સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૨

યહોવાની જેમ વાજબી બનો

યહોવાની જેમ વાજબી બનો

“તમે વાજબી છો, એની બધાને જાણ થવા દો.”—ફિલિ. ૪:૫.

ગીત ૬ અમારી પ્રાર્થના

ઝલક a

તમે કયા ઝાડ જેવા બનવા માંગો છો? (ફકરો ૧ જુઓ)

૧. ખ્રિસ્તીઓ કઈ રીતે નાળિયેરી જેવા હોવા જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

 શું તમે કદી જોયું છે કે પવન ફૂંકાય ત્યારે નાળિયેરી શું કરે છે? તે નમી જાય છે, પણ તૂટતી નથી. ઘણાં ઝાડમાં એવી ખાસિયત છે, જે તેને વધારે ફૂલવા-ફાલવા મદદ કરે છે. એ છે, નમી જવું. એવી જ રીતે, જો આપણે કપરા સંજોગોમાં પણ ખુશીથી યહોવાની સેવા કરતા રહેવા માંગતા હોઈએ, તો આપણે નમવાની એટલે કે વાજબી બનવાની જરૂર છે. કઈ રીતે? સંજોગો બદલાય ત્યારે ફેરફારો કરવા તૈયાર રહીએ તેમજ બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીએ.

૨. કયા ગુણો આપણને બદલાતા સંજોગોનો સામનો કરવા મદદ કરશે? આ લેખમાં શાની ચર્ચા કરીશું?

યહોવાના સેવકો તરીકે આપણે વાજબી બનવું જોઈએ. આપણે નમ્ર પણ બનવું જોઈએ અને કરુણા બતાવવી જોઈએ. આ લેખમાં જોઈશું કે કઈ રીતે એવા ગુણો કેળવવાથી અમુક ઈશ્વરભક્તોને બદલાતા સંજોગોનો સામનો કરવા મદદ મળી. એ પણ જોઈશું કે એ ગુણો આપણને કઈ રીતે મદદ કરી શકે. પણ સૌથી પહેલા ચાલો યહોવા અને ઈસુ પાસેથી શીખીએ, જેઓએ વાજબી બનવામાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

યહોવા અને ઈસુ વાજબી છે

૩. શાનાથી સાબિત થાય છે કે યહોવા વાજબી છે?

યહોવાને “ખડક” કહેવામાં આવ્યા છે, કેમ કે તે દૃઢ અને અડગ છે. (પુન. ૩૨:૪) જોકે, તે વાજબી પણ છે, એટલે કે જરૂર પડ્યે ફેરફારો કરવા તૈયાર છે. જેમ જેમ આ દુનિયા બદલાતી જાય છે, તેમ તેમ યહોવા પણ પોતાનો હેતુ પૂરો કરવા ફેરફારો કરે છે. તેમણે માણસોને પોતાના જેવા બનાવ્યા છે, એટલે આપણે પણ સંજોગો પ્રમાણે ફેરફાર કરી શકીએ છીએ. બાઇબલમાં તેમણે સ્પષ્ટ સિદ્ધાંતો આપ્યા છે. એની મદદથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ, પછી ભલેને ગમે એવી મુશ્કેલી આવે. યહોવાના પોતાના દાખલાથી અને બાઇબલના સિદ્ધાંતોથી સાબિત થાય છે કે યહોવા “ખડક” જેવા અડગ હોવાની સાથે સાથે વાજબી પણ છે.

૪. યહોવા વાજબી છે, એ સમજાવતો એક દાખલો આપો. (લેવીય ૫:૭, ૧૧)

યહોવાનાં કામો ખરાં અને વાજબી છે. તે જિદ્દી નથી અથવા લોકો સાથે કઠોરતાથી વર્તતા નથી. દાખલા તરીકે, ધ્યાન આપો કે યહોવાએ ઇઝરાયેલીઓને કઈ રીતે બતાવી આપ્યું કે તે વાજબી છે. તેમણે એવી માંગ ન કરી કે બધા ઇઝરાયેલીઓ એકસરખાં જ બલિદાન ચઢાવે, પછી ભલે તેઓ ગરીબ હોય કે ધનવાન. અમુક કિસ્સામાં તેમણે દરેકને પોતાના સંજોગો પ્રમાણે બલિદાન ચઢાવવાની છૂટ આપી.—લેવીય ૫:૭, ૧૧ વાંચો.

