સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૯

આપણા આગેવાન ઈસુને સાથ આપીએ

આપણા આગેવાન ઈસુને સાથ આપીએ

“સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.”—માથ. ૨૮:૧૮.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઝલક *

૧. યહોવા શું ઇચ્છે છે?

 યહોવાની ઇચ્છા છે કે આખી દુનિયામાં રાજ્યની ખુશખબર ફેલાવવામાં આવે. (માર્ક ૧૩:૧૦; ૧ તિમો. ૨:૩, ૪) એ કામ એટલું મહત્ત્વનું છે કે તેમણે પોતાના વહાલા દીકરાને એની જવાબદારી સોંપી છે. ઈસુ જ એ જવાબદારી સૌથી સારી રીતે નિભાવી શકે છે. એટલે આપણે પાકી ખાતરી રાખી શકીએ કે દુનિયાના અંત પહેલાં, યહોવાની ઇચ્છા પ્રમાણે એ કામ જરૂર પૂરું થશે.—માથ. ૨૪:૧૪.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં જોઈશું કે ઈસુ કઈ રીતે “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા આપણને બાઇબલમાંથી શીખવે છે. એ પણ જોઈશું કે ઈસુ કઈ રીતે આખી દુનિયા ફરતે ચાલી રહેલા પ્રચારકામ માટે એ ચાકર દ્વારા માર્ગદર્શન આપે છે. (માથ. ૨૪:૪૫) આ લેખમાં શીખીશું કે આપણે કઈ રીતે ઈસુ તેમજ વિશ્વાસુ અને સમજુ ચાકરને સાથ આપી શકીએ.

ઈસુ પ્રચારકામમાં આગેવાની લે છે

૩. ઈસુને કયો અધિકાર આપવામાં આવ્યો છે?

ઈસુ આજે પ્રચારકામમાં આગેવાની લે છે. એવું આપણે કેમ કહી શકીએ? ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં ગાલીલમાં તેમણે અમુક વફાદાર શિષ્યોને શું કહ્યું એના પર ધ્યાન આપો. તેમણે કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.” એ કહ્યા પછી તરત તેમણે કહ્યું: “એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૮, ૧૯) એનાથી ખબર પડે છે કે ઈસુને પ્રચારકામમાં આગેવાની લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

૪. આપણે કેમ કહી શકીએ કે ઈસુ આજે પણ પ્રચારકામમાં આગેવાની લે છે?

ઈસુએ જણાવ્યું હતું કે ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ ‘બધા દેશોમાં’ થશે. તેમણે શિષ્યોને ખાતરી આપી કે ‘દુનિયાના અંત સુધી તે હંમેશાં તેઓની સાથે હશે.’ (માથ. ૨૮:૨૦) એટલે આપણે કહી શકીએ કે ઈસુ આજે પણ પ્રચારકામમાં આગેવાની લે છે.

૫. ગીતશાસ્ત્ર ૧૧૦:૩ની ભવિષ્યવાણી પૂરી કરવામાં આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ?

ઈસુને એ ચિંતા ન હતી કે દુનિયાના અંતના સમયે પ્રચાર કરવા માટે પૂરતા લોકો હશે કે નહિ. તે જાણતા હતા કે ગીતશાસ્ત્રની આ ભવિષ્યવાણી પૂરી થશે: “યુદ્ધના દિવસે તમારા લોકો ખુશીથી તમારી સાથે આવવા તૈયાર થશે.” (ગીત. ૧૧૦:૩) તમે પ્રચારકામમાં ભાગ લઈને ઈસુ તેમજ વિશ્વાસુ અને સમજુ ચાકરને સાથ આપો છો. એટલું જ નહિ, એ ભવિષ્યવાણી પૂરી કરવામાં પણ ભાગ લો છો. આજે પ્રચારકામ પૂરઝડપે ચાલી રહ્યું છે. જોકે એમાં અમુક પડકારો છે. ચાલો એ વિશે જોઈએ.

૬. આજે આપણી સામે કયો એક પડકાર છે?

