સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

બીજાઓમાં રસ લેવાથી અઢળક આશીર્વાદો મળે છે

બીજાઓમાં રસ લેવાથી અઢળક આશીર્વાદો મળે છે

૧૯૪૮માં મારા મમ્મી અને મારી બહેન પૅટ સાથે

“એંગ્લિકન ચર્ચ સત્ય શીખવતું નથી. તું સત્યની શોધ કરતી રહેજે.” મારાં નાનીમા એંગ્લિકન ચર્ચમાં જતાં હતાં અને એ શબ્દો તેમણે મારાં મમ્મીને કહ્યા હતા. ત્યારથી મારાં મમ્મી સાચા ધર્મની શોધમાં લાગી ગયાં હતાં. પણ તે યહોવાના સાક્ષીઓ સાથે વાત કરવા માંગતાં ન હતાં. તેઓ જ્યારે કેનેડાના ટોરોંટોમાં અમારા ઘરે આવ્યા, ત્યારે મમ્મીએ મને સંતાઈ જવાનું કહ્યું. પણ ૧૯૫૦માં માસીએ સાક્ષીઓ પાસેથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, મમ્મી પણ તેઓ સાથે બેસતાં. તેઓ માસીના ઘરે જ અભ્યાસ કરતા અને પછી તેઓએ બાપ્તિસ્મા લીધું.

પપ્પા યુનાઈટેડ ચર્ચ ઑફ કેનેડાના પાદરી હતા. એટલે તે દર અઠવાડિયે મને અને મારી નાની બહેનને સન્ડે સ્કૂલમાં મોકલતા, જ્યાં નાનાં બાળકોને બાઇબલની વાર્તાઓ શીખવવામાં આવતી. પછી સવારે ૧૧ વાગ્યે અમે પપ્પા સાથે ચર્ચની સભામાં બેસતા. બપોરે અમે મમ્મી સાથે પ્રાર્થનાઘર જતા. અમે સાફ જોઈ શકતા હતા કે એ બે ધર્મો વચ્ચે કેટલો ફરક છે.

૧૯૫૮માં પરમેશ્વરની ઇચ્છા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાઈ હચેસન અને તેમના કુટુંબ સાથે

બૉબ હચેસન, તેમનાં પત્ની મેરિયન અને મમ્મી વર્ષોથી ગાઢ મિત્રો હતાં. મમ્મી જે શીખતાં હતાં, એ તેમણે તેઓને જણાવ્યું અને તેઓ પણ યહોવાના સાક્ષી બન્યાં. પછી ૧૯૫૮માં ન્યૂ યૉર્ક શહેરમાં ‘પરમેશ્વરની ઇચ્છા આંતરરાષ્ટ્રીય સંમેલન’ યોજાયું. એ સંમેલન આઠ દિવસનું હતું. બૉબ અને મેરિયન તેમના ત્રણ દીકરાઓ સાથે મને પણ એ સંમેલનમાં લઈ ગયા. હવે મને સમજાય છે કે મને સાથે લઈ જવો તેઓ માટે સહેલું નહિ હોય. પણ એ સંમેલનની યાદો હજી મારા મનમાં તાજી છે.

ભાઈ-બહેનોએ મારામાં રસ લીધો, યહોવાની સેવામાં વધારે કરવા મદદ કરી 

અમુક વર્ષો સુધી અમે જુદાં જુદાં પ્રાણીઓ પાળ્યાં. એ સમયે મેં યુવાનીમાં ડગ પણ માંડ્યો ન હતો. એ પ્રાણીઓની સંભાળ રાખવી મને એટલું ગમતું કે હું મોટો થઈને પ્રાણીઓનો ડૉક્ટર બનવા માંગતો હતો. એ વિશે મારાં મમ્મીએ મંડળના એક વડીલને વાત કરી. ભાઈએ ખૂબ પ્રેમથી મને યાદ અપાવ્યું કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ. (૨ તિમો. ૩:૧) તેમણે એ વાતનો પણ વિચાર કરવા કહ્યું કે જો હું અમુક વર્ષો યુનિવર્સિટીમાં ભણવા જઈશ, તો યહોવા સાથેના મારા સંબંધ પર એની કેવી અસર પડશે. એટલે મેં યુનિવર્સિટી જવાનું માંડી વાળ્યું.

