સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

ગીત ૨૯ ચાલું તારી સંગે

પતિઓ, તમારી પત્નીને માન આપો

પતિઓ, તમારી પત્નીને માન આપો

“પતિઓ, . . . તેઓને માન આપો.”૧ પિત. ૩:૭.

આપણે શું શીખીશું?

પતિ કઈ રીતે પોતાનાં વાણી-વર્તનથી પત્નીને માન આપી શકે?

૧. યહોવાએ કેમ લગ્‍નની ભેટ આપી છે?

 યહોવા ‘આનંદી ઈશ્વર’ છે. (૧ તિમો. ૧:૧૧) તે ચાહે છે કે આપણે પણ ખુશ રહીએ. તેમણે આપણને ઘણી બધી ભેટ આપી છે, જેથી આપણે જીવનની મજા માણી શકીએ. (યાકૂ. ૧:૧૭) એમાંની એક ભેટ છે, લગ્‍ન. લગ્‍નના દિવસે એક પુરુષ અને સ્ત્રી વચન આપે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરશે, ઊંડો આદર આપશે અને એકબીજાની સંભાળ રાખશે. જ્યારે પતિ-પત્ની લગ્‍નબંધન મજબૂત રાખવા મહેનત કરે છે, ત્યારે તેઓને સાચી ખુશી મળે છે.—નીતિ. ૫:૧૮.

૨. ઘણા પતિઓ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તે છે?

દુઃખની વાત છે કે આજે દુનિયામાં ઘણાં યુગલો લગ્‍નના દિવસે આપેલું વચન ભૂલી જાય છે. એટલે તેઓની ખુશી છીનવાઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાલમાં બહાર પાડેલા એક અહેવાલ પ્રમાણે, ઘણા પતિઓ પોતાની પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારે છે તેમજ તેઓને કડવા વેણ સંભળાવે છે. એવો પતિ કદાચ જાહેરમાં સારો પતિ હોવાનો દેખાડો કરે, પણ બંધબારણે પોતાની પત્ની સાથે ક્રૂર રીતે વર્તે. ઘણા પતિઓ પોર્નોગ્રાફી a જુએ છે. એના લીધે પણ લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.

૩. અમુક પતિઓ કેમ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે?

અમુક પતિઓ કેમ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે? એનાં ઘણાં કારણો હોય શકે છે. કદાચ તેઓના પપ્પા ખૂબ હિંસક હતા અને મમ્મી પર ત્રાસ ગુજારતા હતા. એટલે તેઓને લાગે છે કે સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વર્તવામાં કંઈ ખોટું નથી. અમુક સમાજમાં મોટા ભાગના પુરુષો સ્ત્રીઓ પર જુલમ કરે છે. એટલે કોઈ પતિને લાગી શકે કે જો તે પત્ની સાથે કઠોર રીતે વર્તશે, તો જ ખબર પડશે કે ઘરમાં કોનું રાજ ચાલે છે. અમુક પુરુષોને ગુસ્સા જેવી લાગણીઓને કાબૂમાં રાખતા શીખવવામાં નથી આવ્યું. તો બીજા અમુક પુરુષો નિયમિત રીતે પોર્નોગ્રાફી જુએ છે. એટલે તેઓને લાગે છે કે સ્ત્રીઓ બસ વાસના સંતોષવાનું સાધન છે. એ ઉપરાંત, અમુક અહેવાલોથી જોવા મળે છે કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન એવી મુશ્કેલીઓમાં ઘણો વધારો થયો છે. ભલે ગમે એ કારણ હોય, પતિએ પોતાની પત્ની સાથે કદી પણ ખરાબ રીતે વર્તવું ન જોઈએ.

૪. ખ્રિસ્તી પતિઓએ શાનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?

