સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૮

ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે

ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે

“દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું અને તેમના ખ્રિસ્તનું થયું છે.”—પ્રકટી. ૧૧:૧૫.

ગીત ૧૩૬ ધરતી પર તારું રાજ આવે

ઝલક *

૧. આજે કઈ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે અને એનાથી શું સાબિત થાય છે?

 આજે દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. કુટુંબોમાં તિરાડ પડી રહી છે. લોકો સ્વાર્થી, ગુસ્સાવાળા અને જુલમી થઈ ગયા છે. બેઈમાન અધિકારીઓ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે. આ બધું જોઈને કદાચ આપણને થાય, આ દુનિયા તો ક્યારેય સુધરવાની નથી, કદી સારા દિવસો નહિ આવે. હકીકતમાં દુનિયાની આવી હાલત જોઈને આપણો ભરોસો મજબૂત થવો જોઈએ કે બહુ જલદી બધું ઠીક થઈ જશે. બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે “છેલ્લા દિવસોમાં” લોકો આવા હશે. (૨ તિમો. ૩:૧-૫) એમાં કોઈ શંકા નથી કે એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. એનાથી સાબિત થાય છે કે ઈશ્વરના રાજ્યમાં ખ્રિસ્ત ઈસુએ રાજ કરવાનું શરૂ કર્યું છે. બાઇબલમાં ઈશ્વરના રાજ્યને લગતી ઘણી ભવિષ્યવાણીઓ છે. ચાલો એમાંની અમુક ભવિષ્યવાણીઓની ચર્ચા કરીએ, જે આપણા સમયમાં પૂરી થઈ છે. એ ભવિષ્યવાણીઓથી યહોવામાં આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે.

દાનિયેલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીઓ મોટા ચિત્રના નાના નાના ટુકડાઓ જેવી છે. એને જોડીને આપણે આખું ચિત્ર સરસ રીતે જોઈ શકીશું. એટલે કે પારખી શકીશું કે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે અને યહોવાના વચન પ્રમાણે અંત બહુ નજીક છે (ફકરો ૨ જુઓ)

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું અને કેમ? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

આ લેખમાં આપણે અમુક ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં એક ભવિષ્યવાણીની ચર્ચા કરીશું, જેનાથી ખબર પડશે કે ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થયું. પછી બીજી અમુક ભવિષ્યવાણીઓ જોઈશું. એનાથી આપણને આ સવાલનો જવાબ મળશે કે ખ્રિસ્ત ઈસુ હવે ઈશ્વરના રાજ્યના રાજા છે એવું કઈ રીતે કહી શકીએ? છેલ્લે બીજી અમુક ભવિષ્યવાણીઓથી જાણવા મળશે કે ઈશ્વરનું રાજ્ય કઈ રીતે દુશ્મનોનો નાશ કરશે. એ બધી ભવિષ્યવાણીઓ મોટા ચિત્રના નાના નાના ટુકડાઓ જેવી છે. એને જોડીને આપણે આખું ચિત્ર સરસ રીતે જોઈ શકીશું. એટલે કે પારખી શકીશું કે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે અને યહોવાના વચન પ્રમાણે અંત બહુ નજીક છે.

ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થયું?

૩. દાનિયેલ ૭:૧૩, ૧૪માં આપેલી ભવિષ્યવાણીથી શું જાણવા મળે છે?

દાનિયેલ ૭:૧૩, ૧૪ની ભવિષ્યવાણીથી ખાતરી મળે છે કે ઈશ્વરના રાજ્યના રાજા ખ્રિસ્ત ઈસુ હશે. તેમના કરતાં સારા રાજા બીજા કોઈ હોઈ જ ન શકે. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ખુશી ખુશી ‘તેમની સેવા કરશે.’ તેમની સત્તા કાયમ માટે રહેશે, એનો કદી અંત નહિ આવે. પણ ઈસુએ ક્યારે રાજ કરવાનું શરૂ કર્યું? દાનિયેલના પુસ્તકમાં એ વિશે બીજી પણ એક ભવિષ્યવાણી છે. એમાં જણાવ્યું છે કે સાત સમયના લાંબા સમયગાળા પછી ઈસુને રાજા બનાવવામાં આવશે. ચાલો જોઈએ કે એ સાત સમયો ક્યારે પૂરા થયા.

