સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૦

પ્રેમમાં વધતા જાઓ

પ્રેમમાં વધતા જાઓ

‘સર્વ વાતોમાં પ્રેમથી પ્રેરાઈને વધતા જઈએ.’—એફે. ૪:૧૫.

ગીત ૧૩૮ યહોવા તારું નામ

ઝલક a

૧. જ્યારે તમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે તમે કઈ કઈ વાતો શીખ્યા હતા?

 જરા એ સમયનો વિચાર કરો, જ્યારે તમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું. શું તમને યાદ છે કે તમે કઈ કઈ વાતો શીખ્યા હતા? કદાચ તમને એ જાણીને નવાઈ લાગી હશે કે ઈશ્વરનું એક નામ છે. જ્યારે તમે જાણ્યું કે ઈશ્વર આપણને નરકની આગમાં રિબાવતા નથી, ત્યારે કદાચ તમારા દિલને ટાઢક વળી હશે. જ્યારે તમે જાણ્યું કે તમારા ગુજરી ગયેલા સગાં-વહાલાંને જીવતા કરવામાં આવશે અને તમે તેઓ સાથે આ સુંદર પૃથ્વી પર રહેશો, ત્યારે તમારી ખુશીનો કોઈ પાર નહિ રહ્યો હોય.

૨. બાઇબલનું સત્ય શીખવા ઉપરાંત તમે બીજી કઈ પ્રગતિ કરી? (એફેસીઓ ૫:૧, ૨)

જેમ જેમ તમે બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યા, તેમ તેમ યહોવા માટેનો તમારો પ્રેમ વધવા લાગ્યો. એ પ્રેમને લીધે તમને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવાનું મન થયું. તમે બાઇબલ સિદ્ધાંતોના આધારે સારા નિર્ણયો લીધા. તમે ઈશ્વર જેવું વિચારવાનું અને ખરાં કામો કરવાનું શીખ્યા. કેમ કે તમે તેમને ખુશ કરવા માંગતા હતા. જેમ એક બાળક પોતાનાં પ્રેમાળ માતા-પિતાનું અનુકરણ કરે છે, તેમ તમે પણ તમારા સ્વર્ગમાંના પિતાનું અનુકરણ કરવા લાગ્યા.—એફેસીઓ ૫:૧, ૨ વાંચો.

૩. આપણે પોતાને કેવા સવાલો પૂછી શકીએ?

આપણે પોતાને આ સવાલો પૂછી શકીએ: ‘મેં યહોવાને મારું જીવન સમર્પિત કર્યું, એના કરતાં શું હું અત્યારે તેમને વધારે પ્રેમ કરું છું? શું બાપ્તિસ્મા પછી યહોવાની જેમ વિચારું છું અને તેમને ગમે એવાં કામો કરું છું? શું હું તેમની જેમ ભાઈ-બહેનોને પ્રેમ કરું છું?’ જો તમને લાગતું હોય કે તમારામાં “પહેલાં જેવો પ્રેમ” રહ્યો નથી, તો નિરાશ ન થશો. પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓ સાથે એવું જ કંઈક બન્યું હતું. તોપણ ઈસુએ તેઓનો નકાર કર્યો નહિ અને તે તમારો પણ નકાર નહિ કરે. (પ્રકટી. ૨:૪, ૭) તે જાણે છે કે તમારામાં પહેલાં જે પ્રેમ હતો, એની જ્યોતને ફરી સળગાવી શકાય છે.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ લેખમાં જોઈશું કે યહોવા અને બીજાઓ માટેનો આપણો પ્રેમ કઈ રીતે વધારી શકીએ. પછી જોઈશું કે તેઓને વધારે પ્રેમ કરવાથી આપણને અને બીજા લોકોને કયા કયા આશીર્વાદો મળશે.

યહોવા માટેનો પ્રેમ વધારતા જાઓ

૫-૬. (ક) પ્રેરિત પાઉલે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો? (ખ) યહોવાની સેવા કરતા રહેવા તેમને શાનાથી મદદ મળી?

