સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

મારે જે કરવું જોઈએ, એ જ મેં કર્યું

મારે જે કરવું જોઈએ, એ જ મેં કર્યું

ડોનાલ્ડ રિડલી એક વકીલ હતા. તેમણે ત્રીસેક વર્ષ યહોવાના સાક્ષીઓ માટે વકીલાત કરી. તેમણે ડૉક્ટરો અને વકીલોને એ સમજવા મદદ કરી કે દરેક દર્દીને લોહી વગર સારવાર લેવાનો અધિકાર છે. તેમણે અમેરિકાની ઉચ્ચ અદાલતોમાં આપણી સંસ્થાને ઘણી જીતી અપાવી છે. તેમના મિત્રો પ્રેમથી તેમને ડોન કહેતા. તે ખૂબ જ મહેનતુ અને નમ્ર હતા. સંગઠનના કામ માટે તેમણે ઘણું બધું જતું કર્યું હતું.

૨૦૧૯માં ભાઈને ખબર પડી કે તેમને એક મોટી બીમારી છે, જેનો કોઈ ઇલાજ નથી. એ બીમારી તેમના શરીરમાં ફેલાઈ ગઈ અને ૧૬ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ તેમનું મરણ થયું. આ ડોનાલ્ડભાઈની જીવન સફર છે.

મારો જન્મ ૧૯૫૪માં થયો હતો. અમેરિકાના મિનેસોટા રાજ્યના સેન્ટ પોલ શહેરમાં હું જન્મ્યો હતો. મારું કુટુંબ રોમન કેથલિક હતું. અમારી પાસે બહુ પૈસા ન હતા, પણ અમને કોઈ વસ્તુની ખોટ ન હતી. મારો એક મોટો ભાઈ, એક નાનો ભાઈ અને બે નાની બહેન હતી. હું કેથલિક સ્કૂલમાં ભણતો હતો. ચર્ચના કામમાં હું પાદરીને મદદ કરતો, પણ મને બાઇબલ વિશે ખાસ કંઈ ખબર ન હતી. ચર્ચ પરથી મારો ભરોસો સાવ ઊઠી ગયો હતો, પણ હું એટલું તો માનતો કે ઈશ્વર આપણા સર્જનહાર છે.

હું સત્ય શીખ્યો

હું વિલિયમ મિશેલ કૉલેજ ઑફ લૉમાં ભણવા ગયો. હું કૉલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે, યહોવાના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. એ સમયે હું કપડાં ધોતો હતો, એટલે મેં તેઓને બીજા દિવસે આવવા કહ્યું. તેઓએ હા પાડી અને બીજા દિવસે આવ્યા. એ સમયે મેં તેઓને આ બે સવાલો પૂછ્યા: “સારા લોકો કરતાં ખરાબ લોકો કેમ વધારે સફળ થાય છે?” અને “આપણે કઈ રીતે ખુશ રહી શકીએ?” તેઓએ મને સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક અને ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ આપ્યું. બાઇબલનું કવર લીલા રંગનું હતું, જે ઘણું સુંદર દેખાતું હતું. મેં બાઇબલનો અભ્યાસ કરવાની હા પાડી. બાઇબલમાંથી જે શીખ્યો એનાથી મારી આંખો ખુલી ગઈ. મને જાણવા મળ્યું કે ઈશ્વરનું રાજ્ય એક એવી સરકાર છે, જે બધાં દુઃખ દૂર કરશે. એ મારા દિલને સ્પર્શી ગયું. મેં વિચાર્યું, ‘વાત તો સાચી છે, માણસોની સરકારો માણસજાતનું દુઃખ દૂર કરવામાં પૂરી રીતે નિષ્ફળ ગઈ છે. એ સરકારોએ દુઃખ-તકલીફો સિવાય બીજું શું આપ્યું છે?’

૧૯૮૨ની શરૂઆતમાં મેં યહોવાને સમર્પણ કર્યું. એ જ વર્ષે સેન્ટ પોલ સિવિક સેન્ટરમાં “રાજ્ય સત્ય” સંમેલનમાં મેં બાપ્તિસ્મા લીધું. બીજા અઠવાડિયે હું ફરીથી સિવિક સેન્ટર ગયો અને વકીલની પરીક્ષા આપી. ઑક્ટોબરમાં મને ખબર પડી કે હું પાસ થઈ ગયો. એટલે હવે હું વકીલાત કરી શકતો હતો.