આજે દુનિયામાં સ્ત્રી વિશેના ખોટા વિચારો ફેલાયેલા છે. એટલે યહોવાની ભક્તિ કરતા પતિઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓમાં એવા વિચારો ન આવી જાય. b શા માટે? એનું એક કારણ એ છે કે મોટા ભાગે વિચારો કાર્યો તરફ દોરી જાય છે. પ્રેરિત પાઉલે રોમના અભિષિક્ત ખ્રિસ્તીઓને ચેતવણી આપતા કહ્યું હતું, “આ દુનિયાની અસર તમારા પર ન થવા દો.” (રોમ. ૧૨:૧, ૨) પાઉલે જ્યારે રોમનોને પત્ર લખ્યો, ત્યારે મંડળ બન્યાને અમુક વર્ષો થઈ ગયાં હતાં. પણ પાઉલના શબ્દોથી જોવા મળે છે કે મંડળના અમુક લોકોમાં દુનિયાના રીતરિવાજો અને વિચારોની અસર આવી ગઈ હતી. એટલે જ તેમણે સલાહ આપી કે તેઓ પોતાનાં વિચારોમાં અને વર્તનમાં ફેરફાર કરે. એ સલાહ આજે ખ્રિસ્તી પતિઓને પણ લાગુ પડે છે. દુઃખની વાત છે કે અમુક પતિઓમાં દુનિયાના વિચારો આવી ગયા છે અને તેઓએ પોતાની પત્ની પર અત્યાચાર કર્યો છે. c પણ એક પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ? એ વિશે યહોવા શું ચાહે છે? એનો જવાબ આ લેખની મુખ્ય કલમમાં છે.

૫. પહેલો પિતર ૩:૭ પ્રમાણે પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

પહેલો પિતર ૩:૭ વાંચો. યહોવાએ પતિઓને આજ્ઞા આપી છે કે તેઓ પોતાની પત્નીને માન આપે. પત્નીને માન આપતો પતિ તેની સાથે પ્રેમથી અને માયાળુ રીતે વર્તશે. આ લેખમાં જોઈશું કે પતિ કઈ રીતે પોતાની પત્નીને માન આપી શકે. પણ ચાલો સૌથી પહેલા જોઈએ કે પતિએ કયાં ખોટાં કામોથી દૂર રહેવું જોઈએ, જેનાથી પત્નીને દુઃખ પહોંચી શકે.

પત્નીને દુઃખ પહોંચે એવાં કામોથી દૂર રહો

૬. પત્ની સાથે મારઝૂડ કરતા પતિઓ વિશે યહોવાને કેવું લાગે છે? (કોલોસીઓ ૩:૧૯)

મારઝૂડ. યહોવા હિંસક લોકોને નફરત કરે છે. (ગીત. ૧૧:૫) પણ જ્યારે પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે, ત્યારે તો યહોવા તેને સખત ધિક્કારે છે. (માલા. ૨:૧૬; કોલોસીઓ ૩:૧૯ વાંચો.) પહેલો પિતર ૩:૭ પ્રમાણે જો પતિ પોતાની પત્ની સાથે સારી રીતે ન વર્તે, તો યહોવા સાથેનો તેનો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે. બની શકે કે યહોવા એ પતિની પ્રાર્થનાઓ પણ ન સાંભળે.

૭. એફેસીઓ ૪:૩૧, ૩૨ પ્રમાણે પતિઓએ કેવી વાણીથી દૂર રહેવું જોઈએ? (“શબ્દોની સમજ” પણ જુઓ.)

કડવી વાણી. અમુક પતિઓ પોતાની પત્ની સાથે ગુસ્સે ભરાઈને વાત કરે છે અને શબ્દોના બાણ ચલાવે છે. પણ યહોવા ‘ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતોને’ d ધિક્કારે છે. (એફેસીઓ ૪:૩૧, ૩૨ વાંચો.) તે બધું જ સાંભળે છે. ભલે પતિ પોતાની પત્ની સાથે ઘરમાં વાત કરતો હોય કે જાહેરમાં, પણ તે જે રીતે પત્ની સાથે વાત કરે છે, એનાથી યહોવાને ફરક પડે છે. પોતાની પત્ની સાથે કઠોર રીતે વાત કરતો પતિ પોતાના લગ્‍નસંબંધની સાથે સાથે યહોવા સાથેનો સંબંધ પણ બગાડે છે.—યાકૂ. ૧:૨૬.

૮. પોર્નોગ્રાફી વિશે યહોવાને કેવું લાગે છે અને શા માટે?

