સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪

સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ

સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ

“મારી યાદમાં આ કરતા રહો.”—લૂક ૨૨:૧૯.

ગીત ૮ ઈસુનું સાંજનું ભોજન

ઝલક a

૧-૨. દર વર્ષે આપણે કેમ સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ?

 લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુએ આપણા માટે જીવ આપી દીધો. તેમના બલિદાનને લીધે હંમેશ માટેનું જીવન મેળવવાનો માર્ગ ખુલી ગયો. મરણની આગલી રાતે તેમણે શિષ્યોને એક આજ્ઞા આપી. તેમણે કીધું કે રોટલી અને દ્રાક્ષદારૂનો ઉપયોગ કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવે.—૧ કોરીં. ૧૧:૨૩-૨૬.

આપણે ઈસુને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે આપણે પણ તેમની એ આજ્ઞા પાળીએ છીએ. (યોહા. ૧૪:૧૫) દર વર્ષે સ્મરણપ્રસંગના આગળ-પાછળનાં અઠવાડિયાઓમાં આપણે ઈસુના બલિદાન પર ખાસ મનન કરીએ છીએ. તેમના બલિદાનથી આપણને કેટલા બધા આશીર્વાદો મળ્યા છે, એના પર વિચાર કરીએ છીએ. આપણે પ્રાર્થનામાં યહોવાનો આભાર પણ માનીએ છીએ. એમ કરીને આપણે ઈસુના બલિદાન માટે કદર બતાવીએ છીએ. એટલું જ નહિ, આપણે વધારે ઉત્સાહથી ખુશખબર ફેલાવીએ છીએ. બને એટલા વધારે લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ. આપણે પોતે પણ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા પૂરી મહેનત કરીએ છીએ. એમાં હાજરી આપતા આપણને કંઈ પણ ન અટકાવે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ.

૩. આ લેખમાં શું જોઈશું?

યહોવાના ભક્તો માટે સ્મરણપ્રસંગ ખૂબ મહત્ત્વનો છે. આ લેખમાં ત્રણ બાબતો જોઈશું, જેનાથી એ સાફ દેખાઈ આવે છે: (૧) ઈસુએ શીખવ્યું હતું એ રીતે તેઓ સ્મરણપ્રસંગ રાખે છે, (૨) બીજા લોકોને સ્મરણપ્રસંગ માટે તેઓ આમંત્રણ આપે છે અને (૩) મોટા મોટા પડકારો હોવા છતાં તેઓ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે.

ઈસુએ શીખવ્યું હતું એ રીતે સ્મરણપ્રસંગ રાખીએ છીએ

૪. (ક) દર વર્ષે સ્મરણપ્રસંગના પ્રવચનમાંથી કઈ વાતો શીખવા મળે છે? (લૂક ૨૨:૧૯, ૨૦) (ખ) આપણે કેમ એ વાતોને મામૂલી ન ગણવી જોઈએ?

દર વર્ષે સ્મરણપ્રસંગમાં એક પ્રવચન આપવામાં આવે છે. એ પ્રવચનમાંથી ઘણું શીખવા મળે છે. આપણને જાણવા મળે છે કે માણસો માટે કેમ છુટકારાની કિંમત ચૂકવવામાં આવી. એક માણસના મરણથી કઈ રીતે લાખો લોકોને પાપોની માફી મળી શકે છે. આપણને એ પણ યાદ અપાવવામાં આવે છે કે રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે. તેમ જ એ ખાવા-પીવામાં કોણ ભાગ લઈ શકે. (લૂક ૨૨:૧૯, ૨૦ વાંચો.) નવી દુનિયામાં આપણને જે આશીર્વાદો મળવાના છે, એનો પણ વિચાર કરીએ છીએ. (યશા. ૩૫:૫, ૬; ૬૫:૧૭, ૨૧-૨૩) બાઇબલની આ વાતો ખૂબ જ કીમતી છે. એને આપણે મામૂલી ન ગણવી જોઈએ. દુનિયામાં કરોડો લોકોને એના વિશે કંઈ જ ખબર નથી. તેઓ જાણતા નથી કે ઈસુનું બલિદાન કેમ ખાસ છે. કેટલાક લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા તો મળે છે, પણ ઈસુએ શીખવ્યું હતું એ રીતે નહિ. ચાલો જોઈએ કે એવું કેમ થાય છે.

