સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૫

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

યહોવાના પ્રેમને લીધે મળતા આશીર્વાદો

યહોવાના પ્રેમને લીધે મળતા આશીર્વાદો

“ખ્રિસ્ત ઈસુ પાપીઓને બચાવવા આ દુનિયામાં આવ્યા હતા.”૧ તિમો. ૧:૧૫.

આપણે શું શીખીશું?

ઈસુના બલિદાનથી આપણને કયા આશીર્વાદો મળે છે અને કઈ રીતે યહોવા માટે કદર બતાવી શકીએ?

૧. યહોવાનું દિલ ખુશ કરવા આપણે શું કરી શકીએ?

 ધારો કે તમે એક મિત્રને ખાસ ભેટ આપો છો. એ ભેટ બહુ સુંદર અને કામ લાગે એવી છે. હવે તમને જાણવા મળે છે કે તેણે એ ભેટ માળિયા પર ચઢાવી દીધી છે. તેને એ ભેટ યાદ પણ નથી. તમને દુઃખ લાગશે, ખરું ને? પણ જો તમને જાણવા મળે કે એ મિત્ર તમારી ભેટનો સારો ઉપયોગ કરી રહ્યો છે અને એ માટે તમારો આભાર માને છે, તો તમને કેવું લાગશે? તમને ચોક્કસ ઘણી ખુશી થશે. આ દાખલાથી શું શીખવા મળે છે? યહોવાએ આપણને બધાને એક અમૂલ્ય ભેટ આપી છે. એ છે, તેમના એકના એક દીકરાનું બલિદાન. એ ભેટ યહોવાએ પ્રેમને લીધે આપી છે. એ ભેટની અને તેમના પ્રેમની કદર કરીએ છીએ ત્યારે, તેમનું દિલ ખુશ થઈ જાય છે.—યોહા. ૩:૧૬; રોમ. ૫:૭, ૮.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

વર્ષો વીતતાં જાય તેમ ઈસુના બલિદાન માટે આપણાં દિલમાં કદર ઓછી થઈ શકે છે. એ તો એવું કહેવાશે કે જાણે આપણે ઈશ્વરે આપેલી કીમતી ભેટને માળિયા પર ચઢાવી દઈએ છીએ અને ફરી કદી એનો વિચાર કરતા નથી. એવું ન થાય માટે શું કરી શકીએ? યહોવા અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે, એના પર નિયમિત રીતે મનન કરીએ. એ માટે આ લેખ મદદ કરશે. આપણે ચર્ચા કરીશું કે ઈસુના બલિદાનથી આજે કયા આશીર્વાદો મળે છે અને ભાવિમાં કયા આશીર્વાદો મળશે. એ પણ ચર્ચા કરીશું કે યહોવાએ બતાવેલા પ્રેમ માટે કઈ રીતે તેમની કદર કરી શકીએ, ખાસ કરીને સ્મરણપ્રસંગના સમયગાળામાં એમ કરવા શું કરી શકીએ.

આજે આપણને કયા આશીર્વાદો મળે છે?

૩. ઈસુના બલિદાનથી આજે કયો એક આશીર્વાદ મળે છે?

ઈસુ ખ્રિસ્તના બલિદાનથી આજે ઘણા આશીર્વાદો મળી રહ્યા છે. દાખલા તરીકે, ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે. તે આપણને માફ કરવા બંધાયેલા નથી, પણ એવું તે પોતાની ઇચ્છાથી કરે છે. ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાની માફી માટે આભાર માનતા લખ્યું: “હે યહોવા, તમે ભલા છો અને માફ કરવા તૈયાર છો.”—ગીત. ૮૬:૫; ૧૦૩:૩, ૧૦-૧૩.

૪. યહોવાએ કોના માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે? (લૂક ૫:૩૨; ૧ તિમોથી ૧:૧૫)

અમુક લોકોને કદાચ લાગે કે તેઓ યહોવાની માફીને લાયક નથી. હકીકતમાં, આપણામાંથી કોઈ પણ યહોવાની માફીને લાયક નથી. પ્રેરિત પાઉલે કહ્યું હતું કે તે ‘પ્રેરિત ગણાવાને લાયક નથી.’ કેમ કે તેમણે “ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.” તોપણ તેમણે લખ્યું: “આજે હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું.” (૧ કોરીં. ૧૫:૯, ૧૦) પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા આપણને માફ કરે છે. શા માટે? શું આપણે તેમની માફીના હકદાર છીએ એટલે? ના, તે પ્રેમને લીધે આપણને માફ કરે છે. એટલે જો તમને લાગતું હોય કે તમે યહોવાની માફીને લાયક નથી અને એના લીધે હતાશ થઈ ગયા હો, તો શું કરી શકો? યાદ રાખજો કે યહોવાએ પાપ વગરના માણસો માટે નહિ, પણ પસ્તાવો કરનાર પાપીઓ માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે.—લૂક ૫:૩૨; ૧ તિમોથી ૧:૧૫ વાંચો.

