સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૦

સત્યના માર્ગે ચાલતા રહીએ

સત્યના માર્ગે ચાલતા રહીએ

“મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી શું હોય!”—૩ યોહા. ૪.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક *

૧. ત્રીજો યોહાન ૩, ૪ પ્રમાણે આપણને કઈ વાતથી ખુશી મળે છે?

પ્રેરિત યોહાને ઘણા લોકોને સત્ય શીખવ્યું હતું. એ વફાદાર ઈશ્વરભક્તો તેમનાં બાળકો જેવાં હતાં. તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. એટલે યોહાન તેઓને મદદ કરવા ખૂબ મહેનત કરી રહ્યા હતા. જરા વિચારો, તેઓ સત્યના માર્ગે ચાલી રહ્યા છે એ જાણીને તેમને કેટલી ખુશી થઈ હશે! આપણાં બાળકો કે પછી જેઓને સત્ય શીખવીએ છીએ તેઓ, યહોવાને સમર્પણ કરીને તેમની ભક્તિમાં લાગુ રહે છે. એ સમયે આપણને પણ ખુશી થાય છે.—૩ યોહાન ૩, ૪ વાંચો.

૨. યોહાને શા માટે એ પત્રો લખ્યા હતા?

યોહાન પાત્મસ ટાપુની જેલમાં કેદ હતા. યોહાન ત્યાંથી છૂટ્યા પછી ઈ.સ. ૯૮માં કદાચ એફેસસમાં કે પછી એની આજુબાજુ રહ્યા હશે. એ જ સમયગાળામાં તેમણે યહોવાની પવિત્ર શક્તિની મદદથી એ ત્રણ પત્રો લખ્યા. વફાદાર ઈશ્વરભક્તોને ઈસુમાં શ્રદ્ધા મજબૂત કરવા અને સત્યના માર્ગે ચાલતા રહેવા મદદ મળે માટે તેમણે એ પત્રો લખ્યા હતા.

૩. આ લેખમાં કયા સવાલોના જવાબ જોઈશું?

બધા પ્રેરિતોનું મરણ થઈ ગયું હતું, ફક્ત પ્રેરિત યોહાન જીવતા હતા. એ સમયે મંડળમાં જૂઠા શિક્ષકો ઘૂસી આવ્યા હતા. એટલે યોહાનને ભાઈ-બહેનોની ચિંતા કોરી ખાતી હતી. * (૧ યોહા. ૨:૧૮, ૧૯, ૨૬) એ જૂઠા શિક્ષકો યહોવાને ઓળખવાનો દાવો કરતા પણ તેમની આજ્ઞા પાળતા ન હતા. ચાલો જોઈએ કે યોહાને ઈશ્વરની પ્રેરણાથી કઈ સલાહ આપી હતી. આપણે આ ત્રણ સવાલોના જવાબ પણ જોઈશું: સત્યના માર્ગે ચાલવાનો શો અર્થ થાય? સત્યના માર્ગે ચાલવામાં કઈ મુશ્કેલીઓ આવે છે? સત્યમાં ટકી રહેવા એકબીજાને કઈ રીતે મદદ કરી શકીએ?

સત્યના માર્ગે ચાલવાનો શો અર્થ થાય?

૪. પહેલો યોહાન ૨:૩-૬ અને બીજો યોહાન ૪, ૬ પ્રમાણે આપણે સત્યમાં ચાલવા શું કરવું જોઈએ?

સત્યના માર્ગે ચાલવા બાઇબલમાં આપેલું સત્ય જાણવું જોઈએ. એટલું જ નહિ, આપણે ‘યહોવાની આજ્ઞાઓ પાળવી’ જોઈએ. (૧ યોહાન ૨:૩-૬; ૨ યોહાન ૪,  વાંચો.) યહોવાની આજ્ઞા પાળવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. એટલે યહોવાની આજ્ઞા પાળવાની એક સારી રીત છે કે, ઈસુને પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ.—યોહા. ૮:૨૯; ૧ પીત. ૨:૨૧.

૫. આપણને શાની ખાતરી હોવી જોઈએ?

