સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈસુએ ખરેખર મારા માટે જીવન આપી દીધું?

શું ઈસુએ ખરેખર મારા માટે જીવન આપી દીધું?

બાઇબલમાં એવા વફાદાર ઈશ્વરભક્તોની લાગણીઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ “આપણા જેવા જ માણસ” હતા. (યાકૂ. ૫:૧૭) દાખલા તરીકે, પાઊલ જેવી લાગણી આપણને પણ થાય છે. તેમણે રોમનો ૭:૨૧-૨૪માં જણાવ્યું હતું, “હું સારું કરવા ચાહું છું ત્યારે, જે ખરાબ છે એ મારામાં હાજર હોય છે. . . . હું કેવો લાચાર માણસ છું!” પાઊલના એ શબ્દોથી આપણને ઉત્તેજન મળે છે. કારણ કે આપણે પણ પાપી વલણ સામે લડવું પડે છે.

પાઊલની બીજી લાગણીઓ વિશે પણ બાઇબલમાં જણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું: ‘ઈશ્વરના દીકરાએ મને પ્રેમ બતાવ્યો અને મારા માટે જીવ આપી દીધો.’ (ગલા. ૨:૨૦) પાઊલે પૂરી ખાતરીથી એવું કહ્યું. શું તમને પણ એવું લાગે છે? કદાચ દર વખતે નહિ લાગતું હોય.

અગાઉ કરેલી ભૂલોના લીધે કદાચ તમને લાગતું હોય કે તમે નકામા છો. એટલે એ માનવું અઘરું લાગે કે યહોવા તમને પ્રેમ કરે છે અને તમને માફ કર્યા છે. ઈસુએ બધા મનુષ્યો માટે પોતાનું જીવન આપી દીધું, જેમાં તમારો પણ સમાવેશ થાય છે. ઈશ્વર તરફથી મળેલી એ ભેટને સ્વીકારવું કદાચ તમને અઘરું લાગે. ચાલો જોઈએ કે એ વિશે ઈસુ શું વિચારતા હતા. એ સમજવા બે સવાલો જોઈએ.

પોતાના બલિદાનને ઈસુ કેવું ગણતા હતા?

ઈસુ ચાહે છે કે એ બલિદાનને આપણે એક ભેટ ગણીએ. એ ભેટ તો તેમણે આપણને બધાને આપી છે. એ શા પરથી કહી શકાય? ચાલો લુક ૨૩:૩૯-૪૩માં આપેલા બનાવની કલ્પના કરીએ. ઈસુને એક વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા છે. તેમની બાજુના વધસ્તંભ પર એક માણસ છે. તે ઈસુને જણાવે છે કે તેણે અગાઉ પાપ કર્યા હતા. એ માણસે ચોક્કસ ગંભીર પાપ કર્યા હશે. એટલે જ તેને આટલી મોટી સજા થઈ હતી. એ માણસ ચિંતામાં છે અને ઈસુને વિનંતી કરે છે: “તમે તમારા રાજ્યમાં આવો ત્યારે, મને યાદ કરજો.”

એ સાંભળીને ઈસુએ શું કર્યું? જરા વિચારો, એ ગુનેગાર તરફ ઈસુએ મોં ફેરવ્યું ત્યારે, તેમને કેટલી પીડા થઈ હશે! તોપણ તેમણે તેની સામે જોયું, પ્રેમાળ સ્મિત આપ્યું અને દિલાસો આપતા કહ્યું: “સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” ઈસુએ ચાહ્યું હોત તો તે ફક્ત એટલું કહી શક્યા હોત, ‘માણસનો દીકરો ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો.’ (માથ. ૨૦:૨૮) ઈસુના શબ્દોથી દેખાઈ આવ્યું કે તેમનું બલિદાન એ માણસ માટે પણ છે. તે મિત્રની સાથે વાત કરતા હોય એમ તેની સાથે વાત કરી. તેમણે “તું” અને “મારી સાથે” શબ્દો વાપર્યા. તેમણે એ માણસને બાગ જેવી પૃથ્વી પર જીવવાની આશા આપી.

ઈસુ જે બલિદાન આપવાના હતા, એનાથી પેલા માણસને પણ ફાયદો થવાનો હતો. ઈસુ ચાહતા હતા કે એ વાત તેને સમજાય. જે ગુનેગારને ઈશ્વરને ભજવાની તક મળી ન હતી, તેના માટે ઈસુના દિલમાં દયા હતી. તો જરા વિચારો, ઈશ્વરને ભજતી વ્યક્તિ, જેણે બાપ્તિસ્મા લીધું હોય તેના માટે ઈસુના દિલમાં કેટલી દયા હશે! અગાઉ આપણે પાપ કર્યા હોય તોપણ ઈસુના બલિદાનથી આપણને ફાયદો થશે. એવી ખાતરી રાખવા આપણને ક્યાંથી મદદ મળશે?

પાઊલને શાનાથી મદદ મળી?

