સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫

“સમયનો સૌથી સારો ઉપયોગ કરો”

“સમયનો સૌથી સારો ઉપયોગ કરો”

“તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”​—એફે. ૫:૧૫, ૧૬.

ગીત ૪૯ યહોવા છે સહારો

ઝલક *

૧. યહોવા સાથે કઈ રીતે સમય વિતાવી શકીએ?

 આપણે જેઓને પ્રેમ કરીએ છીએ તેઓ સાથે સમય વિતાવવો આપણને ગમે છે. જેમ કે, પતિ-પત્નીને સાંજે નવરાશની પળો સાથે માણવી ગમે છે. યુવાનોને દોસ્તો સાથે ગપાટા મારવા ગમે છે. આપણને બધાને મંડળનાં ભાઈ-બહેનો સાથે હળવું-મળવું ગમે છે. પણ સૌથી મહત્ત્વનું, આપણને ઈશ્વર યહોવા સાથે સમય વિતાવવો ગમે છે. એ આપણે કઈ રીતે કરી શકીએ? આપણે પ્રાર્થના કરી શકીએ અને બાઇબલ વાંચી શકીએ. એટલું જ નહિ, તે આપણા માટે જે કરવાના છે એનો વિચાર કરી શકીએ અને તેમના સુંદર ગુણો પર મનન કરી શકીએ. ખરેખર, યહોવા સાથે વિતાવેલો સમય સૌથી ખાસ છે!​—ગીત. ૧૩૯:૧૭.

૨. યહોવા સાથે સમય વિતાવવામાં કઈ મુશ્કેલી આવી શકે?

ખરું કે યહોવા સાથે સમય વિતાવવાનું આપણને બધાને ગમે છે, પણ અમુક વાર મુશ્કેલ લાગી શકે. આજે આપણું જીવન વ્યસ્ત થઈ ગયું છે. એટલે યહોવાની ભક્તિ માટે સમય કાઢવો અઘરું થઈ ગયું છે. નોકરી, કુટુંબની જવાબદારી અને બીજાં કામો આપણો ઘણો સમય માંગી લે છે. એટલે આપણને લાગે કે પ્રાર્થના, અભ્યાસ કે મનન માટે સમય જ બચતો નથી.

૩. બીજી કઈ બાબતો આપણો સમય ખાય શકે?

અમુક બાબતો કરવી ખોટી નથી. પણ જો ધ્યાન નહિ રાખીએ તો એ આપણો સમય ખાય જશે. આપણે એમાં એટલા ડૂબી જઈશું કે યહોવાથી દૂર થતા જઈશું. દાખલા તરીકે, મોજમજા કે આરામ કરવો કંઈ ખોટું નથી. આપણને બધાને નવરાશની પળો માણવી ગમે છે. પણ એ નવરાશની પળો કલાકોમાં ફેરવાશે તો, યહોવાની ભક્તિ માટે થોડો જ સમય બચશે. આપણે યાદ રાખવું જોઈએ કે મોજમજા કરવી એ જ જીવનમાં સૌથી મહત્ત્વનું નથી.—નીતિ. ૨૫:૨૭; ૧ તિમો. ૪:૮.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં જોઈશું કે જે મહત્ત્વનું છે, એ આપણે કેમ પહેલા કરવું જોઈએ. એ પણ જોઈશું કે યહોવા સાથે વધારે સમય વિતાવવા આપણે શું કરવું જોઈએ અને સમયનો સારો ઉપયોગ કરવાથી કેવા ફાયદા થશે.

સારા નિર્ણયો લો અને જે મહત્ત્વનું છે એ પહેલા કરો

૫. યુવાનોને સૌથી સારું જીવન પસંદ કરવા એફેસીઓ ૫:૧૫-૧૭માંથી કેવી મદદ મળી શકે?