સત્યના માર્ગે ચાલતા રહેવા આપણને શાની ખાતરી હોવી જોઈએ? યહોવા સત્યના ઈશ્વર છે અને તેમણે બાઇબલમાં જે લખાવ્યું છે એ બધું સાચું છે. આપણને એ પણ ખાતરી હોવી જોઈએ કે ઈસુ જ વચન પ્રમાણેના મસીહ છે. ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ છે, એ વાત પર ઘણા લોકોને શંકા થાય છે. યોહાને અગાઉથી ચેતવણી આપી હતી કે, ‘ઘણા છેતરનારાઓ’ આવશે. તેઓ એવા લોકોને ભમાવવાનો પ્રયત્ન કરશે, જેઓ યહોવા અને ઈસુમાં માને તો છે, પણ તેઓની શ્રદ્ધા એટલી મજબૂત નથી. (૨ યોહા. ૭-૧૧) યોહાને લખ્યું હતું: “જે નકાર કરે છે કે ઈસુ એ ખ્રિસ્ત છે, તે જૂઠો નહિ તો શું કહેવાય?” (૧ યોહા. ૨:૨૨) જો આપણે ચાહતા હોઈએ કે લોકો આપણને ન ભમાવે, તો બાઇબલનો દિલથી અભ્યાસ કરીએ. (યોહા. ૧૭:૩) એવું કરીશું તો જ ખાતરી થશે કે આપણી પાસે સત્ય છે.

સત્યના માર્ગે ચાલવામાં કઈ મુશ્કેલીઓ આવે છે?

૬. યુવાનોને સત્યના માર્ગે ચાલવા કઈ મુશ્કેલી આવી શકે?

બધા ઈશ્વરભક્તોએ દુનિયાનાં વિચારો અને શિક્ષણથી સાવચેત રહેવું જોઈએ. (૧ યોહા. ૨:૨૬) ખાસ કરીને યુવાનોએ એનાથી બચવાની જરૂર છે. એલેક્સિયા * ૨૫ વર્ષની છે. તે કહે છે: ‘સ્કૂલમાં ઉત્ક્રાંતિ અને ફિલસૂફી શીખવવામાં આવતાં હતાં. અમુક વાર એ શિક્ષણ મને એટલું ગમતું કે બાઇબલના શિક્ષણ પર મને શંકા થતી. પછી મને થયું કે મારે આંખો મીંચીને ટીચરની બધી વાત માની ન લેવી જોઈએ. પણ મારે યહોવાનું સાંભળવું જોઈએ.’ લાઈફ—હાઉ ડીડ ઈટ ગેટ હીયર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રિએશન? પુસ્તક એલેક્સિયાએ વાંચ્યું. થોડાં જ અઠવાડિયાંમાં તેની બધી શંકા દૂર થઈ ગઈ. તે કહે છે: ‘મેં પોતે ખાતરી કરી કે બાઇબલમાં જ સત્ય છે. મને સમજાયું કે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલવાથી મને સુખ-શાંતિ મળી શકે છે.’

૭. આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?

અમુક ઈશ્વરભક્તો યહોવાની ભક્તિ કરવાની સાથે સાથે ખોટાં કામ પણ કરે છે. પણ આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખી શકતા નથી. ભલે યુવાન હોઈએ કે વૃદ્ધ આપણે એ વાત યાદ રાખીએ. યોહાને કહ્યું હતું કે વ્યભિચાર જેવા ગંદાં કામો કરનાર માણસ ખરેખર સત્યના માર્ગે ચાલતો નથી. (૧ યોહા. ૧:૬) ભૂલીએ નહિ યહોવાની નજર ચારેબાજુ છે. એટલે તેમની કૃપા આપણા પર રહે એવાં કામ કરવાં જોઈએ. ભલે લોકો ખાનગીમાં ખોટાં કામ કરે પણ તેઓ યહોવાની નજરથી બચી શકતા નથી.—હિબ્રૂ. ૪:૧૩.

૮. આપણે કેવા વિચારોથી દૂર રહેવું જોઈએ?