૫. શાના આધારે કહી શકીએ કે યહોવા નમ્ર છે અને બીજાઓને કરુણા બતાવે છે? દાખલો આપો.

યહોવા વાજબી છે, કેમ કે તે નમ્ર છે અને બીજાઓને કરુણા બતાવે છે. યહોવા કેટલા નમ્ર છે એ સમજવા આ બનાવનો વિચાર કરો. તેમણે સદોમના દુષ્ટ લોકોનો નાશ કરવાનું નક્કી કરી લીધું હતું. પોતાના દૂતોને મોકલીને તેમણે નેક માણસ લોતને કહ્યું કે તે સદોમ છોડીને પહાડી વિસ્તારમાં ચાલ્યો જાય. લોતને ત્યાં જતા ડર લાગતો હતો. એટલે તેણે યહોવાને વિનંતી કરી કે શું તે અને તેનું કુટુંબ સોઆર નગરમાં જઈ શકે. હવે યહોવા તો સોઆરનો પણ નાશ કરવાના હતા. એટલે તે લોતને કહી શક્યા હોત કે તેને જે કહેવામાં આવ્યું છે એ જ કરે. પણ તેમણે લોતની વિનંતી માની અને એ નગરનો નાશ ન કર્યો. (ઉત. ૧૯:૧૮-૨૨) સદીઓ પછી યહોવાએ નિનવેહના લોકોને કરુણા બતાવી. તેમણે પ્રબોધક યૂનાને એ સંદેશો આપવા મોકલ્યા કે તે બહુ જલદી એ શહેરનો અને ત્યાંના દુષ્ટોનો નાશ કરવાના છે. પણ જ્યારે ત્યાંના લોકોએ પસ્તાવો કર્યા, ત્યારે યહોવાને તેઓ પર દયા આવી અને તેમણે એ શહેરનો નાશ ન કર્યો.—યૂના ૩:૧, ૧૦; ૪:૧૦, ૧૧.

૬. દાખલો આપીને સમજાવો કે ઈસુ કઈ રીતે યહોવાની જેમ વાજબી છે.

વાજબી બનવામાં ઈસુ એકદમ યહોવા જેવા છે. પૃથ્વી પર તેમને ‘ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંને’ પ્રચાર કરવા મોકલવામાં આવ્યા હતા. પણ તેમણે એવું ન કહ્યું, ‘હું બીજાઓને પ્રચાર નહિ કરું, મદદ પણ નહિ કરું.’ એક વખતે એક સ્ત્રી ઈસુ પાસે આવી. તે ઇઝરાયેલી ન હતી. તેની દીકરી “દુષ્ટ દૂતની પકડમાં” હતી અને તે એને બહુ રિબાવતો હતો. ઈસુને તે સ્ત્રી પર દયા આવી અને તેમણે તેની વિનંતી પ્રમાણે તેની દીકરીને સાજી કરી. (માથ. ૧૫:૨૧-૨૮) બીજા એક દાખલા પર ધ્યાન આપો. પોતાના સેવાકાર્ય દરમિયાન એક વાર ઈસુએ કહ્યું હતું: “જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ . . . ઓળખવાની ના પાડીશ.” (માથ. ૧૦:૩૩) હવે પિતરે ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડી હતી. શું ઈસુએ પણ પિતરને ઓળખવાની ના પાડી? ના, તે જાણતા હતા કે પિતરે સાચો પસ્તાવો કર્યો છે અને તે વફાદાર છે. મરણમાંથી ઉઠાડવામાં આવ્યા એ પછી ઈસુએ પિતરને ભરોસો અપાવ્યો કે તેમણે પિતરને માફ કર્યા છે અને હજી તેમને પ્રેમ કરે છે.—લૂક ૨૪:૩૩, ૩૪.

૭. ફિલિપીઓ ૪:૫માં જણાવ્યું છે તેમ આપણે કેવી શાખ ચાહીએ છીએ?

