સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાના પક્ષે’ કોણ છે?

‘યહોવાના પક્ષે’ કોણ છે?

‘તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ; તેમની જ સેવા તું કર; અને તેમને જ તું વળગી રહે.’—પુન. ૧૦:૨૦.

ગીતો: ૨૭, ૪૮

૧, ૨. (ક) શા માટે યહોવાના પક્ષે રહેવામાં ભલાઈ છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાની નજીક રહેવામાં આપણી ભલાઈ છે. દુનિયામાં તેમના જેવું શક્તિશાળી, સમજુ અને પ્રેમાળ કોઈ નથી! સાચે જ, આપણે બધા તેમને વફાદાર રહેવા અને તેમના પક્ષે રહેવા માંગીએ છીએ. (ગીત. ૯૬:૪-૬) પરંતુ, અમુક ઈશ્વરભક્તો એમ કરવામાં નિષ્ફળ ગયા હતા.

આ લેખમાં આપણે એવા લોકોના દાખલા જોઈશું, જેઓ યહોવાના પક્ષે રહેવાનો દાવો કરતા હતા. બીજી તર્ફે, તેઓ એવી બાબતો કરવામાં મશગૂલ હતા, જેને યહોવા ધિક્કારે છે. તેઓના દાખલા પરથી મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે, જેનાથી આપણે યહોવાને વફાદાર રહી શકીશું.

યહોવા આપણા હૃદયો પારખે છે

૩. યહોવાએ શા માટે કાઈનને મદદ કરવાનો પ્રયત્ન કર્યો અને તેમણે કાઈનને શું કહ્યું?

ચાલો, કાઈનના દાખલાનો વિચાર કરીએ. તે જૂઠા દેવોની ભક્તિ કરતો ન હતો, છતાં યહોવાએ તેની ભક્તિ સ્વીકારી નહિ. શા માટે? યહોવાએ જોયું કે કાઈનના દિલમાં દુષ્ટતા ભરેલી છે. (૧ યોહા. ૩:૧૨) યહોવાએ તેને ચેતવણી આપી હતી: “જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે; અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.” (ઉત. ૪:૬, ૭) યહોવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો કાઈન પસ્તાવો કરીને ઈશ્વરના પક્ષે રહે, તો ઈશ્વર પણ કાઈનના પક્ષે રહેશે.

૪. કાઈન પાસે યહોવાના પક્ષે રહેવાની તક હતી ત્યારે તેણે શું કર્યું?

જો કાઈને પોતાના વિચારોમાં બદલાણ કર્યું હોત, તો યહોવાએ તેની ભક્તિ સ્વીકારી હોત. પરંતુ, કાઈને ઈશ્વરની વાત તરફ આંખ આડા કાન કર્યા. તેનાં ખરાબ વિચારો અને સ્વાર્થી ઇચ્છાઓ તેને ખોટાં પગલાં ભરવાં તરફ દોરી ગયાં. (યાકૂ. ૧:૧૪, ૧૫) કાઈન નાની ઉંમરનો હશે ત્યારે, તેણે સપનેય વિચાર્યું નહિ હોય કે તે યહોવાની વિરુદ્ધ જશે. પણ પછીથી, તેણે ઈશ્વરની ચેતવણીને નજરઅંદાજ કરી, તેમની વિરુદ્ધ બંડ પોકાર્યું અને પોતાના ભાઈને મારી નાખ્યો!

૫. કેવી બાબતોને લીધે આપણે યહોવાની કૃપા ગુમાવી દઈ શકીએ?

કાઈનની જેમ, યહોવાનો કોઈ સેવક તેમની ભક્તિ કરવાનો દાવો કરતો હોય શકે. પણ, હકીકતમાં તે એવી બાબતો કરતો હોય, જેને યહોવા ધિક્કારે છે. (યહુ. ૧૧) તે કદાચ સભામાં નિયમિત આવતો હોય અને સેવાકાર્યમાં ઉત્સાહથી ભાગ લેતો હોય. પરંતુ, તે કદાચ અનૈતિક વિચારોમાં રચ્યોપચ્યો રહેતો હોય, ધનવાન થવાના સપના જોતો હોય કે પછી મંડળના કોઈ ભાઈ કે બહેન માટે મનમાં ખાર ભરી રાખતો હોય. (૧ યોહા. ૨:૧૫-૧૭; ૩:૧૫) આવી બાબતો તેને પાપી કાર્યો તરફ દોરી લઈ જઈ શકે છે. કદાચ આપણાં વિચારો કે કાર્યોની બીજાઓને ખબર નહિ પડે, પણ યહોવાને ચોક્કસ ખબર પડશે. તે એ પણ પારખી જશે કે આપણે પૂરા દિલથી તેમના પક્ષે નથી.—યિર્મેયા ૧૭:૯, ૧૦ વાંચો.