પાપ વિશે દુનિયાના વિચારો અને યહોવાના વિચારોમાં આભ-જમીનનો ફરક છે. પ્રેરિત યોહાને લખ્યું હતું: “જો આપણે કહીએ કે, ‘આપણામાં પાપ નથી,’ તો આપણે પોતાને છેતરીએ છીએ.” (૧ યોહા. ૧:૮) યોહાનના સમયમાં, યહોવા વિરુદ્ધ જનારા લોકો કહેતા કે માણસ જાણીજોઈને પાપ કરે, તોપણ યહોવા સાથે સારો સંબંધ કેળવી શકે છે. આજે પણ ઘણા લોકોના એવા જ વિચારો છે. અમુક લોકો ઈશ્વરમાં માને છે, પણ પાપ વિશે ઈશ્વરના જે વિચારો છે એમાં માનતા નથી, ખાસ કરીને વ્યભિચાર જેવાં ગંદાં કામો વિશે. એવાં કામો યહોવા જરાય ચલાવી લેતા નથી. પણ લોકોનું માનવું છે કે આપણે પોતાની મરજીના માલિક છીએ અને મનફાવે એમ જીવી શકીએ છીએ.

યુવાનો, એ જાણવાનો પ્રયત્ન કરો કે યહોવાની નજરે શું સાચું છે અને શું ખોટું છે. એમ કરવાથી બીજાઓને સમજાવી શકશો કે તમે શા માટે કોઈ ખોટું કામ કરતા નથી (ફકરો ૯ જુઓ)  *

૯. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે કરવાથી યુવાનોને કેવો ફાયદો થાય છે?

યહોવાની ભક્તિ કરનાર યુવાનો માટે સેક્સ વિશે યોગ્ય વલણ રાખવું અઘરું થઈ ગયું છે. કારણ કે તેઓ સાથે ભણતા કે કામ કરતા લોકો સેક્સ વિશે બાઇબલના વિચારોમાં માનતા નથી. એટલે તેઓ વ્યભિચાર જેવાં ગંદાં કામ કરવા યુવાનો પર દબાણ કરે છે. એલેકઝાંડર સાથે એવું જ કંઈક બન્યું હતું. તે કહે છે ‘મારા સ્કૂલની અમુક છોકરીઓ મને સેક્સ માટે દબાણ કરતી હતી. મારી કોઈ ગર્લફ્રેન્ડ ન હોવાથી તેઓને લાગતું કે મને છોકરીઓમાં નહિ પણ છોકરાઓમાં રસ છે.’ જો તમારે પણ એવા સંજોગોનો સામનો કરવો પડે તો શું કરશો? બાઇબલ જે કહે છે એ ખરું છે, એવું માનશો તો તમે પોતાના વિશે સારું વિચારશો, તમારી તંદુરસ્તી સારી રહેશે, તમે ઉદાસ નહિ રહો અને યહોવા સાથે તમારો સંબંધ સારો રહેશે. તમે ખોટું કરવાની લાલચ ટાળશો તેમ, ખરું કરવું તમને સહેલું થઈ પડશે. સેક્સ વિશે દુનિયાના વિચારો તો શેતાન તરફથી છે. જો તમે દુનિયાના વિચારોથી દૂર રહેશો અને ઈશ્વરનાં ધોરણોને વળગી રહેશો તો ‘તમે દુષ્ટ પર જીત મેળવી શકશો.’—૧ યોહા. ૨:૧૪.

૧૦. પહેલો યોહાન ૧:૯માંથી કઈ રીતે આપણને સાફ દિલે યહોવાની ભક્તિ કરવા મદદ મળે છે?

૧૦ આપણે જાણીએ છીએ કે કેવાં કામોને પાપ ગણવાં એ નક્કી કરવાનો હક ફક્ત યહોવાને છે. આપણે પાપ ન કરી બેસીએ એ માટે બનતું બધું કરવું જોઈએ. પણ જો પાપ થઈ જાય તો પ્રાર્થનામાં યહોવા સામે આપણાં પાપ કબૂલ કરીએ અને માફી માગીએ. (૧ યોહાન ૧:૯ વાંચો.) જો મોટું પાપ થઈ જાય તો વડીલોની મદદ લઈએ. તેઓને યહોવાએ આપણી દેખરેખ રાખવા નીમ્યા છે. (યાકૂ. ૫:૧૪-૧૬) પણ અગાઉ કરેલાં પાપ માટે હજુ પણ વિચાર્યા કરીને પોતાને દોષી ન માનવા જોઈએ. શા માટે? કારણ કે પ્રેમાળ પિતા યહોવાએ આપણાં પાપ માફ કરવા પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. જ્યારે યહોવા કહે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને તે માફ કરે છે, ત્યારે તે પોતાના શબ્દોથી ક્યારેય પાછા ફરતા નથી. એ જાણીને આપણે સાફ દિલે યહોવાની ભક્તિ કરી શકીએ છીએ.—૧ યોહા. ૨:૧, ૨, ૧૨; ૩:૧૯, ૨૦.

