સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૮

તમારી પાસે સત્ય છે એની પોતે ખાતરી કરો

તમારી પાસે સત્ય છે એની પોતે ખાતરી કરો

“તું જે શીખ્યો છે અને જેની સમજણ આપીને તને ખાતરી કરાવવામાં આવી છે, એ કરતો રહેજે.”—૨ તિમો. ૩:૧૪.

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

ઝલક *

૧. “સત્ય” એટલે શું?

“તમને સત્ય કઈ રીતે મળ્યું?” “શું તમે નાનપણથી સત્યમાં છો?” “તમે કેટલાં વર્ષોથી સત્યમાં છો?” તમને કોઈકે એ સવાલો પૂછ્યા હશે અથવા તમે કોઈકને એ સવાલો પૂછ્યા હશે. પણ “સત્ય” એટલે શું? આપણે સત્યની વાત કરીએ તો એમાં ત્રણ બાબતો આવે છે: આપણી માન્યતાઓ, આપણી ભક્તિ કરવાની રીત અને આપણી જીવવાની રીત. જે લોકો ‘સત્યમાં’ છે તેઓ જાણે છે કે બાઇબલ શું શીખવે છે. તેઓ એનાં ધોરણો પ્રમાણે જીવે છે. સત્યના લીધે તેઓને જૂઠાં શિક્ષણથી આઝાદી મળી છે. એટલે શેતાનની દુનિયામાં પણ અમુક હદે તેઓ સુખી છે.—યોહા. ૮:૩૨.

૨. યોહાન ૧૩:૩૪, ૩૫ પ્રમાણે અમુક લોકોને શરૂઆતમાં કઈ વાત ખૂબ ગમી હતી?

તમને કઈ વાતને લીધે સત્ય ગમવા લાગ્યું હતું? કદાચ યહોવાના સાક્ષીઓનાં વાણી-વર્તન અથવા તેઓનો બીજાઓ માટેનો પ્રેમ. (૧ પીત. ૨:૧૨) ઘણા લોકો પહેલી વાર સભામાં આવ્યા ત્યારે, તેઓના ધ્યાન પર એ આવ્યું હતું. તેઓને એ યાદ નહિ હોય કે ત્યાં શું શીખવવામાં આવ્યું હતું, પણ ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ તેઓને હજી યાદ છે. ઈસુએ પોતે કહ્યું હતું કે પ્રેમ જ તેમના શિષ્યોની ઓળખ છે. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ જોઈને તમારા દિલમાં શ્રદ્ધા જાગી હશે. પણ શ્રદ્ધા મજબૂત કરવા બીજું પણ કંઈક કરવાની જરૂર છે.

૩. શા માટે શ્રદ્ધા મજબૂત કરવા ભાઈ-બહેનો માટે પ્રેમ હોવો જ પૂરતું નથી?

શ્રદ્ધા મજબૂત કરવા ભાઈ-બહેનો માટે પ્રેમ હોવો એટલું જ પૂરતું નથી. શા માટે? કારણ કે જો આપણી શ્રદ્ધા ફક્ત પ્રેમના આધારે હશે તો એ સહેલાઈથી નબળી પડી શકે. દાખલા તરીકે, કોઈ વડીલ કે પાયોનિયર મોટું પાપ કરે તો શું આપણે યહોવાની ભક્તિ છોડી દઈશું? અથવા કોઈ ભાઈ કે બહેન આપણને માઠું લગાડે તો શું આપણે યહોવાની ભક્તિ બંધ કરી દઈશું? કે પછી કોઈ ભાઈ કે બહેન સત્ય છોડી દે અને એવું કહેવા લાગે કે યહોવાના સાક્ષીઓનું શિક્ષણ ખોટું છે, તો શું આપણે યહોવાની ભક્તિ નહિ કરીશું? બીજાઓ શું કહે છે કે શું કરે છે, એના આધારે આપણી શ્રદ્ધા મજબૂત થતી નથી. દાખલા તરીકે, ઘર બનાવવા ફક્ત રેતીનો જ નહિ, પણ એવા સામાનનો પણ ઉપયોગ કરીએ છીએ જે લાંબા સમય સુધી ટકી રહે છે. એવી જ રીતે શ્રદ્ધા મજબૂત કરવા આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ. એટલું જ નહિ આપણે બાઇબલનો દિલથી અભ્યાસ કરવો જોઈએ. જે શીખીએ છીએ એને સમજવું જોઈએ અને એ વિશે સાહિત્યમાંથી શોધખોળ કરવી જોઈએ. એમ કરીશું તો જ આપણને ખાતરી થશે કે યહોવા વિશે જે શીખીએ છીએ એ ખરેખર સાચું છે.—રોમ. ૧૨:૨.