સૌથી સારું જીવન પસંદ કરો. યુવાનોને ચિંતા હોય છે કે તેઓ જીવનમાં શું કરશે. એક બાજુ, સ્કૂલના ટીચર અને યહોવાના સાક્ષી નથી એવાં સગાઓ યુવાનોને ઉચ્ચ શિક્ષણ લેવા ઉત્તેજન આપે. તેઓ કહે કે એનાથી જ સારી નોકરી અને ઢગલો પૈસા મળશે. પણ એવું શિક્ષણ મેળવવામાં તો વર્ષો વીતી જાય. બીજી બાજુ, મા-બાપ અને મંડળના મિત્રો યુવાનોને યહોવાની સેવામાં જીવન વિતાવવાનું ઉત્તેજન આપે. જે યુવાનો યહોવાને પ્રેમ કરે છે તેઓને સારો નિર્ણય લેવા ક્યાંથી મદદ મળી શકે? તેઓ એફેસીઓ ૫:૧૫-૧૭ વાંચીને એના ઉપર મનન કરી શકે. (વાંચો.) કલમ વાંચ્યા પછી યુવાનો વિચારી શકે, ‘મારા માટે “યહોવાની ઇચ્છા” શું છે? મારા કયા નિર્ણયથી તે ખુશ થશે? કયા નિર્ણયથી હું સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીશ?’ યાદ રાખો, “દિવસો બહુ ખરાબ છે.” શેતાનની આ દુનિયા પળ બે પળની છે, જલદી જ એનો નાશ થશે. એટલે યહોવા ખુશ થાય એવું જીવન જીવવામાં જ સમજદારી છે.

૬. મરિયમે શું પસંદ કર્યું અને એ કેમ સારું હતું?

જે મહત્ત્વનું છે એ પહેલા કરો. અમુક કામ કરવાં ખોટાં નથી. પણ એ બધાં કામ કરવામાં તો સમય નીકળી જાય છે. એટલે આપણે એમાં પસંદગી કરવી પડે છે કે કયું કામ પહેલા કરીશું. એ સમજવા આપણે બાઇબલનો એક જાણીતો અહેવાલ જોઈએ. મરિયમ અને માર્થાના ઘરે ઈસુ મળવા ગયા હતા. ઈસુની મહેમાનગતિ કરવામાં માર્થા ઘણી ખુશ હતી. તે ઘણી બધી વાનગીઓ બનાવવામાં લાગી ગઈ. જ્યારે કે તેની બહેન મરિયમ ઈસુ પાસે બેસીને તેમનું સાંભળવા લાગી. માર્થાનો ઇરાદો સારો હતો પણ ઈસુએ કહ્યું, મરિયમે “સૌથી સારો ભાગ પસંદ કર્યો છે.” (લૂક ૧૦:૩૮-૪૨) સમય જતાં મરિયમ ભૂલી ગઈ હશે કે એ દિવસે તેણે શું ખાધું હતું, પણ ઈસુએ જે શીખવ્યું એ તે કદી ભૂલી નહિ હોય. ભલે મરિયમે ઈસુ સાથે થોડો જ સમય વિતાવ્યો પણ એ તેની માટે ખાસ હતો. આપણે માટે પણ યહોવા સાથે વિતાવેલો સમય સૌથી ખાસ હોવો જોઈએ. ચાલો જોઈએ કે એ માટે આપણે શું કરી શકીએ.

યહોવા સાથે સમય વિતાવો

૭. પ્રાર્થના, અભ્યાસ અને મનન કેમ જરૂરી છે?

યાદ રાખો કે પ્રાર્થના, અભ્યાસ અને મનન આપણી ભક્તિનો ભાગ છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પિતા યહોવા સાથે વાત કરીએ છીએ, જે આપણને ખૂબ પ્રેમ કરે છે. (ગીત. ૫:૭) બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે “ઈશ્વરનું જ્ઞાન” લઈએ છીએ, જેમની બુદ્ધિનો કોઈ પાર નથી. (નીતિ. ૨:૧-૫) મનન કરીએ છીએ ત્યારે આપણે યહોવાના સુંદર ગુણોનો વિચાર કરીએ છીએ. એટલું જ નહિ, આપણને એ યાદ રાખવા મદદ મળે છે કે યહોવા આપણા બધા માટે અદ્‍ભુત બાબતો કરવાના છે. સાચે જ, સમયનો ઉપયોગ કરવાની આ જ સૌથી સારી રીત છે. પણ એ માટે આપણે શું કરી શકીએ?