હું હજી વિચારતો હતો કે સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી શું કરું. હું દર શનિ-રવિ પ્રચારમાં જતો હતો, પણ મને મજા આવતી ન હતી. મને લાગતું ન હતું કે હું પાયોનિયર બની શકીશ. મારા પપ્પા અને કાકા યહોવાના સાક્ષી ન હતા. તેઓ મને કહેતા કે હું ટોરોંટોમાં એક મોટી વીમા કંપનીમાં નોકરી કરું. મારા કાકા ત્યાં ઊંચી પદવી પર હતા, એટલે મેં એ નોકરી સ્વીકારી લીધી.

ટોરોંટોમાં મારો મોટા ભાગનો સમય નોકરી પર અને સાક્ષી ન હોય એવા લોકોને હળવા-મળવામાં જતો રહેતો. એટલે હું નિયમિત રીતે સભાઓ અને પ્રચારમાં જઈ શકતો ન હતો. શરૂઆતમાં હું મારા દાદા સાથે રહેતો હતો, જે યહોવાના સાક્ષી ન હતા. પણ તેમના મરણ પછી મારે રહેવા માટે બીજી જગ્યા શોધવાની હતી.

૧૯૫૮માં જેઓ મને સંમેલનમાં લઈ ગયાં હતાં, એ બૉબ અને મેરિયન મારા માટે મમ્મી-પપ્પા જેવાં હતાં. તેઓએ મને જણાવ્યું કે હું તેઓના ઘરે રહી શકું છું. યહોવા સાથે સંબંધ મજબૂત કરવા તેઓએ મને મદદ કરી. ૧૯૬૦માં તેઓના દીકરા જૉન સાથે મેં બાપ્તિસ્મા લીધું. પછી જૉન પાયોનિયર સેવા કરવા લાગ્યો એનાથી મને પણ પ્રચારમાં વધારે કરવાનું મન થયું. મંડળના ભાઈઓએ નોંધ લીધી કે હું પ્રગતિ કરી રહ્યો છું. સમય જતાં, મને દેવશાહી સેવા શાળા સેવક બનાવવામાં આવ્યો. a

જીવનસાથીને સંગ પાયોનિયરીંગનો રંગ

૧૯૬૬માં અમારા લગ્‍નના દિવસે

૧૯૬૬માં મેં રેન્ડી બર્ગ સાથે લગ્‍ન કર્યાં. તે એક ઉત્સાહી પાયોનિયર હતી અને જ્યાં જરૂર છે ત્યાં જઈને સેવા આપવા આતુર હતી. અમારા પ્રવાસી નિરીક્ષકે અમારામાં રસ લીધો અને ઉત્તેજન આપ્યું કે અમે ઑન્ટેરીઓ પ્રાંતના ઓરીલિયા શહેરમાં સેવા આપવા જઈએ. એટલે અમે તરત જ બોરિયાં-બિસ્તરાં બાંધીને ત્યાં જવા નીકળી પડ્યાં.

ઓરીલિયા પહોંચતાં જ મેં પણ પાયોનિયરીંગ શરૂ કર્યું. રેન્ડીના ઉત્સાહનો રંગ મને પણ લાગ્યો હતો. એક સારા પાયોનિયર બનવા મેં સખત મહેનત કરવાનું શરૂ કર્યું, એ પછી બીજાઓને બાઇબલની કલમો બતાવવામાં અને તેઓ એ સમજે છે એ જોવામાં મને અનેરી ખુશી મળતી. ઓરીલિયામાં અમે એક પતિ-પત્નીને બાઇબલમાંથી શીખવતાં. તેઓએ પોતાના જીવનમાં ફેરફારો કર્યા અને યહોવાના સેવકો બન્યાં. એ સાચે જ એક આશીર્વાદ હતો!