૬. ખોટી ઇચ્છાઓ વિરુદ્ધ લડવા યહોવા કઈ રીતે મદદ કરે છે?

આપણે ભૂલો કરીએ ત્યારે, યહોવા તરત જ આપણો સાથ છોડી દેતા નથી. જો આપણે જોખમી રસ્તા તરફ જઈ રહ્યા હોઈએ, તો યહોવા કહે છે: ‘મારી તરફ પાછા ફરો તો, હું તમારી તરફ પાછો ફરીશ.’ (માલા. ૩:૭) આપણી કમજોરીઓ સામે આપણે લડી રહ્યા છીએ, એ વાત યહોવા સારી રીતે સમજે છે. પરંતુ, તે ચાહે છે કે જે ભૂંડું છે એને આપણે ધિક્કારીએ. (યશા. ૫૫:૭) એમ કરીશું તો, યહોવા વચન આપે છે કે તે આપણને બચાવશે અને ખોટી ઇચ્છાઓ વિરુદ્ધ લડવા શક્તિ આપશે.—ઉત. ૪:૭.

“છેતરાશો નહિ”

૭. સુલેમાનની યહોવા સાથેની મિત્રતા કઈ રીતે તૂટી ગઈ?

સુલેમાન યુવાન હતા ત્યારે, યહોવા સાથેની તેમની મિત્રતા ગાઢ હતી. ઈશ્વરે તેમને ડહાપણ આપ્યું અને યરૂશાલેમમાં સુંદર મંદિર બાંધવાનું મહત્ત્વનું કામ સોંપ્યું. પરંતુ, યહોવા સાથેની સુલેમાનની મિત્રતા તૂટી ગઈ. (૧ રાજા. ૩:૧૨; ૧૧:૧, ૨) ઈશ્વરનો નિયમ હતો કે રાજાએ ‘ઘણી સ્ત્રીઓ કરવી નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય.’ (પુન. ૧૭:૧૭) પરંતુ, સુલેમાને એ નિયમ પાળ્યો નહિ. સમય જતાં, તેમણે ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ કરી. (૧ રાજા. ૧૧:૩) એમાંની મોટાભાગની સ્ત્રીઓ ઇઝરાયેલી ન હતી અને જૂઠા દેવોને ભજતી હતી. ઈશ્વરે એવો નિયમ પણ આપ્યો હતો કે અન્ય પ્રજાની સ્ત્રીને પરણવું નહિ. આમ, સુલેમાને ઈશ્વરનો એ નિયમ પણ તોડ્યો હતો.—પુન. ૭:૩, ૪.

૮. સુલેમાને કઈ રીતે યહોવાને નારાજ કર્યા?

સુલેમાનના દિલમાંથી યહોવાના નિયમ માટેનો પ્રેમ ધીરે-ધીરે ઓસરતો ગયો. સમય જતાં, તેમણે ઘણી ખરાબ બાબતો કરી. તેમણે જૂઠાં દેવી-દેવતા આશતોરેથ અને કમોશ માટે વેદીઓ બાંધી. પછી, પોતાની પત્નીઓ સાથે તે આ જૂઠા દેવોને ભજવા લાગ્યા. અરે, સુલેમાને એ વેદીઓ યરૂશાલેમના મંદિરની સામેના પહાડ પર બનાવી હતી! (૧ રાજા. ૧૧:૫-૮; ૨ રાજા. ૨૩:૧૩) સુલેમાનને લાગ્યું હશે કે તે મંદિરમાં બલિદાનો ચઢાવે છે, એટલે યહોવા તેનાં ખરાબ કાર્યોને ચલાવી લેશે. પરંતુ, એવા વિચારોથી સુલેમાન પોતાને છેતરી રહ્યા હતા.