એક પડકાર છે, વિરોધ. સત્યમાં ભેળસેળ કરતા લોકો, ધર્મગુરુઓ અને નેતાઓ આપણા વિશે ઘણાં જૂઠાણાં ફેલાવે છે. તેઓની વાતોમાં આવીને સગાં-સંબંધીઓ, ઓળખીતાઓ અથવા સાથે કામ કરતા લોકો કદાચ દબાણ કરે કે આપણે યહોવાની ભક્તિ છોડી દઈએ અને પ્રચાર બંધ કરી દઈએ. અમુક દેશોમાં આપણાં ભાઈ-બહેનોને ડરાવવા-ધમકાવવામાં આવે છે. તેઓ પર હુમલા થાય છે, તેઓની ધરપકડ થાય છે અને તેઓને કેદ કરવામાં આવે છે. એ જોઈને નવાઈ લાગવી ન જોઈએ. કેમ કે ઈસુએ કહ્યું હતું: “તમે મારા શિષ્યો છો એટલે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.” (માથ. ૨૪:૯) વિરોધ થાય ત્યારે યાદ રાખીએ કે આપણે ઈસુના પગલે ચાલીએ છીએ અને યહોવા આપણાથી ખુશ છે. (માથ. ૫:૧૧, ૧૨) આપણા વિરોધ પાછળ શેતાનનો હાથ છે. પણ ઈસુની સામે તેની કોઈ વિસાત નથી. આજે ઈસુની મદદથી આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવી રહી છે.

૭. પ્રકટીકરણ ૧૪:૬, ૭ની ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?

બીજો પડકાર છે, ભાષાઓ. આજે દુનિયામાં અલગ અલગ ભાષા બોલાય છે. લોકોને તેઓની ભાષામાં ખુશખબર જણાવવી આપણા માટે એક પડકાર છે. ઈસુએ પ્રેરિત યોહાનને દર્શનમાં જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં બધી ભાષાના લોકોને ખુશખબર જણાવવામાં આવશે. (પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો.) આજે એવું જ થઈ રહ્યું છે. આપણે બની શકે એટલા લોકોને તેઓની ભાષામાં સંદેશો જણાવીએ છીએ. લોકો આપણી વેબસાઇટ jw.org પર ૧,૦૦૦થી પણ વધારે ભાષામાં બાઇબલ આધારિત સાહિત્ય વાંચી શકે છે. હવે બાઇબલ અભ્યાસ કરવા આપણે દુઃખ જશે, સુખ આવશે પુસ્તક વાપરીએ છીએ. નિયામક જૂથે ૭૦૦થી પણ વધારે ભાષામાં એ પુસ્તકનું ભાષાંતર કરવાની મંજૂરી આપી છે. જેઓ સાંભળી નથી શકતા, તેઓ માટે સાઇન લેંગ્વેજમાં ઘણા વીડિયો બહાર પાડવામાં આવે છે. જેઓ જોઈ નથી શકતા, તેઓ માટે બ્રેઇલમાં સાહિત્ય બહાર પાડવામાં આવે છે. આપણી નજર સામે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ‘બધી ભાષાઓ અને પ્રજાઓના’ લોકો “શુદ્ધ ભાષા” શીખે છે. એટલે કે બાઇબલમાંથી સાચું શિક્ષણ મેળવે છે. (ઝખા. ૮:૨૩; સફા. ૩:૯) એ બધાં મોટાં મોટાં કામ પાર પડે છે, કેમ કે ઈસુ એકદમ સારી રીતે પ્રચારકામમાં આગેવાની લઈ રહ્યા છે.

૮. આજે પ્રચારકામનાં કેવાં સારાં પરિણામ મળી રહ્યાં છે?