૫. પ્રેરિતોના મરણ પછી લોકો કઈ રીતે ઈસુના મરણને યાદ કરવા લાગ્યા?

મોટા ભાગના પ્રેરિતોનું મરણ થયું એના થોડા સમય પછી મંડળમાં જૂઠા ખ્રિસ્તીઓએ પગપેસારો કર્યો. (માથ. ૧૩:૨૪-૨૭, ૩૭-૩૯) તેઓએ ‘શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહી.’ (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦) એક ‘આડી-અવળી વાત’ એ હતી કે ઈસુ પોતાનું બલિદાન વારેઘડીએ આપે તો જ બધાનાં પાપ માફ થઈ શકે. પણ બાઇબલમાં લખ્યું છે કે ઈસુએ “ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અને હંમેશ માટે અર્પણ આપ્યું.” (હિબ્રૂ. ૯:૨૭, ૨૮) આજે ઘણા લોકો એવી આડી-અવળી વાતો માની લે છે. અમુક કૅથલિક ચર્ચોમાં લોકો દરરોજ રોટલી ખાવા અને દ્રાક્ષદારૂ પીવા ભેગા મળે છે. b બીજાં ચર્ચોના લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા મળે છે, પણ દરરોજ નહિ. જોકે તેઓમાંથી મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે ઈસુએ કેમ પોતાનો જીવ આપી દીધો. અમુક કહે છે કે ઈસુના બલિદાનથી પાપોની માફી ન મળી શકે. તેઓની વાતો સાંભળીને અમુક લોકો કદાચ વિચારે ‘ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકવાથી શું સાચે જ મારા પાપ માફ થશે?’ ઈસુના સાચા શિષ્યો બીજાઓને સમજાવે છે કે ઈસુએ કેમ પોતાનો જીવ આપી દીધો અને તેમના મરણને યાદ કરવાની સાચી રીત કઈ છે. ચાલો એ વિશે વધારે જોઈએ.

૬. અમુક બાઇબલ વિદ્યાર્થીઓ ૧૮૭૨ સુધીમાં શું સમજી ગયા?

વર્ષ ૧૮૭૦માં ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલ અને બીજા અમુક બાઇબલ વિદ્યાર્થીઓ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યા. તેઓને જાણવું હતું કે ઈસુએ કેમ પોતાનો જીવ આપી દીધો, તેમના બલિદાનથી શું શક્ય બન્યું અને તેમના મરણને કઈ રીતે યાદ કરવું જોઈએ. ૧૮૭૨ સુધીમાં તેઓ સમજી ગયા કે ઈસુએ જે છુટકારાની કિંમત ચૂકવી એનાથી બધા માણસોનાં પાપ માફ થઈ શકે છે. તેઓએ એ માહિતી પોતાના પૂરતી જ ન રાખી. તેઓએ પુસ્તકો, છાપાં અને મૅગેઝિન દ્વારા એ માહિતી લોકોને જણાવી. થોડા સમય પછી તેઓ ઈસુના મરણને યાદ કરવા વર્ષમાં એક જ વાર ભેગા મળવા લાગ્યા. તેઓએ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ જ કર્યું.

૭. બાઇબલ વિદ્યાર્થીઓના સંશોધનથી આજે આપણને કઈ રીતે ફાયદો થાય છે?