૫. શું એવું વિચારવું યોગ્ય કહેવાશે કે આપણે યહોવાની દયાના હકદાર છીએ? સમજાવો.

આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે યહોવાની સેવામાં ઘણાં વર્ષો વિતાવ્યાં છે, એટલે યહોવાએ આપણને દયા બતાવવી જ જોઈએ, માફ કરવા જ જોઈએ. એ વાત સાચી છે કે યહોવા આપણી વફાદારીની ખૂબ કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) પણ યહોવાએ પોતાના દીકરાને આપણી સેવાના વેતન તરીકે નથી આપ્યો. તેમણે તો એ ભેટ વિનામૂલ્યે આપી છે. એટલે એવું ન વિચારીએ કે આપણે યહોવા માટે ઘણું બધું કર્યું છે, એટલે તેમની દયાના હકદાર છીએ અથવા તેમની દયા ખરીદી શકીએ છીએ. જો એમ વિચારીશું, તો જાણે આપણે કહી રહ્યા છીએ કે ખ્રિસ્તનું મરણ નકામું છે.—ગલાતીઓ ૨:૨૧ સરખાવો.

૬. પાઉલે કેમ યહોવાની સેવામાં પોતાની જાત ઘસી નાખી?

પાઉલ જાણતા હતા કે તે ઈશ્વરની કૃપા ખરીદી નહિ શકે. તો પછી તેમણે કેમ યહોવાની સેવામાં પોતાની જાત ઘસી નાખી? પોતે યહોવાની દયાના હકદાર છે એ સાબિત કરવા નહિ, પણ તેમની અપાર કૃપા માટે કદર બતાવવા. (એફે. ૩:૭) આપણે પણ સમજીએ છીએ કે યહોવાની દયા ખરીદી નથી શકાતી. પાઉલની જેમ આપણે યહોવાની દયા માટે કદર બતાવવા માંગીએ છીએ, એટલે ઉત્સાહથી તેમની સેવા કરીએ છીએ.

૭. ઈસુના બલિદાનથી આજે કયો બીજો એક આશીર્વાદ મળે છે? (રોમનો ૫:૧; યાકૂબ ૨:૨૩)

ચાલો બીજા એક આશીર્વાદ પર ધ્યાન આપીએ. ઈસુના બલિદાનને લીધે આજે યહોવા સાથે આપણો ખાસ સંબંધ છે. a ગયા લેખમાં જોઈ ગયા તેમ, ઈશ્વર સાથે આપણો જન્મથી સંબંધ હોતો નથી. પણ ઈસુના બલિદાનને લીધે આપણે “ઈશ્વર સાથે શાંતિનો” આનંદ માણી શકીએ છીએ અને તેમની નજીક જઈ શકીએ છીએ.—રોમનો ૫:૧; યાકૂબ ૨:૨૩ વાંચો.

૮. પ્રાર્થનાના લહાવા માટે આપણે કેમ યહોવાનો આભાર માનવો જોઈએ?

યહોવા સાથેના ખાસ સંબંધને લીધે આપણને અનેક લહાવાઓ મળે છે. એમાંનો એક લહાવો છે, પ્રાર્થના. યહોવા જાહેરમાં કરેલી પ્રાર્થનાઓ સાંભળે છે. એકલામાં તેમની આગળ લાગણીઓ ઠાલવીએ છીએ ત્યારે પણ તે એને સાંભળે છે. પ્રાર્થનાથી આપણું મન શાંત થઈ જાય છે. જોકે પ્રાર્થના કરવાથી બીજા પણ ફાયદા થાય છે. એનાથી યહોવા સાથેની દોસ્તી ગાઢ થાય છે. (ગીત. ૬૫:૨; યાકૂ. ૪:૮; ૧ યોહા. ૫:૧૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે વારંવાર યહોવાને પ્રાર્થના કરતા હતા. કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમની પ્રાર્થનાઓ સાંભળે છે અને એનાથી પિતા સાથે તેમનો સંબંધ મજબૂત રહેશે. (લૂક ૫:૧૬) ઈસુના બલિદાનને લીધે આપણે યહોવાના દોસ્ત બની શકીએ છીએ અને તેમની સાથે પ્રાર્થનામાં વાત કરી શકીએ છીએ. શું એ જોરદાર લહાવો ન કહેવાય?