પ્રેરિત પાઉલને યહોવાની સેવામાં ઘણી ખુશી મળતી હતી. પણ તેમણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો. તેમણે ઘણી વાર લાંબી લાંબી મુસાફરીઓ કરી. એ દિવસોમાં મુસાફરી કરવી એટલું સહેલું ન હતું. મુસાફરી દરમિયાન તેમણે ઘણી વાર “નદીઓનાં જોખમો” અને ‘લુટારાઓનાં જોખમોનો’ સામનો કર્યો. કેટલીક વાર તો એવું પણ બન્યું કે વિરોધીઓએ તેમને માર માર્યો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) એટલું જ નહિ, પાઉલે ખ્રિસ્તીઓને મદદ કરવા જે મહેનત કરી, એની પણ તેઓએ કદર કરી નહિ.—૨ કોરીં. ૧૦:૧૦; ફિલિ. ૪:૧૫.

તોપણ યહોવાની સેવામાં લાગુ રહેવા પાઉલને શાનાથી મદદ મળી? શાસ્ત્રના ઊંડા અભ્યાસથી અને પોતાના અનુભવથી પાઉલ શીખ્યા કે યહોવા કેવા ઈશ્વર છે. તેમને ખાતરી થઈ ગઈ કે યહોવા ઈશ્વર તેમને ખૂબ પ્રેમ કરે છે. (રોમ. ૮:૩૮, ૩૯; એફે. ૨:૪, ૫) પછી તે પણ યહોવાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. તેમણે ‘પવિત્ર જનોની સેવા કરતા રહીને’ બતાવી આપ્યું કે તે યહોવાને ખૂબ પ્રેમ કરે છે.—હિબ્રૂ. ૬:૧૦.

૭. યહોવા માટેનો પ્રેમ વધારવાની એક રીત કઈ છે?

આપણે પણ બાઇબલનો ખંતથી અભ્યાસ કરીને યહોવા માટેનો પ્રેમ વધારી શકીએ છીએ. બાઇબલ વાંચો ત્યારે એ સમજવાનો પ્રયત્ન કરો કે એ અહેવાલમાંથી તમને યહોવા ઈશ્વર વિશે શું શીખવા મળ્યું. પછી પોતાને પૂછો: ‘આ અહેવાલથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા મને ખૂબ પ્રેમ કરે છે? યહોવાને પ્રેમ કરવા આ અહેવાલ કઈ રીતે મને મદદ કરે છે?’

૮. પ્રાર્થના કઈ રીતે ઈશ્વર માટેનો પ્રેમ વધારવા મદદ કરી શકે?

યહોવા માટેનો પ્રેમ વધારવાની બીજી એક રીત છે, દરરોજ યહોવાને પ્રાર્થના કરીએ અને પોતાનું દિલ તેમની આગળ ઠાલવીએ. (ગીત. ૨૫:૪, ૫) પછી યહોવા પણ આપણી પ્રાર્થનાઓનો જવાબ આપશે. (૧ યોહા. ૩:૨૧, ૨૨) એશિયામાં રહેતાં કેયનાબહેન કહે છે: “હું યહોવા વિશે જે શીખી હતી એના લીધે હું શરૂઆતમાં તેમને પ્રેમ કરતી હતી. પણ જ્યારે મેં જોયું કે તે કેવી રીતે મારી પ્રાર્થનાઓનો જવાબ આપે છે, ત્યારે હું તેમને વધારે પ્રેમ કરવા લાગી. પછીથી મને યહોવા ખુશ થાય એવાં કામ કરવાનું મન થયું.” b

બીજાઓ માટેનો પ્રેમ વધારતા જાઓ

૯. પાઉલના શબ્દોથી કઈ રીતે જોવા મળે છે કે તિમોથી બીજાઓને પ્રેમ બતાવવા મહેનત કરી રહ્યા હતા?