વર્ષો પહેલાં બાઇબલ વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનથી આજે આપણને ઘણો ફાયદો થાય છે. કઈ રીતે? યહોવાની કૃપાથી આપણને જાણવા મળ્યું કે કેમ ઈસુએ પોતાનો જીવ આપી દીધો અને તેમના બલિદાનથી શું શક્ય બન્યું. (૧ યોહા. ૨:૧, ૨) બાઇબલમાંથી આપણને એ પણ જાણવા મળ્યું કે જે લોકો યહોવાને વફાદાર રહેશે તેઓનું ભાવિ કેવું હશે. અમુક લોકોને સ્વર્ગમાં અમર જીવન મળશે અને મોટા ભાગના લોકોને આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મળશે. યહોવાના અપાર પ્રેમ પર અને ઈસુના બલિદાનથી મળતા અઢળક આશીર્વાદો પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ. (૧ પિત. ૩:૧૮; ૧ યોહા. ૪:૯) એટલે પહેલાંના સમયનાં વફાદાર ભાઈઓની જેમ આપણે બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ અને ઈસુએ શીખવ્યું હતું એ રીતે સ્મરણપ્રસંગ રાખીએ છીએ.

બીજાઓને સ્મરણપ્રસંગ માટે આમંત્રણ આપીએ છીએ

સ્મરણપ્રસંગની ઝુંબેશમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવા તમે શું કરી શકો? (ફકરા ૮-૧૦ જુઓ) e

૮. લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા યહોવાના ભક્તોએ અત્યાર સુધી શું કર્યું છે? (ચિત્ર જુઓ.)

દાયકાઓથી યહોવાના ભક્તો સ્મરણપ્રસંગમાં આવવા લોકોને આમંત્રણ આપે છે. ૧૮૮૧માં ભાઈ-બહેનોને કહેવામાં આવ્યું કે તેઓ પેન્સિલ્વેનિયાના અલેગેનીમાં એક ભાઈના ઘરે સ્મરણપ્રસંગ માટે ભેગાં મળે. સમય જતાં, બધાં મંડળો પોતપોતાના વિસ્તારમાં સ્મરણપ્રસંગ માટે ભેગાં મળવા લાગ્યાં. માર્ચ ૧૯૪૦માં ભાઈ-બહેનોને જણાવવામાં આવ્યું કે તેઓ રસ ધરાવતા લોકોને સ્મરણપ્રસંગમાં આવવા આમંત્રણ આપી શકે. ૧૯૬૦માં પહેલી વાર છાપેલી આમંત્રણ પત્રિકાઓ બેથેલમાંથી મંડળોને મોકલવામાં આવી. ત્યારથી લઈને આજ સુધી આપણે લોકોને કરોડો આમંત્રણ પત્રિકાઓ આપી છે. આપણે કેમ સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા ખૂબ મહેનત કરીએ છીએ અને સમય આપીએ છીએ?

૯-૧૦. આપણે કોને કોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ અને એનાથી તેઓને કેવો ફાયદો થાય છે? (યોહાન ૩:૧૬)

બીજાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવાનું એક કારણ કયું છે? આપણે ચાહીએ છીએ કે જેઓ પહેલી વાર સ્મરણપ્રસંગમાં આવે છે, તેઓ યહોવા અને ઈસુ વિશે શીખે. યહોવા અને ઈસુએ તેઓ માટે જે કર્યું છે, એ વિશે જાણે. (યોહાન ૩:૧૬ વાંચો.) આપણે ચાહીએ છીએ કે સ્મરણપ્રસંગના પ્રવચનથી તેઓને વધારે શીખવાનું મન થાય અને તેઓ યહોવાના ભક્ત બને. આપણે બીજા અમુક લોકોને પણ સ્મરણપ્રસંગનું આમંત્રણ આપીએ છીએ.

