જીવન સફર
મને યહોવાની સેવામાં ખુશી મળી
૧૯૫૮માં હું કેનેડા બેથેલમાં ગયો ત્યારે અઢાર વર્ષનો હતો. મને છાપકામ વિભાગની સાફ-સફાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. થોડા સમય પછી મને એક મશીન પર કામ કરવાની સોંપણી મળી. એમાં મારે છાપેલાં મૅગેઝિનોની કિનારીઓ કાપવાની હતી. મારા જીવનમાં બધું સરસ ચાલી રહ્યું હતું. મને બેથેલમાં કામ કરવાની ઘણી મજા આવતી.
એ પછીના વર્ષમાં બેથેલમાં એવી જાહેરાત કરવામાં આવી કે દક્ષિણ આફ્રિકાની શાખા કચેરીમાં એક નવી રોટરી પ્રિન્ટિંગ પ્રેસ લગાવી રહ્યા છે અને ત્યાં ભાઈઓની જરૂર છે. મેં નામ નોંધાવ્યું અને મને પસંદ કરવામાં આવ્યો ત્યારે મને ઘણી ખુશી થઈ. મારી સાથે બીજા ત્રણ ભાઈઓને પણ પસંદ કરવામાં આવ્યા: ડેનીસ લીચ, બિલ મેકલેલન અને કેન નોર્ડીન. અમને કહેવામાં આવ્યું કે અમારી જવાની ટિકિટ તો છે, પણ આવવાની નથી. એટલે અમારે ત્યાં વધારે રોકાવું પડશે.
મેં મમ્મીને ફોન કરીને કહ્યું: “મમ્મી મારે તમને એક ખબર આપવાની છે. હું દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છું.” મમ્મીએ ખાસ કંઈ કહ્યું નહિ. પણ હું જાણતો હતો કે તે મારા નિર્ણયથી ખુશ હતાં. તેમને યહોવામાં શ્રદ્ધા હતી અને યહોવા સાથે તેમનો પાકો સંબંધ હતો. મમ્મી–પપ્પાને દુઃખ હતું કે હું તેઓથી દૂર જઈ રહ્યો છું, પણ તેઓએ મને રોક્યો નહિ.
હું દક્ષિણ આફ્રિકા ગયો
અમને ચાર ભાઈઓને અમેરિકાના બ્રુકલિન બેથેલમાં મોકલવામાં આવ્યા. અમને ત્રણ મહિના છાપકામની ખાસ તાલીમ આપવામાં આવી. હું વીસ વર્ષનો થઈ ગયો હતો. અમે વહાણમાં દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં જવા નીકળ્યા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. પછી અમે જોહાનિસબર્ગ જવા ટ્રેન પકડી. અમે વહેલી સવારે એક નાનકડા શહેરમાં પહોંચ્યા, જેનું નામ કરુ હતું. એ રણપ્રદેશમાં હતું, જ્યાં ખૂબ ગરમી અને ધૂળ હતી. અમે ચારેય જણે ટ્રેનમાંથી બહાર ડોકિયું કર્યું અને વિચારવા લાગ્યા, ‘અરે, અમે ક્યાં આવી ગયા. શું અમે અહીં સેવા કરી શકીશું?’ વર્ષો પછી ફરી પાછા એ નાનકડાં શહેરોમાં આવ્યા ત્યારે અમને એ ખૂબ ગમ્યાં. લોકો ત્યાં સુખચેનથી જીવતા.
મેં ઘણાં વર્ષો એક મશીન પર કામ કર્યું. એ ગજબનું મશીન હતું, એ લાઈનોટાઈપ કહેવાતું. એની મદદથી ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનોનું છાપકામ થતું. એ શાખા કચેરીમાં આફ્રિકાની ઘણી બધી ભાષાઓનું છાપકામ થતું. અમે દુનિયાના બીજા છેડેથી આ રોટરી પ્રેસ પર કામ કરવા આવ્યા હતા. આ મશીનનો સારો ઉપયોગ થતો જોઈને અમને ઘણી ખુશી થતી.
પછી ભાષાંતર, છાપકામ અને શિપિંગ વિભાગની દેખરેખ રાખતી ઑફિસમાં હું કામ કરવા લાગ્યો. મને જરાય નવરાશ ન મળતી, પણ હું ખુશ હતો.