પાઉલ પોતાની એક મિશનરી મુસાફરી દરમિયાન તિમોથી નામના યુવાનને મળ્યા. તિમોથી યહોવાને અને લોકોને ખૂબ પ્રેમ કરતા હતા. થોડાં વર્ષો પછી પાઉલે ફિલિપી મંડળને લખ્યું: “તિમોથી જેવો સ્વભાવ હોય એવું મારી પાસે બીજું કોઈ નથી, જે દિલથી તમારી સંભાળ રાખે.” (ફિલિ. ૨:૨૦, ફૂટનોટ) ધ્યાન આપો કે પાઉલે એમ ન કહ્યું કે તિમોથી દરેક કામ ખૂબ સારી રીતે કરે છે અથવા સરસ પ્રવચનો આપે છે. એના બદલે, પાઉલ જોઈ શક્યા કે તિમોથી ભાઈ-બહેનોને કેટલો બધો પ્રેમ કરે છે. એમાં કોઈ શંકા નથી કે તિમોથીએ જે મંડળોની મુલાકાત લીધી હતી, એ મંડળોનાં ભાઈ-બહેનો રાહ જોતા હશે કે તિમોથી ક્યારે તેઓની ફરી મુલાકાતે આવે.—૧ કોરીં. ૪:૧૭.

૧૦. એનાબહેન અને તેમના પતિએ ભાઈ-બહેનોને કઈ રીતે પ્રેમ બતાવ્યો?

૧૦ આપણે પણ ભાઈ-બહેનોને મદદ કરવાની તક શોધીએ છીએ. (હિબ્રૂ. ૧૩:૧૬) એનાબહેન વિશે આપણે ગયા લેખમાં જોયું હતું. તેમના વિસ્તારમાં એક ભયંકર તોફાન આવ્યું હતું. તોફાન પછી તે અને તેમના પતિ એક સાક્ષી કુટુંબને મળવા ગયાં. ત્યાં ગયા પછી તેઓને ખબર પડી કે એ કુટુંબના ઘરની છત તૂટી ગઈ હતી. એના લીધે તેઓની પાસે એક પણ સાફ કપડું ન હતું. એનાબહેન જણાવે છે: “અમે તેઓનાં કપડાં લઈ આવ્યાં, એને ધોયાં, ઇસ્ત્રી કર્યાં અને વાળીને પાછાં આપ્યાં. અમારાં માટે એ નાનું કામ હતું, પણ એના લીધે અમારી દોસ્તી પાકી થઈ ગઈ. અમે આજે પણ બહુ સારા દોસ્તો છીએ.” એનાબહેન અને તેમના પતિ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતાં. એ પ્રેમના લીધે તેઓએ ભાઈ-બહેનોને મદદ કરી.—૧ યોહા. ૩:૧૭, ૧૮.

૧૧. (ક) બીજાઓ સાથે પ્રેમથી વર્તીએ છીએ ત્યારે, તેઓને કેવું લાગે છે? (ખ) નીતિવચનો ૧૯:૧૭ પ્રમાણે, જ્યારે આપણે બીજાઓને પ્રેમ બતાવીએ છીએ, ત્યારે યહોવાને કેવું લાગે છે?