૧૦ યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું હોય એવા લોકોને આપણે આમંત્રણ આપીએ છીએ. એનાથી આપણે તેઓને અહેસાસ કરાવી શકીએ છીએ કે યહોવા હજી તેઓને પ્રેમ કરે છે. એમાંના ઘણા લોકો આપણું આમંત્રણ સ્વીકારે છે અને સ્મરણપ્રસંગમાં આવે છે. તેઓને જોઈને આપણી ખુશી સમાતી નથી. સ્મરણપ્રસંગમાં આવીને તેઓને કદાચ જૂના દિવસો યાદ આવી જાય. યહોવાની ભક્તિ કરતા હતા એ સમયની મીઠી યાદો તાજી થઈ જાય. મોનિકાબેનના દાખલાનો વિચાર કરીએ. c તેમણે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું હતું. પણ કોવિડ-૧૯ મહામારી વખતે તે ફરીથી પ્રચાર કરવા લાગ્યા. તેમણે ૨૦૨૧ના સ્મરણપ્રસંગમાં હાજરી આપી. એ પછી તેમણે કીધું: “આ વર્ષનો સ્મરણપ્રસંગ મારા માટે બહુ જ ખાસ હતો. ૨૦ વર્ષ પછી મેં લોકોને ખુશખબર જણાવી અને તેઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું. મારી ખુશીનો કોઈ પાર નથી. યહોવાએ અને ઈસુએ મારા માટે જે કર્યું છે એની હું ખૂબ કદર કરું છું. એટલે મેં જોરશોરથી લોકોને આમંત્રણ આપ્યું.” (ગીત. ૧૦૩:૧-૪) ભલે લોકો આવે કે ન આવે, આપણે પૂરા ઉત્સાહથી લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપતા રહીએ. આપણે યાદ રાખીએ કે આપણી મહેનત જોઈને યહોવા ખુશ થાય છે.

૧૧. આપણી મહેનત પર યહોવાએ કઈ રીતે આશીર્વાદ આપ્યો છે? (હાગ્ગાય ૨:૭)

૧૧ લોકોને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપવા મહેનત કરીએ છીએ ત્યારે યહોવા આશીર્વાદ આપે છે. ૨૦૨૧નો જ વિચાર કરો. એ સમયે કોવિડ-૧૯ મહામારી ચાલતી હતી. લોકો રૂબરૂ ભેગા મળી શકતા ન હતા. તોપણ ૨,૧૩,૬૭,૬૦૩ લોકો સ્મરણપ્રસંગમાં હાજર રહ્યા. આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓની સંખ્યા કરતાં એ સંખ્યા આશરે અઢી ગણી વધારે હતી! પણ યહોવા સંખ્યા નથી જોતા. તે લોકોનું દિલ જુએ છે. (લૂક ૧૫:૭; ૧ તિમો. ૨:૩, ૪) ખાતરી રાખીએ કે લોકોને આમંત્રણ આપવા મહેનત કરીએ છીએ ત્યારે, યહોવા નમ્ર લોકોને શોધવા આપણને મદદ કરે છે.—હાગ્ગાય ૨:૭ વાંચો.

પડકારો છતાં સ્મરણપ્રસંગમાં હાજર રહીએ છીએ

સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આપણે મહેનત કરીએ છીએ ત્યારે યહોવા આશીર્વાદ આપે છે (ફકરો ૧૨ જુઓ) f

૧૨. કેવા પડકારોને લીધે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું અઘરું થઈ શકે? (ચિત્ર જુઓ.)

૧૨ ઈસુએ કીધું હતું કે છેલ્લા દિવસોમાં ઘણી મુશ્કેલીઓ અને પડકારો આવશે. જેમ કે કુટુંબનો વિરોધ, સતાવણી, યુદ્ધ, મહામારી અને બીજું ઘણું. (માથ. ૧૦:૩૬; માર્ક ૧૩:૯; લૂક ૨૧:૧૦, ૧૧) આ બધાને લીધે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું અમુક વાર આપણા માટે અઘરું થઈ જાય. ચાલો જોઈએ કે ભાઈ-બહેનોએ કઈ રીતે આવા પડકારોનો સામનો કર્યો અને યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી.

૧૩. આરતમભાઈની હિંમત અને મહેનત પર યહોવાએ કઈ રીતે આશીર્વાદ આપ્યો?