૪. ઈસુ ક્યારે રાજા બન્યા એ જાણવા દાનિયેલ ૪:૧૦-૧૭ આપણને કઈ રીતે મદદ કરે છે? (ફૂટનોટ પણ જુઓ.)

દાનિયેલ ૪:૧૦-૧૭ વાંચો. ભવિષ્યવાણીમાં જણાવેલા “સાત સમયો” ૨,૫૨૦ વર્ષને રજૂ કરે છે. ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ યરૂશાલેમ પર હુમલો કર્યો. એ શહેરના રાજાને હરાવ્યો. ત્યાર પછીના ૨,૫૨૦ વર્ષ સુધી યહોવા તરફથી કોઈએ રાજ ન કર્યું. ૧૯૧૪માં એ સાત સમયોનો અંત આવ્યો. યહોવાએ ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા, ‘જેમની પાસે કાયદેસરનો હક છે.’ *હઝકિ. ૨૧:૨૫-૨૭.

૫.‘સાત સમયોની’ ભવિષ્યવાણીથી આપણને કઈ ખાતરી મળે છે?

આ ભવિષ્યવાણી સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? આપણને ખાતરી મળે છે કે યહોવા પોતાનાં વચનો સમયસર પૂરાં કરે છે. ‘સાત સમયોની’ ભવિષ્યવાણી એના યોગ્ય સમયે પૂરી થઈ. ઈશ્વરનું રાજ્ય સમયસર શરૂ થયું. એટલે યહોવા ચોક્કસ બીજી ભવિષ્યવાણીઓ પણ યોગ્ય સમયે પૂરી કરશે. યહોવાનો દિવસ ‘મોડો પડશે નહિ!’—હબા. ૨:૩.

ખ્રિસ્ત ઈસુ હવે ઈશ્વરના રાજ્યના રાજા છે એવું કઈ રીતે કહી શકીએ?

૬. (ક) કઈ નિશાનીઓથી ખબર પડે છે કે ખ્રિસ્તે સ્વર્ગમાં રાજ શરૂ કરી દીધું છે? (ખ) પ્રકટીકરણ ૬:૨-૮ની ભવિષ્યવાણીથી પણ કઈ રીતે સાબિત થાય છે કે ખ્રિસ્તે પોતાનું રાજ શરૂ કરી દીધું છે?

સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુએ શિષ્યોને જણાવ્યું હતું કે તે રાજ કરવાનું શરૂ કરશે ત્યારે પૃથ્વી પર કેવા બનાવો બનશે. તેમણે જણાવ્યું કે યુદ્ધો, દુકાળો અને ધરતીકંપો થશે. તેમણે એમ પણ કહ્યું, “એક પછી એક ઘણી જગ્યાએ” રોગચાળો ફેલાશે. આપણે બધાએ જોયું કે કોવિડ-૧૯ મહામારીએ કઈ રીતે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી. બાઇબલમાં જણાવ્યું છે કે આ બધા બનાવો ખ્રિસ્તની હાજરીની ‘નિશાનીઓ’ છે. (માથ. ૨૪:૩, ૭; લૂક ૨૧:૭, ૧૦, ૧૧) ઈસુએ શિષ્યોને એ જણાવ્યું એના લગભગ ૬૦ વર્ષ પછી, તેમણે પ્રેરિત યોહાનને પણ એવું જ કંઈક જણાવ્યું. તેમણે કહ્યું કે તે રાજ શરૂ કરશે ત્યારે એવા બનાવો બનશે. (પ્રકટીકરણ ૬:૨-૮ વાંચો.) ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા ત્યારથી એ બધા બનાવો બની રહ્યા છે.

૭. ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા પછી કેમ પૃથ્વી પર ખરાબ બનાવો બનવા લાગ્યા?

ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા પછી કેમ પૃથ્વી પર ખરાબ બનાવો બનવા લાગ્યા? એનો જવાબ પ્રકટીકરણ ૬:૨માં જોવા મળે છે. એમાં જણાવ્યું છે કે રાજા બન્યા પછી ઈસુએ સૌથી પહેલા એક મોટું યુદ્ધ કર્યું. તેમણે શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે યુદ્ધ કર્યું. પ્રકટીકરણ અધ્યાય ૧૨માં જણાવ્યું છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો હારી ગયા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. એ કારણે શેતાન ગુસ્સે ભરાયો છે. તે પૃથ્વીના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. એટલે બાઇબલમાં જણાવ્યું છે કે ‘પૃથ્વીને અફસોસ!’—પ્રકટી. ૧૨:૭-૧૨.

ખરાબ બનાવો બને ત્યારે કોઈને ગમતું નથી. પણ બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થતા જોઈને આપણને ખાતરી થાય છે કે ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે (ફકરો ૮ જુઓ)

૮. ઈશ્વરના રાજ્યને લગતી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે એ જોઈને આપણને કઈ રીતે ફાયદો થાય છે?

આ ભવિષ્યવાણીઓ સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? દુનિયાની હાલત અને લોકોનું વલણ જોઈને ખબર પડે છે કે ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે અને પારખી શકીએ છીએ કે ઈસુ રાજા બની ગયા છે. જોકે દુનિયાની ખરાબ હાલત, દુષ્ટ અને સ્વાર્થી લોકોને જોઈને આપણે વધારે પડતી ચિંતા ન કરીએ. આપણે યાદ રાખીએ કે એ બધાનો અર્થ થાય કે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થઈ ગયું છે. (ગીત. ૩૭:૧) જેમ જેમ આર્માગેદન નજીક આવતું જશે, તેમ તેમ મુશ્કેલીઓ વધતી જશે. (માર્ક ૧૩:૮; ૨ તિમો. ૩:૧૩) પણ આપણે યહોવાનો કેટલો આભાર માનીએ છીએ કે તેમણે આપણને અંધારામાં રાખ્યા નથી. તે આપણને સમજવા મદદ કરે છે કે દુનિયામાં કેમ આટલી બધી મુશ્કેલીઓ છે.

ઈશ્વરનું રાજ્ય કઈ રીતે દુશ્મનોનો નાશ કરશે?

૯. (ક) દાનિયેલ ૨:૨૮, ૩૧-૩૫ની ભવિષ્યવાણીમાં છેલ્લી મહાસત્તા વિશે શું જણાવ્યું છે? (ખ) એ મહાસત્તાએ ક્યારથી રાજ કરવાનું શરૂ કર્યું?

દાનિયેલ ૨:૨૮, ૩૧-૩૫ વાંચો. આજે આ ભવિષ્યવાણી આપણી નજર સામે પૂરી થઈ રહી છે. નબૂખાદનેસ્સારના સપનાથી ખ્યાલ આવે છે કે “છેલ્લા દિવસોમાં” એટલે કે ખ્રિસ્ત રાજ કરવાનું શરૂ કરશે એ પછી શું થશે. તેણે સપનામાં એક મૂર્તિ જોઈ. એના ‘પગના પંજા લોખંડ અને માટીથી બનેલા હતા.’ મૂર્તિનો એ ભાગ છેલ્લી મહાસત્તાને રજૂ કરે છે. એ મહાસત્તા ઈશ્વરના રાજ્યની દુશ્મન છે અને હમણાં રાજ કરી રહી છે. એ મહાસત્તા કોણ છે અને એણે ક્યારથી રાજ કરવાનું શરૂ કર્યું? પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને અમેરિકા એકબીજાના ખાસ મિત્રો બન્યા. તેઓ એકબીજાને સાથ આપવા લાગ્યા. એ સમયથી બ્રિટન-અમેરિકા મહાસત્તાએ રાજ કરવાનું શરૂ કર્યું. પણ એ બીજી મહાસત્તાઓ કરતાં અલગ છે. કઈ રીતે? ચાલો એ વિશે બે બાબતો જોઈએ.

૧૦. (ક) બ્રિટન-અમેરિકા મહાસત્તાને જે રીતે રજૂ કરવામાં આવી છે એ કેમ યોગ્ય છે? (ખ) આપણે શાનાથી ચેતીને રહેવું જોઈએ અને કેમ? (“ માટીથી ચેતીને રહો!” બૉક્સ જુઓ.)