આજે પ્રચારકામનાં સારાં પરિણામ મળી રહ્યાં છે. ૨૪૦ દેશોમાં ૮૦ લાખ કરતાં વધારે ભાઈ-બહેનો યહોવાના સંગઠનનો ભાગ છે. દર વર્ષે એક લાખથી વધારે લોકો બાપ્તિસ્મા લઈને આ સંગઠનમાં જોડાય છે. પણ સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ “નવો સ્વભાવ,” એટલે કે યહોવા ચાહે છે એવા ગુણો કેળવી રહ્યાં છે. (કોલો. ૩:૮-૧૦) તેઓમાંથી ઘણા લોકો અગાઉ વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા હતા. તેઓ હિંસક હતા, ભેદભાવ કરતા હતા. ફક્ત પોતાના જ દેશને ખૂબ પ્રેમ કરતા હતા. પણ પછી તેઓએ જીવનમાં ફેરફાર કર્યા. યશાયા ૨:૪ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. એમાં જણાવ્યું છે કે લોકો “ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.” આપણે સારા ગુણો કેળવવા મહેનત કરીએ છીએ. એ જોઈને ઘણા લોકો યહોવાના સંગઠન તરફ દોરાય છે. સારા ગુણો કેળવીને આપણે આગેવાન ખ્રિસ્ત ઈસુના પગલે પણ ચાલીએ છીએ. (યોહા. ૧૩:૩૫; ૧ પિત. ૨:૧૨) પ્રચારકામનાં સારાં પરિણામ કંઈ આપોઆપ આવી જતાં નથી. એ બધું ઈસુની મદદથી જ શક્ય બન્યું છે.

ઈસુએ એક ચાકર નીમ્યો છે

૯. માથ્થી ૨૪:૪૫-૪૭માં છેલ્લા દિવસો વિશે કઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે?

માથ્થી ૨૪:૪૫-૪૭ વાંચો. ઈસુએ ભવિષ્યવાણી કરી કે છેલ્લા દિવસોમાં તે “વિશ્વાસુ અને સમજુ ચાકર” નીમશે. તે એ ચાકર દ્વારા આપણને બાઇબલમાંથી માર્ગદર્શન આપશે. આજે એવું જ થઈ રહ્યું છે. ઈસુ અભિષિક્ત ભાઈઓના નાના સમુહ દ્વારા યહોવાના ભક્તો અને રસ ધરાવતા લોકોને “યોગ્ય સમયે ખોરાક” પૂરો પાડે છે, એટલે કે તેઓને બાઇબલનું શિક્ષણ આપે છે. એ ભાઈઓ સખત મહેનત કરે છે. પણ તેઓ પોતાને આપણી શ્રદ્ધાના માલિક સમજતા નથી. (૨ કોરીં. ૧:૨૪) એના બદલે તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્ત આપણા “આગેવાન અને અધિકારી” છે.—યશા. ૫૫:૪.

૧૦. ચિત્રમાં બતાવેલા કયા સાહિત્યમાંથી અભ્યાસ કરીને તમે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો?

૧૦ વિશ્વાસુ અને સમજુ ચાકરે ૧૯૧૯થી ઘણાં બધાં સાહિત્ય બહાર પાડ્યાં છે. એ સાહિત્ય યોગ્ય સમયે મળેલા ખોરાક જેવાં છે. એ વાંચીને રસ ધરાવતા લોકો બાઇબલ વિશે શીખી શક્યા. ૧૯૨૧માં એ ચાકરે ધ હાર્પ ઑફ ગૉડ નામનું પુસ્તક બહાર પાડ્યું. સમય બદલાતો ગયો તેમ બાઇબલ અભ્યાસ માટે અલગ અલગ સાહિત્ય બહાર પાડવામાં આવ્યાં. જેમ કે “લૅટ ગૉડ બી ટ્રુ,” સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે, તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પવિત્ર બાઇબલ શું શીખવે છે?, વોટ કેન ધ બાઇબલ ટીચ અસ? અને સૌથી નવું સાહિત્ય દુઃખ જશે, સુખ આવશે. યહોવાને ઓળખવા અને તેમની સાથે પાકી દોસ્તી કરવા તમે કયા સાહિત્યમાંથી અભ્યાસ કર્યો છે?

૧૧. યહોવા અને બાઇબલ વિશે શીખતા રહેવું કેમ જરૂરી છે?