૧૩ જેલ. યહોવાની ભક્તિ કરવાને લીધે ઘણાં ભાઈ-બહેનો જેલમાં છે. તોપણ તેઓ સ્મરણપ્રસંગ માટે પૂરી મહેનત કરે છે. ચાલો આરતમભાઈના દાખલા પર ધ્યાન આપીએ. ૨૦૨૦ના સ્મરણપ્રસંગ વખતે તે જેલમાં હતા. તે એક નાની અમથી કોટડીમાં હતા. એ કોટડીમાં એકસાથે ૪-૫ કેદીઓને ઠૂસવામાં આવતા હતા. અધૂરામાં પૂરું, તેમની સાથે જે કેદીઓ હતા તેઓ બહુ ગાળાગાળી કરતા અને સિગરેટ ફૂંકતા. પણ ભાઈએ શું કર્યું? તેમણે જેમતેમ કરીને સ્મરણપ્રસંગ માટે ચીજવસ્તુઓ ભેગી કરી. તેમણે વિચાર્યું કે તે એ દિવસે પોતાના માટે પ્રવચન આપશે. તેમણે બીજા કેદીઓને કીધું કે તેઓ બસ એક કલાક માટે ગાળો બોલવાનું અને સિગરેટ પીવાનું બંધ કરે. નવાઈની વાત તો એ છે કે તેઓ માની ગયા. ભાઈ કહે છે: “મેં તેઓને પૂછ્યું કે શું તેઓને આ પ્રસંગ વિશે વધારે જાણવું છે?” પહેલા તો તેઓએ ના પાડી. પણ ભાઈએ સ્મરણપ્રસંગમાં જે કીધું અને કર્યું, એ જોઈને તેઓએ ઘણા સવાલો પૂછ્યા.

૧૪. કોવિડ-૧૯ મહામારી છતાં સ્મરણપ્રસંગ માટે કેવી ગોઠવણો કરવામાં આવી?

૧૪ કોવિડ-૧૯ મહામારી. આ મહામારી ફેલાઈ ત્યારે યહોવાના ભક્તો સ્મરણપ્રસંગ માટે રૂબરૂ મળી શકતા ન હતા. તોપણ તેઓ એકસાથે સ્મરણપ્રસંગમાં હાજર રહ્યા. d કઈ રીતે? જે મંડળનાં ભાઈ-બહેનો પાસે ઇન્ટરનેટની સુવિધા હતી તેઓએ ઓનલાઇન હાજરી આપી. પણ જે લાખો ભાઈ-બહેનો પાસે ઇન્ટરનેટ ન હતું તેઓનું શું? અમુક દેશોમાં એવી ગોઠવણ કરવામાં આવી કે ભાઈ-બહેનો સ્મરણપ્રસંગનો કાર્યક્રમ ટીવી પર જોઈ શકે અથવા રેડિયો પર સાંભળી શકે. ૫૦૦થી વધારે ભાષાઓમાં સ્મરણપ્રસંગના પ્રવચનનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું. પછી એ રેકોર્ડિંગ દૂર દૂરના વિસ્તારમાં રહેતાં ભાઈ-બહેનો સુધી પહોંચાડવામાં આવ્યું. આમ, તેઓ પણ સ્મરણપ્રસંગમાં હાજર રહી શક્યાં.

૧૫. તમને સૂરી પાસેથી શું શીખવા મળ્યું?

૧૫ કુટુંબનો વિરોધ. અમુક લોકો માટે કુટુંબનો વિરોધ સૌથી મોટો પડકાર છે. એના લીધે તેઓ માટે સ્મરણપ્રસંગમાં હાજર રહેવું અઘરું બની જાય છે. ધ્યાન આપો, સૂરી નામની એક બાઇબલ વિદ્યાર્થી સાથે શું થયું. ૨૦૨૧નો સ્મરણપ્રસંગ હતો. એના આગલા દિવસે સૂરીએ પોતાનો અભ્યાસ લેનાર બેનને ફોન કર્યો. તેણે બેનને જણાવ્યું કે તે સ્મરણપ્રસંગમાં હાજર નહિ રહી શકે, કેમ કે કુટુંબ તેનો બહુ વિરોધ કરે છે. પણ બેને સૂરીને લૂક ૨૨:૪૪ બતાવી. પછી બેને સમજાવ્યું કે પડકારો આવે ત્યારે આપણે ઈસુની જેમ યહોવાને પ્રાર્થના કરીએ અને પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણી મદદ કરશે. બીજા દિવસે સૂરીએ રોટલી અને દ્રાક્ષદારૂની ગોઠવણ કરી. તેણે jw.org પર સ્મરણપ્રસંગના દિવસે સવારની ભક્તિ વીડિયો પણ જોયો. સાંજે તે પોતાના રૂમમાં ગઈ અને ફોનથી સ્મરણપ્રસંગમાં જોડાઈ. પછી સૂરીએ પોતાનો અભ્યાસ લેનાર બેનને લખ્યું: “કાલે તમારી સાથે વાત કરીને મને બહુ હિંમત મળી. સ્મરણપ્રસંગ માટે જે થઈ શકતું હતું એ બધું મેં કર્યું. બાકીનું યહોવાએ સંભાળી લીધું. હું જણાવી નથી શકતી કે હું કેટલી ખુશ છું! હું યહોવાનો ઘણો ઘણો આભાર માનું છું.” તમને શું લાગે છે, જો તમારી સામે આવો કોઈ પડકાર આવે તો યહોવા તમને મદદ કરશે?