“રાજ્ય સત્ય” સંમેલનમાં મારી મુલાકાત માઈક રિચર્ડસન સાથે થઈ. ભાઈ બ્રુકલિન બેથેલમાં સેવા આપતા હતા. તેમણે મને કહ્યું કે હવે મુખ્યમથકમાં લીગલ વિભાગ શરૂ થયો છે. એ સાંભળીને મને પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૬માં આપેલા ઇથિયોપિયાના અધિકારીના શબ્દો યાદ આવ્યા. મેં વિચાર્યું, ‘લીગલ વિભાગમાં કામ કરવા મને શું રોકે છે?’ એટલે મેં બેથેલમાં સેવા આપવા ફોર્મ ભર્યું.

હું યહોવાનો સાક્ષી બન્યો એનાથી મમ્મી-પપ્પા ખુશ ન હતા. પપ્પાએ કહ્યું, ‘તારા કૅરિયરનો વિચાર કર. તું બેથેલમાં કામ કરીને કેટલા પૈસા કમાઈશ?’ મેં તેમને કહ્યું કે હું ત્યાં સ્વયંસેવક તરીકે કામ કરીશ. બેથેલમાં સેવા આપનારાઓને જરૂરિયાતો પૂરી કરવા દર મહિને થોડી રકમ આપવામાં આવે છે.

એ સમયે હું નોકરી કરતો હોવાથી તરત બેથેલ ન જઈ શક્યો. ૧૯૮૪માં મેં બ્રુકલિન બેથેલમાં સેવા શરૂ કરી. મને લીગલ વિભાગમાં કામ સોંપવામાં આવ્યું. અદાલતમાં જે કંઈ અનુભવ મને મળ્યો હતો, એ આગળ જતાં લીગલ વિભાગમાં કામ આવ્યો.

સ્ટેનલી થિયેટરનું સમારકામ

સ્ટેનલી થિયેટર ખરીદ્યું ત્યારે આવું દેખાતું હતું

નવેમ્બર ૧૯૮૩માં સંસ્થાએ સ્ટેનલી થિયેટર ખરીદ્યું. એ થિયેટર ન્યૂ જર્સી રાજ્યના જર્સી શહેરમાં હતું. એ બિલ્ડીંગનું ઇલેક્ટ્રિક અને પ્લમબિંગનું સમારકામ કરવા ભાઈઓએ પરવાનગી માંગી. ભાઈઓ ત્યાંના અધિકારીઓને મળવા ગયા અને કહ્યું કે સ્ટેનલી થિયેટરને તેઓ યહોવાના સાક્ષીઓનું સંમેલનગૃહ બનાવવા માગે છે. પણ, એક મુશ્કેલી ઊભી થઈ. એ શહેરના કાયદા મુજબ, ભક્તિની જગ્યા ફક્ત એવા વિસ્તારોમાં હોવી જોઈએ જ્યાં લોકો રહેતા હોય. પરંતુ, સ્ટેનલી થિયેટર કોમર્શીયલ વિસ્તારમાં હતું. એટલે અધિકારીઓએ સમારકામ કરવાની મંજૂરી ન આપી. ભાઈઓએ ફરી વિનંતી કરી, પણ એને ફગાવી દેવામાં આવી.

બેથેલમાં મારું પહેલું જ અઠવાડિયું હતું અને સંગઠને એ મુદ્દાનો હલ લાવવા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ કર્યો. મેં બે વર્ષ મિનેસોટાની સેન્ટ પોલ ફેડરલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કામ કર્યું હતું. એટલે હું જાણતો હતો કે આવા કેસ કઈ રીતે લડવા જોઈએ. આપણા એક વકીલે દલીલ કરી કે ‘એ થિયેટરમાં અગાઉ પણ ઘણા કાર્યક્રમો થયા છે. જેમ કે, ફિલ્મો અને ગીત-સંગીતના કાર્યક્રમો. તો પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં શું વાંધો છે?’ ડિસ્ટ્રીક્ટ કોર્ટે એ બાબત પર વિચાર કર્યો અને આપણા પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિને ધર્મ પાળવાની આઝાદી છે. જર્સી શહેરને એ નિયમ ભંગ કરવાનો કોઈ હક નથી. કોર્ટે તેઓને મંજૂરી આપવાનું ફરમાન કર્યું. મેં પહેલી વાર જોયું કે યહોવા પોતાનું કામ આગળ વધારવા કઈ રીતે લીગલ વિભાગનો ઉપયોગ કરે છે. કેટલી ખુશીની વાત કહેવાય કે એ કામમાં ભાગ લેવાનો મને પણ લહાવો મળ્યો.