પોર્નોગ્રાફી. પોર્નોગ્રાફી વિશે યહોવાને કેવું લાગે છે? તે એને સખત નફરત કરે છે. એટલે ગંદાં ચિત્રો કે વીડિયો જોતો પતિ યહોવા સાથેના પોતાના સંબંધને જોખમમાં મૂકે છે અને પોતાની પત્નીની ઇજ્જત કરતો નથી. e યહોવા ચાહે છે કે એક પતિ ફક્ત કામોમાં જ નહિ, વિચારોમાં પણ પોતાની પત્નીને વફાદાર રહે. ઈસુએ કહ્યું હતું કે જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે “પોતાના દિલમાં” એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે. fમાથ. ૫:૨૮, ૨૯.

૯. જ્યારે એક પતિ પોતાની પત્ની પર જાતીય અત્યાચાર કરે છે, ત્યારે યહોવા કેમ એને ધિક્કારે છે?

જાતીય અત્યાચાર. અમુક પતિઓ શારીરિક સંબંધ બાંધતી વખતે પત્નીને એવાં કામો કરવા દબાણ કરે છે, જેનાથી પત્નીને લાગી શકે કે તેનું જાતીય શોષણ થઈ રહ્યું છે અથવા તેનું અંતઃકરણ ડંખે. યહોવા એવા સ્વાર્થી અને ક્રૂર વર્તનને ખૂબ ધિક્કારે છે. તે ચાહે છે કે પતિ પોતાની પત્નીને પ્રેમ કરે, તેની સંભાળ રાખે અને તેની લાગણીઓનું ધ્યાન રાખે. (એફે. ૫:૨૮, ૨૯) પણ જો પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરતો હોય, તેનું શોષણ કરતો હોય કે પોર્નોગ્રાફી જોતો હોય તો શું? તે કઈ રીતે પોતાનાં વિચારો અને કામોમાં ફેરફાર કરી શકે?

પતિને ખોટાં કામો છોડવા શાનાથી મદદ મળી શકે?

૧૦. ઈસુના દાખલામાંથી પતિઓને કઈ રીતે મદદ મળી શકે?

૧૦ પતિ કઈ રીતે પોતાની પત્ની પર અત્યાચાર કરવાનું અને તેનું માન ઘવાય એવાં કામો કરવાનું છોડી શકે? તે ઈસુના પગલે ચાલવા મહેનત કરી શકે. ઈસુએ કદી લગ્‍ન કર્યું ન હતું. પણ તે જે રીતે પોતાના શિષ્યો સાથે વર્ત્યા, એનાથી જાણવા મળે છે કે પતિએ કઈ રીતે પોતાની પત્ની સાથે વર્તવું જોઈએ. (એફે. ૫:૨૫) ધ્યાન આપો કે ઈસુ જે રીતે શિષ્યો સાથે વર્ત્યા અને તેઓ સાથે વાત કરી, એમાંથી પતિઓ શું શીખી શકે.

૧૧. ઈસુ પ્રેરિતો સાથે કઈ રીતે વર્ત્યા?

૧૧ ઈસુ પોતાના પ્રેરિતો સાથે પ્રેમથી અને માનથી વર્ત્યા. તે કદી તેઓ સાથે ક્રૂર રીતે ન વર્ત્યા. તેમ જ, તેઓ પર ધાક જમાવવાની કોશિશ ન કરી. ખરું કે, ઈસુ તેઓના માલિક હતા અને તેઓ કરતાં અનેક ગણા શક્તિશાળી હતા, છતાં તેમણે શિષ્યોને એવું લાગવા ન દીધું કે તેઓ કમજોર છે. એને બદલે, તેમણે નમ્રતાથી તેઓની સેવા કરી. (યોહા. ૧૩:૧૨-૧૭) તેમણે કહ્યું: “મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે.” (માથ. ૧૧:૨૮-૩૦) ધ્યાન આપો કે ઈસુ કોમળ સ્વભાવના છે. એક કોમળ વ્યક્તિ કદી કમજોર હોતી નથી. એના બદલે, તેની પાસે એટલી તાકાત હોય છે કે તે પોતાના પર કાબૂ રાખી શકે છે. તેને ઉશ્કેરવામાં આવે ત્યારે તે શાંત રહે છે અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખે છે.

૧૨. ઈસુએ કઈ રીતે બીજાઓ સાથે વાત કરી?