૧૦ પહેલી બાબત: મૂર્તિના અલગ અલગ ભાગ અલગ અલગ મહાસત્તાને રજૂ કરે છે. એનો દરેક ભાગ કોઈ એક ધાતુથી બનેલો છે, જેમ કે સોનું કે ચાંદી. પણ મૂર્તિના પગના પંજાનો ભાગ એટલે કે બ્રિટન-અમેરિકા મહાસત્તા, કોઈ એક ધાતુથી નહિ પણ લોખંડ અને માટી એ બંનેથી બનેલા છે. માટી ‘સામાન્ય લોકોને’ દર્શાવે છે. (દાનિ. ૨:૪૩, ફૂટનોટ) આજે સાફ જોવા મળે છે કે સામાન્ય લોકોને લીધે એ મહાસત્તાની લોખંડ જેવી તાકાત નબળી પડી ગઈ છે. ચૂંટણી હોય કે પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો હોય, આંદોલન કરવાનાં હોય કે માંગ પૂરી કરવા મજૂર સંઘ બનાવવાના હોય, એ બધામાં લોકોનું પલડું ભારે હોય છે. એટલે એ મહાસત્તા પોતાનું ધાર્યું કરી શકતી નથી.

૧૧. મૂર્તિના પગના પંજાથી કઈ રીતે ખબર પડે છે કે અંત બહુ નજીક છે?

૧૧ બીજી બાબત: બ્રિટન-અમેરિકા મહાસત્તાને મૂર્તિના પગના પંજાથી રજૂ કરવામાં આવી છે. એનો અર્થ થાય કે એ છેલ્લી મહાસત્તા છે. આજે એનું રાજ ચાલી રહ્યું છે. દાનિયેલની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે એના પછી બીજી કોઈ મહાસત્તા નહિ આવે. આર્માગેદનના યુદ્ધમાં ઈશ્વરનું રાજ્ય એ મહાસત્તા અને દુનિયાની બધી સરકારોનો નાશ કરી દેશે. *પ્રકટી. ૧૬:૧૩, ૧૪, ૧૬; ૧૯:૧૯, ૨૦.

૧૨. દાનિયેલની ભવિષ્યવાણી સમજવાથી કઈ રીતે ફાયદો થાય છે?

૧૨ આ ભવિષ્યવાણી સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? દાનિયેલની ભવિષ્યવાણીથી પુરાવો મળે છે કે આપણે અંતના સમયમાં જીવીએ છીએ. ૨,૫૦૦થી વધારે વર્ષ પહેલાં દાનિયેલે ભવિષ્યવાણી કરી હતી કે બાબેલોન પછી બીજી ચાર મહાસત્તા આવશે. એ મહાસત્તાઓ ઈશ્વરના લોકોની સતાવણી કરશે. દાનિયેલની ભવિષ્યવાણીથી એ પણ સમજી શકીએ છીએ કે બ્રિટન-અમેરિકા છેલ્લી મહાસત્તા હશે. એ જાણીને આપણને ઘણી રાહત મળે છે. આપણને આશા મળે છે કે બહુ જલદી ઈશ્વરનું રાજ્ય બધી સરકારોને મિટાવી દેશે અને આખી પૃથ્વી પર રાજ કરશે.—દાનિ. ૨:૪૪.

૧૩. પ્રકટીકરણ ૧૭:૯-૧૨માં જણાવેલા “આઠમો રાજા” અને “દસ રાજાઓ” કોને રજૂ કરે છે? એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૩ પ્રકટીકરણ ૧૭:૯-૧૨ વાંચો. પહેલા વિશ્વયુદ્ધમાં ભયંકર નુકસાન થયું. ચાલો જોઈએ કે એના લીધે છેલ્લા દિવસો વિશે બીજી એક ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ. યુદ્ધ પછી દુનિયાના નેતાઓ આખી પૃથ્વી પર શાંતિ લાવવા માંગતા હતા. એટલે તેઓએ જાન્યુઆરી ૧૯૨૦માં લીગ ઓફ નેશન્સ બનાવ્યું. પણ પછી ઑક્ટોબર ૧૯૪૫માં એની જગ્યાએ યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો) આવ્યું. એ સંગઠનને “આઠમો રાજા” કહેવામાં આવ્યું છે. પણ એ કોઈ મહાસત્તા નથી. તેની પાસે જે કંઈ અધિકાર છે એ તેને દુનિયાની સરકારો પાસેથી મળે છે. એ સરકારોને બાઇબલમાં “દસ રાજાઓ” તરીકે રજૂ કરવામાં આવી છે.