૧૧. આપણી શ્રદ્ધા નબળી પાડે એવા શિક્ષણથી કઈ રીતે દૂર રહી શકીએ?

૧૧ સત્યમાં ભેળસેળ કરનાર શિક્ષણથી આપણે દૂર રહીએ. મંડળની શરૂઆત થઈ ત્યારથી યહોવાના વફાદાર ભક્તોની શ્રદ્ધા નબળી પાડવા શેતાન રાત-દિવસ એક કરી રહ્યો છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે ખરા-ખોટાનો ભેદ પારખવાનું શીખીએ. * આપણા દુશ્મનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણા વિશે અફવાઓ ફેલાવે. જો આપણે એના પર ધ્યાન આપીશું તો આપણી શ્રદ્ધા નબળી પડી શકે અને ભાઈ-બહેનો માટેનો આપણો પ્રેમ ઠંડો પડી શકે. એટલે એવાં જૂઠાણાં પર ક્યારેય ધ્યાન આપવું ન જોઈએ. યાદ રાખીએ કે એ બધા પાછળ તો શેતાનનો હાથ છે.—૧ યોહા. ૪:૧, ૬; પ્રકટી. ૧૨:૯.

૧૨. શ્રદ્ધા મજબૂત કરવા આપણે શું કરવું જોઈએ?

૧૨ શેતાનના હુમલાઓનો સામનો કરવા આપણે શું કરવું જોઈએ? ઈસુમાં આપણી શ્રદ્ધા અડગ રાખીએ. યહોવા પોતાનો હેતુ પૂરો કરવા ઈસુનો ઉપયોગ કરી રહ્યા છે એવો ભરોસો રાખીએ. યહોવા ફક્ત પોતાના સંગઠન દ્વારા આપણને માર્ગદર્શન આપી રહ્યા છીએ, એવી ખાતરી રાખીએ. (માથ. ૨૪:૪૫-૪૭) એ માટે આપણને ક્યાંથી મદદ મળશે? આપણે બાઇબલનો દરરોજ અભ્યાસ કરીએ. એમ કરીશું તો આપણી શ્રદ્ધા એવા ઝાડ જેવી થશે, જેના મૂળ ખૂબ ઊંડાં છે. પાઊલે એવું જ કંઈક કોલોસીના મંડળને પત્ર લખતી વખતે કહ્યું હતું. તેમણે કહ્યું: ‘જેમ તમે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુને સ્વીકાર્યા છે, તેમ તેમની સાથે એકતામાં ચાલતા રહો. તેમનામાં મૂળ ઊંડાં ઉતારો અને પ્રગતિ કરતા જાઓ, શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ.’ (કોલો. ૨:૬, ૭) જો શ્રદ્ધા મજબૂત કરવા મહેનત કરીશું, તો શેતાન અને તેના સાથીદારો આપણને સત્યના માર્ગમાં ચાલતા રોકી શકશે નહિ.—૨ યોહા. ૮, ૯.

૧૩. આપણે શું જાણીએ છીએ અને શા માટે?