૯. સુલેમાને ઈશ્વરની ચેતવણીઓ સાંભળી નહિ ત્યારે શું થયું?

યહોવા પાપને ક્યારેય ચલાવી લેતા નથી. બાઇબલમાં લખ્યું છે: ‘યહોવા સુલેમાન પર ગુસ્સે થયા, કેમ કે સુલેમાનનું મન ઈશ્વર તરફથી ભટકી ગયું હતું. યહોવાએ તેમને બે વાર દર્શન આપ્યું હતું અને આજ્ઞા કરી હતી કે “તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહિ.” પણ યહોવાએ જે આજ્ઞા કરી હતી એ તેમણે પાળી નહિ.’ આમ, યહોવાએ સુલેમાનને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, સુલેમાને ઈશ્વરની કૃપા અને ટેકો ગુમાવી દીધાં. સુલેમાનના વંશજોને ઇઝરાયેલ પ્રજા પર રાજ કરવા મળ્યું નહિ અને વર્ષો સુધી તેઓએ મુશ્કેલીઓ સહેવી પડી.—૧ રાજા. ૧૧:૯-૧૩.

૧૦. કઈ બાબતોને લીધે યહોવા સાથેની આપણી મિત્રતા જોખમમાં આવી શકે?

૧૦ ઈશ્વરનાં ધોરણો સમજતા ન હોય કે એને માન આપતા ન હોય, એવા મિત્રો પસંદ કરવાનું પરિણામ શું આવી શકે? તેઓની અસર આપણા વિચારો પર પડી શકે અને યહોવા સાથેની મિત્રતા જોખમમાં આવી શકે. એવા મિત્રો મંડળમાંથી હોય શકે, જેઓ યહોવાના પાકા મિત્રો નથી. અથવા કદાચ તેઓ એવા સગાં-વહાલાં, પડોશીઓ, સાથે કામ કરનારા કે સાથે ભણનારા હોય શકે, જેઓ યહોવાના ભક્તો નથી. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવતા ન હોય, એવા લોકો સાથે વધારે સમય પસાર કરીશું તો, તેઓનો રંગ આપણને પણ લાગી શકે છે. પરિણામે, યહોવા સાથેની આપણી મિત્રતા તૂટી જઈ શકે.

તમારા મિત્રો કેવા છે? યહોવા સાથેની તમારી મિત્રતા પર તેઓની કેવી અસર પડે છે? (ફકરો ૧૧ જુઓ)

૧૧. મિત્રોની પસંદગી કરવા આપણને શું મદદ કરી શકે?

૧૧ ૧ કોરીંથીઓ ૧૫:૩૩ વાંચો. ખરું કે, મોટા ભાગના લોકોમાં અમુક સારા ગુણો હોય છે. યહોવાને ભજતા ન હોય એવા લોકો હંમેશાં ખરાબ બાબતો કરતા ન પણ હોય. એવા અમુક લોકોને તમે કદાચ ઓળખતા હશો. પરંતુ શું એનો અર્થ એવો થાય કે તેઓની સંગત સારી કહેવાય? એને સમજવા આ સવાલોનો વિચાર કરો: ‘તેઓ સાથે મિત્રતા કરવાથી યહોવા સાથેની મિત્રતા પર કેવી અસર પડશે? શું ઈશ્વરની નજીક જવા તેઓ તમને મદદ કરે છે? તેઓ માટે સૌથી મહત્ત્વનું શું છે? તેઓ શાના વિશે વાતચીત કરે છે? શું તેઓ મોટા ભાગે ફેશન, પૈસા, ઇલેક્ટ્રોનિક સાધનો, મનોરંજન જેવી બાબતો વિશે વાતો કર્યા કરે છે? શું તેઓ હંમેશાં બીજાઓની ભૂલો કાઢતા હોય છે? શું તેઓને ગંદા જોક્સ કહેવાનું ગમે છે?’ ઈસુએ ચેતવણી આપી હતી: “હૃદયમાં જે ભરેલું છે એ જ મુખમાંથી નીકળે છે.” (માથ. ૧૨:૩૪) જો તમને ખબર પડે કે એવા લોકો સાથે સમય વિતાવવાથી યહોવા સાથેનો સંબંધ જોખમમાં આવી શકે છે, તો તરત પગલાં ભરો. તેઓ સાથે સમય વિતાવવાનું ઓછું કરો અને જરૂર પડે તો તેઓ સાથેની મિત્રતા તોડી નાખો.—નીતિ. ૧૩:૨૦.

