સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૧

ગીત ૧૩૮ યહોવા તારું નામ

યહોવાને મહિમા આપો

યહોવાને મહિમા આપો

૨૦૨૫નું આપણું વાર્ષિક વચન: “યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.”ગીત. ૯૬:૮.

આપણે શું શીખીશું?

આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ, જેના તે હકદાર છે?

૧. આજે મોટા ભાગના લોકોનું ધ્યાન શાના પર હોય છે?

 કદાચ તમે જોયું હશે કે આજે મોટા ભાગના લોકો પોતાનામાં જ મસ્ત હોય છે. દાખલા તરીકે, અમુક લોકો સોશિયલ મીડિયા પર પોતાના વિશે અને પોતાનાં કામો વિશે બણગાં ફૂંકે છે. જોકે, બહુ થોડા લોકો યહોવા ઈશ્વરને મહિમા આપે છે. આ લેખમાં આપણે આ ચાર સવાલોની ચર્ચા કરીશું: યહોવાને મહિમા આપવો એટલે શું? આપણે કેમ તેમને મહિમા આપવો જોઈએ? આપણે કઈ રીતે તેમને મહિમા આપી શકીએ, જેના તે હકદાર છે? તે નજીકના ભાવિમાં કઈ રીતે પોતાના નામનો મહિમા કરશે?

યહોવાને મહિમા આપવો એટલે શું?

૨. સિનાઈ પર્વત પાસે યહોવાએ કઈ રીતે પોતાનો મહિમા બતાવી આપ્યો? (ચિત્ર પણ જુઓ.)

મહિમા એટલે શું? બાઇબલમાં “મહિમા” શબ્દનો અર્થ થાય: એવું કંઈક, જેનાથી વ્યક્તિનું ગૌરવ વધે અથવા જેને જોઈને લોકો દંગ રહી જાય. ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા એના થોડા સમય પછી યહોવાએ અદ્‍ભુત રીતે પોતાનો મહિમા બતાવી આપ્યો. જરા આ દૃશ્યની કલ્પના કરો: લાખો ઇઝરાયેલીઓ સિનાઈ પર્વતની તળેટી પાસે પોતાના ઈશ્વરને મળવા ભેગા થયા છે. કાળાં વાદળો પર્વતને ઘેરી વળે છે. અચાનક મોટો ધરતીકંપ થાય છે. કદાચ જ્વાળામુખી પણ ફાટે છે. જમીન થરથર કાંપવા લાગે છે. વીજળી અને ગર્જના થાય છે. રણશિંગડાના અવાજથી વાતાવરણ ગુંજી ઊઠે છે. (નિર્ગ. ૧૯:૧૬-૧૮; ૨૪:૧૭; ગીત. ૬૮:૮) રુવાંટાં ઊભાં થઈ જાય એવું દૃશ્ય, ખરું ને? સાચે જ, યહોવાનો આવો શાનદાર મહિમા જોઈને ઇઝરાયેલીઓ મોંમાં આંગળાં નાખી ગયા હશે!

સિનાઈ પર્વત પાસે યહોવાએ ઇઝરાયેલીઓને અદ્‍ભુત રીતે પોતાનો મહિમા બતાવી આપ્યો (ફકરો ૨ જુઓ)


૩. યહોવાને મહિમા આપવામાં શાનો સમાવેશ થાય છે?

પણ શું આપણા જેવા મામૂલી માણસો યહોવાને મહિમા આપી શકે? હા. એમ કરવાની એક રીત છે, આપણે બીજાઓને યહોવાની અપાર શક્તિ અને તેમના સુંદર ગુણો વિશે જણાવીએ. બીજી રીત છે, યહોવાની મદદથી કામ પૂરું કરીએ ત્યારે તેમને જશ આપીએ. (યશા. ૨૬:૧૨) ચાલો દાઉદ રાજા વિશે જોઈએ. તેમણે યહોવાને મહિમા આપવામાં સારો દાખલો બેસાડ્યો છે. ઇઝરાયેલના મંડળ આગળ તેમણે યહોવાને પ્રાર્થનામાં કહ્યું: “હે યહોવા, તમે જ મહાન, ભવ્ય, શક્તિશાળી અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો. આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે.” તેમણે પ્રાર્થના પૂરી કરી એ પછી “બધા લોકોએ . . . યહોવાનો જયજયકાર કર્યો.”—૧ કાળ. ૨૯:૧૧, ૨૦.