આપણે જોઈ ગયા કે યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વાજબી છે. આપણા વિશે શું? યહોવા ચાહે છે કે આપણે પણ વાજબી બનીએ. (ફિલિપીઓ ૪:૫ વાંચો.) એ કલમનું એક બાઇબલમાં આવું ભાષાંતર થયું છે: “તમારી શાખ વાજબી વ્યક્તિ તરીકેની હોય.” પોતાને પૂછો: ‘લોકો મારા વિશે શું વિચારે છે? શું હું વાજબી છું? શું હું નમવા કે ફેરફારો કરવા તૈયાર છું? કે પછી લોકો મને કઠોર અને જિદ્દી સમજે છે? શું હું એવું માનું છું કે મારો જ કક્કો ખરો અને બીજાઓએ હું કહું એવું જ કરવું જોઈએ? કે પછી હું તેઓની વાત સાંભળું છું અને યોગ્ય હોય ત્યારે તેઓની વાત માનું છું?’ જેટલા વધારે વાજબી હોઈશું, એટલું વધારે યહોવા અને ઈસુનું અનુકરણ કરી શકીશું. ચાલો હવે બે સંજોગોનો વિચાર કરીએ, જેમાં વાજબી હોવું ખૂબ જરૂરી છે. એક, આપણા સંજોગો બદલાય ત્યારે અને બે, બીજાઓના વિચારો અને નિર્ણયો આપણા કરતાં અલગ હોય ત્યારે.

સંજોગો બદલાય ત્યારે વાજબી બનો

૮. સંજોગો બદલાય ત્યારે વાજબી બનવા શાનાથી મદદ મળી શકે? (ફૂટનોટ પણ જુઓ.)

સંજોગો બદલાય ત્યારે વાજબી બનવાની જરૂર છે, એટલે કે સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની જરૂર છે. અમુક ફેરફારોને લીધે આપણા સામે એવી મુશ્કેલી આવે, જેના વિશે વિચાર્યું પણ ન હોય. કદાચ અચાનક તબિયત બગડી જાય. અથવા આર્થિક કે રાજકીય ફેરફારોને લીધે રાતોરાત આપણું જીવન અઘરું બની જાય. (સભા. ૯:૧૧; ૧ કોરીં. ૭:૩૧) એવું પણ બને કે યહોવાની સેવામાં આપણી સોંપણી બદલાઈ જાય. મુશ્કેલી ભલે ગમે એ હોય, જો આ ચાર પગલાં ભરીશું, તો નવા સંજોગોમાં પોતાને ઢાળવા સહેલું થઈ જશે: (૧) હકીકત સ્વીકારો, (૨) પહેલાં જે કરી શકતા હતા એનો વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો, (૩) સારી વાતો પર મન લગાડો અને (૪) બીજાઓ માટે કંઈક કરો. b હવે ચાલો, એવાં ભાઈ-બહેનોનો અનુભવ જોઈએ, જેઓને આ પગલાં ભરવાથી મદદ મળી છે.

૯. જ્યારે એક મિશનરી પતિ-પત્નીના સંજોગો અચાનક બદલાઈ ગયા, ત્યારે તેઓએ કઈ રીતે એનો સામનો કર્યો?

હકીકત સ્વીકારો. એમાન્વેલાભાઈ અને ફ્રેંચેસ્કાબહેનને બીજા દેશમાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યાં હતાં. હજુ તો તેઓએ ત્યાંની ભાષા શીખવાનું અને નવા મંડળનાં ભાઈ-બહેનોને ઓળખવાનું શરૂ કર્યું હતું, ત્યાં તો કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ગઈ. એના લીધે તેઓએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું અને તેઓ ભાઈ-બહેનોને મળી શકતાં ન હતાં. પછી અચાનક ફ્રેંચેસ્કાબહેનનાં મમ્મીનું મરણ થયું. આ દુઃખની ઘડીમાં તે પોતાના કુટુંબ પાસે જવા માંગતાં હતાં. પણ મહામારીને લીધે તે ત્યાં જઈ ન શક્યાં. આ મુશ્કેલ સંજોગોનો સામનો કરવા બહેનને શાનાથી મદદ મળી? (૧) એમાન્વેલાભાઈ અને ફ્રેંચેસ્કાબહેને સાથે મળીને યહોવાને પ્રાર્થના કરી કે, તે તેઓને દરરોજ બુદ્ધિ આપે, જેથી તેઓ એક એક કરીને દિવસો પસાર કરી શકે. યહોવાએ પોતાના સંગઠન દ્વારા તેઓની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો. દાખલા તરીકે, એક ભાઈના ઇન્ટરવ્યૂથી તેઓને ઘણું ઉત્તેજન મળ્યું. એ વીડિયોમાં ભાઈએ કહ્યું હતું: “નવા સંજોગોને જેટલા જલદી અપનાવી લઈશું એટલી વધારે ખુશી મળશે. એ સંજોગો પ્રમાણે જલદી જ યહોવાની સેવા શરૂ કરી શકીશું અને લોકોને ખુશખબર જણાવી શકીશું.” c (૨) તેઓએ નક્કી કર્યું કે તેઓ ફોન દ્વારા પ્રચાર કરવાની આવડતમાં નિખાર લાવતાં જશે અને એમ કરવાથી તેઓ એક બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યા. (૩) જ્યારે મંડળનાં ભાઈ-બહેનોએ ઉત્તેજન આપવા અને મદદ કરવા હાથ લંબાવ્યો, ત્યારે તેઓએ એનો સ્વીકાર કર્યો અને તેઓએ જે પ્રેમ બતાવ્યો એના માટે આભાર માન્યો. એક દયાળુ બહેન તેઓને દરરોજ એક મૅસેજ મોકલતાં હતાં અને એમાં બાઇબલની એક કલમ લખતાં હતાં. એવું તેમણે એક વર્ષ સુધી કર્યું. જો આપણે પણ નવા સંજોગોને સ્વીકારી લઈશું, તો એ સંજોગો પ્રમાણે જે પણ કરી શકતા હોઈશું એમાં ખુશી મેળવી શકીશું.