લગ્ન અને ખાસ પાયોનિયર સેવા
મેં ૧૯૬૮માં લોરા બોઅન સાથે લગ્ન કર્યા. તે બેથેલની નજીક રહેતી હતી અને પાયોનિયર હતી. તે ભાષાંતર વિભાગમાં ટાઇપિંગ પણ કરતી. એ સમયે નવાં પરણેલાં યુગલોને બેથેલમાં રાખવામાં આવતાં ન હતાં. એટલે અમને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યા. ખાસ પાયોનિયરને દર મહિને નાનકડી રકમ મળતી. હું દસ વર્ષ બેથેલમાં હતો ત્યારે ખાવા-પીવાની કોઈ જ ચિંતા ન હતી. પણ હવે ખાસ પાયોનિયરને જે પૈસા મળતા એમાં અમારું ગુજરાન ચલાવવાનું હતું. એ પૈસામાં અમારે ખાવા-પીવાનો, રહેવાનો, આવવા-જવાનો અને દવાનો ખર્ચો કાઢવાનો હતો. અરે, બીજા ખર્ચાઓ પણ જોવાના હતા. એ પૈસા ત્યારે જ મળતા જ્યારે અમે કલાકો પૂરા કરતા, ફરી મુલાકાતો કરતા અને સાહિત્ય આપતા.
અમને ડરબન શહેર નજીક સોંપણી મળી. એ શહેર હિન્દ મહાસાગરને કિનારે હતું, ત્યાં મોટા ભાગના લોકો ભારતીય હતા. તેઓના બાપદાદાઓ ૧૮૭૫માં ખાંડની ફેક્ટરીમાં કામ કરવા અહીં આવ્યા હતા. પણ હવે તેઓ બાપદાદાઓથી અલગ બીજું કામ કરે છે. તેઓને પોતાની સંસ્કૃતિ ઘણી વહાલી છે. તેઓનું ખાવા-પીવાનું ભારતીય છે. તેઓની રસોઈ ઘણી સ્વાદિષ્ટ હોય છે. તેઓને અંગ્રેજી આવડતું હોવાથી અમારે તેઓ સાથે વાત કરવા નવી ભાષા શીખવાની જરૂર પડી નહિ.
ખાસ પાયોનિયરે દર મહિને ૧૫૦ કલાક પ્રચાર કરવો પડતો. મેં અને લોરાએ વિચાર્યું કે પહેલા દિવસે ૬ કલાક કરીશું. અમારી પાસે કોઈ ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસ તો હતા નહિ. એટલે અમારે છ કલાક ફક્ત ઘરઘરનો જ પ્રચાર કરવાનો હતો. એ દિવસે બહુ ગરમી અને ભેજવાળું વાતાવરણ હતું. થોડી વાર પછી મેં ઘડિયાળમાં જોયું તો ખાલી ચાળીસ મિનિટ જ થઈ હતી. એટલે હું વિચારવા લાગ્યો, અમે પાયોનિયર સેવા કઈ રીતે કરીશું?
અમે તરત જ એક શેડ્યુલ બનાવ્યું અને પૂરી તૈયારી સાથે નીકળવા લાગ્યા. અમે ખાવા માટે સૅન્ડવિચ અને થર્મોસમાં દૂધ કે કૉફી ભરી લેતા. અમે વચ્ચે વચ્ચે અમારી નાની ગાડી ઝાડ નીચે ઊભી રાખીને કંઈક ખાઈ-પી લેતા. અમુક વાર ભારતીય બાળકો અમને ઘેરી લેતાં અને અમને જોયા કરતા, કારણ કે અમે અલગ દેખાતાં. થોડા દિવસોમાં તો એવું લાગવા માંડ્યું કે બે-ત્રણ કલાક પછી દિવસ ક્યાં નીકળી જાય એની ખબરેય ન પડતી.
અમે જે ભારતીયોને પ્રચાર કરતા તેઓ અમારી બહુ સારી મહેમાનગતી કરતા. તેઓ મહેમાનોને ખૂબ આદર આપતા અને તેઓ ધાર્મિક હતા. મોટા ભાગે તેઓ હિંદુ હતા. તેઓને યહોવા, ઈસુ, બાઇબલ, નવી દુનિયા અને મરણમાંથી પાછા ઉઠાડવાની આશા વિશે શીખવાનું બહુ ગમતું. અમને પણ તેઓને શીખવવામાં ઘણી ખુશી થતી. એક વર્ષ પછી અમારી પાસે વીસ બાઇબલ અભ્યાસ હતા. રોજ એવું થતું કે કોઈ એક બાઇબલ વિદ્યાર્થી સાથે અમે જમતા. અમને પાયોનિયર સેવામાં બહુ મજા આવતી.
