સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૦

બાઇબલની પહેલી ભવિષ્યવાણી અને એનું મહત્ત્વ

બાઇબલની પહેલી ભવિષ્યવાણી અને એનું મહત્ત્વ

“હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ.”—ઉત. ૩:૧૫.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઝલક *

૧. આદમ અને હવાએ પાપ કર્યું એના થોડા સમય પછી યહોવાએ શું કર્યું? (ઉત્પત્તિ ૩:૧૫)

 આદમ અને હવાએ પાપ કર્યું એના થોડા સમય પછી, યહોવાએ એક ખાસ ભવિષ્યવાણી કરી. એનાથી તેઓના વંશજોને આશા મળી. એ ભવિષ્યવાણી ઉત્પત્તિ ૩:૧૫માં નોંધેલી છે.—વાંચો.

૨. ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી કેમ ખાસ છે?

આ ભવિષ્યવાણી બાઇબલના પહેલા પુસ્તકમાં આપી છે. પણ બાઇબલનાં બીજાં પુસ્તકો કોઈક ને કોઈક રીતે એ ભવિષ્યવાણી સાથે જોડાયેલાં છે. એ ભવિષ્યવાણી કેમ એટલી ખાસ છે, એને સમજવા એક દાખલો લઈએ. માળામાં અલગ અલગ મોતી હોય છે. પણ એક દોરો એ બધાંને જોડી રાખે છે. એવી જ રીતે, બાઇબલમાં અલગ અલગ પુસ્તકો છે. પણ ઉત્પત્તિ ૩:૧૫નો સંદેશો એ દોરા જેવો છે, જે બધાં પુસ્તકોને જોડી રાખે છે. એ સંદેશો છે કે યહોવા એક છોડાવનારને મોકલશે, જે શેતાન અને તેના ચેલાઓનો સફાયો કરી નાખશે. * એ સમયે યહોવાના લોકો ખુશીથી ઝૂમી ઊઠશે.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ લેખમાં ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણીને લગતા સવાલોની ચર્ચા કરીશું: (૧) આ ભવિષ્યવાણીમાં કોણ કોણ છે? (૨) આ ભવિષ્યવાણી અત્યાર સુધી કઈ રીતે પૂરી થઈ છે? (૩) આ ભવિષ્યવાણીથી આપણને કેવા ફાયદા થાય છે?

આ ભવિષ્યવાણીમાં કોણ કોણ છે?

૪. ‘સાપ’ કોણ છે અને એવું આપણે કેમ કહી શકીએ?

ઉત્પત્તિ ૩:૧૪, ૧૫માં ‘સાપ,’ તેના “વંશજ,” ‘સ્ત્રી’ અને તેના “વંશજની” વાત કરવામાં આવી છે. એ બધા કોને રજૂ કરે છે? એનો જવાબ આપણને બાઇબલમાંથી જ મળે છે. * ચાલો સૌથી પહેલા જોઈએ કે ‘સાપ’ કોણ છે. ભવિષ્યવાણીમાં જણાવેલો સાપ કોઈ અસલ સાપને રજૂ કરતો ન હોય શકે. કેમ કે એદન બાગમાં યહોવાએ જે કહ્યું, એ સાપને કંઈ થોડી ખબર પડવાની હતી! તો પછી એ સાપ કોણ છે? પ્રકટીકરણ ૧૨:૯માં જણાવ્યું છે કે એ “જૂનો સાપ” બીજું કોઈ નહિ, શેતાન છે. હવે જોઈએ કે તેનો વંશજ કોણ છે.

સાપ

શેતાન, જેને પ્રકટીકરણ ૧૨:૯માં “જૂનો સાપ” કહેવામાં આવ્યો છે (ફકરો ૪ જુઓ)

૫. સાપનો વંશજ કોણ છે?

બાઇબલમાં ઘણી વાર વંશજનો ઉલ્લેખ થયો છે. પણ દર વખતે એ બાળકોને રજૂ કરતો નથી. અમુક વખતે એક વ્યક્તિના વંશજ એવા લોકોને પણ રજૂ કરે છે, જેઓનાં વિચારો અને કામો તેના જેવાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે સાપના વંશજ એવા દુષ્ટ દૂતો અને માણસોને રજૂ કરે છે, જેઓ શેતાનની જેમ યહોવા અને તેમના ભક્તોનો વિરોધ કરે છે. એમાં એવા દૂતોનો પણ સમાવેશ થાય છે, જેઓ નૂહના સમયે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા હતા. સાથે સાથે એવા માણસોનો પણ, જેઓ પોતાના પિતા શેતાન જેવાં દુષ્ટ કામો કરે છે.—ઉત. ૬:૧, ૨; યોહા. ૮:૪૪; ૧ યોહા. ૫:૧૯; યહૂ. ૬.