ભાવિમાં આપણને કયા આશીર્વાદો મળશે?

૯. યહોવાના વફાદાર ભક્તોને ઈસુના બલિદાનને લીધે ભાવિમાં કયો આશીર્વાદ મળશે?

યહોવાના વફાદાર ભક્તોને ઈસુના બલિદાનને લીધે ભાવિમાં કયો આશીર્વાદ મળશે? તેઓને હંમેશ માટેનું જીવન મળશે. ઘણા લોકોને લાગે છે કે એવું શક્ય નથી. કેમ કે હજારો વર્ષોથી માણસો મરતા આવ્યા છે. પણ શરૂઆતથી જ યહોવાની ઇચ્છા હતી કે માણસો હંમેશ માટે જીવે. જો આદમે પાપ કર્યું ન હોત, તો લોકોને હંમેશ માટે જીવવાની વાત અશક્ય ન લાગતી. ભલે આજે એ વાત ગળે ઉતારવી અઘરી લાગે, પણ પૂરો ભરોસો રાખી શકીએ કે આપણે હંમેશ માટે જીવીશું. કેમ કે યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપીને ભારે કિંમત ચૂકવી છે.—રોમ. ૮:૩૨.

૧૦. અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો શાની રાહ જુએ છે?

૧૦ ખરું કે હંમેશ માટેનું જીવન આપણને ભાવિમાં મળશે, પણ યહોવા ચાહે છે કે આપણે હમણાંથી એનો વિચાર કરીએ. અભિષિક્તો સ્વર્ગમાં જીવન મેળવવાની આતુરતાથી રાહ જુએ છે. તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે અને માણસોનું ભલું કરશે. (પ્રકટી. ૨૦:૬) બીજાં ઘેટાંના લોકો બાગ જેવી પૃથ્વી પર દુઃખ-તકલીફો વગરનું જીવન જીવશે. તેઓ એની કાગડોળે રાહ જુએ છે. (પ્રકટી. ૨૧:૩, ૪) જો તમે બીજાં ઘેટાંના લોકોમાંથી હો અને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા હો, તો એક વાત યાદ રાખજો: આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની ભેટ જરાય ઊતરતી નથી. માણસોને એ માટે જ તો બનાવવામાં આવ્યા હતા. ખરેખર, આ પૃથ્વી પર રહીને આપણે જીવનનો ભરપૂર આનંદ માણી શકીશું.

૧૧-૧૨. નવી દુનિયામાં મળનાર કયા આશીર્વાદોની આપણે રાહ જોઈએ છીએ? (ચિત્રો પણ જુઓ.)

૧૧ વિચારો કે નવી દુનિયામાં જીવન કેવું હશે. એ સમયે આપણને બીમારી કે મરણનો ડર નહિ હોય. (યશા. ૨૫:૮; ૩૩:૨૪) યહોવા આપણી દરેક યોગ્ય ઇચ્છા પૂરી કરશે. નવી દુનિયામાં તમે શું શીખવા માંગો છો? કોઈ વાજિંત્ર? ચિત્રકળા? કે પછી પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ કરવા માંગો છો? નવી દુનિયામાં આપણને એવા લોકોની જરૂર પડશે, જેઓને ઘર બાંધતા અને એની ડિઝાઇન બનાવતા આવડે છે. એટલું જ નહિ, પાક ઉગાડવા, ખાવાનું બનાવવા, સાધનો બનાવવા, ફૂલછોડ રોપવા અને એની સંભાળ રાખવા પણ લોકોની જરૂર પડશે. (યશા. ૩૫:૧; ૬૫:૨૧) કદાચ અત્યારે તમે ઘણું બધું શીખવા માંગતા હશો, પણ સમયના અભાવે એમ કરી શકતા નહિ હો. જોકે, નવી દુનિયામાં એટલો બધો સમય હશે કે તમારાં દિલમાં ઊંડે ઊંડે સુધી છુપાયેલી દરેક ઇચ્છા તમે પૂરી કરી શકશો.

