સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૯

શું તમે મોટી વિપત્તિ માટે તૈયાર છો?

શું તમે મોટી વિપત્તિ માટે તૈયાર છો?

“તૈયાર રહો.”—માથ. ૨૪:૪૪.

ગીત ૪૯ યહોવા છે સહારો

ઝલક a

૧. આફતો માટે પહેલેથી તૈયારી કરવામાં કેમ સમજદારી છે?

 તૈયારી કરવાથી જીવન બચી શકે છે. જેમ કે, કોઈ આફત આવે ત્યારે જેઓએ પહેલેથી એની તૈયારી કરી હોય છે, તેઓની બચવાની શક્યતા વધી જાય છે અને તેઓ બીજાઓને પણ મદદ કરી શકે છે. યુરોપમાં એક સંસ્થા છે, જે જરૂરિયાતવાળા લોકોને મદદ કરે છે. તે કહે છે: “સારી તૈયારી જીવન બચાવી શકે છે.”

૨. આપણે મોટી વિપત્તિ માટે કેમ તૈયાર રહેવું જોઈએ? (માથ્થી ૨૪:૪૪)

“મોટી વિપત્તિ” અચાનક આવી પડશે. (માથ. ૨૪:૨૧) પણ એ બીજી વિપત્તિઓ કરતાં અલગ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે એ આવી રહી છે. આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી હતી કે તેઓ એ દિવસ માટે તૈયાર રહે. (માથ્થી ૨૪:૪૪ વાંચો.) જો આપણે પણ તૈયાર હોઈશું, તો એ અઘરા સમયનો સામનો કરવો આપણા માટે સહેલું થઈ જશે અને આપણે બીજાઓને પણ મદદ કરી શકીશું.—લૂક ૨૧:૩૬.

૩. મોટી વિપત્તિ માટે તૈયાર રહેવા ધીરજ, કરુણા અને પ્રેમનો ગુણ કઈ રીતે મદદ કરશે?

એવા ત્રણ ગુણો પર ધ્યાન આપો, જે કેળવવાથી મોટી વિપત્તિ માટે તૈયાર રહેવા મદદ મળશે. જો આગળ જતાં આપણને ન્યાયનો કડક સંદેશો જાહેર કરવાનું કહેવામાં આવે અને લોકો વિરોધ કરે, તો શું કરીશું? (પ્રકટી. ૧૬:૨૧) ધીરજનો ગુણ આપણને યહોવાની આજ્ઞાઓ પાળવા અને તે બચાવશે એવો ભરોસો રાખવા મદદ કરશે. જો આપણાં ભાઈ-બહેનો પોતાની થોડી કે બધી જ વસ્તુઓ ગુમાવી દે, તો શું કરીશું? (હબા. ૩:૧૭, ૧૮) કરુણાનો ગુણ આપણને ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે. જો રાષ્ટ્રોનો સમૂહ આપણા પર હુમલો કરે અને એના લીધે થોડાક સમય માટે ઘણાં ભાઈ-બહેનો સાથે રહેવું પડે, તો શું કરીશું? (હઝકિ. ૩૮:૧૦-૧૨) પ્રેમનો ગુણ આપણને એ મુશ્કેલ સમયનો સામનો કરવા મદદ કરશે.

૪. બાઇબલમાં કઈ રીતે બતાવ્યું છે કે આપણે ધીરજ, કરુણા અને પ્રેમનો ગુણ કેળવતા રહેવું જોઈએ?

બાઇબલમાં ઉત્તેજન આપ્યું છે કે આપણે ધીરજ, કરુણા અને પ્રેમનો ગુણ કેળવતા રહીએ. લૂક ૨૧:૧૯ (ઓરીજિનલ વર્ઝન બાઇબલ) કહે છે: “તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.” કોલોસીઓ ૩:૧૨માં લખ્યું છે: “કરુણા . . . પહેરી લો.” ૧ થેસ્સાલોનિકીઓ ૪:૯, ૧૦ કહે છે: “ઈશ્વરે પોતે તમને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે. . . . પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે હજુ વધારે પ્રેમ બતાવતા રહો.” એ કલમો એ ઈશ્વરભક્તો માટે લખવામાં આવી હતી, જેઓ પહેલેથી જ ધીરજ, કરુણા અને પ્રેમ બતાવતા હતા. પણ તેઓએ એ ગુણો હજી વધારે કેળવતા રહેવાનું હતું. આપણે પણ એવું જ કરવું જોઈએ. એ માટે ચાલો જોઈએ કે પહેલી સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે એ ગુણો બતાવ્યા. પછી જોઈશું કે આપણે કઈ રીતે તેઓના પગલે ચાલી શકીએ અને સાબિત કરી આપીએ કે આપણે મોટી વિપત્તિ માટે તૈયાર છીએ.