૪. મુશ્કેલીઓ આવે ત્યારે માથ્થી ૧૩:૩-૬, ૨૦, ૨૧ પ્રમાણે અમુક લોકો શું કરે છે?

ઈસુએ કહ્યું હતું કે અમુક લોકો “આનંદથી” સત્ય સ્વીકારી લેશે. પણ તેઓ પર મુશ્કેલીઓ આવે ત્યારે તેઓની શ્રદ્ધા નબળી પડી શકે છે. (માથ્થી ૧૩:૩-૬, ૨૦, ૨૧ વાંચો.) કદાચ તેઓને ખબર ન હોય કે ઈસુની પાછળ ચાલવાથી અમુક મુશ્કેલીઓ આવશે. (માથ. ૧૬:૨૪) અથવા તેઓ એવું વિચારતા હોય કે યહોવાના સાક્ષી બનવાથી બધી મુશ્કેલીઓ ગાયબ થઈ જશે કે પછી ઈશ્વર તેઓ પર મુશ્કેલીઓ આવવા નહિ દે. પણ કડવી હકીકત તો એ છે કે આ દુનિયામાં જીવવું સહેલું નથી અને મુશ્કેલીઓ તો રહેવાની જ. સંજોગો ગમે ત્યારે બદલાઈ શકે છે અને થોડા સમય માટે આપણી ખુશી છીનવાઈ શકે છે.—ગીત. ૬:૬; સભા. ૯:૧૧.

૫. શા પરથી કહી શકાય કે અમુક ભાઈ-બહેનોને પૂરી ખાતરી છે કે તેઓ પાસે સત્ય છે?

મોટા ભાગનાં આપણાં ભાઈ-બહેનોને પૂરી ખાતરી છે કે તેઓ પાસે સત્ય છે. કોઈ ભાઈ કે બહેન તેઓને ઠેસ પહોંચાડે અથવા ખોટું કામ કરે તો, તેઓની શ્રદ્ધા ડગમગી જતી નથી. (ગીત. ૧૧૯:૧૬૫) પણ મુશ્કેલીઓ આવે ત્યારે તેઓની શ્રદ્ધા વધુ મજબૂત થાય છે. (યાકૂ. ૧:૨-૪) તેઓની જેમ તમે પોતાની શ્રદ્ધા કઈ રીતે મજબૂત કરી શકો?

‘ઈશ્વરના ખરા જ્ઞાનમાં વધતા જઈએ’

૬. પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ શ્રદ્ધા વધારવા શું કર્યું?