૧૨ ગુજરી ગયેલા લોકોને નવી દુનિયામાં ઉઠાડવામાં આવશે ત્યારે, આપણે હૃદયના ઉમળકાથી તેઓનું સ્વાગત કરીશું. એ ઘડી કેટલી રોમાંચક હશે! (પ્રે.કા. ૨૪:૧૫) વધુમાં, યહોવાની સૃષ્ટિનો અભ્યાસ કરવાથી આપણું રોમેરોમ હરખાઈ ઊઠશે. (ગીત. ૧૦૪:૨૪; યશા. ૧૧:૯) સૌથી જોરદાર વાત તો એ હશે કે આપણે દોષનો ટોપલો માથે લઈને ફરવું નહિ પડે અને સાફ દિલથી યહોવાની ભક્તિ કરી શકીશું. શું તમે “થોડા સમય માટે પાપનો આનંદ” માણવા ભાવિના એ શાનદાર આશીર્વાદોનો સોદો કરશો? (હિબ્રૂ. ૧૧:૨૫) બિલકુલ નહિ! નવી દુનિયાના આશીર્વાદો સામે અત્યારની દુનિયા આપણને જે કંઈ આપે છે, એની કંઈ વિસાત નથી. યાદ રાખજો, હમણાં આપણે નવી દુનિયાની રાહ જોઈએ છીએ, પણ બહુ જલદી એ આશા હકીકતમાં ફેરવાઈ જશે! પણ જો યહોવાએ આપણને પ્રેમ બતાવીને પોતાના દીકરાનું બલિદાન આપ્યું ન હોત, તો આ બધું બસ એક સપનું બનીને રહી ગયું હોત!

નવી દુનિયામાં તમે કયા આશીર્વાદોની કાગડોળે રાહ જુઓ છો? (ફકરા ૧૧-૧૨ જુઓ)


યહોવાના પ્રેમ માટે કદર બતાવવા શું કરી શકીએ?

૧૩. યહોવાના પ્રેમ માટે આપણે કઈ રીતે તેમનો આભાર માની શકીએ? (૨ કોરીંથીઓ ૬:૧)

૧૩ ઈસુના બલિદાન માટે આપણે કઈ રીતે યહોવાનો આભાર માની શકીએ? તેમની સેવાને પોતાના જીવનમાં સૌથી પહેલી રાખીએ. (માથ. ૬:૩૩) બાઇબલમાં લખ્યું છે: “ખ્રિસ્ત બધા માટે મરી ગયા, એટલે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે ન જીવે, પણ જે તેઓ માટે મરી ગયા અને જીવતા થયા તેમના માટે જીવે.” (૨ કોરીં. ૫:૧૫) ખરેખર, આપણે એક પળ માટે પણ ભૂલવા નથી માંગતા કે યહોવાએ કેમ આપણને અપાર કૃપા બતાવી છે.—૨ કોરીંથીઓ ૬:૧ વાંચો.

૧૪. યહોવાના માર્ગદર્શન પર પૂરો ભરોસો છે, એવું બતાવવા શું કરી શકીએ?

૧૪ યહોવાના પ્રેમ માટે કદર બતાવવાની બીજી એક રીત છે, તેમના પર ભરોસો રાખીએ અને તેમનું માર્ગદર્શન પાળીએ. એવું કઈ રીતે કરી શકીએ? કોઈ નિર્ણય લેતી વખતે વિચારો કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે. દાખલા તરીકે, આપણે કેટલું ભણીશું અથવા કઈ નોકરી કરીશું એનો નિર્ણય લેતી વખતે યહોવાના વિચારો તપાસો. (૧ કોરીં. ૧૦:૩૧; ૨ કોરીં. ૫:૭) યહોવામાં શ્રદ્ધા રાખીને નિર્ણય લઈએ છીએ ત્યારે, ઘણા ફાયદા થાય છે. જેમ કે, તેમના પરની આપણી શ્રદ્ધા વધે છે. તેમની સાથેની દોસ્તી વધારે ગાઢ થાય છે અને આપણી આશા પણ પાકી થાય છે.—રોમ. ૫:૩-૫; યાકૂ. ૨:૨૧, ૨૨.

૧૫. સ્મરણપ્રસંગના સમયગાળામાં યહોવા માટે કદર બતાવવા શું કરી શકીએ?