શું તમે અભ્યાસ કરવા શાંત જગ્યા પસંદ કરી શકો? (ફકરા ૮-૯ જુઓ)

૮. ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

શક્ય હોય તો શાંત જગ્યા પસંદ કરો. ચાલો ઈસુનો દાખલો લઈએ. પૃથ્વી પર સેવાકાર્ય શરૂ કરતા પહેલાં તેમણે ૪૦ દિવસ વેરાન પ્રદેશમાં વિતાવ્યા. (લૂક ૪:૧, ૨) ઈસુ એ શાંત માહોલમાં યહોવાને પ્રાર્થના કરી શક્યા. યહોવા તેમના માટે શું ઇચ્છે છે, એના પર મનન કરી શક્યા. એમ કરવાથી તે જલદી જ આવનાર કસોટીઓ માટે તૈયાર થઈ શક્યા. ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? જો આપણું કુટુંબ મોટું હોય, તો ઘરમાં શાંત જગ્યા શોધવી અઘરું બની શકે. એ સમયે આપણે બહાર કોઈ શાંત જગ્યા પસંદ કરી શકીએ. જુલીબહેને એવું જ કંઈક કર્યું. તે અને તેમનાં પતિ ફ્રાંસમાં એક નાના ફ્લૅટમાં રહે છે. એટલે તેમના માટે શાંતિથી પ્રાર્થનામાં યહોવા સાથે સમય વિતાવવો અઘરું છે. બહેન કહે છે, “હું દરરોજ બાગમાં જાઉં છું. હું ત્યાં શાંત વાતાવરણમાં પૂરું ધ્યાન આપી શકું છું. હું યહોવા સાથે દિલ ખોલીને વાત કરી શકું છું.”

૯. વ્યસ્ત હોવા છતાં ઈસુએ શું કર્યું?

ઈસુનું જીવન ઘણું વ્યસ્ત હતું. તે જ્યાં પણ જતા ત્યાં લોકોનાં ટોળાં જમા થઈ જતાં. લોકો ઇચ્છતા કે ઈસુ તેઓને સમય આપે. એક વખતે તે જ્યાં ગયા હતા ત્યાં “આખું શહેર એ ઘરના બારણા આગળ ભેગું થયું” હતું. તેમ છતાં તેમણે હંમેશાં પ્રાર્થના માટે સમય કાઢ્યો. તે વહેલી સવારે “એકાંત જગ્યાએ” ગયા જેથી પિતા સાથે સમય વિતાવી શકે.​—માર્ક ૧:૩૨-૩૫.

૧૦-૧૧. માથ્થી ૨૬:૪૦, ૪૧ પ્રમાણે ઈસુએ શિષ્યોને કઈ જરૂરી સલાહ આપી, પણ તેઓએ શું કર્યું?

૧૦ પૃથ્વી પર ઈસુની છેલ્લી રાત હતી. હવે તેમનું સેવાકાર્ય પૂરું થવાનું હતું. તેમણે ફરીથી પ્રાર્થના અને મનન કરવા શાંત જગ્યા શોધી. એટલે તે ગેથશેમાને બાગમાં ગયા. (માથ. ૨૬:૩૬) એ સમયે તેમણે શિષ્યોને પ્રાર્થના વિશે જરૂરી સલાહ આપી.

૧૧ ચાલો જોઈએ કે શું થયું હતું. જ્યારે તેઓ ગેથશેમાને બાગમાં પહોંચ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કદાચ મધરાત થઈ હતી. ઈસુએ પ્રેરિતોને કહ્યું, “જાગતા રહો.” પછી તે પ્રાર્થના કરવા જતા રહ્યા. (માથ. ૨૬:૩૭-૩૯) ઈસુ પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે પ્રેરિતો ઊંઘી ગયા હતા. તેમણે ફરી પ્રેરિતોને જરૂરી સલાહ આપી, “જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો.” (માથ્થી ૨૬:૪૦, ૪૧ વાંચો.) ઈસુ જાણતા હતા કે તેઓ ખૂબ તણાવમાં છે અને થાકી ગયા છે. એટલે તેમણે કહ્યું કે “શરીર કમજોર છે.” એ પછી ઈસુ ફરી બે વાર પ્રાર્થના કરવા ગયા. તે પાછા આવ્યા ત્યારે, બંને વખતે તેમણે શિષ્યોને પ્રાર્થના કરવાને બદલે ઊંઘતા જોયા.​—માથ. ૨૬:૪૨-૪૫.