ધીરજ રાખવાનો ઇરાદો મક્કમ કરીએ

૫. પહેલી સદીના ઈશ્વરભક્તોએ કઈ રીતે ધીરજ બતાવી?

પાઉલના સમયમાં ઈશ્વરભક્તોએ ધીરજ રાખવાની ખૂબ જરૂર હતી. (હિબ્રૂ. ૧૦:૩૬) તેઓએ એવી મુશ્કેલીઓનો સામનો કર્યો, જે એ સમયના બીજા લોકો પણ કરતા હતા. જોકે, ખ્રિસ્તી હોવાને લીધે તેઓ પર બીજી પણ અમુક મુશ્કેલીઓ આવી. યહૂદી ધર્મગુરુઓ અને રોમન અધિકારીઓએ ઘણા ઈશ્વરભક્તોની સતાવણી કરી. એટલું ઓછું હોય તેમ કુટુંબીજનો પણ તેઓના દુશ્મનો બની બેઠા હતા. (માથ. ૧૦:૨૧) મંડળમાં પણ અમુક લોકો જૂઠું શિક્ષણ શીખવતા હતા અને ભાગલા પાડતા હતા. વફાદાર ઈશ્વરભક્તોએ ધ્યાન રાખવાનું હતું કે એવા ઈશ્વર-વિરોધીઓની અસર તેઓ પર ન થાય. (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦) એ બધી તકલીફો છતાં તેઓએ ધીરજથી સહન કર્યું. (પ્રકટી. ૨:૩) કઈ રીતે? તેઓએ શાસ્ત્રમાં આપેલા એવા ઈશ્વરભક્તોના દાખલા પર ધ્યાન આપ્યું, જેઓએ ધીરજથી સહન કર્યું હતું. જેમ કે, અયૂબ. (યાકૂ. ૫:૧૦, ૧૧) તેઓએ હિંમત માટે યહોવાને પ્રાર્થના કરી. (પ્રે.કા. ૪:૨૯-૩૧) તેમ જ, એ યાદ રાખ્યું કે જો તેઓ ધીરજ રાખશે, તો યહોવા જરૂર તેઓને ઈનામ આપશે.—પ્રે.કા. ૫:૪૧.

૬. વિરોધનો સામનો કરવા મેરીટાબહેને જે રીતે ધીરજ બતાવી, એનાથી તમે શું શીખ્યા?

બાઇબલમાં અને આપણા સાહિત્યમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ ધીરજથી સહન કર્યું છે. જો તેઓ વિશે વાંચીશું અને એના પર મનન કરીશું, તો આપણે પણ ધીરજથી સહન કરી શકીશું. આવું કરવાથી આલ્બેનિયા રહેતાં મેરીટાબહેનને ધીરજ રાખવા મદદ મળી. તેમના ઘરના લોકો તેમનો ખૂબ વિરોધ કરતા અને માર મારતા. બહેન કહે છે: “મેં બાઇબલમાંથી અયૂબ વિશે વાંચ્યું અને મનન કર્યું. તેમનો દાખલો મારા દિલને સ્પર્શી ગયો. તેમણે ઘણું સહન કર્યું હતું. તે તો જાણતા પણ ન હતા કે તેમની મુશ્કેલીઓ પાછળ કોનો હાથ છે. તોપણ તેમણે કહ્યું: ‘છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!’ (અયૂ. ૨૭:૫) અયૂબે જે સહન કર્યું એની સામે તો મારી મુશ્કેલીઓ કંઈ જ નથી. મને એટલી તો ખબર છે કે મારી મુશ્કેલીઓ પાછળ કોનો હાથ છે.”

૭. ભલે અત્યારે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરતા ન હોઈએ, તોપણ આપણે શું કરવાનું શીખવું જોઈએ?