૧૫ બીજી એક રીતે પણ યહોવાના પ્રેમ માટે કદર બતાવી શકીએ છીએ. ઈસુના બલિદાન માટે યહોવાનો આભાર માનવા સ્મરણપ્રસંગના સમયગાળામાં પોતાનાથી બનતું બધું કરીએ. સ્મરણપ્રસંગમાં આપણે પોતે તો હાજર રહીશું જ, બીજાઓને પણ ત્યાં આવવાનું આમંત્રણ આપીશું. (૧ તિમો. ૨:૪) આમંત્રણ આપતી વખતે તેઓને સમજાવી શકીએ કે એ પ્રસંગમાં શું થશે. એ માટે jw.org/gu પરના આ બે વીડિયોથી ઘણી મદદ મળશે: ઈસુ શા માટે મરણ પામ્યા? અને ઈસુના મરણને યાદ કરીએ. વડીલોએ નિષ્ક્રિય ભાઈ-બહેનોને ખાસ આમંત્રણ આપવું જોઈએ. જરા વિચારો, જો યહોવાનું ખોવાયેલું ઘેટું મંડળમાં પાછું આવે, તો સ્વર્ગમાં અને પૃથ્વી પર બધાને કેટલી ખુશી થશે! (લૂક ૧૫:૪-૭) સ્મરણપ્રસંગના દિવસે આપણે મોટા ભાગે ઓળખીતાઓને મળીએ છીએ. એ સારું છે. જોકે એ લોકોને પણ મળવા પહેલ કરીએ, જેઓ સ્મરણપ્રસંગમાં પહેલી વાર આવ્યા છે અથવા ઘણાં વર્ષો પછી આવ્યા છે. તેઓને પ્રેમ અને હૂંફ બતાવીએ, જેથી તેઓને એકલું એકલું ન લાગે.—રોમ. ૧૫:૭, ફૂટનોટ.

૧૬. સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે કેમ યહોવાની સેવામાં વધારે કરવું જોઈએ?

૧૬ શું તમે સ્મરણપ્રસંગના સમયગાળામાં યહોવાની સેવામાં વધારે કરી શકો? યહોવા અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવવાની એ એક સરસ રીત છે. આપણે પ્રચારમાં જેટલો વધારે સમય વિતાવીશું, એટલું વધારે જોઈ શકીશું કે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે. (૧ કોરીં. ૩:૯) એનાથી યહોવા પરનો આપણો ભરોસો વધશે. વધુમાં, સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન અચૂક કરીએ, જે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકા અને સભા પુસ્તિકાના ચાર્ટમાં આપ્યું છે. એ કલમોને આધારે ઊંડો અભ્યાસ કરવાનું પણ વિચારી શકીએ.

૧૭. યહોવા શાનાથી ખુશ થાય છે? (“ યહોવાના પ્રેમ માટે કદર બતાવવાની અલગ અલગ રીતો” બૉક્સ પણ જુઓ.)

૧૭ આ લેખમાં ઘણાં સૂચનો જોઈ ગયાં. જોકે સંજોગોને લીધે કદાચ એમાંનું બધું કરવું તમારા માટે શક્ય ન હોય. પણ યાદ રાખજો, તમે જે કરો છો એની સરખામણી યહોવા ક્યારેય બીજાઓ સાથે નથી કરતા. તે તો તમારું દિલ જુએ છે. જ્યારે તે જુએ છે કે તેમણે આપેલી કીમતી ભેટ, એટલે કે ઈસુના બલિદાનની તમે દિલથી કદર કરો છો, ત્યારે તે ઘણા ખુશ થાય છે.—૧ શમુ. ૧૬:૭; માર્ક ૧૨:૪૧-૪૪.

૧૮. આપણે કેમ યહોવા અને ઈસુ ખ્રિસ્ત માટે કદર બતાવીએ છીએ?

૧૮ ઈસુના બલિદાનને લીધે જ આપણાં પાપ માફ થઈ શકે છે, યહોવા સાથે દોસ્તી બાંધી શકીએ છીએ અને હંમેશ માટે જીવવાની આશા રાખી શકીએ છીએ. તો ચાલો, યહોવાના પ્રેમ માટે હંમેશાં કદર બતાવતા રહીએ, કેમ કે પ્રેમને લીધે જ તેમણે એ બધા આશીર્વાદો આપણને આપ્યા છે. (૧ યોહા. ૪:૧૯) ઈસુ માટે પણ કદર બતાવતા રહીએ, જેમણે આપણને એટલો બધો પ્રેમ કર્યો કે આપણા માટે પોતાનું જીવન આપી દીધું!—યોહા. ૧૫:૧૩.

ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો

a ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ પહેલાં પણ યહોવાએ ઈશ્વરભક્તોનાં પાપ માફ કર્યાં હતાં. એવું કઈ રીતે થઈ શકે? યહોવાને પૂરો ભરોસો હતો કે તેમનો દીકરો મરણ સુધી તેમને વફાદાર રહેશે. એટલે યહોવાની નજરે તો ઈસુએ બલિદાન આપી જ દીધું હતું.—રોમ. ૩:૨૫.