શું તમે પ્રાર્થના કરવા એવો સમય પસંદ કરી શકો જ્યારે તમે થાકીને લોથપોથ ન થઈ ગયા હો? (ફકરો ૧૨ જુઓ)

૧૨. અમુક વાર પ્રાર્થના કરવાનું મન ન થાય તો શાનાથી મદદ મળી શકે?

૧૨ યોગ્ય સમય પસંદ કરો. આપણે તણાવમાં હોઈએ કે થાકેલા હોઈએ ત્યારે અમુક વાર પ્રાર્થના કરવાનું મન ન થાય. જો તમારી સાથે પણ એવું થયું હોય, તો તમે એકલા નથી. તમે શું કરી શકો? અમુક ભાઈ-બહેનો રાતે પ્રાર્થના કરતા હતાં. પણ ત્યાં સુધીમાં તો તેઓ થાકીને લોથપોથ થઈ ગયાં હોય. એટલે પ્રાર્થના કરવા તેઓએ સાંજનો સમય પસંદ કર્યો, જ્યારે તેઓ ઓછાં થાકેલાં હોય. એનાથી તેઓને ફાયદો થયો. બીજા અમુકને બેસીને કે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવાથી ફાયદો થયો. એનાથી તેઓ પ્રાર્થનામાં વધારે ધ્યાન આપી શક્યાં. પણ આપણે ચિંતામાં કે ઉદાસ હોઈએ ત્યારે શું? યહોવા આગળ આપણું દિલ ઠાલવીએ. આપણે ખાતરી રાખી શકીએ કે દયાળુ પિતા આપણી લાગણીઓ જરૂર સમજશે.​—ગીત. ૧૩૯:૪.

શું તમે સભા વખતે ઈમેઈલ કે મૅસેજ કરવાનું ટાળી શકો? (ફકરા ૧૩-૧૪ જુઓ)

૧૩. ફોન કે ટેબ્લેટ કઈ રીતે આપણું ધ્યાન ફંટાવી શકે?

૧૩ અભ્યાસ કરતી વખતે ધ્યાન ફંટાવવા ન દો. યહોવા સાથેની દોસ્તી મજબૂત કરવા ફક્ત પ્રાર્થના કરવી જ પૂરતી નથી. દોસ્તી પાકી કરવા આપણને બાઇબલનો અભ્યાસ અને સભાઓ પણ મદદ કરી શકે. અભ્યાસ અને સભાઓમાં પૂરું ધ્યાન આપવા શું કરી શકીએ? પોતાને પૂછીએ, ‘સભામાં કે અભ્યાસ કરતી વખતે શાના લીધે મારું ધ્યાન ફંટાય છે?’ કદાચ કોલ, ઈમેઈલ કે મૅસેજ આપણું ધ્યાન ફંટાવી શકે. આજે કરોડો લોકો ફોન કે ટેબ્લેટનો ઉપયોગ કરે છે. અમુક સંશોધકો કહે છે કે કોઈ કામમાં મન લગાવવાની કોશિશ કરતા હોઈએ ત્યારે, બાજુમાં મૂકેલો ફોન પણ આપણું ધ્યાન ફંટાવી શકે છે. એક પ્રોફેસર કહે છે, “તમે જે કરો છો એના પર તમારું ધ્યાન રહેતું નથી, પણ તમારું મન બીજે ક્યાંક ભટકે છે.” સંમેલન અને મહાસંમેલન પહેલાં કહેવામાં આવે છે કે આપણે ફોન કે ટેબ્લેટને એવા સેટિંગ પર રાખીએ જેથી બીજાઓને ખલેલ ન પહોંચે. શું એકલા હોઈએ ત્યારે એવું જ કરી શકીએ, જેથી યહોવા સાથે સમય વિતાવીએ ત્યારે આપણું ધ્યાન ન ફંટાય?