યહોવા ચાહે છે કે આપણે તેમને વફાદાર રહીએ

૧૨. (ક) ઇજિપ્ત છોડ્યા પછી યહોવાએ ઇઝરાયેલીઓને શું કહ્યું? (ખ) ઈશ્વરે ફક્ત તેમની જ ભક્તિ કરવાનું જણાવ્યું ત્યારે ઇઝરાયેલીઓએ શું કહ્યું?

૧૨ યહોવાએ ઇજિપ્તની ગુલામીમાંથી ઇઝરાયેલીઓને આઝાદ કર્યા હતા. એ પછીની ઘટનાઓ પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. લોકો સિનાઈ પહાડ પાસે ભેગા થયા હતા ત્યારે, એક અસાધારણ ઘટના બની! તેઓએ જોયું કે ગાઢ વાદળ છવાઈ ગયું છે, વીજળીઓ ચમકે છે અને ધુમાડો નીકળી રહ્યો છે. પછી ગર્જના થઈ અને રણશિંગડાનો મોટો અવાજ તેઓને સંભળાયો. (નિર્ગ. ૧૯:૧૬-૧૯) પછી યહોવાની વાણી સંભળાઈ કે તે ‘ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.’ તેમણે વચન પણ આપ્યું કે તેમને પ્રેમ કરનાર અને તેમની આજ્ઞા પાળનાર લોકોને તે વફાદાર રહેશે. (નિર્ગમન ૨૦:૧-૬ વાંચો.) યહોવા ચાહતા હતા કે ઇઝરાયેલીઓ આ વાત સમજે: જો તેઓ યહોવાને પક્ષે રહેશે, તો તે પણ તેઓને પક્ષે રહેશે. જો તમે પણ ઇઝરાયેલીઓના એ ટોળામાં હોત, તો તમને યહોવાના શબ્દો સાંભળીને કેવું લાગ્યું હોત? તમે પણ કદાચ ઇઝરાયેલીઓની જેમ આ જવાબ આપ્યો હોત: “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.” (નિર્ગ. ૨૪:૩) પરંતુ, એના થોડા જ સમય પછી ઇઝરાયેલીઓની વફાદારીની કસોટી થઈ. એવું તો શું બન્યું?

૧૩. કયા સંજોગોમાં ઇઝરાયેલીઓની વફાદારીની કસોટી થઈ?

૧૩ ઈશ્વરની ચમત્કારિક શક્તિ જોયા પછી ઇઝરાયેલીઓ ડરી ગયા. એટલે, મુસાએ સિનાઈ પહાડ પર જઈને તેઓ વતી યહોવા સાથે વાત કરી. (નિર્ગ. ૨૦:૧૮-૨૧) સમય વીતવા લાગ્યો પણ મુસા છાવણીમાં પાછા આવ્યા નહિ. તેઓને લાગ્યું કે આગેવાન વગર તેઓ વેરાન પ્રદેશમાં ફસાઈ ગયા છે. હવે તેઓ શું કરશે? ઇઝરાયેલીઓને પૃથ્વી પરના આગેવાન મુસા પર વધુ પડતો ભરોસો હોવાથી તેઓ ચિંતામાં ડૂબી ગયા. તેઓ હારૂનને કહેવા લાગ્યાં કે, ‘અમારી આગળ ચાલવા અમારે માટે ઈશ્વર બનાવો; કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મુસાનું શું થયું, એ અમે જાણતા નથી.’—નિર્ગ. ૩૨:૧, ૨.

૧૪. ઇઝરાયેલીઓ કેવા વિચારો દ્વારા પોતાને છેતરતા હતા અને એ વિશે યહોવાને કેવું લાગ્યું હતું?