૧૧ એવું નથી કે ફક્ત રસ ધરાવનાર લોકોએ જ યહોવા અને બાઇબલ વિશે વધારે શીખવાની જરૂર છે. આપણે બધાએ શીખતા રહેવાનું છે, એ ભારે ખોરાક લેતા રહેવાનો છે. પ્રેરિત પાઉલે કહ્યું, “ભારે ખોરાક પરિપક્વ લોકો માટે છે.” પાઉલે એ પણ જણાવ્યું કે આપણે બાઇબલમાંથી શીખીશું અને એનું શિક્ષણ જીવનમાં લાગુ પાડીશું તો ‘ખરું-ખોટું પારખી શકીશું.’ (હિબ્રૂ. ૫:૧૪) આજે દુનિયાના લોકોને નીતિ-નિયમોની કંઈ પડી નથી. યહોવાનાં ધોરણોને વળગી રહેવું આપણા માટે ઘણું અઘરું થઈ ગયું છે. પણ ઈસુ આપણી શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે. ઈસુની આગેવાની નીચે વિશ્વાસુ અને સમજુ ચાકર આપણને બાઇબલમાંથી મદદ પૂરી પાડે છે.

૧૨. ઈસુની જેમ આપણે કઈ રીતે યહોવાના નામનો મહિમા કર્યો છે?

૧૨ ઈસુએ હંમેશાં યહોવાના નામનો મહિમા કર્યો. આપણે પણ એવું જ કરીએ છીએ. (યોહા. ૧૭:૬, ૨૬) ૧૯૩૧માં આપણે યહોવાના સાક્ષીઓ નામ અપનાવ્યું. એ નામ બાઇબલમાંથી છે. એનાથી દેખાઈ આવ્યું કે પિતા યહોવાનું નામ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે અને આપણે એ નામથી ઓળખાવા માંગીએ છીએ. (યશા. ૪૩:૧૦-૧૨) એ વર્ષના ઑક્ટોબર મહિનાથી ચોકીબુરજના પહેલા પાન પર યહોવાનું નામ છાપવામાં આવે છે. પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં યહોવાનું નામ વપરાયું છે. એ નામ જ્યાં હોવું જોઈએ ત્યાં મૂકવામાં આવ્યું છે. આમ આપણે યહોવાના નામનો મહિમા કર્યો છે. પણ ચર્ચોએ પોતાનાં ઘણાં બાઇબલમાંથી યહોવાનું નામ કાઢી નાખ્યું છે. આપણું સંગઠન એ ચર્ચો કરતાં કેટલું અલગ છે!

ઈસુ સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે

૧૩. તમને કેમ ખાતરી છે કે ઈસુ આજે “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા સંગઠનને દોરે છે? (યોહાન ૬:૬૮)

૧૩ પૃથ્વી પર યહોવાની શુદ્ધ ભક્તિ થઈ શકે એ માટે ઈસુ “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા સંગઠનને દોરે છે. આપણે એ અજોડ સંગઠનનો ભાગ છીએ. એ જાણીને આપણને કેવું લાગે છે? કદાચ આપણને પ્રેરિત પિતર જેવું લાગે. તેમણે ઈસુને કહ્યું: “અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.” (યોહા. ૬:૬૮) જરા વિચારો, જો આપણે યહોવાના સંગઠનનો ભાગ ન હોત તો આપણું જીવન કેવું હોત. એ સંગઠન દ્વારા ઈસુ ખ્રિસ્ત આપણને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા અને યહોવાને વફાદાર રહેવા મદદ કરે છે. તે આપણને ખુશખબર સારી રીતે ફેલાવવાનું શીખવે છે. તેમ જ, “નવો સ્વભાવ” કેળવવા મદદ કરે છે, જેથી યહોવાને ખુશ કરી શકીએ.—એફે. ૪:૨૪.

૧૪. કોવિડ-૧૯ મહામારીમાં તમને યહોવાના સંગઠન દ્વારા કઈ રીતે મદદ મળી?

૧૪ અઘરા સમયમાં ઈસુ આપણને માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે, કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘણા લોકોને ખબર ન હતી કે તેઓએ શું કરવું અને શું ન કરવું. પણ ઈસુએ આપણને સંગઠન દ્વારા સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેથી આપણે સલામત રહી શકીએ. આપણને વારંવાર યાદ કરાવવામાં આવ્યું કે બહાર જઈએ ત્યારે માસ્ક પહેરીએ અને યોગ્ય અંતર જાળવીએ. વડીલોને જણાવવામાં આવ્યું કે તેઓ નિયમિત રીતે બધાં ભાઈ-બહેનોના ખબરઅંતર પૂછે. તેઓ જુએ કે ભાઈ-બહેનોને કઈ ચીજવસ્તુઓની જરૂર છે. તેઓની તબિયત સારી છે કે નહિ એ વિશે પૂછે. ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ અને હૂંફ મહેસૂસ કરી શકે એનું વડીલો ધ્યાન રાખે. (યશા. ૩૨:૧, ૨) આવા સમયમાં સંગઠને આપણને નિયામક જૂથ તરફથી વધારે માહિતી વીડિયો પણ આપ્યા. એ વીડિયોમાં સારું માર્ગદર્શન મળ્યું અને આપણી હિંમત વધી.