પાઊલના સેવાકાર્યથી સાફ દેખાઈ આવતું કે તે ઈસુના બલિદાનને કેટલું કીમતી ગણતા હતા. એ વિશે તેમણે કહ્યું: “મને શક્તિ આપનારા આપણા પ્રભુ, ખ્રિસ્ત ઈસુનો હું આભારી છું, કેમ કે તેમણે મને ભરોસાપાત્ર ગણીને સેવાકાર્ય સોંપ્યું છે. એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને અભિમાની માણસ હતો.” (૧ તિમો. ૧:૧૨-૧૪) પાઊલને જે સોંપણી મળી, એનાથી તેમને ખાતરી થઈ કે ઈસુને તેમના પર દયા અને પ્રેમ છે. તે એ પણ જોઈ શક્યા કે ઈસુ તેમના પર ભરોસો રાખે છે. એવી જ રીતે, ઈસુએ આપણને બધાને ખુશખબર ફેલાવવાની સોંપણી આપી છે. (માથ. ૨૮:૧૯, ૨૦) શું એ સોંપણીથી આપણને ખાતરી મળે છે કે ઈસુએ આપણા માટે પણ જીવ આપી દીધો?

આલ્બર્ટ લગભગ ૩૪ વર્ષ સુધી બહિષ્કૃત રહ્યા. તેમણે ફરીથી યહોવાની ભક્તિ શરૂ કરી છે. તે જણાવે છે: ‘અગાઉ કરેલાં ખરાબ કામો મારા મનમાંથી જતાં નથી. પણ પ્રચારમાં જાઉં ત્યારે મને પ્રેરિત પાઊલ જેવું લાગે છે. મને લાગે છે કે ઈસુએ પોતે મને ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું છે. એનાથી મને ઘણું ઉત્તેજન મળે છે. હું મારા વિશે, મારા જીવન વિશે અને મારા ભવિષ્ય વિશે સારા વિચારો કેળવી શકું છું.’—ગીત. ૫૧:૩.

અલગ અલગ લોકોને શીખવો ત્યારે, તેઓને ખાતરી કરાવો કે ઈસુને તેઓ માટે દયા અને પ્રેમ છે

એલને અગાઉ કેટલાય ગુના કર્યા હતા અને તે ખૂબ મારામારી કરતા હતા. પછીથી તે સત્ય શીખ્યા. તે જણાવે છે: ‘આજે પણ વિચારું છું કે મેં લોકોને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું. એના લીધે અમુક વાર હું ખૂબ નિરાશ થઈ જાઉં છું. પણ હું યહોવાનો આભાર માનું છું કે તેમણે મારા જેવા પાપીને ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું છે. લોકો સંદેશો સાંભળે ત્યારે મને ખાતરી થાય છે કે યહોવા કેટલા ભલા અને પ્રેમાળ છે! મને લાગે છે કે જે લોકોની આજ, મારી વીતેલી કાલ જેવી છે, તેઓને મદદ કરવા યહોવા મારો ઉપયોગ કરે છે.’

પ્રચારમાં હોઈએ ત્યારે આપણે સારું કામ કરીએ છીએ અને આપણા મનમાં સારા વિચારો હોય છે. એનાથી એ યાદ રાખવા મદદ મળે છે કે ઈસુને આપણા માટે દયા અને પ્રેમ છે. તેમને આપણા પર ભરોસો છે.

યહોવા આપણાં હૃદયો કરતાં મહાન છે

શેતાનની દુષ્ટ દુનિયાનો અંત આવે ત્યાં સુધી અગાઉના પાપને લીધે આપણું મન ડંખ્યા કરશે. એવી લાગણીમાંથી બહાર આવવા શાનાથી મદદ મળશે?

જીનબહેન યુવાન હતા ત્યારે તેમનું વલણ કેવું હતું એ વિશે જોઈએ. તે ભાઈ-બહેનો અને માબાપ સાથે હોય ત્યારે સારી રીતે વર્તતા. તેઓ ન હોય ત્યારે મનફાવે એમ વર્તતા. એ વિશે આજે પણ ઘણી વાર તેમનું દિલ ડંખે છે. તે કહે છે, ‘“ઈશ્વર આપણા હૃદયો કરતાં મહાન છે” એ વાત મારા દિલને સ્પર્શી ગઈ છે.’ (૧ યોહા. ૩:૧૯, ૨૦) યહોવા અને ઈસુ સારી રીતે સમજે છે કે આપણે પાપી છીએ. એનાથી જીનની જેમ આપણને પણ દિલાસો મળે છે. યાદ રાખીએ કે યહોવા અને ઈસુએ બલિદાનની ગોઠવણ પાપી ન હોય એવા માણસો માટે નહિ, પણ પાપી માણસો માટે કરી હતી.—૧ તિમો. ૧:૧૫.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે લોકો સાથે કઈ રીતે વર્તતા હતા, એના પર આપણે મનન કરવું જોઈએ. તેમણે સોંપેલા ખુશખબર ફેલાવવાના કામમાં બનતું બધું કરવું જોઈએ. એમ કરીશું તો પાકી ખાતરી મળશે કે ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો. આમ, આપણે પણ પાઊલની જેમ કહી શકીશું, ઈસુએ “મને પ્રેમ બતાવ્યો અને મારા માટે જીવ આપી દીધો.”