૧૦. જીવનમાં મોટો ફેરફાર આવ્યો ત્યારે એક બહેને શું કર્યું?

૧૦ પહેલાં જે કરી શકતા હતા એના પર વિચાર કરવાને બદલે હમણાં શું કરી શકો છો એના પર ધ્યાન આપો અને સારી વાતો પર મન લગાડો. રોમેનિયાનાં ક્રિસ્ટીનાબહેન જાપાનમાં રહે છે. તે અગાઉ ત્યાંના અંગ્રેજી મંડળમાં જતાં હતાં. પણ પછીથી એ મંડળ બંધ કરવામાં આવ્યું. બહેન થોડાં નિરાશ થઈ ગયાં, પણ તે એના પર જ વિચાર કરતા ન રહ્યાં. તેમણે નક્કી કર્યું કે તે જાપાની ભાષાના મંડળમાં જશે અને એ ભાષામાં પ્રચાર કરવા બનતું બધું કરશે. તે એ ભાષા સારી રીતે બોલવાનું શીખવા માંગતાં હતાં. એટલે તેમણે એક સ્ત્રી પાસે મદદ માંગી, જે પહેલાં તેમની સાથે કામ કરતી હતી. તેમણે તે સ્ત્રીને પૂછ્યું કે શું તે બાઇબલ અને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા દ્વારા તેમને એ ભાષા શીખવી શકે. એ સ્ત્રી એમ કરવા રાજી થઈ ગઈ. એનાથી કેવો ફાયદો થયો? ક્રિસ્ટીનાબહેન જાપાની ભાષા સારી રીતે બોલવાનું શીખી શક્યાં. એટલું જ નહિ, એ સ્ત્રીને પણ બાઇબલમાંથી શીખવાનો રસ જાગ્યો. આમ, ભૂતકાળને પાછળ છોડીને આગળ વધીએ છીએ ત્યારે, બદલાતા સંજોગોમાં પણ એવા આશીર્વાદો મળી શકે છે, જેના વિશે આપણે વિચાર્યું પણ ન હોય.

૧૧. એક પતિ-પત્નીને પૈસાની તંગી પડી ત્યારે તેઓએ શું કર્યું?

૧૧ બીજાઓ માટે કંઈક કરો. એક પતિ-પત્ની એવા દેશમાં રહે છે, જ્યાં આપણાં કામ પર પ્રતિબંધ છે. એ દેશે દેવાળું ફૂંક્યું ત્યારે, એ પતિ-પત્નીને પૈસાની તંગી પડવા લાગી. એ સંજોગોમાં તેઓએ પોતાને કઈ રીતે ઢાળ્યાં? સૌથી પહેલા, તેઓએ પોતાના ખર્ચા ઓછા કરવા પગલાં ભર્યાં. પછી પોતાની મુશ્કેલીઓ પર વિચાર કરતા રહેવાને બદલે તેઓએ પ્રચારકામમાં લાગુ રહેવાનું અને બીજાઓને મદદ કરવાનું નક્કી કર્યું. (પ્રે.કા. ૨૦:૩૫) પતિએ જણાવ્યું: “અમે મોટા ભાગનો સમય પ્રચારમાં વિતાવતાં હતાં, એટલે મુશ્કેલીઓ પર વિચાર કરવા ઓછો સમય મળતો અને યહોવાની ઇચ્છા પૂરી કરવામાં વધારે સમય મળતો.” સંજોગો બદલાય ત્યારે યાદ રાખવું જોઈએ કે બીજાઓને મદદ કરતા રહેવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને પ્રચારકામ દ્વારા.