૧૪. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે યહોવા કઈ રીતે પૂરું ધ્યાન આપવા મદદ કરશે?

૧૪ પૂરું ધ્યાન આપવા યહોવા પાસે મદદ માંગો. અભ્યાસ કરતી વખતે કે સભામાં આપણું ધ્યાન ફંટાવવા લાગે ત્યારે, યહોવા પાસે મદદ માંગીએ. ચિંતામાં હોઈએ ત્યારે ભક્તિને લગતી બાબતોમાં ધ્યાન આપવું સહેલું હોતું નથી. પણ એમ કરવું ખૂબ જરૂરી છે. આપણે યહોવાને પ્રાર્થના કરીએ, જેથી તે એવી શાંતિ આપે જે આપણાં હૃદયનું જ નહિ “મનનું” એટલે કે વિચારોનું પણ રક્ષણ કરે.​—ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.

યહોવા સાથે સમય વિતાવવાથી કેવા ફાયદા થાય છે?

૧૫. યહોવા સાથે સમય વિતાવવાનો એક ફાયદો કયો છે?

૧૫ આપણે યહોવા સાથે વાત કરવા, તેમનું સાંભળવા અને તેમના વિશે વિચારવા સમય કાઢીશું તો એનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો, આપણે સારા નિર્ણયો લઈ શકીશું. બાઇબલમાંથી ખાતરી મળે છે, “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે.” (નીતિ. ૧૩:૨૦) યહોવાની બુદ્ધિનો કોઈ પાર નથી, એટલે તેમની સાથે સમય વિતાવીશું તો આપણે સમજદાર બનીશું. આપણે શીખી શકીશું કે શાનાથી તે ખુશ થાય છે અને શાનાથી તે નારાજ થાય છે. આમ આપણે સારા નિર્ણયો લઈ શકીશું.

૧૬. યહોવા સાથે સમય વિતાવવાથી કઈ રીતે સારા શિક્ષક બનવા મદદ મળે છે?

૧૬ બીજો ફાયદો, આપણે સારા શિક્ષક બની શકીશું. બીજાઓને બાઇબલમાંથી શીખવતી વખતે આપણે ચાહીએ છીએ કે તેઓ યહોવાની નજીક આવે. આપણે યહોવાને પ્રાર્થના કરવામાં અને તેમના વિશે શીખવામાં જેટલો વધારે સમય આપીશું, એટલો જ તેમના માટે પ્રેમ પણ વધતો જશે. તેમ જ, બીજા લોકોને પણ યહોવાને પ્રેમ કરવાનું શીખવી શકીશું. ચાલો ઈસુનો વિચાર કરીએ. તે યહોવાને સારી રીતે ઓળખતા હતા અને તેમને ઘણો પ્રેમ કરતા હતા. એટલે તેમણે શિષ્યોને યહોવા વિશે એટલા પ્રેમથી શીખવ્યું કે તેઓ પણ યહોવાને પ્રેમ કરવા લાગ્યા.​—યોહા. ૧૭:૨૫, ૨૬.

૧૭. પ્રાર્થના અને અભ્યાસથી કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે?

૧૭ ત્રીજો ફાયદો, આપણી શ્રદ્ધા મજબૂત થશે. આપણે યહોવા પાસે માર્ગદર્શન, દિલાસો અને સાથ મેળવવા પ્રાર્થના કરીએ. જ્યારે જ્યારે તે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે ત્યારે આપણી શ્રદ્ધા વધુ મજબૂત થાય છે. (૧ યોહા. ૫:૧૫) શ્રદ્ધા મજબૂત કરવા બીજું શું કરી શકીએ? બાઇબલ અને આપણાં સાહિત્યનો અભ્યાસ કરીએ. યાદ રાખીએ, “સંદેશો સાંભળ્યા પછી જ વ્યક્તિ શ્રદ્ધા મૂકે છે.” (રોમ. ૧૦:૧૭) જોકે શ્રદ્ધા મજબૂત કરવા ફક્ત બાઇબલમાંથી શીખવું જ પૂરતું નથી. આપણે બીજું પણ કંઈક કરવું જોઈએ.

૧૮. આપણે કેમ મનન કરવું જોઈએ? સમજાવો.