સાપનો વંશજ

દુષ્ટ દૂતો અને માણસો, જેઓ યહોવા અને તેમના ભક્તોનો વિરોધ કરે છે (ફકરો ૫ જુઓ)

૬. ભવિષ્યવાણીમાં જણાવેલી ‘સ્ત્રી’ કેમ હવા ન હોય શકે?

હવે એ સમજવાની કોશિશ કરીએ કે ‘સ્ત્રી’ કોને રજૂ કરે છે. એ હવા ન હોય શકે. એના એક કારણ પર ધ્યાન આપીએ. આપણને ખબર છે કે સાપ, શેતાનને રજૂ કરે છે, જે એક દૂત છે. ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે સ્ત્રીનો વંશજ સાપનું માથું “કચડી” નાખશે. પણ હવાના બધા વંશજ કે બાળકો તો સામાન્ય માણસો છે. એક માણસ કઈ રીતે દૂતનો નાશ કરી શકે? તો સવાલ થાય કે એ સ્ત્રી કોણ છે?

૭. પ્રકટીકરણ ૧૨:૧, ૨, ૫, ૧૦માંથી કઈ રીતે ખબર પડે છે કે ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલી સ્ત્રી કોને રજૂ કરે છે?

એ સ્ત્રી કોણ છે, એ વિશે આપણને બાઇબલના છેલ્લા પુસ્તકમાંથી વધારે માહિતી મળે છે. (પ્રકટીકરણ ૧૨:૧, ૨, ૫, ૧૦ વાંચો.) ત્યાં જણાવ્યું છે કે સ્ત્રીના પગ નીચે ચંદ્ર છે. તેના માથા પર ૧૨ તારાઓનો મુગટ છે. તે એક બાળકને જન્મ આપે છે, જે ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. એટલે એ સ્ત્રી પૃથ્વી પર નહિ, પણ સ્વર્ગમાં હોવી જોઈએ. એનો અર્થ કે એ સ્ત્રી યહોવાના સંગઠનના એ ભાગને રજૂ કરે છે, જે સ્વર્ગમાં છે અને જેમાં લાખો-કરોડો વફાદાર દૂતો છે.—ગલા. ૪:૨૬.

સ્ત્રી

યહોવાના સંગઠનનો એ ભાગ, જે સ્વર્ગમાં છે અને જેમાં લાખો-કરોડો વફાદાર દૂતો છે (ફકરો ૭ જુઓ)

૮. સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ કોણ છે અને તે એ ક્યારે બન્યા? (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮)

એ સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ કોણ છે? એનો જવાબ આપણને બાઇબલમાંથી મળે છે. એ વંશજ ઇબ્રાહિમના કુટુંબમાંથી આવવાનો હતો. (ઉત્પત્તિ ૨૨:૧૫-૧૮ વાંચો.) ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ઇબ્રાહિમના વંશમાંથી જ હતા. (લૂક ૩:૨૩, ૩૪) સ્ત્રીના વંશજ પાસે સામાન્ય માણસ કરતાં વધારે તાકાત હોવી જોઈએ. કેમ કે તેણે શેતાનનો નાશ કરવાનો હતો. લગભગ ૩૦ વર્ષની ઉંમરે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાએ તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા. એમ કરીને યહોવાએ જાહેર કર્યું કે ઈસુ તેમના પસંદ કરેલા દીકરા છે. એ વખતે ઈસુ સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ બન્યા. (ગલા. ૩:૧૬) પણ પછી તેમનું મરણ થયું. જોકે યહોવાએ તેમને ફરી જીવતા કર્યા. યહોવાએ તેમને “ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.” તેમને “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર” આપ્યો. તેમને “શેતાનનાં કામોનો નાશ” કરવાનો અધિકાર પણ આપ્યો.—હિબ્રૂ. ૨:૭; માથ. ૨૮:૧૮; ૧ યોહા. ૩:૮.