પ્રથમ સદીના ઈશ્વરભક્તોએ પોતાની શ્રદ્ધા વધારવા શું કર્યું? તેઓએ શાસ્ત્રનું અને ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન લીધું હતું. બાઇબલમાં એને ‘ખુશખબરનું સત્ય’ કહેવામાં આવે છે. (ગલા. ૨:૫) એ સત્યમાં એવા બધા શિક્ષણનો સમાવેશ થાય છે જે આપણે માનીએ છીએ. જેમ કે, ઈસુએ આપણને પાપમાંથી છોડાવવા પોતાનું જીવન આપી દીધું અને તેમને ફરી જીવતા કરવામાં આવ્યા. પ્રેરિત પાઊલને પૂરી ખાતરી હતી કે એ શિક્ષણ સાચું છે. એવું આપણે શાના આધારે કહી શકીએ? પાઊલ બીજાઓને ‘શાસ્ત્રમાંથી સાબિતી આપતા અને સમજાવતા કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને મરણમાંથી ઊઠવું જરૂરી હતું.’ (પ્રે.કા. ૧૭:૨, ૩) પ્રથમ સદીના ઈશ્વરભક્તો પણ એ શિક્ષણમાં માનતા હતા. તેઓ શાસ્ત્રની સમજ મેળવવા પવિત્ર શક્તિ પર આધાર રાખતા હતા. પોતાને ખાતરી મળે માટે તેઓએ શોધખોળ કરી કે એ શિક્ષણ શાસ્ત્રને આધારે છે કે નહિ. (પ્રે.કા. ૧૭:૧૧, ૧૨; હિબ્રૂ. ૫:૧૪) તેઓએ લાગણીઓમાં વહીને કે પછી ભાઈ-બહેનો સાથે હળવા-મળવાનું સારું લાગતું હોવાને લીધે યહોવામાં શ્રદ્ધા મૂકી નહિ. પણ તેઓની શ્રદ્ધા ‘ઈશ્વરના ખરા જ્ઞાનને’ આધારે હતી.—કોલો. ૧:૯, ૧૦.

૭. બાઇબલનાં સત્ય પર આપણને શ્રદ્ધા હશે તો કેવો ફાયદો થશે?

બાઇબલમાં આપેલાં સત્ય ક્યારેય બદલાતાં નથી. (ગીત. ૧૧૯:૧૬૦) મુશ્કેલીઓ આવે કે પછી કોઈ ભાઈ કે બહેન આપણને ઠેસ પહોંચાડે અથવા મોટું પાપ કરે તોપણ બાઇબલનાં સત્ય બદલાતાં નથી. બાઇબલનું શિક્ષણ આપણે સારી રીતે જાણતા હોવા જોઈએ અને એ સાચું છે એવી ખાતરી હોવી જોઈએ. જેમ એક હોડી લંગરના આધારે તોફાનમાં ટકી રહે છે, તેમ આપણી શ્રદ્ધા બાઇબલનાં સત્યને આધારે કસોટીમાં અડગ રહે છે. આપણે જે માનીએ છીએ એ જ સત્ય છે, એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ?

પોતે ‘ખાતરી કરીએ’

૮. બીજો તિમોથી ૩:૧૪, ૧૫ પ્રમાણે તિમોથીએ કઈ રીતે ખાતરી કરી કે તેમની પાસે સત્ય છે?

તિમોથીને પૂરી ખાતરી હતી કે તેમની પાસે સત્ય છે. તેમને શા માટે એવી ખાતરી હતી? (૨ તિમોથી ૩:૧૪, ૧૫ વાંચો.) તે નાના હતા ત્યારે તેમની માતા અને નાનીએ ‘પવિત્ર શાસ્ત્રમાંથી’ તેમને શીખવ્યું હતું. પછી તેમણે પોતે પણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. એમ કરીને તેમણે પોતે ‘ખાતરી કરી’ કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સાચું છે. સમય જતાં, તિમોથી, તેમની માતા અને નાનીએ ઈસુ ખ્રિસ્ત વિશેનું શિક્ષણ લીધું. તિમોથીએ જરૂર જોયું હશે કે ઈસુના શિષ્યો વચ્ચે કેટલો પ્રેમ છે! તે મંડળનાં ભાઈ-બહેનો સાથે સારો સંબંધ કેળવવા અને તેઓને મદદ કરવા માંગતા હતા. (ફિલિ. ૨:૧૯, ૨૦) પરંતુ તેમની શ્રદ્ધા ફક્ત એ વાતોને આધારે નહિ, પણ શાસ્ત્રમાંથી જે શીખ્યા હતા એના આધારે હતી. એટલે તે યહોવાની નજીક જઈ શક્યા. તિમોથીની જેમ આપણે પણ બાઇબલનો દિલથી અભ્યાસ કરવો જોઈએ. એનાથી આપણે ખાતરી કરી શકીશું કે બાઇબલમાં યહોવા વિશે જે કંઈ લખ્યું છે એ સાચું છે.