અમુક સમય પછી મને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. અમારે હિન્દ મહાસાગરની કિનારે આવેલાં મંડળોની મુલાકાત લેવાની હતી. દર અઠવાડિયે અમે એક કુટુંબ સાથે રહેતાં અને મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરતા. અમે તેઓને ઉત્તેજન આપતા. અમે જે ઘરે રોકાતા તેઓ અમને કુટુંબની જેમ રાખતા. અમે તેઓનાં બાળકો સાથે સમય પસાર કરતા. તેઓનાં પાળેલા પ્રાણીઓ સાથે રમતાં. અમને અમારી સોંપણીમાં ઘણી મજા આવતી. જોતજોતામાં તો બે વર્ષ નીકળી ગયા. અચાનક એક દિવસે બેથેલમાંથી ફોન આવ્યો. ભાઈએ પૂછ્યું, “શું તમને બેથેલમાં પાછા આવવું ગમશે?” મેં કહ્યું: “સાચું કહું તો અમે જ્યાં છીએ ત્યાં ખુશ છીએ.” જોકે એવું કહ્યા પછી પણ અમે બેથેલ ગયા.
હું પાછો બેથેલ ગયો
બેથેલમાં હું સેવા વિભાગમાં કામ કરતો. ત્યાં મને ઘણા અનુભવી ભાઈઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ દિવસોમાં સરકીટ નિરીક્ષક મંડળની મુલાકાત બાદ મંડળનો રિપોર્ટ શાખા કચેરીને મોકલતા. એ પછી શાખા કચેરી મંડળને ઉત્તેજન અને જરૂરી માર્ગદર્શન આપવા પત્ર લખતી. એ માટે સેવા વિભાગના ભાઈઓએ ઘણી મહેનત કરવી પડતી. તેઓએ ખોસા, ઝુલુ અને બીજી ભાષાઓમાં લખાયેલા સરકીટ નિરીક્ષકોના પત્રોને અંગ્રેજીમાં ભાષાંતર કરવા પડતા. પછી શાખા કચેરી તરફથી મંડળો માટે લખાયેલા પત્રોનું તેઓ જે તે ભાષાઓમાં ભાષાંતર કરતા. એ ભાઈઓ પાસેથી ખબર
પડી કે આફ્રિકાનાં અશ્વેત ભાઈ-બહેનો ઘણી મુશ્કેલીઓ હોવા છતાં યહોવાની સેવા કરે છે.એ સમયે દક્ષિણ આફ્રિકાની સરકાર રંગભેદને ટેકો આપતી. અલગ અલગ જાતિના લોકો પોતપોતાના વિસ્તારમાં રહેતા. તેઓ બીજી જાતિના લોકો સાથે હળી-મળી શકતા નહિ. એના કારણે અશ્વેત ભાઈ-બહેનો પણ પોતાની જ ભાષા બોલતાં. એ જ ભાષામાં પ્રચાર કરતા અને એ જ ભાષાના મંડળમાં જતાં.
હું શરૂઆતથી અંગ્રેજી મંડળોમાં હતો. એટલે મને આફ્રિકાના અશ્વેત લોકો વિશે કંઈ વધારે ખબર ન હતી. પણ હવે મને તેઓની સંસ્કૃતિ અને રીતિ-રિવાજો વિશે જાણવાની તક મળી. ગામના લોકો બહુ ગરીબ હતા. તેઓ વધારે ભણેલા ગણેલા ન હતા. પણ તેઓ બાઇબલનો આદર કરતા. આપણાં અશ્વેત ભાઈ-બહેનોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. તેઓ પર જૂઠા રીતિ-રિવાજો પાળવાનું અને મેલીવિદ્યામાં ભાગ લેવાનું દબાણ કરવામાં આવતું. તેઓ ના પાડે ત્યારે તેમનું કુટુંબ અને આખું ગામ વિરોધ કરતું, તોપણ તેઓ હિંમતથી એ બધું સહેતાં.