૧૫. (ક) મહામારી વખતે આપણને સભાઓ અને પ્રચાર વિશે કયું માર્ગદર્શન મળ્યું? (ખ) એનું શું પરિણામ આવ્યું?

૧૫ મહામારી શરૂ થઈ એના થોડા સમયમાં જ આપણને માર્ગદર્શન મળ્યું કે સભાઓ અને પ્રચાર કઈ રીતે થશે. રાતોરાત બધું બદલાઈ ગયું! સભાઓ, સંમેલનો અને મહાસંમેલનો ઓનલાઇન થવા લાગ્યાં. આપણે પત્ર અને ફોનથી ખુશખબર ફેલાવવા લાગ્યા. યહોવાએ આપણાં કામ પર આશીર્વાદ વરસાવ્યા. અનેક દેશોમાં પ્રકાશકોની સંખ્યામાં વધારો થયો. ઘણાં ભાઈ-બહેનોને પ્રચારમાં સારા અનુભવો થયાં.—“ યહોવા પ્રચારકામમાં આશીર્વાદ આપે છે” બૉક્સ જુઓ.

૧૬. આપણને કઈ વાતનો ભરોસો છે?

૧૬ મહામારી વખતે અમુક લોકોને લાગ્યું હશે કે આપણું સંગઠન વધારે પડતી સાવચેતી રાખવાનું કહે છે. પણ આપણે જોઈ શક્યા કે સંગઠન દ્વારા જે કંઈ માર્ગદર્શન મળ્યું, એનાથી આપણું જ રક્ષણ થયું. (માથ. ૧૧:૧૯) ઈસુને આપણી ખૂબ જ ચિંતા છે અને તે પ્રેમાળ રીતે આપણી આગેવાની લે છે. એના પર વિચાર કરીએ છીએ ત્યારે આપણો ભરોસો વધે છે કે ભલે આગળ જતાં કંઈ પણ થાય, યહોવા અને ઈસુ આપણો સાથ ક્યારેય નહિ છોડે.—હિબ્રૂઓ ૧૩:૫, ૬ વાંચો.

૧૭. આગેવાન ઈસુને સાથ આપીને તમને કેવું લાગે છે?

૧૭ ઈસુ આપણા આગેવાન છે, એ વાતની આપણને ઘણી ખુશી છે. આપણે એવા સંગઠનનો ભાગ છીએ જેમાં અલગ અલગ સંસ્કૃતિ, દેશ અને ભાષાના લોકો છે. આપણને સંગઠન તરફથી નિયમિત રીતે બાઇબલમાંથી માર્ગદર્શન મળે છે. ખુશખબર સારી રીતે ફેલાવી શકીએ માટે સૂચનો મળે છે. આપણને એ પણ શીખવવામાં આવે છે કે એકબીજાને પ્રેમ કરતા રહીએ અને નવો સ્વભાવ કેળવતા રહીએ. આપણને ગર્વ છે કે આપણા આગેવાન ઈસુને આપણે સાથ આપી શકીએ છીએ.

ગીત ૧૪ કદી દુઃખના કાંટા નહિ ખૂંચે

^ માલિક ઈસુ ખ્રિસ્ત આજે પ્રચારકામની આગેવાની લે છે. તેમની આગેવાની નીચે લાખો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જોરશોરથી ખુશખબર ફેલાવે છે. તમે પણ એમાં ભાગ લેતા હશો. આ લેખમાં આપણે પુરાવા જોઈશું કે આજે ઈસુ પ્રચારકામમાં આગેવાની લે છે. એ પુરાવા પર મનન કરીશું તો ઈસુને આધીન રહીને આપણે યહોવાની ભક્તિ કરતા રહી શકીશું.