ધીરજથી સહન કરતા રહેવા એ પણ જરૂરી છે કે વારંવાર યહોવાને પ્રાર્થના કરીએ અને પોતાની ચિંતાઓ જણાવીએ. (ફિલિ. ૪:૬; ૧ થેસ્સા. ૫:૧૭) બની શકે કે, હમણાં તમે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરતા ન હો. પણ જ્યારે ચિંતામાં હો અથવા શું કરવું એની સૂઝ ન પડે, ત્યારે શું યહોવા પાસે માર્ગદર્શન માંગો છો? જો આજે તમે રોજબરોજની નાની નાની મુશ્કેલીઓ માટે યહોવાને નિયમિત પ્રાર્થના કરશો, તો આગળ જતાં મોટી મોટી મુશ્કેલીઓ આવશે ત્યારે તમે યહોવા પાસે મદદ માંગતા અચકાશો નહિ. એ સમયે તમને પૂરો ભરોસો હશે કે તમને ક્યારે અને કઈ રીતે મદદ કરવી એ યહોવાને બરાબર ખબર છે.—ગીત. ૨૭:૧, ૩.

ધીરજ

કોઈ કસોટીનો ધીરજથી સામનો કરીએ છીએ ત્યારે બીજી કસોટીનો સામનો કરવા તૈયાર થઈ શકીએ છીએ (ફકરો ૮ જુઓ)

૮. મીરાબહેનના દાખલાથી કઈ રીતે ખબર પડે છે કે જો હાલની કસોટીઓનો ધીરજથી સામનો કરીશું, તો આવનાર કસોટીઓનો સામનો કરવા મદદ મળશે? (યાકૂબ ૧:૨-૪) (ચિત્ર પણ જુઓ.)

આજે જો મુશ્કેલીઓમાં ધીરજ રાખીશું અને યહોવાને વફાદાર રહીશું, તો બની શકે કે ભાવિમાં મોટી વિપત્તિ દરમિયાન પણ ધીરજ રાખી શકીશું. (રોમ. ૫:૩) એવું કઈ રીતે કહી શકીએ? ઘણાં ભાઈ-બહેનો કહે છે કે જ્યારે પણ તેઓ ધીરજ રાખીને કોઈ કસોટીમાંથી પાર ઊતરે છે, ત્યારે એનાથી તેઓને પછીની કસોટીઓનો સામનો કરવા મદદ મળી છે. યહોવાની મદદથી કસોટી પાર કર્યા પછી તેઓની શ્રદ્ધા વધી છે કે યહોવા તેઓને મદદ કરવા હંમેશાં તૈયાર છે. પછી એ શ્રદ્ધાને લીધે તેઓ બીજી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શક્યા. (યાકૂબ ૧:૨-૪ વાંચો.) આલ્બેનિયામાં રહેતાં મીરાબહેન એક પાયોનિયર છે. તેમણે અનુભવ્યું છે કે પાછલા વર્ષોમાં ધીરજ રાખવાથી તેમને અત્યારે કઈ રીતે ધીરજ રાખવા મદદ મળે છે. ઘણી વાર તેમને લાગે છે કે ફક્ત તેમનું જ જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. પણ પછી તે વિચારે છે કે પાછલાં ૨૦ વર્ષોમાં યહોવાએ તેમની કેટલી કાળજી રાખી છે. તે પોતાને કહે છે: ‘યહોવાને વફાદાર રહે. આટલાં વર્ષો યહોવાએ તને સાથ આપ્યો છે. જરા વિચાર, તેમની મદદથી તેં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. શું તું એ બધી મહેનત પર પાણી ફેરવી દઈશ? હિંમત ન હાર.’ તમે પણ વિચારી શકો કે મુશ્કેલીઓમાં ધીરજ રાખવા યહોવાએ તમને કઈ રીતે મદદ કરી છે. ખાતરી રાખો કે જ્યારે પણ તમે મુશ્કેલીઓમાં ધીરજ રાખો છો, ત્યારે યહોવા એ જુએ છે અને તે તમને ચોક્કસ એનું ઈનામ આપશે. (માથ. ૫:૧૦-૧૨) આમ, મોટી વિપત્તિ શરૂ થતાં સુધીમાં તમે શીખી લીધું હશે કે મુશ્કેલીઓમાં કઈ રીતે ધીરજ રાખવી. પછી એ સમયે યહોવાને વફાદાર રહેવાનો તમારો નિર્ણય એકદમ પાકો હશે.

કરુણા બતાવીએ

૯. અંત્યોખ મંડળનાં ભાઈ-બહેનોએ કઈ રીતે કરુણા બતાવી?

