બાઇબલ અભ્યાસનો આનંદ માણો, એનો ફાયદો ઉઠાવો
યહોશુઆ પાસે એક અઘરું કામ હતું. તેમણે ઇઝરાયેલ પ્રજાને વચનના દેશમાં દોરી જવાની હતી. જોકે, યહોવાએ તેમને આમ કહીને હિંમત અને ઉત્તેજન આપ્યાં: ‘બળવાન અને બહુ હિંમતવાન થા.’ તેમણે યહોશુઆને કહ્યું કે જો તે નિયમશાસ્ત્ર વાંચશે અને પાળશે, તો સારા નિર્ણયો લઈ શકશે અને સફળ થઈ શકશે.—યહો. ૧:૭, ૮.
આપણે એવા ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, ‘જે સહન કરવા અઘરા છે.’ એટલે, આપણા માટે પણ જીવન જીવવું અઘરું બની શકે છે. (૨ તિમો. ૩:૧) જો યહોશુઆની જેમ આપણે સફળ થવા ચાહતા હોઈએ તો શું કરવું જોઈએ? યહોવાએ યહોશુઆને આપેલી સલાહ આપણે પણ લાગુ પાડવી જોઈએ. આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ. વધુમાં, આપણે જે શીખ્યા એનો ઉપયોગ સારા નિર્ણયો લેવામાં કરવો જોઈએ.
પરંતુ, આપણામાંથી અમુકને અભ્યાસ કઈ રીતે કરવો એ ખબર ન હોય અથવા અભ્યાસ કરવામાં મજા આવતી ન હોય તો, શું કરવું જોઈએ? બાઇબલ અભ્યાસનું મહત્ત્વ કદી ઓછું ન આંકવું જોઈએ. “ આ સૂચનો અજમાવો” બૉક્સનો અભ્યાસ કરશો તેમ, તમને અભ્યાસમાંથી ફાયદો મેળવવાની અને આનંદ ઉઠાવવાની અમુક રીતો મળશે.
ગીતના લેખકે લખ્યું હતું: ‘તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે એમાં હું સંતોષ પામું છું.’ (ગીત. ૧૧૯:૩૫) તમે પણ બાઇબલના અભ્યાસમાંથી આનંદ મેળવી શકો છો. બાઇબલનો કીમતી ખજાનો શોધતા જશો તેમ, તમને અનમોલ રત્નો મળી આવશે.
ભલે તમારે યહોશુઆની જેમ કોઈ પ્રજાની આગેવાની લેવાની ન હોય, પણ તમારી પોતાની ઘણી મુશ્કેલીઓ હશે. એટલે યહોશુઆની જેમ, તમારે ઈશ્વરના શબ્દનો અભ્યાસ કરવો જોઈએ અને એને જીવનમાં લાગુ પાડવું જોઈએ. જો એમ કરશો તો સારા નિર્ણયો લઈ શકશો અને સફળ થઈ શકશો.