સ્ત્રીનો વંશજ

ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનાર ૧,૪૪,૦૦૦ રાજાઓ (ફકરા ૮-૯ જુઓ)

૯-૧૦. (ક) ઈસુ સાથે બીજા કોણ સ્ત્રીના વંશજ છે? તેઓ ક્યારે એનો ભાગ બને છે? (ખ) હવે આપણે શું જોઈશું?

સ્ત્રીના વંશજનો બીજો ભાગ પણ છે. એ કોણ છે? પ્રેરિત પાઉલે યહૂદી અને બીજી પ્રજાના અભિષિક્ત ખ્રિસ્તીઓને જે કહ્યું એના પર ધ્યાન આપો. તેમણે કહ્યું: “જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે તમે ખરેખર ઇબ્રાહિમના વંશજ અને વારસદાર છો.” (ગલા. ૩:૨૮, ૨૯) યહોવા એક વ્યક્તિને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરે છે ત્યારે વ્યક્તિ એ વંશજનો ભાગ બને છે. આમ, ઈસુ ખ્રિસ્ત અને તેમની સાથે રાજ કરનાર ૧,૪૪,૦૦૦ રાજાઓ સ્ત્રીના વંશજ છે. (પ્રકટી. ૧૪:૧) તેઓનાં વિચારો અને કામો પિતા યહોવા જેવાં છે.

૧૦ આપણે જોઈ ગયા કે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણીમાં જેઓ વિશે જણાવ્યું છે, તેઓ કોને રજૂ કરે છે. હવે આપણે જોઈશું કે યહોવાએ આ ભવિષ્યવાણી અત્યાર સુધી કઈ રીતે પૂરી કરી છે. એ પણ જોઈશું કે એનાથી આપણને કેવા ફાયદા થાય છે.

આ ભવિષ્યવાણી અત્યાર સુધી કઈ રીતે પૂરી થઈ છે?

૧૧. સ્ત્રીના વંશજની “એડીએ” કઈ રીતે ડંખ મારવામાં આવ્યો?

૧૧ ઉત્પત્તિ ૩:૧૫ પ્રમાણે સાપ સ્ત્રીના વંશજની “એડીએ” ડંખ મારશે. શેતાને યહૂદી અને રોમન લોકો દ્વારા ઈસુને મારી નંખાવ્યા ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થઈ. (લૂક ૨૩:૧૩, ૨૦-૨૪) આપણી એડીએ કંઈક વાગે ત્યારે અમુક દિવસો સુધી આપણે બરાબર હરી-ફરી શકતા નથી અને વધારે કંઈ કરી શકતા નથી. એવી જ રીતે, ઈસુ મરણ પછી કબરમાં હતા ત્યાં સુધી કંઈ કરી શક્યા નહિ.—માથ. ૧૬:૨૧.

૧૨. સાપનું માથું ક્યારે અને કઈ રીતે કચડી નાખવામાં આવશે?

૧૨ ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે સ્ત્રીનો વંશજ સાપનું માથું કચડી નાખશે. પણ ઈસુનું તો મરણ થયું હતું. તો પછી એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાત? એટલે જરૂરી હતું કે ઈસુને ફરીથી જીવતા કરવામાં આવે અને એવું જ થયું. ઈસુના મરણના ત્રીજા દિવસે યહોવાએ તેમને ફરીથી જીવતા કર્યા. તેમને અદૃશ્ય શરીર આપ્યું અને સ્વર્ગમાં અમર જીવન આપ્યું. પછી ઈસુ યહોવાએ નક્કી કરેલા સમયે શેતાનનું નામનિશાન મિટાવી દેશે. (હિબ્રૂ. ૨:૧૪) સાપના વંશજ એટલે કે, ઈશ્વરના દુશ્મનોનો પણ ખ્રિસ્ત અને તેમના સાથી રાજાઓ પૃથ્વી પરથી સફાયો કરી દેશે.—પ્રકટી. ૧૭:૧૪; ૨૦:૪, ૧૦. *

આ ભવિષ્યવાણીથી આપણને કેવા ફાયદા થાય છે?

૧૩. આ ભવિષ્યવાણીથી આજે આપણને કેવા ફાયદા થાય છે?