નવી ભાષા, નવા વિચારો

એક વાર જ્યારે અમે ટોરોંટો ગયાં, ત્યારે હું ભાઈ આર્નોલ્ડ મેક-નમારાને મળ્યો. એ સમયે તેમની પાસે બેથેલમાં ઘણી જવાબદારીઓ હતી. તેમણે અમને પૂછ્યું કે શું અમે ખાસ પાયોનિયર તરીકે સેવા આપી શકીએ. મેં તરત જ કહ્યું: “હા જરૂર! ગમે ત્યાં મોકલજો પણ ક્વિબેક નહિ.” એ સમયે ક્વિબેકમાં રહેતા ફ્રેંચ ભાષાના લોકો સરકાર સામે આંદોલનો કરી રહ્યા હતા. તેઓ ચાહતા હતા કે ક્વિબેક પ્રાંતને અલગ દેશ બનાવવામાં આવે. એટલે કેનેડાના જે વિસ્તારોમાં અંગ્રેજી ભાષા બોલાતી હતી, ત્યાંના લોકો ક્વિબેકમાં રહેતા ફ્રેંચ બોલતા લોકો સાથે ભેદભાવ કરતા હતા. અંગ્રેજી ભાષા બોલતા એ લોકોની અસર મારા પર પણ થઈ હતી, એટલે મેં એવું કહ્યું હતું.

ભાઈ આર્નોલ્ડે કહ્યું: “શાખા કચેરી હમણાં તો ખાસ પાયોનિયરોને ક્વિબેક જ મોકલી રહી છે.” મેં તરત જ જવા માટે હા પાડી. હું જાણતો હતો કે રેન્ડીને પણ ત્યાં જઈને સેવા આપવાનું ઘણું મન હતું. પછીથી મને સમજાયું કે એ અમારા જીવનના સૌથી સારા નિર્ણયોમાંનો એક હતો. 

ફ્રેંચ ભાષા શીખવા અમે પાંચ અઠવાડિયાનો એક ક્લાસ ભર્યો. એ પછી મને, રેન્ડીને અને બીજા એક પતિ-પત્નીને રિમૂસ્કી મોકલવામાં આવ્યાં. એ મૉંટ્રિઑલ શહેરથી આશરે ૫૪૦ કિલોમીટર (૩૩૬ માઇલ) દૂર ઉત્તર-પૂર્વમાં આવેલું હતું. હજી અમારે ઘણું બધું શીખવાનું હતું. એક સભામાં જ્યારે મેં અમુક જાહેરાતો વાંચી, ત્યારે એ વાત સાફ દેખાઈ આવી. મારે કહેવાનું હતું કે આવનાર સંમેલનમાં “ઑસ્ટ્રિયાનાં અમુક ભાઈ-બહેનો” આવશે. પણ મેં એની સાથે મળતો આવે એવો શબ્દ વાપર્યો અને કહ્યું કે “શાહમૃગ ભાઈ-બહેનો” આવશે. 

રિમૂસ્કીમાં “વ્હાઇટ હાઉસ”