૧૪ ઇઝરાયેલીઓ જાણતા હતા કે મૂર્તિપૂજા કરવી ખોટું છે. (નિર્ગ. ૨૦:૩-૫) તેમ છતાં, એ ભૂલીને તેઓ સોનાના વાછરડાંની ભક્તિ કરવા લાગ્યા! યહોવાની આજ્ઞા તોડી હોવા છતાં તેઓ એવું વિચારતા હતા કે તેઓ યહોવાના પક્ષે છે. તેઓ તો પોતાની જાતને જ છેતરી રહ્યા હતા. અરે, હારૂને વાછરડાંની ભક્તિને ‘યહોવા માટેનો પર્વ’ કહ્યો હતો! યહોવાએ શું કર્યું? તેમણે મુસાને કહ્યું કે લોકો “ભ્રષ્ટ થઈ ગયા છે.” વધુમાં, ‘જે માર્ગ તેમણે તેઓને ફરમાવ્યો હતો,’ એમાંથી તેઓ ભટકી ગયા છે. યહોવા એટલા ગુસ્સે ભરાયા કે તેમણે આખી ઇઝરાયેલ પ્રજાનો નાશ કરવાનું નક્કી કર્યું.—નિર્ગ. ૩૨:૫-૧૦.

૧૫, ૧૬. મુસા અને હારૂને કઈ રીતે બતાવી આપ્યું કે તેઓ પૂરા દિલથી યહોવાના પક્ષે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૫ યહોવા દયાના સાગર છે. તેમણે આખી પ્રજાનો નાશ કરવાનો વિચાર માંડી વાળ્યો અને તેઓને ફરી તક આપી. તેઓએ પોતાનાં કાર્યોથી બતાવવાનું હતું કે તેઓ ઈશ્વરના પક્ષે રહેવા ચાહે છે. (નિર્ગ. ૩૨:૧૪) મુસાએ જોયું કે મૂર્તિની આગળ લોકો બૂમો પાડી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે અને નાચી રહ્યા છે. તેમણે તરત જ સોનાના વાછરડાનો ભૂક્કો કરી નાખ્યો અને પોકાર કર્યો કે, ‘યહોવાના પક્ષનો હોય, તે મારી પાસે આવે અને લેવીના સર્વ પુત્રો તેમની પાસે એકઠા થયા.’—નિર્ગ. ૩૨:૧૭-૨૦, ૨૬.

૧૬ હારૂને સોનાનું વાછરડું બનાવ્યું હતું. પણ તેમણે પસ્તાવો કર્યો અને યહોવાના પક્ષે રહેવાનું નક્કી કર્યું. બીજા લેવીઓએ પણ એવું જ કર્યું. આમ, એ વફાદાર ભક્તોએ પાપીઓના પક્ષે ન રહેવાનો નિર્ણય લીધો. શું એ નિર્ણય યોગ્ય હતો? હા, કારણ કે એ દિવસે સોનાના વાછરડાને ભજનાર હજારો લોકો માર્યા ગયા. પરંતુ, યહોવાને પક્ષે રહેનાર લોકોનો બચાવ થયો અને ઈશ્વરે વચન આપ્યું કે તેઓ પર આશીર્વાદ વરસાવશે.—નિર્ગ. ૩૨:૨૭-૨૯.

૧૭. પાઊલે જે લખ્યું એમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૭ એમાંથી આપણને શું શીખવા મળે છે? પ્રેરિત પાઊલે કહ્યું હતું: “હવે, આ બધું આપણા માટે દાખલારૂપ છે.” તેથી, આપણે ક્યારેય ‘મૂર્તિપૂજક ન બનીએ.’ પાઊલે સમજાવ્યું કે “એ બનાવો એ માટે લખવામાં આવ્યા કે આપણને, એટલે કે જેઓ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે. તેથી, જે માને છે કે પોતે સ્થિર ઊભો છે, તે સાવધ રહે કે પોતે પડે નહિ.” (૧ કોરીં. ૧૦:૬, ૭, ૧૧, ૧૨) પાઊલે ધ્યાન દોર્યું કે યહોવાના ભક્તો પણ ખરાબ કામો કરવામાં ફસાય શકે છે. તેઓને કદાચ લાગે કે યહોવા હજી પણ તેમનો સ્વીકાર કરે છે. વ્યક્તિ યહોવાની મિત્ર બનવા ચાહતી હોય કે તેમને વફાદાર હોવાનો દાવો કરતી હોય, એટલે એનો અર્થ એમ નથી કે યહોવા તેનો સ્વીકાર કરે છે.—૧ કોરીં. ૧૦:૧-૫.

