અભ્યાસ લેખ ૧
યહોવાનું વચન સત્ય છે
૨૦૨૩નું આપણું વાર્ષિક વચન: “સત્ય એ જ તમારા વચનનો સાર છે.”—ગીત. ૧૧૯:૧૬૦.
ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે
ઝલક a
૧. આજે કેમ ઘણા લોકો બાઇબલ પર ભરોસો નથી કરી શકતા?
આજે ઘણા લોકોને સમજાતું નથી કે કોના પર ભરોસો કરવો અને કોના પર નહિ. તેઓ બીજા લોકોને શંકાની નજરે જુએ છે. નેતાઓ, વૈજ્ઞાનિકો, વેપારીઓ અને ધર્મગુરુઓ પરથી તેઓનો ભરોસો ઊઠી રહ્યો છે. પાદરીઓની વાત કરીએ તો, તેઓનાં કરતૂતોને લીધે ઘણા લોકોની નજરમાં તેઓનું માન રહ્યું નથી. અરે, પાદરીઓ જે પુસ્તક પ્રમાણે જીવવાનો દાવો કરે છે, એ પુસ્તક પર, એટલે કે બાઇબલ પર પણ લોકો ભરોસો નથી કરી શકતા.
૨. ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦ પ્રમાણે આપણે કઈ વાતનો પાકો ભરોસો રાખી શકીએ?
૨ આપણને પૂરો ભરોસો છે કે આપણા ઈશ્વર યહોવા “સત્યના ઈશ્વર” છે. તે હંમેશાં આપણું ભલું ચાહે છે. (ગીત. ૩૧:૫; યશા. ૪૮:૧૭) આપણને ખબર છે કે “સત્ય એ જ [ઈશ્વરના] વચનનો સાર છે.” એનો મતલબ કે બાઇબલમાં લખેલી એકેએક વાત સાચી છે, એના પર આપણે ભરોસો કરી શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૦ વાંચો.) બાઇબલના એક વિદ્વાને એ વિશે એકદમ સાચું લખ્યું: “ઈશ્વર ક્યારેય જૂઠું નથી બોલતા. તે જે કહે છે, એ સાચું પડે છે. એટલે તેમના લોકો તેમના પર ભરોસો કરે છે. તેઓ તેમના શબ્દો પર પણ ભરોસો કરી શકે છે.”
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ આપણને તો ખાતરી છે કે બાઇબલમાં લખેલી વાતો એકદમ સાચી છે. પણ આપણે બીજાઓને એ વાતની ખાતરી કઈ રીતે અપાવી શકીએ? બાઇબલ પર કેમ ભરોસો કરી શકાય એના ત્રણ પુરાવાની આ લેખમાં ચર્ચા કરીશું. પહેલો પુરાવો, સમયના વહેણ સાથે બાઇબલનો સંદેશો બદલાયો નથી. બીજો પુરાવો, બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. ત્રીજો પુરાવો, બાઇબલની સલાહ લોકોનું જીવન સુધારે છે.
બાઇબલનો સંદેશો બદલાયો નથી
૪. અમુકને કેમ લાગે છે કે બાઇબલનો સંદેશો બદલાઈ ગયો હશે?
૪ યહોવાએ ૪૦ વફાદાર ભક્તો દ્વારા બાઇબલનાં અલગ અલગ પુસ્તકો લખાવ્યાં. તેઓએ જેના પર એ બધું લખ્યું, એ મૂળ હસ્તપ્રતો બચી નથી. b પણ વર્ષો દરમિયાન એની નકલો ઉતારવામાં આવી, જે આજે આપણી પાસે છે. એટલે અમુકને લાગે છે કે બાઇબલનો સંદેશો બદલાઈ ગયો હશે. તેઓ બાઇબલ પર ભરોસો નથી કરી શકતા. શું તમને પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે? ચાલો જોઈએ કે બાઇબલનો સંદેશો બદલાયો નથી, એ વાત પર કેમ ભરોસો કરી શકાય.