૧૨. પ્રચારમાં ફેરફાર કરવા વિશે આપણે પ્રેરિત પાઉલ પાસેથી શું શીખી શકીએ?

૧૨ આપણે પ્રચારકામમાં પણ ફેરફાર કરવા તૈયાર રહેવું જોઈએ. આપણા પ્રચાર વિસ્તારમાં અલગ અલગ પ્રદેશ અને સમાજના લોકો રહે છે. તેઓની રીતભાત અને રીતરિવાજો અલગ અલગ છે. ઈશ્વર વિશેના તેઓના વિચારો પણ જુદા જુદા છે. લોકોના સંજોગોને ધ્યાનમાં રાખીને વાતચીતની રીતમાં ફેરફાર કરવામાં પ્રેરિત પાઉલે સરસ દાખલો બેસાડ્યો છે. ઈસુએ પાઉલને “બીજી પ્રજાઓ માટે એક પ્રેરિત” તરીકે નિયુક્ત કર્યા હતા. (રોમ. ૧૧:૧૩) એટલે પાઉલે યહૂદીઓને, ગ્રીકોને, ભણેલા-ગણેલાઓને, ગામડાંમાં રહેતા લોકોને, સરકારી અધિકારીઓને અને રાજાઓને પ્રચાર કર્યો. જુદા જુદા લોકોને પ્રચાર કરવા પાઉલ ‘દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બન્યા.’ (૧ કોરીં. ૯:૧૯-૨૩) તેમણે ધ્યાન આપ્યું કે તે જેઓને પ્રચાર કરે છે તેઓ ક્યાંના છે અને શું માને છે. એમ કરવાથી તે વાતચીતમાં ફેરફાર કરી શક્યા અને દરેક વ્યક્તિને જેમાં રસ પડે એ રીતે વાત કરી શક્યા. જો આપણે પણ પ્રચાર વિસ્તારમાં રહેતા લોકોનો વિચાર કરીશું અને તેઓને કઈ રીતે મદદ કરી શકાય એ વિચારીશું, તો સારી રીતે પ્રચાર કરી શકીશું.

બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપો

જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીશું (ફકરા ૧૩ જુઓ)

૧૩. જો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીશું, તો ૧ કોરીંથીઓ ૮:૯ પ્રમાણે શું કરવાનું ટાળીશું?

૧૩ જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપી શકીશું. દાખલા તરીકે, આપણી અમુક બહેનોને મેકઅપ કરવું ગમે છે, તો અમુકને નથી ગમતું. અમુક ભાઈ-બહેનો પોતાની હદમાં રહીને દારૂ પીએ છે, તો બીજાઓ એને હાથ પણ લગાડતા નથી. d આપણે બધા જ ચાહીએ છીએ કે આપણી તબિયત સારી રહે. પણ સારવારની વાત આવે ત્યારે બધાના વિચારો અલગ હોય શકે છે. જો એવું માનીશું કે આપણે જ સાચા છીએ અને પોતાના વિચારો બીજાઓ પર થોપવાની કોશિશ કરીશું, તો કોઈને ઠોકર લાગી શકે છે અને મંડળમાં ભાગલા પડી શકે છે. આપણે નથી ચાહતા કે એવું થાય, ખરું ને? (૧ કોરીંથીઓ ૮:૯ વાંચો; ૧૦:૨૩, ૨૪) હવે ચાલો બે દાખલાઓ પર વિચાર કરીએ. એનાથી એ સમજવા મદદ મળશે કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે આપણને સારા નિર્ણયો લેવા અને શાંતિ જાળવી રાખવા મદદ કરે છે.

જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીશું (ફકરા ૧૪ જુઓ)

૧૪. પહેરવેશ અને દેખાવ વિશે નિર્ણય લેતી વખતે બાઇબલના કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?