૧૩ આપણે જાણીએ છીએ કે દુનિયા આપણો ધિક્કાર કરશે. (૧ યોહા. ૩:૧૩) યોહાને કહ્યું હતું, “આખી દુનિયા તે દુષ્ટના હાથમાં રહેલી છે.” (૧ યોહા. ૫:૧૯) આ દુનિયાનો અંત નજીક આવતો જાય છે તેમ શેતાન લાલપીળો થઈ રહ્યો છે. (પ્રકટી. ૧૨:૧૨) તે આપણા પર છૂપી રીતે હુમલો કરે છે. જેમ કે, વ્યભિચાર જેવાં ગંદા કામ કરવાની લાલચ લાવીને અને ઈશ્વર વિરુદ્ધનું શિક્ષણ ફેલાવીને તે આપણી શ્રદ્ધા કમજોર કરવાની કોશિશ કરે છે. શેતાન આપણા પર સીધેસીધો હુમલો પણ કરે છે. આપણી શ્રદ્ધા નબળી પાડવા તે આપણા પર સતાવણી લાવે છે. પ્રચાર કામ રોકવા અને આપણી શ્રદ્ધા કમજોર કરવા શેતાન પાસે થોડો જ સમય રહેલો છે, એ તે જાણે છે. એટલે અમુક દેશોમાં આપણા કામ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવે તો આપણને નવાઈ લાગતી નથી. પણ એ દેશોમાં આપણાં ભાઈ-બહેનો ધીરજ રાખીને યહોવાની સેવા કરી રહ્યા છે. ભલે શેતાન ગમે એટલા ધમપછાડા કરે પણ આપણી વફાદારી તોડી શકતો નથી.

સત્યમાં ટકી રહેવા એકબીજાને મદદ કરીએ

૧૪. ભાઈ-બહેનોને સત્યના માર્ગમાં ચાલતા રહેવા આપણે કઈ એક રીતે મદદ કરી શકીએ?

૧૪ ભાઈ-બહેનોને સત્યના માર્ગમાં ચાલતા રહેવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ? એક રીત છે તેમના માટે દયા બતાવીએ. (૧ યોહા. ૩:૧૦, ૧૧, ૧૬-૧૮) આપણે ભાઈ-બહેનોને સારા સંજોગોમાં જ નહિ, પરંતુ મુશ્કેલીઓમાં પણ પ્રેમ બતાવવો જોઈએ. દાખલા તરીકે, તમે કોઈ ભાઈ કે બહેનને ઓળખતા હશો, જેમણે પોતાના નજીકના સગાને મરણમાં ગુમાવ્યા હોય અથવા કુદરતી આફતનો સામનો કર્યો હોય. શું તમે તેમને દિલાસો આપી શકો અથવા કોઈ રીતે મદદ કરી શકો? તમને ખબર પડે કે કુદરતી આફતને લીધે ભાઈ-બહેનોએ પોતાના ઘર કે પ્રાર્થનાઘર ગુમાવ્યા છે. શું તમે એ ફરી બાંધવા તેઓને મદદ કરી શકો? ફક્ત શબ્દોથી જ નહિ પણ કામોથી પણ બતાવીએ કે આપણે ભાઈ-બહેનો માટે પ્રેમ અને દયા રાખીએ છીએ.

૧૫. પહેલો યોહાન ૪:૭, ૮માં જણાવ્યા પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

૧૫ એકબીજા માટે પ્રેમ બતાવીએ છીએ ત્યારે, આપણે પ્રેમાળ પિતા યહોવાના પગલે ચાલીએ છીએ. (૧ યોહાન ૪:૭, ૮ વાંચો.) પ્રેમ બતાવવાની એક મહત્ત્વની રીત છે કે એકબીજાને માફ કરીએ. દાખલા તરીકે, કોઈ આપણને માઠું લગાડે પછી માફી માંગે તો શું કરીશું? તેને માફ કરીએ અને તેની ભૂલ ફરી યાદ ન કરીએ. એમ કરીને આપણે તેના માટે પ્રેમ બતાવીએ છીએ. (કોલો. ૩:૧૩) ઑલ્ડોભાઈએ એવું જ કંઈ કર્યું હતું. તેમને એક ભાઈ માટે ખૂબ માન હતું. એ ભાઈએ ઑલ્ડોભાઈની જાતિ વિશે એવું કંઈક કહ્યું જેનાથી ઑલ્ડોભાઈને ખોટું લાગ્યું. તે કહે છે, ‘એ ભાઈની ભૂલ વિશે વિચાર્યા ન કરું એ માટે મેં યહોવાને ખૂબ પ્રાર્થના કરી.’ પ્રાર્થના કર્યા પછી તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા નહિ. પછી એ ભાઈ સાથે તે પ્રચારમાં ગયા. પ્રચાર કરતી વખતે ઑલ્ડોભાઈએ ભાઈને જણાવ્યું કે “મને તમારી વાતથી ઘણું ખોટું લાગ્યું છે.” ઑલ્ડોભાઈ કહે છે: ‘ભાઈને ખબર પડી કે મને ખોટું લાગ્યું છે ત્યારે, તેમણે તરત મારી માફી માંગી. તેમની વાતથી મને લાગ્યું કે પોતે કહેલા શબ્દો માટે તેમને ખૂબ અફસોસ થયો છે. અમે એ વાતને ભૂલીને પાછા મિત્રો બન્યા.’