૫. હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલો કઈ રીતે ઉતારવામાં આવી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૫ યહોવા ચાહતા હતા કે તેમણે આપેલો સંદેશો સમય જતાં બદલાઈ ન જાય. એને સાચવી રાખવા તેમણે ઇઝરાયેલના રાજાઓને હુકમ આપ્યો હતો કે તેઓ પોતાના માટે નિયમશાસ્ત્રની નકલ ઉતારે. ઈશ્વરે લેવીઓને જવાબદારી સોંપી હતી કે તેઓ નિયમશાસ્ત્રમાંથી લોકોને શીખવે. (પુન. ૧૭:૧૮; ૩૧:૨૪-૨૬; નહે. ૮:૭) યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછી નકલ ઉતારનારાઓએ હિબ્રૂ શાસ્ત્રવચનોની અનેક નકલો ઉતારી. (એઝ. ૭:૬, ફૂટનોટ) તેઓ નકલ ઉતારતી વખતે ઘણું ધ્યાન રાખતા. સમય જતાં, તેઓ પોતાની પ્રતમાં ફક્ત શબ્દો જ નહિ, એક એક અક્ષર ગણવા લાગ્યા, જેથી બધું બરાબર હોય. પણ શું એનો મતલબ એવો થાય કે તેઓથી એકેય ભૂલ ન થઈ? ના એવું નથી. તેઓથી અમુક નાની નાની ભૂલો થઈ. આખરે તેઓ પણ માણસો જ હતા ને! પણ આજે આપણી પાસે બાઇબલની હસ્તપ્રતોની અનેક નકલો છે. એનાથી આપણે એ ભૂલો પારખી શકીએ છીએ. કઈ રીતે?
૬. બાઇબલના વિદ્વાનો કઈ રીતે હસ્તપ્રતોમાં ભૂલો પારખી શકે છે?
૬ ધારો કે ૧૦૦ લોકોને કહેવામાં આવે છે કે તેઓ એક લેખની હાથથી લખીને નકલ ઉતારે. પણ એક વ્યક્તિથી નકલ ઉતારવામાં નાની ભૂલ થઈ જાય છે. એ ભૂલને પારખવાની એક રીત છે કે તેની નકલને બીજી ૯૯ નકલો સાથે સરખાવવી. ભૂલો પારખવાની એ અસરકારક રીત છે. આજે બાઇબલના વિદ્વાનો એવું જ કરે છે. તેઓ બાઇબલની અલગ અલગ હસ્તપ્રતોને એકબીજા સાથે સરખાવે છે. એનાથી તેઓ પારખી શકે છે કે નકલ ઉતારનારે કોઈ ભૂલ તો નથી કરી ને અથવા કંઈ રહી તો નથી ગયું ને.
૭. આપણે કેમ કહી શકીએ કે નકલ ઉતારનારાઓ ખૂબ ચીવટથી કામ કરતા હતા?