૧૧ જ્યારે બીજાઓ સાથે પ્રેમથી અને માયાળુ રીતે વર્તીએ છીએ, ત્યારે તેઓ જોઈ શકે છે કે આપણે યહોવાનું અનુકરણ કરવાની કોશિશ કરીએ છીએ. બની શકે કે તેઓ આપણી ભલાઈની ખૂબ જ કદર કરતા હોય અને આપણે જાણતા પણ ન હોઈએ. કેયનાબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે યુવાન હતાં ત્યારે અમુક બહેનોએ તેમને ઘણી મદદ કરી હતી. એ બહેનોને તે ખૂબ જ યાદ કરે છે. તે કહે છે: “હું એ બધી વહાલી બહેનોનો ખૂબ જ આભાર માનું છું, જેઓ મને પ્રચારમાં લઈ જતી હતી. તેઓ મને ઘરે લેવા આવતી, જમવા કે નાસ્તો કરવા લઈ જતી અને સહીસલામત ઘરે પાછી મૂકી જતી. હવે મને સમજાય છે કે એવું કરવામાં કેટલી મહેનત લાગે છે અને તેઓએ એવું ફક્ત પ્રેમના લીધે કર્યું.” ખરું કે, દરેક વ્યક્તિને આપણા ઉપકારનો બદલો વાળી આપવાની તક ન પણ મળે. જેઓએ કેયનાબહેનને મદદ કરી હતી, તેઓ વિશે જણાવતા બહેન કહે છે: “તેઓએ મારા માટે કેટલું બધું કર્યું. હું તેઓની ભલાઈનો બદલો વાળી શકતી હોત તો કેટલું સારું! હું જાણતી નથી કે હવે તેઓ બધા ક્યાં રહે છે, પણ યહોવા જાણે છે. હું પ્રાર્થના કરું છું કે મારા વતી યહોવા તેઓને બદલો વાળી આપે.” કેયનાબહેને એકદમ સાચું કહ્યું. ભલાઈનું નાનું અમથું કામ પણ યહોવાની નજર બહાર જતું નથી. તે એને કીમતી બલિદાન જેવું ગણે છે, એ તો જાણે યહોવાને ઉછીનું આપવા જેવું છે અને તે એનો બદલો જરૂર વાળી આપશે.—નીતિવચનો ૧૯:૧૭ વાંચો.

જ્યારે વ્યક્તિ યહોવાની સેવામાં આગળ વધે છે, ત્યારે તે બીજાઓને મદદ કરવાની તક શોધે છે (ફકરો ૧૨ જુઓ)

૧૨. ભાઈઓ કઈ રીતે મંડળ માટે પોતાનો પ્રેમ બતાવી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૨ ભાઈઓ, બીજાઓને પ્રેમ બતાવવા તમે શું કરી શકો? તેમ જ, તેઓને ભક્તિમાં આગળ વધવા કઈ રીતે મદદ કરી શકો? જોર્ડન નામના એક યુવાનનો વિચાર કરો. તેણે એક વડીલને પૂછ્યું કે તે મંડળમાં વધારે મદદ કરવા શું કરી શકે. સૌથી પહેલાં એ વડીલે જોર્ડન જે કરતો હતો, એ માટે તેના વખાણ કર્યાં અને પછી તેને અમુક સલાહ આપી. દાખલા તરીકે, તેમણે તેને કહ્યું કે તે પ્રાર્થનાઘરમાં વહેલો આવી શકે અને બીજાઓનું સ્વાગત કરી શકે, સભાઓમાં જવાબ આપી શકે, પોતાના ગ્રૂપ સાથે નિયમિત પ્રચાર કરી શકે અને બીજાઓને મદદ કરવાની બીજી રીતોનો વિચાર કરી શકે. જોર્ડને એ સલાહ માની ત્યારે તે શીખ્યો કે અમુક કામ કઈ રીતે કરવું. એટલું જ નહિ, તેનો ભાઈ-બહેનો માટેનો પ્રેમ પણ વધ્યો. જોર્ડન એક મહત્ત્વની વાત શીખ્યો કે કોઈ ભાઈ સહાયક સેવક બને એ પહેલાંથી જ બીજાઓને મદદ કરતો હોવો જોઈએ. પછી તે સહાયક સેવક બને ત્યારે તેણે એમ કરવાનું ચાલુ રાખવું જોઈએ.—૧ તિમો. ૩:૮-૧૦, ૧૩.

૧૩. પ્રેમનો ગુણ બતાવવાથી ક્રિસ્ટીયાનભાઈ કઈ રીતે ફરીથી વડીલ બની શક્યા?