૧૪ પહેરવેશ અને દેખાવ. આપણે કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે યહોવાએ કડક નિયમો આપ્યા નથી. એના બદલે તેમણે સિદ્ધાંતો આપ્યા છે, જેની મદદથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. એ વિશે નિર્ણય લેતી વખતે આપણે “સમજદારી” રાખવી જોઈએ અને બીજાઓનો વિચાર કરવો જોઈએ. આપણે ‘મર્યાદામાં’ રહીને ઈશ્વરભક્તોને ‘શોભે’ એવાં કપડાં પહેરવાં જોઈએ. (૧ તિમો. ૨:૯, ૧૦; ૧ પિત. ૩:૩) એટલે આપણે એવાં કપડાં નહિ પહેરીએ, જેનાથી લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચાય. બાઇબલ સિદ્ધાંતો વડીલોને પણ મદદ કરશે કે તેઓ કપડાં કે હેર-સ્ટાઇલ વિશે પોતાના નિયમો ન બનાવે. દાખલા તરીકે, એક મંડળમાં અમુક યુવાનોને મદદ કરવા વડીલોએ શું કર્યું એનો વિચાર કરો. એ મંડળના અમુક યુવાનોએ એવી હેર-સ્ટાઇલ કરી હતી, જે એ વખતે ફેશનમાં હતી. તેઓના વાળ એકદમ ટૂંકા હોવાની સાથે સાથે લઘરવઘર પણ હતા. કોઈ નિયમ બનાવ્યા વગર વડીલોએ તેઓને કઈ રીતે મદદ કરી? સરકીટ નિરીક્ષકે વડીલોને સલાહ આપી કે તેઓ યુવાનોને આવું કંઈક કહી શકે: “ધારો કે, તમારો કોઈ ભાગ છે અને તમે સ્ટેજ પર છો. ભાઈ-બહેનોનું ધ્યાન તમે જે કહો છો એના પર નહિ, પણ તમે કેવા દેખાઓ છો એના પર છે. એનો અર્થ થાય કે તમારા પહેરવેશ અને દેખાવમાં કંઈક તકલીફ છે.” આમ સમસ્યાનો સહેલાઈથી ઉકેલ આવી ગયો અને વડીલોએ કોઈ નિયમ પણ બનાવવો ન પડ્યો. e

જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીશું (ફકરા ૧૫ જુઓ)

૧૫. તબિયત અને સારવાર વિશે નિર્ણય લેતી વખતે બાઇબલના કયા નિયમો અને સિદ્ધાંતો ધ્યાનમાં લેવા જોઈએ? (રોમનો ૧૪:૫)

૧૫ તબિયત અને સારવાર. દરેક ઈશ્વરભક્તે પોતે નક્કી કરવું જોઈએ કે તે કઈ રીતે પોતાની તબિયત સાચવશે. (ગલા. ૬:૫) સારવાર લેવાની વાત આવે ત્યારે ઈશ્વરભક્તોએ બાઇબલના આ નિયમો પાળવા જોઈએ: લોહીથી અને મેલીવિદ્યાથી દૂર રહેવું. (પ્રે.કા. ૧૫:૨૦; ગલા. ૫:૧૯, ૨૦) એ સિવાય ઈશ્વરભક્તોએ પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ કેવી સારવાર લેશે. અમુકને સારવાર માટે ડૉક્ટર પાસે જવું ગમે છે, જ્યારે કે અમુકને સારવારની બીજી રીતો ગમે છે. ભલે આપણને ગળા સુધી ખાતરી હોય કે સારવારની કોઈ રીત ઉપયોગી છે અથવા એનાથી નુકસાન થાય છે, પણ એ વિચારો બીજાઓ પર થોપવા ન જોઈએ. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કઈ સારવાર લેવી એ નક્કી કરવાનો હક ભાઈ કે બહેનનો પોતાનો છે. સારવાર વિશે આપણે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ: (૧) ફક્ત ઈશ્વરના રાજ્યમાં જ આપણી બધી બીમારીઓ દૂર થશે અને એ પણ કાયમ માટે. (યશા. ૩૩:૨૪) (૨) દરેક ઈશ્વરભક્તે “પાકી ખાતરી” કરવી જોઈએ કે કઈ સારવાર તેમના માટે યોગ્ય છે. (રોમનો ૧૪:૫ વાંચો.) (૩) આપણે બીજાઓના નિર્ણયો પર સવાલ ઉઠાવવો ન જોઈએ અથવા એવું કંઈ કરવું ન જોઈએ, જેનાથી તેઓને ઠોકર લાગે. (રોમ. ૧૪:૧૩) (૪) ખ્રિસ્તીઓએ પ્રેમ બતાવવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે તેઓના વિચારો કરતાં મંડળમાં એકતા જળવાઈ રહે એ વધારે મહત્ત્વનું છે. (રોમ. ૧૪:૧૫, ૧૯, ૨૦) જો એ મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું, તો ભાઈ-બહેનો સાથે સારો સંબંધ જાળવી શકીશું અને મંડળમાં પણ શાંતિ જળવાઈ રહેશે.

જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપીશું (ફકરા ૧૬ જુઓ)

૧૬. એક વડીલ કઈ રીતે બતાવી શકે કે તે વાજબી છે? (ચિત્રો પણ જુઓ.)

૧૬ વાજબી બનવામાં વડીલોએ સારો દાખલો બેસાડવો જોઈએ. (૧ તિમો. ૩:૨, ૩) દાખલા તરીકે, એક વડીલે એવું ન વિચારવું જોઈએ કે તે બીજાઓ કરતાં ઉંમરમાં મોટા અને વધારે અનુભવી છે, એટલે બીજાઓએ તેમનો પડ્યો બોલ ઝીલવો જોઈએ. એ વડીલે યાદ રાખવું જોઈએ કે યહોવાની પવિત્ર શક્તિ કોઈ પણ વડીલને એવી વાત કહેવા પ્રેરી શકે છે, જેનાથી તેઓને સારો નિર્ણય લેવા મદદ મળે. જો મોટા ભાગના વડીલો કોઈ નિર્ણયથી સહમત હોય અને બાઇબલનો કોઈ સિદ્ધાંત તૂટતો ન હોય, તો એક વાજબી વડીલ એ નિર્ણયને ટેકો આપશે, પછી ભલે તે પોતે કંઈક અલગ માનતા હોય.

વાજબી બનો, અઢળક આશીર્વાદો મેળવો

૧૭. વાજબી બનીએ છીએ ત્યારે કેવા આશીર્વાદો મળે છે?

૧૭ વાજબી બનીએ છીએ, એટલે કે ફેરફારો કરવા તૈયાર રહીએ છીએ ત્યારે, આપણને ઘણા આશીર્વાદો મળે છે. ભાઈ-બહેનો સાથેનો આપણો સંબંધ વધારે મજબૂત બને છે અને મંડળમાં શાંતિ જળવાઈ રહે છે. યહોવાના મંડળમાં અલગ અલગ સ્વભાવ અને સમાજના લોકો છે. પણ એ કેટલું જોરદાર કહેવાય કે અલગ હોવા છતાં આપણે બધા એક કુટુંબ તરીકે યહોવાની ભક્તિ કરીએ છીએ! સૌથી મહત્ત્વનું તો, આપણે યહોવાનું અનુકરણ કરીએ છીએ, જે પોતે વાજબી ઈશ્વર છે. શું એના કરતાં વધારે ખુશીની વાત બીજી કોઈ હોય શકે!

ગીત ૫૩ સંપીને રહીએ

a યહોવા અને ઈસુ ખૂબ વાજબી છે. તેઓ ચાહે છે કે આપણે પણ વાજબી બનીએ. જો આપણે વાજબી હોઈશું, તો બદલાતા સંજોગો પ્રમાણે પોતાને ઢાળવા સહેલું થઈ જશે. જેમ કે, તબિયત બગડે અથવા પૈસાની તંગી પડે ત્યારે એનો સામનો કરવો સહેલું થઈ જાય છે. એટલું જ નહિ, આપણે વાજબી હોઈએ છીએ ત્યારે મંડળમાં પણ સંપ અને શાંતિ જળવાઈ રહે છે.

b સજાગ બનો! નં. ૪ ૨૦૧૬માં આપેલો આ લેખ જુઓ: “બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો.

c એ વીડિયો જોવા jw.org/gu પર “શોધો” બૉક્સમાં લખો: દિમિત્રી મિહાઇલોવનો અનુભવ.

d ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.

e પહેરવેશ અને દેખાવ વિશે વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૫૨ જુઓ.