૭ બાઇબલની હસ્તપ્રતોની ઘણી વાર નકલો ઉતારવામાં આવી. એટલે અમુકને લાગે કે વર્ષો દરમિયાન બાઇબલનો સંદેશો બદલાઈ ગયો હશે. પણ નકલ ઉતારનારાઓએ ખૂબ ચીવટથી એની નકલ ઉતારી હતી. તેઓએ ધ્યાન રાખ્યું હતું કે એમાં કોઈ ભૂલ ના રહી જાય. આપણે એવું કેમ કહી શકીએ? આનો વિચાર કરો. અમુક વર્ષો પહેલાં આપણી પાસે આખા હિબ્રૂ શાસ્ત્રવચનોની એક જૂનામાં જૂની હસ્તપ્રત હતી. એ ઈસવીસન ૧૦૦૮ કે ૧૦૦૯માં લખાઈ હતી. એને લેનિનગ્રાડ કોડેક્સ કહેવામાં આવે છે. પણ હાલમાં જ સંશોધકોને બાઇબલની બીજી હસ્તપ્રતો કે એના ટુકડા મળી આવ્યા. એ લેનિનગ્રાડ કોડેક્સ કરતાં આશરે ૧,૦૦૦ વર્ષ જૂના હતા. અમુક લોકોને લાગે કે આ હસ્તપ્રતો અને લેનિનગ્રાડ કોડેક્સમાં ઘણો ફરક હશે. પણ એવું નથી. વિદ્વાનોએ જૂની હસ્તપ્રતોને લેનિનગ્રાડ કોડેક્સ સાથે સરખાવી. તેઓને જાણવા મળ્યું કે એમાં થોડા-ઘણા શબ્દોનો ફરક છે, પણ એનાથી અર્થ બદલાતો નથી.
૮. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની હસ્તપ્રતો અને એ જમાનાની બીજી હસ્તપ્રતો વચ્ચે શું ફરક છે?
૮ હિબ્રૂ શાસ્ત્રવચનોની જેમ ગ્રીક શાસ્ત્રવચનોની પણ નકલ ઉતારવામાં આવી. પહેલી સદીના ખ્રિસ્તીઓએ ગ્રીક શાસ્ત્રવચનોનાં ૨૭ પુસ્તકોની ખૂબ ચીવટથી નકલ ઉતારી. તેઓ એને સભાઓમાં અને પ્રચારમાં વાપરતા. એક વિદ્વાને ગ્રીક શાસ્ત્રવચનોની હસ્તપ્રતો અને પહેલી સદીમાં લખાયેલાં બીજાં પુસ્તકોની હસ્તપ્રતો વચ્ચે સરખામણી કરી. તેમણે એ પણ તપાસ્યું કે એ હસ્તપ્રતો કઈ હાલતમાં છે. તે કહે છે, ‘આજે બીજાં બધાં પુસ્તકો કરતાં ગ્રીક શાસ્ત્રવચનોની વધારે હસ્તપ્રતો પ્રાપ્ય છે અને ઘણી સારી હાલતમાં છે.’ એનાટોમી ઑફ ધી ન્યૂ ટેસ્ટામેન્ટ પુસ્તકમાં લખ્યું છે, “જો આપણે ગ્રીક શાસ્ત્રવચનોનું કોઈ સારું ભાષાંતર વાંચીએ, તો આપણે ભરોસો રાખી શકીએ કે એમાં એ જ સંદેશો હશે જે બાઇબલના લેખકોએ લખ્યો હતો.”
૯. યશાયા ૪૦:૮ પ્રમાણે બાઇબલના સંદેશા વિશે શું કહી શકાય?
૯ સદીઓ સુધી બાઇબલની હસ્તપ્રતોની નકલ ઉતારવામાં ઘણું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે આજે આપણી પાસે જે બાઇબલ છે, એમાં એ જ સંદેશો છે જે બાઇબલના લેખકોએ લખ્યો હતો. c એની પાછળ ચોક્કસ યહોવાનો હાથ હતો. કેમ કે તે ચાહતા હતા કે તેમનું વચન સચવાઈ રહે અને બધા લોકો સુધી પહોંચે. (યશાયા ૪૦:૮ વાંચો.) પણ કદાચ અમુક લોકો કહે, “ભલે આટલાં વર્ષોમાં બાઇબલનો સંદેશો બદલાયો નથી, પણ એનાથી એ સાબિત નથી થતું કે બાઇબલ ઈશ્વરે લખાવ્યું છે.” ચાલો અમુક પુરાવા તપાસીએ, જેનાથી ખબર પડે છે કે બાઇબલ યહોવાએ લખાવ્યું છે.
બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ
૧૦. બીજો પિતર ૧:૨૧માં જણાવેલી વાત સાચી છે એ સાબિત કરતો એક દાખલો આપો. (ચિત્રો જુઓ.)
૧૦ બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે. અમુક ભવિષ્યવાણીઓ પૂરી થઈ એની સદીઓ પહેલાં એ લખવામાં આવી હતી. ઇતિહાસ પણ એ વાતની સાબિતી આપે છે કે જેવું લખવામાં આવ્યું હતું એવું જ થયું. આપણને એ જાણીને નવાઈ લાગતી નથી, કેમ કે એ ભવિષ્યવાણીઓ યહોવાએ લખાવી હતી. (૨ પિતર ૧:૨૧ વાંચો.) ચાલો એક દાખલો જોઈએ. ઈ.સ. પૂર્વે ૭૭૮થી ૭૩૨ની વચ્ચે યશાયા પ્રબોધકે બાબેલોન શહેર વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું કે એ શક્તિશાળી શહેર જીતી લેવામાં આવશે. કોરેશ એના પર જીત મેળવશે. તે કઈ રીતે એને જીતી લેશે એ માહિતી પણ આપી. (યશા. ૪૪:૨૭–૪૫:૨) યશાયાએ એ પણ ભવિષ્યવાણી કરી કે એ શહેરનો પૂરેપૂરો વિનાશ થશે અને એમાં કોઈ નહિ વસે. (યશા. ૧૩:૧૯, ૨૦) એવું જ થયું. ઈ.સ. પૂર્વે ૫૩૯માં માદીઓ અને ઈરાનીઓએ બાબેલોન શહેરને કબજે કરી લીધું. એ ભવ્ય શહેર આજે ખંડેર પડ્યું છે!—દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૩ આપેલો મુદ્દા ૫માંબાબેલોનના વિનાશની ભવિષ્યવાણી વીડિયો જુઓ.
૧૧. દાનિયેલ ૨:૪૧-૪૩ની ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?
૧૧ એવું નથી કે બાઇબલની ભવિષ્યવાણીઓ ફક્ત પહેલાંના સમયમાં જ પૂરી થઈ. આજે પણ ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ધ્યાન આપો કે બ્રિટન-અમેરિકા મહાસત્તા વિશે દાનિયેલે કઈ ભવિષ્યવાણી કરી હતી. (દાનિયેલ ૨:૪૧-૪૩ વાંચો.) તેમણે જણાવ્યું કે એ મહાસત્તાનો અમુક ભાગ લોખંડ જેવો “મજબૂત” અને અમુક ભાગ માટી જેવો “નબળો” હશે. આજે એ વાત આપણે સાચી પડતા જોઈ રહ્યા છીએ. આ મહાસત્તા સાચે જ લોખંડ જેવી મજબૂત છે. એ મહાસત્તાએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં આગળ પડતો ભાગ લીધો. બંને યુદ્ધમાં એના પક્ષની જીત થઈ. આજે એ મહાસત્તા પાસે મોટું અને શક્તિશાળી લશ્કર છે. પણ એના નાગરિકો એની લોખંડ જેવી તાકાત નબળી પાડી દે છે. તેઓ પોતાની માંગ પૂરી કરવા યુનિયન બનાવે છે. આઝાદી અને હક માટે લડે છે. તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન કરે છે. તાજેતરમાં રાજકારણના એક નિષ્ણાંતે કીધું: “અમેરિકા દેશમાં રાજકારણને લઈને લોકો વચ્ચે જેટલી હદે ભાગલા પડ્યા છે, એટલી હદે તો દુનિયાના કોઈ લોકશાહી દેશમાં નથી પડ્યા. ત્યાંની સરકારમાં ભારે અંધાધૂંધી જોવા મળે છે.” બ્રિટન વિશે શું? હાલનાં વર્ષોમાં ત્યાંના નાગરિકો વચ્ચે એ વાતે ભાગલા પડ્યા છે કે યુરોપિયન યુનિયનના દેશો સાથે સંબંધો રાખવા કે નહિ. એ બધાં કારણોને લીધે બ્રિટન-અમેરિકા મહાસત્તા જે ચાહે છે એ કરી નથી શકતી.