૧૬. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે સ્મરણપ્રસંગમાં હાજર રહેવા મહેનત કરીશું તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે? (રોમનો ૮:૩૧, ૩૨)

૧૬ સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આપણે ખરેખર ઘણી મહેનત કરીએ છીએ. ઈસુના બલિદાન માટે પણ આપણે દિલથી કદર બતાવીએ છીએ. યહોવાની નજરે આપણી એ મહેનત ખૂબ કીમતી છે. તે ઘણા ખુશ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. (રોમનો ૮:૩૧, ૩૨ વાંચો.) તો ચાલો પાકો નિર્ણય કરીએ કે આ વર્ષે સ્મરણપ્રસંગમાં જરૂર હાજર રહીશું અને સ્મરણપ્રસંગના સમયગાળામાં વધારે જોશથી યહોવાની ભક્તિ કરીશું.

ગીત ૧૪૯ અમને બચાવવા તારો આભાર

a આ વર્ષે મંગળવાર ૪ એપ્રિલ, ૨૦૨૩ના રોજ સ્મરણપ્રસંગ છે. દુનિયા ફરતે લાખો લોકો એમાં હાજર રહેશે. ઘણા લોકો પહેલી વાર એ પ્રસંગમાં આવશે. જે લોકોએ યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું છે અને વર્ષોથી સ્મરણપ્રસંગમાં આવ્યા નથી, તેઓમાંથી અમુક પણ આવશે. કેટલાક લોકો અલગ અલગ પડકારોનો સામનો કરીને એમાં હાજર રહેશે. ભલે આપણે કોઈ પણ સંજોગોમાં હોઈએ, સ્મરણપ્રસંગમાં હાજર રહેવા આપણે જે મહેનત કરીશું એ જોઈને યહોવાનું દિલ ખુશ થશે.

b કૅથલિક ચર્ચમાં ઈસુના મરણ માટે લોકો ભેગા થાય છે એને તેઓ “માસ” કહે છે. તેઓ માને છે કે એ વખતે રોટલી અને દ્રાક્ષદારૂ ઈસુના શરીર અને લોહીમાં ફેરવાય જાય છે. તેઓને લાગે છે કે જ્યારે જ્યારે તેઓ રોટલી અને દ્રાક્ષદારૂ લે છે, ત્યારે ત્યારે ઈસુના શરીર અને લોહીનું બલિદાન આપવામાં આવે છે.

c અમુક નામ બદલ્યાં છે.

d jw.org પર અંગ્રેજીમાં આ લેખો જુઓ: “૨૦૨૧ મેમોરિયલ કોમેમોરેશન.”

e ચિત્રની સમજ: ૧૯૬૦થી લઈને અત્યાર સુધી સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકાઓમાં ઘણા સુધારા થયા. આજે આપણે લોકોને એની છાપેલી પ્રત આપીએ છીએ અથવા ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા મોકલીએ છીએ.

f ચિત્રની સમજ: લડાઈ અને હુલ્લડ હોવા છતાં ભાઈ-બહેનો સ્મરણપ્રસંગ માટે ભેગાં મળ્યાં છે એનું દૃશ્ય.