૯. બાઇબલનાં કયા ત્રણ મૂળ શિક્ષણની તમને ખાતરી હોવી જોઈએ?

સૌથી પહેલા આપણને ત્રણ વાતની ખાતરી હોવી જોઈએ, જે બાઇબલનું મૂળ શિક્ષણ છે. એક, યહોવા જ બધી વસ્તુઓના સર્જનહાર છે. (નિર્ગ. ૩:૧૪, ૧૫; હિબ્રૂ. ૩:૪; પ્રકટી. ૪:૧૧) બીજી, બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે અને એનો સંદેશો આપણા બધા માટે છે. (૨ તિમો. ૩:૧૬, ૧૭) ત્રીજી, યહોવાનું એક સંગઠન છે, તેમની ભક્તિ કરનાર લોકોને યહોવાના સાક્ષી કહેવામાં આવે છે અને તેઓના આગેવાન ઈસુ ખ્રિસ્ત છે. (યશા. ૪૩:૧૦-૧૨; યોહા. ૧૪:૬; પ્રે.કા. ૧૫:૧૪) એ ત્રણ મૂળ શિક્ષણની ખાતરી કરવા માટે જરૂરી નથી કે બાઇબલનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. એના બદલે, ‘સમજ-શક્તિનો’ ઉપયોગ કરીને પોતે ખાતરી કરો કે તમારી પાસે સત્ય છે.—રોમ. ૧૨:૧.

બીજાઓને ખાતરી કરાવીએ

૧૦. સત્ય શીખ્યા પછી આપણે બીજું શું કરવું જોઈએ?

૧૦ બાઇબલના એ ત્રણ મૂળ શિક્ષણની ખાતરી થયા પછી તમારે શું કરવું જોઈએ? તમારે બીજાઓને પણ એ વિશે બાઇબલમાંથી ખાતરી કરાવવી જોઈએ. શા માટે? કારણ કે ઈસુના શિષ્યો તરીકે આપણી જવાબદારી છે કે જે સત્ય શીખ્યા એ સાંભળનારાઓને શીખવીએ. * (૧ તિમો. ૪:૧૬) બાઇબલમાં આપેલાં સત્ય વિશે બીજાઓને ખાતરી કરાવીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા વધુ મજબૂત થાય છે.

૧૧. (ક) પાઊલ કઈ રીતે લોકોને શીખવતા હતા? (ખ) તેમની જેમ આપણે કઈ રીતે બીજાઓને શીખવી શકીએ?

૧૧ પ્રેરિત પાઊલ લોકોને શીખવતા ત્યારે, ‘તેઓ ઈસુમાં માને એ માટે મુસાના નિયમશાસ્ત્રમાંથી અને પ્રબોધકોનાં લખાણોમાંથી તેઓને સમજાવવાનો પ્રયત્ન કરતા.’ (પ્રે.કા. ૨૮:૨૩) આપણે પાઊલની જેમ લોકોને કઈ રીતે શીખવી શકીએ? આપણે તેઓને ફક્ત એટલું જ ન જણાવીએ કે બાઇબલ શું શીખવે છે, પણ બાઇબલમાંથી તેઓને સમજાવીએ. એમ કરવાથી તેઓ યહોવાની નજીક આવી શકશે. આપણે નથી ચાહતા કે તેઓ આપણને ખુશ કરવા સત્ય સ્વીકારે. એને બદલે તેઓ પોતે ખાતરી કરે કે ઈશ્વર વિશે જે શીખી રહ્યા છે એ સાચું છે અને પછી સત્ય સ્વીકારે.