૧૨. બાઇબલની ભવિષ્યવાણીઓથી કઈ વાત પર આપણો ભરોસો મજબૂત થાય છે?
૧૨ બાઇબલની ઢગલેબંધ ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે. એનાથી આપણો ભરોસો મજબૂત થાય છે કે યહોવાએ ભાવિ વિશે જે વચનો આપ્યાં છે, એ પણ ચોક્કસ પૂરાં થશે. આપણે ગીતશાસ્ત્રના એક લેખક જેવું અનુભવીએ છીએ. તેમણે યહોવાને પ્રાર્થના કરી: “તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું! તમારી વાણીમાં મને ભરોસો છે.” (ગીત. ૧૧૯:૮૧) બાઇબલમાં યહોવાએ આપણને આશા આપી છે કે આપણું ભાવિ ઉજ્જવળ હશે. (યર્મિ. ૨૯:૧૧) આપણી આશા એના પર આધાર રાખતી નથી કે માણસો શું કરે છે અને શું નહિ. પણ આપણને ખાતરી છે કે એ આશા ચોક્કસ પૂરી થશે, કેમ કે એ આશા યહોવાએ આપણને આપી છે. આપણે બાઇબલની ભવિષ્યવાણીઓનો ઊંડો અભ્યાસ કરીએ. એનાથી આપણો ભરોસો મજબૂત થશે કે બાઇબલમાં લખેલો એકેએક શબ્દ સાચો છે.
બાઇબલની સલાહથી ફાયદો થાય છે
૧૩. ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬, ૧૩૮ પ્રમાણે બીજા કયા કારણને લીધે બાઇબલ પર ભરોસો કરી શકાય?
૧૩ બાઇબલની વાતો પર ભરોસો કરી શકાય કેમ કે એની સલાહ પાળવાથી ઘણા લોકોને ફાયદો થાય છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬, ૧૩૮ વાંચો.) જેમ કે, છૂટાછેડા લેવાની અણીએ હતા એવાં યુગલોએ બાઇબલની સલાહ પાળી. એનાથી તેઓના સંબંધોમાં ફરીથી મીઠાશ આવી. હવે તેઓના કુટુંબમાં સંપ છે. બાળકો પણ મમ્મી-પપ્પાનો પ્રેમ અને હૂંફ મહેસૂસ કરી શકે છે.—એફે. ૫:૨૨-૨૯.
૧૪. દાખલો આપીને સમજાવો કે બાઇબલની સલાહ પાળવાથી લોકોનું જીવન બદલાઈ જાય છે.