૧૩ આ ભવિષ્યવાણી જે રીતે પૂરી થઈ રહી છે એનાથી આપણને ઘણા ફાયદા થાય છે. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે યહોવા જેવા ગુણો બતાવ્યા. તેમનાં કામો અને વિચારો યહોવા જેવાં હતાં. (યોહા. ૧૪:૯) એનાથી આપણે યહોવાને ઓળખી શક્યા અને તેમને પ્રેમ કરી શક્યા. ઈસુના શિક્ષણથી અને તે જે રીતે સંગઠનને ચલાવે છે એનાથી પણ આપણને ઘણા ફાયદા થાય છે. યહોવા ખુશ થાય એ રીતે ઈસુએ આપણને જીવતા શીખવ્યું. આખરે ઈસુની એડીએ ડંખ મારવામાં આવ્યો એટલે કે તેમને મારી નાખવામાં આવ્યા. જોકે, આપણને ઈસુના બલિદાનથી પણ ફાયદો થાય છે. યહોવાએ તેમને ફરી જીવતા કર્યા અને તેમનું ખામી વગરનું બલિદાન સ્વીકાર્યું. એનાથી યહોવા “આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.”—૧ યોહા. ૧:૭.

૧૪. એદન બાગમાં યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી એ તરત પૂરી થાય એવું કેમ શક્ય ન હતું?

૧૪ એદન બાગમાં યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી એ તરત પૂરી થાય એવું શક્ય ન હતું. એવું કેમ? સ્ત્રીના વંશજને આવતા સમય લાગવાનો હતો. શેતાનને ચેલાઓ ભેગા કરવામાં પણ વાર લાગવાની હતી. સ્ત્રીના વંશજ અને સાપના વંશજ વચ્ચે દુશ્મની થાય અથવા તેઓ એકબીજાને ધિક્કારે એમાં પણ સમય લાગવાનો હતો. જ્યારે આ ભવિષ્યવાણી સારી રીતે સમજીએ છીએ ત્યારે આપણને ફાયદો થાય છે. આપણે પહેલેથી જાણી શકીએ છીએ કે શેતાનની દુનિયા યહોવાના લોકોને નફરત કરશે. ઈસુએ પોતાના શિષ્યોને પહેલેથી જણાવ્યું હતું કે લોકો તેઓનો ધિક્કાર કરશે. (માર્ક ૧૩:૧૩; યોહા. ૧૭:૧૪) છેલ્લાં ૧૦૦ વર્ષોમાં એ સાફ જોવા મળ્યું છે.

૧૫. (ક) દુનિયાના લોકો ઈશ્વરભક્તોને પહેલાં કરતાં વધારે કેમ ધિક્કારે છે? (ખ) આપણે કેમ શેતાનથી ડરવાની જરૂર નથી?

૧૫ ઈસુ ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. એના થોડા સમય પછી તેમણે શેતાનને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધો. તે હવે સ્વર્ગમાં પાછો જઈ શકતો નથી. તેને ખબર છે કે તેની પાસે થોડો જ સમય છે. પણ શેતાન કંઈ જંપીને બેઠો નથી. તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો છે. તે યહોવાના લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨, ૧૩, ૧૭) એ કારણે દુનિયાના લોકો ઈશ્વરભક્તોને પહેલાં કરતાં વધારે ધિક્કારે છે. પણ આપણે શેતાન અને તેના ચેલાઓથી ડરવાની જરૂર નથી. આપણે પણ પ્રેરિત પાઉલની જેમ યાદ રાખીએ કે “જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?” (રોમ. ૮:૩૧) ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી જે રીતે પૂરી થઈ રહી છે, એનાથી યહોવા પર આપણો ભરોસો મજબૂત થાય છે.

૧૬-૧૮. ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી સારી રીતે સમજવાથી કર્ટિસભાઈ, ઉર્સુલાબહેન અને જેસિકાબહેનને કેવા ફાયદા થયા?

૧૬ ઉત્પત્તિ ૩:૧૫માં યહોવાએ જે વચન આપ્યું છે, એના પર મનન કરવાથી આપણને ફાયદો થાય છે. આપણે હિંમતથી કસોટીઓનો સામનો કરી શકીએ છીએ. કર્ટિસભાઈ ગુઆમ ટાપુ પર મિશનરી તરીકે સેવા કરે છે. તે કહે છે: “કેટલીક વાર મારા જીવનમાં એવા સંજોગો આવ્યા જ્યારે મને લાગ્યું કે હું યહોવાને વફાદાર નહિ રહી શકું. પણ ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પર મનન કરવાથી પિતા યહોવા પર મારો ભરોસો વધ્યો છે.” કર્ટિસભાઈ એવા સમયની કાગડોળે રાહ જુએ છે, જ્યારે યહોવા બધી મુશ્કેલીઓ હંમેશ માટે દૂર કરી નાખશે.