રિમૂસ્કીમાં અમારા ચારની સાથે બીજી ચાર કુંવારી બહેનો જોડાઈ, જેઓ ખૂબ ઉત્સાહી હતી. એ ઉપરાંત ભાઈ હ્યૂબર્ડો, તેમનાં પત્ની અને તેઓની બે દીકરીઓ પણ જોડાઈ. ભાઈ હ્યૂબર્ડો અને તેમની પત્નીએ એક મોટું ઘર ભાડે લીધું હતું, જેમાં સાત રૂમો હતી. ત્યાં રહેતાં બધા પાયોનિયરો એનું ભાડું ભરવા મદદ કરતા હતાં. અમે એને “વ્હાઇટ હાઉસ” કે સફેદ ઘર કહેતા, કેમ કે એને બહારથી સફેદ રંગથી ધોળેલું હતું અને એના થાંભલા પણ સફેદ હતા. ત્યાં મોટા ભાગે ૧૨થી ૧૪ લોકો રહેતા હતા. હું અને રેન્ડી ખાસ પાયોનિયરો હતાં, એટલે અમે સવારે, બપોરે અને સાંજે પ્રચારમાં જતાં. અમે એ વાતની ખૂબ કદર કરીએ છીએ કે અમને પ્રચારમાં મદદ કરવા હંમેશાં કોઈ ને કોઈ અમારી સાથે રહેતું, શિયાળામાં સાંજે કડકડતી ઠંડી પડતી ત્યારે પણ.

એ વફાદાર પાયોનિયરો સાથે અમારી દોસ્તી એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ અમારા માટે કુટુંબ જેવા જ હતા. ઘણી વાર અમે સાથે મળીને તાપણું સળગાવતા, તો કોઈક દિવસે સાથે મળીને પેરોગી બનાવતા. (ઘૂઘરા કે મોમો જેવી એક વાનગી.) એક ભાઈને સંગીત વગાડતા આવડતું હતું, એટલે અમુક વાર શનિવાર રાતે અમે ગીતો ગાતા અને ડાન્સ કરતા.

રિમૂસ્કીમાં અમારી મહેનત રંગ લાવી. પાંચ વર્ષમાં અમારા ઘણા બાઇબલ વિદ્યાર્થીઓએ પ્રગતિ કરી અને બાપ્તિસ્મા લીધું. એ જોવું અમારા માટે ખુશીની વાત હતી. જોતજોતામાં મંડળમાં આશરે ૩૫ પ્રકાશકો થઈ ગયા.

ક્વિબેકમાં અમને રાજ્ય પ્રચારકો તરીકે સરસ તાલીમ મળી. અમે જોયું કે યહોવા કઈ રીતે અમને પ્રચારકામમાં મદદ કરે છે અને અમારી જરૂરિયાતો પૂરી પાડે છે. વધુમાં, અમે ફ્રેંચ ભાષા બોલતા લોકોને, તેઓની ભાષાને અને સંસ્કૃતિને પ્રેમ કરવાનું શીખ્યા. એનાથી આગળ જતાં અમે બીજી સંસ્કૃતિના લોકોને પણ પ્રેમ કરી શક્યાં.—૨ કોરીં. ૬:૧૩.

અચાનક શાખા કચેરીએ અમને જણાવ્યું કે અમે ટ્રેકેડી વિસ્તારમાં જઈને સેવા કરીએ. એ ન્યૂ બ્રુન્સ્વીક પ્રાંતના પૂર્વીય તટ પર આવેલું હતું. જોકે, એક મુશ્કેલી ઊભી થઈ. અમે હમણાં જ એક ફલેટ માટે ભાડા-કરાર કર્યો હતો. મેં એક સ્કૂલમાં દર અઠવાડિયે અમુક કલાકો ભણાવવા માટે હા પાડી હતી. એટલું જ નહિ, અમારા અમુક બાઇબલ વિદ્યાર્થીઓ હમણાં જ પ્રકાશક બન્યા હતા અને પ્રાર્થનાઘર પણ બંધાઈ રહ્યું હતું.

ટ્રેકેડી જવા વિશે અમે શનિ-રવિ ખૂબ જ પ્રાર્થના કરી અને પછી એની મુલાકાતે ગયાં. એ રિમૂસ્કી કરતાં બહુ અલગ હતું. પણ અમે નક્કી કર્યું કે જો યહોવા ચાહતા હોય કે અમે ત્યાં જઈએ, તો અમારે જવું જોઈએ. અમે યહોવાની પરખ કરી અને જોયું કે તેમણે કઈ રીતે અમારી એકેએક અડચણ દૂર કરી. (માલા. ૩:૧૦) રેન્ડીનો યહોવા સાથેનો સંબંધ ખૂબ જ મજબૂત હતો, તે હંમેશાં જતું કરવા તૈયાર રહેતી અને ખૂબ રમૂજી હતી. એના લીધે ટ્રેકેડી જવું અમારા માટે સહેલું થઈ ગયું.