૧૪ બાઇબલની સલાહ પાળવાથી ખતરનાક ગુનેગારો પણ બદલાઈ ગયા છે. જેક સાથે પણ એવું જ થયું. d તે જેલમાં હતો. તેને અને બીજા અમુક કેદીઓને મોતની સજા ફટકારવામાં આવી હતી. બીજા કેદીઓ કરતાં તે સૌથી ખૂંખાર હતો. એક દિવસે આપણા ભાઈઓ જેલમાં બાઇબલ અભ્યાસ ચલાવી રહ્યા હતા. જેક પણ ત્યાં જઈને બેઠો. તેઓનું સાંભળવા લાગ્યો. ભાઈઓનાં વાણી-વર્તન તેના દિલને સ્પર્શી ગયાં. એટલે તે પણ બાઇબલમાંથી શીખવા લાગ્યો. તે જે શીખતો એને જીવનમાં લાગુ પાડતો. તે એક સારો વ્યક્તિ બની ગયો. બીજાઓ સાથે હળી-મળીને રહેવા લાગ્યો. પછી જેક બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બન્યો અને તેણે બાપ્તિસ્મા લીધું. તે બીજા કેદીઓને પણ પૂરા જોશથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા લાગ્યો. તે ઓછામાં ઓછા ચાર કેદીઓને બાઇબલમાંથી શીખવા મદદ કરી શક્યો. જે દિવસે તેને મોતની સજા થવાની હતી, એ દિવસ સુધીમાં તો તે એકદમ બદલાઈ ગયો હતો. તેના એક વકીલે કીધું: “હમણાંના જેકમાં અને ૨૦ વર્ષ પહેલાંના જેકમાં આભ-જમીનનો ફરક છે. યહોવાના સાક્ષીઓ પાસેથી શીખીને તેનું આખેઆખું જીવન બદલાઈ ગયું છે.” જેકની સજા તો રદ ન થઈ, પણ તેના દાખલાથી આપણને એક વાતની ખાતરી તો ચોક્કસ મળે છે. એ છે કે બાઇબલની સલાહથી ફાયદો થાય છે. એની સલાહ પાળવાથી વ્યક્તિનું જીવન સુધરી જાય છે.—યશા. ૧૧:૬-૯.
૧૫. બાઇબલનું સાચું શિક્ષણ પાળવાને લીધે યહોવાના ભક્તો કઈ રીતે અલગ તરી આવે છે? (ચિત્ર જુઓ.)
૧૫ આજે દુનિયાના લોકો વચ્ચે ઘણાં કારણોને લીધે ભાગલા પડી ગયા છે. જેમ કે, રાજકારણ, અમીરી-ગરીબી, રંગરૂપ અને નાત-જાત. પણ બીજી બાજુ, યહોવાના ભક્તો વચ્ચે સંપ અને શાંતિ છે. કેમ કે તેઓ બાઇબલની સલાહ પાળે છે. (યોહા. ૧૩:૩૫; ૧ કોરીં. ૧:૧૦) યહોવાના ભક્તો વચ્ચેની એકતા ઇયોનને અસર કરી ગઈ. તે આફ્રિકાનો છે. તેના દેશમાં અંદરોઅંદર યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તે સેનામાં ભરતી થયો. થોડા સમય પછી તે પોતાનો દેશ છોડીને બીજા દેશમાં ભાગી ગયો. ત્યાં તે યહોવાના સાક્ષીઓને મળ્યો. ઇયોન જણાવે છે: “જે લોકો સાચો ધર્મ પાળે છે, તેઓ રાજકારણમાં માથું મારતા નથી. તેઓ વચ્ચે ગજબની એકતા છે. તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે. પહેલાં હું પોતાના દેશ માટે જીવતો, એના માટે જીવ આપવા પણ તૈયાર હતો. પણ પછી મેં બાઇબલનું સાચું શિક્ષણ લીધું. મેં નક્કી કર્યું કે હવે હું યહોવા માટે જીવીશ અને તેમને મારું જીવન સમર્પણ કરીશ.” ઇયોનનું આખું જીવન બદલાઈ ગયું. હવે તે બીજી જાતિ કે દેશના લોકો સાથે લડતો નથી. પણ તે બધા લોકોને બાઇબલમાં આપેલો શાંતિનો સંદેશો જણાવે છે. ખરેખર, બાઇબલની સલાહથી બધાં દેશ અને જાતિના લોકોને ફાયદો થાય છે. આ એક જોરદાર પુરાવો છે કે બાઇબલ પર ભરોસો કરી શકાય છે.
યહોવાના વચન બાઇબલ પર ભરોસો રાખીએ
૧૬. આપણે યહોવાના વચન બાઇબલ પર કેમ પૂરો ભરોસો રાખવો જોઈએ?