માતાપિતાઓ, તમારાં બાળકોની શ્રદ્ધા મજબૂત કરવા તેઓને ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ શીખવો (ફકરા ૧૨-૧૩ જુઓ) *

૧૨-૧૩. બાળકો સત્યમાં ટકી રહે માટે માતાપિતાઓએ શું કરવું જોઈએ?

૧૨ માતાપિતાઓ, તમે ચોક્કસ એવું ચાહતા હશો કે તમારાં બાળકો સત્યમાં ટકી રહે. તમને થાય કે મંડળમાં બાળકોના સારા મિત્રો હશે તો તેઓની શ્રદ્ધા મજબૂત થશે. પણ એટલું જ પૂરતું નથી. તેઓનો યહોવા સાથે સારો સંબંધ હોવો જોઈએ. તેઓને ખાતરી હોવી જોઈએ કે બાઇબલ જે શીખવે છે એ સાચું છે.

૧૩ જો તમે બાળકોને યહોવા વિશે શીખવવા માગતા હો તો પોતે સારો દાખલો બેસાડો. તમે પોતે બાઇબલનો સારો અભ્યાસ કરો અને એના પર મનન કરો. એમ કરશો તો બાળકો પણ એવું શીખશે. જેમ બાઇબલ વિદ્યાર્થીઓને શીખવો છો, તેમ તમારાં બાળકોને પણ સાહિત્યમાંથી શોધખોળ કરવાનું શીખવો. જેમ કે, સંશોધન માર્ગદર્શિકા, વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અને JW લાઇબ્રેરી ઍપ પર શોધખોળ કરવી. જ્યારે એમ કરશો ત્યારે બાળકો પણ યહોવાને પ્રેમ કરવાનું શીખશે. એટલું જ નહિ “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા યહોવા બાઇબલની ખરી સમજણ આપી રહ્યા છે, એ વાત પર તેઓને ભરોસો થશે. (માથ. ૨૪:૪૫-૪૭) બાળકોને બાઇબલનું મૂળ શિક્ષણ શીખવવું જ પૂરતું નથી. પણ તેઓની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને તેઓને ‘ઈશ્વર વિશેની ઊંડી વાતો’ પણ શીખવો. એમ કરશો ત્યારે તેઓની શ્રદ્ધા મજબૂત થશે.—૧ કોરીં. ૨:૧૦.

બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરીએ

૧૪. શા માટે આપણે બાઇબલની ભવિષ્યવાણીનો અભ્યાસ કરવો જોઈએ? (“ શું તમે એ ભવિષ્યવાણીઓ સમજાવી શકો?” બૉક્સ પણ જુઓ.)

૧૪ ભવિષ્યવાણીઓ બાઇબલનો મહત્ત્વનો ભાગ છે. એનાથી ઈશ્વરમાં આપણી શ્રદ્ધા વધુ મજબૂત થાય છે. કઈ ભવિષ્યવાણીથી તમારી શ્રદ્ધા મજબૂત થઈ? કદાચ ‘છેલ્લા દિવસો’ વિશેની ભવિષ્યવાણીઓથી. (૨ તિમો. ૩:૧-૫; માથ. ૨૪:૩, ૭) એવી બીજી ભવિષ્યવાણીઓ પણ છે જેનાથી તમારી શ્રદ્ધા વધુ મજબૂત થઈ શકે. જેમ કે, શું તમે સમજાવી શકો કે દાનીયેલના અધ્યાય ૨ અને ૧૧માં કઈ ભવિષ્યવાણીઓ છે અને એ કઈ રીતે પૂરી થઈ રહી છે? * જો તમારી શ્રદ્ધા બાઇબલના આધારે હશે તો એ ક્યારેય ડગશે નહિ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં આપણાં ભાઈ-બહેનોએ ઘણી સતાવણી સહી હતી. ભલે તેઓને છેલ્લા દિવસો વિશે પૂરી સમજણ ન હતી, પણ બાઇબલમાં તેઓની શ્રદ્ધા અડગ હતી.