૧૪-૧૫. (ક) પ્રકટીકરણ ૧૭:૩-૫માં “મહાન બાબેલોન” વિશે શું જણાવ્યું છે? (ખ) આજે જૂઠા ધર્મો સાથે શું થઈ રહ્યું છે?

૧૪ પ્રકટીકરણ ૧૭:૩-૫ વાંચો. પ્રેરિત યોહાને દર્શનમાં એક વેશ્યા જોઈ. તે “મહાન બાબેલોન” તરીકે ઓળખાય છે. એ દુનિયાના બધા જૂઠા ધર્મોને રજૂ કરે છે. દર્શનની એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? સદીઓથી જૂઠા ધર્મોનો દુનિયાની સરકારો સાથે ગાઢ સંબંધ છે. તેઓ સરકારોને સાથ આપે છે. “દસ રાજાઓ” એટલે કે દુનિયાની સરકારો યહોવાનો ‘હેતુ પૂરો કરે’ એ માટે બહુ જલદી યહોવા તેઓનાં મનમાં એક વિચાર મૂકશે. એનું શું પરિણામ આવશે? એ સરકારો જૂઠા ધર્મો પર હુમલો કરશે અને એનું નામનિશાન મિટાવી દેશે.—પ્રકટી. ૧૭:૧, ૨, ૧૬, ૧૭.

૧૫ આપણે કઈ રીતે જાણી શકીએ કે મહાન બાબેલોનનો અંત બહુ નજીક છે? એનો જવાબ મેળવવા જૂના જમાનાના બાબેલોન શહેરનો વિચાર કરીએ. એ શહેરની બહાર યુફ્રેટિસ નદી વહેતી હતી. એના લીધે એ શહેરને રક્ષણ મળતું હતું. એવી જ રીતે પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે મહાન બાબેલોનની ચારેબાજુ પણ “પાણી” છે. (પ્રકટી. ૧૭:૧૫) પાણી એવા લાખો-કરોડો લોકોને રજૂ કરે છે, જેઓ જૂઠા ધર્મોને ટેકો આપે છે. પ્રકટીકરણમાં એ પણ જણાવ્યું છે કે પાણી ‘સુકાઈ જશે.’ એનો અર્થ કે ઘણા લોકો જૂઠા ધર્મોનો સાથ છોડી દેશે. (પ્રકટી. ૧૬:૧૨) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આજે ઘણા લોકોનો જૂઠા ધર્મો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. એટલે તેઓ પોતાની તકલીફોનો હલ શોધવા અલગ અલગ રીત અપનાવે છે.

૧૬. યુનાઈટેડ નેશન્સ વિશેની અને મહાન બાબેલોનના નાશ વિશેની ભવિષ્યવાણીઓ સમજવાથી કઈ રીતે ફાયદો થાય છે?