નવા મંડળમાં એક જ વડીલ હતા, ભાઈ રૉબર્ટ રૉસ. તે અને તેમની પત્ની લિન્ડા ત્યાં પાયોનિયરીંગ કરતા હતાં. તેઓના પહેલા દીકરાના જન્મ પછી પણ તેઓએ ત્યાં રહેવાનું નક્કી કર્યું. નાના દીકરાની સંભાળ રાખવાની હોવા છતાં તેઓ ઘણી વાર અમને તેઓના ઘરે બોલાવતાં અને તેઓ પ્રચારમાં પણ ખૂબ ઉત્સાહી હતાં. તેઓએ અમને બંનેને ખૂબ જ ઉત્તેજન આપ્યું.

વધારે જરૂર છે એવી જગ્યાએ સેવા કરવાથી આશીર્વાદો મળ્યા

અમારી પહેલી સરકીટમાં શિયાળા દરમિયાન

ટ્રેકેડીમાં બે વર્ષ પાયોનિયરીંગ કર્યા પછી અમને એક નવી સોંપણી મળી, જેના વિશે અમે વિચાર્યું પણ ન હતું. હવે મારે પ્રવાસી નિરીક્ષક તરીકે કામ કરવાનું હતું. સાત વર્ષ અમે અંગ્રેજી ભાષાની સરકીટમાં સેવા આપી. પછી અમને ક્વિબેકમાં ફ્રેંચ ભાષાની સરકીટમાં સેવા કરવા મોકલવામાં આવ્યાં. ક્વિબેકમાં અમારા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ભાઈ લીઓન્સ ક્રેપાલ્ટ હતા. b તે મારાં પ્રવચનોના વખાણ કરતા. પણ પછી તે હંમેશાં કહેતા, “તું તારાં પ્રવચનોમાં હજી બીજું શું કરી શકે, જેથી ભાઈ-બહેનોને કંઈક લાગુ પાડવા મદદ મળે?” તેમણે મારામાં રસ લીધો એનાથી મને શીખવવાની કળામાં નિખાર લાવવા મદદ મળી. હવે હું એ રીતે શીખવવાની કોશિશ કરતો, જેથી ભાઈ-બહેનોને કંઈક લાગુ પાડવા મદદ મળે અને એ સમજવું પણ સહેલું હોય.

૧૯૭૮માં મૉંટ્રિઑલમાં “વિજયી વિશ્વાસ” આંતરરાષ્ટ્રીય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. એમાં મને એક સોંપણી મળી, જે હું કદી નહિ ભૂલું. મારે ત્યાં આવનાર લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની હતી. અમને કહેવામાં આવ્યું હતું કે આશરે ૮૦,૦૦૦ લોકો આવશે. આ પહેલી વાર સંમેલનમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું જ નવું હતું: નવાં મશીનો, નવાં વાસણો, જમવામાં શું પીરસવું અને કઈ રીતે બનાવવું. અમારી પાસે વીસેક જેટલા મોટાં મોટાં ફ્રીઝ હતાં, પણ અમુક વાર એ કામ કરતા ન હતાં. સંમેલન શરૂ થવાનું હતું એ દિવસે અમે રાતના ૧૨ વાગ્યે પહેલાં સ્ટેડિયમની અંદર જઈ ન શક્યા. કેમ કે આગલા દિવસે ત્યાં રમતનો કોઈ કાર્યક્રમ હતો. સૂર્ય ઊગે એ પહેલાં અમારે ફટાફટ ઓવન શરૂ કરવાનાં હતાં, જેથી સવારનો નાસ્તો બનાવી શકીએ. અમે ખૂબ થાકી ગયા હતા. પણ મારી સાથે કામ કરતા ભાઈ-બહેનો ખૂબ જ મહેનતુ, સમજદાર અને રમૂજી સ્વભાવનાં હતાં. તેઓ પાસેથી મને ઘણું શીખવા મળ્યું. ક્વિબેક પ્રાંતમાં યોજાયેલા એ મહત્ત્વના સંમેલનમાં હાજરી આપવી અમારા માટે બહુ જ ખુશીની વાત હતી. આ એ જ પ્રાંત છે, જ્યાં ૧૯૪૦-૧૯૬૦ સુધી આપણાં ભાઈ-બહેનોની સખત સતાવણી થઈ હતી.