બાઇબલ અને એમાં આપેલી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરીશું તો કસોટીઓમાં પણ યહોવાને વફાદાર રહી શકીશું (ફકરા ૧૫-૧૭ જુઓ) *

૧૫-૧૭. બાઇબલનો અભ્યાસ કરવાથી આપણાં ભાઈ-બહેનોને નાઝી સરકારની સતાવણીઓ સહેવા કઈ રીતે મદદ મળી?

૧૫ જર્મનીમાં નાઝી સરકારનું રાજ હતું ત્યારે, આપણાં ભાઈ-બહેનોને જુલમી છાવણીમાં કેદ કરવામાં આવ્યાં હતાં. હિટલર અને તેનો મુખ્ય અધિકારી હાયન્રીક હિમલર યહોવાના સાક્ષીઓને નફરત કરતા હતા. એક બહેને જણાવ્યું કે એકવાર હિમલરે જુલમી છાવણીમાં બહેનોનાં ટોળાંને કહ્યું, ‘ભલે તમારો યહોવા સ્વર્ગમાં રાજ કરતો હોય, પણ અહીં ધરતી પર અમારું રાજ ચાલે છે. જોઈએ કે કોણ વધારે સમય સુધી ટકે છે, તમે કે અમે.’ એવા સમયે યહોવાના લોકોને વફાદારી જાળવવા ક્યાંથી મદદ મળી?

૧૬ એ બાઇબલ વિદ્યાર્થીઓને ખબર હતી કે ઈશ્વરનું રાજ ૧૯૧૪માં શરૂ થઈ ગયું છે. એટલે તેઓ સતાવણીનું કારણ જાણતા હતા. તેઓને ખાતરી હતી કે કોઈપણ સરકાર ઈશ્વરના હેતુને પૂરો થતા રોકી શકે એમ નથી. હિટલરે ઘણા ધમપછાડા કર્યા પણ તે સાચી ભક્તિને રોકી શક્યો નહિ. અરે, તે તો એવી સરકાર પણ લાવી શક્યો નહિ જે ઈશ્વરનાં રાજ્ય કરતાં વધુ શક્તિશાળી હોય. આપણાં ભાઈ-બહેનોને પૂરી ખાતરી હતી કે આગળ જતાં હિટલરના શાસનનો ચોક્કસ અંત આવશે.

૧૭ આપણાં ભાઈ-બહેનોએ જે વિચાર્યું હતું એવું જ થયું. થોડા જ સમયમાં નાઝી સરકાર પડી ભાંગી. હાયન્રીક હિમલર, જેણે કહ્યું હતું, ‘આ ધરતી પર અમારું રાજ ચાલે છે’ તેનું શું થયું? તે પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યો હતો. એ સમયે તેને લુબકેભાઈ મળ્યા. હિમલર જાણતો હતો કે લુબકેભાઈ યહોવાના સાક્ષી છે. હિમલર નિરાશ થઈ ગયો હતો. તેણે ભાઈને પૂછ્યું, ‘બાઇબલ વિદ્યાર્થી, હવે શું થવાનું છે?’ લુબકેભાઈએ જણાવ્યું કે યહોવાના સાક્ષીઓને પૂરી ખાતરી છે કે નાઝી સરકાર પડી ભાંગશે અને તેઓને છોડાવવામાં આવશે. હિમલર અગાઉ યહોવાના સાક્ષીઓ વિશે ઘણું બધું બોલતો હતો, પણ હવે તેની બોલતી બંધ થઈ ગઈ. થોડા સમય પછી તેણે આપઘાત કર્યો. એમાંથી આપણને શું શીખવા મળે છે? બાઇબલ અને એમાં આપેલી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરવાથી ઈશ્વરમાં આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. એટલે ભલે સતાવણી આવે પણ આપણે હિંમત હારીશું નહિ.—૨ પીત. ૧:૧૯-૨૧.