રાજકારણમાં ભાગ ન લેવાને લીધે અને ભક્તિને લીધે ભાઈ-બહેનો પર ઘણા કેસ થયા. એ કેસમાં હું તેઓની મદદ કરતો. તેઓનાં ઘણાં બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. કેમ કે તેઓ બીજાં બાળકોની જેમ પ્રાર્થનાઓ અને ભક્તિગીતોમાં ભાગ ન લેતાં. એ બાળકોની હિંમત અને વફાદારી જોઈને મારી શ્રદ્ધા ઘણી મજબૂત થઈ.
આફ્રિકાના એક નાનકડા દેશ સ્વાઝીલૅન્ડમાં ભાઈ-બહેનોએ બીજી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યાંના રાજા શોભુઝા બીજાનું મોત થયું. નાગરિકોને કહેવામાં આવ્યું કે તેઓ શોક પાળે. પુરુષોએ મુંડન કરાવવાનું હતું અને સ્ત્રીઓએ વાળ ટૂંકા કરાવવાના હતા. આપણાં ભાઈ-બહેનોએ એમ કરવાની ના પાડી. કારણ કે એ તો પૂર્વજોની ભક્તિ સાથે જોડાયેલું હતું. એ માટે તેઓને ઘણા સતાવવામાં આવ્યાં પણ તેઓ વફાદાર રહ્યાં. તેઓએ ધીરજથી મુશ્કેલીઓનો સામનો કર્યો. એ જોઈને અમને ઘણી હિંમત મળી.
પાછા છાપકામ વિભાગમાં
૧૯૮૧માં મને ફરી છાપકામ વિભાગમાં સોંપણી મળી. એ સમયે છાપકામ માટે કોમ્પ્યુટર વાપરવાનું નવું નવું જ શરૂ થયું હતું. એ ઘણો રોમાંચક સમય હતો. છાપકામની રીત બદલાઈ રહી હતી. એક
સેલ્સમેને અમને ફોટોટાઈપસેટર મશીન થોડા સમય માટે વાપરવા આપ્યું. એ માટે અમારે તેને કોઈ પૈસા આપવાના નહોતા. એ મશીન કોમ્પ્યુટર દ્વારા છાપકામ પહેલાંની બધી તૈયારી કરી લેતું. એટલે અમારી પાસે જે નવ લાઈનોટાઈપ મશીન હતા એના બદલામાં અમે પાંચ ફોટોટાઈપસેટર મશીનો ખરીદી લીધા. એની સાથે અમે એક નવું રોટરી ઑફસેટ પ્રેસ પણ ખરીદી લીધું. એનાથી છાપકામ ઝડપથી થવા લાગ્યું.કોમ્પ્યુટરની મદદથી એક નવો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો. એને મેપ્સ એટલે કે મલ્ટીલેંગ્વેજ ઇલેક્ટ્રોનિક પબ્લિશિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર એ પ્રોગ્રામની મદદથી જાણકારી લે છે જેથી એને છાપી શકાય. અમે ચાર ભાઈઓ પહેલી વાર દક્ષિણ આફ્રિકા ગયા હતા, એના હિસાબે ટેક્નોલોજી બહુ આગળ નીકળી ગઈ હતી. (યશા. ૬૦:૧૭) અમારા ચાર ભાઈઓની વાત કરું તો અમારા લગ્ન થઈ ગયા હતા. અમે એવી બહેનો સાથે લગ્ન કર્યા જેઓ પાયોનિયર હતી અને યહોવાને ખૂબ પ્રેમ કરતી. હું અને બિલ બેથેલમાં સેવા કરીએ છીએ. પણ કેન અને ડેનીસને બાળકો છે. તેઓ બેથેલની નજીક જ રહે છે.
શાખા કચેરીમાં ઘણું કામ થઈ રહ્યું હતું. આપણાં સાહિત્યને ઘણી ભાષામાં ભાષાંતર કરવામાં આવતું. પછી એને છાપીને અલગ અલગ શાખામાં મોકલવામાં આવતું. બહુ જલદી અમને મોટા બેથેલની જરૂર પડી. એટલે જોહાનિસબર્ગની પશ્ચિમમાં ભાઈઓએ એક સુંદર જગ્યા જોઈ, ત્યાં નવું બેથેલ બાંધવામાં આવ્યું. ૧૯૮૭માં એનું સમર્પણ કરવામાં આવ્યું. એ વધારો જોવાનો લહાવો મળ્યો, એની મને ખુશી છે. વર્ષો સુધી દક્ષિણ આફ્રિકાની શાખા સમિતિમાં કામ કરવાની મને સુંદર તક મળી.