૧૯૮૫માં મૉંટ્રિઑલમાં યોજાયેલા સંમેલન પહેલાં રેન્ડી સાથે સંમેલનનું કામ કરતી વખતે

મૉંટ્રિઑલમાં યોજાયેલાં મોટાં મોટાં સંમેલનોમાં હું બીજા નિરીક્ષકો પાસેથી પણ ઘણું શીખ્યો. એક વર્ષે ભાઈ ડેવિડ સ્પ્લેન, જે હમણાં નિયામક જૂથના સભ્ય છે, તે સંમેલનના નિરીક્ષક હતા. પછીના એક સંમેલનમાં મને એ જવાબદારી ઉપાડવાનું કહેવામાં આવ્યું ત્યારે, ડેવિડભાઈએ મને પૂરો સાથ-સહકાર આપ્યો.

પ્રવાસી નિરીક્ષક તરીકે અમે ૩૬ વર્ષ ખુશી ખુશી સેવા કરી, એ પછી ૨૦૧૧માં મને વડીલો માટે શાળાના શિક્ષક તરીકેની જવાબદારી મળી. બે વર્ષની અંદર હું અને રેન્ડી ૭૫ અલગ અલગ પલંગ પર સૂઈ ગયાં. થોડું અઘરું હતું, પણ વડીલોને એ શાળાથી જે ફાયદો થતો હતો, એ જોઈને અમે બધું દુઃખ ભૂલી જતાં. અઠવાડિયાના અંતે વડીલો જોઈ શકતા કે તેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય એની નિયામક જૂથને કેટલી ચિંતા છે, ત્યારે તેઓનું દિલ કદરથી ઊભરાઈ જતું.

પછીથી મને રાજ્ય પ્રચારકો માટે શાળામાં શીખવવાનો મોકો મળ્યો. ઘણી વાર વિદ્યાર્થીઓ ખૂબ થાકી જતા અને ચિંતામાં ડૂબી જતા. કેમ કે તેઓએ દિવસના સાત કલાક ક્લાસમાં બેસવાનું હતું, દરરોજ સાંજે ત્રણ કલાક હોમવર્ક કરવાનું હતું અને અઠવાડિયામાં ચાર-પાંચ ભાગ આપવાના હતા. હું અને સ્કૂલના બીજા શિક્ષક તેઓને સમજાવતા કે યહોવાની મદદ વગર તેઓ કંઈ નહિ કરી શકે. ભલે શરૂઆતમાં વિદ્યાર્થીઓને બધું કરવું અઘરું લાગતું હતું, પણ જ્યારે તેઓએ જોયું કે યહોવા પર આધાર રાખવાથી તેઓ ધાર્યા કરતાં પણ વધારે કરી શકે છે, ત્યારે તેઓને ખૂબ જ નવાઈ લાગતી. એ વાત હું હંમેશાં યાદ રાખીશ.