૪. ઈસુએ કઈ રીતે યહોવાને મહિમા આપ્યો?

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના પિતાને મહિમા આપ્યો. કઈ રીતે? તેમણે લોકોને જણાવ્યું કે ચમત્કાર કરવાની શક્તિ તેમને પિતા યહોવાએ આપી છે. (માર્ક ૫:૧૮-૨૦) તેમણે બીજી એક રીતે પણ યહોવાને મહિમા આપ્યો. તેમણે લોકોને પિતા યહોવા વિશે શીખવ્યું અને યહોવા ચાહે છે એ રીતે લોકો સાથે વર્ત્યા. એક વખતે ઈસુ સભાસ્થાનમાં શીખવતા હતા. ત્યાં એક સ્ત્રી પણ આવી હતી, જે ૧૮ વર્ષથી દુષ્ટ દૂતના કાબૂમાં હતી. એના લીધે તે એટલી વાંકી વળી ગઈ હતી કે જરાય સીધી ઊભી રહી શકતી ન હતી. બિચારી સ્ત્રી! ઈસુને એ સ્ત્રી પર ખૂબ દયા આવી. એટલે તેમણે તેની પાસે જઈને પ્રેમથી કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.” પછી તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત તે સીધી ઊભી રહી શકી. “તે ઈશ્વરને મહિમા આપવા લાગી.” (લૂક ૧૩:૧૦-૧૩) તે યહોવાની ખૂબ આભારી હતી, કેમ કે તેમની મદદથી તેને તંદુરસ્તી અને સન્માન પાછાં મળ્યાં હતાં. એ સ્ત્રી પાસે યહોવાને મહિમા આપવાનું જોરદાર કારણ હતું. આપણી પાસે પણ છે!

આપણે કેમ યહોવાને મહિમા આપીએ છીએ?

૫. આપણી પાસે યહોવાને માન આપવાનાં કયાં કારણો છે?

આપણે યહોવાને મહિમા આપીએ છીએ, કેમ કે તેમને ઊંડું માન આપીએ છીએ. આપણી પાસે યહોવાને માન આપવાનાં ઘણાં કારણો છે. યહોવા સર્વશક્તિમાન છે. તેમની શક્તિનો કોઈ પાર નથી. (ગીત. ૯૬:૪-૭) તેમણે જે બધું બનાવ્યું છે, એમાં તેમની બુદ્ધિ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમણે જ આપણને જીવન અને જીવન-જરૂરી વસ્તુઓ આપી છે. (પ્રકટી. ૪:૧૧) તે વફાદાર છે. (પ્રકટી. ૧૫:૪) તે જે કંઈ કરે છે, એમાં સફળ થાય છે. તે હંમેશાં પોતાનું વચન પાળે છે. (યહો. ૨૩:૧૪) એટલે જ તો યર્મિયા પ્રબોધકે યહોવા વિશે કહ્યું હતું: “પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.” (યર્મિ. ૧૦:૬, ૭) એમાં કોઈ શંકા નથી કે યહોવા પિતા આપણા માનના હકદાર છે. જોકે તે આપણા પ્રેમના પણ એટલા જ હકદાર છે.

૬. આપણે કેમ યહોવાને પ્રેમ કરીએ છીએ?

આપણે યહોવાને મહિમા આપીએ છીએ, કેમ કે તેમને બહુ પ્રેમ કરીએ છીએ. તેમના સુંદર ગુણોને લીધે આપણે તેમને દિલોજાનથી ચાહીએ છીએ. ચાલો, એવા અમુક ગુણો જોઈએ. તે દયા અને કરુણાના સાગર છે. (ગીત. ૧૦૩:૧૩; યશા. ૪૯:૧૫) આપણને દુઃખમાં જોઈને તે દુઃખી થાય છે. (ઝખા. ૨:૮) આપણે તેમને ઓળખી શકીએ અને તેમના મિત્ર બની શકીએ એ માટે તે આપણને મદદ કરે છે. (ગીત. ૨૫:૧૪; પ્રે.કા. ૧૭:૨૭) તે નમ્ર છે. “તે નીચા નમીને આકાશ અને પૃથ્વીને જુએ છે. તે દીન-દુખિયાને ધૂળમાંથી ઉઠાવે છે.” (ગીત. ૧૧૩:૬, ૭) આવા મહાન ઈશ્વરને મહિમા આપવાનું કોને ન ગમે!—ગીત. ૮૬:૧૨.