૧૩ બની શકે કે તમે પહેલાં એક વડીલ કે સહાયક સેવક તરીકે સેવા આપતા હતા. પણ શું તમે એ સમયે જે કામ કર્યું અને પ્રેમ બતાવ્યો, એ યહોવા ભૂલી ગયા છે? ના. તે તો તમારાં કામ અને પ્રેમને યાદ રાખે છે. (૧ કોરીં. ૧૫:૫૮) તે એ પણ જુએ છે કે તમે આજેય પ્રેમ બતાવવાનું છોડ્યું નથી. ક્રિસ્ટીયાનભાઈના દાખલા પર ધ્યાન આપો. જ્યારે તેમની પાસે વડીલ તરીકેની જવાબદારી ન રહી, ત્યારે તેમને થોડું દુઃખ થયું. પણ તે કહે છે: “મેં નક્કી કર્યું કે યહોવા માટેના પ્રેમને લીધે હું તેમની સેવામાં બનતું બધું કરીશ, પછી ભલે મારી પાસે કોઈ જવાબદારી હોય કે ન હોય.” સમય જતાં, તેમને ફરી વડીલ બનાવવામાં આવ્યા. તે કહે છે: “હું વડીલ તરીકે ફરી સેવા આપતા અચકાતો હતો. પણ મેં નક્કી કર્યું કે જો યહોવા ચાહતા હોય કે હું વડીલ તરીકે ફરી સેવા આપું, તો હું એવું જરૂર કરીશ. કેમ કે હું યહોવા અને ભાઈ-બહેનોને પ્રેમ કરું છું.”

૧૪. તમને એલિનાબહેનના દાખલામાંથી શું શીખવા મળ્યું?

૧૪ યહોવાના સેવકો પોતાના પડોશીઓને પણ પ્રેમ કરે છે. (માથ. ૨૨:૩૭-૩૯) જોર્જિયા દેશમાં રહેતાં એલિનાબહેન કહે છે: “શરૂઆતમાં હું ફક્ત યહોવા માટેના પ્રેમને લીધે જ બીજાઓને પ્રચાર કરતી હતી. પણ જેમ જેમ મારા સ્વર્ગમાંના પિતા માટે મારો પ્રેમ વધતો ગયો, તેમ તેમ હું લોકોને વધારે પ્રેમ કરવા લાગી. હું વિચારતી કે લોકોને કઈ કઈ મુશ્કેલીઓ છે અને તેઓને કેવા વિષયો પર વાત કરવાનું ગમશે. એ રીતે હું તેઓ વિશે જેટલું વધારે વિચારતી, એટલું તેઓને વધારે મદદ કરવાનું મન થતું.”—રોમ. ૧૦:૧૩-૧૫.

બીજાઓને પ્રેમ કરીએ છીએ ત્યારે ઘણા આશીર્વાદો મળે છે

પ્રેમના એક નાના કામથી ઘણા લોકોને આશીર્વાદો મળી શકે છે (ફકરા ૧૫-૧૬ જુઓ)

૧૫-૧૬. ચિત્રોમાં બતાવ્યું છે તેમ બીજાઓને પ્રેમ બતાવવાથી કેવા આશીર્વાદો મળે છે?

૧૫ ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ છીએ ત્યારે ફક્ત તેઓને જ નહિ, બીજાઓને પણ ફાયદો થાય છે. એક દાખલા પર ધ્યાન આપીએ. કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ એ પછી પાઉલોભાઈ અને તેમની પત્નીએ ઘણી વૃદ્ધ બહેનોને ફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટર દ્વારા પ્રચાર કરવાનું શીખવ્યું. એક બહેનને શરૂઆતમાં એમ કરવું અઘરું લાગ્યું, પણ પછીથી તે શીખી ગયાં. એ રીતનો ઉપયોગ કરીને તે પોતાનાં સગાં-વહાલાઓને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપી શક્યાં. તેઓમાંથી ૬૦ લોકોએ ઓનલાઇન એ પ્રસંગમાં હાજરી આપી. પાઉલોભાઈ અને તેમની પત્નીએ જે મહેનત કરી, એનાથી તે બહેન અને તેમનાં સગાં-વહાલાઓને ફાયદો થયો. થોડા સમય પછી એ બહેને પાઉલોભાઈને લખ્યું: “મારા જેવી વૃદ્ધ બહેનોને શીખવવા માટે તમારા બંનેનો ખૂબ આભાર. યહોવા જે રીતે અમારી કાળજી રાખે છે અને અમને મદદ કરવા તમે જે સખત મહેનત કરી, એ હું ક્યારેય નહિ ભૂલું.”