૧૮. યોહાન ૬:૬૭, ૬૮ પ્રમાણે શા માટે આપણી પાસે ‘સાચું જ્ઞાન અને પૂરી સમજણ’ હોવાં જોઈએ?

૧૮ પ્રેમ ઈશ્વરભક્તોની ઓળખ છે. એટલે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આપણામાં ‘સાચું જ્ઞાન અને પૂરી સમજણ’ પણ હોવાં જોઈએ. (ફિલિ. ૧:૯) જો એ નહિ હોય, તો આપણે ‘પવનથી અહીંતહીં ડોલાં ખાઈશું અને માણસોની વાતોમાં આવી જઈશું.’ એમાં એવા માણસો પણ આવી જાય જેઓ સાચો ધર્મ છોડીને વિરોધી બન્યા છે. (એફે. ૪:૧૪) પ્રથમ સદીમાં ઈસુના ઘણા શિષ્યોએ તેમના પગલે ચાલવાનું છોડી દીધું હતું. પણ પ્રેરિત પીતરે ઈસુમાં પૂરી શ્રદ્ધા રાખી અને કહ્યું કે ઈસુ પાસે જ “હંમેશ માટેના જીવનની વાતો” છે. (યોહાન ૬:૬૭, ૬૮ વાંચો.) એ સમયે પીતરને ઈસુની કહેલી વાતો વિશે પૂરી સમજ ન હતી, તોપણ તે ઈસુને વફાદાર રહ્યા. તેમને પૂરી ખાતરી હતી કે ઈસુ જ ખ્રિસ્ત છે. બાઇબલના શિક્ષણ પર તમને પણ એવો જ ભરોસો હોવો જોઈએ. જો એમ કરશો તો કસોટીમાં પણ તમારી શ્રદ્ધા અડગ રહેશે. તમે બીજાઓને પણ અડગ શ્રદ્ધા રાખવા મદદ કરી શકશો.—૨ યોહા. ૧, ૨.

ગીત ૧૦ હું હાજર છું તારા માટે

^ ફકરો. 5 આ લેખ આપણને એ સમજવા મદદ કરશે કે બાઇબલનું સત્ય ખૂબ જ કીમતી છે. આપણે જે માનીએ છીએ એ જ સત્ય છે એવો ભરોસો કઈ રીતે રાખી શકીએ? એ માટે આ લેખમાં અમુક રીતોની ચર્ચા કરીશું.

^ ફકરો. 10 બાઇબલના શિક્ષણ વિશે બીજાઓ સાથે વાત કરવા મદદ મળે માટે ચોકીબુરજ ૨૦૧૫માં આપેલી આ શૃંખલા જુઓ: “બાઇબલ વિષય પર ચર્ચા.” એમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી છે: “ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું?

^ ફકરો. 14 એ ભવિષ્યવાણીઓ વિશે વધુ જાણવા જૂન ૧, ૨૦૧૨ અને મે ૨૦૨૦ના ચોકીબુરજ જુઓ.

^ ફકરો. 60 ચિત્રની સમજ: કુટુંબ તરીકેની ભક્તિમાં માતા-પિતા પોતાનાં બાળકોને મહાન વિપત્તિ વિશેની ભવિષ્યવાણીઓ સમજાવી રહ્યાં છે.

^ ફકરો. 62 ચિત્રની સમજ: મહાન વિપત્તિ વખતે જે થઈ રહ્યું છે, એને જોઈને એ કુટુંબને નવાઈ લાગતી નથી.