૭. આપણી પાસે કઈ ખાસ તક રહેલી છે?

આપણે યહોવાને મહિમા આપીએ છીએ, કેમ કે ચાહીએ છીએ કે બીજાઓ તેમને ઓળખે. આજે ઘણા લોકો યહોવા ઈશ્વર વિશેનું સત્ય જાણતા નથી. કેમ? કેમ કે શેતાને યહોવા વિશે જૂઠાણાં ફેલાવીને લોકોનાં મન આંધળાં કરી દીધાં છે. (૨ કોરીં. ૪:૪) શેતાને લોકોનાં મનમાં ઠસાવી દીધું છે કે યહોવા બહુ ગુસ્સાવાળા છે, તેમને લોકોની કંઈ પડી નથી અને દુનિયાની મોટા ભાગની મુશ્કેલીઓ પાછળ તેમનો જ હાથ છે. પણ આપણે જાણીએ છીએ કે સાચું શું છે. આપણી પાસે તક છે કે લોકો આગળ યહોવા ઈશ્વરની સાચી ઓળખ છતી કરીએ અને તેઓને યહોવાનો મહિમા ગાવા મદદ કરીએ. (યશા. ૪૩:૧૦) ગીતશાસ્ત્ર ૯૬માં યહોવાને મહિમા આપવા વિશે વાત થઈ છે. હવે આપણે એમાંની અમુક વાતો પર ચર્ચા કરીશું. એ ચર્ચા કરીએ ત્યારે ખાસ વિચારજો કે તમે કઈ રીતે યહોવાને મહિમા આપી શકો, જેના તે હકદાર છે.

આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ જેના તે હકદાર છે?

૮. યહોવાને મહિમા આપવાની એક રીત કઈ છે? (ગીતશાસ્ત્ર ૯૬:૧-૩)

ગીતશાસ્ત્ર ૯૬:૧-૩ વાંચો. આપણા શબ્દોથી યહોવાને મહિમા આપી શકીએ છીએ. એ કલમોમાં યહોવાના ભક્તોને કહેવામાં આવ્યું છે: ‘યહોવા માટે ગીત ગાઓ,’ “તેમના નામની સ્તુતિ કરો,” ‘તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર જાહેર કરો’ અને “બીજી પ્રજાઓને તેમના ગૌરવ વિશે જણાવો.” આવી રીતોએ આપણે પોતાના શબ્દોથી પિતા યહોવાને મહિમા આપી શકીએ છીએ. વફાદાર યહૂદીઓએ અને પહેલી સદીના ખ્રિસ્તીઓએ અચકાયા વગર બીજાઓને જણાવ્યું કે પિતા યહોવામાં કેવા સુંદર ગુણો છે અને તેમણે તેઓ માટે કેવાં સારાં સારાં કામો કર્યાં છે. એટલું જ નહિ, તેઓ હિંમતથી યહોવાના પક્ષમાં બોલ્યા. (દાનિ. ૩:૧૬-૧૮; પ્રે.કા. ૪:૨૯) તેઓ જેવા બનવા આપણે શું કરી શકીએ?

૯-૧૦. એન્જલિના પાસેથી તમને શું શીખવા મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

ચાલો એન્જલિનાનો a અનુભવ જોઈએ. તે અમેરિકામાં રહે છે. પોતાની નોકરીની જગ્યાએ તે હિંમતથી યહોવાના પક્ષમાં બોલી. એક દિવસે કંપનીમાં બધા નવા કર્મચારીઓ માટે એક સભા રાખવામાં આવી હતી. બધા એકબીજાને ઓળખી શકે એ માટે તેઓએ પોતાના વિશે થોડું જણાવવાનું હતું. એન્જલિનાએ અમુક ફોટા ભેગા કર્યા હતા, જેથી લોકો જોઈ શકે કે યહોવાની સાક્ષી બનીને તે કેટલી ખુશ છે. પણ તેનો વારો આવે એ પહેલાં તો એક માણસ ઊભો થયો. તેણે પોતાની ઓળખ આપતા કહ્યું કે તેનાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે અને તેનો ઉછેર સાક્ષી કુટુંબમાં થયો છે. તે યહોવાના સાક્ષીઓની અને તેઓની માન્યતાઓની મજાક ઉડાવવા લાગ્યો. એન્જલિના કહે છે: “મારા તો ધબકારા વધી ગયા. મને ખબર હતી કે એ માણસ યહોવા વિશે જૂઠું બોલી રહ્યો છે. મેં વિચાર્યું: ‘આ કંઈ ચૂપ રહેવાનો સમય નથી. મારે લોકોને જણાવવું જ જોઈએ કે યહોવા કેવા ઈશ્વર છે.’”