ધ્યાન આપો કે જ્યારે એકવાર યહૂદિયામાં ભારે દુકાળ પડ્યો, ત્યારે શું બન્યું. સિરિયાના અંત્યોખ મંડળનાં ભાઈ બહેનોને એ વિશે ખબર પડી ત્યારે, ચોક્કસ તેઓનું દિલ યહૂદિયાનાં ભાઈ-બહેનો માટે કરુણાથી ઊભરાઈ આવ્યું હશે. પણ શું તેઓ બસ કરુણા બતાવીને બેસી રહ્યા? ના, તેઓએ મદદ કરવા પગલાં પણ ભર્યાં. તેઓએ “યહૂદિયામાં રહેતા ભાઈઓને પોતાનાથી બની શકે એટલી રાહત મોકલી આપવાનું નક્કી કર્યું.” (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) તેઓ યહૂદિયાનાં ભાઈ-બહેનોથી ઘણા દૂર રહેતાં હતાં, તોપણ તેઓને મદદ કરવામાં પાછી પાની કરી નહિ.—૧ યોહા. ૩:૧૭, ૧૮.

કરુણા

કુદરતી આફતો વખતે ભાઈ-બહેનોને કરુણા બતાવવાની તક મળે છે (ફકરો ૧૦ જુઓ)

૧૦. કોઈ કુદરતી આફત આવે ત્યારે ભાઈ-બહેનોને કઈ અલગ અલગ રીતોએ કરુણા બતાવી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૦ આજે કોઈ કુદરતી આફત આવે ત્યારે, ભાઈ-બહેનોને કઈ રીતે કરુણા બતાવી શકીએ? તેઓને મદદ કરવા તરત પગલાં ભરી શકીએ. કદાચ વડીલોને પૂછી શકીએ કે શું આપણે કોઈ કામમાં મદદ કરી શકીએ. b આખી દુનિયામાં ચાલતા કામ માટે દાન આપી શકીએ અથવા આફતની અસર થઈ છે, એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકીએ. (નીતિ. ૧૭:૧૭) દાખલા તરીકે, ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારી ફેલાઈ ત્યારે ભાઈ-બહેનોની સંભાળ રાખવા દુનિયા ફરતે ૯૫૦થી પણ વધારે રાહતકાર્ય સમિતિઓ બનાવવામાં આવી. રાહતકામમાં ભાગ લેનાર એ ભાઈ-બહેનોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેઓનાં દિલમાં ભાઈ-બહેનો માટે કરુણા હતી, એટલે તેઓએ જરૂરી સામાન પહોંચાડ્યો અને તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરી. અમુક કિસ્સાઓમાં તો તેઓએ ભાઈ-બહેનોનાં ઘરો અને ભક્તિ-સ્થળોનું સમારકામ કર્યું અથવા ફરી બાંધ્યાં.—૨ કોરીંથીઓ ૮:૧-૪ સરખાવો.

૧૧. કરુણા બતાવીએ છીએ ત્યારે કઈ રીતે સ્વર્ગમાંના આપણા પિતાને મહિમા મળે છે?

૧૧ આફતના સમયે આપણે કરુણા બતાવીને ભાઈ-બહેનો માટે જે કરીએ છીએ, એના પર લોકો ધ્યાન આપે છે. દાખલા તરીકે, ૨૦૧૯માં ડોરીયન નામના વાવાઝોડાને લીધે બહામાસમાં આવેલું આપણું પ્રાર્થનાઘર પડી ભાંગ્યું. જ્યારે આપણાં ભાઈ-બહેનો એ પ્રાર્થનાઘર ફરી બાંધી રહ્યાં હતાં, ત્યારે તેઓએ એક કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે અમુક કામ માટે તે કેટલા પૈસા લેશે. તેણે કહ્યું: ‘હું મારાં સાધનો મફત વાપરવા આપીશ, સામાન લાવી આપીશ અને મજૂરી પેટે એક પૈસો પણ નહિ લઉં. હું બસ તમારા સંગઠનને મદદ કરવા માંગું છું. તમે જે રીતે તમારા મિત્રોને મદદ કરો છો, એ મારા દિલને સ્પર્શી ગયું.’ આજે મોટા ભાગના લોકો યહોવાને ઓળખતા નથી. પણ બીજાઓને મદદ કરવા યહોવાના સાક્ષીઓ જે કરે છે, એ ઘણા લોકો જુએ છે. જરા વિચારો, કરુણા બતાવીને બીજાઓને મદદ કરીએ છીએ ત્યારે, બીજાઓને એ ઈશ્વર વિશે જાણવાની ઇચ્છા થાય છે, જે “દયાથી ભરપૂર” છે. એ તો કેટલી ખુશીની વાત કહેવાય!—એફે. ૨:૪.