૧૬ આ ભવિષ્યવાણીઓ સમજવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે? યુનાઈટેડ નેશન્સ કામ કરી રહ્યું છે અને ઘણા લોકો જૂઠા ધર્મો છોડી રહ્યા છે. એ જોઈને ખાતરી થાય છે કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. ભલે આજે ઘણા લોકો મહાન બાબેલોનનો સાથ છોડી રહ્યા હોય, પણ એના લીધે જૂઠા ધર્મોનો અંત નહિ આવે. યહોવા એનો અંત લાવશે. આગળ જોઈ ગયા તેમ “દસ રાજાઓ” એટલે કે યુનાઈટેડ નેશન્સને ટેકો આપતી સરકારો યહોવાનો ‘હેતુ પૂરો કરે’ એ માટે યહોવા તેઓનાં મનમાં એક વિચાર મૂકશે. તેઓ અચાનક બધા જૂઠા ધર્મોનો નાશ કરશે. એ જોઈને દુનિયાના બધા લોકોની આંખો પહોળી થઈ જશે. * (પ્રકટી. ૧૮:૮-૧૦) મહાન બાબેલોનના નાશથી આખી દુનિયા ખળભળી ઊઠશે. એના લીધે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. પણ એ સમયે યહોવાના ભક્તો ખુશ હશે. જૂઠા ધર્મો જે યહોવાનો સદીઓ જૂનો દુશ્મન છે, એનો હંમેશ માટે નાશ થઈ ગયો હશે. એટલું જ નહિ, આપણને બહુ જલદી આ દુષ્ટ દુનિયામાંથી છુટકારો મળશે.—લૂક ૨૧:૨૮.

યહોવા આપણને બચાવશે એવી ખાતરી રાખીએ

૧૭-૧૮. (ક) શ્રદ્ધા મજબૂત કરવા આપણે શું કરવું જોઈએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ દાનિયેલે ભવિષ્યવાણી કરી હતી કે છેલ્લા દિવસોમાં “સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.” આજે એવું જ થઈ રહ્યું છે. આપણે છેલ્લા દિવસોને લગતી ભવિષ્યવાણીઓ સારી રીતે સમજી શકીએ છીએ. (દાનિ. ૧૨:૪, ૯, ૧૦) ભવિષ્યવાણીઓમાં જણાવેલી એકેએક વાત પૂરી થઈ રહી છે. એ જોઈને યહોવા માટે કદર વધતી જાય છે. બાઇબલ પર ભરોસો પણ વધતો જાય છે. (યશા. ૪૬:૧૦; ૫૫:૧૧) આપણે બાઇબલનો દિલથી અભ્યાસ કરતા રહીએ. આપણે લોકોને યહોવા સાથે દોસ્તી કેળવવા મદદ કરીએ. એમ કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. યહોવા વચન આપે છે કે જો આપણે તેમના પર પૂરેપૂરો ભરોસો રાખીશું, તો તે આપણું રક્ષણ કરશે અને “કાયમ શાંતિ” આપશે.—યશા. ૨૬:૩.

૧૮ આવતા લેખમાં આપણે છેલ્લા દિવસોમાં જીવતા યહોવાના ભક્તો વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરીશું. એ ભવિષ્યવાણીઓ પર વિચાર કરીને ખાતરી થશે કે આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. આપણે શીખીશું કે રાજા ઈસુ આજે આપણને માર્ગદર્શન આપે છે, એવું કઈ રીતે કહી શકીએ.

ગીત ૧૭ હિંમત ન હારો!

^ આપણે રોમાંચક સમયમાં જીવી રહ્યા છીએ. ઈશ્વરનું રાજ્ય શરૂ થશે એ વિશે બાઇબલમાં જણાવેલી ઘણી ભવિષ્યવાણી આપણી નજર સામે પૂરી થાય છે. સ્વર્ગમાં ઈશ્વરનું રાજ્ય શરૂ થઈ ગયું છે. આ લેખમાં એને લગતી કેટલીક ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરીશું. એમ કરીને યહોવા પર આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. તેમ જ આજે અને ભાવિમાં ગભરાઈશું નહિ, પણ યહોવા પર વધારે ભરોસો રાખી શકીશું.

^ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૩૨ મુદ્દો ૪ અને jw.org પર ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪થી રાજ કરી રહ્યું છે વીડિયો જુઓ.

^ દાનિયેલની ભવિષ્યવાણી વિશે વધુ જાણવા જૂન ૧, ૨૦૧૨ ચોકીબુરજ પાન ૧૬-૨૦ અને જૂન ૧૫, ૨૦૧૨ ચોકીબુરજ (હિંદી) પાન ૧૯ જુઓ.

^ બહુ જલદી કયા બનાવો બનશે એ વિશે વધુ જાણવા પરમેશ્વર કા રાજ હુકૂમત કર રહા હૈ! પુસ્તકનો અધ્યાય ૨૧ જુઓ.