૧૦ પેલા માણસે બોલવાનું પૂરું કર્યું એ પછી એન્જલિનાએ મનમાં એક નાની પ્રાર્થના કરી. તેણે પ્રેમથી પેલા માણસને કહ્યું: “તમારી જેમ મારો ઉછેર પણ સાક્ષી કુટુંબમાં થયો છે અને હું આજે પણ યહોવાની સાક્ષી છું.” માહોલ થોડો તંગ હતો, પણ એન્જલિના શાંત રહી. તેણે બધાને મહાસંમેલનો જેવા કાર્યક્રમોના ફોટા બતાવ્યા, જેમાં તે અને તેના દોસ્તો ખુશ દેખાતા હતા. તેણે પૂરા આદરથી પોતાની માન્યતા વિશે જણાવ્યું. (૧ પિત. ૩:૧૫) એનું શું પરિણામ આવ્યું? એન્જલિનાએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં પેલો માણસ શાંત પડ્યો. એ માણસે પણ જણાવ્યું કે નાનપણમાં તેણે યહોવાના સાક્ષીઓ સાથે અમુક મીઠી પળો માણી હતી. એન્જલિના કહે છે: “યહોવા મહિમા મેળવવાના હકદાર છે. એટલે આપણે તેમના પક્ષમાં બોલવું જ જોઈએ. એ આપણા માટે મોટા સન્માનની વાત છે.” જ્યારે બીજાઓ યહોવાનો અનાદર કરે, ત્યારે આપણી પાસે પણ તેમને મહિમા આપવાની તક છે.

આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ? આપણા શબ્દોથી (ફકરા ૯-૧૦ જુઓ) b


૧૧. સદીઓથી સાચા ઈશ્વરભક્તોએ કઈ રીતે ગીતશાસ્ત્ર ૯૬:૮નો સિદ્ધાંત પાળ્યો છે?

૧૧ ગીતશાસ્ત્ર ૯૬:૮ વાંચો. આપણી કીમતી વસ્તુઓથી યહોવાને મહિમા આપી શકીએ છીએ. સાચા ઈશ્વરભક્તોએ હંમેશાં આ રીતે યહોવાને મહિમા આપ્યો છે. (નીતિ. ૩:૯) દાખલા તરીકે, ઇઝરાયેલીઓએ મંદિરના બાંધકામ અને સમારકામ માટે દાન આપ્યું હતું. (૨ રાજા. ૧૨:૪, ૫; ૧ કાળ. ૨૯:૩-૯) ઈસુના અમુક શિષ્યોએ “પોતાની સંપત્તિમાંથી” ઈસુની અને તેમના પ્રેરિતોની સેવા કરી હતી. (લૂક ૮:૧-૩) પહેલી સદીના ખ્રિસ્તીઓએ પોતાનાં ભાઈ-બહેનો માટે રાહત-સામગ્રી મોકલી આપી હતી. (પ્રે.કા. ૧૧:૨૭-૨૯) આજે આપણે પણ રાજીખુશીથી દાન આપીને યહોવાને મહિમા આપી શકીએ છીએ.