૧૬ એવા અનુભવોથી પાઉલોભાઈ એક જોરદાર વાત શીખ્યા. તે યાદ રાખે છે કે જ્ઞાન અથવા આવડતો કરતાં પ્રેમ વધારે મહત્ત્વનો છે. ભાઈ જણાવે છે: “પહેલાં હું સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપતો હતો. આજે મને સમજાય છે કે ભલે ભાઈ-બહેનોને મારાં પ્રવચનો યાદ નહિ હોય, પણ મેં તેઓને જે મદદ કરી હતી એ તેઓને હજીયે યાદ છે.”

૧૭. પ્રેમ બતાવીએ છીએ ત્યારે બીજા કોને ફાયદો થશે?

૧૭ બીજાઓને પ્રેમ બતાવીએ છીએ ત્યારે આપણે વિચાર્યું પણ ન હોય એ રીતે આપણને પોતાને ફાયદો થાય છે. ન્યૂ ઝીલૅન્ડમાં રહેતા જોનાથાનભાઈ સાથે પણ એવું જ બન્યું. એક શનિવારે ભરબપોરે તેમણે જોયું કે એક પાયોનિયર ભાઈ ધોમધખતા તડકામાં એકલા એકલા પ્રચાર કરતા હતા. એટલે તેમણે નક્કી કર્યું હવેથી તે દર શનિવારે બપોરે પેલા પાયોનિયર ભાઈ સાથે પ્રચારમાં જશે. એ વખતે તે જાણતા ન હતા કે તેમની ભલાઈથી તેમને પોતાને કેટલો ફાયદો થવાનો હતો. જોનાથાનભાઈ કહે છે: “સાચું કહું તો એ વખતે મને પ્રચારમાં બહુ મજા આવતી ન હતી. પણ તે ભાઈ જે રીતે બીજાઓ સાથે વાત કરતા એ હું સાંભળતો. મેં એ પણ જોયું કે તે ભાઈને પ્રચારમાં કેટલાં સારાં પરિણામો મળ્યાં છે. એનાથી પ્રચારમાં મારો જોશ વધ્યો. એટલું જ નહિ, એ ભાઈ સાથે મારી પાકી દોસ્તી થઈ ગઈ. તેમણે મને યહોવાની ભક્તિમાં આગળ વધવા, પ્રચારકામમાં આનંદ મેળવવા અને યહોવાની વધારે નજીક જવા મદદ કરી.”

૧૮. યહોવા આપણી પાસેથી શું ચાહે છે?

૧૮ યહોવા ચાહે છે કે આપણે તેમના માટે અને બીજાઓ માટે પોતાનો પ્રેમ વધારતા જઈએ. આ લેખમાં જોયું તેમ બાઇબલ વાંચીને, એના પર મનન કરીને અને નિયમિત પ્રાર્થના કરીને યહોવા માટેનો પ્રેમ મજબૂત કરી શકીએ છીએ. અલગ અલગ રીતોથી ભાઈ-બહેનોને મદદ કરીને તેઓ માટેનો આપણો પ્રેમ વધારી શકીએ છીએ. જેમ જેમ આપણો પ્રેમ વધતો જશે, તેમ તેમ યહોવા અને ભાઈ-બહેનોની વધારે નજીક જઈશું અને તેઓ સાથેની દોસ્તી હંમેશાં રહેશે.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

a ભલે આપણે હાલમાં જ બાપ્તિસ્મા લીધું હોય, કે પછી વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, આપણે બધા જ પ્રગતિ કરતા રહી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે યહોવાની ભક્તિમાં આગળ વધી શકીએ. યહોવા અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ વધારીને એમ કરી શકીએ છીએ. આ લેખ પર વિચાર કરો ત્યારે ધ્યાન આપજો કે તમે હમણાં સુધી કેટલી પ્રગતિ કરી છે અને કઈ રીતે હજી વધારે પ્રગતિ કરી શકો.

b અમુક નામ બદલ્યાં છે.