૧૨ ઈસુએ પોતાના શબ્દોથી બીજાઓને દિલાસો અને તાજગી આપ્યાં. તેમણે પોતાના શિષ્યો સાથે કઠોરતાથી કે તોછડાઈથી વાત ન કરી. (લૂક ૮:૪૭, ૪૮) જ્યારે વિરોધીઓએ તેમનું અપમાન કર્યું અને તેમને ઉશ્કેરવાની કોશિશ કરી, ત્યારે “તેમણે સામે અપમાન કર્યું નહિ.” (૧ પિત. ૨:૨૧-૨૩) અમુક વાર તો તેમણે તીખો જવાબ આપવાને બદલે ચૂપ રહેવાનું પસંદ કર્યું. (માથ. ૨૭:૧૨-૧૪) સાચે, ખ્રિસ્તી પતિઓ માટે ઈસુએ કેટલો જોરદાર દાખલો બેસાડ્યો છે!

૧૩. માથ્થી ૧૯:૪-૬માં જણાવ્યું છે તેમ ‘સાથે રહેવાનો’ અર્થ શું થાય? (ચિત્ર પણ જુઓ.)

૧૩ ઈસુએ પતિઓને સલાહ આપી હતી કે તેઓ પત્નીને વફાદાર રહે. તેમણે પિતા યહોવાના શબ્દો ટાંકીને કહ્યું હતું કે પતિ “પોતાની પત્ની સાથે રહેશે.” (માથ્થી ૧૯:૪-૬ વાંચો.) ‘સાથે રહેવા’ માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય કે “ગુંદરની જેમ ચોંટીને રહેવું.” એટલે કે, લગ્‍નનું બંધન એટલું મજબૂત હોવું જોઈએ કે જાણે કોઈએ પતિ-પત્નીને ગુંદરથી ચોંટાડી દીધાં હોય. જો એક પણ સાથી એ બંધન તોડવાની કોશિશ કરશે, તો બંનેને નુકસાન થયા વગર રહેશે નહિ. પોતાની પત્નીને ઊંડો પ્રેમ કરનાર પતિ દરેક પ્રકારની પોર્નોગ્રાફીથી દૂર રહેશે. તે “નકામી ચીજો પરથી” તરત જ નજર ફેરવી લેશે. (ગીત. ૧૧૯:૩૭) તે પોતાની આંખો સાથે કરાર કરશે કે કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરે નહિ જુએ.—અયૂ. ૩૧:૧.

વફાદાર પતિ પોર્નોગ્રાફી જોવાની ઘસીને ના પાડે છે (ફકરો ૧૩ જુઓ) h


૧૪. યહોવા સાથેનો અને પત્ની સાથેનો સંબંધ સુધારવા પતિએ કયાં પગલાં ભરવાં જોઈએ?

૧૪ જે પતિ પોતાની પત્ની સાથે મારઝૂડ કરે છે અથવા તેના વિશે ઘસાતું બોલે છે, તેણે અનેક પગલાં ભરવાની જરૂર છે. એમ કરીને તે યહોવા સાથેનો અને પત્ની સાથેનો સંબંધ સુધારી શકશે. એ પગલાં કયાં છે? એક, તે સ્વીકારે છે કે તે જે કરી રહ્યો છે, એ ખોટું છે. યહોવાની નજરથી કંઈ છુપાયેલું નથી. (ગીત. ૪૪:૨૧; સભા. ૧૨:૧૪; હિબ્રૂ. ૪:૧૩) બે, તે પત્ની પર અત્યાચાર કરવાનું બંધ કરે છે અને પોતાનાં વાણી-વર્તનમાં ફેરફાર કરે છે. (નીતિ. ૨૮:૧૩) ત્રણ, તે સ્વીકારે છે કે તેણે પત્નીને અને યહોવાને દુઃખ પહોંચાડ્યું છે અને તેઓની માફી માંગે છે. (પ્રે.કા. ૩:૧૯) તેણે યહોવાને કાલાવાલા પણ કરવા જોઈએ કે તેને સુધારો કરવા ઇચ્છા આપે તેમજ તેનાં વિચારો અને વાણી-વર્તન પર કાબૂ રાખવા મદદ કરે. (ગીત. ૫૧:૧૦-૧૨; ૨ કોરીં. ૧૦:૫; ફિલિ. ૨:૧૩) ચાર, તે પોતાની પ્રાર્થનાઓ પ્રમાણે કામ કરે છે. તે દરેક પ્રકારની હિંસા અને અપમાનજનક વાતોને ધિક્કારવાનું શીખે છે. (ગીત. ૯૭:૧૦) પાંચ, તે તરત જ મંડળના પ્રેમાળ ઘેટાંપાળકો પાસે મદદ માંગે છે. (યાકૂ. ૫:૧૪-૧૬) છ, તે એક યોજના બનાવે છે, જેથી ભાવિમાં એવા ખોટા વર્તનથી દૂર રહી શકે. પોર્નોગ્રાફી જોતા પતિએ પણ એ બધાં જ પગલાં ભરવાની જરૂર છે. પોતાના વર્તનમાં સુધારો કરવા તે જે મહેનત કરે છે, એને યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. (ગીત. ૩૭:૫) જોકે ખોટાં કામોથી દૂર રહેવું જ પૂરતું નથી. તેણે પોતાની પત્નીને માન આપતા પણ શીખવું જોઈએ. એવું તે કઈ રીતે કરી શકે?