૧૨. જો આજે કરુણા બતાવવાનું શીખીશું, તો કઈ રીતે મોટી વિપત્તિ માટે તૈયાર થઈ શકીશું? (પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭)

૧૨ કેમ મોટી વિપત્તિ દરમિયાન પણ આપણે કરુણા બતાવવી પડશે? બાઇબલથી જાણવા મળે છે કે જેઓ આ દુનિયાની સરકારોને સાથ નથી આપતા, તેઓએ આજે અને મોટી વિપત્તિ દરમિયાન પણ મુશ્કેલીઓ સહેવી પડશે. (પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭ વાંચો.) બની શકે કે, એ સમયે આપણાં ભાઈ-બહેનોને જીવન-જરૂરી વસ્તુઓ મેળવવા મદદની જરૂર હોય. પછી જ્યારે આપણા રાજા, ખ્રિસ્ત ઈસુ લોકોનો ન્યાય કરશે, ત્યારે આપણને કરુણા બતાવતા જોશે અને કહેશે: ‘આવો! રાજ્યનો વારસો લો.’—માથ. ૨૫:૩૪-૪૦.

ભાઈ-બહેનો માટે પ્રેમ વધારતા રહીએ

૧૩. રોમનો ૧૫:૭ પ્રમાણે પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે એકબીજા માટે પ્રેમ બતાવ્યો?

૧૩ પહેલી સદીમાં લોકો સાફ જોઈ શકતા હતા કે ખ્રિસ્તીઓ વચ્ચે કેટલો પ્રેમ છે. પણ શું એ ભાઈ-બહેનો માટે એકબીજાને પ્રેમ બતાવવો સહેલું હશે? રોમના મંડળનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. ત્યાંનાં અમુક ભાઈ-બહેનો યહૂદી હતાં અને તેઓને નાનપણથી જ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું શીખવવામાં આવ્યું હતું. પણ બીજાં અમુક ભાઈ-બહેનો યહૂદી ન હતાં અને તેઓનો ઉછેર એકદમ અલગ સમાજમાં થયો હતો. અમુક ખ્રિસ્તીઓ ગુલામ હતા, તો અમુક આઝાદ. અમુક કિસ્સામાં તો માલિકો અને તેઓના ચાકરો પણ ખ્રિસ્તીઓ હતા. એ ભાઈ-બહેનો એકબીજા કરતાં સાવ અલગ હતાં, છતાં તેઓ એકબીજાને પ્રેમ કરતા રહ્યાં. તેઓ કઈ રીતે એવું કરી શક્યાં? પ્રેરિત પાઉલે તેઓને અરજ કરી, “એકબીજાનો આવકાર કરો.” (રોમનો ૧૫:૭ અને ફૂટનોટ વાંચો.) એનો અર્થ શું થાય? એ કલમમાં જે શબ્દનું ભાષાંતર “સ્વીકાર” કે “આવકાર” કરો થયું છે, એનો અર્થ થાય કે કોઈ સાથે પ્રેમથી વર્તવું કે મહેમાનગતિ બતાવવી, જેમ કે કોઈને પોતાના ઘરે બોલાવવા અથવા તેઓ સાથે દોસ્તી કરવી. દાખલા તરીકે, પાઉલે ફિલેમોનને કહ્યું કે તે પોતાના ગુલામ ઓનેસિમસનો ‘પ્રેમથી આવકાર કરે,’ જે તેના ત્યાંથી નાસી ગયો હતો. (ફિલે. ૧૭) પ્રિસ્કિલા અને આકુલાએ અપોલોસનો આવકાર કર્યો. તેઓ કરતાં અપોલોસને ઈસુના શિક્ષણ વિશે ઓછી જાણકારી હતી. તોપણ તેઓએ તેની સાથે દોસ્તી કરી અને “તેને પોતાની સાથે લઈ ગયા.” (પ્રે.કા. ૧૮:૨૬) અલગ અલગ સમાજમાંથી આવ્યા હોવા છતાં પહેલી સદીના ખ્રિસ્તીઓએ પોતાનામાં ભાગલા પડવા ન દીધા અને દિલથી એકબીજાનો આવકાર કર્યો.