ભાઈઓએ એ મોટું સમારકામ શરૂ કર્યું. એક વર્ષની અંદર નવો સંમેલનગૃહ તૈયાર થઈ ગયો. ૮ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ ગિલયડના ૭૯મા વર્ગનો ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યો. લીગલ વિભાગમાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની સેવા કરવી, એ મારા માટે એક લહાવો હતો. બેથલમાં આવતા પહેલા પણ હું વકીલાત કરતો હતો. પણ જે ખુશી મને બેથેલમાં મળી એ પહેલા ક્યારેય મળી ન હતી. એ વખતે મેં વિચાર્યું પણ ન હતું કે એવા બીજા કેસો લડવા યહોવા મારો ઉપયોગ કરશે.

લોહી વગરની સારવાર માટે લડવું

૧૯૮૦ના દાયકામાં ડૉક્ટરો અને હૉસ્પિટલો દર્દીની ઇચ્છા પ્રમાણે કરતા ન હતા. તેઓ દર્દીની મરજી વિરુદ્ધ લોહી ચઢાવતા હતા. ગર્ભવતી બહેનોને વધારે મુશ્કેલી પડતી. જજનું માનવું હતું કે લોહી ચઢાવવા માટે ના પાડવાનો ગર્ભવતી સ્ત્રીઓને કોઈ હક નથી. કારણ કે લોહી ચઢાવવામાં ન આવે તો કદાચ માતા પોતાનું જીવન ગુમાવી બેસે. એવું થાય તો બાળકની સંભાળ કોણ રાખે?

૨૯ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ નિકેલોબહેનનું જીવન જોખમમાં આવી ગયું હતું. તેમણે થોડો સમય પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો. એમાં તેમનું બહુ લોહી વહી ગયું હતું. તેમનું હિમોગ્લોબીન પાંચથી પણ ઓછું થઈ ગયું હતું. એટલે ડૉકટરોએ તેમને લોહી ચઢાવવા પરવાનગી માગી પણ બહેને સાફ ના પાડી. બીજે દિવસે હૉસ્પિટલે એક કોર્ટ પાસે બહેનને લોહી ચઢાવવા માટે પરવાનગી માગી. કોર્ટે પરવાનગી આપી દીધી. એ માટે ન તો કેસ કરવામાં આવ્યો કે પછી એ બહેન કે તેમના પતિને પૂછવામાં આવ્યું.

બહેનના પતિ અને કુટુંબના સભ્યોએ ના પાડી હોવા છતાં, શુક્રવાર ૩૦ ડિસેમ્બરે હૉસ્પિટલે બહેનને લોહી ચઢાવી દીધું. એ સાંજે બહેનના કુટુંબના કેટલાક સભ્યોને અને એકાદ બે વડીલોને પકડવામાં આવ્યા. કારણ કે તેઓ બહેનને ઘેરીને ઊભા હતા, જેથી તેમને લોહી ચઢાવવામાં ન આવે. બીજે દિવસે એટલે કે શનિવાર ૩૧ ડિસેમ્બરે એ સમાચાર આખા ન્યૂ યૉર્ક શહેરમાં અને આજુબાજુના શહેરોમાં ફેલાઈ ગયા.

ક. યુવાનીમાં ફિલિપ બ્રમલી સાથે

સોમવાર સવારે મેં ઉચ્ચ અદાલતના એક જજ, મીલ્ટન મોલન સાથે વાત કરી. મેં તેમને એ કેસ વિશે માહિતી આપી. મેં તેમને જણાવ્યું કે એ કેસની સુનાવણી થયા વગર લોહી ચઢાવવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. મોલને મને સાંજે તેમની ઓફિસમાં બોલાવ્યો. તેમણે એ વિશે પૂરી ચર્ચા કરી અને કયા નિયમો લાગુ પડે છે એની વાત કરી. મારી સાથે લિગલ વિભાગની દેખરેખ રાખનાર ફિલિપભાઈ પણ આવ્યા. મીલ્ટને હૉસ્પિટલના વકીલને પણ બોલાવ્યો. અમારી વચ્ચે એટલી ગરમાગરમી થઈ ગઈ કે ભાઈ ફિલિપે મને લખીને જણાવ્યું “થોડા શાંત થાઓ.” એ સારી સલાહ હતી કારણ કે હૉસ્પિટલના વકીલને જૂઠો સાબિત કરવામાં હું તપી ઊઠ્યો હતો.