પત્નીને કઈ રીતે માન આપવું?

૧૫. પતિ કઈ રીતે પત્નીને પ્રેમ બતાવી શકે?

૧૫ પ્રેમ બતાવો. અમુક ભાઈઓ પોતાના લગ્‍નજીવનથી બહુ જ ખુશ છે. તેઓની એક આદત છે. તેઓ દરરોજ એવું કંઈક કરે છે, જેનાથી પત્નીને બતાવી શકે કે તેને કેટલો બધો પ્રેમ કરે છે. (૧ યોહા. ૩:૧૮) પતિ અમુક નાની નાની રીતોએ પત્ની માટેનો પ્રેમ જાહેર કરી શકે. જેમ કે, પત્નીનો હાથ પકડવો અથવા પ્રેમથી તેને ભેટવું. તે કદાચ પત્નીને આવો મૅસેજ કરી શકે: “મને તારી બહુ યાદ આવે છે.” કદાચ આવું પૂછી શકે: “તને કેવું છે? સારું છે ને?” સમયે સમયે તે કદાચ પત્નીને કાર્ડ લખીને પોતાની લાગણીઓ જણાવી શકે અથવા તેને ફૂલો કે ભેટ આપી શકે. આમ પતિ પોતાની પત્નીને માન આપે છે અને લગ્‍નનું બંધન વધારે મજબૂત કરે છે.

૧૬. પતિએ કેમ પત્નીના વખાણ કરવા જોઈએ?

૧૬ કદર બતાવો. પત્નીને માન આપતો પતિ તેની હિંમત વધારે છે અને તેને ઉત્તેજન આપે છે. એમ કરવાની એક રીત કઈ છે? પત્ની જે સાથ-સહકાર આપે છે, એ યાદ રાખીને તેનો આભાર માનવો. (કોલો. ૩:૧૫) જ્યારે પતિ દિલથી પત્નીના વખાણ કરે છે, ત્યારે પત્નીનું દિલ ખુશ થાય છે. તે સલામતી અનુભવે છે અને પતિનો પ્રેમ જોઈ શકે છે. તેને ભરોસો થાય છે કે પતિ તેને માન આપે છે.—નીતિ. ૩૧:૨૮.

૧૭. પતિ કઈ રીતે પત્ની સાથે માનથી વર્તી શકે?

૧૭ પ્રેમથી અને માનથી વર્તો. પ્રેમાળ પતિ પોતાની પત્નીને કીમતી ગણે છે અને તેની સંભાળ રાખે છે. તે માને છે કે તેની પત્ની યહોવા તરફથી અનમોલ ભેટ છે. (નીતિ. ૧૮:૨૨; ૩૧:૧૦) એટલે તે તેની સાથે પ્રેમથી અને માનથી વર્તે છે. જીવનની ખાસ અંગત પળોમાં પણ તે એવી જ રીતે વર્તે છે. શારીરિક સંબંધ બાંધતી વખતે તે પત્નીને એવું કોઈ કામ કરવાનું દબાણ નહિ કરે, જે પત્નીને ન ગમે, જેનાથી પત્નીને લાગે કે તેનું શોષણ થઈ રહ્યું છે અથવા પત્નીનું અંત:કરણ ડંખે. g પતિ પોતે પણ એવું કોઈ કામ નહિ કરે, જેનાથી તેનું પોતાનું અંત:કરણ ડંખે.—પ્રે.કા. ૨૪:૧૬.