પ્રેમ

આપણને ભાઈ-બહેનોના પ્રેમની જરૂર છે (ફકરો ૧૫ જુઓ)

૧૪. એનાબહેન અને તેમના પતિએ કઈ રીતે ભાઈ-બહેનોને પ્રેમ બતાવ્યો?

૧૪ આપણે પણ ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ અને તેઓ સાથે સમય વિતાવીએ. એમ કરીને બતાવી આપીએ કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. બદલામાં તેઓ પણ આપણને પ્રેમ કરશે. (૨ કોરીં. ૬:૧૧-૧૩) એનાબહેન અને તેમના પતિના દાખલા પર ધ્યાન આપો. તેઓ પશ્ચિમ આફ્રિકામાં મિશનરી તરીકે સેવા આપતાં હતાં. પછી તેઓને પશ્ચિમ આફ્રિકાના બીજા ભાગમાં નવી સોંપણી મળી. તેઓ ત્યાં પહોંચ્યા એના થોડા જ સમય પછી કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ગઈ. એટલે તેઓ એ મંડળનાં ભાઈ-બહેનોને રૂબરૂમાં મળી શક્યાં નહિ અને તેઓ સાથે ઓળખાણ કરવી અઘરું થઈ ગયું. તો પછી તેઓ કઈ રીતે ભાઈ-બહેનોને પ્રેમ બતાવી શક્યાં? તેઓએ વીડિયો દ્વારા ભાઈ-બહેનો સાથે વાત કરી અને જણાવ્યું કે તેઓને સારી રીતે ઓળખવા માંગે છે. તેઓનો પ્રેમ ભાઈ-બહેનોનાં દિલને સ્પર્શી ગયો. પછી તેઓ પણ એ યુગલને વારંવાર ફોન અને મૅસેજ કરવા લાગ્યાં. એ પતિ-પત્નીએ ભાઈ-બહેનોને વધારે ઓળખવા કેમ આટલી બધી મહેનત કરી? એનાબહેન જણાવે છે, “સારા-નરસા સંજોગોમાં ભાઈ-બહેનોએ મને અને મારા કુટુંબને જે પ્રેમ બતાવ્યો હતો, એ હું આજે પણ ભૂલી નથી. એટલે મને પણ થાય છે કે હું પણ ભાઈ-બહેનોને એવો જ પ્રેમ બતાવું.”

૧૫. બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરવા વિશે વેનેસાબહેનના દાખલામાંથી તમે શું શીખ્યા? (ચિત્ર પણ જુઓ.)

૧૫ ઘણાં મંડળોમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓનો ઉછેર અલગ અલગ માહોલમાં થયો છે અને તેઓનો સ્વભાવ પણ અલગ અલગ છે. જો તેઓના સારા ગુણો પર ધ્યાન આપીશું, તો તેઓને વધારે પ્રેમ કરી શકીશું. વેનેસાબહેન ન્યૂ ઝીલૅન્ડમાં સેવા આપે છે. મંડળનાં અમુક ભાઈ-બહેનો સાથે હળવું-મળવું તેમને અઘરું લાગતું હતું. કારણ કે તેઓના સ્વભાવથી બહેનને ચીડ ચઢતી હતી. પણ તેમણે નક્કી કર્યું કે તેઓથી દૂર દૂર રહેવાને બદલે તે તેઓ સાથે સમય વિતાવશે. એમ કરવાથી બહેન જાણી શક્યાં કે તેઓમાં એવી કઈ સારી વાત છે, જે યહોવાને ખૂબ ગમે છે. બહેન જણાવે છે: “મારા પતિ સરકીટ નિરીક્ષક બન્યા ત્યારથી અમે એવાં ઘણાં ભાઈ-બહેનોને મળીએ છીએ, જેઓનો સ્વભાવ અમારા કરતાં એકદમ અલગ છે. પણ હવે હું સહેલાઈથી તેઓ સાથે ભળી જાઉં છું. હવે મને અલગ અલગ ભાઈ-બહેનોને મળવાનું ખૂબ ગમે છે. યહોવા પણ અલગ અલગ પ્રકારનાં ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. એટલે જ તો તેમણે દરેક પ્રકારના લોકોને પોતાની તરફ ખેંચ્યા છે.” યહોવાની જેમ ભાઈ-બહેનોમાં સારા ગુણો જોઈને બતાવી આપીએ છીએ કે, આપણે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ.—૨ કોરીં. ૮:૨૪.

યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે ભાઈ-બહેનો સાથે મળીને તેમની ભક્તિ કરતા રહીશું, તો મોટી વિપત્તિ દરમિયાન તે આપણું રક્ષણ કરશે (ફકરો ૧૬ જુઓ)

૧૬. મોટી વિપત્તિ દરમિયાન ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો કેમ બહુ જરૂરી હશે? (ચિત્ર પણ જુઓ.)

૧૬ મોટી વિપત્તિ દરમિયાન પણ આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો પડશે. મોટી વિપત્તિ શરૂ થશે ત્યારે યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરશે? ધ્યાન આપો કે પ્રાચીન સમયમાં જ્યારે બાબેલોન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે યહોવાએ પોતાના લોકોને કયું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેઓને કહ્યું હતું: “ઓ મારા લોકો, તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) બની શકે કે, મોટી વિપત્તિ દરમિયાન કદાચ યહોવાના લોકોએ પણ એવું જ કરવું પડે. ‘અંદરના ઓરડાઓ’ કદાચ મંડળોને બતાવે છે. યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે ભાઈ-બહેનો સાથે મળીને તેમની ભક્તિ કરતા રહીશું, તો મોટી વિપત્તિ દરમિયાન તે આપણું રક્ષણ કરશે. એટલે હમણાં ફક્ત ભાઈ-બહેનોનું સહન કરવા જ નહિ, તેઓને પ્રેમ બતાવવા પણ સખત મહેનત કરીએ. એમ કરીશું તો કદાચ આપણું જીવન બચી શકે છે.

હમણાંથી તૈયારી કરીએ

૧૭. જો પોતાને અત્યારથી તૈયાર કરીશું, તો મોટી વિપત્તિ દરમિયાન શું કરી શકીશું?

૧૭ “યહોવાનો મહાન દિવસ” આવશે ત્યારે બધા માટે બહુ અઘરો સમય હશે. (સફા. ૧:૧૪, ૧૫) યહોવાના લોકો પણ એમાંથી બાકાત નહિ રહે. પણ જો અત્યારથી પોતાને તૈયાર કરીશું, તો એ સમયે શાંત રહી શકીશું અને બીજાઓને મદદ કરી શકીશું. આપણી સામે ભલે ગમે એવી મુશ્કેલી આવે, આપણે ધીરજ રાખી શકીશું. જ્યારે ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય, ત્યારે કરુણા બતાવીશું અને તેઓની જરૂરિયાતો પૂરી કરીશું. તેઓને મદદ કરવા બનતું બધું કરીશું. તેમ જ, જો આજે ભાઈ-બહેનોને પ્રેમ કરીશું, તો ભાવિમાં પણ તેઓને પ્રેમ કરતા રહીશું. પછી યહોવા આપણને નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન આપશે, જ્યાં બધી મુશ્કેલીઓ અને આફતોની કડવી યાદો ભુલાઈ જશે.—યશા. ૬૫:૧૭.

ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે

a જલદી જ મોટી વિપત્તિ શરૂ થશે. એ સમયે એવા બનાવો બનશે, જે અત્યાર સુધી કદી બન્યા નથી. જો અત્યારે આપણે ધીરજ રાખીશું, ભાઈ-બહેનોને કરુણા બતાવીશું અને તેઓને પ્રેમ કરીશું, તો માનવ ઇતિહાસના સૌથી મુશ્કેલ સમય માટે તૈયાર થઈ શકીશું. ધ્યાન આપો કે પહેલી સદીના ઈશ્વરભક્તો કઈ રીતે એ ગુણો બતાવવાનું શીખ્યા, આજે આપણે કઈ રીતે એ ગુણો બતાવી શકીએ અને એ ગુણો કઈ રીતે આપણને મોટી વિપત્તિ માટે તૈયાર કરશે.

b રાહતકામમાં મદદ કરવા માંગતાં ભાઈ-બહેનોએ લોકલ ડિઝાઇન/ કન્સ્ટ્રક્શન વૉલન્ટિયર એપ્લિકેશન (DC-50) અથવા એપ્લિકેશન ફોર વૉલન્ટિયર પ્રોગ્રામ (A-19) નામનાં ફૉર્મ ભરવાં જોઈએ. પછી તેઓને બોલાવવામાં આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.