ખ. જે દિવસે અમેરિકાના સુપ્રિમ કોર્ટેમાં વોચટાવર વિરુદ્ધ સ્ટ્રેટન ગામનો કેસ લડવામાં આવ્યો, એ દિવસના આપણા વકીલો: (ડાબેથી જમણે) રિચર્ડ મોક, ગ્રેગોરી ઓલ્ડ્‌સ, પૉલ પૉલિડૉરો, ફિલિપ બ્રમલી, હું અને મારયો મોરેનો.—જાન્યુઆરી ૮, ૨૦૦૩નું સજાગ બનો! (અંગ્રેજી) જુઓ.

આશરે એક કલાક પછી, મોલનએ કહ્યું કે કાલે સવારે સૌથી પહેલા આ કેસની સુનાવણી થશે. જ્યારે અમે તેની ઑફિસમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેણે કહ્યું કે કાલે હૉસ્પિટલના વકીલને પોતાની વાત સાબિત કરવી અઘરું પડશે. મને લાગ્યું કે કેસ અમે જીતી જઈશું એવી યહોવા મને ખાતરી કરાવી રહ્યા છે. એ કેટલી નવાઈની વાત કહેવાય કે યહોવા સામાન્ય માણસોનો ઉપયોગ કરીને પોતાની ઇચ્છા પૂરી કરી રહ્યા છે!

અમે મોડી રાત સુધી કામ કર્યું અને બીજા દિવસે તેઓ સાથે કઈ દલીલ કરીશું એ વિશે વિચાર કર્યો. અદાલત બ્રુકલિન બેથેલની પાસે જ હતી. એટલે લીગલ વિભાગના ભાઈ-બહેનો ચાલીને ત્યાં ગયા. ચાર જજ સામે એ કેસની સુનાવણી થઈ. અદાલતે બહેનના પક્ષમાં ચુકાદો આપ્યો. તેઓએ કહ્યું કે એક દર્દીને પોતાની મરજી વિરુદ્ધ લોહી ચઢાવવું એ ખોટું છે. તેઓએ એમ પણ કહ્યું કે એ તો માનવ અધિકારની વિરુદ્ધ છે.

અમુક સમય પછી ન્યૂ યૉર્કની સૌથી મોટી અદાલતે પણ એ જ ચુકાદો આપ્યો કે નીકેલોબહેનને લોહી વગર પોતાની સારવાર કરાવવાનો હક છે. એ પછી મને અમેરિકાના બીજા રાજ્યોમાં પણ લોહીથી જોડાયેલા બીજા ત્રણ કેસ લડવાનો લહાવો મળ્યો. (“ અલગ અલગ રાજ્યોમાં સુપ્રિમ કોર્ટમાં જીત મળી” બૉક્સ જુઓ.) બેથેલના બીજા વકીલો સાથે મળીને મેં ઘણા કેસ લડ્યા હતા. જેમ કે, છૂટાછેડા, બાળકોને રાખવાનો હક અને જમીન અને માલમિલકતને લગતા કેસ.

મારું કુટુંબ

મારી પત્ની ડેનીસ સાથે

હું પહેલીવાર ડેનીસને મળ્યો ત્યારે તેના છૂટાછેડા થઈ ગયા હતા. અને તે એકલા હાથે ત્રણ બાળકોનો ઉછેર કરી રહી હતી. નોકરીની સાથે સાથે તે પાયોનિયરીંગ પણ કરી રહી હતી. ઘણી મુશ્કેલીઓ હોવા છતાં તે યહોવાની સેવામાં લાગુ રહી હતી. એ વાત મારા દિલને સ્પર્શી ગઈ. વર્ષ ૧૯૯૨માં ન્યૂ યૉર્ક શહેરમાં મહાસંમેલન થયું હતું, જેનો વિષય હતો “પ્રકાશ લાવનારાં.” એ વખતે મેં ડેનીસને પૂછ્યું, ‘શું આપણે ડેટિંગ કરી શકીએ?’ એના એક વર્ષ પછી અમે લગ્‍ન કર્યા. તે યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તે હસમુખા સ્વભાવની છે. અમે જીવનનાં ઘણાં વર્ષો સાથે વિતાવ્યાં છે. તેણે હંમેશાં મને સાથ આપ્યો છે. ડેનીસ ખરેખર, મારા માટે યહોવા તરફથી ભેટ છે!—નીતિ. ૩૧:૧૨.