૧૮ આપણે જે શીખ્યા એના પર મનન કરવું જોઈએ. ચાલો ગીતશાસ્ત્ર અધ્યાય ૭૭ના લેખકનો અનુભવ જોઈએ. તેમને લાગ્યું કે તેમણે અને તેમના સાથી ઇઝરાયેલીઓએ યહોવાની કૃપા ગુમાવી દીધી છે. એ ચિંતામાં તેમની રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. (કલમ ૨-૮) તેમણે શું કર્યું? તેમણે યહોવાને કહ્યું, “હું તમારાં બધાં કામો પર મનન કરીશ, તમે જે રીતે વર્તો છો એના પર વિચાર કરીશ.” (કલમ ૧૨) ખરું કે લેખકને ખબર હતી કે યહોવાએ અગાઉ ભક્તો માટે શું કર્યું હતું. છતાં તેમને થયું, “શું ઈશ્વર કૃપા બતાવવાનું ભૂલી ગયા છે? શું તેમણે ગુસ્સે ભરાઈને દયા બતાવવાનું છોડી દીધું છે?” (કલમ ૯) લેખકે યહોવાનાં કામો પર મનન કર્યું. તેમણે વિચાર્યું કે અગાઉ યહોવાએ કઈ રીતે દયા અને કરુણા બતાવી હતી. (કલમ ૧૧) એનાથી તેમને ખાતરી થઈ કે યહોવા પોતાના લોકોનો સાથ કદી છોડશે નહિ. (કલમ ૧૫) આપણે પણ યહોવાએ અગાઉ પોતાના ભક્તો માટે જે કર્યું હતું એના પર મનન કરીએ. એટલું જ નહિ આ સવાલનો વિચાર કરીએ: ‘યહોવાએ મને કઈ રીતે મદદ કરી છે?’ એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે.

૧૯. યહોવા સાથે સમય વિતાવવાથી બીજો કયો ફાયદો થશે?

૧૯ ચોથો અને સૌથી મહત્ત્વનો ફાયદો છે કે યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ થશે. યહોવા માટેનો પ્રેમ આપણને તેમની આજ્ઞાઓ પાળવા મદદ કરશે. એ પ્રેમને લીધે આપણે તેમને ખુશ કરવા કંઈ પણ જતું કરવા તૈયાર રહીશું અને કસોટી સહી શકીશું. (માથ. ૨૨:૩૭-૩૯; ૧ કોરીં. ૧૩:૪, ૭; ૧ યોહા. ૫:૩) યહોવા સાથેની પાકી દોસ્તી સૌથી કીમતી છે, એની તોલે બીજું કંઈ જ ન આવી શકે!—ગીત. ૬૩:૧-૮.

૨૦. પ્રાર્થના, અભ્યાસ અને મનન માટે સમય કાઢવા તમે શું કરશો?

૨૦ યાદ રાખો કે પ્રાર્થના, અભ્યાસ અને મનન ભક્તિનો એક ભાગ છે. ઈસુની જેમ યહોવા સાથે સમય વિતાવવા શાંત જગ્યા પસંદ કરો. ધ્યાન ફંટાવે એવી બાબતો દૂર રાખો. પૂરું ધ્યાન આપવા યહોવા પાસે મદદ માંગો. જો અત્યારે સમયનો સૌથી સારો ઉપયોગ કરશો, તો યહોવા તમને બાગ જેવી સુંદર ધરતી પર હંમેશ માટેનું જીવન આપશે.—માર્ક ૪:૨૪.

ગીત ૨૭ યહોવા મારો માલિક

^ આપણને બધાને દોસ્તી કરવાનું ગમે છે. એ દોસ્તી ટકાવી રાખવા સમય કાઢવો પડે છે. યહોવા પણ આપણા પાકા દોસ્ત છે. આપણે ચાહતા નથી કે એ દોસ્તી ક્યારેય તૂટે. એ દોસ્તી ટકાવી રાખવા સમય કાઢવો જોઈએ. પણ આ ભાગદોડવાળા જીવનમાં આપણે કઈ રીતે એ માટે સમય કાઢી શકીએ? એમ કરવાથી આપણને કેવા ફાયદા થશે?