બીજાઓમાં રસ લઈએ છીએ ત્યારે, કાયમ માટે ફાયદો થાય છે

મમ્મીએ પોતાના વિદ્યાર્થીઓમાં રસ લીધો, એનાથી તેઓ પ્રગતિ કરી શક્યા. અરે, સત્ય માટે પપ્પાનું વલણ પણ કૂણું પડ્યું. મમ્મીના મરણના ત્રણ દિવસ પછી તે પ્રાર્થનાઘરમાં જાહેર પ્રવચન સાંભળવા આવ્યા. એ જોઈને અમે દંગ રહી ગયા. પછીનાં ૨૬ વર્ષો સુધી પપ્પા નિયમિત રીતે સભામાં આવતા રહ્યા. પપ્પાએ કદી બાપ્તિસ્મા ન લીધું, પણ વડીલોએ મને જણાવ્યું કે દર અઠવાડિયે સભાઓમાં તે સૌથી પહેલા આવતા હતા.

મમ્મીએ મારા માટે અને મારી બહેનો માટે પણ સરસ દાખલો બેસાડ્યો છે. મારી ત્રણેય બહેનો અને તેઓના પતિ વફાદારીથી યહોવાની સેવા કરે છે. બે બહેનો બેથેલમાં સેવા આપે છે, એક પોર્ટુગલમાં અને બીજી હૈતીમાં.

હવે હું અને રેન્ડી ઑન્ટેરીઓના હેમિલ્ટન શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપીએ છીએ. જ્યારે હું પ્રવાસી નિરીક્ષક હતો, ત્યારે અમે બીજાઓની ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસમાં જતા. પણ હવે અમને એ જોઈને ખુશી થાય છે કે અમારા બાઇબલ વિદ્યાર્થીઓ યહોવાને પ્રેમ કરે છે. નવા મંડળમાં જ્યારે ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધીએ છીએ અને જોઈએ છીએ કે યહોવા કઈ રીતે સારા-નરસા સંજોગોમાં તેઓને સાથ આપે છે, ત્યારે અમને ઘણું ઉત્તેજન મળે છે.

પાછલાં વર્ષોનો વિચાર કરીએ છીએ ત્યારે, અમે જોઈ શકીએ છીએ કે ઘણાં ભાઈ-બહેનોએ અમારામાં રસ લીધો અને અમે તેઓની ખૂબ જ કદર કરીએ છીએ. બદલામાં, અમે પણ બીજાઓને એ બતાવવાની કોશિશ કરીએ છીએ કે અમને તેઓની “ઘણી ચિંતા” છે અને ઉત્તેજન આપવા માંગીએ છીએ, જેથી તેઓ યહોવાની સેવામાં બનતું બધું કરી શકે. (૨ કોરીં. ૭:૬, ૭) દાખલા તરીકે, અમે એક કુટુંબને મળ્યા, જેમાં ભાઈનાં પત્ની, તેમનો દીકરો અને તેમની દીકરી પાયોનિયરીંગ કરતા હતાં. મેં ભાઈને પૂછ્યું કે શું તેમણે કદી પાયોનિયરીંગ કરવાનો વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે તે ત્રણેયને મદદ કરે છે, જેથી તેઓ પાયોનિયરીંગ કરી શકે. એટલે મેં પૂછ્યું, “શું તમે યહોવા કરતાં વધારે સારી રીતે મદદ કરી શકશો?” મેં તેમને પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપ્યું, જેથી તેમને પણ એ ખુશી મળે જે કુટુંબને મળી રહી છે. છ મહિના પછી તે ભાઈ પાયોનિયરીંગ કરવા લાગ્યા.

હું અને રેન્ડી “આવનાર પેઢીને” યહોવાનાં “અજાયબ કામો” વિશે જણાવતાં રહીશું. અમારી પ્રાર્થના છે કે તેઓને પણ યહોવાની સેવામાં એ જ ખુશી મળે, જે અમને મળી છે.—ગીત. ૭૧:૧૭, ૧૮.

a એ જવાબદારી ઉપાડનાર ભાઈ હવે જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક કહેવાય છે.

b લીઓન્સ ક્રેપાલ્ટની જીવન સફર વાંચવા ફેબ્રુઆરી ૨૦૨૦ ચોકીબુરજ પાન ૨૬-૩૦ જુઓ.