૧૭ ઉર્સુલાબહેન જર્મનીમાં રહે છે. તે જણાવે છે કે તેમણે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પર ઊંડો અભ્યાસ કર્યો. એનાથી તે જોઈ શક્યાં કે બાઇબલની બીજી ભવિષ્યવાણીઓ આ ભવિષ્યવાણી સાથે કઈ રીતે જોડાયેલી છે. એ જાણીને તેમને ઘણી નવાઈ લાગી. તેમને પાકી ખાતરી થઈ ગઈ કે યહોવાએ જ બાઇબલ લખાવ્યું છે. તે એમ પણ કહે છે: “યહોવાએ માણસો માટે તરત પગલાં ભર્યાં, રાહ ના જોઈ. તેમણે માણસોને એક આશા આપી. એ વિચારીને હું યહોવાને વધારે પ્રેમ કરવા લાગી.”

૧૮ માઇક્રોનેશિયામાં રહેતાં જેસિકાબહેન કહે છે: “મને હજુ એ દિવસ યાદ છે, જ્યારે મને પાકી ખાતરી થઈ હતી કે હું જે શીખું છું એ જ સાચું છે. હું જોઈ શકી કે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. મને જાણવા મળ્યું કે યહોવા એવું ન’તા ચાહતા કે આપણે તકલીફોથી ભરેલું જીવન જીવીએ. એ ભવિષ્યવાણીનો વિચાર કરવાથી એક વાત મારા દિલમાં ઊતરી ગઈ કે યહોવાની ભક્તિથી જ મારા જીવનમાં ખુશીઓ રહેશે. અરે, ભાવિમાં પણ મને સરસ મજાનું જીવન મળશે!”

૧૯. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ભવિષ્યવાણીની બાકીની વાત પણ ચોક્કસ પૂરી થશે?

૧૯ આપણે જોઈ ગયા કે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આપણે જોયું કે સ્ત્રીનો વંશજ અને સાપનો વંશજ કોણ છે. ઈસુ જે સ્ત્રીના વંશજનો મુખ્ય ભાગ છે, તેમની એડી પરનો ઘા રુઝાય ગયો છે. તે આજે સ્વર્ગમાં એક શક્તિશાળી રાજા છે અને તેમને અમર જીવન મળ્યું છે. જે લોકો સ્ત્રીના વંશજનો બાકીનો ભાગ છે, તેઓને પણ યહોવાએ લગભગ પસંદ કરી લીધા છે. આજે આ ભવિષ્યવાણીની મોટા ભાગની વાતો પૂરી થઈ છે. એટલે ખાતરી રાખી શકીએ કે સાપનું માથું કચડી નાખવામાં આવશે એ વાત પણ ચોક્કસ પૂરી થશે. એ સમયે યહોવાના ભક્તો રાહતનો શ્વાસ લેશે. પણ એ દિવસ આવે ત્યાં સુધી આપણે હિંમત હારીએ નહિ. આપણે યહોવા પર પૂરો ભરોસો રાખીએ. તે સ્ત્રીના વંશજ દ્વારા ‘પૃથ્વીની બધી પ્રજાઓને’ ગણ્યા ગણાય નહિ એટલા આશીર્વાદ આપશે.—ઉત. ૨૨:૧૮.

ગીત ૩૦ યહોવાનું સોનેરી રાજ

^ આપણે બાઇબલમાં આપેલો સંદેશો સારી રીતે સમજવા માંગીએ છીએ. એ માટે ખૂબ જરૂરી છે કે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી સમજીએ. એનાથી યહોવામાં આપણી શ્રદ્ધા મજબૂત થશે. આપણો ભરોસો વધશે કે તે પોતાનું દરેક વચન ચોક્કસ પૂરું કરશે.

^ નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં વધારે માહિતી ખ-૧ “બાઇબલનો સંદેશો” જુઓ.

^ઉત્પત્તિ ૩:૧૪, ૧૫માં કોણ કોને રજૂ કરે છે?” બૉક્સ જુઓ.