અમારા લગ્‍ન થયા ત્યારે ડેનીસનાં બાળકોની ઉંમર ૧૧, ૧૩ અને ૧૬ વર્ષની હતી. હું તેઓ માટે સારો પિતા બનવા માગતો હતો. એટલે સાવકા મા-બાપ માટે આપણાં સાહિત્યમાં આપેલી સલાહ હું ધ્યાનથી વાંચવા લાગ્યો. મેં એ સલાહ પાળવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં મુશ્કેલીઓ તો આવી પણ સમય જતાં બાળકોએ મને પિતા તરીકે સ્વીકારી લીધો. બાળકો સાથે મારી સારી દોસ્તી થઈ ગઈ. બાળકોના મિત્રો ઘરે આવતા ત્યારે, અમે તેઓ સાથે હળતાં-મળતાં. તેઓના આવવાથી અમને પણ મજા આવતી.

૨૦૧૩માં અમારા વૃદ્ધ માબાપની કાળજી લેવા અમારે વિસ્કોન્સન જવું પડ્યું. નવાઈની વાત હતી કે મારી બેથેલ સેવા ચાલુ રહી. મને કહેવામાં આવ્યું કે લીગલ વિભાગમાં હું સ્વયંસેવક તરીકે સેવા આપી શકું છું.

જીવનમાં અણધાર્યો વળાંક

સપ્ટેમ્બર ૨૦૧૮માં મારા ધ્યાન પર આવ્યું કે મારા ગળામાંથી બહુ ગળફા નીકળે છે. મારા ડૉક્ટરે મને તપાસ્યો, પણ તેમને ખાસ કંઈ ખબર પડી નહિ. પછી બીજા ડૉક્ટરે મને મગજના ડૉક્ટર પાસે જવાનું કહ્યું. જાન્યુઆરી ૨૦૧૯માં ડૉક્ટરે મને કહ્યું કે કદાચ મને પ્રોગ્રેસિવ સુપરાનુક્લીયર પાલ્સી (પીએસપી) નામની બીમારી થઈ છે, જે બહુ ઓછા લોકોને થાય છે.

ત્રણ દિવસ પછી બરફ પર સ્કેટીંગ કરતા હું પડી ગયો અને મારા જમણા હાથના કાંડાંમાં ફ્રૅક્ચર થઈ ગયું. સ્કેટિંગ કરવું મારા ડાબા હાથનો ખેલ હતો, કારણ કે એ હું વર્ષોથી કરતો હતો. અકસ્માત પછી મને સમજાયું કે મારા માટે બેલેન્સ રાખવું અઘરું પડી રહ્યું છે. એ બીમારી શરીરમાં એટલી જલદી ફેલાવા લાગી કે મને બોલવામાં, ચાલવામાં અને ખોરાક ગળવામાં તકલીફ પડવા લાગી.

એ ખુશીની વાત છે કે યહોવાના સંગઠનમાં મને વકીલ તરીકે કામ કરવા મળ્યું. મને એવાં મૅગેઝિનમાં લેખો લખવાનો લહાવો મળ્યો કે જેને ઘણા ડૉક્ટરો, વકીલો અને જજ વાંચે છે. દુનિયાભરમાં રાખવામાં આવતા સેમિનારમાં મને ભાષણ આપવાની તક મળી. એમાં મેં લોકોને સમજાવ્યું કે શા માટે યહોવાના સાક્ષીઓ લોહી વગરની સારવાર કરાવે છે. એ બધા લહાવા મળ્યા હોવા છતાં, હું પણ બાઇબલના લેખક લુકની જેમ કહેવા માગું છું: ‘હું નકામો ચાકર છું. મારે જે કરવું જોઈએ, એ જ મેં કર્યું.’—લુક ૧૭:૧૦.