગોગ આપણા પર હુમલો કરશે ત્યારે એ શું વિચારશે? (ખ) એ સમયે આપણે કેમ ડરવું ન જોઈએ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૩ યહોવા પર આપણો ભરોસો કેટલો મજબૂત છે, એ બતાવવાનો મોકો બહુ જલદી જ મળશે. થોડા જ સમયમાં માગોગનો ગોગ, એટલે કે દેશોનો સમુહ આપણા પર હુમલો કરશે. એ સમયે આપણું જીવન જોખમમાં હશે. આપણે ભરોસો રાખવો પડશે કે યહોવા આપણું રક્ષણ કરી શકે છે અને તે કરશે પણ ખરા. એ દેશોને, એટલે કે આપણા દુશ્મનોને એવું લાગશે કે આપણે લાચાર ઘેટાં જેવા છીએ. તેઓને થશે કે આપણો બચાવનાર કોઈ નથી. (હઝકિ. ૩૮:૧૦-૧૨) એ સમયે આપણી પાસે ન તો કોઈ હથિયાર હશે, ન તો આપણને યુદ્ધ લડતા આવડતું હશે. તેઓને લાગશે કે આપણો નાશ તો ચપટીમાં કરી નાખશે. હકીકતમાં યહોવાના દૂતોએ આપણો બચાવ કરવા આપણી આસપાસ છાવણી નાખી હશે. એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. પણ આપણા દુશ્મનો એ નથી જાણતા, કેમ કે તેઓને ઈશ્વરમાં જરાય શ્રદ્ધા નથી. સ્વર્ગના દૂતોનું સૈન્ય, આપણા બચાવમાં આવશે અને તેઓ સાથે લડશે ત્યારે તેઓના હોશ ઊડી જશે.—પ્રકટી. ૧૯:૧૧, ૧૪, ૧૫.

ભાવિ માટે અત્યારથી તૈયારી કરીએ

૧૪. આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારે શું કરવું જોઈએ?

૧૪ ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારથી તૈયારી કરીએ. એ કઈ રીતે કરી શકીએ? પહેલું, ધ્યાન રાખીએ કે માલ-મિલકત આપણા જીવનમાં સૌથી મહત્ત્વની ન બની જાય, કેમ કે એક દિવસે તો એ બધું છોડવું પડશે. બીજું, આપણી પાસે જે છે, એમાં સંતોષ માનીએ. આપણે ખુશ થવું જોઈએ કે યહોવા સાથે આપણો મજબૂત સંબંધ છે. યહોવાને ઓળખતા જઈશું તેમ તેમના પર આપણો ભરોસો વધતો જશે. આપણને ખાતરી થશે કે માગોગનો ગોગ હુમલો કરશે ત્યારે યહોવા જરૂર આપણને બચાવશે.

૧૫. દાઉદને કેમ ખાતરી હતી કે યહોવા તેમને હંમેશાં મદદ કરશે?

૧૫ ચાલો જોઈએ કે દાઉદને બીજી કઈ મદદ મળી હતી. એનાથી આપણને મુશ્કેલીઓ માટે અત્યારથી તૈયાર રહેવા મદદ મળે છે. દાઉદે કહ્યું: “અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે! ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.” (ગીત. ૩૪:૮) એ શબ્દોથી ખબર પડે છે કે દાઉદ કેમ યહોવા પર ભરોસો રાખતા હતા. દાઉદે ઘણી વાર યહોવા પાસે મદદનો પોકાર કર્યો હતો અને યહોવાએ તેમને ક્યારેય નિરાશ કર્યા નહિ. દાઉદ યુવાન હતા ત્યારે તેમણે શક્તિશાળી ગોલ્યાથનો સામનો કર્યો. તેમણે એ પલિસ્તીને કહ્યું: “આજે ને આજે યહોવા તને મારા હાથમાં સોંપી દેશે.” (૧ શમુ. ૧૭:૪૬) દાઉદ પછીથી શાઉલ રાજાની સેવા કરવા લાગ્યા. એ સમયે શાઉલે ઘણી વાર તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તે સફળ થયા નહિ, કારણ કે “યહોવા દાઉદ સાથે હતા.” (૧ શમુ. ૧૮:૧૨) અગાઉ દાઉદે યહોવાની મદદ અનુભવી હતી, એટલે તેમને ખાતરી હતી કે યહોવા તેમને મુશ્કેલીઓમાં હંમેશાં મદદ કરશે.