૧૮. પતિઓએ કયો પાકો નિર્ણય લેવો જોઈએ? (“ પત્નીને માન આપવાની ચાર રીતો” બૉક્સ પણ જુઓ.)

૧૮ પતિઓ, તમે ખાતરી રાખી શકો કે જીવનની દરેક ક્ષણે પત્નીને માન આપવા તમે જે મહેનત કરો છો, એને યહોવા જુએ છે અને એની કદર કરે છે. પાકો નિર્ણય લેજો કે તમે ખોટાં કામોથી દૂર રહેશો, પત્ની સાથે પ્રેમથી અને માનથી વર્તશો તેમજ તેને પ્રેમ બતાવતા રહેશો. આમ તમે બતાવી આપશો કે પત્નીને કેટલો પ્રેમ કરો છો અને તેને અનમોલ ગણો છો. પત્નીને માન આપીને તમે તમારા સૌથી ખાસ સંબંધનું રક્ષણ કરશો, એ છે યહોવા સાથેની મિત્રતા.—ગીત. ૨૫:૧૪.

ગીત ૩૬ “ઈશ્વરે જેને જોડ્યું છે”

a “પોર્નોગ્રાફી” શબ્દ એવી માહિતીને બતાવે છે, જે જોનારની, વાંચનારની કે સાંભળનારની જાતીય વાસનાને ભડકાવે છે. એમાં ચિત્રો, ઑડિયો અને લેખિત સાહિત્યનો પણ સમાવેશ થાય છે.

b જાન્યુઆરી ૨૦૨૪ ચોકીબુરજના અંકમાં આપેલા આ લેખથી પતિઓને ફાયદો થશે: “શું તમે બહેનો સાથે એ રીતે વર્તો છો, જે રીતે યહોવા વર્તે છે?

c જો કુટુંબની કોઈ વ્યક્તિએ તમારા પર અત્યાચાર કર્યો હોય, તો આ લેખથી તમને મદદ મળી શકે છે: “કુટુંબમાં કોઈ વ્યક્તિ તમારા પર અત્યાચાર કરે ત્યારે શું?” એ માટે jw.org/gu અને JW લાઇબ્રેરીમાં “લેખો” વિભાગમાં “બીજા વિષયો” પર જાઓ.

d શબ્દોની સમજ: “અપમાનજનક વાતો” માં શાનો સમાવેશ થાય છે? કોઈ વ્યક્તિનું અપમાન થાય એ રીતે તેનું નામ પાડવું, કડવા શબ્દો બોલવા અને સતત મહેણાં-ટોણાં મારવાં. આમ, પતિ પોતાની પત્નીને નીચી દેખાડવા અથવા તેને દુઃખ પહોંચાડવા જે કંઈ બોલે છે, એને અપમાનજનક વાતો કહેવાય છે.

e jw.org/gu પર આ લેખ જુઓ: “પોર્નોગ્રાફી—મજા કે સજા?

f જો પતિ પોર્નોગ્રાફી જોતો હોય, તો પત્નીને ઑગસ્ટ ૨૦૨૩ ચોકીબુરજના અંકમાં આપેલા આ લેખથી મદદ મળી શકે છે: “જો જીવનસાથી પોર્નોગ્રાફી જુએ, તો હું શું કરું?

g બાઇબલમાં જણાવ્યું નથી કે પતિ-પત્નીના શારીરિક સંબંધને લગતાં કયાં કામોને શુદ્ધ કે અશુદ્ધ કહેવાય. એ વિશે યુગલે પોતે નિર્ણય લેવો જોઈએ અને તેઓના નિર્ણયમાં સાફ દેખાઈ આવવું જોઈએ કે તેઓ યહોવાને માન આપવા માંગે છે, એકબીજાને ખુશ કરવા માંગે છે અને શુદ્ધ અંત:કરણ જાળવવા માંગે છે. સામાન્ય રીતે, યુગલે લગ્‍નજીવનની એ અંગત પળો વિશે બીજા કોઈ સાથે ચર્ચા કરવી ન જોઈએ.

h ચિત્રની સમજ: એક ભાઈ કામની જગ્યાએ છે. યહોવાના સાક્ષી ન હોય એવા સાથી કર્મચારીઓ તેમને એક મૅગેઝિનમાં ગંદાં ચિત્રો જોવાનું કહે છે.