૧૬ આજે દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. એટલે યહોવાના વચન બાઇબલ પર ભરોસો રાખવો અઘરું થતું જશે. દુનિયાના લોકો કદાચ એવી વાતો કરે જેનાથી આપણાં મનમાં શંકાનાં બી રોપાય. આપણને થાય, ‘શું બાઇબલમાં જે લખ્યું છે એ બધું સાચું છે? શું યહોવા આપણને ખરેખર વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા માર્ગદર્શન આપે છે?’ પણ જો આપણને બાઇબલ પર પૂરો ભરોસો હશે, તો આપણે લોકોની વાતોમાં નહિ આવીએ. આપણે ‘હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી યહોવાના આદેશો પાળીશું.’ (ગીત. ૧૧૯:૧૧૨) આપણે લોકોને બાઇબલનાં સત્ય વચનો જણાવતા ‘જરાય શરમાઈશું નહિ.’ તેઓને બાઇબલની સલાહ પાળવાનું ઉત્તેજન પણ આપીશું. (ગીત. ૧૧૯:૪૬) આપણે મુશ્કેલીઓ અને સતાવણીઓ “ધીરજ અને આનંદથી” સહન કરીશું.—કોલો. ૧:૧૧; ગીત. ૧૧૯:૧૪૩, ૧૫૭.
૧૭. ૨૦૨૩નું વાર્ષિક વચન શાના પર આપણો ભરોસો મજબૂત કરશે?
૧૭ આપણે યહોવાનો કેટલો આભાર માનીએ છીએ કે તેમણે આપણને બાઇબલ આપ્યું છે, સત્ય શીખવ્યું છે. આ દુનિયાના લોકોને નથી ખબર કે તેઓએ કોના પર ભરોસો કરવો, ક્યાં જવું, શું કરવું. પણ આપણે મૂંઝવણમાં નથી. આપણને તો ખબર છે કે શું કરવું. આપણે બાઇબલનું સાચું શિક્ષણ લીધું છે. એટલે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકીએ છીએ અને શાંત રહી શકીએ છીએ. આપણી પાસે એક આશા છે કે ઈશ્વરના રાજ્યમાં આપણે સરસ મજાનું જીવન જીવીશું. અમારી પ્રાર્થના છે કે ૨૦૨૩નું વાર્ષિક વચન તમારો ભરોસો મજબૂત કરતું રહે કે યહોવાના વચન બાઇબલમાં લખેલી વાતો એકદમ સાચી છે.—ગીત. ૧૧૯:૧૬૦.
ગીત ૧૪૩ અંધકારમાં એક દીવો
a ૨૦૨૩નું વાર્ષિક વચન આ છે: “સત્ય એ જ તમારા વચનનો સાર છે.” (ગીત. ૧૧૯:૧૬૦) આ વાર્ષિક વચન આપણને દર વખતે યાદ અપાવશે કે બાઇબલ યહોવાનું વચન છે અને એ વાત પર આપણો ભરોસો મજબૂત કરશે. તમને પણ ચોક્કસ એ વાત પર ભરોસો હશે. પણ ઘણા લોકોને બાઇબલ પર ભરોસો કરવો અઘરું લાગે છે. તેઓને લાગે છે કે એની સલાહ કંઈ કામ નહિ આવે. આ લેખમાં ત્રણ પુરાવા જોઈશું, જે આપણે નમ્ર લોકોને બતાવી શકીએ. એનાથી તેઓને પણ બાઇબલ અને એની સલાહ પર ભરોસો કરવા મદદ મળશે.
b “હસ્તપ્રત” શબ્દનો મતલબ થાય, જૂના જમાનાનો હાથથી લખેલો કોઈ લેખ.
c બાઇબલને અત્યાર સુધી સાચવી રાખવા બીજું શું કરવામાં આવ્યું, એ જાણવા jw.org/gu પર જાઓ અને શોધો બૉક્સમાં “ઇતિહાસ અને શાસ્ત્ર” લખો.
d અમુક નામ બદલ્યાં છે.