૧૬-૧૭. આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૧૬ પ્રેરિત યોહાન ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે તે ચાહતા હતા કે તેઓની શ્રદ્ધા મજબૂત થાય. તેમના ત્રણ પત્રોમાં આપેલી સલાહથી એ વાત સાફ દેખાય આવે છે. ખ્રિસ્ત સાથે સ્વર્ગમાંથી રાજ કરનારાઓ પણ યોહાનની જેમ આપણને પ્રેમ કરે છે અને આપણી કાળજી રાખે છે. એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે!—૧ યોહા. ૨:૨૭.

૧૭ આ લેખમાંથી આપણને જે સલાહ મળી એને યાદ રાખીએ. સત્યના માર્ગે ચાલવાનો અને બધી બાબતોમાં યહોવાની આજ્ઞા પાળવાનો પાકો નિર્ણય લઈએ. બાઇબલનો અભ્યાસ કરીએ અને એમાં જે લખ્યું છે, એ ખરું છે એવો ભરોસો રાખીએ. ઈસુમાં પૂરી શ્રદ્ધા રાખીએ. દુનિયાનાં વિચારો અને શિક્ષણ તથા સત્યમાં ભેળસેળ કરનાર શિક્ષણથી દૂર રહીએ. આપણે દૂધમાં અને દહીંમાં પગ ન રાખીએ. જેઓ ખોટું કામ કરવા લલચાવે તો તેઓથી દૂર રહીએ. સેક્સને લગતા યહોવાનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલીએ. જેઓને જરૂર છે તેઓને મદદ કરીએ. કોઈ માઠું લગાડે તો તેને માફ કરીએ. એમ કરીશું તો મુશ્કેલીઓ હોવા છતાં સત્યના માર્ગે ચાલતા રહી શકીશું.

ગીત ૧૧ યહોવાને વળગી રહું

^ ફકરો. 5 આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે, જ્યાં શેતાનનું રાજ ચાલે છે. શેતાન જૂઠાનો બાપ છે. એટલે સત્યના માર્ગે ચાલવું લોઢાના ચણા ચાવવા જેવું છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ એવી જ મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેઓને અને આપણને મદદ મળે માટે યહોવાએ પ્રેરિત યોહાન પાસે ત્રણ પત્રો લખાવ્યા. એ પત્રોમાંથી જાણવા મળે છે કે સત્યના માર્ગે ચાલવા કઈ મુશ્કેલીઓ આવી શકે છે. એમાંથી એ પણ શીખીશું કે એવી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકીએ.

^ ફકરો. 6 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 11 ઑગસ્ટ, ૨૦૧૮ ચોકીબુરજમાં આપેલો આ અભ્યાસ લેખ જુઓ: “શું તમે બધી હકીકત જાણો છો?

^ ફકરો. 59 ચિત્રની સમજ: સ્કૂલમાં એક બહેન જુએ છે કે લોકોને સજાતીય સંબંધ રાખવામાં કંઈ જ ખોટું લાગતું નથી. (અમુક સમાજમાં, મેઘધનુષના રંગોને સજાતીય સંબંધની નિશાની ગણવામાં આવે છે.) પછી, બહેન પોતાની માન્યતા વિશે આપણાં સાહિત્યમાં શોધખોળ કરે છે. એની મદદથી તે સાચો નિર્ણય લઈ શકી.