૧૨. આપણાં દાનથી કઈ રીતે યહોવાને મહિમા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ ચાલો એક અનુભવ જોઈએ, જેનાથી ખબર પડે છે કે આપણાં દાનથી કઈ રીતે યહોવાને મહિમા મળે છે. ૨૦૨૦માં ઝિમ્બાબ્વેમાં ભયંકર દુકાળ પડ્યો અને એ લાંબો સમય ચાલ્યો. ૧૦ લાખ કરતાં વધારે લોકોએ ભૂખમરાનો સામનો કરવો પડ્યો. પ્રિસ્કા એમાંની જ એક હતી. તે દર બુધવારે અને શુક્રવારે પ્રચારમાં જતી. દુકાળ હોવા છતાં તેણે એમ કરવાનું ચાલુ રાખ્યું. ખેતર ખેડવાનો સમય હતો ત્યારે પણ તે પ્રચારમાં જવાનું ચૂકી નહિ. તે ખેતરમાં કામ કરવાને બદલે પ્રચારમાં જતી ત્યારે તેના પડોશીઓ તેની મશ્કરી કરતા. તેઓ કહેતા: “તું તો ભૂખે મરવાની છે.” પ્રિસ્કા પૂરી ખાતરીથી જવાબ આપતી: “યહોવાએ પોતાના ભક્તોને ક્યારેય ત્યજી દીધા નથી.” થોડા સમય પછી તેને સંગઠન તરફથી રાહત-સામગ્રી મળી. એ ચીજવસ્તુઓ ભાઈ-બહેનોએ આપેલાં દાનથી પૂરી પાડવામાં આવી હતી. પ્રિસ્કાના પડોશીઓને બહુ નવાઈ લાગી. તેઓએ તેને કહ્યું, “ઈશ્વરે તને છોડી દીધી નથી. એટલે અમે પણ એ ઈશ્વર વિશે શીખવા માંગીએ છીએ.” તેના પડોશીઓમાંથી સાત લોકોએ સભાઓમાં આવવાનું શરૂ કર્યું.

આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ? આપણી કીમતી વસ્તુઓથી (ફકરો ૧૨ જુઓ) c


૧૩. આપણાં વાણી-વર્તનથી કઈ રીતે યહોવાને મહિમા મળે છે? (ગીતશાસ્ત્ર ૯૬:૯)

૧૩ ગીતશાસ્ત્ર ૯૬:૯ વાંચો. આપણાં વાણી-વર્તનથી યહોવાને મહિમા આપી શકીએ છીએ. મુલાકાતમંડપમાં અને પછીથી મંદિરમાં સેવા આપતા યાજકોએ નાહી-ધોઈને શુદ્ધ રહેવાનું હતું. (નિર્ગ. ૪૦:૩૦-૩૨) જોકે શરીરની ચોખ્ખાઈ કરતાં મનની ચોખ્ખાઈ વધારે મહત્ત્વની છે. (ગીત. ૨૪:૩, ૪; ૧ પિત. ૧:૧૫, ૧૬) બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ‘જૂનો સ્વભાવ’ ઉતારીને “નવો સ્વભાવ” પહેરવો જોઈએ. (કોલો. ૩:૯, ૧૦) એનો અર્થ થાય કે યહોવાને ગમતાં નથી એવાં વિચારો અને વાણી-વર્તન કાઢી નાખવા સખત મહેનત કરીએ. એના બદલે, યહોવાના સુંદર ગુણો છલકાતા હોય એવાં વિચારો અને વાણી-વર્તન કેળવીએ. વ્યભિચાર અને હિંસાના કાદવમાં ખૂંપાયેલા લોકો પણ યહોવાની મદદથી ફેરફાર કરી શકે છે અને નવો સ્વભાવ પહેરી શકે છે.

૧૪. જેકના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૪ ચાલો જેકનો અનુભવ જોઈએ. તે એકદમ ખતરનાક હતો. એટલે લોકોએ તેનું નામ ‘રાક્ષસ’ પાડ્યું હતું. જેકે મોટા મોટા ગુના કર્યા હતા, એટલે તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જોકે સજા અમલમાં આવે એ પહેલાં તેણે એક ભાઈ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું. એ ભાઈ જેલમાં કેદીઓની મુલાકાતે આવતા હતા. જેક ઘણો હિંસક હતો, તોપણ તેણે પોતાનો જૂનો સ્વભાવ ઉતારી નાખ્યો અને પછીથી બાપ્તિસ્મા લીધું. જેકે એટલા ધરખમ ફેરફાર કર્યા હતા કે તેને છેલ્લી વાર મળતી વખતે અમુક પહેરેદારોની આંખો ભીની થઈ ગઈ. જેલમાં કામ કરતા એક સૈનિકે કહ્યું: “એક સમયે જેક સૌથી ખૂંખાર કેદી હતો. પણ હવે તે એક સારો માણસ બન્યો છે.” જેકને મરણની સજા મળી એના એક અઠવાડિયા પછી અમુક ભાઈઓ સભા ચલાવવા જેલમાં પાછા આવ્યા. તેઓ એક એવા કેદીને મળ્યા, જે પહેલી વાર સભામાં આવ્યો હતો. તેને કેમ સભામાં આવવાનું મન થયું? તે જેકના ફેરફારો જોઈને છક થઈ ગયો હતો. તે જાણવા માંગતો હતો કે યહોવાની ભક્તિ કરવા તેણે શું કરવાની જરૂર છે. એ અનુભવ બતાવે છે કે આપણાં વાણી-વર્તનથી સ્વર્ગમાંના પિતા યહોવાને મહિમા મળે છે.—૧ પિત. ૨:૧૨.

આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ? આપણાં વાણી-વર્તનથી (ફકરો ૧૪ જુઓ) d


યહોવા નજીકના ભાવિમાં કઈ રીતે પોતાના નામનો મહિમા કરશે?

૧૫. યહોવા નજીકના ભાવિમાં કઈ રીતે પોતાના નામનો મહિમા કરશે? (ગીતશાસ્ત્ર ૯૬:૧૦-૧૩)

૧૫ ગીતશાસ્ત્ર ૯૬:૧૦-૧૩ વાંચો. ગીતશાસ્ત્ર અધ્યાય ૯૬ની છેલ્લી કલમોમાં યહોવાને સાચા ન્યાયાધીશ અને રાજા કહ્યા છે. તે નજીકના ભાવિમાં કઈ રીતે પોતાના નામનો મહિમા કરશે? સાચો ન્યાય કરીને. મહાન બાબેલોને યહોવા વિશે ઘણાં જૂઠાણાં ફેલાવ્યાં છે અને તેમનું પવિત્ર નામ બદનામ કર્યું છે. એટલે યહોવા બહુ જલદી એનો નાશ કરશે. (પ્રકટી. ૧૭:૫, ૧૬; ૧૯:૧, ૨) બની શકે કે મહાન બાબેલોનનો નાશ જોનાર અમુક લોકો આપણી સાથે જોડાઈને યહોવાની ભક્તિ કરે. છેલ્લે, આર્માગેદનના યુદ્ધમાં યહોવા શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરશે. તેમની સામે બળવો પોકારનાર અને તેમનું નામ બદનામ કરનાર લોકોનો તે ખાતમો બોલાવી દેશે. પણ જે લોકો તેમને પ્રેમ કરે છે, તેમની આજ્ઞાઓ પાળે છે અને તેમના નામનો મહિમા ગાવામાં ગર્વ અનુભવે છે, તેઓને તે બચાવશે. (માર્ક ૮:૩૮; ૨ થેસ્સા. ૧:૬-૧૦) ખ્રિસ્તના હજાર વર્ષના રાજના અંતે છેલ્લી કસોટી થશે, એ પછી યહોવા પૂરી રીતે પોતાનું નામ પવિત્ર મનાવશે. (પ્રકટી. ૨૦:૭-૧૦) એ સમયે, “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ પૃથ્વી યહોવાના મહિમાના જ્ઞાનથી ભરપૂર થશે.”—હબા. ૨:૧૪.

૧૬. તમે શું કરવાનો દૃઢ નિર્ણય લીધો છે? (ચિત્ર પણ જુઓ.)

૧૬ એ સમય કેટલો જોરદાર હશે, જ્યારે દરેક જણ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપશે! પણ એ સમય આવે ત્યાં સુધી યહોવાના નામનો મહિમા ગાવાની દરેક તક ઝડપી લઈએ. એ મહત્ત્વની જવાબદારી પર પૂરું ધ્યાન આપી શકીએ એ માટે નિયામક જૂથે ગીતશાસ્ત્ર ૯૬:૮ના શબ્દોને ૨૦૨૫ના વાર્ષિક વચન તરીકે પસંદ કર્યા છે:“યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.”

સમય જતાં, દરેક જણ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપશે (ફકરો ૧૬ જુઓ)

ગીત ૨ યહોવા તારો આભાર

a અમુક નામ બદલ્યાં છે.

b ચિત્રની સમજ: એન્જલિનાના અનુભવને સમજાવતું દૃશ્ય.

c ચિત્રની સમજ: પ્રિસ્કાના અનુભવને સમજાવતું દૃશ્ય.

d ચિત્રની સમજ: જેકના અનુભવને સમજાવતું દૃશ્ય.