૧૮. કઈ બાબતને લીધે યહોવાથી દૂર થઈ જઈ શકીએ અને એનું શું પરિણામ આવશે?

૧૮ ઇઝરાયેલીઓએ ધાર્યું હતું એટલા સમયમાં મુસા પાછા આવ્યા નહિ, એટલે તેઓ અધીરા બની ગયા હતા. ધાર્યું હોય એ પ્રમાણે દુષ્ટ દુનિયાનો અંત આવે નહિ ત્યારે, આપણે પણ અધીરા બની જઈ શકીએ. એટલે આપણે કદાચ વિચારવા લાગીએ કે યહોવાના વચન પ્રમાણેનું ભાવિ હજુ ઘણું દૂર છે અથવા એ તો માત્ર એક સપનું જ છે. કદાચ આપણે યહોવાની ઇચ્છાને બદલે પોતાની ઇચ્છા પૂરી કરવા લાગીએ. સમય જતાં, યહોવાથી એટલા દૂર થઈ જઈએ કે કલ્પના કરી ન હોય એવી ખરાબ બાબતો કરવા લાગીએ.

૧૯. આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ અને શા માટે?

૧૯ યહોવા ચાહે છે કે, આપણે પૂરા દિલથી તેમની આજ્ઞા પાળીએ અને તેમની ભક્તિ કરીએ. (નિર્ગ. ૨૦:૫) તે શા માટે એવું ચાહે છે? કારણ કે તે આપણને પ્રેમ કરે છે. જો આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે નહિ કરીએ, તો આપણે શેતાનની ઇચ્છા પ્રમાણે કરવા લાગીશું. એમ કરીશું તો આપણને જ નુકસાન થશે. પાઊલે કહ્યું: “તમે યહોવાના પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ; તમે ‘યહોવાની મેજ’ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ.”—૧ કોરીં. ૧૦:૨૧.

યહોવાની નજીક રહો!

૨૦. આપણે ભૂલ કરી બેસીએ ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે?

૨૦ આપણે જોઈ ગયા કે કાઈન, સુલેમાન અને ઇઝરાયેલીઓ પાસે પસ્તાવો કરવાની અને પોતાનું વર્તન બદલવાની તક હતી. (પ્રે.કા. ૩:૧૯) પોતાના લોકો ભૂલો કરે ત્યારે યહોવા તરત જ તેઓનો સાથ છોડી દેતા નથી. યાદ કરો, તેમણે હારૂનને માફ કર્યા હતા. આજે આપણને ખોટાં કામોથી બચાવવા યહોવા પ્રેમથી ચેતવણી આપે છે. એ માટે તે બાઇબલ, આપણાં સાહિત્ય અને ભાઈ-બહેનોનો ઉપયોગ કરે છે. યહોવાની ચેતવણીઓને ધ્યાન આપીએ છીએ ત્યારે, ખાતરી રાખી શકીએ કે તે આપણા પર દયા વરસાવશે.

૨૧. આપણી વફાદારીની પરીક્ષા થાય ત્યારે શું કરવું જોઈએ?

૨૧ ઈશ્વર અપાર કૃપા બતાવે છે ત્યારે, એની પાછળ ચોક્કસ કોઈ હેતુ હોય છે. (૨ કોરીં. ૬:૧) એનાથી આપણને “ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓનો ત્યાગ” કરવાની તક મળે છે. (તિતસ ૨:૧૧-૧૪ વાંચો.) આ દુષ્ટ દુનિયામાં ડગલે ને પગલે આપણી વફાદારીની પરીક્ષા થતી રહેશે. તેથી, યહોવાના પક્ષે રહેવાની મનમાં ગાંઠ વાળીએ. ચાલો, આપણે ‘યહોવા ઈશ્વરનો ડર રાખીએ; તેમની જ સેવા કરીએ; અને તેમને જ વળગી રહીએ!’—પુન. ૧૦:૨૦.