નવી સોંપણી
૨૦૦૧માં અમેરિકામાં નવી શાખા સમિતિ બની. એ સમિતિમાં કામ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે મને ઘણી નવાઈ લાગી. દક્ષિણ આફ્રિકામાં અમારી સેવા અને દોસ્તો છોડીને જવાનું દુઃખ તો હતું. પણ બીજી બાજુ અમને અમેરિકાના બેથેલ કુટુંબનો ભાગ બનવાની ખુશી હતી.
અમને લોરાની મમ્મીની ચિંતા હતી, કારણ કે તે વૃદ્ધ હતા. જો ન્યૂ યૉર્ક જઈએ તો અમે ત્યાંથી તેમની સંભાળ રાખી શકીએ એમ ન હતા. લોરાની ત્રણ બહેનોએ કહ્યું કે તેઓ મમ્મીની સંભાળ રાખશે. તેઓએ કહ્યું કે “અમે તો પૂરા સમયની સેવા નથી કરી શકતા પણ અમે ચાહીએ છીએ કે તમે એ કરો. એટલે મમ્મીની ચિંતા કરશો નહિ. અમે તેમની સંભાળ રાખીશું.” હું અને લોરા તેઓની ઘણી જ કદર કરીએ છીએ.
લોરાની બહેનોની જેમ મારાં ભાઈ-ભાભીએ પણ ટોરેંટો કેનેડામાં મમ્મીનું ધ્યાન રાખ્યું. એ સમયે મમ્મી વિધવા થઈ ગયાં હતાં. ભાઈ-ભાભીએ વીસ વર્ષ સુધી તેમની કાળજી લીધી. જોકે અમે ન્યૂ યૉર્ક પાછાં આવ્યાં એના થોડા સમયમાં મમ્મી ગુજરી ગયાં. હું ભાઈ-ભાભીનો આભાર માનું છું કે તેઓએ મમ્મીની પ્રેમથી સંભાળ રાખી. મને ખુશી છે કે અમને એવું કુટુંબ મળ્યું જે અમારા વૃદ્ધ માબાપની કાળજી રાખવા તૈયાર હતું. તેઓ માટે સહેલું ન હતું. પણ તેઓએ ખુશીથી એ કર્યું, જેથી અમે પૂરા સમયની સેવા કરી શક્યાં.
અમેરિકામાં અમુક વર્ષ મેં છાપકામ વિભાગની દેખરેખ રાખી. એ સમયમાં છાપકામ માટે નવી ટેક્નોલોજી વપરાતી, જેના લીધે છાપકામ બહુ સહેલાઈથી થતું. થોડા સમયથી હું ખરીદી વિભાગમાં કામ કરું છું. મને અમેરિકા બેથેલ આવ્યાને વીસ વર્ષ થઈ ગયા છે. અહીંનું બેથેલ કુટુંબ બહુ મોટું છે. પાંચ હજાર ભાઈ-બહેનો અહીં રહીને સેવા કરે છે. જ્યારે બે હજાર ભાઈ-બહેનો ઘરેથી કામ કરવા અહીં આવે છે.
મેં ૬૦ વર્ષ પહેલાં વિચાર્યું પણ ન હતું કે યહોવાની સેવામાં આટલા બધા આશીર્વાદો મળશે! એ બધાં વર્ષો દરમિયાન લોરાએ મને સાથ આપ્યો છે. અમે અલગ અલગ રીતોએ યહોવાની સેવા કરી, ઘણા બધા લોકો સાથે કામ કર્યું અને અલગ અલગ શાખા કચેરીમાં ગયાં. એ બધાં કામ કરવામાં અમને ઘણી ખુશી મળી. આજે મારી ઉંમર ૮૦થી વધુ વર્ષની છે. એટલે હવે મને બહુ કામ નથી આપવામાં આવતું. મોટા ભાગનું કામ યુવાન ભાઈઓ કરે છે. કારણ કે તેઓને એની તાલીમ મળી છે.
એક ગીતના લેખકે કહ્યું: “ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે!” (ગીત. ૩૩:૧૨) એ વાત કેટલી સાચી છે. યહોવાના લોકો સાથે ભેગા મળીને કામ કરવાનો લહાવો કેટલો અદ્ભુત છે, એ મેં પોતે અનુભવ્યું છે.