૧૬. યહોવા કેટલા સારા છે એ આપણે કઈ રીતે “અનુભવ” કરી શકીએ?

૧૬ દાઉદની જેમ આપણે પણ પોતે અનુભવ કરીએ અને જોઈએ કે યહોવા કેટલા સારા છે. આપણે યહોવાના માર્ગદર્શન પર આધાર રાખવો જોઈએ. એમ કરીશું તો ભરોસો વધશે કે યહોવા ભાવિમાં પણ આપણું રક્ષણ કરશે. દાખલા તરીકે, આપણે સંમેલન કે મહાસંમેલનમાં જવા માંગીએ છીએ. એ માટે કામ પરથી રજા જોઈએ છે. અથવા બધી સભામાં જવા અને પ્રચારમાં વધુ ભાગ લેવા કામના સમયમાં આપણને ફેરફાર કરવો છે. શું એવા સમયે આપણે યહોવા પર શ્રદ્ધા રાખીએ છીએ અને માલિકને વિનંતી કરીએ છીએ? કદાચ માલિક આપણી વિનંતી ન સાંભળે અને આપણી નોકરી છૂટી જાય. શું એવા સમયે આપણને શ્રદ્ધા છે કે યહોવા કદી આપણને છોડી દેશે નહિ અને જીવન-જરૂરી બધું પૂરું પાડશે? (હિબ્રૂ. ૧૩:૫) પૂરા સમયના ઘણા સેવકોએ એ પોતે અનુભવ્યું છે. આપણે તેઓ પાસેથી જાણી શકીએ કે યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી હતી. યહોવા વફાદાર છે અને તે આપણો સાથ કદી છોડશે નહિ.

૧૭. સાલ ૨૦૨૨નું વાર્ષિક વચન કયું છે અને એ કેમ યોગ્ય છે?

૧૭ યહોવા આપણી પડખે છે, એટલે ભાવિમાં આવનાર મુશ્કેલીઓથી આપણે ડરવાની જરૂર નથી. જો આપણે યહોવાની ઇચ્છાને જીવનમાં પહેલી રાખીશું, તો તે આપણો સાથ ક્યારેય છોડશે નહિ. નિયામક જૂથ ચાહે છે કે આપણે અઘરા દિવસો માટે તૈયાર રહીએ અને યહોવા પર ભરોસો રાખીએ. એટલે નિયામક જૂથે ૨૦૨૨ માટે ગીતશાસ્ત્ર ૩૪:૧૦ને વાર્ષિક વચન તરીકે પસંદ કર્યું છે. એમાં લખ્યું છે: “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.”

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

^ ૨૦૨૨નું વાર્ષિક વચન ગીતશાસ્ત્ર ૩૪:૧૦માંથી છે: “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.” ઘણા યહોવાના સાક્ષીઓ ગરીબ છે. તેઓ પાસે વધારે ચીજ-વસ્તુઓ નથી. તો પછી કઈ રીતે કહી શકાય કે તેઓને “સારી વસ્તુઓની તંગી પડશે નહિ”? એ કલમને સમજવાથી કઈ રીતે આવનાર મુશ્કેલ દિવસોનો સામનો કરવા મદદ મળશે?

^ સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.

^ ચિત્રની સમજ: શાઉલ રાજાથી બચવા દાઉદે ગુફામાં સંતાવું પડ્યું. એ સમયે યહોવાએ તેમને જે કંઈ પૂરું પાડ્યું એનો તેમણે આભાર માન્યો.

^ ચિત્રની સમજ: ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી યહોવાએ તેઓને ખાવા માટે માન્‍ના આપ્યું અને તેઓનાં કપડાં ફાટવા દીધાં નહિ.